Aamanya sambandho ma rundhati vastvikta books and stories free download online pdf in Gujarati

આમન્યા -સંબંધો માં રૂંધાતી વાસ્તવિકતા ...

આમન્યા સંબંધો માં રૂંધાતી વાસ્તવિકતા ...

ભાગ ૧

“તને ખબર છે અમુ ? “ ,

અખિલ આમન્યા નો હાથ પોતાના હાથ વડે પંપાળતા બોલ્યો. “મને આ તળાવ નું શાંત પાણી જોવું બહું ગમે.”

“ખબર જ હોય ને , ‘આફ્ટર ઓલ’ ,સત્તર વર્ષ થી આપણે સાથે છીએ ,ભલે મન થી નહી પણ તન થી તો ખરા જ ને .”

આમન્યા ની આંખો ધારદાર હતી ,અને હોય પણ કેમ નહી ! મહિલા સશક્તિકરણ કેન્દ્ર ની સંચાલક છે , ‘વર્કિંગ વુમન’ છે અને સૌથી મોટી વાત તો પોતે લેખિકા છે, અને કદાચ એટલે જ કોરી આંખો થી આટલા ચોટદાર શબ્દો એ બોલી શકે છે .

“કાશ જીવન પણ આવું હોત ,એકદમ સ્થિર,સમતળ ,સમાન .કોઈ ઉતાર ચડાવ જ નહી .”અખિલ વકીલ છે ,પણ બાહોશ કવિ જેવા એના શબ્દો સહેજ પણ ચોટ કર્યા વિના આરપાર વીંધી નાખે છે.

“એને જીવન નહી, મૃત્યુ કહેવાય .“

અખિલ બે ઘડી આમન્યા ની આંખો માં જોઈ રહ્યો .ફરી પાણી તરફ નજર કરી એ બોલ્યો ,

“કેવું કહેવાય નહી ? આટલા વર્ષો થી સાથે રહેવા છતાં, ન તો આપણો પ્રેમ સાર્થક થઇ શક્યો, કે રોજ પથારી શેર કરવાં છતાં ન લગ્નજીવન .”

“લગ્ન ની સાર્થકતા શું માત્ર બાળક ના અસ્તિત્વ માં છે ?” સવાલ વેધક હતો.

“તું જાણે છે ,હું એમ નથી કહી રહ્યો ,પણ તારે એતો સ્વીકારવું જ રહ્યું કે બાળકે આપણી વચ્ચે એક અદ્રશ્ય દોરી નું કામ કર્યું હોત .”

“ વાસ્તવિકતા માં આવ અખિલ,વાસ્તવિકતા માં. આપણી પાસે એ દોરી નથી તો નથી જ ,બાળક નથી તો નથી જ ,ને હવે સ્વીકારી લે ,તો પ્રણય પણ નથી તો નથી જ .” આમન્યા એ અખિલ ના હાથ માંથી પોતાનો હાથ ખેંચી લીધો .

“બસ કર અમુ “.

“બસ અખિલ ,બસ. હું હવે રહી શકું એમ નથી .ને આપણી વચ્ચે પણ કઈ રહ્યું નથી. હું પણ કોઈ સાથે સંબંધ માં છું, ને તું પણ .છૂટાછેડા તો આપણા ક્યારનાંય થઇ ગયા છે ,બાકી છે તો બસ આ કાગળ પર આપણા હસ્તાક્ષર ,એ કરી દે ,એટલે બાકી આશાઓનો પણ અંત આવે.”આમન્યા છૂટાછેડા ના કાગળો બેગ માંથી કાઢતા બોલી.

આમન્યા જાણે છે કે , એ જે બોલે છે તે અસત્ય છે, પણ ખોટું નથી. પોતે અખિલ સિવાય બીજા કોઈ નો વિચાર સુદ્ધા કર્યો નથી. અખિલ પણ સંપૂર્ણ વફાદાર જીવનસાથી રહ્યો છે.બન્ને ના લવ મેરેજ છે,પરિવાર તરફ થી કોઈ ચિંતા નથી ,બન્ને એકબીજા ને સમજે છે, એકબીજા ની સારસંભાળ લે છે ,અને એ પણ સત્ય છે કે આ બધું જ હવે બસ એક નિત્યક્રમ રહ્યું છે ,યંત્રવત રહ્યું છે ,હવે એ પ્રેમ લગભગ મરી ગયો છે,અને એટલે જ આમન્યા આજ એને અગ્નિદાહ આપી, નાહ્યી નાખવા માંગે છે.

“ આ ખરેખર તું બોલે છે અમુ ?” અખિલ આમન્યા ની આંખો માં જોઈ બોલ્યો . “મને મારા કાન પર વિશ્વાસ નથી આવી રહ્યો.”

“ હું જ બોલું છું અખિલ,ઘણાં સમય થી બોલું છું ,તું સાંભળવા જ નોહ્તો માંગતો .”

“ પણ આપણે જેમ છીએ એમ પણ જીવી જ શકીએ છીએ ને ! “

“ હા હા,કેમ નહી ?? પણ સોરી અખિલ, મારાથી હવે એમ નહી જીવાય .આ તારી આંખો તીર ની જેમ મારા અસ્તિત્વ ને ચીરી નાખે છે, તારું વર્તન જાણે કે હું તને જાણતી જ ના હોયને એવું લાગે છે, ઘર આખું મને ખાવા દોડે છે,તારા લીધેલા રમકડાં મને મહેણાં મારે છે, હું જયારે અરીસો જોઉં છું ને અખિલ ,તો એ મને... એ મને શું કહે છે ખબર છે ? ‘આમન્યા, તે જ અખિલ ના સપના માર્યા છે, ડૂબી મર,ડૂબી...એક બાળક ને જન્મ નથી આપી શકતી ! હું તને કહું છું અખિલ , એને તો એ પણ નથી સમજાવી શકતી કે લગ્ન ની સાર્થકતા માત્ર બાળક નથી. કાશ ...કાશ કે એ દિવસે મને જીવિત બાળક જન્મ્યું હોત..” આમન્યા અખિલ ના ખોળા માં માથું નાખી રડવા લાગે છે .

અખિલ એના ઘેરા કાળા વાળ માં પોતાનો હાથ ફેરવે છે, “હશે હવે,જે પણ થયું તે થયું ,એમાં તારો કશો વાંક નથી.તું પોતાની જાત ને જ દોષ આપી આપી ને આમ બાળ્યા ન કર.”

“ હું તો ત્યારે જ અંદર થી બળી ગઈ હતી જયારે ડો.પટેલ ના શબ્દો સાંભળ્યા હતા ,કે હું હવે ક્યારેય માં નહી બની શકું.આ તો હવે માત્ર શરીર રહ્યું છે.”

સૂર્ય નું લાલ પ્રતિબિંબ તળાવ માં પડી રહ્યું હતું.અખિલ આમન્યા ના માથે હાથ ફેરવી રહ્યો હતો.એનો ચહેરો એટલો ભાવુક નહોતો .એ બસ તળાવ ના શાંત પાણી માં જાણે પોતાનું કઈક વસ્તુ ખોવાયું હોય એમ જોઈ રહ્યો હતો. વસ્તુઓ તો શોધવા થી મળી જતી હોય છે, પણ જેના સપના ખોવાઈ જાય છે, એને તો પછી ઊંઘ જ ક્યાં આવે છે ?

આમન્યા નસીબદાર છે, કારણ કે એ સ્ત્રી છે.એ રડી શકે છે ,મન હળવું કરી લે છે.અખિલ ની હાલત વધુ ગંભીર છે, એ રડી નથી શકતો અથવા તો જાહેર માં નથી રડી શકતો .પુરુષ છે ને ,એને એનો દંભ તો નડે જ,અને ઘણીવાર રડવું મહત્વ નું નથી હોતું.ખરેખર મહત્વ નો હોય છે કોઈ ખભો ,માણસ એકાંત માં ભલે ગમે તેટલો રડે, પણ હૈયું તો એ ખભા પર જ હળવું થાય.

બન્ને વચ્ચે આ બાબતે ઘણીવાર લપ થઇ છે. અખિલ ઘણીવાર બાળક દત્તક લેવાનો વિચાર પણ આપી ચુક્યો છે, પણ આમન્યા ગમે તેટલી સુશિક્ષિત હોવા છતાં, મોર્ડન હોવા છતાં, એ વાત માં સહમત થતી નથી. એની પાસે એનું કારણ પણ નક્કર છે. દત્તક બાળક હંમેશા એને એ વાત ની યાદ અપાવશે, કે પોતે ‘માં’ નથી બની શકી, અને ક્યારેય એ માસુમ ને, અંદર થી સ્વીકારી નહી શકે.એ પરિસ્થિતિ તો વધુ દુઃખદાયી થશે. બસ ત્યાર થી અખિલે પણ એ વાત પછી ક્યારેય ઉખાળી નથી.

આમન્યા બાળક ઈચ્છે છે, કદાચ પોતાનું સ્ત્રીત્વ સાબિત કરવા, પણ અખિલ બાળક ઈચ્છે છે એનું બાળપણ જીવવા. એ દરેક વસ્તુ એના થકી કરવા, કે જે પોતે પરિસ્થિતિ નો માર્યો નથી કરી શક્યો, એના સપના, એ એના બાળકો માં જોવા માંગતો હતો. આમન્યા પ્રેગ્નન્ટ હતી, ત્યારનો એતો તૈયારી માં લાગી ગયો હતો.ભલે આવનાર ‘બેબી બોય’ હોય કે ‘ગર્લ’, બન્ને માટેના રમકડાં નો ઢગલો,કપડા નો ઢગલો,જાત જાત ની ક્રીમ્સ અને ડબો ભરી ને ચોકલેટ્સ,એને ચોકલેટ્સ બહુ ભાવે,આમન્યા ને પણ ભાવે, તો પછી એમના બાળક ને તો ભાવવાની જ હતી ને...

“ કેવું હે આમન્યા ? આ સપનાઓ પણ આ પાણી પર પડતાં પ્રતિબિંબ જેવા છે.ઘડીક માં જુઓ તો આખું વિશ્વ અંદર આવી જાય, ને હાથ માં લેવા જાવ, તો બધુ ય ડહોળાઈ જાય. “

“અમુક વસ્તુઓ માત્ર આંખો ના જ ભાગ્યમાં હોય છે. હાથ પગ ના ભાગ્યમાં નથી હોતી, ને ‘અન્ફોર્ચુનેટલી’ આપણે હાથપગ છીએ . “ આમન્યા ની આંખો હજુ પણ સુકાઇ નથી,ને એ ફરીથી રડવા લાગે છે.

અખિલ નક્કી નથી કરી શકતો, કે પોતાની જાતને સંભાળે, કે પછી આમન્યા ને ! એ આમન્યા ના વાળ માં હાથ ફેરવ્યા કરે છે, ડૂબતો સુરજ જોયા કરે છે ,પાણી જોયા કરે છે ,સુરજ ધીમે ધીમે પાણી માં જ જાણે ઉતરી જાય છે. એની આંખો સામે રમકડાં, કપડાં, ચોકલેટ્સ, ડોક્ટર, હોસ્પિટલ અને આમન્યા ની જીવતી લાશ જેવી સ્થિતિ, બધું જ ફર્યા કરે છે. પણ એ શું કરે ? પરિસ્થિતિ એના હાથમાં નથી.પરિસ્થિતિ કોઈ માણસના હાથ માં નથી હોતી.એ બસ ચુપ ચાપ બેસી રહે છે, આમન્યા ના હીબકાં ઓ ધીમે ધીમે શાંત પડતાં જાય છે.

ક્રમશ....