Ek patangiya ne pankho aavi - 41 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 41

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 41

વ્રજેશ દવે “વેદ”

અચાનક કોઈ અવાજ આવ્યો. કોઈ નક્કર વસ્તુ પથ્થર સાથે અથડાઇ હોય તેવો અવાજ. કોઈ ધાતુ અને પથ્થરના ટકરાવાનો અવાજ. વ્યોમાના કાને તે અવાજને પકડી પાડ્યો. તે ધ્યાનથી અવાજ તરફ જોવા લાગી. તે અવાજ નાસ્તાના ડબ્બાનો હતો. તે જમીન પર પડી ગયો હતો.

ડબ્બો હજુ પણ બંધ જ હતો. પડ્યા પછી પણ તે ખૂલી નહોતો ગયો. નાસ્તો સલામત હતો. વ્યોમાએ તેની આસપાસ નજર દોડાવી. તે ચોંકી ગઈ. કાલ સાંજે જે બંદર તેના ટેન્ટ પાસે દેખાયો હતો, તે જ બંદર ત્યાં હતો. તેનો હાથ લાગવાથી જ ડબ્બો પડી ગયો હતો. વ્યોમાએ તેની આંખમાં આંખ નાંખી ધમકાવ્યો. તે થોડો ડરી ગયો. ત્યાં જ ઊભો રહી ગયો.

“નીરજા, ચાલ ઝડપથી પાણી બહાર નીકળી જા. જો પેલો બંદર, ફરી આપણો નાસ્તો લેવા આવી ગયો છે.” વ્યોમાએ નીરજા તરફ જોયું. નીરજાએ તેની તરફ જોયું. બંદર તરફ પણ જોયું. બંદર હજુ પણ નાસ્તાના ડબ્બા તરફ જોઈ રહ્યો હતો. વચ્ચે વચ્ચે વ્યોમા તરફ પણ જોઈ લેતો હતો.

નીરજા નિરુત્તર રહી. વ્યોમા પાણી બહાર નીકળી બંદરના હાથમાં નાસ્તો આવે નહીં તે માટે, ડબ્બા તરફ દોડી. વાંદરો તેનાથી વધુ ચપળ અને સ્ફૂર્તિલો હતો. તે ઝડપથી પેલા ડબ્બા પર ત્રાટક્યો અને ડબ્બો લઇ નાસી ગયો. વ્યોમાએ એક પથ્થર ઉપાડી બંદર તરફ ફેંક્યો. બંદર, પથ્થર કરતાં વધુ તેજ ભાગ્યો. ઝાડની કોઈ ડાળી પકડી ઝાડીઓમાં ખોવાઈ ગયો. વ્યોમા, ગુસ્સામાં પગ પછાળવા લાગી. થાકીને પથ્થર પર બેસી ગઈ.

વ્યોમાએ નીરજા તરફ જોયું. તે હજુ પણ ઝરણાં વચ્ચે પાણીમાં ઊભી હતી. સ્નાનનો આનંદ લઈ રહી હતી. વ્યોમા નારાજ થઈ ગઈ. ‘કેવી નિર્લેપ નાહી રહી છે, નીરજા?’ બંદર જે દિશામાં ભાગી ગયો હતો એ દિશામાં ફરી એક પથ્થર ફેંક્યો. હાથ ઝાટકી નાંખ્યો. પગ પછાડ્યો. મુઠ્ઠી વાળી હવામાં ઉછાળી. શાંત થઈ ગઈ. ફરી નીરજા તરફ નજર કરી. નીરજા હજુ પણ નિર્લેપ હતી.

તે દોડી ગઈ પાણી તરફ. ઝરણાંની અંદર ગઈ. નીરજા પાસે પહોંચી ગઈ.

“આપણે અહીં ઝરણાંમાં સ્નાન કરતા રહ્યા અને પેલો બંદર આપણો નાસ્તો લઈને ભાગી ગયો. હવે શું ખાશું આપણે? મને તો બહુ ભૂખ લાગી છે.” વ્યોમા વ્યાકુળ થઈ ગઈ.

“તો આ ઝરણું જવાબદાર છે, નાસ્તો ગુમાવવા બદલ?” નીરજાએ વ્યોમાની આંખમાં પ્રશ્નાર્થ નજર કરી.

“ખબર નહીં. પણ, ટેન્ટ પર પણ આપણી પાસે ખાસ કોઈ નાસ્તો બચ્યો નથી. અને જે હતો તે પેલો બંદર..’

નીરજા હસી પડી.

“નીરજા, જ્યારે પેલો બંદર નાસ્તાના ડબ્બા તરફ જોઈ રહ્યો હતો, ત્યારે જો તું પણ તે તરફ દોડી હોત તો કદાચ બંદરથી તેને બચાવી શકાયો હોત. પણ તું ? જરાય હલી જ નહીં.” વ્યોમા નારાજ થઈ ગઈ.

નીરજાએ વ્યોમાનો હાથ પકડી લીધો. ઠંડા પાણીમાં પણ તે હાથમાં ઉષ્મા અનુભવી, વ્યોમાએ.

“તું કેમ નાસ્તાને બચાવવા ના દોડી?” વ્યોમાએ ફરી એ જ પ્રશ્ન કર્યો.

“જ્યારે બેમાંથી કોઈ એક ને પસંદ કરવાનું હોય, ત્યારે હું વધુ ફાયદા વાળી વાત પસંદ કરું છું.“ નીરજાએ વાત તરતી મૂકી.

“મને કોઈ સમજ ના પડી, તું શું કહેવા માંગે છે.”

“નાસ્તાને ગુમાવવો કે ઝરણાંના સ્નાનનો આનંદ? બેમાંથી એકની પસંદગી કરવાની હતી. મેં સ્નાન પસંદ કર્યું.”

“અને મેં નાસ્તો.”વ્યોમાએ કહ્યું.

“પણ હાથ શું લાગ્યું? કશું જ નહીં.”

“હા. મેં બંને ગુમાવ્યા. સ્નાન પણ, નાસ્તો પણ.“

“નાસ્તો તો રોજ કરીએ છીએ. તેના વિના થોડો સમય ચાલી જશે. આગળ ખાવા માટે કશું મળી પણ જશે. કોઈ ફાળો તોડીને ખાઈ લઈશું. પણ, આ ઝરણું, આ જગ્યા, આ પાણી, આ હવા અને આ સ્નાન ફરી ક્યારે મળશે?“

“પણ... “વ્યોમાના વિચારો પાણી સાથે વહી ગયા.

“મને આ સ્નાન એક અનોખો અનુભવ આપી રહ્યું છે. અગાઉ ક્યારેય ના મળ્યો હોય તેવો આનંદ આપી રહ્યું છે. મારી આ અનુભૂતિને કેમ છોડું?“

“થોડી વાર બહાર આવી ગઈ હોત, અને પછી ફરી સ્નાન કરવાની ક્યાં ના હતી?”

“તો રસભંગ થઈ જાત. એક વાર રસભંગ થાય, પછી ફરી એ જ માહોલ મળવો કઠિન છે. કદાચ પછી આ પાણીમાં ફરી ઊતરવાની ઈચ્છા ના પણ થાય.”

“જો એ જ પાણી હોય, એ જ ઝરણું હોય, એ જ આનંદ પ્રાપ્ત થતો હોય, તો ફરીને તેમાં ઊતરવાની ઈચ્છા થાય જ. અને તેમાં રસભંગ પણ ના થાય. કારણ કે ઝરણું તો એ જ રહે છે, એ જ વહે છે.” વ્યોમાએ દલીલ કરી.

“વ્યોમા, કોઈ પણ નદી, ઝરણું કે ધોધમાં એક વખત જ સ્નાન થઈ શકે. બીજી વખત તે જ પાણીમાં તે શક્ય નથી.”

“કેમ? એ જ ઝરણું, એ જ ધોધ અને એ જ નદી હોય, તો ધારો તેટલી વાર તેમાં સ્નાન થઈ શકે. કોઈ ના રોકે.”

“તું ધ્યાનથી આ વહેતા ઝરણાંને જો. પાણી વહી રહ્યું છે ને?”

“હા, વહે છે એટલે તો એ ઝરણું છે. સ્થિર પાણી તો તળાવ બની જાય.”

“અને વહેતા પાણીની એક ખાસિયત છે, તમે એ જ પાણીમાં ક્યારેય બીજી વખત જઇ શકતા નથી, મળી શકતા નથી, તેને અનુભવી શક્તા નથી.”

“નીરજા, તું શું કહેવા માંગે છે એ નથી સમજાતું. તારી વાત....” વ્યોમા મૂંઝાઇ ગઈ.

“જો આ પાણી વહી રહ્યું છે ને? “

“હા.”

“હવે જો ફરીથી. તે પાણી ક્યાં ગયું?”

“તે તો વહીને આગળ નીકળી ગયું.”

“અને અહીં નવું પાણી આવી ગયું. ખરું ને?”

“હા. નવું પાણી. સતત વહેતું, આવતું અને જતું. ફરી આવતું રહેતું આ પાણી.” વ્યોમાએ હથેળીમાં પાણી ભરી રાખ્યું. તે પાણીમાં જોવા લાગી. તેમાં વાદળનું પ્રતિબિંબ દેખાયું. તેને તે જોતી રહી. ઝરણાંમાં પાણી સતત વહેતું રહ્યું.

“તો પ્રત્યેક પળ ઝરણું, નવું જ રહે છે. એનો અર્થ એ છે કે તમે ક્યારેય એ જ ઝરણાંને ફરી મળતા નથી. દર વખતે નવું ઝરણું.”

“અને નવા ઝરણાંનો નવો આનંદ. એમ જ ને?”

“નદી, ધોધ કે ઝરણું રહે છે હંમેશા નવા. સતત નવા રહેતા પાણીનું ચુંબક એવું તિવ્ર હતું, કે હું તેમાથી છટકી ના શકી. તે મને રોકી રાખતું હતું. એટલે તો હું પાણીની, આ ઝરાણાની બહાર ના આવી.” નીરજાએ પાણીની સપાટી પર એક મૃદુ સ્પર્શ આપતો હાથ ફેરવ્યો.

“અને વરસાદ પણ હંમેશા નવો જ રહે છે, નીરજા.” ખોબો ભરેલા પાણીમાં દેખાતા વાદળોના પ્રતિબિંબને જોઈને વ્યોમાએ સતત નવા રહેતા તત્વોની યાદીમાં વરસાદને પણ જોડી દીધો.

“હા, વરસાદ પણ. એ તો હું ભૂલી જ ગઈ.” નીરજાએ આકાશમાંના વાદળ તરફ નજર કરવા ડોક ઊંચી કરી. વ્યોમાએ તેના ભીના શરીરની કોરી ડોક જોઈ. તેને મસ્તી સુઝી. હથેળીમાં ભરેલું પાણી તેણે નીરજાની કોરી ડોક પર છાંટ્યું. નીરજા ચમકી ગઈ. હસવા લાગી. વ્યોમા પણ.

ફરી બંને ઝરણાંના સ્નાનનો આનંદ લેવા લાગી. ફરી એ જ આનંદ. એજ મસ્તી. એ જ મજા. મન ભરીને સ્નાન કરી લીધું. વહેતા ઝરણાંની બહાર આવી ગયા. પથ્થર પર બેસી ગયા. સામે વહેતું ઝરણું, ઉપર ખુલ્લુ આકાશ, વહેતા ઝરણાંનો અવાજ, લીલી ઝાડીઓથી શોભતું જંગલ, બે છોકરીઓ અને કયાઁય સુધી ફેલાયેલું મૌન. જાણે સ્થિર થયેલું જંગલ.

“કેટલું મૌન અને ગંભીર છે આ જંગલ?” નીરજાએ વાતની શરૂઆત કરી.

“ખૂબ ગૂઢ પણ છે આ જંગલ.” વ્યોમાએ ઝાડીઓની આરપાર જોવા વ્યર્થ પ્રયાસ કર્યો.

“મને તો એ કોઈ ઋષિ જેવું લાગે છે. કોઈ યોગિની જેમ અડગ. કેટલું સ્થિર છે? “

“યુગોથી તે આમ જ ઊભું હશે? તે જડ તો નથી થઈ ગયું ને?”

“વ્યોમા, જંગલ ભલે યુગોથી આમ જ ઊભું હોય, પણ તે જડ નહીં, જીવંત છે. કેવું ધબકે છે. જો ધ્યાનથી સાંભળ. તેના શ્વાસોના ધબકાર કેવા સ્પંદનો જગાવે છે.” નીરજા મૌન થઈ ગઈ. વ્યોમા પણ જંગલના ધબકારને કાન દઈ સાંભળવા લાગી.

“નીરજા, આ જંગલમાં કશુંક છે. કશુંક અજીબ, કશુંક અદભૂત, કશુંક ચુંબકીય છે.”

“જે આપણાં જેવાને તેની તરફ આકર્ષે છે. કેવું તિવ્ર ખેચાણ છે, તેનામાં?”

“અને આ ઝરણું પણ.... સતત વહેતું, હંમેશા નવું અને તાજું રહતું આ ઝરણું.” બોલતા બોલતા વ્યોમા ઝરણાંના પાણી ને જોઈ રહી. તે સતત સરકતું હતું. સમયની ક્ષણોની જેમ.

સમય ! તે અહીં વહેતો હતો કે સ્થિર હતો? નીરજા અને વ્યોમાને તેની ખબર જ નહીં. તેઓ સમયને ભૂલીને ઝરણાં પાસે રોકાઈ ગયા હતા.

“હવે આપણે આગળ જવું જોઈએ. અહીં રોકાઈ જઈશું, તો મંઝિલ પર કેમ કરીને પહોંચીશું?” વ્યોમાએ યાદ આપવી. તેને ખૂબ ભૂખ લાગી હતી, ”મંઝિલ સુધી ચાલવા મારામાં શક્તિ નથી. જો કાંઇ ખાવા મળી જાય તો ....” તેણે જાણી જોઈને વાત અધુરી રાખી.

નીરજા તેનો ઈશારો સમજી ગઈ. ઝરણું છોડી ટેન્ટ પર આવી ગયા. બેગના એકાદ ખૂણે સાચવેલ બિસ્કીટના સહારે કામ ચલાવી લીધું. આગળના પ્રવાસ માટે તૈયારી કરવા લાગ્યા. ટેન્ટ છોડવા લાગ્યા. બેગ બંધ કરી લીધી. ખભા પર સામાન મૂકી જંગલની કેડી પર ચાલવા લાગ્યા.

હજુ 10/12 ડગલાં ચાલ્યા હશે, ત્યાં તો તેઓ અટકી ગયા. સામેથી પંખીઓનું ટોળું આવતું દેખાયું. સેંકડો પંખીઓ.“નીરજા, મને લાગે છે કે આ તો એ જ પંખીઓ છે, જેની સાથે આપણે રમતા હતા.“ વ્યોમાએ અનુમાન લગાવ્યું.

“મને પણ એમ જ લાગે છે. તેઓ એ જ દિશામાંથી આવે છે, જ્યાં પેલું વિશાળ ઝાડ છે.”

“તે બધા આ તરફ જ આવી રહ્યા છે. શું તેઓ આપણો રસ્તો રોકી રહ્યા છે કે પછી...”

“કદાચ....” નીરજા કશું બોલી ના શકી. પંખીઓનો કોલાહલ ખૂબ હતો. અને હવે તેઓ નજીક પણ આવી ગયા હતા. તેનો કોલાહલ વધી રહ્યો હતો. નીરજા અને વ્યોમાના ધબકારા પણ. પંખીઓ આવનારી કોઈ ઘટનાનો સંકેત, કોઈ એંધાણ આપી રહ્યા હતા.