Nasib - 15 books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 15

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૫

સમય ઘણી ઝડપે વીતી રહ્યો હતો. સમય સાથે કદમ મિલાવીને ચાલવું દુશ્કર બની જતું હતું. રાત ટૂંકી અને વેશ ઝાઝા ભજવવાના હતા. સમસ્યા એ હતી કે હજુ સુધી એ પણ નક્કી નહોતું થઈ શક્યું કે કોણે શું ભૂમિકા ભજવવી...? મામલો વિસ્ફોટક હતો. જો સહેજ પણ શરતચૂક થાય તો પરિણામ ગંભીર આવે તેમ હતું. પોલીસને ખબર કરવી કે નહીં તે પણ એક સમસ્યા હતી. જો અત્યારે જ પોલીસને જાણ કરવામાં આવે તો તેમણે બધાંએ ઘણાબધા પ્રશ્નોના જવાબ આપવા પડે, અને ચોક્કસ તેઓ ફસાઈ જાય એવી સ્થિતિમાં હતા. સૌથી વિકટ પ્રશ્ન મંગાના ખૂનનો બનવાનો હતો. તેનો ઉકેલ જરૂર આવ્યો હતો, તેમ છતાં પ્રશ્ન હતો જ... એટલે પ્રેમ એન્ડ પાર્ટીએ તરત તો પોલીસને ઇન્ફોર્મ કરવાનું મુલતવી રાખ્યું હતું પણ ભવિષ્યમાં પોલીસને ઇન્વોલ્વ કર્યા વગર ચાલે એમ પણ નહોતું.... એટલે એ મામલો અધ્ધર છોડવામાં આવ્યો. હાલ પૂરતું હવે શું કરવું તેના ઉપર ફોકસ કરવામાં આવ્યું... આયોજન ઝડબેસલાક બનાવવું જરૂરી હતું. ન કરે નારાયણ ને કાંઈ ભયાનક ઘનટામાં તેઓ સંડોવાય તો એક બાબત તો નક્કી જ હતી કે તેઓ બધાને જેલભેગા થવાનો વારો આવે... અથવા તો વિમલરાય અને તેના માણસો જ તેમને જીવતા ન છોડે કારણ કે તે લોકો એમની પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હોય.

આ ઉપરાંત પણ એક નવી સમસ્યા ઉભી થવાની હતી. વિમલરાય ભુપતનો કોન્ટેક્ટ કરશે... તેને કરવો જ પડશે... ત્યારે શું...? જ્યારે તે જાણશે કે ભુપત અને વેલજી હૉસ્પિટલમાં છે અને તેમને ટોર્ચર કરાયા છે ત્યારે તે સાવધ બની જશે. શક્ય છે કે તે પોતાના આયોજનમાં ફેરફાર કરી નાખે, અને જો તેમ થયું તો ફરી પાછું બધું નવેસરથી ગોઠવવાનું થાય.

અત્યારે સવારના સાડા સાતનો સમય થયો હતો. પ્રેમ સ્ટોરરૂમમાં એક ખુરશી પર બેસીને આવું જ કાંઈક વિચારી રહ્યો હતો. પ્રેમ સિવાયના દરેક વ્યક્તિઓના મનમાં પણ સવાલોનો ખડકલો સર્જાયો હતો. પ્રેમ, સુસ્મિતા, અજય, સીમા અને બોસ્કી... આ દરેકના મન જુદી જુદી દિશામાં વિચારી રહ્યા હતા છતાં તે તમામની મંઝિલ એક જ હતી... ‘વિમલરાય અને ખન્નાની બાજી ઊંધી વાળવી...’ એ નાનકડા સ્ટોરરૂમમાં કંઈક અગમ્ય શાંતિ અને સ્તબ્ધતા પથરાયેલી હતી. તેઓના શ્વાસોચ્છ્‌વાસ પણ એકબીજા સાંભળી શકે એવી નીરવતા પ્રસરી હતી. તેઓ કોઈ એક નિર્ણય પર આવી શકતા નહોતા... આખરે અજય અકળાઈને બોલી ઊઠ્યો...

‘પ્રેમ, સીમા... બીજા કરતાં તમારા બન્નેના દિમાગ કંઈક વ્યવસ્થિત ચાલે છે. કંઈક તો વિચારો કે હવે શું કરવું...? મને તો અત્યારે ભયાનક ક્રોધ આવે છે. મારું ચાલે તો હું અત્યારે જ વિમલરાયના કમરામાં જઈને તેને ગોળી મારી દઉં એટલે આખો ઝમેલો અહીં જ પૂરો થાય... મને વિમલરાય કે ખન્નાના પ્લાનમાં કોઈ જ રસ નથી. હું ફક્ત મારા પિતાજી અને તુલસીના મોતનો બદલો લેવા માગું છું. જ્યાં સુધી હું વિમલરાયને મારી આંખો સામે તડપતો નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં આવે...’

‘એ મોકો તને મળશે જ અજય...’ પ્રેમે ગંભીરતાથી કહ્યું. અજયના શરીરમાં છવાયેલા ઉશ્કેરાટને તે સમજી શકતો હતો. અને તે પોતે પણ એવું જ કંઈ વિચારી રહ્યો હતો... ‘સીમા...’ તેણે સીમા તરફ ફરતાં કહ્યું.

‘હંમ્‌....’ સીમાએ તેની નજર અજય ઉપરથી ફેરવી પ્રેમ તરફ જોયું.

‘તું અને અજય વિમલરાય પાછળ લાગો... મારું અનુમાન છે કે આજે રાત્રે ભુપતના કહેવા પ્રમાણે જ્યારે પેલી પેટીઓ આવશે ત્યારે વિમલરાય જાતે ત્યાં ઉપસ્થિત નહીં જ રહે... તે કામ જરૂર ખન્ના કરશે...’ પ્રેમ ફરી અટક્યો. જાણે તેને કાંઈ સૂઝ્‌યું હોય તેમ તે સુસ્મિતા તરફ ફર્યો.

‘સુસ્મિતા, તું જરા તપાસ કરાવ તો કે વિમલરાય કેટલા દિવસ અહીં રોકાવાનો છે...?’

‘તે આજે સવારે, હમણાં દસ વાગ્યે અહીંથી ગાંધીનગર જવા રવાના થવાનો છે. તેના ચેક-આઉટ સમયની મને જાણ છે...’

‘અને ખન્ના...?’

‘એ જાણવું પડશે...’

‘તો જાણ... અને કહે...’ પ્રેમે કહ્યું અને સુસ્મિતા ફોન તરફ લપકી. તેણે રિસેપ્શન પર જુલીને ફોન લગાવ્યો... એ દરમ્યાન પ્રેમે બોસ્કીને કહ્યું,

‘બોસ્કી, તારે એક કામ કરવાનું છે....’ બોસ્કીએ તે સાંભળીને સુસ્મિતા તરફ જોયું. પ્રેમના ધ્યાન બહારું નહોતું ગયું.

‘આમાં તારે તારી મેડમને પુછવાની જરૂર નથી. તને ‘બ્લ્યૂ હેવન’માં જોતાં જ હું સમજી ગયો હતો કે તને સુસ્મિતાએ શું કામ અહીં બોલાવ્યો છે...’ પ્રેમે કહ્યું. પ્રેમે બોસ્કીને તે દિવસે સાંજે ડાયનિંગ હૉલમાં જોયો હતો. બોસ્કીની હાજરી હોવી મતલબ જરૂર તે કોઈકના વતી જાસૂસી કરવા આવ્યો હોય... અને તે કોના વતી જાસૂસી કરી રહ્યો હતો એ પણ પ્રેમ સમજી ગયો હતો. તેણે સુસ્મિતા અને બોસ્કીને એકસાથે ભુપતના કમરામાં પ્રવેશતાં જોયા ત્યારે જ તેને લાઇટ થઈ ચૂકી હતી. અત્યારે બોસ્કીને પ્રેમની વાત સાંભળીને આશ્ચર્ય જરૂર થયું પરંતુ પછી તે પ્રેમની કાબેલિયતની પ્રશંસાભરી નજર જોઈ રહ્યો.

‘ઓ.કે... એ સિવાય બીજો કોઈ હુકમ...?’ બોસ્કીએ પૂછ્યું.

‘હુકમ એક જ છે કે તું જલ્દીથી ડૉ. પ્રિતમસિંહને ક્લિનિકે પહોંચી જા. વિમલરાય ભુપતને ફોન કર્યા વગર રહેશે નહીં અને તેનો ફોન આવે ત્યારે તારે ભુપત પાસે હોવું અત્યંત જરૂરી બનશે...’ કહીને પ્રેમે બોસ્કીને સમજાવ્યું કે તેણે શું કરવાનું છે. બોસ્કી જેમ જેમ પ્રેમની યોજના સાંભળતો ગયો તેમ તેમ તેને પ્રેમની નિર્ણયશક્તિ ઉપર માન વધતું ગયું... આખરે તે ત્યાંથી ભુપત પાસે જવા રવાના થયો.

પ્રેમ બોસ્કીને સમજાવી રહ્યો હતો એ દરમ્યાન સુસ્મિતાએ ફોન ઉપર જુલી સાથે વાત કરી લીધી હતી. તેણે ફોન મુક્યો ત્યારે તેના ચહેરા પર ગંભીરતા હતી.

‘પ્રેમ, કંઈક ગરબડ થઈ લાગે છે...’ તે બોલી, ‘ખન્નાએ તેનો પ્રોગ્રામ બદલ્યો છે. હમણાં થોડી વાર પહેલાં જ તેણે પોતાનું ચેક-આઉટ કેન્સલ કરાવ્યું છે. તે આજે અત્યારે દસ વાગ્યે જવાનો હતો પરંતુ તેણે તેમાં ફેરફાર કર્યો છે. તે અહીં જ રોકાવાનો છે... મને જુલીએ કહ્યું.’ સુસ્મિતા અટકી.

તેના સુંદર-ગુલાબી ઝાંયવાળા ચહેરા પર પરેશાનીના ભાવ અંકાયા હતા. તેના કપાળની સુંવાળી ચામડીમાં પરેશાનીના સળ પડ્યા અને તેની ભ્રમરો ખેંચાઈને ભેગી થઈ ગઈ હતી, જેના કારણે તેની ખૂબસુરતી ઓર વધી ગઈ હતી. પ્રેમે સુસ્મિતાના ચહેરાને જોઈને રોમાંચ અનુભવ્યો. તે અત્યારે ગજબની રૂપાળી લાગીરહી હતી. જાણે કોઈ ચિત્રકારે પોતાના હૃદયની કલ્પનાથી એ સુંદરતાને કેન્વાસ પર ઢાળી હોય... પ્રેમને અચાનક તેને પ્રેમ કરવાનું મન થયું. તે કંઈક અદ્‌ભુત સંમોહન અનુભવતો સુસ્મિતાને જોઈ રહ્યો. તેને અત્યારે સુસ્મિતાને આલિંગવાનું, તેને ચુમવાું મન થયું... અને, જો પરિસ્થિતિ તંગ ન હોત તો તેણે એમ કર્યું પણ હોત...

‘પ્રેમ...’ કંઈક ચીડાઈને સુસ્મિતાએ કહ્યું. તેણે પ્રેમની આંખોમાં છવાયેલી આસક્તિ જોઈ અને તેના હૃદયમાં કંઈક અકથ્ય સંવેદન જાગ્યું. તે અકળાઈ ઉઠી.

‘ઓ.કે.... હા, તો તું શું કહેતી હતી...?’ અચાનક તે સજાગ થયો. ‘ખન્ના અહીં જ રોકાવાનો છે... હમ્‌... આપણે તેની તપાસ કરાવીશું. આઇ થીંક કે ખન્નાએ પોતાના બદલે બીજી કોઈ વ્યક્તિને તે પેટીઓની ડિલિવરી લેવાનું સોંપ્યું હોય... આપણે જાણવું પડશે કે તેણે શું કામ પ્લાન બદલ્યો...’ કહીને તે અટક્યો. ‘ઓ.કે... લેટ્‌સ કમ હિયર... આપણે પહેલેથી આખી સિચ્યુએશનને વિચારીએ...’ તેણે પોતાની ખુરશી ખેંચીને રૂમની મધ્યમાં ગોઠવી એટલે બધા તેને ઘેરાઈને કુંડાળું બનાવીને ગોઠવાયા.

‘સૌથી પહેલા તો આપણે જ્યાં સુધી વિમલરાયનો ફોન ભુપત ઉપર ન જાય ત્યાં સુધી રાહ જોવી પડશે... એક વાર તેમની વચ્ચે વાતચીત થઈ જાય ત્યારબાદ જ આપણે આગળ વધી શકીશું...’ પ્રેમે કહ્યું.

‘ભુપત લોચો મારશે તો...?’ અજયે આશંકાથી પુછ્યું.

‘તે કંઈ ગરબડ ન કરે એટલા માટે જ બોસ્કીને તેની પાસે મોકલ્યો છે. તે ભુપતને બરાબર હેન્ડલ કરશે... તેમ છતાં જો ભુપત તેનું ડહાપણ ડોળશે તો આપણા માટે મુશ્કેલી સર્જાવાની એ નક્કી છે... અત્યારે તો આપણે એમ માનીને ચાલીએ કે ભુપત આપણે જેમ કહેવડાવવા ધારીએ છીએ એવું જ વિમલરાયને કહેશે... અને જો તેમ થયું તો ચોક્કસ વિમલરાય ગાંધીનગર જવા રવાના થશે. તે ગાંધીનગર પહોંચે તેની પાછળ-પાછળ તમારે બન્નેએ પણ ગાંધીનગર પહોંચવાનું છે...’

‘પરંતુ... અમે વિમલરાયની પાછળ જઈને કરીશું શું...?’ સીમાએ પ્રશ્ન કર્યો. તેને પ્રેમની આ સ્ટ્રેટેજી સમજાઈ નહીં.

‘એ તો મને પણ નથી ખબર... કદાચ કંઈ જ ન કરવાનું થાય... તેમ છતાં મારું અનુમાન એવું કહે છે કે તમે બન્ને વિમલરાય ઉપર નજર રાખો. આપણી પાસે અત્યારે તેના વિરુદ્ધ સજ્જડ પુરાવો છે કે તેણે જ મોહનબાબુ અને તુલસીનું ખૂન કરાવ્યું હતું...’

‘ઓહ્‌... યસ...’ સીમાએ કહ્યું. હમણા થોડી વાર પહેલાં આ કમરામાં ભુપતે જે બયાન આપ્યું હતું તે કબૂલાતની વિડિયોટેપ ઉતરી ચૂકી હતી. સુસ્મિતાએ અહીં આ સ્ટોરરૂમમાં જે કંઈપણ ગતિવિધિ થાય તેનું રેકોર્ડિંગ થઈ શકે એવી વ્યવસ્થા પહેલેથી જ કરાવી રાખી હતી અને ભુપતે જે વિસ્ફોટક બયાન આપ્યું હતું તે રેકોર્ડિંગ થઈ ચૂક્યું હતું. એ ટેપ અત્યારે તેમની પાસે જ હતી. અને વિમલરાય માટે એ રેકોર્ડિંગ કોઈ તોપગોળાથી કમ નહોતું. જો એ ટેપનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ બન્નેને જેલના સળિયા ગણવાનો વારો આવે. પ્રેમ એવું જ કંઈક વિચારતો હતો... પરંતુ... તેમ છતાં તે જાણતો હતો કે વિમલરાય રાજ્યનો ગૃહપ્રધાન હતો અને રાજકારણમાં તેની પકડ અને વગ જબરદસ્ત હતી. પોલીસ ખાતામાં પણ તેની ધાક હોવાની... એટલે જ્યારે આ ટેપરૂપી દારૂગોળો બહાર પડે ત્યારે ગમે તે ભોગે તે આ વિડિયોટેપને સગેવગે કરવાની કોશિષ કરે જ... રાજકારણીઓ માટે પોતાની સત્તાનો દુરુપયોગ એ કંઈ નવી વાત ન હતી. વર્ષોથી એ થતું આવ્યું છે અને આગળ પણ થશે જ... એટલે વિમલરાય પોતાની સત્તાની ધાક જમાવીને એવું પણ સાબિત કરી શકે કે ભુપત તેનો માણસ છે જ નહીં... તે ઓપોઝિશન પાર્ટીનો સભ્ય છે અને પોતાને બદનામ કરવાની આ વિપક્ષની ચાલ છે. વિમલરાય પોતાની ચામડી બચાવવા ગમે તે હદ સુધી જઈ શકે એ તમામ વ્યક્તિઓ જાણતા હતા.

‘તમારે આ ટેપ કોઈ યોગ્ય વ્યક્તિના હાથમાં પહોંચે એવી વ્યવસ્થા કરવી પડશે કે જેથી વિમલરાયને સહેજ પણ છટકવાની જગ્યા ન મળે... એ કેમ કરવું તે તમારે જોવાનું રહ્યું... પણ જોરદાર ધમાકો થવો જોઈએ...’ પ્રેમે કહ્યું.

‘એમ જ થશે... હું એ કરીશ... અમે બન્ને ભેગા મળીને એ કરીશું... એક ભયાનક ધમાકો, જેમાં વિમલરાયના કુચ્ચા ઉડી જશે...’ અજયે દાંત ભીંસીને કહ્યું. તેના જડબા તંગ થયા અને આંખોમાં લાલાશ છવાઈ... ‘તે હરામખોર હવે છટકી નહીં શકે. તેણે સત્તા પર આવીને જે કાળો કેર કર્યો છે અને જનતાનું લોહી ચૂસીને જે દોલત અને માનમરતબો મેળવ્યા છે અને અમે ધૂળમાં મેળવી દઈશું... લોકો સામે તેના કરતૂતોનો ભાંડો ફોડી નાખીશું કે જુઓ જનતા-જનાર્દન, આ પાપી-પાખંડી વિમલરાય છે જેને તમે વૉટ આપીને માનભેર તમારી છાતી ઉપર બેસાડ્યો છે. એ તમારી છાતી પર બેસીને તમારા જ મોતના સોદાઓ કરી રહ્યો છે... ઓળખી લો આ હરામખોરને...’ આવેશમાં આવીને અજય બોલી ઊઠ્યો. તેના હૃદયમાં દાવાનળ સળગ્યો હતો જેની આગ રૂમમાં એકઠા થયેલા તમામ લોકોના જીગરમાં ફેલાઈ હતી. જવાન લોહી ઉકળી ઉઠ્યું હતું જે આવનારા ધરતીકંપની આગાહી સમાન હતું. એ નાનકડી રૂમમાં વાતાવરણ ગરમ થઈ ઉઠ્યું.

‘તો એ નક્કી રહ્યું... તમારે કોઈપણ ભોગે વિમલરાયને ઉઘાડો પાડવો. કામ સહેલું નથી પરંતુ જો હોંસલો બુલંદ હશે તો જીત જરૂર આપણને જ મળશે. તમારી તૈયારીમાં લાગી જાવ... કારણ કે વિમલરાય રાઇટ દસ વાગ્યે અહીંથી પોતાના પ્રાઇવેટ ચૉપરમાં બેસીને ગાંધીનગર જવા નીકળશે... તે અહીંથી રવાના થાય એ પહેલાં ભુપતને ફોન જરૂર કરશે જ અને ત્યારે આપણને આપણી યોજના ધડવાની ખબર પડશે, તેના આધારે જ આપણે પ્લાનમાં જો કોઈ ફેરફાર કરવાનો થાય તો એ કરીશું. છતાં, તમે તૈયાર રહો. ગમે તે ઘડીએ તમારે નીકળવું પડશે...’ પ્રેમે અજય અને સીમાને જોઈને કહ્યું. ‘સુસ્મિતા અહીં જ રહીને બધા વચ્ચે કો-ઓર્ડિનેશનનું કામ કરશે. ખન્ના અહીં જ રોકાવાનો છે એટલે તેના ઉપર નજર રાખવી પણ જરૂરી છે. એ કામ સુસ્મિતા સંભાળશે...’

‘અને તું...?’ સહસા સુસ્મિતાએ પુછ્યું.

‘હું સુરત જઈશ... જે પેટીઓ દોલુભાની બોટમાં સુરતના દરિયાકિનારે આવવાની છે એ પેટીઓ આપણા માટે મહત્ત્વની છે. ત્યાં મારો મિત્ર પી.આઈ. ટંડેલ છે જે મારી મદદ કરશે. આપણે હવે તેની મદદ લેવી પડશે. ટંડેલ મારો ખાસ જિગરી મિત્ર છે અને સાથે સાથે એક ખુર્રાટ અને બાહોશ પોલીસ ઓફિસર પમ છે એટલે જો તે સાથે હશે તો આપણું કામ ઘણું આસાન થઈ પડશે...’ પ્રેમે કહ્યું.

આખરે ‘બ્લ્યૂ હેવન’ના પાર્કિંગ પ્લોટમાં આવેલા સ્ટોરરૂમમાંની મિટીંગ પૂરી થઈ હતી. બધાના ચહેરા પર એક આત્મવિશ્વાસ વર્તાતો હતો અને દિલમાં જોશ છવાયું હતું. આવનારા ચોવીસ કલાક મહત્ત્વના હતા. જાણે કોઈ યુદ્ધના મેદાનમાં ઉતરવાનું હોય એવો ઉશ્કેરાટ અને ઉત્તેજના તેઓના દિલોદિમાગમાં છવાણો હતો. તંગ ચહેરા પર કંઈક કરી છુટવાી ભાવના સ્પષ્ટ વર્તાતી હતી... થોડી વાર બાદ તમામ પોતપોતાના સ્યૂટમાં જવા સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા અને લીફ્ટમાં ઘુસ્યા... એ સમયે ઘડિયાળનો કાંટો નવ ઉપર આવીને અટક્યો હતો...

જોકે તેઓ નહોતા જાણતા કે સુરતનો પી.આઈ. ટંડેલ તો ક્યારનો એ પેટીઓ અને તેની સાથે આવનારા માણસોના સ્વાગતની તૈયારીઓ આટોપીને ઘરે જઈને ઊંઘી ગયો હતો.

ટંડેલને આંચકો લાગ્યો... જબરદસ્ત આંચકો... તેનું મોં હેરતથી ખુલ્લું જ રહી ગયું અને હાથમાં પકડેલા ફોનના રિસિવરની પકડ ઢીલી પડી ગઈ. તેની હથેળીમાં પરસેવો છવાયો અને લગભગ હાંફતો હોય તેમ તે પલંગ ઉપર બેસીગયો. હમણા જ ફોન ઉપર તેણે જે સાંભળ્યું એના પર તે વિશ્વાસ નહોતો કરી શકતો.

‘તું સાચું કહે છે પ્રેમ...?’ જાણે ફરી-ફરીને ટંડેલ પાકું કરવા માગતો હોય તેમ પુછ્યું.

‘મને હતું જ કે તને આ વાત સાંભળીને આંચકો લાગશે જ... પરંતુ વાત સાવ સાચી છે. મને પોલીસ ખાતામાં તારા સિવાય બીજા કોઈના પર સહેજે ભરોસો નથી એટલે જ તને ફોન કર્યો છે...’ ફોનના સામા છેડે પ્રેમ હતો તેણે કહ્યું.

અને... ટંડેલને જેવો આંચકો લાગ્યો હતો એવો જ આંચકો પ્રેમે હમણાં થોડી વાર પહેલાં અનુભવ્યો હતો. અને એ પણ જોરાવરસિંહ (જોરા)ની વાત સાંભળીને... જોરાવરસિંહ લગભગ અગિયારના સુમારે પ્રેમને મળવા આવ્યો હતો. તે આવ્યો એ પહેલાં વિમલરાય હોટલના ટેરેસ પર બનાવાયેલા હેલીપેડ પરથી પોતાના હેલિકોપ્ટરમાં ગાંધીનગર જવા ઊડી ગયા હતા... તેના ગયાના અડધા કલાક બાદ અજય અને સીમા, ભુપતવાળી વિડિયોટેપ લઈને અમદાવાદ જતી શતાબ્દી એક્સપ્રેસમાં વાપીથી ચડ્યા હતા.

એક પછી એક ઘટનાઓ બહુ જ ઝડપથી બની હતી અને તેમાં જોરાની એન્ટ્રીએ પ્રેમને ખળભળાવી મૂક્યો હતો. પ્રેમે જોરાને મંગાની લાશને ઠેકાણે પાડવાનું કામ સોંપ્યું હતું જે તેણે બખૂબીથી પતાવ્યું હતું. જોરા તેનું પેમેન્ટ લેવા આવ્યો હતો. પ્રેમે જોરાને પેમેન્ટ તો ચૂકવી આપ્યું હતું પરંતુ જતાં-જતાં જોરાએ જે માહિતી તેને આપી હતી એ સાંભળીને પ્રેમ રીતસરનો ઉછળી પડ્યો હતો... ત્યારે જ તેને સમજાયું હતું કે શા માટે ખન્ના અહીં દમણમાં જ રોકાયો હતો. જોકે એ વાત તો જોરાવરસિંહ પોતાની મગરૂબીમાં જ બકી ગયો હતો પરંતુ એ પ્રેમને માટે પ્રછન્ન આશીર્વાદ સમું નીવડ્યું હતું... પેમેન્ટ ચૂકવ્યા બાદ પ્રેમે જોરાને અમસ્તું જ પૂછ્યું હતું કે...

‘કેમ જોરા... હમણાં કામકાજ કેવું છે...?’

‘અરે બૉસ... વાત ન પુછો. હમણા સુધી તો માખીઓ મારતા હતા પરંતુ તમે મારા માટે લકી સાબિત થયા. તમે મને ગઈ રાત્રે જે કામ સોંપ્યું, એ પતાવ્યું ત્યાં બીજું એક મોટું કામ મળી ગયું... અને તે પણ આ જ હોટલમાંથી... હોટલમાં હવે મારા જેવાની અવરજવર વધી જવાની... અને આપણું તો એવું છે ને કે જે પૈસા આપે તે આપણા બૉસ...’ જોરાએ કહ્યું. જોરાની કોડા જેવી આંખોમાં લાલાશ છવાયેલી હતી. કદાચ તેણે ઘણા દિવસો બાદ સારો એવો દારૂ ઢીંચ્યો હતો. તે નશામાં જ બકી રહ્યો હતો.

‘આ હોટલમાંથી મતલબ...?’ પ્રેમે આશ્ચર્ય ઠાલવ્યું.

‘અરે છોડોને સાહેબ...’ જોરાએ પોતાની પુળા જેવી અડધી કાળી, અડધી ધોળી મૂછો ઉપર હાથ ફેરવતાં કહ્યું. પછી જાણે તે પોતાની જાત પર જ પોરસાતો હોય એમ બોલ્યો, ‘વાપી-દમણમાં આપણું એકચક્રી શાસન ચાલે છે. કોઈપણ કાળું-ધોળું કે બે નંબરનું કામ કરવું હોય તો જોરાને કોન્ટેક્ટ કર્યા વગર ચાલે જ નહીં...’

‘સાચી વાત છે... જોને, મેં પણ તને જ કામ સોંપ્યું હતું ને...? પ્રેમ જોરાની ખુશામત કરતો હોય એવા ભાવ સાથે બોલ્યો, ‘અને તને જેણે અત્યારે કામ સોંપ્યું હશે તેઓ પણ આ વાત જાણતા જ હશે.’

‘અરે કેમ નહીં... આપણી ઓળખાણ તો હવે મિલિટરીના સાહેબો સુધી વિસ્તરી છે. લશ્કરી અફસરોને પણ અમારી સેવાની જરૂર પડી છે... સમજ્યાને સાહેબ...?’

‘લશ્કરને...? શું વાત કરે છે જોરા...? તો તું ખરેખર બહુ મોટો માણસ થઈ ગયોને...’ પ્રેમે કહ્યું તો ખરું પણ જોરાની વાત સાંભળીને તેનું હૃદય તેજ ગતિએ ધડકવા લાગ્યું અને તેના કાન ખેંચાઈને તંગ થયા હતા. નશાની હાલતમાં જોરાવરસિંહ ઘણું બધું અગત્યનું બકવા માંડ્યો હતો.

‘તો શું સાહેબ...’ કદાચ જોરાને સાહેબ બોલવાની આદત હશે એટલે તે પ્રેમને પણ સાહેબ કહેતો હતો, ‘આજે રાત્રે દમણના દરિયાકાંઠે લશ્કરની સામાન ભરેલી પેટીઓ ઉતરવાની છે. એ પેટીઓને ટ્રાન્સફર કરવાનું કામ મને સોંપાયું છે... એ પછીતો આપણી ઓળખાણ ચારેબાજુ આગની જેમ ફેલાશે...’ કહીને તેણે પીળા દાંત બતાવ્યા. પ્રેમ ફરી વાર ચોંક્યો, ‘જોરા, આ શું બકી રહ્યો છે ? પેટીઓ તો સુરતમાં ઉતરવાની છે... તો જોરાવર દમણનું નામ કેમ બોલ્યો ? તો શું બે કન્સાઇનમેન્ટ અલગ અલગ આવવાના હશે...? પ્રેમને ખરેખર મૂંઝવણ ઉદ્‌ભવી. તેણે સાચવીને જોરાને પૂછ્યું,

‘એ પેટીઓ જો લશ્કરની હશે તો તેમાં દારૂગોળો અથવા મશીનગન્સ હશેને જોરા...?’

‘કર્નલ ખન્ના એવું જ કંઈક કહેતા હતા. હશે એ તો... આપણે શું...? એવી મગજમારીમાં આપણે પડતા નથી. કામ કરો, પૈસા ગણો અને રામ રામ...’ તેણે અસલ દેહાતી લહેજામાં કહ્યું. અને તે ઉભો થયો, ‘ઠીક છે સાહેબ... હું જાઉં... બીજું કંઈ કામ હોય તો આ બંદાને બેધડક યાદ કરજો...’ ડગમગતી ચાલે તે બહાર નીકળ્યો અને ચાલ્યો ગયો.

પ્રેમ સ્તબ્ધતા અનુભવતો સોફાસેટમાં જ બેસી રહ્યો. તેના દિમાગમાં ધમાસાણ મચ્યું હતું. જોરાની વાતે તેને ચોંકાવી મુક્યો હતો. ‘ઓહ ગોડ... ઓહ માય ગોડ...’ ખન્નાના અહીં રોકાવાનું કારણ હવે તેની સમજમાં આવતું હતું. એ પેટીઓ સુરતની જગ્યાએ દમણ લાવવામાં આવી રહી હતી... પરંતુ કેમ...? દમણમાં જ શું કામ ? સુરત કેમ નહીં...? એક રાતમાં એવું તો શું બની ગયું કે રાતોરાત તેઓનો પ્રોગ્રામ બદલાયો હતો...? કે પછી બે કન્સાઇનમેન્ટ આવવાના છે...? એક સુરતમાં અને એક દમણમાં...? ના... એવી શક્યતા તો નહોતી કારણ કે એમાં ભારોભાર જોખમ હતું. તો...? સુરતમાં પેટીઓ ઉતરવાની છે એ વાત લીક તો નહોતી થઈ ગઈ ને... જેના કારણે કદાચ તેઓએ પેટીઓ અહીં, દમણમાં ઉતારવાનું નક્કી કર્યું હોય...હા... એમ બની શકે. પણ, તો પછી એ વાત કોણે લીક કરી...? ના... ભુપતે તો કોઈ લોચો નહોતો માર્યો... વિમલરાયે દમણ છોડતાં પહેલાં ભુપતને ફોન કર્યો હતો... ત્યારે બોસ્કી ભુપતની કપાળે ગન રાખીને ઉભો હતો એટલે બોસ્કીએ જે પઢાવ્યું હતું એટલું જ ભુપત બોલ્યો હતો. ભુપતે કોઈ નવી સિચ્યુએશન સર્જી નહોતી. તે પઢાવેલા પોપટની જેમ વિમલરાય સાથે ફોન પર વાત કરી રહ્યો હતો એ પણ કોઈ કમ આશ્ચર્યની બાબત નહોતી. કદાચ તેને થયેલી ઈજાઓ તેના માટે કારણભૂત બની હોય.. જે હોય તે, પણ ભુપત પૂરેપૂરો સહકાર આપવાના મૂડમાં હતો.

ખેર... અત્યારે તો પ્રેમને જોરાના કારણે ઘણી અગત્યની બાતમી સાંપડી હતી. જેમ જેમ તે એ બાતમીનું પૃથક્કરણ કરીને વિચારતો જતો હતો તેમ તેમ તે વધુ ગુંચવાયો હતો. આખરે તે કંટાળ્યો હતો અને તેણે જાણે આખરી ફેંસલો લેતો હોય એમ નિર્ણય લીધો અને સુરત ટંડેલને ફોન લગાવ્યો... તેણે ટંડેલને ફોન કર્યો ત્યારે તે નહોતો જાણતો કે ટંડેલ અને તેના ચુનંદા સાથીઓએ જ પેટીઓના સ્વાગત માટેની પૂરતી તૈયારીઓ કરી ચૂક્યા હતા.

ટંડેલ માટે પ્રેમનો ફોન ધમાકો સાબિત થઈ. તે ભારે હેરતથી પ્રેમની વાત સાંભળી રહ્યો. તેને વિશ્વાસ નહોતો આવતો કે પ્રેમ તેને આટલી ખનગી માહિતી આપી રહ્યો છે. તેને તો એમ જ હુતં કે દોલુભાની બોટ વિશેની બાતમી ફક્ત તેની એક પાસે જ છે. અને તેમાં પણ છેલ્લે જ્યારે પ્રેમે કહ્યું કે એ પેટીઓ સુરતની જગ્યાએ દમણમાં ઉતારવામાં આવવાની છે ત્યારે તે રીતસરનો ઉછળી પડ્યો હતો.

‘તારે અહીંયાં આવવું પડશે ટંડેલ, મારે તારી મદદ જોઈએ. આ તારો મામલો છે...’ પ્રેમે આખરે કહ્યું.

‘ઓ.કે... પ્રેમ... હું આવું છું... તારી બાતમી જો સાચી હોય તો મારે ત્યાં આવવા સિવાય છુટકો નથી. પરંતુ મારા આવવાની જાણ ત્યાં કોઈને કરતો નહીં... બાકી આપણે રૂબરૂ મળીએ ત્યારે નક્કી કરીશું કે શું કરવું...?’ કહીને ટંડેલે ફોન મુક્યો અને પછી તરત જ તેણે પોલીસ કમિશનરને ફોન જોડ્યો.

ટંડેલે પોલીસ કમિશનરને ફોન કર્યો ત્યારે સુરતના પોલીસ કમિશનર જી.કે. વૈદ્ય ગાંધીનગર જવાની તૈયારી કરી રહ્યા હતા. ગાંધીનગરથી તેમને તાકીદનું તેડું આવ્યું હતું એટલે ગયા વગર તેમનો છુટકો નહોતો. આજે વહેલી સવારે જ ગાંધીનગરથી ગૃહ મંત્રાલય દ્વારા તેમને તાબડતોબ એક અર્જન્ટ મિટીંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ફક્ત એકલા સુરતના પો.કમિશનર જ નહીં, રાજ્યના તમામ કમિશનરોને તે મતલબનો ફોન ગયો હતો અને તમામ પોલીસ કમિશનરોને તાકીદે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા... એ વિમલરાયની એક ચાલ જ હતી... વિમલરાયે ગુજરાતના તમામ શહેરોના પોલીસ કમિશનરોને ગાંધીનગર તેડાવ્યા હતા. મુદ્દો એ હતો કે સરકારને ખુફિયા ઇન્ટેલિજન્સ વિભાગમાંથી એવી બાતમી મળી છે કે આવનારા નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં આતંકવાદીઓ ભયાનક કાવતરાને અંજામ આપવાના છે... એવું કંઈ ન થાય અને આતંકવાદીઓના મનસૂબા પૂરા થાય તે પહેલાં તેમને નશ્યત કરવાનો પ્લાન ઘડી કાઢવા તમામ પોલીસ કમિશનરોને તાકીદની મિટીંગ બોલાવવામાં આવી હતી.

એ મિટીંગ બોલાવવા પાછળનું ખરું કારણ તો કંઈક અલગ જ હતું. વિમલરાય અને ખન્નાએ જ્યારે જાણ્યું કે તેમનો પ્લાન લીક થઈ ચૂક્યો છે અને સુરતની પોલીસના આલા અફસર એ પેટીઓના સ્વાગતમાં લાગ્યા છે, ત્યારે જ એક નવો પ્લાન બી ઘડાયો હતો. એ પ્લાન મુજબ સમગ્ર ગુજરાતની પોલીસનું ધ્યાન બીજે વાળવા વિમલરાયે ગાંધીનગરમાં રાજ્યના તમામ કમિશનરોને મિટીંગના બહાને આમંત્ર્યા હતા. જેથી સમગ્ર પોલીસતંત્ર અસમંજસમાં રહે અને વિમલરાય પોતાનું કામ આસાનીથી કરી શકે... વિમલરાયે ખાસ તો સુરતના પોલીસ કમિશનર જી.કે. વૈદ્યને પર્સનલી ફોન કરીને આમંત્રણ આપ્યું હતું કે જેથી જ્યારે ટંડેલ દોલુભાની બોટને આંતરવા હજીરાના દરિયાકાંઠે પહોંચે અને ત્યાં રાહ જોયા બાદ કંઈ જ હાથમાં ન આવે તો, એવા સમયે આગળની કાર્યવાહી કરવા તેણે વૈદ્યને ફોન કરવો પડે... અને જ્યારે ટંડેલ વૈદ્યને ફોન કરે એ સમયે જો વૈદ્ય મિટીંગમાં વ્યસ્ત હોય તો ન છુટડે ટંડેલે રાહ જોવી પડે અને એ સમય દરમ્યાન પેટીઓ દમણના કિનારે ઉતરીને તેની મંઝિલે રવાના થઈ ચૂકી હોય. વિમલરાય અને ખન્નાએ આવી જ કંઈક ગણતરીઓ કરીને બાજી ગોઠવી હતી... પરંતુ વિમલરાય થોડી સેકન્ડો માટે મોડો પડ્યો હતો... જી. કે. વૈદ્ય ગાંધીનગર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ટંડેલનો ફોન આવ્યો હતો.

ટંડેલે કમિશનર વૈદ્યને સુરતના બદલે દમણમાં માલ ઉતરવાનો છે એ બાબતે માહિતગાર કર્યા... વૈદ્યે તો ખરેખર આ બાબતને આટલી ગંભીરતાથી લીધી જ નહોતી. એટલે તેમણે ટંડેલને પોતાની રીતે જેમ ઠીક લાગે તે પ્રમાણે એક્શન લેવાની પરમિશન આપી અને ફોન મુક્યો. ટંડેલને આ જ જોઈતું હતું. કમિશનરનો ઑર્ડર જાણે તેના માટે મોકળું મેદાન હતું. તે તરત તૈયારીમાં લાગી ગયો. તેને પાક્કી ખાતરી થઈ ચૂકી હતી કે આ પ્લાન એમ ને એમ તો નહીં જ બદલાયો હોય... જરૂર તેના સ્ટાફમાંથી જ કોઈક ફૂટી ગયું હશે... એટલે તેણે તાત્તકાલિક પોલીસ સ્ટેશને ફોન કરીને સાંજનું ઑપરેશન ‘દોલુભા’ કેન્સલ કરાવ્યું.

થોડી વાર બાદ તે જ્યારે સુરતથી દમણ જવા નીકળ્યો ત્યારે તે અને તેના ત્રણ વફાદાર સાથીઓ ધીરજ બ્રહ્મચારી, યશવંત પટેલ અને મુનાફ ચૌધરી સિવાય બીજા કોઈને ખબર નહોતી કે ટંડેલે શા માટે સાવ અચાનક હજીરાવાળો પ્લાન કેન્સલ કર્યો અને અત્યારે તેઓ ક્યાં જઈ રહ્યા હતા !

દમણની સોનેરી ધરતી તેમને બોલાવી રહી હતી. તેનો જીગરીજાન દોસ્ત પ્રેમ તેને બોલાવી રહ્યો હતો. અને... એક ખતરનાક સાજીશનો ભયંકર અંજામ તેને આમંત્રી રહ્યો હતો.

પરિસ્થિતિ ખરેખર ગંભીર વળાંક લઈ ચૂકી હતી. પાછલી એક રાતમાં સિચ્યુએશન બદલાઈ હતી. એવા ગુંચવાડા સર્જાયા હતા કે આ ઘટના સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ ભયાનક દુવિધામાં ફસાઈ હતી. એટલી ઝડપે ઘટનાઓ ઘટી હતી કે તે કોઈની પાસે નિરાંતે વિચારીને કોઈ નક્કર પ્લાન ઘડવાનો સમય જ નહોતો વધ્યો... અને એટલે હવે પછી શું... કેમ થશે... કેવાં પરિણામો આવશે તે કોઈ નહોતું જાણતું.

જોરાવરસિંહના કારણએ આખો સિનારિયો બદલાયો હતો. જો તે નશામાં ન હોત તો તેણે ક્યારેય ખન્નાએ તેને કામ સોંપ્યું છે એવું પ્રેમને કહ્યું ન હોત. પણ તેણે નશાની હાલતમાં બફાટ કર્યો હતો, જેના કારણે પ્રેમ વિચારમાં પડ્યો. તેના આયોજનમાં જોરાની બાતમી ફાચર સમાન હતી... અને પ્રેમે એ વાત ટંડેલને કરી હતી. ટંડેલ તો ક્યારનો પોતાની ફોજને તૈયાર રાખીને હજીરા પહોંચવા થનગની રહ્યો હતો. તે ઉત્સાહમાં હતો કે આજે ઘણા સમયે તે દોલુભાને રંગે હાથ પકડી શકશે... પણ તેને ખબર નહોતી કે તેની આ તૈયારીની બાતમી તેના જ પોલીસ બેડાના એક કોન્સ્ટેબલ હરિએ સુરતના નામચીન શખ્સ કરમાકર સુધી પહોંચાડી દીધી હતી.. કરમાકરે એ માહિતી વિમલરાયને આપી... વિમલરાયે ખન્નાને કહ્યું અને ખન્નાએ તેનો આખો પ્લાન જ ફેરવી નાખ્યો. માલ સુરતના ઠેકાણે દમણ લાવવાનું નક્કી થયું... ખન્નાએ માલ ઉતારવા જોરાવરસિંહને પોતાની સાથે ભેળવ્યો... આમ એક આખું ગોળ ચક્કર ફર્યું હતું... જો જોરા આમાં શામેલ ન હોત, અથવા તો તે જ્યારે પ્રેમને મળવા ગયો ત્યારે નશામાં ન હોત તો પ્રેમ કે ટંડેલને ક્યારેય ખન્નાના બદલાયેલા પ્લાનની ખબર ન આવત અને તે લોકો સુરતમાં હજીરાના દરિયાકાંઠે રાહ જોઈને બેસી રહ્યા હોત.

પરંતુ એ લોકોના નસીબે ટાઇમિંગનું એવું જોરદાર ચક્ર ફેરવ્યું કે તેઓની આપસમાં મુલાકાત થઈને રહેવાની હતી... અને ત્યારે ધમાકો થવાનો હતો. ત્યારે શું પરિસ્થિતિ સર્ઝાશે એ તો કલ્પના બહારની વાત હતી.

ભયાનક ઝડપે સમય પસાર થતો રહ્યો... એક ધરતીકંપ સર્જાવાનો હતો જેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી હતી. ગુજરાતના ગાંધીનગરમાં વિમરલાય, અજય અને સીમાના નસીબ પણ એકબીજા સાથે સંકળાઈને વિસ્ફોટોની શૃંખલા સર્જવા તૈયાર હતા. જે ધરતીકંપ થવાનો હતો તેની ગુંજ ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર ભારત દેશમાં સંભળાવાની હતી.

અજય અને સીમા ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમનો ભેટો સાવ અચાનક જ કવિતા મુખર્જી નામની એક પ્રેસ રિપોર્ટર સાથે થયો હતો... કવિતા મુખર્જી ‘ગુજરાત રિપોર્ટ’ નામની ચેનલની રિપોર્ટર હતી. એ મુલાકાત ભલે સાવ અનાયાસ જ થઈ હોય પરંતુ તેના ઘણા સંદર્ભો નીકળવાના હતા... કવિતા મુખર્જી એ જ રિપોર્ટર હતી જેણે સાત વર્ષ અગાઉ અજય જોષીના પરિવાર ઉપર જે આફત ઉતરી હતી તેનું રિપોર્ટિંગ પોતાની ચેનલ ‘ગુજરાત રિપોર્ટ’ વતી કર્યું હતું... હકીકત જે હોય તે પણ તેનો પોતાનો મત બધાથી ભિન્ન હતો. અંદરખાને તે એવું જ માનતી હતી કે અજયને જાલીનોટ, ડ્રગ્સ અને તુલસીના મોતમાં જાણી જોઈને, એ કાવતરા તહત ફસાવવામાં આવ્યો છે. અજયના પિતા મોહનબાબુના મૃત્યુ અંગે પણ તેને શંકા-કુશંકાઓ ઉદ્‌ભવી હતી... પરંતુ એ સમયે તેનાથી કંઈ થઈ શકે તેમ નહોતું કારણ કે બધા જ કબૂતો અજય વિરુદ્ધ હતા. આજે, આટલા વર્ષો બાદ સાવ અનાયાસે જ તે અજયને મળી હતી. તે એક મિટીંગનું લાઇવ કવરેજ કરવા ગાંધીનગર આવી હતી. ગુજરાતના ગૃહમંત્રી વિમલરાયે જે મિટીંગ બોલાવી હતી તેનું રિપોર્ટિંગ તેણે કરવાનું હતું. એ મિટીંગમાં ગુજરાતના લગભગ દરેક શહેરોના પોલીસ કમિશનરો હાજરી આપવાના હતા. ‘ગુજરાત રિપોર્ટ’ ચેનલની તે મુખ્ય રિપોર્ટર હતી એટલે તેને ગાંધીનગર મોકલવામાં આવી હતી. કવિતા મુખર્જીની ચકોર નજરે અજયને તરત ઓળખી કાઢ્યો હતો... તેને આશ્ચર્ય જરૂર ઉદ્‌ભવ્યું હતું કે અજય અહીં ક્યાંથી...? અને તે સામે ચાલીને અજયને મળી. એ મુલાકાત એક ગજબના સમરાંગણમાં પરિવર્તિત થઈ.

અજય કવિતાને આ પહેલાં પણ બે-ત્રણ વખત મળી ચૂક્યો હતો એટલે તે કવિતાને ઓળખી ગયો. તેને યાદ આવ્યું કે કવિતા કોઈક ન્યૂઝચેનલ વતી કામ કરે છે... અને અચાનક તેના દિમાગમાં વીજળીની ઝડપે ઝબકારો થયો... ‘યસ્સ... આ છોકરી તેના કામની છે...’ થોડી જ વારમાં તેઓની મિટીંગ ગાંધીનગરના એક કાફેટેરિયામાં ગોઠવાઈ. અજયને કવિતાના સ્વરૂપમાં પોતાના મક્સદની પૂર્તિ દેખાતી હતી જ્યારે કવિતાને એક સનસનાટીભરી ન્યૂઝસ્ટોરી. તે બન્ને એકબીજાની જરૂરિયાત સમજી ચૂક્યા હતા અને એક સોદો થયો. અજય પોતાની તમામ હકીકત અને તેના સબૂતો કવિતાને સોંપે, તેના બદલામાં કવિતા એ તેને પોતાની ચેનલ ‘ગુજરાત રિપોર્ટ’માં દર્શાવે એવું નક્કી થયું... આખરે અજયે પોતાની કથની શરૂ કરી. તે જેમ જેમ બોલતો ગયો તેમ તેમ કવિતા મુખર્જીની આંખો વધુ ને વધુ વિસ્તરતી ગઈ. છેલ્લે જ્યારે અજયે ભુપતના બયાનવાળી વિડિયોટેપની એક કૉપી તેને સોંપી ત્યારે તે રીતસરની ખુરશીમાંથી ઉછળી પડી... તેના હાથમાં ટાઇમબૉમબ આવ્યો હતો. હવે એ ટાઇમબૉમ્બ ફોડવાની જવાબદારી તેના શિરે આવી હતી... કાફેટેરિયામાંથી તેઓ છુટા પડ્યા ત્યારે તમામના હૃદય ભારે ઉત્તેજનાના કારણે જોરથી ધડકતા હતા. કોઈ નહોતું જાણતું કે હવે પછીની સ્થિતિ કેવી હશે...? શેહ અને માતનો આખરી એપિસોડ શરૂ થવાની તૈયારી થઈ ચૂકી હતી... કવિતા મુખર્જીએ સચિવાલયની દિશા પકડી... જ્યારે અજય અને સીમા પોતે જે મક્સદ લઈને ગાંધીનગર આવ્યા હતા એ મસ્કદ પૂરો કરવા બીજી દિશામાં નીકળી પડ્યા...

ગાંધીનગરમાં સચિવાલયના પટાંગણમાં પત્રકારો અને ન્યૂઝચેનલોના પ્રતિનિધિઓની નાનકડી અમથી ફોજ ગોઠવાઈ ગઈ હતી. વિમલરાયે જે મિટીંગ બોલાવી હતી તેના રિપોર્ટિંગ માટે તેઓ બધાં એકઠાં થયાં હતાં. દરેક રિપોર્ટરને એ જાણવાની ઉત્કંઠા અને ઉત્સુકતા હતી કે ગૃહપ્રધાન વિમલરાયે સાવ શોર્ટ નોટીસમાં કેમ અચાનક આ મિટીંગ બોલાવી હતી. ગુજરાતના તમામ શહેરોના પોલીસ કમિશનરો માટે ખાસ મિટીંગ બોલાવવાના મતલબ ઘણા નીકળતા હતા. ગુજરાતમાં શું કોઈ અનહોની ઘટના બનવાની હતી જેને રોકવાની પૂર્વતૈયારીરૂપે આ મિટીંગ ગોઠવાઈ હતી ? ગમે તે હોય, જરૂર કોઈ ગંભીર વાત હશે એવી અટકળો કરતા આપસમાં ચણભણ કરતા પ્રેસના પ્રતિનિધિઓ મિટીંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા.

એ રિપોર્ટરોમાં કવિતા મુખર્જી પણ શામેલ હતી. તે ઘણી કાબેલ અને બાહોશ રિપોર્ટર હતી. જે ઉશ્કેરાટ અને ઉત્તેજના તે અનુભવી રહી હતી એ તેના ચહેરા ઉપર ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખી રહી હતી. તેની સાથે તેનો કૅમેરામેન સંતોષ બહુગુણી હતો. હજુ હમણા કલાક પહેલાં જ તેને અજયનો સાવ અચાનક ભેટો થઈ ગયો હતો. તે અજયને અહીં, ગાંધીનગરમાં જોઈને ભારે આશ્ચર્ય પામી હતી. તેના જીગરમાં એક ન સમજાવી શકાય એવી લાગણી ઉદ્‌ભવી હતી. તે જાણતી હતી કે અદાલતે અજયને દસ વર્ષની કારાવાસની સજા કરી હતી અને તેની રિહાઈમાં હજુ ઘણા વર્ષો બાકી હતા... છતાં તે અત્યારે અહીં હાજર હતો જેના ઘણા મતલબો નીકળતા હતા. તે નવાઈ જરૂર પામી હતી અને તેનું ખણખોદિયું મગજ કામે લાગ્યું હતું... તેની એ ઉત્તેજનાનો અંત અજયે આણ્યો હતો. અજયે તેને જણાવ્યું હતું કે તેની સારી વર્તણૂકના આધાર ઉપર જેલમાંથી વહેલી રિહાઈ આપવામાં આવી હતી અને તેના કહેવાથી જ આ સમાચારને જાહેર કરવામાં નહોતા આવ્યા. સાથે સાથે અજયે તેને એક વિડિયોકેસેટના સ્વરૂપે એક ટાઇમબૉમ્બ પકડાવ્યો હતો જે અત્યારે તેના ખભે લટકતા થેલામાં હતો. એ ટાઇમબૉમ્બનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તે અજયે તેના પર છોડ્યું હતું... તે એ પણ જાણતી હતી કે અજય અને સીમા અહીં આટલામાં જ તેની આસપાસ જ ક્યાંક હોવાના. તેણે નજર ઘુમાવીને તેમને શોધવાની કોશિષ કરી પણ તેઓ ક્યાંય નજરે આવતા નહોતા. અજયે કવિતાને જે ટેપ આપી હતી તે તેણે ‘ગુજરાત રિપોર્ટ’ના પ્રાઇમટાઇમ, એટલે કે રાત્રે નવ વાગ્યાના ટાઇમસ્લોટમાં પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું હતું. એ ઘટના સનસની ખેજ બની રહે એવા તમામ પ્રયત્નો કરવાની કવિતાએ જવાબદારી સ્વીકારી હતી. અજય અને સીમા રાતના નવ વાગ્યા પહેલાં પોતાનું કામ પાર પાડવાના હતા એટલે કવિતાને એ કેસેટ ટી.વી. પર દર્શાવવાનું મજબૂત પ્લેટફૉર્મ મળવાનું હતું... પરંતુ... અત્યારે તે બન્ને ક્યાં હશે એ ઉચાટ કવિતાને મૂંઝવી રહ્યો હતો. તેની નજર આસપાસના માહોલમાં ઘુમી વળી હતી.

આખરે... જેનો ઇંતજાર થતો હતો એ ઘડી આવી પહોંચી. મિટીંગનો ટાઇમ ઘણો ઓક્વડ હોવા છતાં લગભગ સાડાસાતની આસપાસના સમયે સચિવાલયના પટાંગણમાં લાલ-પીળા ઝબકારા મારતી સફેદ રંગની વૈભવી ગાડીઓ એક પછી એક દાખલ થઈ. ક્રમબદ્ધ રીતે દાખલ થઈ રહેલી એ કારોમાં ગુજરાતના તમામ મોટા શહેરોના પોલીસ કમિશનરો બિરાજમાન હતા. સફાઈબંધ યુનિફોર્મ પહેરેલા એ રૂઆબદાર અફસરો વારાફરતી પોતાની ગાડીઓમાંથી નીચે ઉતરીને સચિવાલયના લાલ ઝાઝમ પાથરેલા પગથિયાં ચડ્યા કે ત્યાં ઉપસ્થિત પત્રકારોની ફોજ તેઓને ઘેરી વળી... સવાલોનો ખડકલો સર્જાયો... ટટ્ટાર ચાલે આગળ વધતા અફસરો એ સવાલોના ઉડતા જવાબો આપતાં સચિવાલયના મુખ્ય દરવાજમાં દાખલ થઈ અંતર્ધ્યાન થયા ત્યારે દરવાજે ઉભેલી સિક્યુરિટીના જવાનો પત્રકારોને અંદર પ્રવેશતા અટકાવવાના પ્રયત્નોમાં લાગ્યા હતા... સૌથી છેલ્લે ગૃહમંત્રી વિમલરાય તેમની સફેદ ગાડીમાં આવ્યા હતા. તેમની સાથે તેમનો પી.એ. મુગટબિહારી પણ હતો. પત્રકારોનો સમૂહ વિમલરાયને આવતા જોઈને તેમને ઘેરી વળ્યો.

‘સર...સર... આ તાકીદની બેઠક બોલાવવાનું કારણ શું...?’ એક પત્રકારે સવાલ પુછતાં માઇક આગળ ધર્યું.

‘દેશની આંતરિક સુરક્ષાનો મામલો છે એટલે જાહેરમાં આ પ્રશ્નનો ઉત્તર આપવો સંભવ નથી...’ વિમલરાય દાદરો ચડતા કહ્યું. તેણે એક હાથે પોતાના ધોતિયાની પાટલી પકડી રાખી હતી.

‘શું કોઈ આતંકવાદી હુમલાની શક્યતાઓ છે ?’ બીજો પ્રશ્ન પુછાયો.

‘એવું જ કંઈક સમજી લોને...’ વિમલરાયે એ પ્રશ્નને પણ ઉડાવી દીધો... અને પછી સિફતતાથી સડસડાટ સચિવાલયની અંદર ચાલ્યા ગયા.

પત્રકારોના એ કાફલામાં કવિતા મુખર્જી પણ જોડાઈ હતી. તેણે કોઈ પ્રશ્નો પુછ્યા નહોતા. તેની એવી ઇચ્છા જરૂર હતી પણ તે કંઈક વિચારીને અટકી હતી. તેને આશ્ચર્ય સાથે ચિંતા પણ થતી હતી કે અજય કે સીમા કેમ ક્યાંય દેખાતા નથી...? ક્યાંક કોઈ ગરબડ તો નહીં થઈ હોયને...? તેઓએ પોતાનો પ્લાન મોકૂફ તો નહીં રાખ્યો હોય ને...? જોકે એવી શક્યતા નહોતીકારણ કે હાથમાં આવેલી બાજી અજય ગુમાવે નહીં... તો પછી તે છે ક્યાં...? તેણએ અહીં આવવાનું નક્કી કર્યું જ હતું તો પછી તે કેમ દેખાયો નહીં...? કવિતાના ગોળમટોળ ચશ્માંધારી ચહેરા પર વ્યગ્રતા છવાઈ અને તેણે એ બન્નેને શોધવા પોતાની નજર ચારેબાજુ ઘુમાવી.

અને... અચાનક તેને કંઈક યાદ આવ્યું હોય એમ તે ચોંકી ઉઠી. તેની ગોળ આંખો વધુ ગોળ થઈ અનેતેના મોઢામાંથી અનાયાસે શબ્દો સરી પડ્યા, ‘ઓહ...માય...ગોડ....’ એક-એક શબ્દ છુટા કરીને તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું, ‘ઇટ્‌સ.. અનબિલીવેબલ... જસ્ટ... અનબિલીવેબલ... બટ... હાઉ...?’ તેના હોઠ ગોળ થયા અને તેના સમગ્ર શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ... તેના અચેતન મગજમાં અચાનક ઝબકારો થયો હતો અને હમણાં જ, થોડી વાર પહેલાનું દૃશ્ય તેના માનસપટલ પર ઉભરી આવ્યું, ‘યસ્સ.... એ જ હતો... એ... જ....’ વિમલરાયના આવવાની ચંદ મિનિટો પહેલાં જે પોલીસ અફસરોનો કાફલો આવ્યો હતો તેમાં સૌથી છેલ્લે આવનાર અફસરનો ચહેરો તેને યાદ આવ્યો... તે અફસેર માથા પર પી-કેપ એવી રીતે પહેરી હતી કે જેથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાય નહીં. કેપના પડછાયામાં તેનો અરધો ચહેરો ઢંકાઈ ગયો હતો. કવિતાને એ અડધો ઉજાગર ચહેરો યાદ આવ્યો. તેને આવનારા અફસરોના રિપોર્ટિંગમાં કંઈ રસ નહોતો એટલે તે એક બાજુ ઉભી રહીને બધાને નીરખી રહી હતી... છેલ્લે આવતા અફસરને જોઈને તેને થોડું અજુગતું તો લાગ્યું હતું કારણ કે બાકીના તેની આગળ ગયેલા અફસરો કંઈક મગરૂબી અને દમામથી ચાલતા હતા, પરંતુ એ અફસર જાણે અહીં એકઠા થયેલા લોકોથી બચવા માગતો હોય એમ ઝુકેલા ચહેરે ઝડપથી ચાલતો સચિવાલયના પગથિયાં ચડીને અંદર દાખલ થઈ ગયો હતો... કવિતાએ અલપ-ઝલપ તેનો ચહેરો નીરખ્યો હતો, અને તે પણ સાવ અનાયાસે જ... એ સમયે તે અજય અને સીમાને શોધી રહી હતી અને તેઓ ક્યાંય દેખાતા નહોતા એટલે તેનું મગજ એ દિશામાં વિચારી રહ્યું હતું એટલે તેણે બહુ ગંભીરતાતી વિચાર્યું નહોતું... પણ, સાવ ઓચિંતા જ જાણે મગજના કોઈક ખૂણામાં લાઇટ થઈ હોય તેમ તેને એ અફસરનો ચહેરો યાદ આવ્યો... પહેલા તેણે ભારે આશ્ચર્ય અનુભવ્યું અને પછી પોતાના હૃદયના ધબકારા નિયંત્રિત કરતી તે એક તરફ ઉભી રહી... થોડી વાર બાદ તેના ચહેરા પર હળવી મુસ્કુરાહટ છવાઈ... ‘યસ્સ... તે અજય જ હતો... પરંતુ... માય ગોડ... તેણે આબાત પેંતરો રચ્યો... ! બટ....હાઉ...? કોઈને જરાસરખી પણ ગંધ આવી નથી કે તે એક નકલી અફસર છે...’ એ જ અવસ્થામાં વિચારતી તે પોતાની ઓફિસની વાનમાં જઈને બેઠી.

જોકે... અજય અને સીમાએ ખરેખર કમાલ જ કરી હતી... માનવી એક વખત કંઈક કરવાનો દૃઢ નિશ્ચય કરી લે પછી તેને એમાં સફળ થતાં દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી જેનું શ્રેષ્ઠ ઉદાહરણ અજય અને સીમાએ પૂરું પાડ્યું હતું.

કવિતા મુખર્જી સાથે કાફેટેરિયામાં યોજાયેલી બેઠક બાદ અજય અને સીમા સર્કિટ હાઉસ તરફ ગયા હતા. તમામ સરકારી ઑફિસરોને સર્કિટ હાઉસમાં ઉતારો અપાયો હતો એ માહિતી તેઓ મેળવી લાવ્યા હતા. કવિતા મુખર્જીની મુલાકાત તેમના માટે આશીર્વાદ સમાન નીવડી હતી. જે મૂંઝવણ અજય અનુભવતો હતો એનો સાવ અચાનક નીવેડો મળ્યો હતો... ભુપતના બયાનવાળી ટેપનો મસલો કવિતાએ આસાનીથી ઉકેલી આપ્યો હતો. હવે એક મહત્ત્વનું કામ બાકી રહેતું હતું જેને અંજામ આપવા તેઓ સર્કિટ હાઉસે પહોંચ્યા હતા... અહીં તમામ કમિશનરો માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અજયે વિચાર્યું હતું કે સર્કિટ હાઉસમાં કડક સુરક્ષા બંદોબસ્ત હશે અને સુરક્ષા જવાનોની ભરમાર ગોઠવવામાં આવી હશે પરંતુ એવી કોઈ વ્યવસ્થા પ્રથમ નજરે તો દેખાતી નહોતી. સામાન્ય, રૂટિન દિવસોમાં હોય એટલા જ જવાનો અત્યારે ફરજ પર મુકાયા હતા અને તેઓ પણ જાણે સુસ્ત હોય તેમ કરવા ખાતર ડ્યૂટી બજાવી રહ્યા હોય એવું લાગતું હતું. કુલ મળીને અહીં સર્કિટ હાઉસનો માહોલ એકદમ સુસ્ત અને નીરસ હતો. તેનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે જે લોકોને અહીં ઉતારો અપાયો હતો તેઓ દરેક ઉચ્ચ કક્ષાના અફસરો હતા. તે દરેક પોતપોતાના શહેરના પોલીસ કમિશનર હતા અને પોલીસને જ પોતાના માટે સિક્યુરિટી રાખવી પડે તો થઈ રહ્યું... એવી કંઈક ગણતરીથી જ રૂટીન સ્ટાફ સિવાયના એક્સ્ટ્રા માણસોને સર્કિટ હાઉસમાં વધારાયા નહોતા.

અજય માટે તે એક તક સમાન નીવડ્યું. સર્કિટ હાઉસ જૂની ઢબની બાંધણીવાળું બે માળનું મકાન હતું. વિશાળ ચોગાનની બરાબર મધ્યમાં એ મકાન બનાવાયું હતું. મકાનની ચોતરફ ખુલ્લી જગ્યામાં ઘેઘુર વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. પહેલા એ ઈમારતની છત વિલાયતી નળિયાથી ઢંકાયેલી હતી પરંતુ ગયા વર્ષે એ જૂના નળિયા કાઢીને તેની જગ્યાએ સિમેન્ટ-કોંક્રિટનો સ્લેબ ભરાયો હતો. એ ઈમારતના બધા કમરામાં નવા રંગરોગાન કરી એરકન્ડિશન્સ ફીટકરાયા હતા. સર્કિટ હાઉસના મકાનની નીચેની વીંગમાં લાઇનસર દસ કમરાઓ હતા. એ કમરાઓની આગળ વિશાળ લૉબી હતી. એ લૉબીને સાગના લાકડાના કઠેડાથી કવર કરાઈ હતી. નીચેના મજલાની માફક જ પહેલા માળે કમરાઓની હાર બનાવાયેલી હતી. ઉપરના માળે જવાનો દાદર નીચેના મજલાની લૉબીની જમણી બાજુએ, છેવાડેના કમરા પાસે હતો... અજય અને સીમા ચોગાનમાં ઉગીને ઘટાટોપ થયેલા લીમડાના થડ પાછળથી સર્કિટ હાઉસના એ મકાનનું નિરીક્ષણ કરી રહ્યા. કયા કમરામાં કોને ઉતારો આપવો એ નક્કી કરવું ઘણું મુશ્કેલ હતું... અત્યારે એ મકાનના પેસેજમાં કે તેની આસપાસ કોઈ જ હલચલ વર્તાતી નહોતી. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે બધા સાહેબો પોતાની ગાડીઓમાં લાંબી મુસાફરી કરીને આવ્યા હતા એટલે તેઓ આરામ ફરમાવી રહ્યા હોય. એમની સેવામાં જે માણસોને રોકવામાં આવ્યા હતા તેઓ થોડી થોડી વારે આમથી તેમ ચહલકદમી કરતાં નજરે ચડતા હતા.

અજય અને સીમા દુવિધા અનુભવતા થોડીવાર ત્યાં જ ઝાડની પાછળ ઉભા રહ્યા. તે લોકો માટે સામે દેખાતા કમરામાંથી ગમે તે એકમાં ઘુસવું જરૂરી હતું, અને તો જ તેઓ પોતાના પ્લાનને અમલી બનાવી શકે તેમ હતા. એ તક પણ તેમને તરત મળી... નીચેની વીંગમાં, દાદરની બરાબર બાજુના કમરાનું બારણું ધીમેથી ખુલ્યું અને તેમાંથી ખાખી પેન્ટ અને ઉપર ગંજી પહેરેલી એકવડિયા બાંધાની એક વ્યક્તિ બહાર નીકળી. તેના મોંમાં સિગારેટ સળગતી હતી. તે કદાચ સિગારેટ પીવા જ બહાર આવ્યો હશે... દરવાજો ખોલી, લૉબી વટાવી તે કઠેડે આવીને ઉભો રહ્યો. લિજ્જતથી સિગારેટ પીતો તે થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો પછી લાંબા-લાંબા કશ લગાવી ઝડપથી સિગારેટ પૂરી કરી, બહાર ચોગાનમાં ફેંકી ફરીથી અંદર કમરામાં અંતર્ધ્યાન થયો... અજય અને સીમાએ એ અફસરને ધ્યાનથી નીહાળ્યો હતો. તેઓ વચ્ચે આપસમાં આંખોથી જ વાત થઈ, જાણે કહેતા હોય કે આ જ આપણો ટાર્ગેટ છે. અજયે પોતાની પીઠ પાછળ લટકતા થેલાને સરખો કર્યો અને ચૂપકીદીથી સર્કિટ હાઉસના મકાનની દિશામાં સરક્યો. તેની પાછળ થોડીવાર બાદ સીમા પણ સાવધાનીથી ચાલી... ચોગાન વટાવીને અજય લૉબીના કઠેડા સુધી આવ્યો... અને પછી જાણે એ જગ્યાનો જાણકાર હોય તેમ બેફિકર તે પગથિયાં ચડીને લૉબીમાં પ્રવેશ્યો... નીચેની વીંગની લૉબીમાં અત્યારે કોઈ જ નહોતું. મકાનની પછીતે બનાવવામાં આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં થોડી ચહલપહલ અવશ્ય હતી જેના ધીમા અવાજ છેક અહીં સુધી સંભળાઈ રહ્યા હતા. એ તરફથી કોઈ આવી ચડે એ પહેલાં અજયે પોતાની ઝડપ વધારી અને ગેલેરીના, દાદર પાસેના છેલ્લા કમરાના દરવાજે પહોંચ્યો... તેણે હળવેકથી એ દરવાજે ટકોરા માર્યા.

‘યેસ... કમ ઇન...’ અંદરથી અવાજ આવ્યો. અજયે દરવાજાને સહેજ ધકેલ્યો. દરવાજો અંદરથી બંધ નહોતો એટલે અજયના ધક્કાથી થોડો ખુલ્યો... તે ઝડપથી અંદર ઘુસ્યો... તેણે દરવાજાને સહેજ ખુલ્લો રહે એ રીતે બંધ કર્યો. તે જાણતો હતો કે સીમા તેની પાછળ આવતી હતી... અંદર રૂમમાં, બેઠકખંડમાં મધ્યમાં સોફા ગોઠવાયેલા હતા. એ સોફાસેટમાં એ જ વ્યક્તિ બેઠી હતી જે હમણાં થોડીવાર પહેલા બહાર સિગારેટ પીવા નીકળી હતી. અજયને અંદર આવતો જોઈને તેના કપાળે સળ પડ્યા. નવા આગંતુકને તે ઓળખતો નહોતો અને તે અહીંના સ્ટાફની કોઈ વ્યક્તિમાંથી નહોતો એ તેના પોષાક પરથી કળાતું હતું. તેણએ અહીંના સ્ટાફનો યુનિફોર્મ પહેર્યો નહોતો... અજય કોઈ પત્રકાર જેવો લાગતો હતો અને એટલે જ સોફામાં ગોઠવાયેલા વ્યક્તિના ચહેરા પર અણગમાના ભાવ ઉપસ્યા.

‘યસ્‌...?’ તેણે પ્રશ્નસૂચક રીતે અજયની સામે જોતાં પુછ્યું. તેના ક્લીનશેવ ચહેરા પર બીજા કોઈ ભાવો નહોતા. તે લગભગ પચાસની આસપાસ પહોંચેલો વ્યક્તિ હતો.

‘સૉરી સર... ટુ ડિસ્ટર્બ યુ... બટ....’ કહેતો અજય તેની તરફ આગળ વધ્યો અને તે વ્યક્તિ કંઈ સમજે એ પહેલાં અજયે પોતાના બગલથેલામાંથી પિસ્તોલ કાઢીને પેલાને લમણે ટેકવી દીધી. માત્ર બે સેકન્ડમાં એ થયું. સોફાચેરમાં બેસેલો વ્યક્તિ કંઈ સમજે એ પહેલાં તેના કપાળમાં પિસ્તોલની નળી અડી હતી. તે એકદમ થયેલી હરકતથી હેબતાઈને હલી ગયો. તેને ઘડીભર તો સમજાયું નહીં કે તેના લમણે પિસ્તોલ મુકાઈ છે એટલે તે ઉભો થવા ગયો કે અજયે તેના ખભે હાથ મુકીને તેને બેસાડી દીધો.

‘આ...આ...શું....?... તું કોણ છે...? અને આ... શું હરકત છે...?’ તેણે હડબડાહટભર્યા અવાજે પુછ્યું.

‘રિલેક્ષ... રિલેક્ષ... મિ. રાણા....’ અજયેકોઈ ખુંખાર ક્રિમિનલની અદાથી રાણા સામે જોઈને કહ્યું. તેણે રાણાનું નામ સામે ખીંટી પર લટકતા તેના ખાખી શર્ટ પર લગાવેલી પટ્ટીમાં વાંચી લીધું હતું. બરાબર એ જ સમયે સીમા કમરામાં દાખલ થઈ. તેણે ઉલટાહાથે પાછળથી જ દરવાજો બંધ કરીને આંગળિયો વાસ્યો. કુલદીપસિંહ રાણા હેબતાઈને એ ખૂબસુરત યુવતીને અંદર દાખલ થતા જોઈ રહ્યો. ખૂબ જ ઝડપથી આ ઘટના બની હતી. કુલદીપસિંહ રાણાને અહીં ગાંધીનગરના સરકારી સર્કિટ હાઉસમાં કોઈ વ્યક્તિ પોતાના લમણે બંદૂક ટેકવશે એની કલ્પના પણ ક્યાંથી આવી હોય... તેને પરિસ્થિતિ સમજવામાં થોડો સમય લાગ્યો, પરંતુ તે પણ એક કમિશનર કક્ષાએ પહોંચેલો ખુંખાર અફસર હતો.. કંઈ કેટલાય ખતરનાક ક્રિમિનલો સાથે તેનો રોજ પનારો પડતો એટલે બહુ ઝડપથી તેણે સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી...

‘શું જોઈએ છે તમારે...?’ તેણે સોફા પર સરખી રીતે બેસતાં પુછ્યું. માથા પર ટેકવાયેલી ગનના કારણે હાલ પૂરતું તો તેણે શરણાગતિ સ્વીકારવું મુનાસીબ માન્યું હતું. પરંતુ તેનું દિમાગ ઝડપથી વિચારી રહ્યું હતું કે તેણે શું કરવું જોઈએ...

‘મિ. રાણા... આ પરિસ્થિતિ ખરેખર મને પણ મંજૂર નથી કે મારે તમારા લમણે ગન તાકવી પડે...’ અજયે કહ્યું. તે રાણાના કપાળે ગન ટેકવીને સોફાની પાછળ ઉભો હતો.

‘તો પછી ગન હટાવી કેમ નથી લેતો... આપણે સાથે બેસીને પણ વાત કરી શકીએ છીએ...’ રાણાએ પોતાનો અવાજ થોડો ધારદાર બનાવતાં કહ્યું. અજય ખડખડાટ હસી પડ્યો.

‘શું વાત કરી મિ. રાણા... વાહ... આ તમે મારા હાથમાં છે એ ગનને જોઈને તમે બોલો છો. નહીંતર તમે મારા જેવી એક સામાન્ય વ્યક્તિ સાથે સામે બેસીને વાત કરવાની વાત તો છોડો, મને અહીં ઉભો પણ ન રહેવા દો... પરંતુ, ખેર... આપણે એવી નિરર્થક ચર્ચામાં નથી પડવું. હું સીધો જ મુદ્દા પર આવું છું કે અમે બન્ને અહીં શું કામ આવ્યા છીએ... મારે તમારી વર્દી જોઈએ મિ. રાણઆ...’

‘વર્દી... મતલબ...?’ રાણાને અજયની વાત સમજાઈ નહીં.

‘મતલબ હું સમજાવું છું.. આપણા માનનીય ગૃહપ્રધાન વિમલરાયે જે મિટીંગ બોલાવી છે એ મિટીંગમાં તમારે નથી જવાનું. તમારા બદલે આ તમારી વર્દી પહેરીને હું જઈશ...’ અજયે કહ્યું. આ વખતે હસવાનો વારો રાણાનો હતો.

‘અને તું એમ માને છે કે સહી-સલામત અંદર ઘુસી શકીશ...? જો યંગમેન... જે પણ નામ હોય તે તારું... ત્યાં પહોંચ્યા પછીની બીજી જ મિનિટે તું પકડાઈ જઈશ...’ રાણાએ વ્યંગભર્યા શબ્દોમાં કહ્યું.

‘તમે મારી ચિંતા છોડો... મારું જે થશે તે જોયું જશે... હમણાં તમે ચૂપ રહો એ જરૂરી છે...’

‘તું કરવા શું માગે છે ?’ રાણાએ આશંકાથી અજયને પુછ્યું. તેના દિમાગમાં આ પરિસ્થિતિમાંથી નીકળવાના વિચારો દોડતા હતા... ‘તું કોઈ બૉમ્બ મુકવા તો નથી માગતો ને...?’ ઘટનાની ગંભીરતા સમજતાં તેમણે પુછ્યું. રાણાની સામે જ મુકાયેલી ટીપોઈ પર પગ ટેકવીને સીમા ઉભી હતી. તેના રૂપાળા ચહેરા પર વ્યગ્રતા અને ઉચાટના ભાવ હતા. તેને સમજાતું નહોતું કે અજય શા માટે વાતોમાં સમય વેડફી રહ્યો છે.

‘ના... છતાં જે વિસ્ફોટ થશે એ બૉમ્બ ધમાકાથી ઓછો નહીં હોય...’

‘મને સમજાયું નહીં...’

‘એ સમજવાની તમારે જરૂર પણ નથી...’ અજયે કહ્યું અને તેણે સીમાને ઇશારો કર્યો. સીમાએ ઝડપથી સાથે લાવેલા થેલામાંથી નાયલોનની દોરી અને ટેપ કાઢ્યા.

‘મિસ્ટર રાણા.... પ્લીઝ... તમે અમને જો થોડો સહકાર આપશો તો એ અમારી અને આ દેશ ઉપર તમારો ઘણો મોટો ઉપકાર હશે... એકાદ હરામી વ્યક્તિ આ દેશણાંથી ઓછા થાય તો તમને કોઈ ફરક નહીં પડે, પણ આ દેશની પ્રજા જરૂર થોડી રાહત અનુભવશે...’ અજયે જે સ્વરમાં કહ્યું અને તેણે જે મક્કમતાથી ગન પકડી રાખી હતી એ જોઈને રાણા ઘણું આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. તે ખરેખર સમજી નહોતો શકતો કે આ લોકો શું કરવા માગે છે ? એ દરમ્યાન સીમા રાણાના બન્ને પગને ભેગા કરીને દોરીથી બાંધવા લાગી હતી. તેણે મજબૂતાઈથી પગ બાંધ્યા... રાણા નિઃસહાયતા અનુભવતો બેસી રહ્યો. તે ધારત તો અજયને જરૂર માત કરી શક્યો હોત પરંતુ જે રીતે અજયે ગન તેના માથે ટેકવી હતી અને જે સખ્તાઈથી તેણે ગન દબાવી રાખી હતી એ જોતાં રાણાને એટલી તો સમજ આવી હતી કે જો તેના પ્રતિકાર કરવામાં ભૂલથી પણ અજયની આંગળી પિસ્તોલના ટ્રીગર પર હરકત કરી ગઈ તો તેના દિમાગના ફુરચા ઉડી જાય એ નક્કી હતું. એટલે જ તે ખામોશ બેસી રહ્યો હતો.

‘મિ. રાણા... પ્લીઝ તમારા હાથ પાછળ કરશો...?’ ખૂબ શાલીનતાથી અજયે કહ્યું. રાણાનો છુટકો નહોતો. તેણે ઉભા થઈ હાથ પીઠ પાછળ ભેગા કર્યા એટલે સીમાએ એ જ દોરીના છેડાથી રાણાના હાથ બાંધ્યા... ફરી પાછો તેને સોફાસેટ પર બેસાડવામાં આવ્યો... સીમાએ જે ટેપ કાઢી હતી તેમાંથી મોટો ટુકડો કાપીને તેણે રાણાના મોં પર ચીપકાવ્યો... હવે તે હલી-ચલી કે બોલી શકે તેમ નહોતો. અજયે પિસ્તોલ હટાવી લઈ તેના પેન્ટના પાછલા ભાગે ખોસી અને પછી એ બન્નેએ ભેગા મળીને રાણાને ઊંચક્યો... એ કમરો બે વિભાગમાં વહેંચાયેલો હતો. પહેલા મોટો ડ્રૉઇંગરૂમ અને ત્યારબાદ વચ્ચે ઈંટોની દીવાલ કરીને પાછળ બેડરૂમ બનાવાયો હતો. તે પછીની વરંડા જેવી ખુલ્લી જગ્યામાં ચોકડી અને સંડાસ-બાથરૂમ બનાવેલા હતા. અજય અને સીમા રાણાના મજબૂત દેહને ડ્રૉઇંગરૂમમાંથી ઊંચકીને બેડરૂમમાં લાવ્યા. ત્યાં પલંગ પર તેને નાખવામાં આવ્યો અને જે દોરી વધી હતી તેનાથી ફરી રાણાના દેહને પલંગ સાથે બાંધવામાં આવ્યો... હવે તે ગમે તેટલી મથામણ કરે તો પણ એકાદ કલાક સુધી તો ત્યાંથી ચસકી શકે એમ નહોતો... અજય અને સીમાને બસ એટલો જ સમય જોઈતો હતો... અને તેઓ માટે બીજી પણ એક બાબત ફેવરમાં જતી હતી. અજયે કમરામાં ઘુસતા રાણાના ચહેરાને ધ્યાનથી જોયો હતો. તેના અને રાણાન ચહેરામાં ઘણું સામ્ય હતું. તેનો દેહ પણ એકવડીયો હતો. જ્યાં સુધી કોઈ ખાતરી કરવા માટે ધ્યાનથી તેના ચહેરાને જુએ નહીં ત્યાં સુધી તરત તો એ ફરક પકડાય તેમ નહોતો. હા, ઉંમરને લીધે રાણાનો ચહેરો થોડો કરચલીવાળો થયો હતો જ્યારે અજય હજુ જુવાન હતો... પણ એ ફરક અજયને નડે તેમ નહોતો. તેનો એક જ મક્સદ હતો, અને તે એ કે ગમે તે રીતે સચિવાલયમાં વિમલરાયની મિટીંગમાં ઘુસવું... એક વાર તે અંદર ઘુસી જાય પછી ભલે તે ઓળખાઈ જાય, તો પણ પછી એ ચિંતાનો વિષય નહોતો.

અજય ડ્રૉઇંગરૂમમાં જઈ ખીંટી પર લટકતો રાણાનો યુનિફોર્મ લઈ આવ્યો અને બાથરૂમમાં જઈ ફટાફટ પહેરીને તે બહાર આવ્યો. ખાખી યુનિફોર્મમાં અને તે પણ કમિશનરની વર્દીમાં અજય સોહામણો લાગતો હતો. સીમા અને રાણા બન્ને તેને નીરખી રહ્યા. મોં પર ટેપ લગાવેલા રાણાની આંખોમાં કંઈક ખિન્નતાના ભાવો ઉભરી આવ્યા, જ્યારે સીમા પ્રસન્નતાથી, કંઈક હેતથી અજયને નીરખતી રહી... રાણાને બેડરૂમમાં તેની નિઃસહાયતા સાથે એકલો રહેવા દઈ તેઓ ફરી પાછા ડ્રૉઇંગરૂમમાં આવ્યા. અહીંના ચપરાશીઓમાંથી કોઈના અંદર આવવાની શક્યતાઓ નહોતી કારણ કે જ્યાં સુધી તેઓને બેલ મારીને બોલાવવામાં ન આવે ત્યાં સુધી કોઈ આવવાનું નહોતું. તે એક પ્રકારનો નિયમ હતો જે અજય માટે પ્રછન્ન આશીર્વાદ સમાન હતું.

‘સીમા... તારી ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે કે તું અહીં સંભાળી શકીશ... છતાં મને તારી ચિંતા રહેશે... હું જે કરવા જઈ રહ્યો છું તેમાં જો હું કામયાબ ન થાઉં અને જો મને કંઈ થાય તો તું મને એક વચન આપ કે આપણું અધૂરું રહેલું કાર્ય તું પૂર્ણ કરીશ...’ અજયે કહ્યું. તેનો સ્વર ભારે થયો. તે જાણે પોતાના હૃદયના ભાવોને ચહેરા પર આવતા રોકી રહ્યો હતો. તેને સીમામાં તુલસીનો ચહેરો દેખાતો હતો. પહેલી વાર તેણે સીમાને જોઈ ત્યારથી તેના જીગરમાં એક ન સમજાય એવી ભાવના જન્મી હતી. તે સમજી નહોતો શકતો કે તેના જીગરમાં કેમ આટલો બધો વલોપાત જાગ્યો છે... સીમાને જોઈને તેને વારે વારે તુલસી નજરો સામે દેખાતી... પરંતુ આજે એ લાગણીઓ તેના હૃદયના બંધન તોડીને તેના સ્વરમાં છલકી ઉઠી હતી. સીમા સાથેના બે-ત્રણ દિવસના સહવાસથી એ અંદરથી ખળભળી ઉઠ્યો હતો.

‘તને કંઈ જ નહીં થાય અજય... કંઈ જ નહીં... તું હેમખેમ પાછો આવીશ... મારું હૃદય કહે ચે કે આપણે જરૂર સફળ થશું...’ સીમાના ગળે ડૂમો ભરાયો અને તે વાવાઝોડાની જેમ અજય તરફ ધસી તેની બાહોમાં સમાઈ ગઈ... તેનું માથું અજયની છાતી પર ઢળ્યું... આંખોમાં જાણે સાગર ઉમડ્યો... એ આંસુએ અજયની છાતી ભીંજવી નાખી. વહાલની એક હેલી ઉમટી જેમાં બન્ને ભીંજાઈ ચૂક્યા હતા. સીમા અજયને હજુ હમણા ત્રણ દિવસ પહેલાં જ મળી હતી છતાં તે જાણે વર્ષોથી તેને જાણતી હતી... તેની વહાલસોયી તુલસીદીદીનું અપમૃત્યુ થયું અને તેના ખૂન બદલ અજય જેલમાં ગયો ત્યારે પણ તેને પારાવાર દુઃખ થયું હતં. તે જાણતી હતી કે અજય અને તુલસી એકબીજાને બેતહાશા પ્રેમ કરતા હતા. જો આજે તેની તુલસીદીસી જીવતી હોત અને અજય કોઈ ષડયંત્રનો ભોગ બન્યો ન હોત તો તે બન્ને આ દુનિયાના સૌથી સુખી અને સંતુષ્ઠ પતિ-પત્ની બન્યા હોત... પણ એવું થયું નહોતું. એ લોકોની જોડી પોતાના કારણે તૂટી એવું તેના અજ્ઞાત મનમાં સમજાણું હતું. ભુપત અને મંગાએ તેનું અપહરણ કરીને તુલસીને બ્લેકમેલ કરી હતી જેના લીધે તમામ ઘટનાઓએ આકાર લીધો હતો એ અપરાધભાવ સીમાના નાજુક હૃદયમાં પારાવાર વલોપાત જગાવી રહ્યો હતો અને એ વલોપાતે તેના દિલમાં અજય પ્રત્યે વહાલની લાગણી જન્માવી હતી... એ નિર્દોષ વ્યક્તિએ પોતાના પિતા ગુમાવ્યા હતા, જીવથી પણ વહાલી પ્રિયતમા ગુમાવી હતી. તેનો સમાજમાં જે માન-મરતબો હતો એ ધૂળમાં રોળાયો હતો... અને સૌથી મહત્ત્વનું તો એ હતું કે જેને જીવનનો સુવર્ણકાળ કહે છે એ યુવાનીનો સમય તેણે જેલની કાળમીંઢ દીવાલો વચ્ચે ભયાનક ગુનેગારી સાથએ વીતાવ્યો હતો... ખરેખર એ નાજુક-નમણા, સોહામણા યુવાને ભયાવહ યાતનાઓનો મહાસાગર સહ્યો હતો... સીમા તે જાણતી હતી. તે જાણતી હતી કે અત્યારે પણ અજય તેના ભૂતકાળની પીડા ભોગવી રહ્યો છે... ભલે ઉપર-ઉપરથી તે સખત દેખાવાનો પ્રયત્ન કરતો હોય પરંતુ અંદરથી તો તે ક્યારનો ભાંગી ચૂક્યો છે. સીમા એ ભગ્ન હૃદયમાં એક જુસ્સો... એક આશા ભરવા માગતી હતી. તે અજયને એવું મહેસુસ કરાવવા માગતી હતી કે આ દુનિયામાં તે એકલો નથી, તે પણ તેની સાથે છે... પરંતુ તે એવું શબ્દો દ્વારા કહી નહોતી શકતી. એક સ્ત્રીસહજ મર્યાદા તેને રોકી રહી હતી... અને આજે, અત્યારે જ્યારે તેના સંયમનો બાંધ તૂટ્યો ત્યારે તે એક ધસમસતી નદીની જેમ અજયને વળગી પડી.

‘ઓહ... અજય... હું.... તને ચાહું છું...’ બસ આટલાં જ શબ્દો તેના વલોવાતા જીગરમાંથી નીકળ્યા અને તેની આંખોમાંથી ચોધાર અશ્રુઓ વહેવા લાગ્યા. એક અસ્ખલિત, અનંત પળ એમ જ વીતી. જાણે કે સમય થંભી ગયો હતો. સર્કિટ હાઉસના એ ડ્રૉઇંગરૂમમાં પ્રેમના, સ્નેહના, લાગણીના પુષ્પો મહોર્યા. તૂટેલા બે ભગ્ન હૃદયોને સથવારો મળ્યો... એ સથવારો જાણે તેઓને દુનિયા સામે લડવા માટે પ્રાણવાયુ પુરો પાડી રહ્યો હતો. સીમાની બંધ આંખોમાંથી અવીરત પાણી વહી રહ્યું હતું. તેના મુલાયમ, ગોરા ચહેરા પર દુધમાં કેસર ભળ્યુ હોય એવી રતાશ ઉભરી આવી. તેનું નાકનું ટેરવું લાલઘુમ થઈ ઉઠ્યું... છેક નાભીમાંથી ઉઠતા ડુસકા તેના જીગરમાં ખળભળાટ મચાવતા રહ્યા. તેના નાજુક, મુલાયમ હાથ અજયની પીઠ પર સખત રીતે ભીડાયા હતા અને તે કોઈ લતા ઝાડને વળગે તેમ અજયને વળગી પડી હતી... એ તેના પ્રેમનો એકરાર હતો. તેની લાગણીની જાહેરાત હતી... અને... અજય પણ એ પ્રવાહમાં તણાયો હતો. તેના સુકા-ભઠ્ઠ જીવનમાં જાણે વસંત મહોરી હતી. તેના હાથ સીમાની પીઠને પસવારી રહ્યા હતા... એ જ આત્મલીન અવસ્થામાં સેકન્ડો વીતી... લાગણીઓનો આવેગ શમ્યો. સીમાની આંખો ખુલી ત્યારે સ્ત્રી-સહજ લજ્જાની લાલી તેના ચહેરા પર છવાઈ... તે અજયથી અળગી થઈ... ફરી પાછી સેકન્ડો ખામોશીમાં વીતી... શું બોલવું તે એ બન્નેમાંથી કોઈને સમજાતું નહોતું... આખરે નવા જીવનની એજ તો શરૂઆત હતી...

આખરે એ સમય આવી પહોંચ્યો જ્યારે અજય સીમાને સરકીટ હાઉસની જવાબદારી સોંપીને સચિવાલય જવા રવાના થયો. તેના મનમાં એક જ ડર હતો કે જો તેને લેવા આવનાર ગાડીનો ડ્રાઇવર જો તેને ઓળખી જશે તો મુસીબત થવાની છે. પરંતુ એવું ન થયું કારણ કે સરકીટ હાઉસથી સચિવાલય સુધી જવા અફસરો માટે અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી જે તેના આશીર્વાદ સમાન નીવડ્યું. આમ પણ તેના અને કમીશનર રાણાના ચહેરામાં ઘણુ સામ્ય હતું જે તેની ફેવરમાં હતું. તે ગાડીમાં ગોઠવાયો અને સચિવાલય પહોંચ્યો... ચહેરા પર ઢળતી કેપ પહેરીને તે જ્યારે સચિવાલયના પગથયા ચડ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત પત્રકારોના ટોળામાં તેણે કવિતા મુખર્જીને નીહાળી લીધી હતી. અને પછી ઝડપથી પગથીયા ચડી સચિવાલયના મેઇનગેઇટની અંદર ઘૂસીને અજયે રાહતનો શ્વાસ ભર્યો... તેણે એક કોઠો વીંધી નાખ્યો હતો. એક ચરણ પાર કરી તે બીજા ચરણમાં પહોંચ્યો હતો. હવે બસ... તે પોતાની મંઝીલથી બહુ દુર નહોતો. તેણે દાંત ભીસ્યા, તેના ઝડબા સખત થયા અને હાથની મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ કરતો તે આગળ વધ્યો. તેનું ધ્યેય તેનાથી માત્ર બે-કદમ દુર હતું.

***