Ek patangiya ne pankho aavi - 40 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 40

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 40

વ્રજેશ દવે “વેદ”

ઝાડીઓમાંથી પંખીઓનો કલબલાટ સંભળાતો હતો. કાચા રસ્તા પર પણ ઘણા બધા પંખીઓ હતા. બધા જ ચંચળ હતા. એક ક્ષણ પણ જંપીને બેસતા નહોતા. “ આ કેવા નિર્ભય અને મુક્ત રૂપે ફરે છે, રમે છે. દોડે છે કે ઊડે છે. આપણાં જવાથી તેઓ કદાચ ઊડી જાય.” નીરજાએ ત્યાં જ ઊભા રહી જવા ઈશારો કર્યો. પંખીઓને જોઈને બંને અટકી ગયા.

થોડી વાર સુધી તેઓ તેને જોતાં રહ્યા. તેઓની દરેક પ્રવૃતિનું અવલોકન કરવા લાગ્યા.

તેઓ જમીન પરથી ચાંચમા કશુંક લઈ, ઝાડ પર ઊડી જતા હતા. ફરી નીચે આવતા હતા, ફરી ઉપર જતાં હતા. તેઓની ચાંચ મોટી હતી. પાંખો વાદળી રંગની હતી. પગ પીળાશ પડતાં હતા. પગનો પંજો ગાઢ લાલ રંગનો હતો.

કદ 7 થી 8 ઇંચનું હશે. બંધ પાંખમાં પહોળાઈ 4 ઇંચ હશે. પણ પાંખ ફેલાવે ત્યારે તે બીજા 6-7 ઇંચ જેટલું પહોળું થઈ જતું હતું. વજન ત્રણેક કિલો લાગતું હતું.

તેના ઊડવાની અદા પણ સુંદર હતી. પહેલાં પાંખોને ફફડાવતા હતા. પછી ખોલી નાંખતા હતા. ખૂલી પાંખોને જમીન તરફ થોડી નમાવીને, પગથી ઝટકો આપી ઉડવા લાગતા. ઊડતી વખતે બંને પાંખો બિલકુલ સીધી રહેતી હતી. પૂરેપુરી ખૂલી જતી હતી. શરીર જમીન સાથે 45 ડિગ્રીના ખૂણે રહેતું હતું. જે ડાબી તરફ નમેલું રહેતું હતું. તે ઉડતું હતું ત્યારે લાગતું હતું કે તે સહજ ઊડી રહ્યું છે. કોઈ પ્રયાસ વિના જ.

જમીનથી ઉપર 20-25 ફૂટ સુધી ઉડતું હતું. પછી ઝાડની ડાળી પર જઇ બેસી જતું હતું. ત્યાં જઈને કોઈ અવાજ કરતું હતું. જમીન પરથી કશુંક લાવ્યાની ખુશી વ્યક્ત કરતું હશે ? તેનો અવાજ સાંભળી બીજા પણ પ્રતિભાવ આપતા હોય તેમ જવાબમાં એવો જ કોઈ અવાજ કરતાં હતા. આવા અસંખ્ય પંખીઓ હતા.

“આ બધા મળીને કેટલી સંખ્યા હશે, વ્યોમા?”

વ્યોમા પંખીઓને ગણવા લાગી. ગણી ના શકી. “કદાચ 200 થી વધુ હશે.” વ્યોમાએ તુક્કો લગાવ્યો.

નીરજા હસી પડી, “200 હોય કે 300 કે વધુ. શું ફરક પડે?”

“આ પંખીઓ જોડે રમવાનું મન થાય છે. પણ ડર લાગે છે કે ... “

“મને લાગે છે કે તેઓ સાથે રમી શકાશે. તેઓ ઊડી નહીં જાય.”

“નીરજા, કેમ એવું લાગે છે? મને તો લાગે છે કે તે તરત જ ઊડી જશે, અને પછી આપણે તેઓની આ ક્રીડા જોઈ રહ્યા છીએ, તે પણ જોવા નહીં મળે. માટે જો તેઓની રમતનો આનંદ લેવો હોય તો, અહીં ઊભા ઊભા જ લેવો જોઈએ.” વ્યોમા તેઓને ડરીને ઊડી જવા દેવા નહોતી માંગતી.

નીરજા પણ એમ જ ઇચ્છતી હતી. પણ તેઓ જોડે રમવાની મનષા પણ રોકી નહોતી શકતી. પણ ઉપાય નહોતો. બસ પ્રતિક્ષા જ કરતી રહી. વ્યોમા પણ સાથે જ ઊભી રહી.

પંખીઓ નિરાંતે પોતાની રમત રમી રહ્યા હતા. નીચે આવતા હતા. ઊડી જતાં હતા. પાંખો ફફડાવતા હતા. અવાજો કરતાં હતા. એકબીજા સાથે દોડાદોડી કરતાં હતા. ક્યાંક ચાંચમાં ચાંચ ભરાવી પ્રેમ કરતાં હતા. ક્યાંક તે જ ચાંચ વડે લડાઈ પણ કરતાં હતા.

પંખીઓ જે ઝાડ પર ઊડી જતાં હતા તે ઝાડ વિશાળ હતું. તેની મુખ્ય ડાળીઓ મોટી, જાડી અને લાંબી હતી. તેના પર બેસીને કોઈ પુસ્તક વાંચી શકાય એટલી પહોળી હતી. નાની નાની ડાળીઓ પણ મજબૂત હતી, ભરાવદાર હતી. વૃક્ષ ખૂબ ઘટાદાર હતું. તેની નીચે પંખીઓની એક વસ્તી, વસતી હતી. ઉછરતી હતી. જીવંત હતી. ધબકતી હતી. ખૂબ સલામતી અનુભવતી હતી.

તે વૃક્ષની એક ડાળ અચાનક તૂટી પડી. નીચે રમતા પંખીઓ બધા ભય પામી ઊડી ગયા. પણ બે ત્રણ પંખી ઊડી ના શક્યા. તેઓ તે ડાળી નીચે દબાઈ ગયા. ઘવાઈ ગયા. બીજા બધા પંખીઓએ કોલાહલ મચાવી દીધો. ચિચિયારીઓ પાડવા લાગ્યા. કદાચ રુદન કરી રહ્યા હશે. પણ તેઓની બોલીમાં વેદના હતી એ સ્પષ્ટ હતું.

નીરજા અને વ્યોમા દોડી ગયા ઘાયલ પંખીઓ પાસે. ડાળી હટાવી ઘાયલ પંખીઓને બહાર કાઢ્યા. ત્રણેય પંખીઓ હજુ જીવંત હતા. થોડા ઘાયલ જ થયા હતા.

“વ્યોમા, થોડું પાણી તેઓના શરીર પર છાંટજે.” વ્યોમા સાથે લાવેલ બોટલમાંથી પાણી છાંટવા લાગી. નીરજા તેઓના શરીર પર હળવા હાથે સફાઈ કરવા લાગી. ઘાવ સાફ કરી નાંખ્યા. બન્ને તેઓના શરીર પર સ્નેહ પૂર્વક હાથ ફેરવતા રહ્યા, હુંફ પ્રસરાવતા રહ્યા. ઘાયલ પંખીઓની આંખમાં આશા જાગી ગઈ. નીરજા અને વ્યોમા તરફ નિર્ભય થઈ જોઈ રહ્યા. તેઓમાં તેઓને મિત્રતા દેખાવા લાગી.

એકાદ પંખીએ કોઈ અવાજ કર્યો. તેનો અવાજ સાંભળી બીજા બધા પંખીઓ નો કોલાહલ શાંત થવા લાગ્યો. થોડી વાર પહેલાં રુદન જેવો લાગતો અવાજ, ફરી મધૂરો થઈ ગયો. બે ચાર પંખીઓ નીચે ઉતરી આવ્યા. ધીરે ધીરે નજીક આવી ગયા. ખૂબ પાસે આવી ચાલવા લાગ્યા. તેઓએ નીરજા અને વ્યોમાના અસ્તિત્વને સ્વીકારી લીધું હતું.

નીરજાએ સાથે રાખેલ નાસ્તામાંથી પંખીઓને થોડું ચણવા આપ્યું. તેઓ તેને ખાવા લાગ્યા. તેઓને જોઈ બીજા બધા પણ નીચે આવી ગયા. નીરજા અને વ્યોમાએ તેઓને પણ નાસ્તો આપ્યો. લગભગ બધા જ પંખીઓ નીચે આવી ગયા. બંનેની ચારે બાજુ બસ પંખીઓ જ પંખીઓ હતા. બન્ને તેનાથી ઘેરાઈ ગયા.

નીરજાએ એક પંખીની તરફ હાથ લંબાવ્યો. તે નીરજાની હથેળી પર ચાંચ ફેરવવા લાગ્યું. વ્યોમા તેને ધ્યાનથી જોવા લાગી. પંખી જમણી હથેળી પર બેસી ગયું. નીરજાની હથેળીમાં કોઈ પ્રવાહ વહી ગયો. તેની હથેળી ધ્રુજી ગઈ. પણ તે તરત જ સ્વસ્થ થઈ ગઈ. કોઈ પંખી પહેલી વાર તેની હથેળી પર બેઠું હતું. એક અનેરો, અનોખો અને અજાણ્યો રોમાંચ તેનામાં વહેવા લાગ્યો.

વ્યોમાએ પણ બીજા પંખીને હથેળી ધરી. તેની હથેળી પર પણ તે બેસી ગયું. વ્યોમાએ પણ એવો જ રોમાંચ અનુભવ્યો.

બન્ને ખિલખિલાટ હસવા લાગી. ખૂબ રોમાંચિત થવા લાગી. આનંદનો પ્રવાહ નસેનસમાં વહેવા લાગ્યો.

હથેળી પરથી પંખી નીરજાની આંખમાં જોવા લાગ્યું. નીરજાએ તેની આંખોને પ્રેમ ભર્યો સંદેશ આપ્યો. તેણે તે ઝીલ્યો, વાંચ્યો. હથેળી પરથી ઉડીને ડાબા ખભા પર બેસી ગયું. વ્યોમાની સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. તેના જમણા ખભા પર બેસી ગયું હતું પંખી.

પંખીની પાંખ કાનને સ્પર્શી રહી હતી. રોમાંચિત થઈ ગયા, વ્યોમા અને નીરજા. મજા પડી રહી હતી, નીરજાને, વ્યોમાને અને પંખીઓને. વ્યોમા અને નીરજા જાણે પંખી બની ગયા. તેઓ સાથે બન્ને ખૂબ હળી ગયા, મળી ગયા.

તેઓએ બધા પંખી જોડે રમત રમી. ખૂબ મજા કરી. પંખીઓને પણ મજા પડી ગઈ. નવા દોસ્તોનો તેઓએ સ્વીકાર કર્યો. “નીરજા, કેવો અદભૂત છે આ અનુભવ ! મન થાય છે કે અહીં જ રોકાઈ જઈએ, જીવનભર. આ જંગલની નાગરિકતા માટે અરજી કરી દઈએ. તારો શું વિચાર છે?”

“મારો તો વિચાર છે, ઝરણાંમાં જઇ સ્નાન કરવાનો. અને પછી ત્યાં જ ઝરણાં પાસે બેસીને નાસ્તો કરવાનો. તું તારે બેસી રહે અહીં, જીવનભર. હું તો આ ચાલી.” નીરજા ઝરણાં તરફ ચાલવા લાગી. વ્યોમા પણ તેની પાછળ દોડી ગઈ. ઝરણાં પાસે પહોંચી ગઈ.

ઝરણાં પાસેની માટી પોચી હતી. પણ ત્યાં પથ્થરો પણ હતા. પથ્થર પર પગ રાખી ઝરણાં સુધી જવાતું હતું. બન્ને ત્યાં પહોંચી ગયા. ઝરણું સતત વહી રહ્યું હતું. તેનું પાણી ખૂબ ચોખ્ખું હતું. તે એટલું બધું ચોખ્ખું હતું કે કાચ જેવુ લાગતું હતું. જાણે પાણી બનીને વહેતો કાચ, કે કાચ બનીને વહેતું પાણી ! નીરજાએ ઝરણાંની બન્ને તરફ નજર કરી. જ્યાં સુધી નજર પહોંચતી હતી ત્યાં સુધી બન્ને તરફ ઝરણું દેખાતું હતું. ખૂબ દૂર સુધી વિસ્તરેલું હતું. પાણીનો પ્રવાહ દક્ષિણ દિશાથી આવતો હતો અને ઉત્તર તરફ વહેતો હતો.

નીરજા અને વ્યોમા જ્યાં ઊભા હતા ત્યાં ઝરણું, ડાબી બાજુએથી આવીને જમણી બાજુ વહી જતું હતું.

“વ્યોમા, આ ઝરણું જ્યાંથી આવે છે તે દક્ષિણ દિશા છે. એટલે તેનું ઉદગમ સ્થાન દક્ષિણમા છે.”

“નીરજા, આપણે પણ દક્ષિણ દિશા તરફ તો ચાલી રહ્યા છીએ.”

“એનો અર્થ એ છે, કે આ ઝરણું નોહ કલિકાઇ ધોધમાથી જ નીકળી રહયું હશે.”

“બિલકુલ બરાબર છે તારું અનુમાન.” વ્યોમાએ ડાબી બાજુએ નજર કરી. પાણીનો પ્રવાહ તે દિશાએથી વહેતો વહેતો આવી રહ્યો હતો.

ઝરણું વહેતા વહેતા, ધ્વનિ ઉત્પન્ન કરતું હતું. તેના અવાજમાં એક લય હતો. એક સંગીત હતું. મધુરતા હતી. મોહાકતા હતી. તે કાનને મોહિત કરતું હતું. તેના અવાજમાં આકર્ષણ હતું. નીરજા તેને સાંભળવા લાગી. તેના સંગીતમાં તે કોઈ રાગ, કોઈ તાલ, કોઈ લય શોધવા લાગી. તેના સંગીતમાં તે ખોવાઈ ગઈ. આંખ બંધ કરી, મૌન બની ઊભી રહી ગઈ.

વ્યોમાએ નીચા નમી, વહેતા ઝરણાંની અંદર હાથ બોળ્યો. પાણી ખૂબ ઠંડુ હતું. પાણી એક નિયમિત ગતિથી વહેતું હતું. પ્રવાહની ગતિ મંદ હતી. ઝરણાંનો પ્રવાહ વ્યોમાની આંગળીના ટેરવામાં થઈ આખા શરીરમાં ફરી વળ્યો. એક ઝણઝણાટી પ્રસરી ગઈ આખા શરીરમાં.

આખા શરીરે બળવો કર્યો.’માત્ર આંગળીના ટેરવાને જ સ્પર્શ નો અવસર મળે એવો અન્યાય, ના ચલાવી લેવાય. અમને પણ ઝરણાંના પ્રવાહનો સ્પર્શ કરવા દો.’ વ્યોમાના શરીરનું અંગે અંગ વિદ્રોહના મૂડમાં આવી ગયું. વ્યોમા શરીરના આંદોલનને સમજી ગઈ.

તેણે જૂતાં કાઢી નાંખ્યા. મોજા પણ દૂર કર્યા. દૂર એક પથ્થર પર મૂકી દીધા. નાસ્તાને પણ ત્યાં જ વિશ્રામ કરવા કહી દીધું. સાથે લાવેલ ટુવાલને પણ ત્યાં જ ટિંગાડી દીધો. ટી શર્ટ અને જીન્સ પહેરી રાખવા કે ઉતારી નાંખવા તેની દ્વિધામાં કેટલીક ક્ષણો વિતી ગઈ. તે નક્કી ના કરી શકી.

ખુલ્લા પગની પાનીને જંગલની ધરતીનો સ્પર્શ થયો. આ પહેલો જ સ્પર્શ હતો. જંગલમાં આવ્યા બાદ ક્યારેય પગમાંથી જૂતાં કાઢ્યા નહોતા. જંગલની માટીનો સ્પર્શ ગમ્યો. ખૂબ ઠંડી માટી હતી. ઠંડી એક લખલખું આપી ગઈ. સુરજ ઊગી તો ગયો હતો, પણ હજુ તેના પૂર્ણ તેજને ધરતી પર પહોંચાડી નહોતો શકતો.

ઠંડી માટીએ તેને નિર્ણય કરવામાં મદદ કરી. તે પહેરેલ કપડે જ સ્નાન કરવા ઝરણાં તરફ ચાલવા લાગી. દરેક ડગલે તેના પગને સ્પર્શતી જમીન, નવો અને અદભૂત રોમાંચ આપવા લાગી. તે સ્વીકારતી ગઈ. ઝરણાં પાસે આવી ગઈ. નીરજા હજુ પણ બંધ આંખે, વહેતા ઝરણાંના સંગીતની દુનિયામાં ખોવાયેલી હતી. વ્યોમાએ તેને ખલેલ ના પહોંચાડી.

તેણે ડાબો પગ પાણીમાં મૂક્યો. ઠંડી ઝણઝણાટી વ્યાપી ગઈ. તે ખૂબ તિવ્ર હતી. બીજો પગ પાણીમાં મુક્તા પહેલાં તે અટકી ગઈ, એકાદ ક્ષણ માટે. ઝણઝણાટીની અસર વિતી જવા દીધી. પગ હવે પાણીના તાપમાન સાથે તાલમેલ જમાવી રહ્યો હતો. એકાદ મિનિટનો સમય લાગ્યો હશે, ડાબા પગને પાણીના તાપમાન સાથે તાલ મિલાવતા.

તેણે જમણો પગ પણ પાણીમાં મૂકી દીધો. ધીરે ધીરે પાણીની અંદર ઉતરવા લાગી. પાણી ગોઠણ ઉપર આવી ગયું. તે વધુ આગળ વધવા લાગી. પાણીનો પ્રવાહ ખૂબ જ મંદ હતો, એટલે તણાઇ જવાનો ડર હતો જ નહીં. એટલે તે પાણીમાં વધુ અંદર જવા સાહસ કરવા લાગી. પાણી ધીરે ધીરે સાથળ પર થઈને કમર સુધી આવી ગયું. વહેતું પાણી કમરમાં ગલગલિયા કરવા લાગ્યું. જાણે કોઈના હાથનો મધુર સ્પર્શ ! તે હસી પડી. શરમાઇ ગઈ.

તે હજુ પણ અંદર ઉતરી રહી હતી. હવે,પાણી ડૂંટી પર આવી ગયું. ઉપર ચડતું ગયું. છાતીને સ્પર્શવા લાગ્યું. ધીરે ધીરે છાતીને ઢાંકી દીધું. તે ત્યાં જ અટકી ગઈ. પાણી સાથે છાતીમાં ઘણું બધું પલળી ગયું. તે ઊંડા શ્વાસ લેવા લાગી. તેની છાતી જોર જોરથી ધબકવા લાગી. છાતીના ધક્કાથી પાણી ઉપર નીચે થવા લાગ્યું. બે પહાડ વચ્ચેની ખીણમાં ઝરણું વહેવા લાગ્યું. બંને પહાડ ધબકી રહ્યા હતા. જીવંત થઈ ઉઠ્યા. ડોલવા લાગ્યા.

વ્યોમા પાણીમય બની ગઈ. દૂર દૂર સુધી પાણીને જોતી રહી. પાણીમાં પોતાના અસ્તિત્વને એકરૂપ કરતી રહી. ઉપર ખુલ્લુ આકાશ. ચારે તરફ લીલું, ગાઢ જંગલ. સાવ ખાલી જંગલ. કોઇની પણ ત્યાં હાજરી જ નહીં. સાવ એકલું જંગલ અને તે. એક તરફ પાણીનું જંગલ. બીજું આ લીલું જંગલ ! પાણીનું જંગલ અને લીલું જંગલ ! બંને જંગલમાં તે ખોવાઈ ગઈ.

નીરજાએ વહેતા ઝરણાંના રાગ અને લયને પારખી લીધા. મન ભરીને માણી લીધા. તેના એક એક ધ્વનિને અનુભવી લીધા. તેને લાગ્યું કે ઝરણું પણ વાંસળીના જ કોઈ સૂરો છેડી રહ્યું છે. વાંસળી? અરે, હા, મારે પણ વાંસળી વગાડી તેના સૂરોને સાથ આપવો જોઈએ. વાંસળી વગાડવાની તેને ઈચ્છા થઈ આવી. તિવ્ર ઈચ્છા થઈ ગઈ. તેણે જમણો હાથ વાંસળી લેવા કમર તરફ લંબાવ્યો. હાથ, ખાલી હાથે પાછો આવ્યો. તેણે કમર તરફ નજર કરી. વાંસળી ત્યાં નહોતી.

તે ઝડપથી પોતાના શરીરને તપાસવા લાગી. બેબાકળી બની વાંસળી શોધવા લાગી. વાંસળી ત્યાં પણ નહોતી. તેણે આસપાસ નજર કરી. વ્યોમા ક્યાંય નજરે ના ચડી. પથ્થર પર મૂકેલો નાસ્તો અને ટુવાલ તેની નજરે ચડી ગયા. તે ત્યાં દોડી ગઈ. વ્યોમા ત્યાં નહોતી. તે વાંસળી શોધવા લાગી. વાંસળી ત્યાં પણ નહોતી. વાંસળી ક્યાંય નહોતી.

નિરાશ થઈ ગઈ તે. ઝરણાંનો મધુર ધ્વનિ, વહેતા પાણીનો મનમોહાક અવાજ, તે અવાજમાં વહેતું સંગીત, સંગીતમાં રહેલો તાલ, તાલબદ્ધ પ્રકટતો લય. આટલો સુંદર અવસર, અને વગાડવાની તિવ્ર ઈચ્છા ! બધું જ છે, પણ વાંસળી ક્યાં?

મન તો થયું કે દોડીને ટેન્ટ પર જઈ વાંસળી લઈ આવું. પણ, ત્યાં સુધીમાં ઝરણું તેનો તાલ અને રાગ બદલી નાંખે તો? કોઈ નવું ગીત ગાવા લાગે તો? અને તે ગીત ના ગમે તો? ગીત જ ગાવાનું બંધ કરી ડે તો?

તેણે તે વિચાર પડતો મૂક્યો. અવસર ચૂકી જવાનો તેને અફસોસ થવા લાગ્યો. અઢળક વહેતા સ્વછંદ પાણી સામે પણ તે તરસી રહી ગઈ. વાંસળીની ધૂન વગાડવાની તરસ લઈને, તે પાણી તરફ જોવા લાગી. વ્યોમાને શોધવા લાગી.

વ્યોમા પાણીની અંદર ક્યાંય દૂર ઊભી હતી. તે તેની દુનિયામાં ખોવાયેલી હતી. તે નીરજાના અસ્તિત્વને ભૂલીને આનંદ લઈ રહી હતી. ‘કેવી છે તું, વ્યોમા? મને ભૂલી ગઈ? એકલી જ સ્નાન કરવા લાગી?’ તે મનોમન બોલી. ‘તું પણ વ્યોમાને ભૂલીને તારા પોતાના અસ્તિત્વમાં ગુમ થઈ ગઈ હતી. તો પછી વ્યોમાનો શો વાંક?’ તેના મનમાંથી જ જવાબ મળી ગયો. પોતાના જ વિચારો પર તે હસી પડી.

તે પાણી તરફ ચાલવા લાગી. પાણી પાસે પહોંચી ગઈ. એકદમ શાંતિથી તે પાણીમાં આગળ વધવા લાગી. જાણે બિલ્લિ પગે પાણીમાં ચાલતી હોય. તે વ્યોમાની ખૂબ જ નજીક પહોંચી ગઈ. વ્યોમા હજુ પણ તેના પોતાના અસ્તિત્વમાં ખોવાયેલી હતી. તેને પોતાના સિવાય કોઈનું અસ્તિત્વ હોય તેવું લાગતું નહોતું. નીરજાનું પણ નહીં.

નીરજા હવે વ્યોમાથી હાથ ફેલાવી પકડી શકાય તેટલી જ દૂર હતી. તેણે વ્યોમાના ખભા પર પાછળથી હાથ મૂક્યો. વ્યોમા ચોંકી ગઈ. કદાચ ડરી પણ ગઈ. નીરજા નક્કી ના કરી શકી.

વ્યોમાએ પાછળ ફરી નજર કરી. ”નીરજા? તું? ઓહ... હું...”

“કેમ? ડરી ગઈ? “નીરજાએ તેનો હાથ પકડી ઉષ્માથી દબાવ્યો. વ્યોમાનો ડર ભાગી ગયો. તે કલ્પનાના જંગલમાંથી વાસ્તવિક જંગલમાં આવી ગઈ. નીરજા સાથે. ઝાડ સાથે. પાણી સાથે. હવા સાથે. ખુલ્લા અસિમ આકાશ સાથે.

વ્યોમાએ બંને હાથની હથેળી ભેગી કરી, ખોબામાં પાણી ભરી, નીરજા પર છાંટ્યું. પાણી ઉડીને નીરજાના વાળ પર જઇ ચડ્યું. લટો ભીંજાઇ ગઈ. કપાળ પર થઈ પાણી ભ્રમર, પાંપણ, આંખ, ગાલ, નાક, હોઠ પર થઈ ખભા પર વિખરાઈ ગયું. વાળ અર્ધ ભીના, અર્ધ કોરા રહી ગયા. વ્યોમા ખડખડાટ હસવા લાગી.

નીરજાએ પણ ખોબો ભરીને વ્યોમા પર પાણી ઉડાડયું. વ્યોમા પર પણ પાણીએ એ જ વર્તન કર્યું જે, તેણે નીરજા સાથે કર્યું હતું. તેના વાળ પણ ભીના - કોરા થઈ ગયા. નીરજા પણ હવે હસવા લાગી.

બન્નેનું મુક્ત હાસ્ય જંગલમાં રોકટોક વિના જ ફરવા લાગ્યું. જંગલના અણુઓમાં વ્યાપી ગયું.

સામ સામે પાણી ઉડાડતા રહ્યા. એક બીજાનો હાથ પકડી મસ્તી કરતાં રહ્યા. તો ક્યારેક હાથ છોડાવી દૂર જતાં રહેતા, એક બીજાથી. એકબીજાને પકડવા દોડતા હતા.

વ્યોમા ત્રણ ચાર ફૂટ દૂર જતી રહી. નીરજા ત્યાં જ ઊભી રહી ગઈ. આ વખતે તે તેને પકડવા દોડી ના ગઈ. નીરજા તેના બન્ને હાથ પોતાના વાળ પર ફેરવવા લાગી. વાળ ભીના થઈ જ ગયા હતા. તેણે વાળ છોડી નાંખ્યા. ખુલ્લા વાળ તેના ખભા પર લહેરાઈ ગયા. તેના વાળ લાંબા હતા. જાડા હતા. પણ સુંવાળા હતા. નીરજા છાતી ડૂબે તેટલા ઊંડા પાણીમાં હતી. વાળની લંબાઈ છેક ડૂંટી સુધી જતી હતી. વાળ પાણીમાં તરવા લાગ્યા. કોઈ કાળું પંખી પાણી પર વહેતું હોય તેવું લાગ્યું.

ખુલ્લા વાળમાં ઊભેલી નીરજાને, વ્યોમા જોતી રહી. તેને લાગ્યું કે નીરજા કોઈ છોકરી નથી, પણ ઝરણાંમાંથી જન્મેલી જલપરી છે.

“તારું નામ શું છે, છોકરી?” વ્યોમાએ કોઈ અજાણી છોકરીને પહેલી વાર મળતી હોય તેમ નીરજાને સવાલ કર્યો.

“મારૂ નામ? હા ..હા,.. હા હા. ...” નીરજા હસવા લાગી, ” એ ય છોકરી, પહેલાં તું તારું નામ કહે, ને?”

“મારે કોઈ નામ છે? કદાચ નથી. હોય તો મને યાદ નથી. તને યાદ છે મારૂ નામ, હે છોકરી?” વ્યોમા પણ હસવા લાગી.

“તું વ્યોમા છે. વ્યોમા એટલે આકાશ. હા, વ્યોમા એટલે આકાશ, આભ, નભ, આસમાન. તું આકાશ છે. ઉપર જો. કેવું સુંદર આકાશ છે. કેટલું વિશાળ છે. અમાપ છે, અસિમ છે. ઊંડું છે. ગાઢ છે. તું પણ એવું જ કોઈ આકાશ છે.”

“પણ, આકાશ તો પુરુષ છે. હું તો....”

“પૃથ્વી, જળ વાયુ, આકાશ અને અગ્નિ. એ પાંચ મહાભૂતો છે. તે લિંગભેદથી પર છે. તે ના તો સ્ત્રી છે, ના પુરુષ. તેને કોઈ શરીર નથી. તેને આકાર નથી. તે સર્વત્ર છે. સર્વવ્યાપી છે. તું પણ આકાશ છે. માત્ર આકાશ...” નીરજા આકાશમય બની ગઈ. વ્યોમા પણ. તેના હોઠો પર સ્મિત હતું. આંખમાં અસિમ આકાશ.

વ્યોમાએ ફરી નીરજા પર પાણી છાંટ્યું. નીરજા આકાશમાંથી જળમાં આવી ગઈ.

“પણ એ ય છોકરી, તને ખબર છે તારું નામ?“ વ્યોમાએ વળતો પ્રહાર કર્યો.

“ના. તું મને યાદ અપાવ. હું કોણ છું?” નીરજાએ નટખટ જવાબ આપ્યો.

“તું નીરજા છે. નીર એટલે જળ. નીરજા એટલે જળમાં જન્મેલી, જળની છોકરી. તું જળની છોકરી છે. પણ, જળ પણ પેલા પંચ મહાભૂતોમાંનું જ એક છે. તે ના તો સ્ત્રી છે ના પુરુષ. તેને કોઈ શરીર નથી. તેને આકાર નથી. તે સર્વત્ર છે. સર્વવ્યાપી છે. તું પણ જળ છે. માત્ર જળ.” વ્યોમાએ નીરજાના શબ્દોનો જ સહારો લીધો. ખડખડાટ હસવા લાગી.

નીરજાએ પાણીની પાંચ સાત વાછટો વ્યોમાના મોઢા પર ફેંકી. વ્યોમા પરાજિત થઈ ગઈ. મોઢું ફેરવી ગઈ. નીરજા હજુ પણ પાણીનો પ્રહાર કરતી હતી. વ્યોમાની ગરદન પર તે અથડાયું. તેના વાળ પણ ભીંજાઇ ગયા. તેણે પણ પોતાના વાળ ખુલ્લા કરી નાંખ્યા. તેના વાળ વધુ ઘાટા અને મોટા હતા. તે પાણીની સપાટી પર ફેલાઈ ગયા. એક કાળી ચાદર, એક કાળું વાદળું, જળમાં છવાઈ ગયું.

બંને જળમાં રમવા લાગી. ડૂબકીઓ મારવા લાગી. દોડવા લાગી. હસવા લાગી. બે જલપરીઓ નિર્ભિક જળક્રીડાઓ કરતી રહી. સમય, સ્થળ અને પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ઝરણાંમાં વહેતી રહી.