Madhu vani 2 books and stories free download online pdf in Gujarati

મધુ-વાણી -2

મધુ-વાણી – 2

મધુ પણ હોસ્પિટલ અમારી સાથે આવી હતી, અમે ડોક્ટરની કેબિનમાં હતા, નર્સ આવીને વાણીની વહીલચેર ધકેલીને તેને બહાર લઇ ગઈ. પછી ડોક્ટર બોલ્યા " હા, તો કેમ બેંગ્લોર જવું છે?"

"કેમ ના જવું જોઈએ?"

"સવાલ સારો છે, કેમકે જવાબ સહેલો છે, દર્દી સાજી થઇ રહી છે, ચાર મહિનામાં ઘણો સુધાર થયો છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે. તેનો અર્થ એમ થાય કે આપણે સાચા ટ્રેક પર છીએ." ડોક્ટરે ખુરશી પાછળ પીઠ ટેકવી, ને કહ્યું "તમે ચમત્કારમાં માનો છો?"

"ના"

"સરસ, હું પણ નથી માનતો, જોકે મેં એવા ઘણા કેસ જોયા છે કે જે અચાનક કે સવારે ઉઠ્યા ત્યારે બિલકુલ સાજા, નોર્મલ હતા, જાણે સ્ટ્રોક લાગ્યો જ નહોતો... તેને તમે ચમત્કાર કહી શકો, અને તે થવાનો હશે તો અહીં પણ થશે, બેંગ્લોર જવાની જરૂર નથી. બેંગ્લોર કે ગમે ત્યાં જશો, તેઓ એકડે એકથી શરુ કરશે અને ફરી ત્યાં જ આવશે કે જ્યાં આપણે હમણાં છીએ."

મધુ મારી સામે જોઈ રહી હતી, હું વિચારમાં હતો. વાત તો સાચી હતી, પણ...

"સાહેબ હું તમારી વાત સમજુ છું, પણ અમે જઈશું તો ખરા જ.. વાણીની ઈચ્છા છે, તેને એવું ન લાગે કે હું કઈ કચાસ.... તમે સમજો છોને?"

"ભલે, તમારી મરજી. પણ મારી સલાહ છે કે થોડી રાહ જુઓ, મહિના પછી જજો. તમારી પત્નીને સાજી કરવાનો યશ કદાચ મને પણ મળી જાય.."

"તમારા કહેવાનો અર્થ એમ કરીએ કે મોડામાં મોડું મહિનામાં વાણી સાજી થઇ જશે?"

"હા, પ્રગતિ જોતા અને મારા અનુભવ પ્રમાણે એમ કહી શકું. જોકે તે કાલે પણ સાજી-સમી અને દોડતી થઇ શકે છે.

અમે ફાઈલ લઈને બહાર આવ્યા. મધુ બોલી "વાણીને કહીશ નહિ, તે ઊંધું વિચારશે"

વાણી પાસે આવીને મેં કહ્યું "મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળી છે. વાંધો નથી ને?"

મને લાગ્યું કે તેની આંખમાં શંકા હતી, કે પછી મને એવો વહેમ પડ્યો. ગમે-તેમ તે કશું બોલી કે વિરોધ કર્યો નહિ, બોલે પણ શું? તે લાચાર અને બેબસ હતી, તે સંપૂર્ણપણે મારી આશ્રિત હતી, હું તેને લઇ જાઉં, કે ન લઇ જાઉં, કે તેને મરવા બેડ પર છોડી દઉં તો પણ તે કશું બોલી શકશે નહિ, લાચારીથી મને તાક્યા જ કરશે.. વહીલચેર ધકેલતા ધકેલતા મારી આંખમાં પાણી ઉભરાયું. હું અપરાધભાવ ફીલ કરવા લાગ્યો. મધુએ મારા હાથ પર તેનો હાથ મુક્યો ને મને આંખ થી જ સાંત્વન આપ્યું

ટેક્સી માંથી ઊંચકીને વાણીને રૂમમાં બેડ પર બેસાડી. એસી ચાલુ કર્યું, જે વાણીને માટે જ હું લાવ્યો હતો, મને એસી વગર તકલીફ નહોતી. મેં અને મધુએ મળીને વાણીને કપડાં બદલાવ્યાં, મધુ થોડીવાર રોકાઈ અને પછી જતા જતા મને કહ્યું બહાર આવ વાત કરવી છે. હું બહાર લોબીમાં ગયો, તે મારો હાથ પકડીને બોલી "તું જે કઈ કરે છે તે બરાબર જ છે, ખોટું કશું વિચારીશ નહિ. પૈસા પણ અને બધું જ તૈયાર છે, પણ જો ડોક્ટર આટલા વિશ્વાસથી કહેતા હોય તો થોડા દિવસ રાહ જોવામાં ખોટું શું છે? અને એવું તો છે નહિ કે બેંગ્લોર જતા જ તે સાજી થઇ જશે."

હું રૂમમાં આવ્યો, વાણી સામે જોયું તે મને જ જોઈ રહી હતી, તેણે હાથના ઇશારાથી પૂછ્યું કે મધુ શું કહી ગઈ?

"કશું નહિ, એ તો અમારા કામની વાતો હતી, ચાલ તને કશું ખાવું છે?".

વાણીને ઘેર લાવ્યા પછી મારા કોઈ દોસ્તો મારે ઘેર આવતા નહોતા, મેં જ ના કહી હતી. તેઓ આવતા તો વાણીને અસુવિધા થતી, તે ચીડાતી, અને બરાબર જ છે, કારણકે તેઓ બેઠા હોય ત્યારે વાણીને બાથરૂમ જવું હોય કે પાણી પીવું હોય કે ખાવું હોય, તો તે શરમાતી અને બોલતી નહિ. એટલે જ મેં તેમને ઘેર આવવાની ના પાડી હતી. ફક્ત મધુ જ આવતી હતી.

સવારે હું વાણીને બાથરૂમમાં ખુરશી પર બેસાડીને નવડાવી રહ્યો હતો, ને મધુ આવી. તે પણ બાથરૂમમાં આવી ગઈ, અમે બંને એ મળીને વાણીને નવડાવી, મધુના કપડાં ભીના થયા હતા. વાણીને બેડ પર લાવીને સુવડાવી. મધુ તેને કપડાં પહેરાવી રહી હતી ત્યાં સુધી હું કોફી બનાવવા કીચનમાં ગયો.

મધુ કોમ્પ્યુટરમાં કામ કરતી હતી, તેને કોફી આપીને હું મધુ પાસે બેડ પર બેઠો હતો, તે રડી રહી હતી, તેની એક આંખમાંથી નીકળતા આંસુ તકીયામાં ગાયબ થઇ જતા હતા. મારી નજર પડી, "શું થયું ડાર્લિંગ?" તેણે પેડ પર લખ્યું " મારે બેંગ્લોર નથી જવું."

"કેમ?" પણ તેણે કશો જવાબ આપ્યો નહિ, ને આંખો બંધ કરી દીધી. મધુ પણ બેડ પાસે આવીને ઉભી હતી, મેં તેની સામે જોયું. મને મારી જાત પર ધિક્કાર છૂટ્યો, વાણી માટે હું એટલું પણ નથી કરી શકતો? મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય, સોમવારે પહેલી ફલાઇટ પકડીને અમે બેંગ્લોર જઈશું, મેં વાણીને ઢંઢોળી, ને બોલ્યો "સોમવારની એપોઇન્ટમેન્ટ છે, એટલે પરમદિવસે આપણે વહેલા નીકળી જઈશું. અને મને ખાતરી છે કે મુંબઈ આવીશું ત્યારે તું વહીલચેરમાં નહિ હોય, આગળ, મારાથી ખુબ આગળ દોડતી હોઈશ..." તે કશું બોલી નહિ કે કશો ભાવ પણ તેના મોં પર મને વંચાયો નહિ. મધુએ મારો ખભો દબાવ્યો, અને બોલી "ત્રણ ટિકિટ બુક કરાવું છું, હું પણ આવીશ, તમે બંને રડવા બેસી જશો તો કામ કોણ કરશે?"

***

હું રાત્રે અંધારામાં બીચ પર બેઠો હતો, વાણી હજુ કેમ આવી નહિ? અને મને કોઈએ સિસકારો કર્યો, મેં પાછળ જોયું, પણ કોઈ જોવાયું નહિ. ફરી થોડીવારે સિસકારો કરીને કોઈએ મને બોલાવ્યો, પાછળ મને કોઈ જોવાયું નહિ, હું સમજી ગયો, તે વાણી જ છે... ભલે રહી, હું હવે નહિ જોઉં... દબાયેલા અવાજે તેણે મને બોલાવ્યો, પણ મેં સાંભળ્યું નહિ.. હવે તો ગળું ફાડીને મારુ નામ લેશે તો જ હું પાછળ જોઇશ... મેં આંખો બંધ કરી અને રેતીમાં સુઈ ગયો, વાણી દબાતે પગલે આવીને મારી પાસે નીચે બેઠી, અને મારા કાન પાસે મોં લાવીને મને બોલાવ્યો, છતાં મેં આંખ ખોલી નહિ, હવે તે જરૂર મારા ગાલે કિસ કરશે... તે શરમાય છે? ના, તે શરમાય તેવી નથી, તો?

મારા માથા પર તકિયો પડ્યો, હું સપનામાંથી સફાળો બહાર આવ્યો, ના હું સપનામાં નહોતો, સાચે જ વાણી મને બોલાવી રહી હતી... મેં દોડીને લાઈટ ચાલુ કરી, અને વાણી પાસે આવીને તેને જોવા લાગ્યો, તે મારુ નામ લઇ રહી હતી, મને બોલાવતી હતી... વાણી બોલતી હતી... ઓહ માય ગોડ...

***

ચાર દિવસ થયા, વાણી હવે ચાલી, દોડી શકતી હતી. સ્પષ્ટ બોલી શકતી હતી. ત્રણ દિવસ સુધી તેના ડાબા હાથ-પગમાં ખાલી ચઢે ને જેવી ઝણઝણાટી થાય એવી થતી હતી, હાથ ઊંચો કરી શકતી હતી પણ પગ વજન ઊંચકી શકતો નહોતો. ડોક્ટરે મસાજ માટે નવી દવાઓ આપી અને કહ્યું કે પાંચ મહિનાથી મસલ્સ અક્કડ થઇ ગયા છે, એક્સરસાઇઝ અને મસાજથી બ્લડ સર્કુલેશન થતા જ બધું નોર્મલ થઇ જશે. અને સાચે જ આજે તે બિલકુલ ફિટ અને પહેલા જેવી જ હતી.

હું ખુશ હતો, મધુ સૌથી વધારે ખુશ હતી. આજે અમે વાણી સાજી અને પહેલા જેવી જ નોર્મલ થઇ ગઈ તેને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું અને ઘરમાં નાની પાર્ટી રાખી હતી, અમે ત્રણ અને બીજા મારા બે દોસ્તો તેમની પત્ની સાથે અને એક મંગેતર સાથે આવ્યા હતા. મોડી રાત સુધી અમે ખુબ વાતો, મજાક, મસ્તી કરી. વાણી જરાય ઉત્સાહિત નહોતી, વિવેક પૂરતું જ તે બોલતી અને હસી લેતી હતી.

બધા ગયા પછી અમે એકલા પડ્યા, મેં વાણીને મારી છાતી સાથે ભીંસી, ને કહ્યું "ડાર્લિંગ, મને એવું લાગે છે કે હું વિશ્વ વિજેતા છું, દુનિયા જીતી લીધી છે." કહીને તેને કિસ કરવા ગયો, તેણે ધકેલીને મને અલગ કર્યો, ને બોલી "મને બેચેની જેવું લાગે છે.. પ્લીસ, દૂર રહે."

મને ચિંતા થઇ, પાર્ટી દરમ્યાન પણ તે બેચેન અને કંટાળેલી જ રહી હતી.

"શું થાય છે? વોમિટ જેવું લાગે છે? કદાચ વધારે ખવાઈ ગયું હશે..."

"ખબર નથી પડતી, પણ તું ચૂપ રહીશ? મને વટાવ નહિ, તને હાથ જોડું છું."

શું થતું હશે? હું ટેંશનમાં આવી ગયો, તે બેડ પર જઈને સુઈ ગઈ, મધુને કહું? ના, ઘણી રાત થઇ ગઈ છે, સવારે જ તેને કહીશ અને વાણીને હોસ્પિટલ લઇ જઈશું. પણ મને મોડે સુધી ઊંઘ આવી નહિ, ઉઠીને તેને જોતો રહ્યો, કપાળે હાથ મૂકીને પણ ફીવર તો નથી તે જોતો રહ્યો. હું ઊંઘી જઈશ, અને તેને કશું કામ પડશે તો? હું મનમાં જ હસ્યો, કામ પડશે તો ઉઠાડશે, હવે તો તે બોલી-ચાલી જ શકે છે ને?

સવારે વાણીએ મને ઢંઢોળીને જગાડ્યો, હું બેસી ગયો. તે ક્યારની ઉઠી છે? તે નાહીને તૈયાર હતી. "મારા કપડાં ક્યાં છે?"

"કબાટમાં જો"

"ફેંદી નાખ્યું, બધા ઘરમાં પહેરવાના જ છે, સારા કપડાં ક્યાં દાટ્યા છે?"

પાંચ મહિનાથી તે બેડ પર હતી, તેથી તેની હોસ્ટેલમાંથી લાવેલ કપડાંમાંથી મેં ગાઉન વગેરે રોજિંદા કપડાં જ કબાટમાં રાખ્યા હતા, બાકીના બેગમાં ભરીને માળીયા પર ચડાવી દીધા હતા. હું સ્ટુલ પર ચઢીને તેને બેગ ઉતારી આપી, ને કહ્યું "હવે આ બધા પણ કબાટમાં જ ગોઠવી દેજે. ને સવાર સવારમાં તને કપડાને શું કરવું છે?"

" સવાર નથી, દસ વાગી ગયા છે, ને મારે જવું છે." કહીને તે કપડાં બદલવા લાગી. "ક્યાં જાય છે? અને ચા-નાસ્તો તો કરી લે.."

"મેં કરી લીધો છે, તું પણ બનાવી લેજે, રખડવા જાઉં છું, જમવાની વેઇટ કરીશ નહિ."

"થોભ હું પણ સાથે આવું છું, મારેય રખડવું છે, જોઈએ તો ખરા કે પાંચ મહિનામાં મુંબઈ કેટલુંક બદલાયું છે?"

તેણે કશો જવાબ આપ્યો નહિ કે રોકાઈ નહિ."જલ્દી આવજે.... મોબાઈલ લીધો?"

તે તરત પાછી આવી, અને ચાર્જિંગમાં મુકેલો ફોન લેતા બોલી "મારો ફોન પણ સંભાળી ન શકાયો? બગાડી મુક્યો છે."

"કશું નથી થયું, પડ્યો પડ્યો બેટરી પતી ગઈ છે, હમણાં પણ ચાલે જ છે, પણ કલાકે કલાકે ચાર્જ કરવો પડે છે. આજે બેટરી લઇ આવીશ. અને સાંભળ..."

પણ તે રોકાઈ નહિ, જતી રહી.

સાંજે મધુ આવી, આવતા જ હસતા હસતા બોલી "સવારે જ આવતી, પણ પછી વિચાર્યું કે રાત જાગ્યા હશો એટલે ડિસ્ટર્બ નથી કરવા, વાણી ક્યાં છે?"

"ખબર નથી."

"એટલે?"

"સવારની ગઈ છે, કહીને નથી ગઈ."

"વિચિત્ર કહેવાય.. ફોન કર."

"પચાસ કર્યા, એન્ગેજ આવતો હતો, અને લાગ્યો ત્યારે ગુસ્સે થઇ ગઈ કે વારેઘડી ફોન ના કર્યા કર."

"રાતે ઝઘડ્યા હતા?"

"ના"

"ચાલતું રહે એતો... રડવા જેવો કેમ થયો છે? હવે તો તને ચા-નાસ્તો બનાવવાથી છુટ્ટી મળી ને..."

"તેણે પોતાની બનાવી, મેં મારી બનાવી..."

મધુ મારી સામે જ જોઈ રહી હતી, થોડીવારે બોલી "બચારી પાંચ મહિનાથી બેડમાં હતી, હમણાં તેની માનસિક સ્થિતિ કેવી હશે તે આપણે જાણતા નથી, પણ તું તેને મોકળાશ આપજે, વધારે ડિસ્ટર્બ કરીશ નહિ, બે-ત્રણ દિવસમાં નોર્મલ થઇ જશે." કહીને તે કિચનમાં કોફી બનાવવા ગઈ.

અમે કોફી પિતા હતા, ને વાણી આવી અને બેસી ગઈ. મધુ હસીને બોલી "ફરી આવી? કેવું લાગ્યું અમારું મુંબઈ?"

વાણીએ જવાબ આપ્યો નહિ કે તેની સામે પણ જોયું નહિ. મેં કહ્યું "કશું ખાધું કે નહિ? રાખ્યું છે, જમવું હોય તો લાવું.."

"ના, " કહીને બાથરૂમમાં ગઈ અને તરત બહાર આવીને બોલી "બાથરૂમ ગંદો અને ભીનો છે, મારે કપડાં બદલવા ક્યાં જવું?"

"અહીં જ બદલી કાઢને.. લાવ અમે બદલાવી આપીએ?" કહીને હું હસ્યો, પણ તે હસી નહિ, મધુ ઉભી થઇ ને બોલી "હું બહાર પેસેજમાં ઉભી છું, તું કપડાં બદલી લે." વાણીએ મને કહ્યું "તું પણ બહાર જા." હું અચકાયો અને કશું બોલવા ગયો, પણ બોલ્યો નહિ ને બહાર નીકળી ગયો

અમને પેસેજમાં ઘણીવાર થઇ ગઈ, વાણીએ કપડાં બદલી લીધા પછી પણ અમને બોલાવ્યા નહિ, અમે અંદર આવ્યા તો વાણી તેની બેગ ખોલીને બેઠી હતી, હું અને મધુ એ થોડું કામ કર્યું, વાતો કરી અને તે જતી રહી. વાણીએ તેની સામે પણ જોયું નહિ, મને ખરાબ લાગ્યું, પણ કશું બોલ્યો નહિ.

"વાણી, રાતનું જમવાનું શું કરવું છે? અહીં જ બનાવીશું કે બહાર જવું છે?"

"મારે કશે નથી જવું, અને તું જે બનાવીશ તે હું ખાઈ લઈશ, હું તો મહેમાન છું." કહીને તે હસી.

"ભલે, ભલે, હું જ બનાવીશ, પણ તું મહેમાન નથી, આ તારું જ ઘર છે, અને તું કહે ત્યારે આપણે લગન કરી લઈશું..પણ પછી તારે જ રાંધવું પડશે, હવે હું મારા હાથ બાળવાનો નથી." કહીને હું તેને કિસ કરવા માટે ઝૂક્યો, તેનો ફોન વાગ્યો, તેણે આડો હાથ કરીને મને રોક્યો અને ફોન લઈને બહાર પેસેજમાં જતી રહી.

તે ટીવી જોતી રહી, જમતી વખતે પણ કશું બોલી નહિ, "વાણી, શું થયું? તને કઈ થાય છે?"

તે બોલી નહિ, ને ખાતી રહી. "વાણી, સોરી..."

"કેમ?"

"મને યાદ કે ખબર નથી, પણ મેં કઈંક કર્યું હશે એટલે જ તું નથી બોલતી ને..."

"તે કશું નથી કર્યું, બધું મેં જ કર્યું છે, મને શાંતિ જોઈએ છે, તું હવે ચૂપ રહીશ?"

મને શું થતું હતું, કે મારે શું કરવું? તે કાંઈજ મને સમજાતું નહોતું. હું સુતા સુતા યાદ કરવા લાગ્યો કે મેં ક્યાં ભૂલ કરી હતી? જરૂર તે બીમાર હતી ત્યારે મારાથી કશું એવું થયું છે કે તેને ખોટું લાગ્યું છે, પણ મને ઘણી કોશિશ કરવા છતાં યાદ આવ્યું નહિ. પણ મધુએ કહ્યું તેમ તેને થોડો સમય આપવાથી મારી વાણી પહેલા જેવી થઇ જશે.

સવારે પણ કશી ખાસ વાત થઇ નહિ, તે તૈયાર થઈને નીકળી ગઈ, અને કહેતી ગઈ કે "ફોન કરીશ નહિ."

"પણ ડાર્લિંગ.. ક્યાં જાય છે એ તો કહેતી જા, કે જેથી મને ચિંતા થાય નહિ..."

"તું તારી ચિંતા કર.."

"ઓકે ફોન નહિ કરું, પણ દર પા કલાકે તું મને મેસેજ કરતી રહીશ તો જ... આ મુંબઈ છે..." તે માથું હલાવીને જતી રહી..

આમને આમ બીજા ચાર દિવસ વીતી ગયા. તે મારી સાથે ખાસ કશું બોલતી નહોતી. મોટેભાગે તે સવારે તો ઘેર જમતી જ નહોતી, રાતે પણ કોઈવાર મૂડ હોય તો જ જમવા બેસતી. અને ગઈકાલથી તેણે ફરી પોતાની જૂની ટ્રાવેલ એજન્સીની નોકરી પણ જોઈન કરી લીધી હતી. તે ક્યાં જાય છે, કે ક્યાં જઈ આવી તે હું પહેલા પૂછતો હતો પણ તે જવાબ આપતી નહોતી, એટલે હવે પૂછવાનું પણ બંધ કર્યું. એકવાર મેં તેને ગળે લગાડીને કિસ કરવાની કોશિશ કરી હતી, તેણે વિરોધ કર્યો નહોતો, પણ તેના મોં પર અણગમો જોઈને હું તરત જ દૂર ખસી ગયો હતો, બસ તે પછી તેને આંગળી પણ લગાડી નથી. તેની ચીડ અને અણગમો જોઈને મધુ પણ હવે આવતી નથી. જરૂર મેં જ કઈંક ઊંધું કે કાચું કાપ્યું હશે, નહિ તો મારી વાણી એટલા બધા દિવસ રિસાઈને રહે નહિ. મેં મારો વાંક, ગુનો જાણ્યા વગર પણ બે-ત્રણવાર માફી માંગી હતી.

હું ખોવાયેલો, ઉદાસ, હતાશ રહેતો હતો. વાણી મારાથી દૂર સરી રહી હતી .... મધુ સાથે ફોન પર વાત થતી. હું તેને કહેતો પણ તે ઘેરે આવતી નહોતી.

***

મધુનો ફોન આવ્યો "શું કરે છે? વાણી છે?"

" નથી, કેમ?"

"વાત સાંભળી છે, પણ મને વિશ્વાસ નથી થતો.. "

"બોલને.. શું છે?"

"વાણી ઇન્ફોસિસના કોઈ એન્જીનીઅર સાથે ફરે છે... ખોટું ન લગાડતો, આ તો સાંભળ્યું છે, અને મને લાગ્યું કે તને જણાવવું જોઈએ."

"તું શું બોલે છે? ફરે છે તો ફરે, એમાં ખોટું શું છે?"

"તને સારું લગાડવા મેં 'ફરે છે' શબ્દ વાપર્યો, બાકી તો...."

મને લાગ્યું કે બધું ગોળ ગોળ ફરે છે, ચક્કર ખાઈને હું ક્યાંક પડી ન જાઉં.. હું ધડામ થી વાણીમાટે લાવેલી ખુરશીમાં ફસડાયો. મેં ફોન કાપી નાખ્યો... ફરી મધુનો ફોન આવ્યો, મેં ઉઠાવ્યો નહિ, રિંગ વાગતી રહી.

થોડીવાર થઇ ને મધુ ધસમસતી રૂમમાં આવી, મને બેઠેલો જોઈને તે અટકી, હું ચુપચાપ રડી રહ્યો હતો, મધુ કિચનમાં જઈને પાણી લાવીને મારી સામે ઉભી રહી. તેણે મારા વાળમાં આંગળીઓ ફેરવી, અને બંને હાથે મારુ માથું પકડીને પોતાના પેટ સાથે દબાવી દીધું, હું રડતો રહ્યો. મારા માથા પર ગરમ ગરમ આંસુ પડ્યા, મેં ઝટકાથી અલગ થઇ ને તેની સામે જોયું

"તું કેમ રડે છે?"

" બસ એમ જ.. માણસો કેવા કેવા હોય છે... વાણી અભાગિયણ છે. હવે તું શું કરીશ?"

"કશું જ નહિ..."

"કશું જ નહિ? તને અધિકાર છે તેનો જવાબ લેવાનો.."

"જવાબ મેળવીને શું કરવાનું? કોઈ જબરદસ્તી છે? મેં તેને પ્રેમ કર્યો, મારી મરજીથી.. તેણે મને ચાહ્યો, તેની મરજી હતી, હવે નથી ચાહતી, કે બીજાને ચાહે છે, તે પણ તેની મરજી છે..."

"પણ કેમ? તેં શું નથી કર્યું તેને માટે.... સગી માં પોતાના સંતાન માટે ન કરે તે બધું તેં કર્યું છે."

"તો શું તેને ઈમોશનલ બ્લેકમેલ કરીને પ્રેમ મેળવવો? એ રીતે મળે? હમણાં પણ હું તેને એટલો જ ચાહું છું, અને એટલે જ તે જે માંગશે તે હું આપીશ અને તે જે ચાહશે તે જ હું કરીશ..દૂર જઈને ખુશ રહેતી હોય તો તે પણ હું કરીશ."

"તું નોર્મલ અમારા જેવો, બીજા બધા જેવો નથી..."

"ચોખ્ખું જ કહેને.. કેમ ગાંડો બોલતા બોલતા અટકી ગઈ? જા કોફી લાવ.."

કહીને હું બેસિનમાં મોં ધોવા ગયો. ફરી ખુરશી પર આવીને સિગરેટ સળગાવી. મધુ કોફી બનાવી રહી હતી.

હવે હું બિલકુલ સ્વસ્થ હતો, મને એક અજીબ શાંતિ અનુભવાતી હતી...મને જ મારા વર્તન પર આશ્ચર્ય થતું હતું. મધુ કોફી લાવી, તે મને જ તાકી રહી હતી, બોલી "તને જાણવું નથી કે તે કોણ છે? તને તેના પર ગુસ્સો, તેને મારી નાખવાનું મન નથી થતું?"

"ના, જરાયે નહિ... અને મને જાણવું કે જોવો પણ નથી."

"કેમ?"

"આપણો જ સિક્કો ખોટો હોય તેમાં તેનો શું વાંક? સોરી, વાણીને ખોટો સિક્કો ના કહેવાય, કદાચ હું જ ખોટો સિક્કો છું, વાણી માટે..."

"મને પ્રોમિસ કર કે કઈ પણ કરતા પહેલા તું મને વાત જરૂર કરીશ, કહીશ ને?"

હું ખડખડાટ હસ્યો, "ના, તું ધારે છે એવું કશું હું નહિ કરું, મારી જરાય ચિંતા ના કરીશ."

"હું પ્રાર્થના કરીશ કે આ બધું જૂઠું હોય..."

"તું જાણે છે કે આ જૂઠું નહિ સાચું જ છે, કારણકે તેં સો વાર ખાતરી કરી હશે પછી જ મને આટલું કહ્યું છે, બરાબરને?"

અમે બંને ચૂપ હતા અને કોફી પી રહ્યા હતા, ને દરવાજો ઉઘાડીને વાણી આવી. મધુને જોઈને બોલી "ઓહો, ઘણા દિવસે આવી? કે પછી આજે હું વહેલી આવી ગઈ છું?"

મધુ કે હું કશું બોલ્યા નહિ, વાણી પણ મધુનો જવાબ સાંભળવા માટે નહિ, પણ તેને સંભળાવવા માટે જ બોલી હતી. તે બેડ પર બેસી ગઈ. મેં કહ્યું "કોફી પીવી છે?"

"ના" કહીને તે ઉભી થઇ અને પોતાની બેગ લઈને નીચે બેઠી ને કપડાં ગોઠવવા લાગી. મારી સામે જોઈને બોલી "તું હોસ્ટેલથી મારો સામાન લાવ્યો તો તેમાં એક નાનું બ્લુ કલરનું પાકીટ પણ હતું, તે મળતું નથી..."

"હા, છે, તે મેં સાંભળીને મૂક્યું છે." કહીને હું ઉભો થયો અને કબાટના ડ્રૉઅરમાંથી પાકીટ કાઢીને વાણીને આપ્યું. તેણે ખોલીને ચેક કર્યુ, અને પછી પૈસા કાઢીને ગણવા લાગી. અને સ્વગત બબડતી હોય તેમ બોલી "ક્યાં ગયા હશે?"

"શું થયું?"

"પૈસા ઓછા છે, મને પાકું યાદ છે કે સાત હાજર હતા, પણ અંદર તો ચાર હજાર જ છે."

મને સખત આઘાત લાગ્યો, અવાચક થઇ ગયો ને મોં ફાડીને તેને તાકી રહ્યો, મારા કરતા મધુને વધારે આઘાત લાગ્યો હતો, હું વહેલો સ્વસ્થ થયો ને કહ્યું "ગાંડી, મારા ઘરમાં, મારા કબાટમાં તારું પાકીટ હોય અને એમાંથી પૈસા ઓછા થયા હોય, તો પૈસા મેં જ લીધા હોય ને? બીજું કોણ લે?"

કહીને મેં ખિસ્સામાંથી ત્રણ હજાર કાઢીને તેને આપ્યા. હવે મધુ જાણે હોશમાં આવી, અને બોલી "વાણી, તું નશામાં છે? તને ભાન છે તું શું કરી રહી છે?"

"તેણે જાતે તો કબુલ્યું, મેં ક્યાં માંગ્યા છે? ઓછા છે તો છે જ.. શું એટલો બોલવાનો પણ હક નથી?" કહીને તે બધું ગોઠવવા લાગી.

મધુ બોલી "જે માણસ તારી પાછળ લખો રૂપિયા ખર્ચી નાખ્યા હોય અને બીજા એટલા જ ખરચવા માટે ત્રણ લાખનું દેવું કરીને બેઠો હોય, તે તારા ત્રણ હાજર લેશે?

"તું તો ઘણી ચાંપલી અને દોઢ ડાહી... કુંભાર કરતા ગધેડા ડાહ્યા.. એ તો બે-એક વાર તેં મારા કપડાં બદલાવ્યાં હશે તેની શરમે હું તારું આટલું પણ સાંભળું છું, અને બીજું આ મારુ ઘર નથી, હોતું તો તને જવાનું કહેતી..."

"તારા નસીબમાં નથી..." અને મધુ મારી તરફ જોઈને બોલી "તું કશે ફરી આવ, મારે વાણી જોડે વાત કરવી છે."

હું ઉભો થયો અને મધુનો હાથ પકડીને ઉભી કરી, અને બોલ્યો "કશી વાત નથી કરવાની, ચાલ હું તને ઘેર મૂકી આવું."

- બાકી છે.