Jivan Shanti books and stories free download online pdf in Gujarati

જીવન શાંતિ

જીવન ખજાનો ભાગ-૬

જીવન શાંતિ

-રાકેશ ઠક્કર

મનની શાંતિનો ઉપાય

એક શેઠ પાસે અપાર ધન-સંપત્તિ હતા. તેમ છતાં એમના મનને શાંતિ ન હતી. એક દિવસ શેઠને જાણવા મળ્યું કે બાજુના નગરમાં એક સંત આવ્યા છે. જે એવી સિધ્ધિ ધરાવે છે કે વ્યક્તિને મનપસંદ વસ્તુ મળી શકે છે. પોતાની સમસ્યાના નિવારણ માટે શેઠ એ સંતના ચરણમાં જઈને બેસી ગયા. અને કહ્યું, ''મહારાજ, મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. માત્ર મનની શાંતિ જોઈએ છે.'' સંતે કહ્યું કે કાલથી હું જે કરું તે ચૂપચાપ જોતો રહેજે. તેનાથી તને મનને શાંત કરવાનો ઉપાય મળી જશે.

બીજા દિવસે સંતે શેઠને તડકામાં ઉભા રાખ્યા અને પોતે ઝૂંપડીના છાંયડામાં જતા રહ્યા. શેઠ તાપથી બેહાલ થઈ ગયા. પણ ચૂપ રહ્યા.

ત્રીજા દિવસે સંતે શેઠને કંઈ પણ ખાવા- પીવાનું નહિ એમ જણાવ્યું. અને પોતે એમની સામે જાતજાતના પકવાન ખાતા રહ્યા. શેઠ ત્યારે કંઈ બોલ્યા નહિ.

ચોથા દિવસે પણ સંતે એવું જ કંઈક કર્યું. એટલે શેઠ ગુસ્સે થયા અને એમ કહીને જવા લાગ્યા કે, ''મહારાજ હું અહીં મોટી આશા લઈને આવ્યો હતો. મને નિરાશા જ મળી છે.'' સંત કહે, ''મેં તને શાંતિ મેળવવાની યુક્તિ બતાવી. તેનો તમને ખ્યાલ ના આવ્યો? જુઓ, પહેલા દિવસે તને તડકામાં બેસાડીને હું ઝૂંપડીમાં જતો રહ્યો. તેનો મતલબ એ હતો કે મારી પાસેનો છાંયડો તને કામમાં આવશે નહિ. બીજા દિવસે તને ભૂખે રાખીને મેં ભરપેટ ખાધું. એ રીતે સમજાવ્યું કે મારી સાધનાથી તને સિધ્ધિ મળશે નહિ. એ જ રીતે શાંતિ તારી પોતાની મહેનતથી જ મળશે. હું તારા મનને શાંત કરી શકું નહિ. એ માટે તારે પોતે મનની શાંતિ મળે એવા કાર્યો કરવા પડશે.'' આ સાંભળીને શેઠની આંખો ખૂલી ગઈ. અને સંતના આશીર્વાદ લઈ કહ્યું, ''મહારાજ, મને ખ્યાલ આવી ગયો કે આપણી પરેશાની આપણા મનની ફક્ત એક સ્થિતિ છે. તેમાંથી મુક્ત થવા માટે મનને શાંત રાખવા યોગ્ય ઉપાય કરવા જોઈએ.''*
હું હવે મારો નથી,

કેટલું મન શાંત છે!

-ચંદ્રકાંત શેઠ

*

જો તમારા અંતરમાં શાંતિ નહિ હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી.

*****************


ગુરૂના જ્ઞાનનું મહત્વ


એક વખત એક રાજાને સાધના કરવાનું મન થયું. તેણે પોતાના મંત્રીને બોલાવીને પૂછયું, ''હું અમુક મંત્રની સાધના કરવા માગું છું. એ માટે શું કરું?'' મંત્રીએ કહ્યું, ''મહારાજ તમે તમારા ગુરૂ પાસે જાઓ અને તે કહે એ મુજબ કાર્ય કરો.''

રાજાએ મંત્રીની વાત સાંભળી નહિ. તેમને થયું કે આટલી નાની વાત માટે ગુરૂની પાસે જવાની જરૂર નથી. અને તેમણે કોઈની પાસેથી મંત્ર સાંભળ્યો હતો તેની સાધના શરૂ કરી દીધી.

રાજાએ એક મંત્ર સાંભળ્યો હતો તેને યાદ કરીને જાપ જપવાનું શરૂ કરી દીધું.

મંત્રનો જાપ જપતા ઘણાં દિવસ થઈ ગયા. છતાં કોઈ પરિણામ ના આવ્યું. એટલે રાજાએ મંત્રીને બોલાવીને પૂછયું,''મને મંત્રના જાપ કરતાં મહિનાઓ થઈ ગયા છતાં કોઈ લાભ કેમ ના થયો?'' મંત્રીએ અગાઉ જે વાત કહી હતી તેનું જ પુનરાવર્તન કર્યું, ''મહારાજ, મેં તમને કહ્યું હતું કે મંત્ર વિધિપૂર્વક ગુરૂ પાસેથી પ્રાપ્ત કરવાથી જ લાભ થઈ શકે છે. તમે વાત માની નહિ.'' પણ રાજા તેની વાત સાથે સંમત ના થયા અને જાતજાતના તર્ક કરવા લાગ્યા.

મંત્રીએ થોડીવાર સુધી તેમને સાંભળ્યા અને પછી અચાનક નજીકમાં ઉભેલા સૈનિકને આદેશ આપ્યો, ''સૈનિક, મહારાજની હમણાં જ ધરપકડ કરી લો. મંત્રીની વાત સાંભળી રાજા સહિત આખી સભાને નવાઈ લાગી. મંત્રીએ આમ કેમ કહ્યું તે કોઈની સમજમાં ના આવ્યું. મંત્રીએ તો સૈનિકને ફરીથી કહ્યું કે, ''આપણા મહારાજની હમણાં જ ધરપકડ કરી લો. શેની રાહ જુઓ છો? મારા આદેશનું પાલન કરો.''

સૈનિક તો આભો બનીને ઉભો હતો. મંત્રીના આવા આદેશથી આખરે રાજાને ગુસ્સો આવ્યો અને સૈનિકોને કહ્યું, ''આ મંત્રીની તરત ધરપકડ કરો. મને પકડવાનો હુકમ કરે છે.'' સૈનિકોએ તરત જ રાજાના હુકમનું પાલન કર્યું અને મંત્રીને પકડી લીધા. એટલે મંત્રી જોરજોરથી હસવા લાગ્યા. મંત્રીનું આવું વિચિત્ર વર્તન જોઈ રાજાને નવાઈ લાગી. રાજાએ મંત્રીને હસવાનું કારણ પૂછયું.

મંત્રીએ જવાબમાં કહ્યું, ''મહારાજ, હું તમને આ વાત જ સમજાવવાની કોશિષ કરી રહ્યો છું. જયારે મેં સૈનિકોને તમારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો ત્યારે તેમણે મારો હુકમ માન્યો નહિ. પણ જયારે તમે મને પકડવાનો આદેશ કર્યો ત્યારે તેનું તરત જ પાલન કરી દીધું. મહારાજ, આ વ્યક્તિની ઉપલબ્ધિની વાત છે. મેં જે આદેશ આપ્યો હતો એ જ તમે આપ્યો. મારા આદેશની તેમના પર કોઈ અસર થઈ નહિ. આ જ રીતે ગુરૂ દ્વારા અપાયેલા મંત્રમાં અનુભૂતિ અને અધિકારની શાંતિ હોય છે. ગુરૂ હંમેશા પોતે જ્ઞાનનો પ્રયોગ કરીને પછી શિષ્યને સોંપે છે. એ કારણે જ ગુરૂ પાસે જવાનું કહેતો હતો.'' રાજાને મંત્રીની વાત સમજાઈ ગઈ કે ગુરૂ તો ગુરૂ જ હોય છે. તેમની તોલે કોઈ ના આવે. અને તેમણે મંત્ર માટે ગુરૂ પાસે જવા તૈયારી કરી.

*

નહીં તો માનવતાના મોંઘા મંત્ર દે,

વિશ્વ શરણે થાય એવું તંત્ર દે.

- શયદા

*

'ગુ' શબ્દનો અર્થ છે -અંધકાર, અને 'રુ' શબ્દનો અર્થ છે -'તેનો નાશ કરનારુ'. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરૂ કહેવાય છે.

**********


સંતે શીખવ્યો વિનમ્રતાનો પાઠ

સંત રમન્નાના આશ્રમમાં અનેક લોકો પોતાની સમસ્યા લઈને જતા. અને તેમને ઉકેલ મળી જતાં ખુશ થઈને પાછા ફરતા. એક દિવસ એક માણસ આવ્યો અને આશ્રમની બહાર બૂટ કાઢવા લાગ્યો. એક બૂટ જલદી ના નીકળ્યો એટલે તેણે ગુસ્સામાં આવીને પગ આમતેમ હલાવી જોરથી બૂટ કાઢીને ફેંકયો. અને ઝડપથી આશ્રમનો દરવાજો ધકેલીને સંતની પાસે પહોંચી ગયો.

સંત પાસે જઈને એ માણસે તરત જ કહ્યું,''મહારાજ, હું મારી સમસ્યાનું વ્યવહારિક સમાધાન મેળવવા આવ્યો છું.'' સંત તરત બોલ્યા,''ભાઈ, તારી સમસ્યાનું સમાધાન શકય નથી.'' માણસે આશ્ચર્યથી પૂછયું, ''મહારાજ, મેં હજુ આપને સમસ્યા પણ કહી નથી અને તમે ના પાડી દીધી? મારી સમસ્યાનું સમાધાન કેમ ના થઈ શકે? તમારી પાસે આશા લઈને અમે આવીએ છીએ.'' સંત શાંત સ્વરે બોલ્યા,''તને યોગ્ય વ્યવહાર કરતાં જ આવડતું નથી. જે વિનમ્ર ના બની શકે તે કયારેય સફળ ના થઈ શકે.'' માણસ કહે,''પણ મારા વ્યવહારમાં દોષ કયાં છે?'' સંત કહે,''ડગલે ને પગલે તારામાં દોષ છે. તું કારણ વગર વસ્તુઓને નુકસાન પહોંચાડે છે. તેં હમણાં જ તારા જૂતા અને દરવાજા પર ગુસ્સો કર્યો. જા પહેલાં એમની માફી માંગીને આવ.'' એ માણસે નવાઈથી પૂછયું,''હું નિર્જીવ વસ્તુઓની માફી માગુ?'' સંત કહે,''તું નિર્જીવ વસ્તુઓ સાથે યોગ્ય વ્યવહાર કરી શકતો નથી અને ચાહે છે કે ભગવાન અને સંસાર તારી સાથે યોગ્ય વ્યવહાર કરે. જો તેં આ વસ્તુઓને ખરેખર નિર્જીવ સમજી હોત તો એના પર ક્રોધ વ્યકત કર્યો ના હોત. વિનમ્રતાથી દરેક સમસ્યાનું સમાધાન જાતે જ આવી જાય છે.'' એ માણસ સંતનો આશય સમજી ગયો. તેણે એ વસ્તુઓની સાથે સંતની પણ માફી માગી અને હંમેશા દરેક સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવાનું વચન આપ્યું.

*
જગતના સ્નેહીઓ પણ સ્વાર્થમય વ્યવહાર રાખે છે,

ભીતરમાં ભાવનાની ભેદ ભારોભાર રાખે છે,

મહોબ્બત જોઈ ના લંબાવજે તું હાથ મૈત્રીનો,

કે અહીંયા તો ઘણા ફૂલછાબમાં યે ખાર રાખે છે.

-મુકુલ ચોક્સી

*

માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

**************

મૃત્યુ પછીની ચિંતા કેમ?


ભગવાન બુધ્ધ પોતાના શિષ્યો સાથે બેઠા હતા. અને તેમના પ્રશ્નોના ઉત્તર આપતા હતા. બુધ્ધની પાસેથી તેમને નવું નવું જાણવાનું અને સમજવાનું મળતું હતું.

એક દિવસ મલુક્યપુત્રએ તેમને પૂછયું,''ભગવાન, મારી ઘણા સમયથી એક વાત જાણવાની ઈચ્છા છે. પણ આપે એ વિશે કંઈ કહ્યું નથી.'' ''પૂછ વત્સ.'' બુધ્ધે કહ્યું.

શિષ્ય કહે,''ભગવાન, આપે એ કયારેય જણાવ્યું નથી કે મૃત્યુ પછી શું થાય છે. મને મૃત્યુ પછીના જીવન વિશે જાણવાની જિજ્ઞાસા છે.'' શિષ્યની વાત સાંભળી બુધ્ધ મુસ્કુરાયા અને બોલ્યાઃ ''વત્સ, હું તારા પ્રશ્નનો જવાબ જરૂર આપીશ. પણ એ પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપ.'' શિષ્ય બુધ્ધનો પ્રશ્ન જાણવા ઉત્સુક થયો.

બુધ્ધ કહેઃ ''કોઈ વ્યક્તિ કયાંક જઈ રહ્યો છે. ત્યારે કયાંકથી આવીને એક ઝેરી બાણ તેના શરીરમાં ઘૂસી જાય છે. ત્યારે તેણે શું કરવું જોઈએ?'' બુધ્ધે તેને બે વિકલ્પ આપતાં આગળ કહ્યું: ''તેણે પહેલાં શરીરમાં ઘૂસેલા બાણને કાઢવામાં ધ્યાન આપવું જોઈએ ? કે એ કઈ દિશામાંથી આવ્યું અને કોણે માર્યું તે જોવું જોઈએ?'' મલુક્યપુત્રએ તરત કહ્યું:''ભગવાન, પહેલાં તો એ બાણને શરીરમાંથી કાઢવું જોઈએ. નહિતર ઝેર આખા શરીરમાં ચઢી જાય.'' બુધ્ધે કહ્યું: ''વત્સ, તેં એકદમ સાચું કહ્યું. હવે એ કહે કે પહેલાં આ જીવનના દુઃખોનું નિવારણ કરવાના ઉપાય કરવા જોઈએ કે મૃત્યુ પછીની વાતનું ચિંતન કરવું જોઈએ?'' મલુક્યપુત્રને બુધ્ધની વાત સમજાઈ ગઈ અને મૃત્યુ પછીના જીવન વિશેની તેની જિજ્ઞાસા શાંત થઈ ગઈ.*

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,

તક હતી એટલી મોટી કે પચાવી ન શકયો.

- 'મરીઝ'

*
માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્ત્વની નથી પણ મહત્ત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે.

****************