Chahera paachhadno chahero books and stories free download online pdf in Gujarati

ચહેરા પાછળનો ચહેરો

ચહેરા પાછળનો ચહેરો

શહેરનું મોભેદાર પ્રતિષ્ઠિત કુટુંબ એટલે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો.અણુવ્રત શાહ અને સાયકોલોજી સાથે એમ.એ થયેલ સંયુકતાજીંનો પરિવાર. જાજરમાન વ્યક્તિત્વ ધરાવનાર સંયુકતાજીનાં વ્યવ્હારું, પ્રેમાળ-સ્વભાવ અને કાર્યકુશળતા ને કારણે શહેર આખા અને સમાજને એમનાં પ્રત્યે આદરભાવ. આખા પરિવારને એક માળામાં પરોવી શક્વાની કુનેહ સંયુકતાજી ધરાવે.

એમ.એસની પદવી ધરાવનાર એમનાં દીકરા હ્રદયમ્ ને સ્પેશ્યાલાઇઝેશન માટે યુરોલોજીમાં એડ્મિશન મળી ગયું. પ્રતિષ્ઠિત કુટુંબ, સંયુકતાજી જેવા સાલસ સાસુ અને હાયલી એજ્યુકેટેડ છોકરો મળતો હોય તો કોણ છોકરીવાળા પાછળ રહે!? ઉચ્ચકોટીનાં કુટુંબો એમની દીકરી માટે ડો. હ્ર્દયમ્ માટે માંગા લઇને આવતાં. દીકરા હ્રદયમ્ સહિત આખા કુટુંબે સંયુકતાની પસંદગી પર ગર્વ અને વિશ્વાસ હોય આ જવાબદારી ભર્યું કામ સંયુકતાને સોંપવામાં આવ્યું. સંયુકતાની નજર એમ.પી.ટી કરી રહેલ ડો. જાન્સુ પર ઠરી. સર્વાનુમતે ડો. હ્રદયમ્ અને ડો. જાન્સુના વિવાહ નક્કી થયા. બંનેનો અભ્યાસ સંપૂર્ણ થતાં એમનાં લગ્નની તારીખ નક્કી થઇ. વ્હાલી જાન્સુ પર સંયુકતાજીનો જાન ઓવારી ગયો હતો. વહુ જાન્સુને હુલામણા નામ “જાન” કહેતાં એમની જીભ સૂકાતી ન હતી. સંયુકતાએ વેવાઇ પક્ષની તમામ જવાબદારી અને ખર્ચ પોતે જ ઉપાડી લીધો. જાન્સુની જરૂર કરતાં અનેકઘણાં ઘરેણાં, ડ્રેસીસ અને અનેક ચીજવસ્તુઓનું શોપીંગ સંયુકતાએ હોંશે-હોંશે કર્યું. સમાજમાં સૌ કોઇને જાન્સુ પ્રત્યે મીઠી ઇર્ષ્યા થતી. દરેક કોઇ પોતાની દીકરીને સંયુકતા જેવી સાસુ મળે એવી પ્રભુને પ્રાર્થના કરતાં. જોત-જોતામાં રંગે-ચંગે નવયુગલે પ્રભુતામાં પગલાં માંડયાં.

મંડપમાં જ સંયુકતાએ હ્રદયમ્ અને જાન્સુને વર્લ્ડટુરનુ પેકેજ ગીફટ કર્યું. અને કહ્યું “જાઓ બચ્ચાઓ, મન મૂકીને ફરી આવો. સમયને એન્જોય કરો. કામ તો આખી જીંદગી કરવાનું જ છે.” સૌ કોઇ સંયુકતા પર વારી ગયા. સૌના મોંમાં, એક જ વાત “ સાસુ હોય તો સંયુકતાજી જેવા.”

ત્રણ મહિના પછી હ્રદયમ્ અને જાન્સુ વર્લ્ડટુર કરી ફરી ઘરે આવ્યાં. હ્રદયમે બીજા દિવસથી જ હોસ્પીટલ જોઇન્ટ કરી દીધી. સંયુકતાએ જાન્સુને કહ્યું “બેટા ! તું થાકી ગઇ હોઇશ. થોડાં દિવસ આરામ કર પછી તારી કલીનીક ચાલુ કર. આખી જીંદગી કામ તો કરવાનું જ છે. આવો આરામનો સમય વારે ઘડી નહીં મળે.” જાન્સુને પોતાની મમ્મીજીની વાત ઠીક લાગી. તેણે એક મહિનાનો બ્રેક વધાર્યો. સંયુકતા જાન્સુને જીવની જેમ સાચવે. બિલકુલ કોઇ કામ કરવા દે નહિ, અને કહેતી “બસ તું હળવાશ અનુભવી લે.” જાન્સુ પણ ખુશખુશાલ થઇ જતી. એ સમય દરમ્યાન અન ઇઝી ફીલ થતાં સંયુકતાએ ઘરમાં જ પ્રેગટેસ્ટ કરી. રીઝલ્ટ પોઝીટીવ આવ્યું. ઘરમાં ખુશીનો માહોલ ગુંજી ઊઠ્યો. જાન્સુ કલીનીક પર જવા તૈયાર થઇ તો સંયુકતાજી બોલ્યાં-“ આ સમયમાં હાય-હાય કરવાની શી જરૂર છે. તારી આ અવસ્થાને માણ. કામ તો આખી જીંદગી જ કરવાનું છે ને.” જાન્સુને એના મમ્મીજીની વાત સાચી લાગી અને એણે વિચાર્યું.-“ મમ્મીજી એમના અનુભવ પરથી મને સાચી સલાહ જ આપે છે. એ હંમેશા મારા માટે સારું વિચારે છે.” સંયુકતાજીએ પણ પૂરાં નવ મહિના જાન્સુને હથેળીમાં રાખી. એનાં માટે જાત જાતનું વાંચન, મ્યુઝીક, સી.ડી, યોગા વગેરેની વ્યવસ્થા કરી પોતાના અનુભવનો નિચોડ જાન્સુની કાળજી અને આવનાર બાળકની માવજત પર ઉતાર્યો. જાન્સુએ આનંદ-ઉલ્લાસ સાથે નવ મહિના પૂરા કરી એક સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. બાળકને નિહાળી સૌ કોઇ બોલી ઊઠતાં- “કેટલું સુંદર બાળક છે. ઓલ ક્રેડિટ ગોસ ટુ સંયુકતાજી ! આ તમારી મહેનત અને માવજતનું ફળ છે.” સમય પસાર થતાં જાન્સુ ફરીથી કલીનીક જવા તૈયાર થઇ. સંયુકતાએ કહ્યું-“ બેટા, જાન ! એવી તે શું ઉતાવળ છે. મા અને બાળક સાથે રહેવું જોઇએ તેથી બાળકનો ઉછેર સારો થાય. આખી જીંદગી કામ તો છે જ ને.” બસ આ વખતે ઘરમાં બધાનાં કાન અને મગજ સરવા થઇ ગયા. બધા મનોમન વિચારવા લાગ્યા – સંયુકતા એના સબ્કોન્સયસ માઇન્ડથી વાકેફ નથી લાગતી. એ માયા મમતા થકી સાન-ભાન ભૂલી રહી છે. એ જે કરી રહી છે તે ઠીક નથી. એ જ સમય દરમ્યાન ફેશન ડિઝાઇનર એવી સંયુકતાજીની એમનાં જેવી જ ચપળ દીકરી પ્રત્યંચા પણ ઘરે આવી હતી. એ એનાં મમ્મીનાં સબકોન્સયસ માઇન્ડને જાણી ગઇ. પ્રત્યંચાએ એનાં પપ્પા ડો. અણુવ્રત અને ભાઇ ડો. હ્રદયમનું આ બાબતે ધ્યાન દોર્યું. બધાને આ વાતમાં તથ્ય લાગ્યું.

એક રવિવારે ડો.અણુવ્રત પત્ની સંયુકતાને લઇ પોતાના ફાર્મ હાઉસ ગયા. ત્યાં ડો.અણુવ્રતે વાત છેડી “ ડીઅર સંયુ ! આજ સુધી તે પરિવાર માટે ખૂબ કામ કર્યું છે. હું આખી લાઇફ હોસ્પીટલમાં જ રહ્યો. આજે આપણો પરિવાર જે મુકામ પર છે. તે ફકત તારી કાબેલિયતને કારણે છે. પણ સંયુ ! મારે તને આજે કશુંક કહેવું છે. સંયુ ! તું કંઇ ચૂકી રહી છે. નો ડાઉટ, તારો જાન જાન્સુમાં વસેલો છે. એ વાત સાથે અમે બધા સહમત છે. પણ સંયુ ! તું જાન્સુ સાથે એક સાસુનો રોલ નિભાવી રહી છે. હું જાણું છું કે આ તું અજાણતા જ કરી રહી છે. કહેવાય છે ને દરેક સ્ત્રીની પહેલી દુશ્મન એક સ્ત્રી જ હોય છે. તું જાન્સુનું ભવિષ્ય રૂંધી રહી છે. કોઇને કોઇ બહાના હેઠળ જાન્સુને રોકી રહી છે. તને ઘર સાચવવા માટે એક સ્ત્રીની જરૂર છે. સંયુ ! હું તને એક અઠવાડિયાનો સમય આપું છું. મારી આ વાત પર વિચાર કરી જોજે. આવતાં રવિવારે આપણે ફરી ફાર્મ પર આવીશું. હું સાચો કે ખોટો એ મને જણાવજે. તારા આંતરમન સાથે વાત કરજે. તને જરૂરથી સાચો જ્વાબ મળશે.” સંયુકતા પતિની વાતથી હચમચી ગઇ. એ બોલી તમે શું બોલો છો. શું હું એવી અભણ, ગમાર, નીચી વિચારસરણી ધરાવનારી છું ?” ડો. અણુવ્રતે કહ્યું “ કામડાઉન તું શાંતિથી વિચારજે.”

બીજા દિવસે ટી-ટેબલ પર આખો પરિવાર બેઠો હતો. સુઝેલી આંખે સંયુકતાજી ત્યાં આવ્યાં. કોઇ કંઇ પૂછે એ પહેલાં એમણે પોતાની વાત શરૂ કરી. એ બોલ્યાં- બેટા ! જાન, આઇ એમ વેરી સોરી. મેં તારી સાથે સ્ત્રી વિરુધ્ધ સ્ત્રીનું વર્તન કર્યું છે. જાન્સુ અવાક થઇ ગઇ. એ કંઇ પૂંછે એ પહેલાં સંયુકતા બોલ્યાં. થેન્ક યુ ! અણુવ્રત, મારી આંખ ઉગાડવા બદલ મેં મારી જાત સાથે મનોમંથન કર્યું. તને સાચા છો. હું મારી જાણ બહાર મારા સબ્કોન્સયસ માઇન્ડથી જાન્સુ પ્રત્યે અદેખાઇ કરી રહી હતી. હું અંદરથી જાન્સુ આગળ વધે એ ઇચ્છતી ન હતી.

બેટા જાન્સુ ! જાગ્યા ત્યારથી સવાર. સારાં કામ માટે મુહૂર્ત જોવાનું ન હોય. તું આજથી તારી કલીનીક ચાલું કરી શકે છે. હું પણ એક સંસ્થા શરૂ કરીશ. દરેક સ્ત્રીને મારા અનુભવની વાત કરીશ. સ્ત્રીની પાછળ છુપાયેલ એક ઇર્ષાળુ સ્ત્રીનો ચહેરો શોધવા દરેક સ્ત્રીને આહવાન આપીશ. મારા જેવી સબ્કોન્સીયસ માઇન્ડથી પીડીત સ્ત્રીને છૂટકારો અપાવીશ. જો દરેક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં અડચણ ન કરે તો સંસારને સ્વર્ગ બનતાં કોઇ ન રોકી શકે. એ વાત હું બરાબર સમજી ગઇ છું.

ફરીથી થેન્કસ ટુ ઓલ. મને મારાથી થઇ રહેલ મોટી ભૂલમાંથી ઉગારી લેવા બદલ.