Madhu-vani - 1 books and stories free download online pdf in Gujarati

મધુ-વાણી - 1

મધુ-વાણી – 1

અડધો કલાકનું કહીને ઘેરથી નીકળ્યો હતો, ને દોઢ કલાક થઇ ગયો, ને હજુ કામનું ઠેકાણું નથી. સરકારી બેન્કના બાબુઓ.... મને સખત ગુસ્સો આવી રહ્યો હતો ને વાણીની ચિંતા પણ થતી હતી. ઘેર તે એકલી છે, ચાર મહિનામાં હું પહેલીવાર તેને એકલી મૂકીને આટલીવાર બહાર રહ્યો હોઈશ.

ફોન કર્યો, વાણીએ ફોન ઉપાડ્યો, મેં કહ્યું "સોરી ડાર્લિંગ, બસ હવે થોડી જ વારમાં આવું છું." વાણીએ કોઈ જવાબ આપ્યો નહિ, ક્યાંથી બોલે? ગ ગ ફ ફ જેવા અવાજ સંભળાયા. શરીરનો ડાબો ભાગ અને જીભ પણ લકવા ગ્રસ્ત છે. વાણી, મારી વાણી... બે વરસથી અમે એકબીજાના ગળાબૂડ પ્રેમમાં છીએ. ચાર મહિના પહેલા સુધી હસ્તી, કિલ્લોલતી વાણી આજે?

કામ પતાવીને હું ભાગતો ઘેર આવ્યો. ઘર એટલે એક નાનો રૂમ અને કિચન, બસ. જોકે મુંબઈમાં તો આ પણ મોટી સિદ્ધિ જ કહેવાય. મને જોઈને વાણીની આંખમાં એક સેકન્ડ માટે હાશ ! નો ભાવ આવ્યો અને બીજી જ સેકન્ડે તેની જગ્યા ગુસ્સાએ લીધી. તેના ગુસ્સાનું કારણ હું સમજી શકતો હતો. મેં તેના માથા પાસે ઝૂકીને તેનું કપાળ ચૂમ્યું, અને કહ્યું "બેબી સોરી, મોડું થઇ ગયું, પણ હવે ક્યારેય તને એકલી મૂકીને નહિ જાઉં.. કંઈ થાય છે? કશું જોઈએ છે?" તેની આંખમાં ઉભરાતા આંસુ લૂછ્યાં. તેણે જમણા હાથે તેની કમર તરફ ઈશારો કર્યો, હું સમજી ગયો, તેનું ડાયપર ભીનું થયું હતું. ડાયપર કાઢ્યું અને કોલન વોટરથી સ્પંજ કરીને નવી પેન્ટી પહેરાવી. હવે ડાયપર બાંધવાની જરૂર નહોતી, કેમકે હવે હું ક્યાંય જવાનો નહોતો. તેને ઊંચકીને તેને જ માટે લાવેલી આરામ ખુરશીમાં બેસાડી, "તું ટીવી જો, હું મારુ થોડું કામ કરું છું, કલાકેક પછી આપણે જમીએ." કહીને હું જવા લાગ્યો તો તેણે મારો હાથ પકડી લીધો અને તેની જમણી તરફ હું હંમેશા તૈયાર રાખતો તે પેડ પર તેણે લખ્યું, "ના, વાતો કર."

"તું સાજી થા પછી વાતો કરીશું...હમણાં તો હું જ બોલ બોલ કરું છું, તું ઝઘડતી પણ નથી... તો મજા શું આવે? જોકે ડોક્ટરનું કહેવું છે કે ચાર મહિનામાં ઘણો સુધાર થયો છે, ધીરે ધીરે તું સાજી થઇ રહી છે, મને તો ડર લાગે છે કે તારી જીભ આવી જશે પછી? મેં ડોક્ટરને કહ્યું કે બધું જ સારું થઇ જવું જોઈએ, હા, જીભ સારી નહિ થાય તો ચાલશે.." કહીને હું હસ્યો. પણ તેની એક આંખમાં હસવાના ચિન્હ મને જોવાયા નહિ.

ચાર મહિનાથી અમે સાથે રહીએ છીએ. તેને સ્ટ્રોક આવ્યા પછી તે જે લેડીસ હોસ્ટેલમાં રહેતી હતી, તેઓ તેને સરકારી હોસ્પિટલ લઇ ગયા, હું તેને ત્યાંથી ખાનગી હોસ્પિટલ લઇ ગયો, અને પંદર દિવસ હોસ્પિટલ રાખ્યા પછી તેને મારે ઘેર લઇ આવ્યો.

તેને પહેલીવાર જોતા જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો, એમ કહેવું જરાય ખોટું નથી. તે છે જ એવી... હું ટ્રાવેલ એજન્સીમાં જતો નહિ અને અમારી મુલાકાત પણ થતી નહિ. ભલું થજો મારા ભાઈ-ભાભીનું કે તેમણે મને તેમના માટે કેરાલાની ટ્રીપ માટે ટિકિટો, હોટેલ બુકીંગ વગેરેનું કામ સોંપ્યું... જેને કારણે મારા ટ્રાવેલ એજન્સીના ચક્કરો થયા, જોકે વારંવાર જવું જરૂરી નહોતું, ફોન પર પણ થઇ શકે.. પણ હું વાણીને કારણે, તેને જોવા, વાતો કરવા માટે જ જતો હતો. પછીતો અમે બહાર પણ મળવા લાગ્યા, રવિવારે ફરતા અને જમવા પણ જતા. નવી દોસ્તી થયા પછી વાણીને જયારે પહેલીવાર મારે ઘેર લાવ્યો હતો ત્યારે તે ઘર જોઈને સરપ્રાઈઝ થઇ હતી, "આ? આ તારું ઘર છે?"

"હા, કેમ સારું નથી?"

"સારું જ છે, પણ હું કઈ બીજું ધારતી હતી, પોશ એરિયામાં આલીશાન ફ્લેટ હશે, એવું... "

"કેમ?"

"કેમ કે તારી વાતો અને વર્તનથી હું તને કોઈ રઈસ માનતી હતી."

હું ખડખડાટ હસ્યો હતો, "રઈસ જ છું, દિલ નો... જોકે આ ઘર પણ મારુ પોતાનું છે અને તે મારા પૈસાથી જ ખરીદ્યું છે." અને તેને પહેલીવાર મેં મારી છાતી સાથે ભીંસી હતી...

અને મારી લાઈફમાં વાણી નામની વસંત ખીલી...

ટૂંકમાં, ભાઈ-ભાભી કેરળ જવાનો પ્લાન ન કરતા તો હું ટ્રાવેલ એજન્સીની ઓફિસ જતો નહિ અને મારી મુલાકાત વાણી સાથે થતી નહિ.

ભાઈ-ભાભી પાસે રજાઓ ઓછી હતી, તેથી તેઓ અમેરિકાથી આવ્યા અને બે દિવસ મારે ઘેર રહીને કેરળ જવા ઉપડી ગયા હતા.

મને પણ તેઓ યુએસ શિફ્ટ થવાનું કહ્યા જ કરે છે, તારા કામનો સારો સ્કોપ છે, વગેરે. પણ મને અહીં પણ શું ખોટું છે? ફ્રી લાન્સર છું, કોઈની ગુલામી નથી, મરજી પડે ત્યારે કામ, મરજી પડે ત્યારે રખડુ છું, અને મારા ક્લાયન્ટો તો મોટેભાગે અમેરિકન જ છે ને... ત્યાં આવીને પણ તેમની જ વેબ સાઈટ બનાવું કે અહીં રહીને બનાવું, ફરક શું પડે છે? અને ખાસ તો દોસ્તો.... અને વાણી... જોકે વાણીને લીધા વગર તો હું જાઉં જ નહિ, પણ મને મુંબઈ છોડવું જ નથી.

રૂમનો દરવાજો ખુલ્યો, મારા ધારવા પ્રમાણે મધુ જ હતી. હું તેની તરફ એક નજર કરીને મારુ કામ કરતો રહ્યો.. તેને આવકાર આપવાની કે બીજી કશી ફોર્માલિટીની જરૂર નથી. તે મારી દોસ્ત છે. વાણી તેને જ તાકી રહી હતી. મધુએ વાણીને હાઈ-હલ્લો કર્યું અને તેની તબિયત પૂછી. મધુ મારી સાથે કામ કરે છે, તે મારી ટીમમાં છે, મારી આસિસ્ટન્ટ પણ કહી શકો. પણ હવે તે બધા ઉપરાંત અમે દોસ્ત છીએ. તે કોઈ પ્રોજેક્ટ વિષે ચર્ચા કરવી હોય તો જ મારે ઘેર આવતી, બાકી તો ફોન અને નેટ થી જ તે સોંપેલું કામ કરી નાખતી. પણ હવે તેવું નથી, તે ગમે ત્યારે અને મરજી પડે ત્યારે ઘેર આવી જતી. અને વાણીને ઘેર લાવ્યા બાદ તો તે નિયમિત રોજ આવે જ છે. અને તે મને ગમે પણ છે, કારણકે તે અમારે માટે કોફી બનાવે છે, ઘર , કિચન વ્યવસ્થિત કરી જાય છે, એંઠા વાસણો પણ ધોઈ જાય છે. અને વાણીને કપડાં બદલાવવામાં કે નવડાવવામાં પણ મદદ કરે છે.

આજે પણ મધુએ કિચનમાં જતા પહેલા વાણીને પૂછ્યું "તું પણ કોફી પીશને?" વાણીએ આંખથી જ ના પડી.

મધુ કોફી બનાવી લાવી, કોફી મારી સામે મૂકીને મારી સામે ખુરશી પર બેઠી, અને બોલી "પછી ક્યારે બેંગ્લોર જાવ છો? ડોક્ટરે શુ સલાહ આપી?"

મારી પીઠ વાણી તરફ હતી. મેં આંખથી જ મધુને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, તે પણ સમજી ગઈ અને વાત વાળી લેતા વાણી તરફ જોઈને બોલી "શું આખો દિવસ સુઈ રહે છે? થોડીવાર બેસને..." કહીને તેણે વાણીને ટેકો આપીને બેડ પર બેસાડી અને તેની પીઠ પાછળ તકિયા ફસાવ્યા, અને મારી તરફ જોઈને બોલી "ચાર ચાર મહિના થયા, છતાંયે હજુ તને વાળ બનાવતા નથી આવડતા, આવી રીતે વાળ ઓળાય?" કહીને તે ઉઠીને કાંસકો લાવીને વાણીના વાળ ઓળવા લાગી.

"ચાંપલાઈ અને મસ્કા મારવાનું બંધ કર, હું કઈ તને તેના વધારાના પૈસા આપવાનો નથી, તારી કોફી ઠંડી થઇ ગઈ."

થોડીવારે મધુ જતી રહી, રોકાતી તો સારું..`ફરીથી ઘરમાં સન્નાટો છવાયો... એક સમય હતો જયારે મારી અને વાણીની વાતો અને વાણીના હસવાથી મારો રૂમ ગુંજતો હતો.

"જમી લઈએ?" કહીને હું વાણીને ઊંચકીને ડાઇનિંગ ટેબલ પર લાવ્યો અને હું કિચનમાંથી બધું લાવીને ટેબલ પર મૂક્યું. વાણી એક હાથે જમી શકતી હતી, પણ તેના જડબાના મસલ્સ તેના કંટ્રોલમાં ન હોવાથી તે બરાબર ચાવી શકતી નહિ, અડધું-પડધું ચાવીને ગળી જવું પડતું. ટેસ્ટની પણ તેને ઝાઝી ખબર પડતી નહિ. આમ તો હું જ તેને ખવડાવું છું, મોમાં કોળિયો નાખ્યા પછી મોઢામાંથી બહાર રળકી ન જાય તે માટે તે ગળી ન જાય ત્યાં સુધી તેની હડપચી પકડીને હું તેનું મોંઢું ઊંચું રાખતો. ખેર, હવે ચાર મહિનામાં હું ટેવાઈ ગયો હતો, અને અમારું ટ્યુનીંગ પણ સારું હતું. તેના દરેક કામ બ્રશ કરાવવું, નવડાવવું, કપડાં બદલાવવા, બાથરૂમ લઇ જવી, મસાજ કરવો, દવાઓ આપવી, વગેરે દરેક કામમાં હું ગોઠવાઈ ચુક્યો હતો.

વાણીએ પેડ પર લખ્યું - ડોક્ટર, બેંગ્લોર??

મેં કહ્યું "કશું નહિ, આપણે બેંગ્લોર જઈશું, ત્યાં મોટી હોસ્પિટલ અને સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર છે, તેમને બતાવીશું." તેણે હાથના ઇશારાથી પૂછ્યું, "ક્યારે?"

"જઈશું.. થોડા દિવસમાં...અહીંના ડોક્ટરની સલાહ અને રિપોર્ટ વગેરે લઈને જઈશું, એપોઇન્ટમેન્ટ પણ લેવી પડશે ને...''

તેને ગડબડીયા અક્ષરે લખ્યું '' મને લઇ જા, મને સાજી થવું છે..."

વાંચીને હું ભાવુક થઇ ગયો, ઉઠીને તેનું માથું છાતી સાથે દબાવીને કહ્યું "જરૂર તું સાજી થઇ જઈશ, અને તે માટે બેંગ્લોર તો શું પણ દુનિયાના છેડે પણ તને લઇ જઈશ...."

સાંજે મધુનો મેસેજ આવ્યો "ક્યાં છે?"

"ઘેર"

"બહાર આવ, હું તને ફોન કરું છું."

નીચેથી સિગરેટ લઈને આવું છું એમ વાણીને કહીને હું નીચે આવ્યો, ને મધુનો ફોન આવ્યો "કેમ બેન્ગલોરવાળી વાત ન કરવા દીધી? નથી જવાના?"

"જવાનું તો છે જ.. પણ થોડી વાટ જોવી પડે એમ છે.. પૈસા ખૂટે છે, ભાઈને વાત કરી, અને ઉધાર માંગ્યા છે, તે મોકલશે એટલે તરત જ નીકળી જઈશું."

"કેટલા ખૂટે છે? મારી પાસે પચાસેક હજાર પડ્યા છે."

"આભાર, પણ જરૂર નથી, વ્યવસ્થા થઇ જશે."

રાત્રે જમી પરવારીને વાણી આરામ ખુરશીમાં બેસીને ટીવી જોતી હતી, હું નીચે બેસીને તેના પગના નખ રંગતો હતો. વાણીએ પેડ પર લખ્યું "મને કેટલો પ્યાર કરે છે?" મેં પણ પેડ પર લખ્યું "ખબર નથી..." અને પછી તરત જ ચેકી નાખ્યું ને મારી મુર્ખામી પર હું જ હસ્યો. વાણી પ્રશ્નાર્થ નજરથી મને તાકી રહી હતી. "હસું જ ને.. મેં પણ લખીને જવાબ આપ્યો, હું કઈ તારી જેવો બોબડો ઓછો છું?"

વાણી એ ફરી લખ્યું "હું નીચે તારી પાસે સૂઈશ."

"હા, હા, આપણને તો નીચે સુવાની આદત છે, દર શનિવાર અને રવિવારે રાતે આપણે નીચે જ સુતા હતાને? જોકે સુતા તો કહેવા પૂરતા જ, બાકી તો પુરી રાત જાગતા જ હતા ને...નહિ?" કહીને મેં આંખ મારી. તેના મોં પર કોઈ ભાવ આવ્યા નહિ, આવતા જ નથી. તેની એક આંખ જોઈને જ હું કઈંક સમજતો થયો છું, પણ આજે તો એક આંખ પણ મને બીજી જેવી જ ભાવશૂન્ય જ લાગી. અને અમે બંને નીચે એક-બીજાની સોડમાં ભરાઈને સુઈ ગયા.

શનિવારની રાતનો અમારે ઉજાગરો હતો, સવાર પડતા ઊંઘ્યાં, એટલે ઉઠવામાં પણ મોડું થયું. ઉઠતા જ વાણીએ મને ઢંઢોળ્યો, ને બોલી "નાલાયક.. મેરેજની તો વાત જ નથી કરતો.... ક્યાંથી કરે? કશીય જવબદારી કે બંધન વગર જ બધું મળી રહેતું હોય તો..."

"જો તું અહીં જ રહી જવાની હોય અને પાછી હોસ્ટેલ ન જાય તો હું આજે જ લગન કરવા તૈયાર છું."

"જોજે હોં... સાચે જ એક દિવસ આવીને ગળે પડી જઈશ, પછી ભાગી તો નહિ જાયને??"

હું સફાળો બેઠો થઇ ગયો. વાણી ઘસઘસાટ ઊંઘતી હતી. હું ભૂતકાળની સફરે જઈ આવ્યો હતો. મેં વાણીના ગાલે હાથ ફેરવ્યો અને તેના સંવેદનહીન થયેલા ડાબા ગાલે કિસ કરી. તે સહેજ સળવળી અને આંખ ઉઘાડીને મને તાકી રહી, મેં તેના હોંઠ ચુમ્યા, તેણે પાણીનો ઈશારો કર્યો. મેં તેને મારા એક હાથના ટેકે બેસાડી અને બીજે હાથે પાણી પીવડાવ્યું. પાણી તેના મોંમાંથી પાછું બહાર આવ્યું ને તેની છાતી પાસેનો ગાઉન ભીનો થયો. તેના મોં પર ગુસ્સો અને અણગમો હું સાફ જોઈ શક્યો. મારી જ ભૂલ હતી, તેને બેસાડીને મોં ઊંચું કરીને પાણી રેડવાનું હતું, પણ... સોરી કહીને હું હસ્યો. તેણે ટચલી આંગળી ઊંચી કરી. મેં તેની પેન્ટી કાઢી અને તેને ઊંચકીને તેનો ગાઉન ઊંચો કરીને ટોયલેટ શીટ પર બેસાડી, પછી બધું ધોયું અને લૂછીને તેને ફરી પેન્ટી પહેરાવીને સુવડાવી અને તેને બાથમાં લઈને સુઈ ગયો.

હમણાં તો ઘણું ઈમ્પ્રુવમેન્ટ થયું છે, બાકી શરૂઆતમાં તો તે બેડમાં જ પેસાબ કરી લેતી તો પણ તેને ખબર પડતી નહિ. એટલે હું ડાયપર બાંધી રાખતો અને કલાકે કલાકે ચેક કરતો રહેતો હતો. પણ હવે તેને ખબર પડે છે, અનુભૂતિ થાય છે, કહે છે. તે પરથી જ મને ધરપત હતી કે ધીરે ધીરે પણ તેના શરીરમાં સુધારો તો થઇ જ રહ્યો છે, ભલે ઉતાવળ નથી.. અને એક દિવસ ફરીથી મારી વાણી પહેલા જેવી જ અલ્લડ અને ઉછળતી-કૂદતી થઇ જશે.

બપોરે મધુ આવી, કિચનનું પ્લેટફોર્મ સાફ કર્યું અને વાસણો પણ ધોઈ કાઢ્યા. હું કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો, વાણી ઊંઘતી હતી કે દવાના ઘેનમાં હતી. મધુ કોફી લઈને મારી પાસે બેઠી. બોલી "પૈસાનું થયું? કેમ મારી પાસેથી નથી લેતો?"

"થઇ જશે, ભાઈ ઉધાર આપશે, અને કેમ તારી પાસેથી લઉં? વાણી તારી શું લાગે?"

"હું વાણીને નહિ તને આપું છું. ખરેખર તું.... મને વિશ્વાસ નથી થતો કે પુરુષો પણ કોઈને આટલી ઉત્કટતાથી ચાહી શકે?"

"કેમ? ચાહવાનો ઈજારો ફક્ત તમે, સ્ત્રીઓએ જ રાખ્યો છે?" કહીને હું હસ્યો, તે મારી સામે થોડીવાર જોયા કરી, પછી બોલી "છોડ.. મને તો તમારો સબંધ જ સમજાતો નથી...વાણી મારે માટે તો રહસ્યમયી જ છે. તેની ફેમેલીમાંથી કેમ કોઈ નથી આવતું? ક્યાં ની છે? વગેરે મને કઈ જ ખબર નથી."

"કશું રહસ્ય નથી, વાણી બાર-તેર ની હશે ને તેના માં-બાપ નું મૃત્યુ થયું, પછી તે કાકા-કાકી સાથે રહેતી હતી. ત્રણ વરસમાં તો તેના કાકા પણ ઉપર પહોંચી ગયા, તે પછી કાકી રોજ ઝઘડા કરતી અને ઘરમાં રોજ ચડ-ભડ થવા લાગી. માંડ માંડ કોલેજ પુરી કરીને મુંબઈ આવી ગઈ, તેની દૂરની સંગીએ તેને નોકરી અપાવી અને હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. બસ, તે પછીની વાતો તો તને ખબર જ છે. ટૂંકમાં તેની ફેમિલીનું કહી શકાય તેવું કોઈ નથી."

"હું તો વિચારીને જ થડકી ઉઠું છું કે જો તમે બંને ન મળ્યા હોત અને તું તેને તારે ઘેર ન લાવ્યો હોત તો?? અને લાવ્યા પછીયે જો તારી નોકરી કે બીજો ધન્ધો હોતો તો? આ તો સારું છે કે આપણું કામ એવું છે કે ગમે ત્યાંથી કરી શકાય, એટલે ચોવીસે કલાક તું તેની કાળજી રાખી શકે છે."

"નોકરી હોતી તો હું કદાચ નોકરી છોડી દેતો, પણ જે બન્યું નથી તે વિચારવાનો કોઈ અર્થ ખરો?"

"આજે મને લાગે છે કે શરૂઆતમાં હું જેમ તને 'સર' કહીને બોલાવતી હતી તેમ તું 'સર' કહેવાને લાયક જ છે."

બેડ પર ખખડાટ થયો, વાણી અમને તાકી રહી હતી. તે ક્યારની જાગતી હતી, ખબર નથી. હું તેની પાસે ગયો "ક્યારે ઉઠી? કશું જોઈએ છે?"

તેને ઇશારાથી જ ના કહી. મેં કહ્યું "સારું થયું તું ઉઠી ગઈ, મધુ અહીં જ છે એટલે મોં ધોવામાં અને કપડાં બદલવામાં મદદ કરશે."

અમે બંનેએ મળીને વાણીને કપડાં બદલાવ્યાં, અને કહ્યું " કાલે ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું છે. ડોક્ટરની સલાહ અને બધા રિપોર્ટ લઈને આપણે બે-ચાર દિવસમાં જ બેંગ્લોર જઈશું. અને મને ખાતરી છે કે આપણે પાછા આવીશું ત્યારે તું વહીલ ચેરમાં નહિ હોય, અને તું મારાથી આગળ, ખુબ આગળ દોડતી હોઈશ..."

---- બાકી છે.