Dikarao khud baap banshe tyare.. books and stories free download online pdf in Gujarati

દીકરાઓ ખુદ બાપ બનશે ત્યારે..

દીકરાઓ ખુદ બાપ બનશે ત્યારે..

ટેલીફોનની લાંબી રીંગ વાગી.

”મોટાભાઈ, શ્રવણ બોલું છું.”

”કોણ, શ્રવણ?” રામજીભાઈને બીજા છેડેથી નાના ભાઈનો રડમસ અવાજ સંભાળ્યો..

‘’કેમ છો? મજામાં ને ? શકુંતલા કેમ છે ? અને રેન્ચો ?”

શ્રવણ છેક અમેરિકામાં હતો, પણ…. એનું બીજું ઘર મોટાભાઈ રામજીની છાતીમાં હતું, બંને ભાઈઓ વચ્ચે જવલ્લે જ જોવા મળે એવો ‘ભાઈચારો’ હતો.

શ્રવણ સાવ ઢીલોઢફ બનીને બોલી રહ્યો હતો : “અમે ઠીક છીએ ! પણ અમે ભારત આવીએ છીએ. ગુરુવારની ફલાઈટ છે. બોમ્બેથી સાડા સાત વાગ્યાના જેટમાં રાજકોટ આવીશું. હું અને શકુંતલા જ આવીએ છીએ.”

”કેમ, અચાનક?!” રામજીભાઈ સ્તબ્ધ થઈ ગયા. શ્રવણ ભારત આવતો હતો એ સમાચાર ન હતા, પણ અગાઉથી જાણ કર્યા વગર આવતો હતો, અને અવાજ ઉપરથી બહુ સારા સમાચાર ન હોઈ તેવું લાગી રહ્યું હતું.

”મોટાભાઈ! રેન્ચોએ અમને બહુ મોટો આઘાત આપ્યો છે.”

“વધુ વાતો ત્યાં આવીને કહીશ.

ફોન બીજા છેડેથી કપાયો અને રામજીભાઈના મનમાં વહી ગયેલો ભુતકાળ પડખું ફેરવીને બેઠો થયો.

* * *

”નમસ્કાર મોટાભાઈ અને ભાભી, મુંબઈથી લિ. શ્રવણના પ્રણામ. આ પત્ર એટલા માટે લખું છું કે….”

આજથી બરાબર દસ વરસ પહેલાં રાજકોટથી મુંબઈની એન્જિનિયરીંગ કોલેજમાં ભણવા ગયેલા શ્રવણનો આજે મોટાભાઈ ઉપર પત્ર આવ્યો હતો. એનું ભણવાનું હમણાં જ પૂરું થયું હતું. રામજી અને શ્રવણના માતા પિતા બંને શ્રવણ નાનો હતો ત્યારે જ પરધામ વસી ગયા હતા. રામજીભાઈ અને તેની પત્ની એ જ શ્રવણને ભણાવ્યો હતો. ટૂંકા પગારની નોકરીમાંથી, અને ઘરે ટયૂશન્સ કરાવીને. રામજીની પત્ની એ પણ ઘણો ભોગ આપ્યો હતો. રામજીએ સગ્ગા દીકરાના મોંમાંથી કોળિયો છીનવીને શ્રવણના અભ્યાસનો ખર્ચ ઉપાડ્યો હતો.

”ભાઈ, હવે ભણવાનું પૂરૂં થયું. તું રાજકોટ આવી જા. મેં અહીં નોકરી માટે બે-ત્રણ ઠેકાણે તપાસ કરી રાખી છે.” રામજી હજુ ઢોળીયો ઢાળીને વિચારી રહ્યો હતો પત્ર લખવાનું.

તે પહેલાં જ શ્રવણનો પત્ર આવી ગયો. એ આગળ લખતો હતો : “મેં મારા માટે એક છોકરી જોઈ રાખી છે. અમે બંને એક-બીજાંને પસંદ છીએ. મારો વિચાર એની સાથે જ લગ્ન કરવાનો છે. તે આપણી જ્ઞાતિની નથી. તેથી આપણા કાકાઓ અને વડીલો આ લગ્ન મંજુર નહીં રાખે. તમે મારા ભાઈ છો એટલે જાણ કરું છું, બાકી એ લોકોને તો કહેવા માટે પણ મારી હિંમત ચાલતી નથી. તમે જો મને સહકાર આપો, તો હું…” પત્રતો લાંબો હતો પણ લગ્ન સિવાયની બીજી વાત નકામી હતી.

રામજીભાઈ અને ભાભીના ટેકા વગર શ્રવણનું લગ્ન અશકય હતું. શું કરવું ? આ બાજુ શ્રવણને મનમાં ચિંતા ઘર કરી ગઈ હતી.

રામજીભાઈ અને પત્નીએ શ્રવણના લગ્ન વિશે ઘણું વિચાર્યા બાદ પત્ર લખીને શ્રવણને લીલી ઝંડી ફરકાવી દીધી : “જા, મારા તરફથી તને છૂટ છે. તું કહીશ ત્યારે તારી જાન જોડવા અમે તૈયાર છીએ. તું ખર્ચની કોઈ ચિંતા ન કરીશ અને જ્ઞાતિમાંથી કોઈ લગ્નમાં હાજરી આપવા નહીં આવે તો પણ મુંઝાઈશ નહીં. તારો મોટો ભાઈ બેઠો છે. મેં આટલી જિંદગીમાં જખ નથી મારી. બધે આંબા જ વાવ્યા છે અને સંબંધોની જ વાવણી કરી છે. જાડેરી જાન જોડીને મારા ભાઈને ધામ ધૂમથી પરણાવીશ. તો તું કયારે આવે છે ?”

શ્રવણ તો જવાબ વાંચીને રાજી રાજી થઈ ગયો. તરત જ દોડીને શકુંતલાની પાસે પહોંચી ગયો. મોટાભાઈનો પત્ર વંચાવ્યો. શકુંતલાનું નમણું મોં ઊતરી ગયું.

”કેમ? શું થયું ?”

”તમારા પક્ષ તરફથી તો ‘હા’ આવી ગઈ, પણ મારા પપ્પા તરફથી આપણાં લગ્નને કયારેય મંજુરી નહીં મળે!” એણે રડમસ અવાજે કહ્યું.

”તારો ભાઈ? મોટી બહેન ? માસી, મામા, ફુઆ… ?”

”ઊંહું…! કોઈના તરફથી નહીં.”

”એમાં રડવા શું બેઠી? મારા મોટાભાઈ બેઠા છે ને ! એ બધું ધામ ધૂમ થી ઊજવી લે એવા છે ! લાવ, એમને જાણ કરીએ.” અને શ્રવણ કિશને આ વખતે અજબ-ગજબની દરખાસ્ત ધરાવતો કાગળ લખ્યો. એનું સુચન ગણો કે ફરમાઈશ, એ આ હતી : ”હું અને શકુંતલા પંદરમી તારીખે રાજકોટ પહોંચીએ છીએ. લગ્નનું મુહૂર્ત સોળમીનું છે. ઝાકઝમાળની જરૂર નથી, પણ બની શકે તો ઘર જરા ઠીકઠાક કરાવી લેશો. એક તો જુનવાણી મકાન છે, એ ય વળી ભાડાનું અને.. શકુંતલા પૈસાદાર મા-બાપની દીકરી છે. તેને સારું લાગે તેવું કરી લેશો તેવો મને વિશ્વાસ છે”

પત્ર વાંચીને રામજીભાઈને આંચકો લાગ્યો. છાતીમાં કયાંક કશુંક ભોંકાયું હોય એવી વેદના થઈ, પણ શરણાઈના સુરો વચ્ચે આ શૂળની પીડા વિસરાઈ ગઈ.

”તને શું લાગે છે?” રામજીએ પત્નીને પૂછયું.

”શ્રવણભાઈની વાત સાચી છે. આવું જુનવાણી ભૂખડી બારસ જેવું ઘર જોઈને આવનારી વહુ ડઘાઈ ન જાય તો બીજું શું થાય ?”

”બીજું શું? બની શકે એટલું આ જુનવાણી મકાનને સારું બનાવી દેવાનું ! દિવાલો ઉપર પોપડા ખરી ગયા છે એનું સમારકામ કરી નાખવાનું, ચૂનો ધોળી દેવાનો અને ફર્શમાં મોટી તીરાડો પૂરી દેશું…”

”પણ એટલો સમય કયાં છે? આજે તેરમી તારીખ તો પૂરી થવા આવી !”

”તો શું થયું? હજી આપણી પાસે દોઢ દિવસ છે અને બે રાત પણ…” અભણ પત્નીનું ગણીત પાક્કું હતું.

એ જ ક્ષણથી બંને જણાં મચી પડયાં. યુધ્ધના ધોરણે જર્જરીત મકાનનો જીર્ણોદ્ધાર શરૂ કરાવી દીધો. ચૌદમીની સાંજ પડી ત્યાં સુધીમાં જુનવાણી ઘર નવું નક્કોર બનાવી દીધુ હતું.

”બસ, હવે વાંધો નહીં!” રામજીભાઈએ ઓરડામાં થોડું ચાલી જોયું. પછી પત્નીને હુકમ કર્યો : ”લે, હવે ચા મૂક.”

”દાતણ નથી કરવું?”

”એ તો જાગીને કરવાનું હોય ને! અહીં તો સુતુ જ છે કોણ ?” પતિ-પત્ની હસી પડયાં.

ડહેલીની સાંકળ ખખડી. રામજીભાઈએ દોડીને બારણું ઉઘાડયું.!

બારણાંની વચ્ચે ટપાલી ઊભો હતો : ”કાકા, ટેલીગ્રામ છે.”

“”રામજી થોડી ચિંતા સાથે ભાઈ તુ જ વાંચી સંભળાવને’’

”કાકા, ગભરાઈ ન જાવ. કશું જ અશુભ સમાચાર નથી. તમારા નાનાભાઈનો તાર છે. લખે છે : તમે રાહ ન જોશો. શકુંતલાનાં પીયરમાંથી કોઈ હાજરી ન આપે તો એનું નીચું દેખાય, એટલે અમે રાજકોટ નથી આવ્યાં. અહીં આર્ય સમાજમાં જઈને લગ્ન કરી લીધાં છે. …”

રામજીભાઈને આંખે અંધારા આવી ગયા. બે રાતનો પરીશ્રમ હાથમાં, પગમાં કળતર બનીને ઊભરી આવ્યો.

* * *

”શું? શું થયું ?”

”એ મેરેજ કરી રહ્યો છે, આવતા અઠવાડીએ,!!”

અમેરિકાની કોઈ છોકરી છે. અને અમને તો આવવાની પણ ના પાડે છે

”કેમ? તમે છોકરીનો વિરોધ કરેલો ?”

”ના.”

”તો પછી?”

ખબર નથી પડતી કે દીકરો આવો કેમ જન્મ્યો ? શ્રવણના વાકયની પાછળ પ્રશ્નાર્થ યિહૂન હતું એના કરતાંયે મોટું તો ડૂસકું હતું. અને એની વાત સાવ સાચી હતી. રેન્ચોને ઊછેરવામાં, એને વહાલ કરવામાં એણે કશીયે ખામી રાખી ન હતી. એને સારામાં સારૂં એજ્યુકેશન આપ્યું હતું, એવું ધારી લીધું હતું કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપો આપ મળી જતા હોય છે ! રેન્ચો અત્યાર સુધી તો સારો લાગતો હતો, પણ અચાનક આ શું થયું ?

”પણ મોટાભાઈ, દીકરાઓ એમના મા-બાપના પ્રેમને કયારે સમજી શકશે?” શ્રવણ ચોંધાર આંસુએ રડતો હતો.

રામજીભાઈ શ્રવણને સાંત્વના આપતા બોલ્યા ”જ્યારે એ દીકરાઓ ખુદ બાપ બનશે ત્યારે.. !’’