Voiceless Vedshakha - 15 books and stories free download online pdf in Gujarati

વોઈસલેસ વેદશાખા ૧૫

વોઈસલેસ વેદશાખા ૧૫

પૂજન ખખ્ખર

"હમ્મ્મ્મ્મ્મ..." સતત જીભના લોચા વળતા હતા.

"વેદ, તુ કેમ આટલો બેબાકળો થાય છે? મૈં તને ક્યારેય તારા મૂકપણા વિશે કહ્યુ છે? મને તુ સહજ ગમે છે. મારે જે જોઈએ તે બધુ તારી પાસે છે."

વિશાખાના ખભ્ભા પર વેદાંત પોતાનું માથુ ઢાળીને સૂતો છે. આ બંધ આંખોમાં સતત પોતે ના બોલી શકવાનો અપસોસ, ભગવાન પાસેથી ફરિયાદ ને કામથી થાકી ગયાનો બળાપો છે. આ સાથે જુવાન મનમાં એક ડર છે કે પોતે જે કામ કરે છે એ યોગ્ય છે કે નહિં! પોતાની ઉંમરના બાળકો ભણે છે પરંતુ પોતે ભણાવે છે ને વળી જાતમહેનતે ઊભા થવાની કોશિશ કરે છે. તો વળી, જો બ્લોગ પ્રકાશિત થશે ને ધારી સફળતા નહિં મળે તો શું થશે? ભવિષ્યમાં પણ વિશાખા આટલો જ પ્રેમ આપશે ને? આવા અઢળક પ્રશ્નોથી ચહેરા પર અશ્રુરૂપી માવઠું આવે છે.

"જો વેદ, અત્યાર સુધી તે મુશ્કેલીનો સામનો મારા વગર એકલે હાથે કર્યો છે. આજે અચાનક ફોનમાં થયેલા અહેસાસે તને નકારાત્મક વલણ તરફ ઢાળ્યો. મને ખબર છે કે તને બ્લોગના પ્રકાશિત થવાની પણ ચિંતા છે. તુ જરા પણ ટેન્શન ના લે હું તારી સાથે છુ. તને કંઈ થાય તો બેઠા છે તારા સાહેબ અને આંટી પણ!"

યુવાની કાળમાં મિત્રોનું મહત્વ એટલે જ સૌથી વધુ હોય છે. સંગ એવો રંગ! આ કહેવત અહિં જ ચરિતાર્થ થાય છે. તમને આવેલા વિચારો તમારા શિક્ષક અને વાલીને નહિં પણ આપણી ઉંમરના મિત્રોને જ આવી શકે. વિશાખા વેદાંતને બરાબર સમજે છે. તેની વેદાંત પ્રત્યેની ચાહત ને તેને મોટા બનાવવાનો દ્રઢ નિશ્વય જ પોતાના શબ્દોમાં પ્રોત્સાહનનો ઉમેરો કરે છે. વેદાંત પોતે પણ નકારાત્મક વલણ દૂર કરીને હકારાત્મક વલણ અપનાવશે એવું મનોમન નક્કી કરે છે. થોડી મસ્તી ને અઢળક ચુંબનો કરીને તો વેદાંત પાસેથી વચન લઈને વિશાખા ફરી ઘરે રવાના થાય છે.

વેદાંતે તે રાત્રે જ નક્કી કર્યુ કે આવનારા બે દિવસમાં જ પોતે પોતાનો બ્લોગ જાહેર કરશે. તેને પોતાના રૂમમાં કમ્પ્યૂટર શરૂ કર્યુ. પોતાના બ્લોગની એકાઉન્ટ ખોલ્યુ ને ફોટાઓ સેટ કરવાનું શરૂ કર્યુ. પોતાની સૂચિને ધ્યાનમાં રાખી, તેને એકદમ આકર્ષક રીતે મૂક્યા. અહિં મોટામાં મોટી મુશ્કેલી એ હતી કે તે ફોટાઓ સેટ કરે તો લખાણને અસર થતી હતી ને લખાણ એમનેમ રાખે તો ફોટાઓ નાના-મોટા આવતા હતા. મગજ એકપણ દિશામાં સ્થિર નહોતું થતુ. વેદાંતને ગભરામણ થવા લાગી. પોતે જે ધાર્યુ હતુ એનાથી તો સહજ રીતે કંઈક અલગ જ થતુ હતુ. એકપણ રીતે ફોટાઓ અને લખાણનો મેળ નહોતો આવતો. ક્યાંક ફોટાઓના પરિમાણ મોટા પડતા હતા તો ક્યાંક ફોટાઓની સ્પષ્ટતા પેઈજને ખૂલવામાં સમય લગાડતી હતી. આ વખતે વેદાંત એક એવા તબક્કા પર હતો કે એને બ્લોગને કેમ અને ક્યા રોચક શસ્ત્રો વાપરીને વધુ લોકો સુધી પહોંચાડવો એની ખબર હતી. આની વિરુધ્ધ, તેને આ બધુ ચોપડા કે ઈન્ટરનેટમાં જ શક્ય હતુ પરંતુ પ્રાયોગિક અનુસંધાને તેને ફાવતુ નહતુ. તેની ઊંઘ ઉડી જ ચૂકી હતી. તેને હવે બે દિવસ સ્કૂલમાં ના જવા નિર્ણય કર્યો. ગમે તે કરીને પોતે બે જ દિવસમાં આ બ્લોગને પૂરો કરશે એવું નક્કી થતા તે ટેબલ પર ઊંઘી ગયો. આંખ ખૂલતા જ ચા ના કપ સાથે વિશાખા સામે ઊભી હતી. સૂર્ય પૂર્વ દિશામાં ખીલી ચૂક્યો હતો. વિશાખા ચા નો કપ વેદાંતને આપીને તેના પગ પર બેસી ગઈ. વેદાંતના ગાલને પંપાળતા કહ્યુ "મને ખબર છે કે તુ મુશ્કેલીમાં છે. પ્રયત્ન સિવાય આપણી પાસે કોઈ જ ઉપાય નથી. તારી બિમારી કે લાચારીથી ઊઠવા આપણી પાસે આ બ્લોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તુ પ્રયત્ન કરવાનુ છોડતો નહિં. બધુ થઈ જશે!" વેદાંત માથુ હલાવીને પોતાના કામ પર લાગી જાય છે. અહિં તહિં બધી જગ્યાએથી તે માહિતીઓ ભેગી કરવા લાગે છે. ફોટાઓની સાઈઝ નાની કરવાથી લઈને તેને કઈ રીતે ઓછી જગ્યામાં સમાડવા તેની માહિતી એકઠી કરે છે. ધારેલું કાર્ય નિષ્ફળ જતા તેને પોતાની ભૂલ સમજાય છે. તે એક નવી નોટપેડ ફાઈલ ખોલે છે અને તેમાં લખે છે કે.."ફોટાઓ એ અગત્યનુ કામ હતુ જે સૌથી પહેલા કરવાનું હતુ." અહિં મુખ્ય ભૂલ એ હતી કે હકીકતમાં ફોટાઓ પરથી ડિઝાઈન અને માહિતી સેટ કરવાની આવે પરંતુ વેદાંતે તેને મહત્વ ના આપતા ફોટાઓ વગર જ બધુ સેટ કરી દિધું હતુ. ભૂલ તો બહુ મોટી હતી. આ સાથે મૂર્ખામી પણ નહોતી. કેમકે, જે માહિતી જરૂરી હતી તે તો ભેગી કરેલી જ હતી પણ કહેવાય છે ને કે 'સોના કરતા ઘડામણ મોંઘી' એમ થયુ. લગભગ તે દિવસે તેને નાસ્તો, જમવાનુ બધુ જ ટેબલ પર થયુ. સામે નાનકડી પહેલાના જમનાની ઘડિયાળ પડી હતી. સમય આગળ વધતો હતો. આ સામે કામમાં ઝડપ નહોતી આવતી. વેદાંતે જે ઝડપથી કામ ધાર્યુ હતુ તે ઝડપથી કામ નહોતું થયુ. તેને પોતાના પર આત્મવિશ્વાસ હતો કે તે જરૂર કામ પૂરૂ પાડશે. તેને જ્યારે કંટાળો કે ઊંઘ આવે ત્યારે તે એક મોટી સભા હોય ચારેકોર લગભગ દસેક હજાર માણસો ખીચોખીચ ભરેલા હોય ને એમાં વક્તા તરીકે પોતે મુખ્ય ભાગ ભજવતો હોય એવું વિચારવા લાગતો. આવા સમયે જો પોતે આ બ્લોગ નહિં બનાવે તો ત્યાં સુધી નહિં પહોંચી શકે. આ એક જુસ્સો જ તેને આગળ વધવા માટે પ્રેરતુ. આ સાથે તેનું મૂક થવુ તેમજ પોતાનામાં કંઈક કરી બતાવવાની પ્રબળ ઈચ્છા તેને સતત કામ કરવા માટે મજબૂર કરતી હતી. આ અડતાળીસ કલાકની અવિરત મહેનત બાદ તેને જેવો ધાર્યો હતો તેવો જ બ્લોગ તૈયાર થઈ ગયો. જે તેની ચોપડીમાં દોર્યો અથવા કંડાર્યો હતો તેવો આબેહુબ કમ્પ્યૂટરમાં નજર સમક્ષ આવી ગયો. હજુ ડર ખતમ નહોતો થયો. આ બ્લોગને પબ્લીશ કરવાનો હતો. રાત્રિના ૧૧ઃ૩૦ એ તેને બ્લોગને પબ્લીશ કર્યો. પોતાના ફેસબુક પ્તોફાઈલમાં અપલોડ કર્યો. તેની પાસે ના હતુ હજુ તો ખૂદનું ડોમેઈન કે નહોતી કોઈ એપ્લીકેશન પણ હતા તો નવા વિચારો! આ સાથે ફેસબુકની સાથેના બીજા ૧૮ થી ૨૦ ગૃપમાં તેને આ બ્લોગ પોસ્ટ કર્યો. બે દિવસના થાક સાથે તેની લાલ આંખો બંધ થઈ ગઈ.

(ફોન રણક્યો)

વેદાંત આંખ ચોળીને જોયુ તો વિશાખાનો ફોન હતો.

"વેદ, તારા બ્લોગને સારો એવો અભિપ્રાયો મળ્યા છે. લગભગ ૩૦૦ જેટલા લોકોએ તેને જોયો છે અને ૪૫ જેટલા લોકો તેને ફોલો કરે છે."

વેદાંતને ખબર હતી કે આ નાના-નાના આંકડાઓ શરૂઆતમાં કામ આવશે. પછી, કંઈક એવું કરવું પડશે કે હજારો નહિં લાખોમાં હિટ જાય. તેની માટે તકની રાહ જોયા સિવાય કોઈ ઉપાય નહ્તો. તક પણ સામેથી આવતી નથી. તેને બોલાવવી પડે છે. એવું કંઈક કરવું પડશે કે લોકોને આપણને તક આપવાની ઈચ્છા થાય! એની માટે સતત નવું શીખતું રહેવું પડશે ને કરેલા કાર્યને સુધારી તેમાં નવુ ઉમેરવું પડશે. વિશાખા રોજ અહિં આવવા લાગી. બંને નવા વિચારો અને અખતરાઓ કરવા લાગ્યા. આશરે છ મહિના જેવો સમય વીતી ગયો. લગભગ ૫૦ હજારથી વધુ લોકો તેની મુલાકાત લઈ ચૂક્યા હતા. આશરે ૪ થી ૫ હજાર લોકો તેને અનુસરતા હતા. આ બધુ વેદાંતની આવકમાં વધારો કરે તેવું નહતુ. તે હજુ એ જ અનિરુધ્ધમાં કાર્યરત હતો. તફાવત માત્ર એટલો હતો કે તે હવે પોતાના બ્લોગને સાંકળતો હતો. વેદાંતની આશા હજુ અડીખમ હતી. તેને હતુ કે કોઈ એક દિવસ પોતે પોતાની વેબસાઈટ બનાવશે. જો કે, તેને શીખવાનું ચાલુ કરી જ દિધેલું હતુ પણ આ ધોરણે તેને જરૂર હતી તો એક ટીમની! ટીમ તો જ મળે જો રોકાણ હોય! આ ઉપરાંત, રોકાણ માટે રાહ જોયા સિવાય કોઈ ઉપાય નહોતો.

અહિં વેદાંતને તેના એક વાંચકે એ પણ સલાહ આપી કે જો તમે આ એક થી વધુ ભાષામાં લખી આપો તો તમારે જોઈએ તેના કરતાં અઢળક વાંચકો મળે. જેમકે, આ ગુજરાતીમાં રહેલું લખાણ જો અંગ્રેજી અને બીજા રાજ્યની ચાર કે પાંચ અલગ-અલગ ભાષાઓમાં જોવા મળે તો બાળકો અને વાંચકો વધી શકે. હવે પ્રશ્ન એ હતો કે આ તકલીફનું વહેલી તકે નિરાકરણ લાવી વાંચકોને ખુશ કરવા. તમારા કામમાં જ્યારે પ્રશંસા મળે ત્યારે ખુશી થાય એ સ્વાભાવિક છે પણ કોઈ તમને સલાહ આપે કે જેનાથી તમને બમણો લાભ થાય તો એ મહેફિલમાં ચાર ચાંદ લાગી જાય એવી વાત છે. અહિં વેબસાઈટમાં વેદાંત આ સુવિધા આપવાનો જ હતો પણ તે હવે બ્લોગમાં જ એ બતાવી આપશે. આથી, આ બ્લોગમાં પૈસા ખર્ચીને સીધેસીધી વેબસાઈટ બની જશે. વેદાંતને આ કામ શીખવાનું હતુ. હજુ કામ બાકી હતુ.. તેને રાત-દિન એક કરી લગભગ પાંચ દિવસને અંતે આ કામ ગુગલ અને સાહેબની મદદથી પાર પાડ્યુ. સુવિધાને ઉમેર્યા પછી ગણતરીની સંખ્યા હવે હજારોમાં જવા લાગી હતી. આ ઉપરાંત વેદાંત વાંચકો જેવી માંગ કરે તેવી તરત જ તેની માંગને સંતોષતો હતો. વિશાખા પણ પોતાના ફોટાઓ દેવામાં કોઈ કસર નહોતી છોડતી! રેતઘડીમાંથી રેતી સરવા લાગી ને સમય જાણે પાણીની ધારની જેમ વહી ગયો. ત્યાં અચાનક સવારે...

(આશરે ૬ મહિના બાદ)

(વેદાંતનો ફોન રણક્યો)

"વેદાંત વાત કરી રહ્યા છો?"

"હ્મ્મ્મ્મ્મ્મ..." વેદાંતે પોતાની રીતે બોલવાનો પ્રયત્ન કર્યો.

"'વૉક વીથ વોઈસલેસ વેદાંત'આપનો બ્લોગ છે?" સામેથી પ્રશ્ન પૂછ્યો.

"હ્મ્મ્મ્મ...." વેદાંતે ફરી એ જ રીતે જવાબ આપ્યો.

બાજુમાં રહેલી વિશાખાએ ફોન હાથમાં લઈ લીધો. બેબાકળી થઈને પૂછવા લાગી. "જી, હું વેદાંતની સાથે જ આપ કોણ? એ બોલી શકતો નથી."

"જી..મને માફ કરશો. હું મુંબઈની આઈ.ટી. કંપની વોઈસલેસ વર્લ્ડમાંથી વાત કરું છુ. અમારા સર..મિ. યશ મહેરાને વેદાંતનો બ્લોગ બહુ જ ગમ્યો છે. અમે તેને ફાળો આપીને તેને વેબસાઈટ અને એપ્લીકેશન બનાવવામાં મદદરૂપ કરશુ. આ ઉપરાંત તેને નોકરી માટે અમે અહિંથી તેના પ્રસ્તાવોનો સ્વીકારી તેને ફાળો પણ આપીશુ."

વિશાખા વેદાંતને ભેટીને ઠેકડા મારવા લાગી. "ક્યારે મળવા આવીએ અમે? એટલે કે, વેદાંત!?"

"આવનારા ત્રણ દિવસમાં.. મૈં તેમને મેઈલ પર બધી જ માહિતી મોકલી છે. તમે જોઈને અમને રિપ્લાય આપજો. સમય આપવા બદલ આભાર!"

હજુ તો વિશાખા કંઈક બોલે એ પહેલા ફોન કપાય ગયો. વિશાખા ખુશીથી ઝૂમી ઊઠી. ઓટ પછીની ભરતીની મોસમ હતી આ! તે વેદાંતને પકડીને ફુદેડી ફરવા લાગી. તેની છેલ્લા આઠ મહિનાની મહેનત આખરે રંગ લાવી. વેદાંતનો ચહેરો હજુ મુંઝાયેલો હતો. વિશાખાએ વેદાંતના મમ્મી અને વેદાંતને બહારે રૂમમાં બેસી જવાનું કહ્યુ. વેદાંત મમ્મીને બોલાવે ત્યાં સુધીમાં વિશાખાએ મેઈલમાં આપેલી બધી જ વિગતો વાંચી લીધી.

"તો મહાનુભાવો...આપણા વેદાંતની નોકરી માટે મુંબઈથી ફોન આવ્યો છે. તેમને વેદાંતનો બ્લોગ ખૂબ જ ગમ્યો છે. એ તેને વેબસાઈટ તેમજ એપ્લીકેશન બનાવવા મદદ કરશે. આ સાથે તેના નવા પ્રસ્તાવો સ્વીકારીને તેને ફાળો પણ આપશે. આપણે આવનારા ત્રણ દિવસમાં મુંબઈ જવાનું રહેશે. તેઓ એક દિવસ રહેવા ને જમવાની સુવિધા પણ આપવાના છે."

આ સાંભળી તેના મમ્મી ને વેદાંતની આંખમાં આંસુ આવી ગયા. વેદાંતની એ મહેનત,લોકોથી માન્યતાઓથી પર રહીને કરેલું કાર્ય, તેનો જુસ્સો બધુ આજે રંગ લાવ્યુ હતુ. "વેદાંત તુ વિશાખા ભેગો જ મુંબઈ જઈ આવજે." વેદાંતની ઈચ્છા તો તેના મમ્મીને સાથે લઈ જવાની હતી પણ ત્યાં ભાગદોડી કરવી ને હેરાન થવાનું હતુ. આ ઉપરાંત વિશાખા એક બે વખત ત્યાં જઈ આવી છે તેથી તે શહેરથી પરિચિત પણ હતી. વિશાખાએ પણ વેદાંત સાથે ઘણાં સમયથી એકાંત ન્હોતું ભોગવ્યુ. તે પણ આમ કરવામાં સહમત થઈ.

વિશાખાના હરખનો પાર નહોતો. તેના ગયા પછી મા-દિકરો ઘણા સમય સુધી રડતા રહ્યા. ખુશી હતી કે પછી આઠ મહિના પછી વિરહનું દુઃખ એ સમજવામાં કદાચ આપણે મૌન થઈને માં ને ભેટવું પડે. રાત્રિ ભોજન પતાવીને વેદાંત રૂમમાં જઈ પોતાને આવેલા મેઈલ ચેક કરવા લાગ્યો. તેને બધી વિગતો વાંચી લીધી. આવનારા ત્રણ દિવસમાં ક્યારે પોતાને નીકળવું અનૂકુળ રહેશે એ વિચારસરણીમાં બેઠેલો વેદાંત પોતાની મનપસંદ જગ્યા એ બારીની બહાર ખોવાય ગયો. એકલતામાં માણસને ત્યારે જ ગમે જ્યારે તે તેના પ્રિયતમ વ્યક્ત્તિને યાદ કરતી હોય! "પપ્પા!" વેદાંતને એના પપ્પા યાદ આવ્યા. ગમે તે કરે પણ એક જુવાન પુત્ર જ તેના પપ્પાની ખોટને અનુભવી શકે! ડગલે ને પગલે ખભ્ભે ખભ્ભો મિલાવનાર એ કઠણ કાળજાનો અભાવ વેદાંતને લાગતો હતો. તેને ફોનમાં વિશાખાનો ફોટો જોયો. ચહેરા પર એક સાહજિક સ્મિત ફરી વળ્યુ. તેને હ્રદયની પાસે રાખીને મુંબઈ જવાના સપના સાથે આંખ બંધ થઈ..ને સપનાઓની નગરીના દ્વાર ખૂલ્યા..

ને મુંબઈની રોમાંચક સવારી વાંચો આવનારા ભાગોમાં..