Good Morning books and stories free download online pdf in Gujarati

ગુડ મોર્નિગ

પ્રકરણ 1

તમે ‘પીપલ પ્લેઝર’ છો? તમે સતત બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરો છો?

ગૂડ મોર્નિંગ!

મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં અનિતા મૂર્જાની નામની એક મહિલાનો વીડિયો વાઇરલ થયો છે. અનિતા બેસ્ટ સેલર પુસ્તક "ડાઇંગ ટૂ બી મી"ના લેખિકા છે. તેમને કેન્સર થયું હતું અને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. સામાન્ય રીતે આવી સ્થિતિમાં પીડિત વ્યક્તિ અને તેના કુટુંબીજનો નાસીપાસ થઈ જાય છે. પણ અનિતા મૂર્જાની નોખી માટીના છે. તેમણે મરી મરીને, રડી રડીને, આંસૂ સારીને જીવવા કરતાં મૃત્યુ સુધી મનભરીને જિંદગી જીવવાનો નિર્ણય લીધો. પછી જે થયું તેને તમે ચમત્કાર જ કહી શકો. ડૉક્ટરોની સારવાર સાથે તેમનું મજબૂત મનોબળ અને જીવન પ્રત્યેની અપાર શ્રદ્ધા ભળી. દવાની અસર અને જીજીવિષા રંગ લાવી. તેમણે નવજીવન મેળવ્યું. પછી તેમણે કેન્સર સામે તેમની લડાઈની વાત રજૂ કરતું સુંદર, પ્રેરણાત્મક પુસ્તક લખ્યું છે, જેનું નામ ‘ડાઇંગ ટૂ બી મી’ છે. આ પુસ્તકે ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટસેલર પુસ્તકોમાં મેળવ્યું છે.

આ પુસ્તકની સૌથી મજાની અને મહત્ત્વપૂર્ણ બાબત કઈ છે? ચાલો તેની વાત કરીએ. અનિતાએ પુસ્તકમાં પોતાની બિમારી માટે પોતાની જીવનશૈલી કે પોતાના ભોજનની આદતોને બદલે પોતાની માનસિકતા, પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવને વિશેષ દોષિત ઠેરવ્યો છે. તેમણે પુસ્તકમાં પોતાને "People Pleasure (પીપલ પ્લેઝર)" ગણાવ્યાં છે. હવે તમને પ્રશ્ર થશે કે પીપલ પ્લેઝર એટલે શું?

પીપલ પ્લેઝર એટલે બધાને ખુશ રાખવા અને રાજી કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ. અનિતાએ પુસ્તકમાં જણાવ્યું છે કે, "હું હંમેશા મારી આસપાસના લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતી હતી. બીજા લોકો નારાજ થઈ જશે એવા ડર હેઠળ હું સતત જીવતી હતી. હું લોકોની અપેક્ષાઓ સંતોષતી હતી. મારી આ જ પ્રકૃતિ, લોકો નારાજ થઈ જવાનો ડર, બીજા લોકોની પ્રશંસા મેળવવાની મારી વૃત્તિએ મારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી હતી. છેવટે હું મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગઈ હતી. "

મનોવિજ્ઞાનીઓ કહે છે કે, શરીર અને મન વચ્ચે દ્વિમાર્ગી પ્રક્રિયા ચાલતી હોય છે. શરીરમાં થતા ફેરફારોની અસર મન પર થાય છે અને મનમાં ચાલતી ગડમથલની અસર શરીર પર થાય છે. જો તમારું શરીર સાબૂત નહીં હોય તો તમારું મન પણ સ્વસ્થ નહીં રહે. તે જ રીતે મન સ્વસ્થ નહીં રહે તો લાંબા ગાળે તેની શરીર પર નુકસાનકારક અસર થાય છે. મનને સ્વસ્થ રાખવાનો સીધો અને સરળ ઉપાય છેઃ તમારું જીવન જીવવું. તમારી મરજી મુજબનું જીવન જીવવું. અહીં કહેવાનો અર્થ એ છે કે, આપણે બીજા કોઈને નુકસાન ન થાય એ રીતે પોતાની મરજી મુજબનું, પોતાની ઇચ્છા મુજબનું જીવન જીવવું જોઈએ. પણ આપણામાંથી મોટા ભાગના લોકો આપણા જાતને ખુશ રાખવાને બદલે બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. બીજાને પ્રભાવિત કરવા માટે આપણે આપણી ઇચ્છાઓને બદલે બીજાઓની મરજી મુજબનું જીવન જીવીએ છીએ. આ પ્રકારની માનસિકતા ધરાવતી વ્યક્તિઓને ‘પીપલ પ્લેઝર’ કહેવાય છે.

આપણા માટે પીપલ પ્લેઝર શબ્દ નવો છે. પણ તમારી આસપાસ નજર કરશો તો તમને આ પ્રકારની માનસિકતા ધરાવતી વ્યક્તિઓ ઊડીને આંખે વળગશે. તમારે પણ ચકાસવું જોઈએ કે, તમે પીપલ પ્લેઝર તો નથી ને? તમારે આ માટે વિશેષ કશું કરવાનું નથી. તમારે તમારી જાતને ફક્ત ત્રણ પ્રશ્રોના જવાબ પ્રામાણિકતાપૂર્વક આપવાના છે. ચાલો, આ પ્રશ્રો જોઈએઃ

  • તમે કોઈને માઠું ન લાગે એ માટે સતત તેમની અપેક્ષાઓ સંતોષવા પ્રયાસ કરો છો?
  • તમે સતત તમારી આસપાસના લોકોને રાજી રાખવાનો પ્રયાસ કરો છો?
  • તમારા માટે બીજા લોકોની નજરમાં તમારી સારી છાપ ઊભી કરવી વધારે જરૂરી છે? તમે સતત બીજા લોકોની પ્રશંસા મેળવવા ઇચ્છો છો?
  • જો આ પ્રશ્રોના જવાબ “હા”માં હોય તો તમે પણ “પીપલ પ્લેઝર” છો. આ પ્રકારની વ્યક્તિની હાલત અત્યંત દયનીય હોય છે. આવી વ્યક્તિને ગુજરાતી નાટક જોવા જવું હોય, પણ સગાસંબંધીઓ સાથે અંગ્રેજી પિક્ચર જોવું પડે છે. ચાઇનીઝ વાનગીઓ ખાવાની ઇચ્છા હોય ને પંજાબી હોટેલમાં ભોજન લેવું પડે છે. ટૂંકમાં જો તમે પીપલ પ્લેઝર હશો તો મોટા ભાગે તમે તમારી ઇચ્છાને દબાવશો, પણ બીજા લોકોને રાજી કરવા માટે તમને પસંદ ન હોય તેવા કામ પણ હસતાં-હસતાં કરતા હશો.

    હવે વિચારો કે, તમે ‘પીપલ પ્લેઝર’ છો?

    હકીકતમાં આ પ્રકારની માનસિકતા ધરાવતી વ્યક્તિ અન્ય લોકોની પ્રશંસા મેળવવા સતત પ્રયાસરત હોય છે. મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, બીજાને ખુશ રાખવા મથતી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. જ્યાં આત્મવિશ્વાસ ઓછો હોય ત્યાં ડર વધારે હોય છે અને પીપલ પ્લેઝર બીજા લોકો નારાજ નહીં થાય તેવા ડરથી પીડાતા હોય છે. તેમની દરેક ક્રિયા-પ્રતિક્રિયા બીજાને ખુશ કરવા, બીજાને પ્રભાવિત કરવા માટેની જ હોય છે. પોતાના કાલ્પનિક ડરથી અન્ય લોકોને ખુશ રાખવાની માનસિકતાને મનોવિજ્ઞાનની ભાષામાં ફોબિયા કે કાલ્પનિક ડરને ફોબિયા કહેવાય છે.

    આ ફોબિયામાંથી છૂટવાનો ઉપાય શું? અહીં આપણે બધાએ સમજવાની જરૂર છે કે આપણે સુપરમેન નથી અને સુપરમેન પણ હંમેશા બધાને ખુશ રાખી ન શકે. વળી કોઈ વ્યક્તિ સતત બીજા લોકોને ખુશ રાખીને પોતે ખુશ રહી શકે? ક્યારેય આ શક્ય જ નથી. જે વ્યક્તિ પોતાની જાતથી ખુશ નથી, તે બીજાને ખુશ ન કરી શકે. જ્યારે તમે પોતે નિજાનંદમાં નથી, ત્યારે તમે બીજાના જીવનમાં ખુશી કેવી રીતે લાવી શકશો! જ્યારે તમે તમારી જાત પ્રત્યે સંતુષ્ટ થશો, ત્યારે જ બીજાને સંતોષ આપી શકશો. જ્યારે તમને કોઈ કામ પસંદ પડશે, ત્યારે જ તમે તેમાં 101 ટકા એનર્જી આપી શકશો અને આવી રીતે કરેલું કામ બીજા લોકોને પણ પસંદ પડશે.

    ‘પીપલ પ્લેઝર’ વ્યક્તિઓ પોતાની ઇચ્છાને બદલે બીજાની ઇચ્છા મુજબ કામ કરે છે, કારણ કે તેને બીજાને ખુશ કરવા છે, અન્ય લોકોને પ્રભાવિત કરવા છે. આ સ્થિતિસંજોગોમાં તેઓ કોઈ પણ કામ ફરજરૂપે કરે છે. જ્યારે તમે કોઈ કામ ફરજ સ્વરૂપે કરો છો, ત્યારે તમે યંત્રવત કામ કરો છો. તેમાંથી તમારી રચનાત્મકતા બહાર આવતી નથી, તમારો માંહ્યલો રાજી રહેતો નથી અને આવું કામ બીજા લોકોને પણ પ્રભાવિત કરી શકતું નથી, ખુશ કરી શકતું નથી. એટલે સૌપ્રથમ તો આપણે બધાએ આપણને કયું કામ પસંદ છે કે નાપસંદ છે તે અંગે સ્પષ્ટતા મેળવવી જોઈએ અને જે કામ પસંદ નથી તે નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ. જ્યારે તમને કોઈ કામ ચીંધે અને તે પસંદ ન હોય, ત્યારે તમારે ના પાડવાનું સાહસ કેળવવું જોઈએ.

    ‘પીપલ પ્લેઝર’ વ્યક્તિઓને બીજો ડર પોતે સ્વાર્થી ગણાશે તેવો હોય છે. તેઓ સતત નિઃસ્વાર્થી અને પરગજુ હોવાનું દેખાડવા પ્રયાસ કરતાં હોય છે. પણ જ્યારે તમે બીજા કોઈને નુકસાન પહોંચાડ્યાં વિના તમારું મનપસંદ કામ કરો છો, ત્યારે તમે બિલકુલ સ્વાર્થી નથી. પોતાને જાતને ખુશ રાખવામાં કોઈ વ્યક્તિ સ્વાર્થી કે અસંવેદનશીલ થઈ જતી નથી. વાત મૂલ્યોની, સિદ્ધાંતોની છે. આપણા દરેકના જીવનમાં મૂલ્યો હોવા જોઈએ, સિદ્ધાંતો હોવા જોઈએ. પોતાના ગમોઅણગણો સ્પષ્ટ વ્યક્ત કરવાનું સાહસ હોવું જોઈએ. સૌથી વિશેષ વાત તો આત્મવિશ્વાસની છે. તમને તમારી જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ. તમારે તમારા ચારિત્ર્યનું પ્રમાણપત્ર બીજા પાસેથી લેવાની જરૂર નથી. જો તમે તમારું સ્વમાન જાળવશો, તો બીજા પણ તમારા સ્વમાનની કદર કરશે. તો ચિંતા છોડો અને પહેલાં પોતાની જાતને ખુશ રાખવાનો પ્રયાસ કરો, બીજા ખરેખર તમારી પ્રસન્નતા જોઈને ખુશ થઈ જશે.

    માસ્ટરસ્ટ્રોકઃ જ્યાં સુધી તમને તમારી જાત પર વિશ્વાસ ન હોય, ત્યાં સુધી તમે ઈશ્વર પર પણ શ્રદ્ધા નહીં કેળવી શકો – સ્વામી વિવેકાનંદ