Dharm charchama jangalo ane khetaro books and stories free download online pdf in Gujarati

ધર્મ ચર્ચામાં જંગલો અને ખેતરો

  • ધર્મ ચર્ચામાં જંગલો અને ખેતરો
  • સામવેદમાં ઋગ્વેદની રુચાઓનું ગાન કરવામાં આવ્યું છે. જેના કારણે તેમાં માધુર્ય છે. આ રુચાઓ બે પ્રકારે રજૂ કરવામાં આવી છે. એક તો અરણ્ય ગાન અને બીજુ ગ્રામ્ય ગાન. આ બે ભાગ દ્નારા ધર્મ અંગેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અરણ્ય ગાન એટલે જંગલના ગીતો અને ગ્રામ્ય ગાન એટલે સમાજના સ્થાયી થવાના ગીતો. જંગલ એ પ્રકૃતિનું કાયમી સ્વરૂપ છે. જંગલમાં કોઈ નિયમો આબદ્ધ નથી. જે બળવાન હોય તે જીવે અને જે નબળો હોય તે મરે. જે બળવાન અને બુદ્ધિશાળી હોય તે ખોરાક મેળવી લે અને બાકીના ભૂખે મરે. જંગલમાં કોઈ નિયમ નથી, કોઈ સત્તા નથી અને કોઈ કાયદાઓ નથી. જેને મત્સ્ય ન્યાય તરીકે પણ ઓળખાય છે. મત્સ્ય ન્યાય એટલે માછલીઓનો કાયદો. વેદમાં પ્રકૃતિના નિયમોની જ વાત કરવામાં આવી છે. પ્રકૃતિને કાલિ સાથે સરખાવવામાં આવી છે. જે કપડા પહેર્યા વિના ખુલ્લા વાળે દોડે છે.

    માણસે પહેલા જંગલોમાં વાસ કર્યો અને પછી જંગલોને ખેતરોમાં ફેરવ્યા અને પછી સ્થાયી થઈને ગામડાઓની રચના કરી. અહીં બધું જ પાલતું છે. માણસો, વનસ્પતિ, પ્રાણીઓ બધું જ નીતિથી ચાલે છે. બધું જ નીતિ સાથે રીતથી ચાલે છે. બધે જ નિયમો અને ફરજોનું પાલન કરવામાં આવે છે. અહીં જે નબળા છે તેમનું ધ્યાન રાખવું અને તેમના રક્ષણની જવાબદારી લેવામાં આવે છે.જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. આમ જે દેખાય છે તે ગૌરી છે. ગૌરી દેવીનું એવું સ્વરૂપ કે જે લીલા રંગની સાડી પહેરે છે અને તેના વાળ ફૂલોથી બાંધેલા છે અને તે દરેક પરિવારનું ધ્યાન રાખે છે.

    રામાયણમાં રામની વાર્તામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે રામ અયોધ્યાથી ચાલ્યા જાય છે. અહીં તે જંગલમાં વસવાટ કરે છે. માનવીય વસાહત એટલે ગૌરી અને જંગલ એટલે કાલિ. આમ માનવીય વસાહતમાંથી તેઓ કાલીમા તરફ જાય છે. મહાભારતમાં પણ પાંડવોનો જન્મ જંગલમાં થાય છે અને ત્યારબાદ તેઓ હસ્તિનાપુરમાં આવે છે અને એ પછી ફરી તેઓ નિરાશ્રિત તરીકે ઈન્દ્રપ્રસ્થમાંથી વનવાસ તરફ ગતિ કરે છે. અને છેલ્લે જીતીને પાછા આવે છે અને ફરી પાછા પોતાના સફળતાપૂર્વકના શાસન બાદ જંગલમાં ચાલ્યા જાય છે.

    એક બાળક તરીકે આપણને હંમેશા સમાજમાં જીવન જીવવાની આદત પાડવામાં આવે છે. જેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ગૃહસ્થ તરીકે સમાજમાં અર્પણ કરવાનું કાર્ય શરૂ કરીએ છીએ જેને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ ગૃહસ્થાશ્રમ પૂર્ણ થયા બાદ વનમાં રહેવા જતા જેને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવતો. અને એ પછી એક સાધુ કે ઋષિ જેવું જીવન જીવતા જેને સંન્યાસાશ્રમ પણ કહેવામાં આવ્યો. સંન્યાસમાં આપણે પ્રકૃતિની પેલે પાર જવાનો પ્રયત્ન કરીએ છીએ.

    બુદ્ધના સર્વઅસ્તિત્વવાદ અનુસાર અભિધમ્મ - મહાવિભાસ-શાસ્ત્રમાં નિર્વાણની સમજણ આપવામાં આવી છે. નિર્વાણની પ્રાપ્તી માટે આપણે વન ગમન કરીએ છીએ. નિર્વાણ એટલે ઓળખનો અંત એવું બૌદ્ધો જણાવે છે. ધર્મનો મુખ્ય ઉદ્દેશ્ય જ નિર્વાણની પ્રાપ્તી છે એવું બૌદ્ધો માને છે.

    રામ અને રાવણ બંને શહેરોમાં જ રહેતા હતા. રાવણ નિયમોથી આબદ્ધ નોતો. એક રીતે કહીએ તો તે મત્સ્ય ન્યાયને અનુસરતો હતો. તે નગરવાસી હોવા છતાં તે નિયમોને અનુસરતો નોતો. પ્રકૃતિના નિયમોનું પાલન ન કરવું એ અધર્મ છે. જે રીતે રાવણ યેન કેન પ્રકારેણ પોતાનું ધાર્યુ કરવા મથતો હતો એવી જ રીતે દુર્યોધન પણ પોતાની કુટનીતિ થકી પોતાનું કામ કરતો હતો. તે અન્યનો વિચાર ઓછો કરતો અને પોતાનો વિચાર વધુ કરતો હતો. આ જ અધર્મ છે. જ્યારે આપણે અન્યના કલ્યાણ વિશે વિચારીએ છીએ તે ધર્મ છે. તેને કોઈ નિયમ સાથે લેવા-દેવા નથી. એટલે જ કૃષ્ણએ નિયમો તોડીને પણ ધર્મનું રક્ષણ કર્યું અને અન્યોના કલ્યાણનો વિચાર કર્યો.

    જંગલમાં દરેક જીવ પોતાને બચાવવા માટે તત્પર છે. પરંતુ માત્ર મનુષ્ય એક એવું પ્રાણી છે જેની પાસે પોતાના રક્ષણ સિવાય પણ અન્યનું કલ્યાણ કરવાની ક્ષમતા છે. જેને ધર્મ કહીએ છીએ. આમ આ વાતને કોઈ નિયમો સાથે લેવા-દેવા નથી. આમાં સંવેદનશીલતાની વાત છે કે જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિની તકેદારી રાખે છે. અન્યનું ભલું તો આપણે શહેર કે જંગલમાં જ્યાં પણ હોઈએ ત્યાં ચોક્કસ કરી શકીએ છીએ. જંગલમાં કૃષ્ણ ગોપીઓ સાથે નાચે છે અને પોતાને અને ગોપીઓને સુરક્ષિત રાખી શકે છે. જંગલ હોય કે સમાજ, કાલી હોય કે ગૌરી - પ્રાણી જગત હોય કે મનુષ્ય જગતને સમજ્યા વિના ધર્મની ચર્ચા અધૂરી છે.