Nasib - 16 books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 16

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૬

બધા અફસરોએ એક-બીજાનું અભીવાદન કરીને બેઠક લીધી. અજય થોડીવાર દરવાજે ઉભો રહ્યો. તેણે અંદરના કમરાનું નિરીક્ષણ કર્યું. એ વિશાળ હોલ હતો. હોલ જેવા એ વિશાળ રૂમમાં બરાબર વચોવચ્ચ એક લંબગોળાકાર ટેબલ ગોઠવાયેલું હતું. એ ટેબલ ફરતે ખુરશીઓ ગોઠવાઈ હતી જેમા અત્રે ઉપસ્થિત થયા હતા એ તમામ અફસરોએ પોત-પોતાની બેઠક લઈ લીધી હતી... હવે ફક્ત બે જ ખુરશીઓ ખાલી હતી. એક એ લંબગોળ ટેબલના સામેના છેડે મધ્યમાં મુકાયેલી રાજ્યના ગૃહમંત્રી વિમલરાયની ખુરશી અને બીજી કમરામાં અંદર દાખલ થતા કોર્નર સાઇડની કમીશનર રાણાની ખુરશી. જેમા થોડીવાર બાદ અજય પોતે બીરાજવાનો હતો. અજયના હૃદયના ધબકારા અસામાન્ય ગતીએ વધતા જતા હતા. તેને ડર હતો કે ન કરે નારાયણને પોતે અંદર પ્રવેશતા વેંત જ પકડાય જાય તો...? કારણ કે આટલા બધા અફસરોમાંથી કોઈક તો, અરે, કોઈક શું કામ...? ઘણા અફસરો રાણાને જોયે ઓળખતા જ હોય ને... તો... તો... પોતે જે મકસદ પાર પાડવા અહીં આવ્યો છે તે નિષ્ફળ જાય અને ફરીવાર જીવનમાં ક્યારેય આવો સોનેરી અવસર ન મળે... તો શું કરવું...? નિષ્ફળતાની આશંકાએ તેની હથેળીમાં પરસેવો વળવા લાગ્યો... પરંતુ, આમ ઢીલા પડવાથી નહિ ચાલે. તેણે મનોમન પોતાની જાતને હિંમત આપી. તેણે મન મક્કમ કર્યું... તેને તુલસી યાદ આવી, સીમા યાદ આવી. સીમાએ તેના ઉપર જે વિશ્વાસ અને શ્રદ્ધા દાખવી હતી એ યાદ આવતા જ તેના પગમાં નવુ જોમ ઉભરાયુ અને બે ઘડક તે એ મીટીંગરૂમના બારણેથી અંદર હોલમાં દાખલ થયો.

તે અંદર દાખલ થયો એટલે ત્યાં બેઠેલા અફસરોમાંથી બે-ત્રણ અફસરોની આંખો તેના તરફ તકાઈ હતી. અજયે પોતાનો ચહેરો ઓછામાં ઓછો ઉજાગર થાય એ રીતે ઢળતી કેપ રાખીને તેમનું અભિવાદન હળવી મુસ્કાન સાથે કર્યું... એ સિવાયના બાકીના બીજા અફસરો એક-બીજા સાથે ચર્ચામાં ગુંથાયેલા હતા અથવા તો કોઈ ટેબલ ઉપર મુકાયેલી મીટીંગના એજન્ડાની ફાઇલ વાંચવામાં પરોવાયા હતા... અજયને હાશ... થઈ કે કોઈએ તેને ઝાઝો નોટીસ કર્યો નહોતો. અને... સાથો-સાથ તેને ભારોભાર આશ્ચર્ય પણ થયું કે એક નકલી પોલિસ અફસરના સ્વાંગમાં પોતે કેટલી આસાનીથી એક એવી જગ્યાએ ઘુસી ગયો હતો કે જ્યાં ગુજરાતભરના શહેરોના કાબેલ પોલિસ મુખીયાઓ હાજર હતા. અને જેમને ખુદ રાજ્યના ગૃહમંત્રી સંબોધવાના હતા... અજયને હવે સમજાતુ હતું કે કેવી રીતે આતંકવાદીઓ ભારતના સંસદ ભવનમાં, અક્ષરધામ મંદિરમાં... અરે... કડકમાં કડક સીક્યુરીટીવાળા એરિયામાં બેઘડક ઘુસીને કાળો-કેર વર્તાવી શક્યા હતા... ભારતીય સીક્યુરીટી વ્યવસ્થાની પોકળતા તેને અત્યારે સમજાતી હતી.

તે વિચારતો હતો કે અચાનક હોલના પાછળના ગેટથી વિમલરાય દાખળ થયા. તેમની પાછળ તેમનો પી.એ. મુગટ બિહારી પણ દાખલ થયો... એક સાથે બધા અફસરોએ ઉભા થઈને વિમલરાયનું અભિવાદન કર્યું. અજયને પણ કમને ઉભુ થવું પડ્યું... વિમલરાયે બે હાથ જોડીને તમામનું અભિવાદન ઝીલ્યું અને બધાને બેસવાનો ઇશારો કરતા પોતે પણ ત્યાં પોતાના માટે રીઝર્વ રખાયેલી ખુરશીમાં ગોઠવાયા. ટેબલ પર મુકેલા પાણીના ગ્લાસમાંથી તેમણે એક ઘુંટડો ભર્યો અને ગ્લાસને ફરીવાર તેના સ્થાને મૂક્યો... એક નાનકડો ખોંખારો ખાઈને ગળુ સાફ કર્યું, ટેબલ પર મુકાયેલા માઇકને પોતાના મોઢા આગળ સરે કર્યું... અને... અજયની નસો તંગ થઈ... તેનો હાથ કમર પર ખલેચીમાં લટકતી પિસ્તોલ ઉપર ગયો... બટન ખોલીને તેણે પિસ્તોલ હાથમાં લીધી... પગ થોડા ધ્રુજ્યા... હાથમાં પરસેવો વળ્યો... સટાક કરતો ખુરશીમાંથી ઉભો થયો અને કોઈ કાંઈ સમજે એ પહેલા તો તે લગભગ દોડતો વિમલરાય બેઠા હતા ત્યાં પહોંચી ગયો... તેણે હાથમાં પકડેલી ગનને વિમલરાયના માથે ધરી દીધી... એટલી શાર્પ અને ભયાનક ઝડપે એ થયુ હતું કે તાત્કાલીક તો કોઈને ખ્યાલ પણ નહોતો આવ્યો કે શું બની રહ્યું છે... બે-પાંચ સેકન્ડો માટે એ કમરો સ્તબ્ધતામાં ચાલ્યો ગયો... સમગ્ર હોલમાં સ્મશાનવત શાંતી ફેલાઈ... વિમલરાયને સૌથી પહેલા સમજાયુ અને તેની આંખો પહોળી થઈ. ડરના કારણે તેના હાથ ધ્રુજ્યા અને તેમા પકડાયેલું માઇક તેના હાથમાંથી ઉછળીને નીચે ફર્શ પર પટકાયું... અને... એ પછડાટના અવાજના કારણે ત્યાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓના દેહમાં જાણે જીવ આવ્યો હોય એમ તમામ અફસરો એકસાથે પોતપોતાની ખુરશીઓમાંથી ઉભા થઈ ગયા... તેમના હાથોએ તો ક્યારની પ્રતિક્રિયા કરી નાખી હતી... તે બધાના હાથ એકસાથે અજયના ચહેરાની દિશામાં તકાયેલા હતા અને તે હાથોની આંગળીઓમાં પિસ્તોલો ઝબકારા મારી રહી હતી... જો અજયની ગન વિમલરાયના મસ્તક પર ટેકવેલી ન હોત તો એકસાથે એ પિસ્તોલો ગર્જી ઉઠી હોત અને અજયની છાતી ક્યારની વિંધાઈને છાળણી બની ચૂકી હોત...

પરંતુ અજય મુસ્તાક હતો. જ્યાં સુધી વિમલરાય તેના કબજામાં હતો ત્યાં સુધી તેને કોઈ આંગળી પણ અડાડી શકે તેમ નહોતું. આ તેના પ્લાનનો એક ભાગ હતો. જેવો વિમલરાય સચિવાલયના કમરામાં દાખલ થાય કે તરત તેને બાનમાં લેવો... એકવાર તે બાનમાં આવે પછી કોઈ તેનું કશું પગાડી શકે નહિ. તે ધારે એ ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓ પાસે કરાવી શકે, અને એ કામ તેણે પાર પાડ્યુ હતું. અજયના પિસ્તોલના નાળચે વિમલરાયનો જીવ બંધાઈ ગયો હતો. તેની આંગળીની એક નાની હરકતે વિમલરાયની ખોપરી ફાટીને ફર્શ પર વિખેરાઈ ઉઠે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી... કમરામાં સમય થંભી ગયો હતો... ત્યાં હાજર હતા એ દરેક વ્યક્તિઓને પોતાના સીનામાં જોરથી ધબકતા પોતાના જ હૃદયના થડકારા સ્પષ્ટ સંભળાતા હતા... વિમલરાયનો પી.એ. મુગટ બિહારી કમરાના એક ખૂણામાં લપાઈ ગયો હતો. તમામ વ્યક્તિઓના ચહેરા તંગ હતા અને હથેળીઓ સખત રીતે ભીડાઈ હતી... એ કમરાની દિવાલોમાં દરેક ખૂણે સી.સી.ટી.વી. કેમેરા લગાવેલા હતા. ત્યાં જે કદી પણ બન્યું હતું એ ઘટના તેમાં ઝીલાઈ હતી. સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોએ સચિવાલયના કંન્ટ્રોલરૂમમાં સન્નાટો ફેલાવી દીધો હતો. અને ત્યારબાદ ત્યાં ધમાચકડી મચી ઉઠી હતી. ટી.વી. સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જોઈને સચિવાલયના ચીફ સિક્યોરીટી ઓફિસર પંચોલીના તો મોતીયા મરી ગયા હતા. સમગ્ર સચિવાલયની સિક્યુરીટી પંચોલીના હવાલે હતી એટલે સ્વાભાવિક રીતે જ તે આ દ્રશ્યો જોઈને ખળભળી ઉઠ્યો હતો... તેણે તાત્કાલીક અસરથી ઇમરજન્સી ઘોષીત કરી દીધી. થોડી સેકન્ડોમાં જ સચિવાલયના એ મીટીંગ રૂમની બહાર એન.એસ.જી. કમાન્ડોનો કાફલો ખડકાઈ ગયો... હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી... સચિવાલયમાં અચાનક મચેલી ધમાચકડીની જાણ હજુ બહાર ઉપસ્થિત હતો એ નાનકડા પત્રકારોના ટોળાને થઈ નહોતી. તેમ છતા અચાનક તંગ થયેલા વાતાવરણનો અણસાર તેઓની ખૂફીયા નજરમાં આવવા લાગ્યો હતો... ટોળામાંથી બે-ત્રણ પત્રકારોએ ફેરફાર પકડી પાડ્યો હતો અને તેઓ ચૂપકીદીથી ત્યાંથી સરકીને કંટ્રોલરૂમ તરફ ઘસ્યા હતા. કંન્ટ્રોલરૂમમાં કોણ, શું કરી રહ્યું હતું તેની ખબર પડતી નહોતી. ચારેબાજુ આતંક અને અરાજકતા ફેલાયા હતા. એ તકનો લાભ તે રીપોર્ટરોએ ઉઠાવ્યો હતો અને ટી.વી. સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોને તેઓ ચૂપકીદીથી પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા... આ તરફ મીટીંગરૂમના એ નાનકડા કમરા અજયે બોલવાનું શરૂ કર્યું...

‘વિમલરાય...’ તેના અવાજમાં ઠંડી ઘાતકતા હતી. ‘આ તમામ અફસરોને હુકમ આપ કે તેઓના હથિયાર ટેબલ પર મુકી દે... નહિતર ભુલથી કે ગભરાહટથી જો મારાથી ટ્રીગર દબાઈ જશે તો તારી ખોપરીના કેટલા ટુકડા થશે એ કોઈ ગણી નહિ શકે...’ વિમલરાય હલી ઉઠ્યો. તેની આંખોમાં ડરનો ઓછાયો વધુ ઘેરો બન્યો. તેણે લગભગ ધ્રુજતા અવાજે ત્યાં ઉપસ્થિત પોલીસ કમીશનરોને તેમના હથિયારો નીચે મુકી દેવાનો ઓર્ડર આપ્યો.

‘શાબાશ વિમલરાય... શાબાશ... તું જબરો સમજદાર નિકળ્યોને કાંઈ... કોઈને પણ પોતાનો જીવ વહાલો હોય એમા નવીનતા નથી...’ અજયે કહ્યું. તેના અવાજમાં વિમલરાય પ્રત્યેનો તીરસ્કાર હતો. એ દરમિયાન કંઈક લાચારી અને ખિન્નતાથી તમામ અફસરોએ પોત-પોતાની પિસ્તોલો આગળ ટેબલ ઉપર મુકી દીધી હતી. ‘મુગટા... આ પિસ્તોલો ઉઠાવ અને પેલા ડસ્ટબીનમાં નાખી આવ...’ અજેય ખૂણામાં પડેલા ડસ્ટબીન તરફ ઇશારો કરતા વિમલરાયના પી.એ. મુગટ બિહારીને આદેશ કર્યો... મુગટ બિહારીને જાણે આઠસો ચાલીસ વૉટનો ઝટકો લાગ્યો હોય એમ તે ઉછળ્યો... દોડીને ફટાફટ ટેબલ ઉપર પડેલી પિસ્તોલો તેણે પોતાના હાથમાં ઉઠાવી અને ડસ્ટબીનમાં ઢગલો કરી દીધી. અજયે તે જોયુ અને તે ફરી વિમલરાય તરફ ફર્યો.

‘વિમલરાય... લાગે છે, તને મારી ઓળખાણ પડી નથી. કે પછી જાણી જોઈને તું અન્જાન બની રહ્યો છે...?’

‘નહિ... હું તને નથી ઓળખતો. કોણ છે ભાઈ તું... ?’ તેણે આતંકીત અવાજે અજય સામે જોયા વગર જ પુછ્યું અને... અજય ખડખડાટ હસી ઉઠ્યો.

‘ભાઈ... તું મને ‘ભાઈ’ કહીને સંબોધે છે... વાહ ભાઈ વાહ... શું મઘ જરે છે તારી જબાનથી...’ અજયે વ્યંગભર્યા અવાજે કહ્યું. ‘ખરેખર તાજ્જુબીની વાત છે કે તું મને ઓળખી ન શક્યો. તું મોહનબાબુને ઓળખે છે કે એમને પણ ભુલી ગયો...?’ અજય બોલ્યો. એક ઝટકાસાથે વિમલરાયનો ચહેરો ઉપર ઉઠ્યો. અજયને જોઈને તેના મોતીયા મરી ગયા... અત્યાર સુધી તેણે અજય સામે જોયુ જ નહોતુ. અજયને તેણે સાત વર્ષ અગાઉ અદાલતના કઠેડામાં ઉભેલો જોયો હતો અને એ પછી તે આજે તેને મળી રહ્યો હતો.

‘કેમ...? મને અહીં જોઈને તાજ્જુબી થાય છે...?’

‘અજય...’

‘હા... અજય... મોહનબાબુનું લોહી... તેમનો એકનો એક પુત્ર...’

‘ઓહ...’ વિમલરાયના મોઢામાંથી અનાયાસે શબ્દો સર્યા. ત્યાં ઉપસ્થિત પોલિસવાડાઓ તાજ્જુબીથી આ સંવાદો સાંભળી રહ્યા હતા. એમની સમજમાં નહોતું આવતું કે હાથમાં પિસ્તોલ પકડીને ઉભેલો એ છોકરો કોણ છે અને વિમલરાયનો ચહેરો તેની વાત સાંભળીને કેમ વિલાઇ રહ્યો હતો... છતા તેમની અનુભવી દ્રષ્ટિએ એકવાત નોંધી હતી કે એ છોકરાને ફક્ત અને ફક્ત વિમલરાયમાં જ રસ હતો. અને તે અત્યારે કોઈક પહેલીઓ પુછતો હોય એમ વિમલરાયની ઉલટ-તપાસ કરી રહ્યો છે...

વિમલરાય અંદરથી હચમચી ઉઠ્યો. તેને સમજમાં નહોતું આવતું કે અજય અહીં કેવી રીતે પહોંચી ગયો... તેને ભુપત ઉપર ખરેખરી દાઝ ચડી. એ કમબખ્તે જરૂર કંઈક લોચો માર્યો હશે. અજય તેના હાથમાંથી છટકીને અત્યારે તેના માથે કાળ બનીને ભમી રહ્યો હતો... તેને સમજાતુ નહોતું કે અજય કેમ સામે ચાલીને મોતના મોંમાં આવ્યો હશે... એમ છતા તે જમાનો ખાધેલ ખૂર્રાટ અને શિયાળ જેવો લુચ્ચો રાજકારણી હતો એટલે જાણે અજય અત્યારે કોઈ ગંભીર કૃત્ય કરી રહ્યો હોય એમ તેણે અજયને કહ્યું...

‘જો દિકરા, તું શું કહે છે તેનો મને જરા સરખો પણ અંદાઝ આવતો...’ પણ તે પુરુ બોલી ન શક્યો. તે હજુ પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ ભારે ઝનુનથી અજયે ‘તડાક’ કરતો પિસ્તોલની મુકનો ફટકો વિમલરાયની ખોપરીમાં ફટકાર્યો... ચીંખી ઉઠ્યો વિમલરાય... જાણે અચાનક તેના માથાના હાડકાનો કુરચો બોલી ગયો હોય એમ તેણે બેહાથે તેણે પોતાનું માથુ પકડ્યું અને સામે મુકેલા ટેબલ તરફ તે ઢળ્યો.

‘હું તારો દિકરો નથી હરામખોર...’ અજય તાડુકી ઉઠ્યો. ‘વધારે ચાપલુસી કરવાની જરૂર નથી. વિમલરાય, આજે તારી બરબાદીનો દિવસ છે... આજે તારે તેં કરેલા કાળા કામોનો હિસાબ આપવો પડશે... આ બધા સમક્ષ તારે કબુલવુ પડશે કે કેવી રીતે તેં મારા પીતા મોહનબાબુને મરાવ્યા હતા... અને કેવી રીતે મને ફસાવવા તે એક નિર્દોષ યુવતી તુલસીને હાથો બનાવી તેનેખતમ કરાવી હતી...’ અજયનું શરીર ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યુ. તેના રોમ-રોમમાંથી વિમલરાય પ્રત્યે ધિક્કાર વરસતો હતો. તેણે વિમલરાયના આછા થયેલા વાળને ડાબા હાથની મુઠ્ઠીમાં પકડીને ખેંચ્યા. વિમલરાયના મોઢામાંથી રાડ નીકળી ગઈ. તે નિસહાય બનીને ત્યાં ઉભેલા અફસર સામે જોઈ રહ્યો.

‘તો... હવે તું તારી જાતે બકે છે કે પછી હું તને ફરજ પાડુ...?’ કહીને અજયે પિસ્તોલનું નાળચુ વિમલરાયની ખોપરીમાં ખુપાવ્યું. વિમલરાય ખામોશ રહ્યો. તે એક રાજકારણી હતો. તેને ખબર હતી કે અત્યારે તેના કબુલાતનામાનો કોઈ અર્થ સરવાનો નહોતો. જો તે અત્યારે બધુ કબુલી પણ લે તો પણ પાછળથી તે પોતાના બયાનમાંથી પલટી શકે તેમ હતો. તે એવુ કહી શકે કે તેણે જોર-જબરદસ્તીથી બંદુકના નાળચે નછુટકે કબુલ્યુ હતું. અને એટલે જ તેને અત્યારે પોતાના એવા કોઈ બયાનની ફીકર નહોતી. અજય પણ આ હકીકત સારી રીતે જાણતો હતો. તેણે આ વિશે વિચાર્યું જ હતું અને એટલા માટે જ તે પોતાની સાથે હુકમના પાના લેતો આવ્યો હતો... તેણે પેન્ટના ખિસ્સામાં હાથ નાંખીને મોબાઇલ ફોન બહાર કાઢ્યો અને બોસ્કીનો નંબર ડાયલ કર્યો. સામી બાજુ બોસ્કી અજયના ફોનની રાહ જોઈને જ બેઠો હતો. તેણે ફોન ઉઠાવ્યો...

‘બોસ્કી... ભુપતને ફોન આપ...’ અજયે કહ્યું. અને વિમલરાય સહસા ચોંક્યો. ‘લે... વાત કર તારા બગલબચ્ચુ સાથે...’ તેણે ફોન વિમલરાય તરફ લંબાવ્યો. અજયના હાથમાં જાણે જીવતો સાપ પકડ્યો હોય એમ વિમલરાય ફોન તરફ જોઈ રહ્યો. તેણે ધ્રુજતા હાથે ફોન લીધો... અને એ વિમલરાયની ગંભીર ભુલ સાબિત થઈ... ત્યાં ઉપસ્થિત હતા એ પોલિસ કમિશનરો જાણતા હતા કે ભુપત કોણ છે... અને અત્યારે કયા ભુપતની વાત થઈ રહી છે. વિમલરાયે જે ગભરાહટ અને બોખલાહટથી અજયના હાથમાંથી ફોન લીધો તેનું પૃથ્થકરણ એવું તેઓના મનમાં થયું હતું કે વિમલરાય ગુજરાતના નામચીન ગુનેગાર ભુપત સાથે કોઈ રીતે સંકળાયેલો છે... અજયે બીજી પણ એક ચાલાકી કરી નાખી હતી. તેણે વિમલરાયને ફોન આપતા પહેલા ફોનમાં લાઉડસ્પીકરની સ્વીચ ઑન કરી નાખી હતી, જેથી ભુપત અને વિમલરાય વચ્ચે જે કંઈપણ સંવાદ થાય એ વાતચીત ત્યાં કમરામાં ઉપસ્થિત તમામ લોકો સાંભળી શકે. ફોન લઈને વિમલરાયે કંઈપણ બોલ્યા વગર કાને મુક્યો.

‘હલો... બોસ... ભુપત બોલુ છું...’ સામા છેડે ભુપત હતો. બોસ્કીએ તેની કનપટ્ટી પર ગન તાણી રાખી હતી એટલે તેણે બોસ્કીએ જેવુ કહ્યું હતું એ બોલવા સિવાય છુટકો નહોતો. આમ પણ તે હવે અહીંથી છુટવા માંગતો હતો... એટલે તેણે ફોનમાં એકધારું બોલવા માંડ્યું... ‘બોસ... આ લોકોને બધી ખબર છે... તમારા વિશે... મારા વિશે... આપણા પ્લાન વિશે... બધુજ જાણે છે... પ્લીઝ... વિમલરાય... મને અહીંથી છોડાવો... નહિતર હું બધુ બકી મારીશ કે... તમારા કહેવાથી જ મેં મોહનબાબુનું ખુન કર્યું હતું... તુલસીનું ઍક્સિડન્ટ કરાવ્યું હતું અને બેગુનાહ અજયને ખોટા કેસમાં તમારા કહેવાથી જ ફસાવ્યો હતો... એટલું જ નહિ, અજય જેલમાંથી છુટ્યો તરત જ તમારા ઇશારે મેં તેનું અપહરણ કર્યું હતું... અને...’

‘ચૂપ મર... ચૂપ મર... હરામખોર... તું કોણ છે... હું તને નથી ઓળખતો...’ વિમલરાયે ભયાનક ગુસ્સાથી ફોનનો ઘા કર્યો. ટેબલની ધારે અથડાઈને ફોન ફર્શ પર વિખેરાઈ ગયો.

કમરામાં સન્નાટો છવાઈ ગયો. ફોનના સ્પીકરમાંથી જે કહેવાયુ તે બધાએ સાંભળ્યું હતું. ઘણાના મોઢા આઘાતથી તો ઘણાના વિસ્મયથી ખુલી ગયા હતા. ગુજરાતભરના પોલિસ કમિશનરો અવિશ્વાસ, ધ્રૃણા અને શંકાશીલ નજરે વિમલરાયને જોઈ રહ્યા. જાણે તેઓને વિશ્વાસ નહોતો આવતો કે રાજ્યના ગૃહમંત્રીના હોદ્દાને શોભાવતો આ માણસ આટલો હલકટ અને નાલાયક પણ હોઈ શકે... ફોન ઉપર ભુપતે જે કહ્યું એ સત્ય હતુ એમા હવે કોઈ શંકાને સ્થાન નહોતું.

ભુપત એ જ બોલ્યો હતો જે સત્ય હતુ અને જે તેની પાસે બોસ્કીએ ગનપોઇન્ટે બોલાવરાવ્યુ હતું. બોસ્કીએ તેનું કામ એકદમ બરાબર પાર પાડ્યુ હતું. ભુપતે જે બયાન આપ્યું, જે બફાટ કર્યો હતો એ સાંભળીને ત્યાં હાજર હતા એ તમામ અફસરો ડઘાઈ ગયા હતા. અજયનું તીર એકદમ બરાબર તેના નિશાને વાગ્યુ હતું... તે આવો જ કંઈક વિસ્ફોટ કરવા માંગતો હતો અને તેની એ ગણતરી અત્યારે તો સાકાર થઈ ચૂકી હતી... વિમલરાય બરાબરનો સકંજામાં ફસાયો હતો... અજયે તેના ગળામાં ગાળીયો ફસાવી દીધો હતો... અત્યારે તેનું દિમાગ અજયનો કેમ પ્રતિકાર કરવો એટલુંય વિચારી નહોતું શકતું... આ મીટીંગ વિમલરાયે ફક્ત સુરતની પોલિસનું ધ્યાન બીજે વાળવા માટે જ બોલાવી હતી. તેને એમ હતું કે જો સુરતના પોલિસ કમિશનર વૈદ્ય જ્યારે પેલુ પેટીઓવાળુ કન્સાઈનમેન્ટ આવવાનું હોય ત્યારે સુરતમાં હાજર ન હોય તો બીજી પોલિસ પાર્ટીને લીડ કરવાવાળુ કોઈ ન હોય તો આસાનીથી એ પેટીઓ સુરતમાં ઘુસાડી શકાય... પરંતુ તેણે ફક્ત સુરતના કમિશનરને બોલાવવાના બદલે જોશમાં આવીને ગુજરાતના તમામ પોલિસ કમિશનરને આમંત્ર્યા હતા... અને અત્યારે તેને પોતાની એ જ ભુલ ભારે પડી રહી હતી... તેણે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે અજય અચાનક જીનની જેમ અહીં આવી પહોંચશે અને તેની પોલ ખુલ્લી પડી જશે... વળી આ ભુપતની એક નવી ઉપાધી સર્જાઈ હતી. હજુ આજે સવારે જ તો તેની ભુપત સાથે ફોન ઉપર વાત થઈ હતી. તો પછી આટલીવારમાં ભુપત કેવી રીતે અજયના સકંજામાં આવી ગયો...? અજયે એટલી ખતરનાક ઝડપે એક્શન લીધુ હતું કે વિમલરાય એકદમ જ થયેલા હલ્લાને કારણે ડઘાઈ ગયો હતો અને તેની વિચારશક્તિ બહેર મારી ગઈ હતી.

‘ભુપતને તો તમે લોકો જાણતા જ હશો...’ અજયે ત્યાં ઉપસ્થિત તમામના ચહેરાઓ પર નજર નાખતા કહ્યું. ‘આ એજ ખૂંખાર ગુનેગાર છે જેની વિરુદ્ધ ગુજરાતભરના તમામ શહેરોમાં કોઈના કોઈ ગુના સબબ ફરિયાદ નોંધાયેલી હશે... એ ભુપત વિમલરાયનો પીઠ્ઠુ છે. તેને અત્યાર સુધી વિમલરાયે જ સાચવ્યો અને ઉછેર્યો છે... તેના બદલામાં ભુપતે વિમલરાયના તમામ કુકર્મોને અંજામ આપ્યો છે... અને... કદાચ... તમને એવો વિચાર આવે કે હમણા ફોનમાં જે અવાજ સંભળાયો એ ભુપતની જગ્યાએ બીજી કોઈ ડમી વ્યક્તિનો હતો તો મારી પાસે તમારી એ શંકાનું સમાધાન પણ છે...’ કહીને અજય અટક્યો. તેણે પેન્ટની પાછળના ભાગે ખોસેલી વિડિયો સી.ડી. બહાર ખેંચી હાથમાં લીધી.

‘આ ટેપમાં ભુપતે પોતાના મોઢે કરેલી કબુલાતનું બયાન રેકોર્ડિંગ થયેલું છે. અને, ભુપતને તમે કહો ત્યાં ગવાહી આપવા હું લાવી શકુ તેમ છું. મારે તમને આ...’ તે પુરુ ન બોલી શક્યો. તેનું વાક્ય અધુરુ જ રહ્યું. અચાનક એક ધમાકો થયો. ખાસ્સી સેકન્ડો પછી ખ્યાલ આવ્યો કે શું થયું હતું... અજયના એક હાથમાં પિસ્તોલ હતી જે તેણે વિમલરાયની કાનપટ્ટી ઉપર દબાવી રાખી હતી, જ્યારે તેના બીજા હાથમાં, જે અધ્ધર હવામાં તેણે ઉંચો કરી રાખ્યો હતો એમા પેલી ભુપતના બયાનવાળી ટેપ હતી... તેનું સમગ્ર ધ્યાન તેની સામે ઉભેલા અફસરોના કાફલા તરફ હતુ. તે ભુલી ગયો હતો કે આ કમરામાં એક વ્યક્તિ એવો પણ હતો કે જેની કોઈ ખાસ નોંધ લેવાઈ નહોતી... તે વ્યક્તિ વિમલરાયનો પી.એ. મુગટ બિહારી હતો... મુગટ બિહારી એકવડીયા બાંધાનો કંઈક અંશે વધુ પડતો પાતળો અને ચશ્માધારી આદમી હતો. તેણે અજયના બેધ્યાનપણાનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો... અજયે જ્યારે તેને પોલિસ અફસરોની ટેબલ ઉપર મુકાયેલી પિસ્તોલોને ડસ્ટબીનમાં નાખવાની સુચના આપી ત્યારે તેણે એ કામ કર્યું ખરું, પણ તેમાથી એક પિસ્તોલને તેણે પોતાના હાથમાં જ દબાવી રાખી હતી. અને પાછળ ફરતી વખથે એ પિસ્તોલ તેણે પોતાના ગ્રે કલરના કોટના ખિસ્સામાં સેરવી દીધી હતી. પછી જાણે કંઈ થયુ જ ન હોય તેમ એક ખુણામાં જઈને ઉભો રહી ગયો હતો. તે ધ્રુજતો હતો... તેણે મોકાની રાહ જોવાનું મુનાસીબ માન્યુ અને એ મોકો તેને બહુ જ જલદી મળી ગયો... જેવું અજયનું ધ્યાન બીજી બાબતોમાં પરોવાયુ કે તરત તેણે પોતાના કોટના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને અજયના શરીરનું નિશાન લઈ ફાયરીંગ કર્યું... પણ, તેના હાથ ધ્રુજતા હતા. આ પહેલા તેણે ક્યારેય પિસ્તોલ હાથમાં લીધી નહોતી, કે નહોતો આવી વિકટ પરિસ્થિતિમાંથી ક્યારેય પસાર થયો... તેણે અડસટ્ટે જ પિસ્તોલનો ઘોડો દબાવ્યો હતો... એ વિશાળ એ.સી. રૂમમાં ફાયરીંગનો જોરદાર ધમાકો સંભળાયો... અને... એ ધમાકાનું ગંભીર પરિણામ આવ્યું. મુગટ બિહારીએ કંઈક આશંકાથી ધ્રુજતા હાથે ગોળી ચલાવી તે સાથે જ સ્વાભાવિક રીએક્શન ક્રિયાથી અજયની આંગળી તેના હાથમાંની પિસ્તોલના ઘોડા પર દબાણી... એક પછી એક એમ બે ઘડાકા એ કમરામાં ગુંજી ઉઠ્યા અને એ ઘડાકા સાથે વિમલરાયની મરણતોલ ચીખે બધાને ચોંકાવી મુક્યા.

ભયાનક ટેબ્લો રચાયો હતો... મુગટ બિહારીએ અચાનક મળેલા મોકાનો લાભ ઉઠાવ્યો હતો. અનાયાસે જ તેના હાથમાં પિસ્તોલ આવી હતી. તેણે ક્યારેય પિસ્તોલ ચલાવી નહોતી. તેણે જ્યારે અજયનું નિશાન લઈને ગોળી છોડી હતી ત્યારે તેનો હાથ ધ્રુજતો હતો. એ ઉપરાંત તેના મનમાં એક ડર પણ હતો કે જો અજય તેને પિસ્તોલ કાઢતા જોઈ જશે તો તે તેના ઉપર જરૂર ફાયરીંગ કરશે... એટલે મુગટ બિહારીએ ઉતાવળમાં કાંપતા હાથે ટ્રીગર દબાવી દીધુ હતું. પરંતુ તે નિશાન ચૂકી ગયો. તેણે અજયની છાતીનું નિશાન તાક્યું હતું. ટ્રીગર દબાવતી વખથે તેણે આંખો મીચી દીધી હતી અને જોર કરીને આંગળી દબાવી હતી જેથી તેના હાથનું સંતુલન ખોરવાયુ અને તેના હાથ થોડો નીચો નમ્યો... એ સાથે જ ટ્રીગર દબાયુ અને પિસ્તોલમાંથી છુટેલી ગોળી સીધી વિમલરાયના જમણા ખભાની અંદર સમાઈ ગઈ... સાવ અણચીંતવ્યુ જ બન્યુ હતું... વિમલરાયની સોલ્ડર પ્લેટમાં ગોળી ખૂંપી અને તે ચીત્કારી ઉઠ્યો... એ સાથે તેનું ભારેખમ શરીર ખળભળી ઉઠ્યું. બુલેટના જોરદાર ધક્કાના કારણે તે ખુરશી પર આગળની બાજુ નમ્યો... તેનો ડાબો હાથ ઓટોમેટીક જમણા ખભા પર દબાયો. ખભામાંથી વહેતા ગરમ લોહીનો સ્પર્શ તેની હથેળીને દઝાડી ગયો અને તેના મોંમાંથી અનાયાસે જ ચીખોની શૃંખલા રચાઈ. તે બરાડા પાડવા લાગ્યો હતો... ડાબા સોલ્ડરમાં ખૂંપેલી બુલેટનું અસહ્ય દર્દ તેના ગળા અને આંખોમાંથી અસ્ખલીત વહેલા લાગ્યું.

બીજી ગોળી અજયની ગનમાંથી છુટી હતી. એ ગોળી કમરાની સામેની દિવાલમાં ટકરાઈને પ્લાસ્ટરના પોપડા ઉખેડતી ત્રાંસી ફંટાઈ હતી. અજયથી અનાયાસે જ, સાવ અચાનક ગોળી છુટી હતી. તે ભુપતના બયાનવાળી કેસેટ હાથમાં રાખીને બતાવી રહ્યો હતો કે અચાનક એક ઘડાકો થયો અને વિમલરાય તેની જગ્યાએથી ઉછળ્યો અને ખુરશીમાં આગળની તરફ ધકેલાયો... સાથે-સાથે તેણે જોરદાર ચીખ નાખી હતી... એ ચીખ અને તેનું આગળ ઝૂકવું બન્ને ક્રિયા સાથે બની. જેના કારણે અજયના હાથમાં પકડાયેલી રીવોલ્વરને ઝટકો લાગ્યો. અજય એવું સમજ્યો કે વિમલરાયે એકાએક તેના પર હુમલો કર્યો જેના કારણે નર્વસ થઈને તેનાથી ટ્રીગર દબાઈ ગયું... અજયની રીવોલ્વરમાંથી નીકળેલી ગોળી વિમલરાયની ખોપરી વીંધી નાંખે એ પહેલા જ વિમલરાય આગળ ટેબલ તરફ ઝુક્યો હતો... અને એટલે જ તે બચ્યો હતો. અજયની રીવોલ્વરમાંથી નીકળેલી ગોળી તેનું નિશાન ચૂકી ગઈ અને સામેની દિવાલમાં ખૂંપી ત્રાંસી ફંટાઈ હતી.

એ સાથે જ બીજી પણ એક પ્રતિક્રિયા થઈ હતી. એમ સમજોને કે બે-ત્રણ ઘટનાઓ એટલી ઝડપથી એકસાથે બની હતી કે તાત્કાલિક કોઈ સમજી ન શક્યુ અને કમરામાં અંધાધુંધી સર્જાઈ હતી. ત્યાં ઉપસ્થિત હતા તે બધા વ્યક્તિઓને જ્યારે સમજાયું કે શું બન્યું છે ત્યારે એક સાથે બધા દોડ્યા હતા... કમરામાં અફરા-તફડી મચી ગઈ... અજયની એકદમ નજીક ઉભેલા બે અફસરોએ અજયના હાથમાંની રીવોલ્વરની પરવા કર્યા વગર તેના પર હલ્લો કર્યો... એ બન્ને અજય તરફ ઘસ્યા કે તરત અજયે રીવોલ્વરવાળો હાથ હવામાં અધ્ધર કરી ફાયરીંગ કર્યું... છતમાં ક્યાંક ગોળી વાગી... એ સાથે જ તે વિમલરાયની ખુરશીના પાછળના ભાગે ઝુક્યો અને તેણે વિમલરાયના ગળા ફરતે પોતાનો ડાબો હાથ સખ્તાઈથી ભીંસ્યો. અજયના એ હાથમાં જ ભુપતવાળી વિડિયો ટેપ હતી અને તેણે દર્દથી કરાહતા વિમલરાયની ખોપરી ઉપર ફરી વખત રીવોલ્વર ટેકવી. પેલા બન્ને અફસરોએ એ જોયુ અને તેઓ ખચકાઈને ઉભા રહી ગયા... વિમલરાય અસ્ખલીત પણે અવીરત ચીખી રહ્યો હતો. તેને એમજ લાગતું હતું કે ગોળી તેની છાતીમાં વાગી છે અને તે મરી રહ્યો છે... અજયની આંખોમાં લોહી ધસી આવ્યું. આવુ કંઈક થશે તેની કલ્પના પણ તેણે નહોતી કરી. પોતાની જાત ઉપર જ તેને ક્રોધ ચડતો હતો કે તેણે કેમ મુગટ બિહારીને ધ્યાન બહાર જવા દીધો. પરંતુ અત્યારે એવો અફસોસ કરવાનો સમય નહોતો... ખુંટે બાંધેલા બળદોને અચાનક જો છોડવામાં આવે અને જે ભાગદોડ મચે એવી જ ભાગમભાગી બીજા અફસરો મચાવી રહ્યા હતા. તેઓ બધા એકસાથે પેલા ડસ્ટબીન તરફ લપક્યા હતા કે જેમાં તેઓની પિસ્તોલો નાખવામાં આવી હતી. તેઓનો એક જ મકસદ હતો, પિસ્તોલનો કબજો મેળવવો અને એ લોકો પોતાના મકસદમાં કામયાબ પણ નીવડ્યા... સૌથી આગળ દોડેલા અફસરે આખુ ડસ્ટબીન ઉંચકીને ફર્શ પર ઉંધુ વાળી દીધું... ફર્શ પર પિસ્તોલોનો નાનકડો ઢગ ખડકાયો. થોડી જ વારમાં એ તમામ હાથોમાં પિસ્તોલો હતી અને એ પિસ્તોલોનું નિશાન અજય હતો...

‘સ્ટોપ... સ્ટોપ ઈટ... અધર વાઈઝ આઈ વીલ શૂટ...’ અજયે બરાડો પાડ્યો. એક સાથે બધા ખચકાયા અને પછી અટક્યા પરંતુ કોઈએ પિસ્તોલ નીચી કરી નહીં. કમરામાં સ્તબ્ધતા પ્રસરી.

‘બસ... ઇનફ ઇસ ઇનફ નાઉ...’ તેની આંખોમાં લોહી તરી આવ્યું. વિમલરાયના ગળા ફરતે ભીડાયેલો તેનો હાથ વધુ સખથ થયો. વિમલરાયના મોંમાંથી ‘મ્‌...મ્‌...મ્‌...’ જેવા ઉદ્‌ગારો નીકળતા હતા.

‘વિમલરાય... આ છેલ્લી તક છે. તુ તારી જાતે, તારા મોઢે તારા ગુનાની કબુલાત કર અથવા તો મર... તારા તમામ કાળા કરતુતોની કહાણી તારે અત્યારે જ કહેવી પડશે... આ અફસરો સાંભળે એમ... જો તું સહકાર નહિ આપે તો મારી આંગળીને હરકત કરતા સહેજે વાર થશે નહિ... અને જો એવું થયું તો તારી ખોપરીના ટુકડા વીણીને ભેગા કરવા પણ અશક્ય બનશે... પછી ભલે મારી છાતી વીંધાતી... તને માર્યા બાદ મરવાનો મને સહેજે અફસોસ નહી હોય...’ અજયે કહ્યું. તેના અવાજમાં બ્લેડ જેવી ધાર હતી. તે હવે મરણીયો બન્યો હતો. તેના ઇરાદા સ્પષ્ટ અને ખતરનાક હતા. તે જાણતો હતો કે વિમલરાય જેવા રીઢા અને મીંઢ રાજકારણીને જેર કરવા તેણે કંઈક તો ગુમાવવું પડવાનું હતું. એટલે જ તે પોતાનો જીવ હથેળીમાં લઈને આવ્યો હતો. અજયના અવાજમાં ઝીલાતી મક્કમતાએ વિમલરાયને ખળભળાવી નાખ્યો. તેને ખ્યાલ આવી ગયો હતો કે તેનું મોત અજયની આંગળીના ઇશારે નાચી રહ્યું છે. તેના શરીરમાં ભયનું લખલખું પસાર થયું. કંઈક બોલતા તેના હોઠ ખુલ્યા... અને ફરી સખ્તાઈથઈ બીડાયા.

અને... અજયની આંગળીએ હરકત કરી નાખી. તેણે વિમલરાયની ખોપરી ઉપરથી પિસ્તોલ હટાવી, તેના ઘુંટણનું નિશાન લઈ ટ્રીગર દબાવી દીધુ. ‘ખચાક...’ જેવા અવાજો થયા. ક્યાંક કશુંક ભયાનક રીતે ટુટ્યું. પિસ્તોલમાંથી નીકળેલી બુલેટે વિમલરાયના ઘુંટણની ઢાંકણીના ફુરચા ઉડાવી મુક્યા. ફરીવાર વિમલરાયની ચીખોથી કમરો ગુંજી ઉઠ્યો... તેના ખભામાં ખૂંપેલી ગોળીનું દર્દ તે મહા-મુશ્કેલીએ સહન કરી રહ્યો હતો, તેમાં આ દર્દ ઉમેરાયું હતું. તે ભયાનક રીતે આમળાતો બુમો પાડવા લાગ્યો. અજયે તેની પગની ઢાંકણીને વીંધી નાખી હતી. તેના માટે એ પ્રાણ-ઘાતક સાબિત થયું. વિમલરાયને લાગ્યું કે જાણે કોઈકે લુહારનો મોટો ઘણ ઉચકીને તેના પગ ઉપર ઠોક્યો અને તેનો પગ ગોઠણથી છુટો પડી ગયો... તેના ગોઠણની નસોના છોતરા ઉખડી ગયા હતા અને હજારો વીંછીઓએ એકસાથે તેને ડંખ માર્યા હોય એવી અસહ્ય વેદના ઉપડી.

‘વિમલરાય...’ અજયે ગર્જના કરી. બધા સ્તબ્ધ બનીને ફાટી આંખે અજય જે મોતનું તાંડવ ખેલી રહ્યો હતો એ નીહાળી રહ્યા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે એક સુંવાળો છોકરો આટલુ ભયાનક કૃત્ય કરી નાખશે. બધાની પિસ્તોલો જાણે સ્થિર થઈ ગઈ હતી... ‘હરામખોર... તું કબુલ કરે છે કે હું ઘોડો દબાવું...?’ ઝકજોરતો હોય એમ અજયે વિમલરાયને હલબલાવી નાખ્યો.

‘કરુ... કરુ છું... આહ...’ વિમલરાયના મોઢામાંથી થુંક ઉડ્યુ. તેનો ચહેરો અસહ્ય પીડાથી તરડાયો હતો. મહા મહેનતે તે બોલી શક્યો. ‘તે... તે... જે કહ્યું એ... સાચુ... બીલકુલ સાચુ... છે... પ્લીઝ... પ્લીઝ... દવાખાને... મને... તારા પિતાનું ખુન... મેં... કરાવ્યું... તુલસીને મેં મરાવી... પ્લીઝ... છોડી દે... મને... તને... મેં ફસાવ્યો... ફસાવ્યો... હતો. આહ... તારી...’ તે મહામહેનતે, પરાણે ત્રુટક શબ્દોમાં બોલી શક્યો. તેના શરીરમાં ભયાનક દર્દની આંચકીઓ આવતી હતી. તેના તુટેલા ગોઠણમાંથી લોહી વહીને તેના રગેડા પગે ઉતરી રહ્યા હતા. પગમાંથી અને ખભામાંથી ઉઠતા સણકાના કારણે તે વારેવારે ધ્રુજી ઉઠતો હતો. તેના મોઢામાંથી બોલતી વખતે થુંક ઉડતું હતું. એ થુંકનો રેલો તેના ગળા સુધી ફેલાયો હતો. તેનો જમણો ખભો અને જમણો હાથ જાણે ખોટો પડી ગયો હોય તેમ એકબાજુ લટકી પડ્યો હતો... તેની આંખો જાણે ધેરાતી હતી. તે ઉંડા-ઉંડા ભારે શ્વાસ લઈ રહ્યો હતો. ‘પ્રેમીકા... તારી... મેં... મરાવી... દવાખાને... મેં... પ્લીઝ... છોડી દે... ડૉક્ટર... હું મરી જઈશ... મેં... તારા પરિવાર... બરબાદ... ભુપત... સાચો છે... પ્લીઝ...’ તે રીતસરનો આજીજી કરતો હતો.

‘આજે રાતના તમે લોકો શું કરવા માંગો છો એ પણ આ બધા સાંભળે તેમ કહે...’ અજયે કહ્યું. વિમલરાયને કદાચ આશ્ચર્ય થયુ હશે કે અજય આજ રાતની વાત ક્યાંથી જાણે... ? પણ એ આશ્ચર્ય તેના ચહેરા ઉપર છવાયુ નહીં કારણ કે અસહ્ય દર્દથી તેનો ગોળ ચહેરો બેડોળ બની ચૂક્યો હતો.

‘બોટ... બોટ... પેટીઓ... ખન્ના... બોટ... આર.કે. ખન્ના... પેટીઓ... ઓહ... ડૉક્ટર... આહ...’ બસ... તે એટલું જ બોલી શક્યો. તેની ડૉક એક બાજુ ઢળી પડી. તે બેહોશ થઈ ચૂક્યો હતો. ભયાનક દર્દે તેના દિમાગનો કબજો લઈ લીધો જેના કારણે તે બેહોશીની ગર્તામાં ઘકેલાઈ ગયો હતો... અજયે એક લાંબો શ્વાસ લીધો. તેના ચહેરા પર સંતોષ અને રાહતના ભાવ છવાણા. તેનો મકસદ સફળ થયો હતો. વિમલરાય બેહોશ થતા પહેલા ખન્ના અને તેના પ્લાન વિશે જે નહોતો બોલી શક્યો એ તેનો પી.એ. મુગટ બિહારી જાણતો હતો. અને તેને બોલતો કરવો બહુ આસાન હતો. વિમલરાય પોતે જ અડધુ તો કબુલી ચૂક્યો હતો અને બાકીનું પોલિસ મુગટ બિહારીના મોઢે કબુલાવી લેશે એની ખાતરી અજયને હતી... મુગટ બિહારીના હાથમાં પિસ્તોલ તેની બાજુમાં ઉભેલા અફસરે ક્યારની લઈ લીધી હતી... વિજયનુ સ્મીત અજયના ચહેરા પર આવ્યું હતું... તેણે વિમલરાયના ગળા ફરતે વિંટાળેલો પોતાનો હાથ હટાવ્યો... હાથમાં પકડેલી ગન અને બીજા હાથમાં હતી તે વિડીયો ટેપ ત્યાં આગળ ટેબલ ઉપર મુકી અને શરણાગતી સ્વીકારતો હોય એમ તેણે પોતાના બન્ને હાથ હવામાં અધ્ધર ઉઠાવ્યા.

તાત્કાલીક કોઈ રીએક્શન થયુ નહીં. કમરામાં હજુ પણ સ્તબ્ધતા પ્રસરેલી હતી. અજયે હાથ ઉંચા કર્યા છતા જાણે કોઈ તેને ગીરફતાર કરવા માંગતુ ન હોય એમ કોઈ આગળ વધ્યું નહીં...

‘વૈદ્ય સાહેબ...’ અજયે સુરતના કમિશનર જી. કે. વૈદ્યને સંબોધીને કહ્યું. ‘તમને ખ્યાલ છે કે તમને અહીં શા માટે બોલાવવામાં આવ્યા છે...? આ મીટીંગ વિમલરાયે અચાનક શા માટે ગોઠવી છે...?’ વૈદ્યને કોઈ જવાબ ન સુઝ્‌યો. વૈદ્યની જેમ અહીં હાજર હતા એ તમામ અફસરોને પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવામાં દિલચસ્પી હતી.

‘આ મીટીંગ ફક્ત ને ફક્ત તમને સુરતથી દૂર રાખવા માટે બોલાવામાં આવી છે. બાકી બીજા અફસરોને માત્ર દેખાવ ખાતર અહીં એકઠા કરવામાં આવ્યા છે.’

‘વૉટ રબીશ...’ વૈદ્યે માથુ ધુણાવ્યું. તેને આ નવયુવાન કંઈક વિચિત્ર લાગતો હતો.

‘એ હું તમને કહુ... પરંતુ સૌથી પહેલા આ વિમલરાયને હોસ્પિટલે ખસેડવો પડશે, નહિતર એ ગુજરી જશે.’

‘એ પહેલા મારે તને ગીરફતાર કરવો પડશે...’ વૈદ્યે આગેવાની લેતા કહ્યું. તેને આ આખી વાતમાં રસ પડ્યો હતો.

‘હું એ માટે તૈયાર છું... પરંતુ મારી ગીરફતારી કરતા પણ વધુ અગત્યના ઘણા કામો છે... તમે ખન્નાને તો ઓળખતા જ હશો...? આર. કે. ખન્ના... કર્નલ આર. કે. ખન્ના... જેને ગયા વર્ષે જ તેના કરતુતો બદલ કોર્ટ માર્શલ કરાયો હતો એ આર. કે. ખન્ના...’ અજયે કહ્યું... ‘તે અહીં છે... મતલબ કે, ગુજરાતમાં છે. આ વિમલરાયે તેની સાથે મળીને ગુજરાતને ઘમરોળવાનું કાવતરુ ઘડ્યું છે... એ કાવતરામાં જે વિસ્ફોટકો વપરાવાના છે એ માલ-સામાન આજે રાત્રે સુરતના હજીરાના દરિયા કાંઠે ઉતારવામાં આવશે... અને એટલે જ તમને સુરતથી દુર રાખવા માટે અહીં ગાંધીનગર બોલાવાય છે... અને એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જેથી સુરતના ઇન્સ. ટંડેલ સાથેનો તમારો તમામ સંપર્ક તુટી જાય... મારી વાત સમજાય છે ને વૈદ્ય સાહેબ...?’

વૈદ્ય અવાચક બનીને અજય સામુ જોઈ રહ્યો. અજયની વાત સાંભળીને તે ચોંક્યો હતો. તે જાણતા હતા કે ઇન્સ. ટંડેલ પણ કંઈક આવી જ ગોઠવણમાં હતો. અજયની વાતોમાં ટંડેલનું અનુસંધાન જોડાતુ હતું.

‘ઓ. કે. અજય... આપણે સાથે બેસીને તારી વાત સાંભળીએ છીએ...’ વૈદ્યે કહ્યું. તેણે તાત્કાલીક વિમલરાયને હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરાવી.... સચિવાલયના પાછલા દરવાજેથી વિમલરાયને ચૂપકીદીથી લઈને એમ્બ્યુલન્સ બહાર નીકળી ત્યારે ફરીવાર એ નાનકડા એ.સી. હોલમાં એક અલગ જ પ્રકારની બેઠક મંડાઈ... એ પહેલા વૈદ્યે સચિવાલયના સીક્યુરીટી ઇન્ચાર્જ ચૌહાણને હુકમ કરીને કમરાની બહાર ગોઠવાયેલા ગાર્ડને હટાવી લેવરાવ્યા જેથી અહીં જે ઘટનાઓ બની તેની બહાર કોઈને જાણ ન થાય... આ બધી ભાંજગડમાં પેલા બન્ને ન્યુઝચેનલના રિપોર્ટરોએ તે કમરામાં ભજવાયેલા દ્રશ્યોને ત્યાં મુકાયેલા સી.સી.ટી.વી. કૅમેરાના મોનીટરો ઉપરથી પોતાના વિડીયો કૅમેરામાં કેદ કરી લીધા હતા... તેમના તરફ હજુ કોઈનું ધ્યાન નહોતું ગયુ કારણ કે તે બન્ને ત્યાં ગોઠવાયેલા એક જંગી પ્રોજેક્ટર મશીન પાછળ સંતાઈને ઉભા હતા... તેમના હાથમાં ભારે વિસ્ફોટક બાતમી લાગી હતી અને તેઓ એનો બરાબરનો ઉપયોગ કરવાના હતા... અરે, તેમાના એકે તો પોતાના એ બ્રેકિંગ ન્યૂઝના પ્રોગ્રામનું ટાઇટલ પણ વિચારી રાખ્યું હતું.

એ પછીની ઘટનાઓ બહુ ઝડપથી બની હતી... અજયની ઘરપકડ કરાઈ નહી. તેને છુટ્ટો જ રાખવામાં આવ્યો. હા... એ અલગ વાત હતી કે તેણે અહીં જે કાંડ સર્જ્યો હતો એની સજાતો તેને મળવાની જ હતી, એમ છતા તેની વાત સાંભળવી અત્યારે અગત્યની હતી. તે સમયે રાતના સાડા આઠ વાગ્યા હતા. એક નવીજ મીટીંગની શરૂઆત થઈ... અજયે બોલવાનું શરૂ કર્યું. આરંભથી અત્યાર સુધીની ઘટનાઓ કઈ રીતે ઘટી હતી અને વિમલરાય તથા ખન્નાનો આજ રાતનો શું પ્લાન છે એ મુદ્દાસર વિગતથી કહી સંભળાવ્યું... અજયની કેફિયત સાંભળીને ત્યાં હાજર હતા એ તમામ અફસરો ચોંકી ઉઠ્યા હતા અને ઉત્તેજનાથી તેઓ ખુરશીમાંથી રીતસરના ઉભા થી ગયા હતા. આશ્ચર્ય, આઘાત અને અવિશ્વાસથી તેઓના મોઠા હેરતથી ખુલી ગયા. તેઓના માનવામાં નહોતું આવતું કે અજય જે કહે છે એ સત્ય છે કે કોઈ રહસ્યમય કહાની કે પછી કોઈ ફિલ્મની સ્ટોરી. પરંતુ... તેઓએ પોતાના આંખોથી જોયુ હતુ અને કાનોથી વિમલરાયની કબુલાત સાંભળી હતી એટલે તેમણે અજય જે કહે તે સત્ય માન્યા વગર છુટકો નહોતો.

ત્યારબાદ તાત્કાલીક એકશનથી પગલા લેવામાં આવ્યા. મુગટ બિહારીને ત્યાં હાજર રખાયો હતો અને તેણે અજયની વાતને સમર્થન આપ્યું હતું... તેનું અલગથી લેખિતમાં બયાન લેવામાં આવ્યું અને એ બયાનવાળી કોપી ઉપર તેની સહી લેવામાં આવી... ત્યારબાદ તેને વિમલરાયના કરતુતોમાં સાથ આપવા બદલ હિરાસતમાં મોકલી આપવામા આવ્યો... તે ઉપરાંત તાત્કાલીક અસરથી  જીઇઁ ની રીઝર્વ રખાયેલી એક ટુકડીને સુરત રવાના કરવામાં આવી. એ સમય દરમિયાન ટંડેલનો સંપર્ક કરવાની ઘણી કોશીષ કરવામાં આવી પણ તેનો સંપર્ક સધાયો નહીં. તેના મોબાઇલમાં કદાચ જામર ગોઠવાયુ હશે... અને તેમા પણ સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે ટંડેલનો સુરતમાં કોઈ જ કોન્ટેક નહોતો. તે કદાચ સુરતમાં જ નહોતો... સુરતના પોલિસ સ્ટેશનના લેન્ડલાઇન પર મેસેજ મુકવામાં આવ્યો કે જેવા ટંડેલ સાહેબ આવે એટલે તરત તેમને વૈદ્ય સાહેબ સાથે કોન્ટેક્ટ કરાવવો. મીનીટોમાં એ બધી તૈયારીઓ પુરી કરી વૈદ્ય સાહેબ સુરત જવા રવાના થયા. તેમને માટે અગત્યનું સુરત પહોંચવાનું હતું... અજયને ગાંધીનગરમાં જ કોઈક અજ્ઞાત જગ્યાએ નજરકેદ રાખવામાં આવ્યો. તેની વીધીવત ગીરફતારી આવતીકાલે સવારે કરવાનું નક્કી થયું.

જો કે તે સમયે કોઈ નહોતું જાણતું કે ખન્નાએ પોતાનો પ્લાન બદલ્યો છે અને તેનું જે કન્સાઇનમેન્ટ સુરતમાં ઉતરવાનું હતું તે હવ દમણમાં ઉતારવામાં આવનારું હતું... મીનીટોના એ ખેલે આખી બાજીના સમીકરણો બદલી નાખ્યા હતા... પ્રેમને એ બદલાવની ખબર હતી પણ તેણે અજયને આ ખબર આપવાનું મુનાસીબ માન્યું નહોતું. કારણ કે તેને ખ્યાલ હતો કે હવે આ માહિતી જો લીક થાશે તો આ વખતે તો ખન્ના જરૂર તેનો સમગ્ર પ્લાન જ કેન્સલ કરી નાખશે... અને પ્રેમ આવું ઇચ્છતો નહોતો. એક થડકારો તો તેના હૃદયમાં પણ થતો હતો કે જો આમાં કંઈ ઉધુંછત્તું, અણધાર્યું પરિણામ આવશે તો તેનો સમગ્ર દોષ તેના પર આવશે... પણ તે પોતાના સ્વભાવથી મજબુર હતો... એક વખત કોઈપણ મામલામાં પગ ઘુસાડી દીધા પછી તે પાછો વળી શકતો નહિ.

આ તરફ કવિતા મુખર્જીએ ભુપતના બયાનવાળી ટેપ પોતાની ચેનલના પ્રાઇમટાઈમ સ્લોટમાં ન્યૂઝ રૂપે દર્શાવવાની તડામાર તૈયારીઓ ચાલુ કરી નાખી હતી. થોડીવાર બાદ સમગ્ર ભારતના ટી.વી. સેટ્‌સમાં એ ટેપમાં હતા એ દ્રશ્યો લાઇવ દેખાવાના હતા. તેનાથી જે ભુકંપ સર્જાવાનો હતો તેને હેન્ડલ કરવાના તમામ પ્રયાસો ન્યૂઝ ચેનલવતી અગાઉથી ચાલુ કરી દેવાયા હતા... આ ઉપરાંત... સચિવાલયના સિક્યોરીટીરૂમમાંના સી.સી.ટી.વી. ફુટેજ પરથી જે રેકોર્ડિંગ પેલા બન્ને રિપોર્ટરના કૅમેરામાં ઝીલાયું હતું, જે ગરમ લાવા તેઓના હાથમાં આવ્યો હતો... તે પણ ટી.વી. પર દર્શાવાની તૈયારીઓ થઈ ચૂકી હતી... આજની રાત વિમલરાય એન્ડ કંપની માટે પ્રાણઘાતક નીવડવાની હતી. તેઓના સારા સમયે અલવીદા લીધી હતી... હવે તેઓના ખરાબ કર્મોનો જે હિસાબ ભેગો થયો હતો તે ભોગવવાનો સમય તેઓના નસીબના દરવાજે દસ્તક આપી રહ્યો હતો...

દોલુભાના અંદાજ બહારનો એ સામાન હતો. તેણે વિચાર્યું હતું કે જે પેટીઓ તેની બોટમાં ચડાવવામાં આવશે એ પેટીઓ સામાન્ય રીતે હોય છે એવી મોટી સાઇઝની અને ભારેખમ પેટીઓ હશે... પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે અત્યારે મધદરિયે તેની બોટમાં જે પેટીઓ ટ્રાન્સફર થઈ રહી હતી એ પેટીઓ કોઈ દવાના પેકિંગમાં હોય એવી વજનમાં હળવીફૂલ અને સાઇઝમાં લગભગ બે બાય ચાર ફૂટની લંબચોરસ આકારની પેટીઓ હતી... સમુદ્રના પાણીના હાલક-ડોલક વચ્ચે કુલ વીસ પેટીઓ ફટાફટ તેની બોટમાં ભંડાકીયામાં મુકવામાં આવી... દોલુભા ભારે આશ્ચર્ય અનુભવતો એ જોઈ રહ્યો. આ ઉપરાંત પણ તેને એક બીજુ આશ્ચર્ય દેખાઈ રહ્યું હતું...

પેટીઓ ટ્રાન્સફર થતી હતી એ દરમિયાન દોલુભાની નજર એક વ્યક્તિ પર મંડાઈ હતી. તે વ્યક્તિ માલ લઈને આવેલી બોટના નાનકડા તૂતક જેવી જગ્યાએ ઘુંટણીયાભેર બેઠો હતો. તેણે નીચે કપડુ પાથર્યું હતું અને તેના હાથ અલ્લાહની બંદગીમાં આકાશ તરફ ફેલાયેલા હતા. તે નમાજ અદા કરી રહ્યો હતો. દોલુભા માટે હેરતની વાત એ હતી કે તે વ્યક્તિ મધદરિયે, દરિયાના ઉછળતા પાણી વચ્ચે, હાલક-ડોલક થતી બોટમાં જે ગેરકાનુની કામ તેઓ કરી રહ્યા હતા એમાં આટલી ઠંડક અને શાંતીથી કોઈ માણસ જરાપણ ઉશ્કેરાય વગર નિર્લેપતાથી ખુદાની બંદગી કરી રહ્ય ોહોય તે જ અવિશ્વસનીય બાબત હતી... તેને ખબર નહોતી કે તે આદમી હાજી-કાસમ હતો... ભારતનો મોસ્ટવોન્ટેડ આતંકવાદી... દોલુભા તેને નહોતો જાણતો. હિંમતસીંહ દરબારે તેના વિશે દોલુભાને કોઈ વાત કરી નહોતી.

અને... જ્યારે પેટીઓની સાથે હાજી-કાસમ અને તેના બે સાગરીતો મુહમ્મદ અને સૈયદ દોલુભાની બોટમાં ચડ્યા ત્યારે દોલુભાએ પ્રશ્નસૂચક નજરે તેમની તરફ જોયું... દોલુભાની બોટમાં કુલ મળીને પાંચ માણસો આવ્યા હતા... હાજી-કામસે દોલુભાને જણાવ્યું કે તે અને તેના સાગરીતો પણ તેની સાથે આવવાના છે ત્યારે દોલુભા ચમક્યો હતો... તેને અમુંજણ ઉઠી હતી... કંઈક ખોટુ થઈ રહ્યું છે એવી લાગણી તેને ઘેરી વળી... દોલુભાએ તેમને લઈ જવાની આનાકાની કરી પરંતુ હાજી-કાસમે જ્યારે ખન્ના સાથે તેની ડીલ ફાઇનલ થઈ છે એવું કહ્યું એટલે દોલુભાને માનવા સિવાય છુટકો નહોતો... આખરે ભારે રકઝક વચ્ચે બોટ તે લોકોને લઈને દમણની દિશામાં ઉપડી...

ન્યૂઝ ચેનલવાળાઓએ ભારે દેકારો મચાવ્યો હતો. રાત્રીના નવ વાગ્યાના પ્રાઇમ ટાઇમ સ્લોટમાં સૌથી પહેલા કવિતા મુખર્જીની ચેનલ ‘ગુજરાત રિપોર્ટ’ ઉપર ભુપતના બયાનવાળી વિડીયોટેપ દર્શાવામાં આવી. જેમાં તે વિમલરાયની અસલીયત બયાન કરી રહ્યો હતો. ‘ગુજરાત રિપોર્ટ’ની ચુલબુલી ન્યૂઝ એન્કર પલ્લવી દોષીએ તેના જોશીલા, ધારદાર અવાજમાં તે આખી ઘટનાનો એવો વિસ્તારથી અહેવાલ રજૂ કર્યો કે જેમણે પણ એ ન્યૂઝ જોયા તેમણે વિમલરાયના નામ ઉપર થૂં-થૂં કર્યું... સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચી ગયો. ‘ગુજરાત રિપોર્ટ’ના કાર્યાલય પર લોકોના ફોન ધણધણી ઉઠ્યા. વિમલરાય જેવા નપાવટ રાજકારણીના કરતુતોને ખુલ્લા પાડવા બદલ અભિનંદનનો રીતસરનો પ્રવાહ વહ્યો અને અજય અને તેના પરિવાર તરફી હમદર્દીનું પુર ઉમટ્યું... લોકોનો એક જ સુર હતો... વિમલરાયને પ્રજા સમક્ષ ઉપસ્થિત કરો. પ્રજા ખુદ તેનો ન્યાય કરવા અધીરી બની હતી. રાતના દસ વાગ્યાની આસપાસ સુરતમાં અજયના ઘરે તેના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા લોકોની ભીડ ઉમટી પડી... ‘ગુજરાત રિપોર્ટ’ ચેનલનો કાર્યક્રમ હજુ રજુઆત થતો હતો કે તેની સાથે અન્ય બે ચેનલો પર ગાંધીનગરના સચિવાલયના કમરામાં જે ઘટના ઘટી હતી તેના દ્રશ્યો પ્રસારીત થવા લાગ્યા... ન્યૂઝ ચેનલોની ટેલીકાસ્ટના થોડા સમયમાં તો સમગ્ર રાજ્યમાં ભૂકંપ સર્જાયો હતો. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મુખ્યમંત્રીએ તાબડતોબ ઇમર્જન્સીમાં કાર્યકારી સભ્યોની બેઠક બોલાવી... પ્રજા વધુ ઉશ્કેરાય અને રાજ્યમાં અરાજકતાની સ્થિતિ સર્જાય એ પહેલા આ ઘટનામાં લેવા યોગ્ય પગલા વિશે વિચાર-વિમર્શનો દોર ચાલુ થયો હતો...

પ્રેમે ‘બ્લ્યુ હેવન’માં પોતાના રૂમમાં ટી.વી. સેટ પર એ સમાચાર જોયા. તેના રગે-રગમાં ઉત્તેજના વ્યાપી ગઈ. સુસ્મીતા તેની બાજુમાં જ હતી અને તેની પણ એવી જ હાલત થઈ હતી... પ્રેમ આનંદથી નાચી ઉઠ્યો હતો. તેના મિત્ર અજય અને સીમાએ પોતાનું કાર્ય બરાબર રીતે પાર પાડ્યુ હતું. અજયના મનમાં જે આક્રોશ ધુંધવાતો હતો, જે અગ્નિ તેના જીગરમાં સળગતી હતી, જે ધિક્કાર તેને વિમલરાય પ્રત્યે હતો તે ધિક્કારે વિમલરાયને તહસ-નહસ કરી નાખ્યો હતો... ચારે તરફ તેના નામના છાજીયા લેવાઈ રહ્યા હતા.

‘સુમી... તે જોયુ... અજયે વિમલરાયને ખતમ કરી નાખ્યો. મને ખબર હતી કે તે એ કરી શકશે... તેણે કરી બતાવ્યું.’

‘હાં પ્રેમ... અજયે પોતાનો બદલો લીધો... તે ખુબ હિંમતવાન નિકળ્યો... આઈ એમ સોરી પ્રેમ... શરૂઆતમાં મેં જે અજય તરફ પક્ષપાત કર્યો એ મારી ભુલ હતી તે હવે મને સમજાય છે. તું સાચો હતો. મારે અજયની પણ મારી માંગવી છે...’ સુસ્મીતાના અવાજમાં ભારોભાર વસવસો હતો.

‘તું એ કરીશ તો મને ગમશે... એ છોકરામાં એક અગ્નિ ભરેલો હતો. જેની પર સમયની રાખ જામી ગઈ હતી. જેવી એ રાખ ઉડી કે તેણે ચારેબાજુ આગ લગાવી દીધી... વિમલરાય તો હવે ખતમ થઈ ગયા સમજ... હવે ખન્નાનો વારો છે...’

‘પરંતુ પ્રેમ... ખન્ના આ સમાચાર જોઈને સાવચેત થઈ ગયો તો...?’ સુસ્મીતાએ આશંકા વ્યક્ત કરી. તેની વાત એકદમ સાચી હતી... હજુ હમણા થોડીવાર પહેલા જ જ્યારે ઇન્સ. ટંડેલ અહીંથી રવાના થયો ત્યારે પણ સુસ્મીતા કંઈક કહેવા માંગતી હતી પણ તે બોલી નહતી. અને હવે આ સમાચાર જોઈને તેને ચીંતા પેઠી હતી... ઇન્સ્પેક્ટર ટંડેલ મારતી જીપે સુરતથી દમણ આવી ધમક્યો હતો. એમ સમજોને કે તે રીતસરનો ઉડીને જ આવ્યો હતો. તેના દમણ આવવાની જાણ સુરતમાં કોઈને નહોતી... દમણમાં તે સીધો જ ‘બ્લ્યુ હેવન’માં આવ્યો હતો... તેની પાસે કે પ્રેમની પાસે આગતા-સ્વાગતાનો સમય નહોતો. તેઓએ જે પણ ‘એક્શન’ લેવાનું હતું તે ખુબ જ ખાનગીમાં અને તાત્કાલીક લેવાનું હતું. એટલે ‘બ્લ્યુ હેવન’ના એ સ્યૂટમાં એ.સી.ની ઠંડક વચ્ચે પ્રેમ અને ટંડેલ વચ્ચે જે સ્ટ્રેટેજી ગોઠવાઈ તે સાંભળીને સુસ્મીતાના ઠંડીમાં પણ રૂંવાટા ખડા થઈ ગયા હતા... થોડીવાર પહેલા જ ટંડેલ કોઈકને મળવા અહીંથી રવાના થયો હતો... દોલુભાની બોટ કયા ઠેકાણે, કેટલા વાગ્યે આવવાની હતી તેની જાણ પ્રેમ કે ટંડેલ બંનેમાંથી કોઈને નહોતી. તેમ છતા તેઓ બેફીકર હતા કારણ કે પ્રેમ જાણતો હતો કે ખન્નાએ જોરાવરસીંહ ઉર્ફે જોરાને પોતાની સાથે રાખ્યો હતો એટલે જોરાનો પીછો કરવાથી એ જાણી શકાવાનું હતું કે તે ક્યાં જાય છે. પ્રેમે બોસ્કીની જ ડીટેક્ટીવ એજન્સીમાંથી એક વ્યક્તિ મુકેશ પરમારને જોરાવરસીંહ પાછળ લગાવી દીધો હતો... એક અંદાજ પ્રમાણે દોલુભાની બોટ રાતના લગભગ બે થી ત્રણ વાગ્યાની આસપાસમાં દમણના કાંઠે લાંગરવી જોઈએ એટલે પ્રેમ અને ટંડેલે પોત-પોતાની રીતે તૈયારીઓ કરીને બરાબર એકના ટકોરે એકબીજાને મળવાનું ઠેરવ્યું હતું... અત્યારે સુસ્મીતાએ જે શંકા વ્યક્ત કરી હતી એવી શંકા તો પ્રેમને પણ ઉદ્‌ભવી હતી. તેમ છતા તે બેફીકર હતો...

‘સુમી... જો ખન્ના જાણશે તો પણ તે કંઈ કરી નહીં શકે. કારણ કે હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. દોલુભાની બોટ નીકળી ચૂકી હશે અને તેને અહીં લાવ્યા સિવાય હવે તેની પાસે કોઈ આરો જ નથી. અને આમ પણ તે હજુ સુધી એવું જ ધારતો હશે કે તેના બદલાયેલા પ્લાનની કોઈને ખબર નહીં હોય... સુરતના ઠેકાણે બોટ દમણમાં આવનારી છે તેની જાણ કોઈને નહીં હોય. એટલે તે મુસ્તાક હશે... તે આ ડીલ કોઈ કાળે કેન્સલ નહીં કરે તેની મને ખાત્રી છે... અને આપણે તેની આજ ગફલતનો ફાયદો ઉઠાવવાનો છે...’ પ્રેમે ઠંડકથી કહ્યું. તેના ચહેરા પર અત્યારે ગજબની સુરખી ફેલાઈ હતી. પ્રેમના આત્મવિશ્વાસને જોઈને સુસ્મીતાને પણ આગળ બોલવું સુઝ્‌યુ નહોતું...

જો... કે... તે સમયે ખન્નાએ તેની રૂમનું ટી.વી. ચાલુ જ નહોતું કર્યું. તે વિમલરાયવાળી ઘટનાથી સાવ અજાણ જ હતો. એ તેના નસીબની બલીહારી હતી...

કયામતનો સમય નજીક આવી રહ્યો હતો... આર. કે. ખન્ના ‘બ્લ્યુ હેવન’ના પોતાના સ્યૂટના દરવાજાને લોક કરી નીચે રીશેપ્શન હોલમાં આવ્યો. તેની ચાલ અને શરીરનો બાંધો ખરેખર લશ્કરી અફસરને છાજે એવો હતો. માથામાં એકદમ ટૂંકા, સફાઇદાર રીતે કાપેલા ઝીણા વાળ, હોઠ ઉપર આછી પણ એકદમ કાળાવાળ ધરાવતી મુંછ, કંઈક અંશે ભરાવદાર અને સખત ચહેરો... એ ચહેરા પર રમતા મક્કમતાના ભાવો... તે ખૂંખાર વ્યક્તિ હતો. આજે તેનો દિવસ હતો. મગરૂબીથી ચાલતો તે રીશેપ્શન કાઉન્ટરે આવી પહોંચ્યો... કાઉન્ટર પર રૂમની ચાવી આપીને તે લાઉન્જ વટાવી, કાચનો દરવાજો ખોલી સ્વીમીંગપુલ બાજુ વળ્યો... સ્વીમીંગપુલના કીનારે મુકાયેલી ચેરમાં તેણે બેઠક લીધી અને થોડીવાર કંઈક વિચારતો હોય તેમ ત્યાં જ બેસી રહ્યો... તે પોતાની તૈયારીઓ ઉપર મુસ્તાક હતો છતા વિચારવું જરૂરી હતું. તેણે પેન્ટના ખિસ્સામાંથી સીગારેટનું પેકેટ કાઢી એક સીગારેટ સળગાવી... એક ઉંડો કશ લીધો અને ધુમાડો બહાર છોડ્યો... તે વિચારતો હતો કે સુરત ના બદલે દમણમાં તે પેટીઓની ડીલીવરી લેવાનું ગોઠવાયુ એ એક રીતે તો સારુ જ થયુ હતું... જો કે એ ફેરફારના કારણે વ્યવસ્થા ગોઠવવામાં થોડીક દોડધામ જરૂર થઈ હતી તેમ છતા બધું ગોઠવાયુ હતું... સૌથી મોટી સમસ્યા હાજી-મસ્તાનને મનાવવાની હતી, પણ તે આસાનીથી માની ગયો હતો. અહીં માલ ઉતાર્યા બાદ તેને તેની મુકલ્લમ જગ્યાએ પહોંચાડવાની પણ સમસ્યા ઉદ્‌ભવી હતી, પરંતુ એ પણ ગોઠવાઈ ગયુ હતું. દરબાર ટ્રાન્સપોર્ટની એક ઑફિસ વાપીમાં હતી ત્યાંથી ટ્રકની વ્યવસ્થા થઈ ચૂકી હતી... ટ્રકની સાથે ડ્રાઇવર અને ક્લીનર બે માણસો આવવાના હતા એટલે દરિયાકિનારેથી ટ્રકમાં માલ ભરવા માટે બીજા માણસોની જરૂર પડવાની હતી... કારણ કે દરિયાકિનારાની રેતીમાં ટ્રક છેક બૉટ સુધી જઈ શકે નહિ, એટલે માલ બોટમાંથી ઉતારીને ટ્રક સુધી પહોંચાડવો પડે તેમ હતું. જો કે એ સમસ્યા પણ ટળી હતી... જોરાએ પોતાના માણસો એ માટે સાથે લીધા હતા... આમ આખો પ્લાન એકદમ ફુલપ્રુફ અને વ્યવસ્થિત ગોઠવાઈ ગયો હતો... ખન્ના ક્યાંય સુધી ત્યાં ખુરશીમાં જ બેસી રહ્યો. તેને ઉતાવળ નહોતી... આખરે તે ઉભો થયો. તેણે પોતાની રીસ્ટવોચમાં સમય જોયો... એક વાગવા આવ્યો હતો. તે હોટલના પાર્કિંગ એરીયા તરફ ચાલ્યો. તેના અને જોરા વચ્ચે નક્કી થયા મુજબ તેણે જોરાને દેવકાબીરાથી થોડેદુર આવેલા ઇન્ડીયનબાર પાસેથી પીક-અપ કરવાનો હતો... ખન્નાએ પાર્કિંગ લોટમાંથી પોતાની ગાડી બહાર કાઢી અને દમણના સૂમસાન રસ્તા પર ઇન્ડીયનબાર તરફ રફતારથી ભગાવી...

***