Nanakadi riya books and stories free download online pdf in Gujarati

નાનકડી રિયા

નાનકડી રિયા

લતા હિરાણી

નાનકડી રિયા. એને વાંચવાનું બહુ ગમે. એને પુસ્તકો એવાં વ્હાલાં કે ન પૂછો વાત !! શાળાનું ઘરકામ પૂરું થયું નથી કે વાર્તાની ચોપડી કાઢી નથી.. એની પાસે પુસ્તકોનો ખજાનો. વાર્તા, જોડકણાં, ઉખાણાં, બાળકાવ્યોના કેટલાંય પુસ્તકો. એમાંય વાર્તાઓનો તો ખજાનો. પ્રાણીકથાઓ, પરીકથાઓ, સાહસકથાઓ, વિજ્ઞાનવાર્તાઓ...

નાની રિયા ભણવામાં ખૂબ હોંશિયાર હતી. સ્કૂલેથી ઘરે આવે કે તરત પોતાના ટેબલ પર બેસી જાય. ચપટી વગાડતામાં તો ટીચરે આપેલું હોમવર્ક ફટાફટ પૂરું. એ પહેલાં એને ખાવાપીવાની વાત પણ યાદ ન આવે.

રિયાને વાંચવું બહુ ગમે. એના મમ્મી-પપ્પા અને બીજાં લોકો એના માટે ભેટ તરીકે પુસ્તકો જ લાવે. બધાંને ખબર કે રિયાને પુસ્તકો જેવી મજા બીજા કશામાં આવે નહિ !

રિયા પહેલેથી આવી નહોતી. પહેલાં એવું હતું કે રિયા પોતાનું હોમવર્ક, ભણવાનું એ બધું તો બરાબર કરી લે પણ પછી વિડિયો ગેમ રમવા બેસી જાય. પણ એક વર્ષ એના ક્લાસટીચર તરીકે અમીબહેન આવ્યા એ પછી રિયા બદલાઇ ગઇ. રિયાની મમ્મી એને ભણવા સિવાય પણ બીજાં પુસ્તકો વાંચવા માટે કહેતી પણ મમ્મીની વાતની રિયા પર કોઇ અસર થતી નહોતી. અમીબહેને તો જાણે જાદુ કર્યો. ક્લાસમાં લહેકાથી એકશન સાથે વાર્તા કહે અને પછી રંગબેરંગી પુસ્તકો બતાવે. એટલે બાળકો એ વાંચવા લલચાય.

એમણે રિયાનેય સરસ મજાની વાર્તાના પુસ્તકો આપવાનાં શરુ કર્યા. પ્રાણીઓના રંગીન કાર્ટૂનવાળા પુસ્તકો એ ઉત્સાહથી ઘરે લાવવા માંડી પછી તો પરીઓ ને રાક્ષસો ને કેવીયે અજબગજબની વાર્તાઓના પુસ્તકો એના મિત્ર બની ગયાં..

એકવાર એવું બન્યું કે રિયાના ઘરમાં ઘણાં મહેમાનો આવ્યાં. એને હજુ વેકેશન ચાલતું હતું. હજી તો એને કેટલીયે ચોપડીઓ વાંચી લેવી હતી પણ ઘરમાં ક્યાંય શાંતિથી બેસીને વાંચવાની જગ્યા જ નહિ, રિયા કરે શું ? એણે તો મોટી મોટી ચાર પાંચ વાર્તાની ચોપડીઓ દફતરમાં ભરી અને ઉપડી જંગલ તરફ !!

“મમ્મી, ઘર ખાલી થશે એટલે આવીશ. ત્યાં સુધીમાં મારે ઢગલો એક વાર્તા વંચાઇ જશે.” મમ્મી કંઇ કહે એ પહેલાં તો રિયા ભાગી.

રિયાનું ગામ નાનું હતું. ગામને અડીને જ જંગલ આવ્યું હતું. રિયા સડસડાટ જંગલમાં પહોંચી એક ઝાડ નીચે બેસી ગઇ. એક પછી એક ચોપડીઓ લેતી જાય અને વાર્તાઓ વાંચતી જાય. રિયા વાંચવામાં મશગુલ થઇ ગઇ હતી. આમેય રિયા વાંચવાનું શરુ કરે એટલે એને ન લાગે ભૂખ કે ન લાગે તરસ. ચોપડી જ એને માટે ચોકલેટ, બરફી કે પિત્ઝા !!

અચાનક રિયાનું ધ્યાન ગયું. એની સામે જ મોટો ડાલામથ્થો સિંહ ઊભો હતો !! લાંબી કેશવાળી, મોટી આંખો, પહોળા પંજા ને એમાં તીણા ન્હોર !! બાપ રે બાપ, હવે શું કરવું ? એવો વિકરાળ સિંહ કે એને રિયાનો નાસ્તો કરતાં જરાય વાર ન લાગે.

રિયા બહુ બહાદૂર હતી અને ચતુર પણ. મુસીબતમાં એનું દિમાગ કમ્પ્યુટરની જેમ કામ કરતું. એણે હિંમત કરીને સિંહને હુકમ કરી દીધો,

”એય, ઊભો ઊભો જુએ છે શું ? ચાલ બેસી જા. તને વાર્તા કહું છું. આવો મોટો ઝાડ જેવો પણ તને વાંચતા તો આવડતું નથી !!”

સિંહ ડઘાઇ ગયો ને મુંઝાઇ પણ ગયો. આવડી અમથી છોકરી એના પર હુકમ કરતી હતી !! અને એની વાત સાચી હતી. એને ક્યાં વાંચતા આવડતું હતું ? એ શરમનો માર્યો ચુપચાપ બેસી ગયો.

રિયાએ વાર્તા વાંચવાની શરુ કરી દીધી. અરે વાહ, સિંહને તો મજા પડી ગઇ. એણે કદી વાર્તા સાંભળી જ નહોતી !! થોડીવાર થઇ ને બીજો સિંહ આવ્યો. પેલા સિંહને બેઠેલો જોઇને એય ચુપચાપ બેસી ગયો. આમ જ સિંહો આવતા રહ્યા. જાણે સિંહોનો દરબાર ભરાયો ને રિયા સૌની રાણી !!

વાર્તાની ચોપડી પૂરી થઇ ને સિંહોની સમાધિ ભંગ થઇ. તેઓ એકબીજા સામે જોવા લાગ્યા ને અચાનક પેલા સિંહને યાદ આવ્યું કે પોતાને ભૂખ લાગી હતી અને શિકારની શોધમાં નિકળ્યો હતો. રિયા બોલીબોલીને થાકી ગઇ હતી અને હવે એને બીક પણ લાગતી હતી. એને મમ્મી યાદ આવતી હતી.

પેલો સિંહ કહે, “તેં અમને સરસ વાર્તાઓ કહી. થેંક્યુ. પણ હવે તૈયાર થઇ જા. મને ભૂખ લાગી છે. હું તને ખાઇશ.”

બીજો સિંહ કહે કે મને પણ ભૂખ લાગી છે, આ મીઠ્ઠી છોકરીને હું ખાઇશ.

ત્યાં તો ત્રીજો, ચોથો બધા રિયાને ખાવા માટે એકબીજા સામે ઘુરકિયાં કરવા લાગ્યા.

ઓહ, રિયાને ઉપાય મળી ગયો. એ એક મોટા પથ્થર પર ચડી ગઇ અને ઘાંટો પાડી બોલી,

”ચુપ થઇ જાઓ બધાં. હું એકલી છું અને તમે આટલા બધા. કોઇ એક સિંહ મને ખાશે તોયે એનું પેટ માંડ ભરાશે. આપણે એવું કરીએ. જુઓ, હું બહાદૂર છું એટલે જે સિંહ બહાદૂર હોય એ મને ખાય. તમે નક્કી કરો કે કોણ બહાદૂર છે !!”

સૌએ આ વાત સ્વીકારી લીધી. ઘુરકિયાં કરતા જાય અને અંદરોઅંદર લડતા જાય. આ બાજુ સિંહો લડવામાં પડ્યા અને બીજી બાજુ રિયા હળવેથી પાછા પગલે નીકળી ગઇ. દોડતી દોડતી ઘરે પહોંચી ગઇ.

સિંહો અંદરોઅંદર લડીને ઘાયલ થઇ ગયા અને એક સિંહને યાદ આવ્યું, “અરે પેલી મીઠડી ક્યાં ?”

મીઠ્ઠી રિયા તો ઘરે મમ્મીએ બનાવેલી ઇડલી ઝાપટતી હતી ને મમ્મી-પપ્પાને પોતાની બહાદૂરીની કથા કહેતી હતી !!!.....