Magal sutra books and stories free download online pdf in Gujarati

મંગળ સુત્ર

મંગળ સુત્ર

મુકેશ સોજીત્રા

સવારનો મંદ મંદ પવન નાનકડાં શહેરને પ્રાણવાન ઉર્જા આપી રહ્યો હતો. 'ખોડલ સ્ટોન એન્ડ સેનિટેશન વેર" દુકાનનાં માલિક પ્રદીપ ભાઈ અને તેનો પુત્ર અલકેશ દુકાન ખોલીને બેઠાં હતાં, નાનકડાં શહેરમાં એનું નામ હતું, પ્રદીપભાઈને તો આ ત્રીજી પેઢીનો ધંધો હતો,ઉત્તમ પ્રકારનો માર્બલ,ગ્રેનાઇટ,કોટા અને રાજુલાનો પાણીદાર પથ્થર આ એકમાત્ર દુકાને મળતો, એટલામાં ફોનની ઘંટડી રણકી, અલ્કેશ ફોન ઉપાડ્યો સામેથી કોઈ છોકરી બોલી રહી હતી, ઝરણાં ના મધુર નાદ સમા અવાજે એણે પૂછ્યું

" ક્યાં મેં ખોડલ સ્ટોનકે માલિક પ્રદીપભાઈ સે બાત કર સકતી હું, મૈં મકરાણા રાજસ્થાન સે "યુનિવર્સલ સ્ટોન ફેકટરી" કી ઓરસે અંચલ બોલ રહી હું.''

" બોલીએ મેડમ મૈં પ્રદીપભાઈ કા લડકા અલકેશ બોલ રહા હું"

" આપને જો સ્ટોન નં. 230 સે લેકર 238 તક કી જો એજન્સી લેને કી બાત કહીથી વો હમારે ફેકટરીકે માલિકને મંજુર કર લી હૈ, ઔર કુછ કાગજાત પે સાઈન કરની પડેગી,ઔર કુછ રૂલ્સ ઔર રેગ્યુલેશન, ફોર્માલિટીઝ કરની પડેગી, તો આપ ઐસા કીજીએગા કી અગલી બારહ તારીખ કો પ્રદીપભાઈ

"વો તો સબ ઠીક હૈ લેકિન મેરે પાપાકી તબિયત અચ્છી નહિ ચલ રહી હૈ તો ઉનકી બજાય મૈં આ જાઉં તો નહિ ચલેગા" અલ્કેશે પૂછ્યું.

" આપ આ સકતે હૈ, લેકિન આપકા પાપાકો આના ભી જરૂરી હૈ, વરના હમ આપકો સ્ટોન કી એજન્સી નહિ દેંગે,ઐસા હમારે શેઠજીને કહાં હૈ." એવું બોલીને અંચલે ફોન કાપી નાંખ્યો...

અલ્પેશે પ્રદીપભાઈ સામે જોયું, બોલ્યો "પપ્પા તમારી તબિયત સારી નથી, આપણે નથી જોઈતી એજન્સી" પ્રદીપભાઈ કાંઈ બોલ્યા નહિ... એણે મકરાણા પાછો ફોન લગાવ્યો, વાત થઇ પણ વળી એજ વાત આવીને ઉભી રહી કે તમો રૂબરૂ આવો તો જ તમને એજન્સી મળશે...

" અલકેશ પરમ દિવસે આપણે નીકળીએ, દામોદરને કહી દે 'ડસ્ટર' લઈને જવાનું છે, વળતાં આપણે શ્રીનાથજી, અને અજમેર પણ થતા આવીશું અને હા આજ તું પાંચ લાખ રૂપિયા સામેવાળી પાર્ટીમાં ટ્રાન્સફર કરી દેજે" આટલું બોલ્યાં ત્યાં પ્રદીપભાઈ ને હાંફ ચડી ગયો.

પ્રદીપભાઈ વરસોનાં અનુભવી વેપારી હતાં.જે સ્ટોનની એજન્સી તે રાખવા જઇ રહ્યા હતાં તે પત્થર મકરાણામાં ફક્ત અને ફક્ત "યુનિવર્સલ સ્ટોન ફેકટરી"ની ખાણોમાંજ મળે એમ હતો,એયને એકદમ સફેદ,ઈટાલિયન મારબલને પણ આંટી મારે એવો ક્રિસ્ટલ ક્લિયર,માર્બલ,ગ્રેનાઇટ,અને કોટા,વળી આ પ્રથમ એવો સ્ટોન હતો કે જે કુદરતી રીતે આઠ રંગોમાં ઉપલબ્ધ હતો. બસ એક જ નવાઈ હતી કે માલિક તેને રૂબરૂ શા માટે બોલાવે છે. એટલે જ તેઓ પોતાનાં પુત્ર અલકેશ ને ડ્રાઈવર દામોદર સાથે મકરાણા જવા નીકળ્યાં. દોઢ દિવસે તેઓ મકરાણા પહોંચ્યા. કંપનીના પાર્કિંગમાં ગાડી ઉભી રાખી. તેઓ સિક્યુરિટી ગેટ પાસે ઉભા રહ્યા.થોડી વાતચીત પછી તરત આગળની ભવ્ય બિલ્ડીંગમાંથી એક 30 વર્ષનો છોકરો હાથમાં એક આઈ ફોન સાથે,આંખોમાં રે બનનાં ગોગલ્સ ને તેજ ભરી ચાલ સાથે આવી રહ્યો હતો. તેને જોતા જ ચારે તરફ વાતાવરણમાં એક જાતની જાગરૂકતા ફેલાઈ ગઈ.

" શેઠ જી ખુદ આ રહે હૈ" કહકર ચોકીદારોએ સલામી તૈયાર કરી. યુવાન આવ્યો. ઘડી ભર પ્રદીપભાઈ, અને અલકેશને તાકી રહ્યો.અને પછી રે બન ના ગોગલ્સ ઉતારર્યા આંખો માં સહેજ ભેજ જણાયો અને એ બોલ્યો

" ઓળખ્યો મારો બાપ , માલો બાપ" અને એણે પ્રદીપ ભાઇનાં ચરણ સ્પર્શ કર્યા. અને શેઠને નવાઈ ભર્યો ઝાટકો લાગ્યો. અરે આતો પોતાને ત્યાં કામ કરતો ચેદિરામ નો છોકરો રઘુ છે.

" હા બાપ, હા બાપ" કહીને તેને રઘુને ગળે વળગાડ્યો, બેયની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. અલકેશ સહીત સૌ આ વિસ્મયકારક ઘટનાને જોઈ રહ્યા હતા. શેઠ પ્રદીપભાઈ અને રઘુ 30 વરસ પહેલાના સમયમાં પાછા સરકી ગયા હતાં.

છેદી રામ પ્રદીપભાઈને કામ કરતો, એક વખત રાજસ્થાનથી ટ્રક સાથે આવેલો અને કીધું કે આ પથ્થરનો સારો કારીગર છે. પથ્થરનું કટિંગ,મોલ્ડિંગ,અને ફિનિશિંગ, જેટલું રાજસ્થાની કારીગર કરે એટલું સારું અહીંના સ્થાનિક કારીગર ના કરી શકે એટલે પ્રદીપભાઈ એ પોતાના 'ખોડલ સ્ટોન' માં રાખી લીધો.વરસ દિવસમાં તે એક દમ કુશળ કારીગર તરીકે નામના મેળવી લીધી.પ્રદીપભાઈએ તેમનો પગાર પણ ડબલ કરી દીધો. એક વરસ પછી પોતાની પત્ની ખેમીને તેડી આવ્યો.ખોડલ સ્ટોનના છેવાડે બે ઓરડીમાં છેદિરામ અને ખેમી રહેવા લાગ્યા. ખેમી એકદમ સંસ્કારી પત્ની, સદા ઘૂંઘટ તાણેલો હોય, બસ પ્રદીપ ભાઈ નાં મમ્મી કે એની પત્ની આવે તો જ ખેમી આવે આ બાજુ નહીંતર એ પોતાની ઓરડી પાસે રાજસ્થાની ગીત ગાતી હોય, કશુંક ને કશુંક કામ કરતી હોય. એક વરસ બાદ છેદિરામ દીકરાનો બાપ બન્યો, રઘુ એનું નામ પાડ્યું.શેઠે પાછો પગાર વધાર્યો, રઘુ નાનપણ થી જ ચબરાક છોકરો,ભલે રાજસ્થાની રહ્યો પણ જન્મ ગુજરાતમાં એટલે મિશ્ર ભાષા શીખ્યો અને પછી કડકડાટ હિન્દી, ગુજરાતી બેય બોલે, એક વર્ષ નો હતો ત્યારથી રઘુ પ્રદીપભાઈના ખોળામાં રમતો, એય સવારે પોતાની ઓરડીમાંથી છેદિરામ નીકળે,પોતાના રાજસ્થાની પોશાકમાં સજ્જ એવા રઘુને લઇ. શેઠજી રઘુને લઇ લે પોતાની ઓફિસમાં અને કાચના ટેબલ પર રમાડે. છેદી રામ પથ્થર કાપવાનાં, ઘસવાના,ફિનિશીંગ ના કામ માં હોય અને અહીં પ્રદીપભાઈ રઘુ સાથે રમે

" જો તાલો બાપ" એમ કહીને રઘુને તે છેદિરામ તરફ આંગળી ચીંધે... રઘુ એકશન કરે કાલીઘેલી ભાષામાં બોલે. પછી તો રઘુ જેમ જેમ મોટો થયો એમ પ્રદીપભાઈની સાથે રહેવા લાગ્યો. એ વખતે પ્રદીપભાઈ ને કોઈ સંતાન નહોતું. પછી પ્રદીપભાઈ ત્યાં અલકેશનો જન્મ થયો ત્યારે રઘુ પાંચ વરસનો હતો. એક વરસ પછી શેઠ અલકેશને લઈને ક્યારેક દુકાને આવે કે તરત જ રઘુ એની પાસે જાય અને અલકેશ ની આંગળી શેઠ તરફ કરે અને બોલાવે " બોલ તાલો બાપ" અને પછી આંગળી બહાર કામ કરતા છેદી રામ તરફ રાખીને રઘુ બોલતો " માલો બાપ"

હવે રઘુ દસ્ વર્ષનો થયો,શેઠે એને સ્થાનિક નિશાળમાં ભણવા પણ બેસાડ્યો.સાથો સાથ એ કામ શીખવા લાગ્યો.અને કઠણાઈ પણ શરુ થઇ, ખેમી બીમાર પડી,છેદિરામને પીવાની લત પડી, પ્રદીપભાઈ ધમકાવે પણ ખેમી અને રઘુ નજર સામે આવે એટલે નોકરીમાંથી ના કાઢે પણ હવે છેદિરામ નજર માંથી ઉતારી ગયો. નિશાળેથી આવેલા રઘુ પાસે છેદિરામ બધું કામ કરાવે,પથ્થર કપાવે અને રાતે મોડે સુધી ઘસાવે. અને ક્યારેક સવારે ચોકીદાર કહે ત્યારે ખબર પડે કે રાતે ખેમીને અને રઘુને છેદીરામે માર્યા. શેઠ હવે ગળે આવી ગયાં, થોડાક સમયમાં જ ખેમીનું અવસાન થયું, એના પછીના છ જ મહિનામાં જ ગામની એક ઉતાર કહી શકાય એવી બાઈને છેદીરામે ઘરમાં બેસાડી, અને હવે ફુલ પીવાનું શરુ થયું, અને રઘુ પર ત્રાસ શરુ થયો. બધું કામ બેય જણાં રઘુ પાસે કરાવે. શેઠે પોતાની ઓરડી ઓ ખાલી કરાવી. પણ રઘુને નોકરીએ રાખી લીધો, એટલા માટે કે આ છોકરો છેદીરામ પાસે રહે તો સતત માર ખાય. અને શેઠે એવી શરત કરીકે રઘુનો જેટલો પગાર હતો એ બધો છેદીને મળી જશે. એણે ક્યારેય અહીં ના આવવું, માની મમતાથી વિમુખ થયેલા, ને બાપના પરાક્રમથી ત્રાસેલાં છોકરાની સ્થિતિ ભયકર હતી. શેઠ એને પોતાના દીકરા કરતા પણ વિશેષ સાચવતાં. પણ રઘુ હવે પેલા જેવો નહોતો,આંખોમાં હંમેશા ગુસ્સો રહેતો અને એક દિવસ એક ઘટના બની...

છેદિરામ સવારના નવ વાગ્યે જ ફુલ થઈને પોતાની નવી બાઈને લઈને રઘુ પાસે આવ્યા અને ગાળો બોલીને પૈસા માંગ્યા, છેદી આવે એટલે પ્રદીપભાઈ એને બહારથી જ વળાવે અને જોતું કારવતું આપી દે બાપ દીકરાને ભેગા ના થવા દે.પણ આજ પ્રદીપ ભાઈ ન્હોતા અને રઘુ પથ્થર કાપતો હતો, અને છેદીરામે રઘુની માં વિષે કઈ ગાળ બોલ્યો ને રઘુનો મગજ ગયો. ફરીથી છેદીરામે રઘુની મા સામે ગાળ બોલ્યોને આ વખતે રઘુની નવી માં હસીને, તરત જ બાજુમાં પડેલો એક બે બાય બે નો ગ્રેનાઇટનો ટુકડો છેદી તરફ ફેંકાયો, જે છેદીની છાતીમાં વાગ્યો, લથડિયા ખાતો છેદી પડ્યો અને રઘુએ નવી માનો ચોટલો પકડીને રોડ પર ઢસડી. ટોળું ભેગું થયું ના હોત કે જો પોલીસ ના આવી હોત તો આજ રઘુ આ બેયને પતાવી દેત, પણ દૂરથી પોલીસની જીપ દેખાણી કે તરત જ રઘુ ભાગ્યો પોતાની જૂની ઓરડી ટપી, પાછળના ખેતરમાં ભાગ્યો, ત્યારે એ લગભગ 14 વર્ષનો હતો. એ ભાગ્યો પછી પ્રદીપભાઈ એ ગોતવા ઘણી મહેનત કરી પણ રઘુ ના જડ્યો તે છેક આટલા વરસે આ રીતે તેમનો ભેટો થયો.

" ચાલો બાપા જમી લઈએ" ઓફિસમાં બેઠેલા અને ભૂતકાળમાં ખોવાઈ ગયેલા પ્રદીપભાઈને રઘુએ હાથ પકડીને કહ્યું. રઘુ આટલા સમયે પણ કડકડાટ ગુજરાતી બોલતો હતો. અલકેશને રઘુ એ પોતાની પાસે બેસાડ્યો અને રઘુ એ આજે ભોજન પીરસ્યું.શેઠે પહેલો કોળિયો હાથમાં લીધો અને રઘુ પાસે આવ્યોને યંત્રવત શેઠનો હાથ રઘુના મો પાસે ગયો અને રઘુ શેઠના હાથનો કોળિયો ખાધો. અલકેશ આ જોઈ જ રહ્યો. વરસો પહેલા ક્યારેક રઘુ જમતો નહિ એને એની મા યાદ આવતી ત્યારે શેઠ એની પાસે આવીને જમાડતાં. એનો બાપ તો પડ્યો હોય પેલી ગામની ઉતાર સાથે. જમતાં જમતાં રઘુએ બધી વાત કરી કે કેવી રીતે તે અહીંયા પહોંચ્યો. તે દિવસે તે ભાગીને રેલવે સ્ટેશન પર પહોંચ્યો ને ત્યાં એક માલગાડી ઉભી હતી,તેના ખાલી વેગન માં બેસી ગયેલો, ગાડી બેંગ્લોર પહોંચી ત્યાં એ ઉતરી ગયો, બેંગ્લોરમાં એણે પથ્થરનું જ કામ કર્યું, થોડા પૈસા ભેગા કર્યા, અને પછી ત્યાંથી કેવી રીતે તે પાછો મકરાણા પહોંચ્યો..

ફોર્માલિટી પતાવીને આજીવન એજન્સી આપી દીધી ફક્ત તાલુકાની જ નહિ આખા જિલ્લાની સ્ટોનની એજન્સી "ખોડલ સ્ટોન"ને મળી ગઈ શેઠને હવે નીકળવું હતું. અલકેશ ને રઘુ ભેટ્યો. શેઠ ને પગે લાગ્યો, અને એક સૂટકેશ આપીને કીધું " બાપા આ પાંચ લાખ લેતા જાવ" અમારા રૂલ્સ મુજબ ડિપોઝીટ બતાવવી પડે" વગર ડિપોઝીટ અમે કામ ના કરી શકીયે, પણ તમે મારાં શેઠ કહેવાવ એટલે ડીપોઝીટ તમને પાછી !!!રઘુની જીદ આગળ શેઠ ઝૂક્યા ને છેલ્લે રઘુ એ પૂછ્યું કે

" પેલો શું કરે છે અને ક્યાં છે?"

"કોણ તારો બાપને " શેઠે કિધુને રઘુ નફરતથી બોલ્યો,,

"મારો બાપ નહિ પણ પેલો નાલાયક' ગુસ્સાથી થી ચહેરો તમતમી ઉઠ્યો.

" એને હવે કોઈ રોગ થયો છે, એની સાથેની બાઈ તો ભાગી ગઈ એક ટ્રક વાળા સાથે, પછી પીવા જોઈ એટલું કામ કરે ને જ્યાં ત્યાં પડ્યો રે મારી પાસે આવે કરગરે, હું આપું સો કે બસો રૂપિયા પાછો જાય આવે , રખડ્યા કરે ટીબી થઇ ગયો છે હવે, એક પગ સડ્યો છે, ચહેરા પર ચાઠા પડ્યા છે હવે હાથ પણ ધ્રૂજે છે, બહુ ભૂંડી દશા છે એની"

" હોવી જ જોઈએ, હોવી જ જોઈએ બાપા તમને ખબર છે એ મારી માને કેટલો મારતો,રાતે પીને કેવા ભવાડો કરતો, બાપા તમે તો એ વખતે દુકાને ના હોવને માર ખાઈને પણ મારી મા એને ઉલ્ટી થાય ને તો પણ મીઠું લોહીને દોડતી, એ નાલાયક કૂતરાને મોતે મરશે કૂતરાને મોતે!!! રઘુ ચિત્કાર પાડીને બોલ્યો... જોરથી મુઠ્ઠી પછાડી ટેબલનાં કાચ પર અને કાચ તુટી ગયો. એક કાચની કટકી રઘુની હથેળીમાં ખૂંચી ને લોહીની ધાર થઇ. સેક્રેટરી અંચલે તરત જ પાટો બાંધ્યો. રઘુ હજુ પણ હિબકા ભરતો હતો, ગુસ્સાથી હોઠ ધ્રુજતા હતા. આખું શરીરમાં લખલખું પસાર થઇ જતું હોય એમ લાગતું હતું. પંદર મિનિટ સુધી રોયા પછી રઘુ શાંત પડ્યો..

"બાપા એક બીજું કામ કરશો, ખાવ ભગવાનના સોગંદ, કે મારું આટલું કામ કરશો," રઘુ એ બે હાથ જોડીને કહ્યું.

" હા બોલ" પ્રદીપભાઈ પણ લાગણી વશ થઇ ગયાં.

રઘુ એક રૂમમાં ગયો, એક બીજી સૂટકેશ લાવ્યો. ખોલી ને બતાવી એમાં પાંચ લાખ રૂપિયા હતા.રઘુ બોલ્યો

" આમાંથી પેલાની દવા કરાવજો. જે ઓરડીમાં અમે રહેતાં હતાં ત્યાં રાખજો એને, બાપા પૈસા ઘટે તો મંગાવી લેજો, પણ એને પૂરતું ખાવાનું આપજો,, એટલા માટે નહિ કે એ નાલાયક મારો બાપ હતો..... એટલા માટે પણ નહીં કે મારે ને એને લોહીનો સંબંધ હતો..... બસ આ તો મારી માં માટે ... મારી માં એનું "મંગળસૂત્ર" પેરતી તી,,, મારી માના મંગળ સૂત્ર માટે હું આટલું કરું છુ બાપ.... મંગળસૂત્ર માટે... મંગળસૂત્ર માટે...." રઘુ જમીન પર ફસડાઈ પડ્યો, અલ્કેશે એને ઉભો કર્યો. આજુબાજુ ચારે બાજુ સ્તબ્ધતા છવાઈ ગઈ.શેઠે આકાશ સામું જોયું અંતરિક્ષમાં પડઘા સંભળાંતા હોય એવું લાગ્યું... 'મંગલ સૂત્રમાટે... મંગળ સૂત્ર માટે.... રઘુ એ આકાશમાં નજર કરી તેને તેની માં ખેમીની આંખમાં ખુશીના આંસુ હોય એવો ભાસ થયો...