lav nadi na pat par tari nam lakhi dav books and stories free download online pdf in Gujarati

લાવ નદીનાં પટ પર તારું નામ લખી દઉં

'લવ'નું નિકટતમ ગુજરાતી 'પ્રેમ' એવું આપણે કર્યું છે પણ 'પ્રેમ'નો અર્થ તો વ્યાપક અને વિશાળ છે જ્યારે 'લવ'નો અર્થ એટલે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ. પ્રેમ માટે સંસ્કૃત શબ્દ છે 'પ્રેમન' જેની કોઈ વ્યાખ્યા નથી, માત્ર એક લાગણી છે જેને કોઈ આકાર અને પરિમાણ નથી. પ્રેમ એટલે શું? જીવન, મૃત્યુ, સપનું, સેક્સ કે ટાઈમપાસ. એક એવી લાગણી જે ભાષા, દેશ અને ધર્મનાં સીમાડાથી પર છે. તુષાર શુક્લ પ્રેમ માટે કહે છે કે "એમ પૂછીને થાય નહીં પ્રેમ

દરિયાનાં મોજાં કૈં રેતીને પૂછે:

તને ભીંજાવું ગમશે કે કેમ?"

પ્રેમ કોઈ દિવસ પૂછીને થતો નથી એ તો નક્કી જ છે,પણ છતાં પૂછવું પડે 'ડુ યુ લવ મી?' કારણ કે તે બંને તરફ હોવો જોઈએ ભલે તેનાં માટેનાં કારણ અલગ અલગ કેમ ન હોય. પ્રેમને કોઈ પડાવ નથી હોતો એ તો નિરંતર કલકલ વહ્યા કરે છે પણ આ રીતે વહી જવામાં જોખમ હોય છે તેથી આ જોખમને દૂર કરવા અન્ય એક જોખમ લેવું પડે છે એ હોય છે 'લવ મેરેજ'. પ્રેમની લીગલ એફીડેવીટ એટલે લગ્નનું પ્રમાણપત્ર. એક રીતે જોઈએ તો આજે બધા એ જ રીતે ટેવાઈ ગયા છે કે દોસ્તી થઈ, હસી મજાક થઈ અને ધીમે ધીમે પ્રેમ પાંગરે એટલે તરત લગ્ન માટે પૂછી લેવાય છે. પ્રેમ ટકાવી રાખવો એટલે શું લગ્ન? તો કે ના, છતાં પોતાનો પ્રેમ ટકાવા માટેનો સૌથી સરળ ઉપાય તો આ જ છે.

ભારતીય ગ્રંથો લગ્નનાં 8 પ્રકાર સૂચવે છે- દૈવ, આસુર, રાક્ષસ, પિશાચ, બ્રાહ્ય, આર્ષ, પ્રાજાપત્ય અને ગાંધર્વ અને આજનાં સોશિયલ મીડિયાનાં યુગમાં એક વધુ પ્રકાર ઉમેરવો પડે એ છે ફેસબૂકીયા લગ્ન. જ્યાં બે વિજાતીય વ્યક્તિની આંખો મળે એ જગ્યા એટલે કે કોલેજનું પાર્કિંગ, ગાર્ડન અને મોલ. નામ ગમે ત્યાંથી જાણી સીધા ફેસબૂક પર નાખી દેવાનું એટલે બીજી જ સેકંડમાં આખી પ્રોફાઈલ આપણી સામે!!!. ધીરે ધીરે દોસ્તી આગળ વધીને પ્રેમમાં પરિણમે છે કેમ કે એક છોકરા અને છોકરીની દોસ્તી મિત્રતાથી કંઈક વિશેષ જ રહેવાની અહીં જસ્ટ ફ્રેન્ડ વાળી વાત તો ભૂલવી જ રહીં.

'લવ'નાં પરપોટા લગ્ન સુધી લઈ જતાં હોય છે. 22-25 જેટલી ઉંમર હોય ત્યારે લગ્નનાં નામે અગણિત લાડુઓ મનમાં ફુટતા હોય છે વળી, આ ઉંમરમાં લસ્ટનો પણ શોખ હોય છે. ભારતીય સમાજમાં લગ્ન એટલે સેક્સ માટેનું લાયન્સ અને તેથી જ કદાચ પુરુષ થાકીને લગ્ન કરે છે અને સ્ત્રી શરમથી લગ્ન કરે છે.

પ્રેમએ કુદરતી ઘટના છે. કુદરતમાં ક્યાંય લગ્નનો રિવાજ નથી. કોઈ કૂતરા કે બિલાડાને પ્રેમનું પ્રમાણપત્ર લેવું નથી પડતું. એક સાહજીક બાબતને આપણા ચોકઠામાં બેસાડવા માટે તેને લગ્નનું સ્વરૂપ આપ્યું અને ત્યાંથી એ શબ્દો આવ્યા કે છોકરો અને છોકરી એક-બીજાનાં મા-બાપને મળાવે તો 'લવ મેરેજ' અને મા-બાપ છોકરા અને છોકરી મળાવે તો 'અરેંજ મેરેજ'. એ કડવું સત્ય એ છે કે આપણો સમાજ હજી 'લવ' શબ્દ પર જ 'વોર' ચાલુ કરી દે છે. 'હવે તેમને શું ખબર પડે આ બધી બાબતોમાં વડીલોનું કામ છે' આવું કહી બેસાડી દેવાય છે. અરે! ભાઈ ખબર કેમ ન પડે કે આ પાત્ર મને ગમે છે કે નહીં. આ ઉંમર તો છે જ્યારે પ્રેમ એની ચરમસીમાએ હોય પણ અહીં સિન્યોરીટી જ જોવાય છે ને વડીલોને રાજી રાખવા માટે યુવાનીયા શહીદ થઈ જાય છે અથવા તો ભાગીને લગ્ન કરી લેતા હોય છે મોટે ભાગે લવ મેરેજનું પોસ્ટમોર્ટમ આવું જ હોય છે. બેંજામીન ફ્રેન્ક્લીન કહી ગયા કે "જો પ્રેમ વગરનાં લગ્નો અસ્તિત્વમાં હોય તો લગ્ન વિનાના પ્રેમનું પણ અસ્તિત્વ સ્વીકારવું રહ્યું." આ વાક્ય 18મી સદીનું છે છતાં આજે ભારતમાં મોટે ભાગે પ્રેમ વગરનાં લગ્નો જ અસ્તિત્વમાં હોય છે.

'2 સ્ટેટ્સ' પુસ્તકમાં ચેતન ભગતે પ્રેમ લગ્નમાં ક્યારે પરિણમે એનાં માટેની કેટલીક પૂર્વશરત આપી છે ; 'છોકરો છોકરીને પ્રેમ કરે છે. છોકરી છોકરાને પ્રેમ કરે છે.

છોકરીનો પરિવાર પણ છોકરાને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરાનો પરિવાર પણ છોકરીને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરીનો પરિવાર, પણ છોકરાનાં પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ. છોકરાનો પરિવાર, પણ છોકરીના પરિવારને પ્રેમ કરતો હોવો જોઈએ' આ બધા પડાવ પછી જો છોકરા અને છોકરી વચ્ચે પ્રેમ બચ્યો હોય તો બંને લગ્ન કરી લે છે અને કારણ કે બે પરિવારને સમજાવવા અને તેમની વચ્ચે સુમેળ કરવો એટલે લોઢાનાં ચણા ચાવવા.

જોન સિયાડઁએ પ્રેમ માટે કહ્યું છે એ લગ્ન માટે એટલું સાચું છે કે પ્રેમ લગ્ન યુવાન માટે શું? તો કે શારીરિક આવેગ, પ્રૌઢો માટે આદત અને વૃધ્ધો માટે જરૂરિયાત છે. પ્રેમ લગ્નોમાં સમાધાન સહજ હોય છે કેમ કે પ્રેમ ત્યારે જ લગ્ન સુધી જાય જ્યારે તેમાં સ્વીકારની ભાવના આવે છે અને દલીલોને તેઓ માત્ર શબ્દોની જીત ગણે છે નહીં કે પોતાની કે અન્યની. લવ મેરેજ એટલે બીજી વ્યક્તિનો સંપૂણઁ સ્વીકાર, તેની ખૂબી અને ખામી જાણતા હોવા છતાં તેનો સ્વીકાર કરવો તેમાં કોઈ જાતનાં સુધારાને અવકાશ છે એ વસ્તુ ભૂલી જવી બસ એક-મેકને હદયથી સ્પર્શી જવું. પ્રેમ સાહજીક બાબત હોવાથી તેમાં કોઈ જાતની સમજ, હોશિયારી કે ડિગ્રી હોતી નથી પણ જ્યારે લગ્ન કૃત્રિમ છે તેથી તેમાં હંમેશા આ ત્રણેય વસ્તુ જોઈએ. એ ભલે લવ મેરેજ હોય એરેંજ મેરેજ. બે મનગમતા પાત્રોનું મિલન સમાજ સ્વીકારી શકતો નથી એટલે તેમાં રોળા નાખવા માટે સાસુ, સસરા, નણંદ,સાળા,બનેવી અને દિયર જેવાં કેટલાય પાત્રો આવી જતાં હોય છે જાણે કે તેમનાં માટે કોઈ કામવાળી બાઈ અને વગર પગારનો કુલી મળી આવ્યો હોય ને!!!.

પૌરાણિક ગ્રંથો હંમેશા લવ મેરેજની જ પડખે રહ્યા છે. રામને દશરથે એમ નથી કહ્યું કે આ જનકનંદિનીથી પરણી લે. એ યુગમાં તો સ્વંયવરની પ્રથા હતી જ્યાં પોતાના મનગમતા પાત્રનાં ગળામાં વરમાળા પહેરાવવાનો હક કન્યાને રહેતો અને આજે જ્યારે 'ઓનર કીલિંગ'નાં બનાવ સામે આવે છે ત્યારે શું કહેવું? મહાભારતમાં દ્રોપદીએ કર્ણને પણ રોકડું પધરાવી દીધું હતું અને વનવાસી અર્જુન જોડે લગ્ન કર્યા હતાં. કાલિદાસનાં મહાકાવ્યો હોય કે શેક્સપિયરનાં નાટકો, અજંતાની ગુફાઓ હોય કે ખજુરાહોનાં મંદિર બધે જ જોવા મળતી અભિવ્યક્તિમાં કેદ્રં સ્થાને પ્રેમ જ છે, તો આજે 'લવ મેરેજ' પર આટલી બબાલ કેમ? જો 18નો આંકડો વટાવી દીધા બાદ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાની છૂટ બંધારણ આપતું હોય તો 22-25ની વય પર પોતાનાં માટે શ્રેષ્ઠ જીવનસાથી તો પસંદ કરી જ શકે ને!!!!!

ભણવાની વિશાળતા અને નેટની સીમાઓ વિસ્તરી છે આથી હવે 'લવ મેરેજ'નું પ્રમાણ વધવાનું જ કેમ કે બે વિજાતીય વ્યક્તિ રોજ સામે ટાઈમલાઈન પર ભટકાય તો ક્યાંક દિલ પણ ભટકાઈ જાય છે તેથી આજે પ્રેમ લગ્નનો અસ્વીકાર કરવો એ મૂર્ખામી જ ગણવી પણ શરત એટલી કે એ લગ્ન કાયદા દ્વારા સ્વીકૃત પામે એનાં પહેલાં હદયમાં લખાઈ ગયાં હોવા જોઈએ માત્ર વાસનનો કીડો ન હોવો જોઈએ. વાસનાનો કીડો જો કેન્દ્રમાં હોય તો ઉત્તેજનાં ઓસરી ગયા બાદ તે સંબંધ લપાઈને બેસી જાય છે જેનો સ્વીકાર થઈ શકતો નથી અને છેવટે બહુ ખરાબ રીતે તે અંત તરફ આગળ વધે છે. ખાસ કરીને છોકરી પક્ષે આ બાબત પચાવવી અઘરી બને છે કેમ કે હજી લગ્ન માટે ક્યાંક વર્જિનીટીનું પરિબળ ધ્યાનમાં લેવાય છે. એક જ વસ્તુ 'લવ મેરેજ' સંભવ થવા માટે આડખીલી રૂપે છે એ છે નાત અને જાત પણ એમ વિચારવું યોગ્ય નથી કે ક્યાં પરિવારમાંથી આવે છે એ વિચારવું યોગ્ય છે કે કેવા પરિવારનું નિર્માણ કરશે.

પ્રેમ અને પ્રીતિ હોય તો જ લગ્નમાં રતિની મોસમ જામે છે. પ્રેમ વગરનાં લગ્નની કલ્પના મુશ્કેલ છે છતાં તે થાય જ છે પરંતુ એને માત્ર નિભાવ જ કહેવાય બાકી કંઈ નહીં.

સુરેશ દલાલ પ્રેમ લગ્નની ચાર અવસ્થા બતાવે છે પરિચય,

પરિણય, લગની અને લગ્ન. બસ આ અવસ્થા જીવવા મળે એ જ માંગ છે યુવાનોની.

ફુલપાંદડી જેવી કોમળ

મત્ત પવનની આંગળીએથી

લાવ નદીનાં પટમાં તારું નામ લખી લઉ!!!

-સુરેશ દલાલ