Be varta books and stories free download online pdf in Gujarati

બે વાર્તા

1.ભગો ભજિયાવાળો

મુકેશ સોજીત્રા

ગામને પાદર જઈને તમે પુછોકે ભગો ભજિયાવાળો ક્યાં રહે એટલે નાનું છોકરું પણ તમને એનાં ઘરે લઇ જાય. ઉમર હશે લગભગ 55 ની આજુબાજુ. ગામની મોટી ફળીમાં એનું ઘર.જૂની ખખડધજ ડેલી, ડેલી ખોલો એટલે તમને ડાબી બાજુ એક ગાય બાંધેલી દેખાય, જમણી બાજુ એક જૂનાં જમાનાનું કેરોસીનથી હંકાવીને ને ભાઠા જેવું થઇ ગયેલું રાજદૂત દેખાય. ડેલીની બરાબર સામે બે ઓરડાનું એક મકાન. એકમાં સદાય જૂનાં જમાનાનું તાળું વાસેલું હોય. એક ઓરડો ખુલો હોયને, એમાં ઢાંળેલો હોય ઢોલિયો અને એમાં ભગો સૂતેલો દેખાય. ઓશરીની જમણી બાજુ એક નાનું એવું રસોડું,રસોડાની બહારની બાજુએ તુલસીનો ક્યારો..

વશરામ મુખીએ આજથી 50 વરસ પહેલા બાજુના ગામની ઉજી સાથે ઘરઘરણું કરેલું. અને ભગો આંગલીયાત તરીકે આ ગામમાં આવેલો. મુખીને બીજું કાંઈ સંતાન હતું નહિ.ભગો લગભગ 10 વરસનો હતો ત્યારે ઉજી ભગવાન ને ધામ પહોંચી ગયેલી એટલે ભગાનો ઉછેર વશરામ મુખીને માથે આવી પડ્યો,અને મુખીએ બરાબર નિભાવ્યો પણ ખરો. વશરામ મુખી રસોઈનાં જાણકાર એટલે ભગાને પણ નાનપણથી જ આ ગુણ વારસામાં મળ્યો એમ કહેવાય. મુખી ભજીયા સરસ બનાવતાં,વાર તહેવારે, લગ્ન પ્રસંગે જયારે મુખી ભજીયા બનાવવા જાય ત્યારે ભગો ભેગો ને ભેગો હૉય.. ગામલોકો મજાકમાં કહેતા કે "વશરામ મુખીને બે દીકરા છે એક ભગો ને બીજા ભજીયાં" અને વાત પણ સાચી હતી, મુખીને મન ભગો ને ભજીયાં બેય સરખા વ્હાલાં.

ભગો જ્યારે અઢારેક વરસનો હતો ત્યારે મુખી દેવ થઇ ગયેલાં અને ભગો આ ઘરમાં ત્યારથી એકલો જ રહે છે. કોણ જાણે શું ખબર કે એને લગ્ન કરવાનું પણ ના સુજ્યું, ગામ આંખમાં એ રસોડા કરે ને ખાસ તો એ ભજિયાનો સ્પેશ્યાલીસ્ટ થઇ ગયો. એ અલગ પ્રકારનાં ભજીયાં બનાવતો, આખા મરચાંના, મરચાની કટકીના, મેથીના, લસણીયા, ડુંગળીના, કોબીજ અને ફ્લાવરનાં, આમ ઘણી જાતનાં ભજીયાં એણે પોતાની કોઠાસૂઝથી પ્રયોજેલા, ગમે ત્યાં રસોડું હોય,ગમે તેનું હોય, ભજિયાની ચુલ પર તો ભગો જ હોય. ગામ તો શું આજબાજુના બાર ગાઉની સીમ સુધી ભગાનાં ભજીયાં પ્રખ્યાત થઇ ગયેલાં. પછી તો એવું બનેલું કે ભગો જાનમાં ગયો હોય ને તો પણ એ ઉતારેથી ઠેઠ રસોડે પોગી જાય અને ભજિયાની ચુલે બેસી જાય. કોઈની ઢગમાં ગયો હોય તો વેવાઈને ઘરે રસોડામાં પણ ભગો ભજીયાં બનાવતો હોય. સ્થાનિક રસોઇયા ઘણું ધ્યાન રાખે પણ ભગા જેવા ભજીયાં એનાથી કોઈ કાળે ના થાય. કોઈ પૂછતાં કે ભગા ભાઈ અમારાથી તમારા જેવા ભજીયાં કેમ ના થાય ત્યારે ભગો જવાબ આપતો કે અમુક વસ્તુ અંદરથી આવે,ટાઢિયો તાવ,દિલની દાતારી,અને મારા ભજીયાં... ભજીયાં તો મારા લોહીમાં છે ભાઈ... ભજીયાં ને તો મેં મારું જીવતર આપી દીધું છે.. જેમ નરસિંહ મહેતા એ કીધેલું કે "બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે" એમ "ભજીયાં લટકા કરે ભગા પાસે" એ પણ એટલું જ સાચું..

ઘરે ભગો બધું જ કામ પોતે એકલો કરતો. સવારમાં એ અડધો કળસ્યો ચા પીતો અને બાકીનું દૂધ એ મેળવી દેતો. કપડાં હાથે ધોઈ નાંખે બપોરે શાક રોટલો બનાવી નાંખે, અને સાંજીએઈ એ લગભગ ઘરે જમતો નહિ કારણ કે ગામની કે પરગામની વાડીયું માં રાતે ભજિયાનો પ્રોગ્રામ તો હોય જ અને એમાં મુખ્ય અતિથિ તરીકે ભગો હોય જ, સવારમાં મેળવેલું દહીં લઈને ભગો ઊપડે તે મધરાતે ભજીયાં ખાઈને ભગો ઘરે ઢોલિયા ભેળો થાય.. કોઈ કહે "ભગાભાઈ મને ભજીયાં તો ભાવે પણ બીજા દિવસે ઝાડા થઇ જાય છે'

તો ભગો કહે." ભજીયાં ખાધા પછી તમારે બે કલાક પાણી નહિ પીવાનું".. કોઈ કહે કે "ભજીયાં ખાવાથી મને એસીડીટી થાય છે" તો તરત ભગો બોલે કે "ભજીયાં ખાતી વખતે સાથે થોડી થોડી હિંગ ખાવાની" કોઈને વળી ગેસ થાય તો ભગો કહેતો કે "ભજીયાં સાથે દહીં ખાવાથી ગેસ થતો નથી.. ભગો અને ભજીયાં એ ગામમાં પર્યાય બની ગયેલાં. એક વખત પથુભા ને ઘરે કારજ હતું ને ભગો ભજીયાં બનાવતાં બનાવતાં કહે કે "

"મારું કારજ થાય ત્યારે ખાવામાં ખાલી ભજીયાં જ હશે,એય જાત જાતના ને ભાત ભાતના.. જલસો કરાવી દેવો છે મારા કારજમાં બધાને"

"પણ ભગા તું તારા કારજમાં જીવતો હઈશ??'" ટેમભા બોલ્યા..

" એય બધું થઇ રહે તમે જોજો તો ખરાં દરબાર... ભગવાન પણ ભજિયાનો ભૂખ્યો છે" કહીને ભગાએ ભજિયાનો ઘાણ ઉતાર્યો..... સહુ હસવા લાગ્યાં અને ભજીયા ચાખવા લાગ્યા...

અષાઢ માસ ચાલે છે, રોન્ઢા ટાણું થયું ને આકાશ ઘટાટોપ વાદળોથી છવાઈ ગયું છે,સાંબેલાધારે વરસાદ શરુ થયો, ભગો ઢોલિયામાં સૂતો સૂતો બોલે છે કે " આવ મહારાજ આવ, ખેડુને રાજી કરી દે બાપલીયા, નવખંડ લીલો કરી નાંખ મારા વાલીડા, આવ મહારાજ આવ" આમ બોલીને ભગો મંડ્યો સપના જોવા કે ખેડૂત ખેતરમાં માં વાવણી થાય છે, મરચાંના છોડ દેખાય છે. લાંબા અને લાલ, ઘોલર ને દેશી, ચપટા ને શેડિયા,એમ ભાત ભાતનાં મરચાં દેખાય છે.. પછી તો વાડી દેખાય,ચણાનો લોટ,સીંગતેલની સુગંધ,એય લીલાં લીલાં લસણ કપાય છે.અને પેલો ઘાણ ભજિયાનો ઉતરે છે ને જ્યા ભગો ભજીયાં ચાખવા જાય છે ત્યાં દેહમાંથી પ્રાણ છૂટી ગયાં. ભગાના આત્માને લઈને યમદેવ સ્વર્ગમાં પહોંચી ગયાં. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો અને રિપોર્ટ કાર્ડ વાંચી સંભળાવ્યું.

"નામ:- ભગા વશરામ, ઉંમર :- 56 વરસ, ધંધો:- ભજીયાં બનાવવાં, શોખ:- લોકોને ખાવરાવવા અને રાજી રહેવું" અધવચ્ચે ધર્મ રાજા એ ચિત્રગુપ્તને અટકાવીને કહ્યું કે " આ ભજીયાં એટલે શું?'"

" અરે એટલીય નથી ખબર તમને'? ભગો બોલ્યો.

"ના મેં તો કદી જોયા નથી, ખાધા પણ નથી.." ધર્મરાજાએ કીધું ના કીધું ત્યાંતો ભગાએ એનો ઉધડો લઇ લીધો." ભારે કરી તમારો તો ફેરો ખાલી ગયો, ખોટો ધક્કો છે તમારો સરગાપુરીમાં,, ભજીયાં એટલે ભજીયાં, શું એનો સ્વાદ,શું એની સુગંધ,શું એની મીઠાશ,ખાતા ધરવ ના થાય એવી વસ્તુ છે ભજીયાં,બોલે એ બીજો નહિ કા ભગવાન અને કાં ભજીયાં" આટલું કીધું ને ત્યાં ધર્મરાજા,ચિત્રગુપ્ત,અને બાકીનાં તમામ સ્ટાફને મોઢામાં પાણી આવી ગયું.. "તે ઈ ભજીયાં અહીં ના બને" ચિત્રગુપ્તે પૂછ્યું. "બને ને ના શું કામ બને, આ ભગો હોય ન્યાં ભજીયાં બનેજ ચાલો મંગાવો આટલી વસ્તુ" ભગાએ આપેલ યાદી પ્રમાણે વસ્તુ આવી ગઈ અને કલાકમાં તો ભજિયાનો પેલો ઘાણ પડયોને આખા સ્વર્ગમાં ભજિયાની સુગંધ પહોંચી ગઈ, ભગો મંડ્યો ઘાણ ઉપર ઘાણ ઉતારવા અને બાકીનાં મંડ્યા ખાવા, ખજૂરની ચટણી,આંબલીની ચટણી,દહીંની ચટણી સાથે સહુએ સોથ બોલાવી નાંખ્યો, ખાઈને ધર્મરાજા તૃપ્ત થયાં,યમરાજ અને ચિત્રગુપ્ત પણ રાજીના રેડ થઇ ગયા, આવો સ્વાદ એણે જિંદગીમાં પહેલી વાર ચાખ્યો હતો.

"માંગ માંગ વત્સ માંગે એ આપું" ધર્મરાજાએ ઠેકીને કીધું. " મને બે દિવસ પાછો મોકલો મારા ઘરે,હું બધાને ભજીયાં ખવડાવીને આવું" ભગાએ લાગ જોઈને સોગઠી મારી. "પણ તારા શરીરને તો ત્યાં અગ્નિદાહ અપાઈ ગયો હશેને તો તું કેવી રીતે જઈશ"?

"ના હજુ તો ત્યાં સવારનાં 5 વાગ્યા છે અને કોઈને ખબર નથી. સવારે કોઈક આવે ને ભગાને બોલાવે તો ખબર પડે'" યમરાજા એ કહ્યું. યમરાજા ટાઈમ મેનેજમેન્ટમાં માસ્ટર હતાં.

"તથાસ્તુઃ" ધર્મરાજાએ કહ્યું ને ભગો ઢોલિયામાંથી બેઠો થયો, શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું, બહાર વરસાદ બંધ જ થયો હતો. ભગાને બધું યાદ આવ્યું. હળવેકથી ઉભો થયો ગાયને નીરણ નાંખી,વાત્સલ્યથી માથે હાથ ફેરવ્યો,આંખમાં આવેલું આંસુ એણે ઝડપથી લૂછીને તરત એણે નહાવાનું પતાવ્યું. સવારે ભગાએ ગામનાં વડીલોને,આગેવાનોને બોલાવીને વાત કરી કે હું હવે ખર્યું પાન,બે દી નો મેમાન છું, જતાં જતાં બધાને ભજીયાં ખવડાવવા છે, શરૂઆતમાં બધાને ગમ્મત લાગી,અમુકને થયું કે ભગાનું ચસ્કી ગયું લાગે છે,પણ ભગો પોતાની વાત પર અડગ રહ્યો. બીજા દિવસે ગામ ધુમાડો બંધ રાખવાનું નક્કી કર્યું.ભગાએ પોતાની ગાયને છેલ્લી વાર દોહીને એ બધું દૂધ શંકર મંદિરે મોકલાવી દીધું,ને ગાય પૂજારીને આપી દીધી. ભગાએ ગૂણ એક ચણાનો લોટ ડૉયો, અને પછી એક સાથે ત્રણ ત્રણ ચુલે ભજીયાં મંડ્યા ઊતરવા, અને ગામના આબાલ-વૃદ્ધ, સ્ત્રી ,પુરુષો, સૌ હોંશે હોંશે ખાવા માંડ્યા,બપોરે બે વાગ્યા સુધીમાં આખું ગામેં ધરાઈ ધરાઈને ભજીયાં ખાધા, આજનો સ્વાદ અલૌકિક હતો.બધાએ ખુબ જ વખાણ કર્યા. છેલ્લે ટેમભા, પથુભા, રાવજી,અને ભીમજી જ વધ્યા, એ લોકો ભગાની સાથે ખાવા બેઠા. ખાતા ખાતા ભગાએ કીધું કે ભીમજી આજ થી આ મકાન તારું, ગામના સાગમટે રસોડા અહીં કરવાના ને ભજીયાં બનાવવાનાં. ભીમજી એ હા ભણી છેલ્લે બધાએ ધરાઈને ખાધું અને પછી ભગો એના ઢોલિયા પાસે ગયો, બીજાં બધા એની સાથે જ હતાં ને ભગો ઢોલિયામાં જ ઢળી પડ્યો, પવન નાંખ્યો, ડોકટરને બોલાવ્યાં,તપાસ થઇ. ડોકટરે કીધું કે ભગાએ દેહ છોડી દીધો છે...........

2. બાબુ સલેન્ડર

લેખક :- મુકેશ સોજિત્રા.

દિવાળીની રજાઓમાં હું મોટેભાગે સુરત જાવ છું. બા -બાપુજી, નાના ભાઈઓ, સગા સંબંધીઓ બધાંજ સુરત રહેતાં હોઈ બીજે કયાંય જવાનો વિકલ્પ જ હોતો નથી.અને આમેય કાઠીયાવાડીઓ માટે સુરત એ બીજું વતન છે. રોન્ઢા ટાણે ઘરે બેસીને કંટાળ્યો તો વિચાર થયો કે ચાલ ને મોટા વરાછાના પુલ પર આંટો મારી આવું,થોડું વોકિંગ પણ થઇ જાય અને "કુંભણીયા" પણ ખવાઈ જાય.વરાછા પુલ પરનાં "કુંભણીયા" તો દાઢે વળગે એવાં.મને ઘણીવાર વિચાર આવે કે ચણાનો લોટની શોધ ના થઇ હોત તો અમારાં કાઠીયાવાદીનું શું થાત??

ચોકડી વટાવીને હું પુલ ર તરફ વળ્યો,કે તરત જ એક પહાડી અવાજ આવ્યો.

" એય માસ્તર ભાઈ ઉભા રહો" પાછું વાળીને જોયું તો એક બેઠી દડીનો, મજબૂત,ભીને વાન જેવો એક ભાઈ આવીને મારી પાસે ઉભા રહ્યો. ચહેરો થોડો પરિચિત લાગ્યો પણ ઓળખાણ ના પડી.

" ભૂલી ગ્યાને માસ્તર ભાઈ, અમારાં જેવાને તમે ક્યાંથી યાદ રાખો,માસ્તર ભાઈ"?

અચાનક જ મને માસ્તર ભાઈ પર થી કશુંક યાદ આવ્યું. ત્યાં એ ભાઈ જ બોલી ઉઠ્યા કે

" સલેન્ડર, બાબુ સલેન્ડર... જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં બાબુ બોલ્યો.

" અરે બાબુ તું અહીં ક્યાંથી? તું કેટલો બદલાઈ ગયો છે." મેં કહ્યું ના કહ્યું ત્યાં બાબુ મને ભેટી પડ્યો...અને કહે ચાલો આપણી હોફિસે... ઓફીસ!! મને નવાઈ લાગી. પણ એણે તો મારો હાથ ઝાલીને મને ખેંચવા માંડ્યો..હાલો તો ખરા.. અને હું ભૂતકાળમાં સરી પડ્યો.....30 વરસ પહેલાની ઘટનાઓ જાણે કે તાજી થઇ.

મારી પ્રાથમિક શિક્ષક તરીકેની પ્રથમ નિમણૂંક શેત્રુંજી કાંઠાનાં એક અંતરિયાળ ગામમાં થઇ હતી. સાવ જર્જરિત થયેલાં બે ઓરડા એકમાં બાજુ લોકો બકરાં ભરે અને બીજામાં બાળકો ભણે. ઓરડો પણ તૂટેલી હાલતમાં ઉપર લગભગ નળિયા નહિ,નીચે તળિયા નહિ,અને રમવા માટે કોઈ ફળિયું નહિ, 1 થી 4 ધોરણ 40 ની સંખ્યા.એક શિક્ષક -કમ-આચાર્ય હતાં. મને જોઈને ભેટી પડ્યા તરત હાજર કરી દીધો.છોકરાને રજા આપીને મને ઘરે લઇ ગયા.લાપસીને ભજીયા બનાવ્યાં.એમની મહેમાનગતિ જોઈને હું દ્રવિત થઇ ગયો.ભગવાનનો પાડ માન્યો. આવો આચાર્ય મને મળ્યો,હું તો રાજીના રેડ થઇ ગયો,અને આમેય પ્રાથમિક શાળાનાં શિક્ષક ને સારો આચાર્ય,અને સારી પત્ની મળે તો એનો ભવ સુધરી જાય એવી એ વખતે માન્યતા હતી. પણ મારી ખુશી લાંબી ના ટકી.જમીને થોડી આડા અવળી વાતો કરીને એ ગર્વભેર ઉભા થયા. પોતાનાં પલંગ નીચેથી આઠેક કાગળિયા કાઢીને કીધું કે કરવા માંડો સહી. જોયું તો એમનો બદલીનો ઓર્ડર અને ચાર્જ લિસ્ટ હતું.

' મારી બદલી થઇ એને વરસ થઇ ગયું,પણ કોઈ આવે તો હું છુટ્ટો થાવને? એ બળુકા અવાજે બોલ્યાં. જાણે તિહાર જેલમાંથી છૂટ્યા હોય એવી એમની મુખ મુદ્રા હતી. આમ હું એ શાળાનો સર્વે સર્વા શિક્ષક -કમ-આચાર્ય બની ગયો.

નિશાળની બાજુમાં જ બાબુ અને તેમનાં ભાઈઓનાં મકાન. પહેલે જ દિવસે મેં છોકરાઓ ને ધમકાવ્યા,અને ધોકાવ્યા ય ખરાં. પેલે દિવસે જે છાપ પડે એ છેક સુધી રહે એ આશય મારો. આમાં બાબુનાં બેય છોકરા પણ ઝપટે ચડી ગયેલાં, તે રીશેષ પછી બાબુ આવ્યો નિશાળે બેય હાથ પાછળ મોઢામાં માવો, લાલચોળ આંખો,કસાયેલા બાવડા, કધોણીયો થઇ ગયેલ શર્ટ. બારણાની વચ્ચે ઉભો રહ્યો..

"માસ્તર ભાઈ, નવા આવ્યા છો?

" હા મેં હાજરી પત્રકમાં નજર નાંખીને કહ્યું.

" આ અમારા છોકરાને તમે માર્યા"?

" હા" મેં જવાબ આપ્યો"

" આવી રીતે અમારાં છોકરાને નહિ મારવાના માસ્તર ભાઈ"

" તો કેમ મારવાનાં" મેં પણ નક્કી કર્યું કે ઢીલું તો નથી મુકવું જ.જોકે અંદરથી તો ધ્રુજારી છૂટી જ ગઈ હતી..

" એ એને આમ મારવાનાં " કહી ને બાબુના બે હાથ પાછળ હતાં.તે આગળ આવ્યા.અને તે હાથમાં બાવળની સરોડયા વગરની નાની સોટી હતી. તે સોટીથી એણે પોતાનાં બેય છોકરાને મંડ્યો ઝુંડવા.

હું ઉભો થઇ ગયો. સોટી લઇ લીધી બાબુ તો ચાલુ જ હતો કહે " અમારી આ ગામડાની અડબાઉ વેજા, તમારાં લાફા અને ઢીકાને તો આ મારા બટા ઘોળીને પી જાય, અને આને તો સરોડયા વગરનાં બાવળના સોટા જ જોઈએ તો જ આ વાનરસેના સુધરે. માસ્તર ભાઈ તમે તમારે સીધા દોર કરી નાંખો અને જો કોઈ ફરિયાદ લઈને આવે તો કેજો કે બાબુ સલેન્ડરે કીધું છે, આ ગામમાં તમારાં જોગા માસ્તરની જ જરૂર હતી. આ મારો બાબુ સાથેનો પહેલો પરિચય... પછી તો બાબુ શાળાનો પર્યાય બની ગયો.

શાળામાં કોઈ કામ હોય બાબુ હાજર જ હોય, નળિયા સરખા કરવાના હોય કે આજુબાજુના બાવળિયા કાપવાના હોય,બાબુને બોલાવોને એક માવો ખવરાવો એટલે બાબુ હાજર હોય.બાબુ આખા ગામના કામ કરે. આખા ગામનો હાથ વાટકો એટલે બાબુ. લગ્ન પ્રસંગ ગમે ત્યાં હોય, બાબુ ની હાજરી હોય, મગબાફણા ફાડવાથી માંડી ને જાન વળાવવા સુધીનાં દરેક કામમાં બાબુ મૌર્યનો મોર્ય જ હોય.મોળા પ્રસંગે પણ બાબુ અચૂક હાજર જ હોય. સ્મશાને લાકડા પહોંચાડવાથી માંડીને પાણી ઢોળ સુધીનાં બધાજ કામમાં બાબુ પાછી પાની ના કરે.

બાબુ ને "સલેન્ડર" કેમ કહે છે,એનો ઇતિહાસ પણ મને જાણવા મળ્યો. વરસો પહેલાં જીલુભા બાપુ ને ટ્રેકટર હતું.એક વખત બાપુને અચાનક આઘેરું ખરખરે જવાનું હતું ને ટ્રેક્ટરનાં આગળના પૈડામાં હતું પંચર. ગામમાં બે દિવસથી લાઈટ નહિ એટલે હવા પુરાય કે પંચર થાય એમ નહોતું.જીલુભા મૂંઝાણા કે હવે કરવું શું? એમાં આવ્યો બાબુ જીલુભાને કહે લાવો તમારો રેકડાનો પંપ હું હવા ભરી દઉં. બાપુ એ નાં પાડી કે "માળા ખોટું કર્યમાં, હવા ના ભરાય" બાબુ કહે તમે સુઈ જાવ સવારે તમારા ટાયરમાં હવા હશે. જીલુભા તો ગયા,અને આ બાબુ મંડાણો, સવાર થયું ત્યાં સુધીમાં તો ટ્રેકટરનું પંચરવાળું પૈડું ફુલીને દડા જેવું થઇ ગયું.જીલુભા તો સવારે આંખો ચોળતા જ રહી ગયા,અને બસ ત્યારથી બધાં બાબુને "બાબુ સલેન્ડર" કહેતાં,અને બાબુને એનો કોઈ વાંધો જ નહોતો.

બાબુ ને ગામ જ નહિ તાલુકા વાળા પણ ઓળખે,મામલતદારથી માંડીને તલાટી સુધીના બધાજ બાબુ ને ગોતતા હોય. એમાંય ચૂંટણી વખતે તો પોલીસ વાળા ને "ખાવા"થી માંડીને "પીવા"ની વ્યવસ્થા પણ બાબુ કરી આપે. બાબુ ખરેખરો જીવરો. શાળાનાં પ્રવાસમાં હું બાબુને સાથે લઇ જતો. બાબુ છોકરાનું બરાબર ધ્યાન રાખે, ડ્રાઈવર સાથે જ એ બસમાં આગળ બેસે સુવે જ નહિ. " ડ્રાઈવર ને એકલો ના મુકાય,એને વાતોએ ચડાવાય,નહીંતર એને જોકુ આવે ને આપણને સુવરાવી દે" બાબુ કહેતો..

દસેક વરસ પછી મારી બદલી થઇ.બાબુ મને ભેટીને રડ્યો.પછી અવારનવાર બાબુ ને મળતો.પછી એક દિવસ સમાચાર મળ્યાં કે બાબુને દુદા શેઠ મુંબઇ લઇ ગયાં છે.તે છેક આટલા વર્ષે બાબુ મને સુરતમાં મળ્યો...

" આ આવી ગઈ આપણી હોફિસ" સિદ્ધકુટિર પાસેની એક રો હાઉસ ટાઇપની સોસાયટી ગેટ પાસે એક સિક્યુરિટી ઓફિસમાં બાબુ મને લઇ ગયો. મને બેસાડ્યો. અને ખીસામાંથી "માર્કો પોલો" સિગારેટ કાઢીને મને કે "માસ્તર ભાઈ તમને તો લાગતી હશે ને કે હું અહીં ક્યાંથી"?

" હા નવાઈ તો લાગે જ ને" મેં કહ્યું

"વાત જાણે એમ બની હતી કે" સિગારેટનાં ધુમાડાના ગોટા ઉડાડતા બાબુ બોલ્યો.. " તમે દુદા શેઠને તો ઓળખો ને, હું ને દુદો સાથે ભણતાં ત્યારની ભાઈ બંધી, તમે ગયા પછી બેક વરસ પછી દુદા શેઠ મુંબઈથી કોઈકનું બેક કરોડનું ફુલેકું ફેરવીને ગામડે આવ્યા. પેલી મુંબઇ વાળી પાર્ટી દુદા શેઠને ગોતતી ગોતતી ગામડે આવી ને શેઠ ને પકડીને ગાડીમાં નાંખી ને લઇ જતા હતાં અને હું સામો મળ્યો. તે એક ગોબો નાંખ્યો ને તે કાચ તોડીને ડ્રાઈવરને વાગ્યો.ગાડી પડી ઉંધી.પછી તો સરોડયા વગરની બાવળની સોટીએ એવાં તો ઝુડ્યા કે બધા ગયા ઉભી પૂંછડી એ. શેઠ પછી મને કહે ચાલ મુંબઇ તને હું મો માંગ્યો પગાર,તે હું તમારા બેન અને બેય છોકરાને લઈને બેક વરસ મુંબઇ રહ્યો.પછી આ સોસાયટી દુદા શેઠે બંધાવી એમાં થોડોક લોચો હતો તે મને અહીં મુક્યો છે.એક મકાન આપ્યું છે છેલ્લે ત્યાં હું રહું છું. આ સોસાયટીમાં પહેલા 'લૂખી બટાટના"નો ત્રાસ હતો.એક બેનાં ટાંટિયા ભાગ્યા મેં. બે વરસ તો જેલ માં પણ ગયો. પણ હવે આજુબાજુમાં ધાક બેસી ગઈ છે. મારા બેય છોકરા પરણી ને દુદા શેઠ સાથે મુંબઇ જ રહે છે. હું અહીંયા . આ સોસાયટીમાં 100 જેટલા રો હાઉસ છે બધા મહિને 500 રૂપિયા આપે છે. મહિને 50000 જેટલું મળી રહે છે.. વળી સોસાયટીમાં આપણું નામ ખરું. તમે કહો "સલેન્ડર ક્યાં છે?' તો તમને મારા સુધી મૂકી આવે.. આજુબાજુ ચોરી થાય પણ અહીંયા તો સલેન્ડર જીવતો બેઠો છે એટલે ચોર ફરકે પણ નહિ" બાબુ એ સિગારેટ પુરી કરતા કહ્યું

હું બાબુને તાકી રહ્યો. કિસ્મત માણસ ને ક્યાંથી ક્યાં લઇ જાય છે.પરાણે આગ્રહ કરીને બાબુ એ લોચો મંગાવ્યો ખાધો.બાબુ એ ફરી આવવાનો આગ્રહ કર્યો. અને હું બાબુમય થઈને ઘર તરફ પાછો ફર્યો.....