Nasib - 17 books and stories free download online pdf in Gujarati

નસીબ - પ્રકરણ - 17

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ - ૧૭

ખન્ના પાસે ટાટાની સફારી કાર હતી. તે લશ્કરી આદમી હતો. એટલે તેને આવી ગાડી જ પસંદ આવતી... તે જ્યારે ઇન્ડીયન બાર નજીક પહોંચ્યો એ સમયે પ્રેમ દમણના પોલીસ સ્ટેશનથી એકાદ કિ.મી. દૂર, પ્રિન્સેસ પ્લાઝા નામના રેસ્ટોરન્ટ કમ બારની ફુટપાથ ઉપર ઉભો રહીને ટંડેલની રાહ જોઈ રહ્યો હતો... તે બન્નેએ અહીં ભેગા થવાનું ગોઠવ્યું હતું... રાતના અંધકારમાં પ્રિન્સેસપ્લાઝા રેસ્ટોરન્ટની નીયોન લાઈટવાળા બોર્ડની ઝગમગતી રોશની પ્રેમના પગ સુધી આવીને ખતમ થઈ રહી હતી... દમણની રાતો આમતો રંગીન હોય છે, પરંતુ એ રંગીનીયત અને મોજ-મસ્તી બારમાં અથવા તો હોટલોના કમરા સુધીજ સીમિત રહેતી હોય છે... અને આમ પણ અત્યારે રાત્રીના એક-સવાની આસપાસ સમય થયો હતો એટલે સ્વાભાવિક રીતે જ રસ્તાઓએ સુનકારની ચાદર ઓઢી લીધી હતી... ખાસ્સી મીનીટો વીત્યા બાદ પ્રેમને દુરથી આવતી લાઇટો દેખાઈ... લાઇટોના સેટીંગ્સને આધારે તે ઓળખી શક્યો કે તે પોલીસ જીપ છે. ટંડેલે પ્રેમની એકદમ નજીક લાવીને જીપ રોકી નીચે ઉતર્યો. તેની સાથે ધડા-ધડ બીજા ત્રણ વ્યક્તિઓ જીપની પાછળના ભાગેથી ઉતર્યા અને તેની સામે આવી ઉભા રહ્યા. પ્રેમ આશ્ચર્યથી તેને જોઈ રહ્યો...

‘આ લોકો કોણ છે... ?’

‘યશવંત, મુનાફ અને બ્રહ્મચારી...’ ટંડેલે દરેકની સાથે ઓળખાણ કરાવતા કહ્યું. ‘પોલીસવાળા જ છે, પણ છે સોલીડ માણસો.. ગમે તેવુ કામ હોય ચપટી વગાડતા પુરુ કરી નાખે. મારા વિશ્વાસુ છે અને તેઓ આ ‘ઓપરેશન’ દરમિયાન આપણી સહાયતામાં રહેશે...’

પ્રેમ તેને જોઈ રહ્યો... ત્રણેય પઠ્ઠાઓ હતા... ઉંચા અને ખડતલ... જેવા-તેવાને તો એક જ અડબોથમાં પાડી દે એવા શક્તિશાળી. પ્રેમને ટંડેલની પસંદગી ખરેખર ગમી.

‘મુકેશ પરમારનો કોઈ મેસેજ...?’ ટંડેલે પૂછ્યું.

‘તે ખન્ના અને જોરાની બરાબર પાછળ લાગેલો છે. દેવકાલીયાથી આગળ ઇન્ડીયનબાર પાસે ખન્નાએ તેની સફારી ગાડીમાં જોરા અને તેના બે પઠ્ઠાઓને પીકઅપ કર્યા છે... ત્યાંથી તેઓ સી-ફેસ રોડ ઉપર ચડ્યા છે...’

‘સી-ફેસ રોડ ઉપર...?’ ટંડેલની સાથે આવેલા યશવંતે આશ્ચર્ય ઉછાળ્યુ... ‘તો... તો... જરૂર તેઓ બસસ્ટેન્ડ તરફ જતા હોવા જોઈએ. ત્યાથી દરિયાકાંઠો વધુ દુર નથી...’ તેની આંખો ઝીણી થઈ અને તે કંઈક યાદ કરવા મથતો હોય એમ અટક્યો. અચાનક તેના દિમાગમાં ઝબકારો થયો.... ‘અરે હાં... બસસ્ટન્ડની ઓતરદા બાજુ દરિયામાં એક કુદરતી બારા જેવી જગ્યા છે. એ લોકોએ ત્યાં જ માલ ઉતારવાનું ગોઠવ્યું હશે... જોરાને તેનો ખ્યાલ છે. જોરાએ જ ખન્નાને એ જગ્યા ચીંધી હશે કારણ કે જોરા ઘણીવાર ત્યાંથી જ પોતાનો માલ અંદર લાવે છે... એ જગ્યા કુદરતી રીતે પથ્થરોના યુ આકારના ઢાંચાથી રચાયેલી બારા જેવી છે. ચોક્કસ તેઓ ત્યાંજ જવાના હશે...’ યશવંતે લાંબુ લેક્ચર ફાડ્યું. તે એક ખૂંખાર પોલીસવાળો હતો. કોઈ ગુનેગાર તેની નજરમાંથી બાકાત રહ્યો હોય એ શક્યતા નહિવત હતી. તે દમણ કે વાપીના એકે એક ક્રિમીનલની ફીતરતથી વાકેફ હતો. ઘણીવાર તો તે પણ એમની ટોળકીમાં જોડાતો... અને આ તો જોરાવરસીંહની વાત હતી. યશવંત અને જોરાએ તો સાથે બેસીને દારૂપણ પીધો હતો એટલે તે જોરાની રગેરગથી વાકેફ હોય તેમા બે-મત નહોતો.

‘તો ચાલો... રાહ કોની જોવાની છે... ? એક રસ્તો તો મળ્યો... ચોક્કસ કઈ જગ્યાએ દોલુભાની બોટ આવવાની છે તે પરમાર થોડીવારમાં આપણને ખબર કરશે...’ પ્રેમે કહ્યું.

બધા ધડાધડ જીપમાં ગોઠવાયા. ટંડેલે સ્ટીયરીંગ સંભાળ્યું. પ્રેમ તેની બગલમાં આગળ ગોઠવાયો અને પેલા ત્રણેય પઠ્ઠાઓ ફરી પાછા પાછળની સીટોમાં ચડ્યા... એક આછી ઘરઘરાટી સાથે જીપ ચાલુ થઈ... સુમસાન રસ્તા પર જીપની હેડલાઇટોનું અજવાળુ રેલાયુ અને શહેરના લોકલ બસસ્ટેન્ડ તરફ જીપે ગતી પકડી.

બરાબર તે જ સમયે ખન્નાની કારે સી-ફેસ રોડ ઉપર જમણી બાજુ ટર્ન લીધો હતો અને તેણે બસસ્ટેન્ડ તરફની રુખ લીધી હતી. તેની બરાબર પાછળ બોસ્કીનો આદમી મુકેશ પરમાર પોતાની બાઇકની લાઇટો બંધ રાખીને ખન્નાની સફારીની બ્રેકલાઇટોના આધારે ધીમી ગતીએ આવી રહ્યો હતો. તેણે પોતાની મોટરસાઇકલની હેડલાઇટો બંધ જ રાખીજ હતી જેથી તેની આગળ જઈ રહેલી કારમાં બેઠેલા વ્યક્તિઓને તેમનો પીછો થઈ રહ્યો છે એવો સંદેહ ન પડે... મુકેશ પરમાર દમણનો ભોમીયો હતો. ખન્નાની ગાડીને લોકલ બસસ્ટેન્ડવાળા રસ્તે વળતી જોઈને તેને પણ યશવંતની જેમજ ઝબકારો થયો હતો કે નક્કી આ લોકો પેલા કુદરતી બારાવાળી જગ્યાએ જઈ રહ્યા હશે... તેણે ચાલુ બાઈકે જ ફોન કાઢ્યો અને પ્રેમનો નંબર રી-ડાયલ કર્યો.

રાતના દોઢનો સમય થયો હતો... જીપમાં આગળ બેઠેલા પ્રેમના મોબાઇલની રીંગ વાગી એટલે તેણે ફોનમાં નંબર જોયો. પરમાર ફોન કરી રહ્યો હતો. તેણે ઝડપથી ફોન રીસીવ કર્યો.

‘બોલ પરમાર...’

‘એ લોકો બસસ્ટેન્ડ તરફ જઈ રહ્યા છે. મારા અંદાજ પ્રમાણે બસસ્ટેન્ડની આતમણી બાજુએ દરિયાકાંઠે એક મોટા-મોટા પથ્થરોનું કુદરતી બારુ બનેલુ છે... કદાચ એ લોકો ત્યાંજ જશે... ચોક્કસ નથી... છતા તમે બસસ્ટેન્ડ સુધી પહોંચો ત્યાં સુધી હું એમનો પીછો પકડી રાખુ છું...’

‘ઓ.કે....’ કહીને પ્રેમે ફોન મુક્યો. ‘યશવંતનું અનુમાન બરાબર છે... પરમાર પણ એવું જ કહે છે કે તેઓ એ કુદરતી બારા તરફ જઈ રહ્યા છે. અત્યારે તેઓ લોકલ બસસ્ટેન્ડે પહોંચ્યા છે...’ તેણે ટંડેલ તરફ જોતા કહ્યું.

‘હંમમ્‌...’ ટંડેલે સ્ટીયરીંગ ફેરવતા હુંકારો ભણ્યો. ‘યશવંત... આપણે કઈ તરફ જવાનું છે...?’

‘અત્યારે સીધા જ... આગળથી રાઇટ વળવાનું છે...’ યશવંતે અંધારામાં જીપની આગળ રોડ ઉપર નજર નાખતા કહ્યું.

‘હથીયાર...?’ પ્રેમે પૂછ્યું.

‘વ્યવસ્થા છે...’ ટંડેલે કહ્યું.

‘તને શું લાગે છે...?’

‘શેના વીશે...’

‘એ પેટીઓમાં શું હોઈ શકે...?’

‘કંઈ કહેવાય નહીં... આઈ થીંક કે આર.ડી.એક્સ. હશે...’

‘હંમમ્‌...’ પ્રેમે હુંકાર ભણ્યો. તે વિચારમાં હતો. અડધી રાતના અંધકારને વીંધતી જીપ લોકલ બસસ્ટેન્ડ તરફ સરકી રહી હતી.

‘તારું શું માનવું છે...?’ ટંડેલે જીપ ચલાવતા પ્રેમ તરફ નજર કરતા પૂછ્યું.

‘મારુ અનુમાન અલગ છે... તે પેટીઓમાં આર.ડી.એક્સ. કે તેના જેવો બીજો વિસ્ફોટક પદાર્થ નહિ હોય... મને આ રમત કંઈક અલગ જ લાગે છે... નહિતર આટલા વર્ષો આ લોકોએ કાઢ્યા ન હોત... ચોક્કસ અનુમાન તો હું પણ નથી કરી શકતો... પરંતુ એ શું હોઈ શકે...?’ પ્રેમે જાણે પોતાની જાતને જ એ સવાલ પુછ્યો. દિમાગ પર ઘણું જોર લગાવ્યું પરંતુ એવી કોઈ ચીજ તેને યાદ આવતી નહોતી જે ચીજ વિમલરાય અને ખન્નાએ સાત-સાત વર્ષ પછી પાછી મંગાવી હોય...

‘એ જે હશે તે... થોડીવારમાં આપણી સામે એ પેટીઓ ખુલ્લી પડી હશે...’ ટંડેલે ભારે આત્મવિશ્વાસથી કહ્યું અને તેનો પગ એક્સીલીટર પર થોડો વધુ ભારથી દબાયો... જીપે તેજ ગતી પકડી... પણ, તે જેટલું આસાનીથી બોલ્યો હતો એટલું આસાન હતું નહીં.

સુસ્મીતા બેચેનીથી તેના કમરામાં ચક્કર લગાવી રહી હતી. તેના ગોરા, ખુબસુરત ચહેરા પર પારાવાર ચીંતાના ભાવ ઉમટ્યા હતા. તે પ્રેમ સાથે જવા માંગતી હતી પરંતુ પ્રેમે તેને ચોખ્ખી મના કરી દીધી હતી. સુસ્મીતાને પ્રેમની વાત સમજાતી હતી કે તેણે અહીં, હોટલ પર રહીને બધા વચ્ચે કોમ્યુનીકેશન જાળવવુ જોઈએ... પરંતુ તેને અત્યારે ભારે અમુંઝણ થઈ રહી હતી... તેને કંઈ રુચતુ નહોતુ. તેના મનમાં અજંપો જાગ્યો હતો અને તે પ્રેમ પાસે જવા માંગતી હતી. તે ફોન હાથમાં રમાડતી, કંઈક વિચારતી... અને અટકતી હતી. આવુ તેણે ત્રણ-ચાર વખત કર્યું. આખરે તેણે બોસ્કીને ફોન કરીજ નાખ્યો... બોસ્કી અત્યારે ડૉ. પ્રીતમસીંહના દવાખાને ભુપત પાસે જ હતો... સુસ્મીતાએ ફોન ઉપર જ ભુપતનો હવાલો ડૉક્ટર પ્રીતમસીંહને સોંપીને બોસ્કીને તાબડતોબ હોટલે બોલાવી લીધો.

વીસેક મીનીટ બાદ સુસ્મીતા બોસ્કી સાથે તેની કારમાં હતી... ખન્નાની પાછળ લાગેલો મુકેશ પરમાર બોસ્કીનો માણસ હતો એટલે બોસ્કીએ તેની પાસેથી તેના વ્હેર-અબાઉટ મેળવીને તેની પાછળ નીકળી પડ્યા... અને મુકેશ પાસેથી બાંહેધરી પણ લઇ લીધી કે તેણે આ બાબત પ્રેમને જણાવવી નહીં.

બૉસ્કીની કાર સી-ફેસ રોડ ઉપર આવી પહોંચી... બોસ્કી પોતના મજાકીયા સ્વભાવ વિરુદ્ધ અત્યારે શાંતિથી કાર ચલાવી રહ્યો હતો. તેને આ બધા લફડામાં પડવુ ગનીમત લાગતુ નહોતુ. તે એક સીધો-સાદો ડીટેક્ટીવ હતો. તે ફક્ત પોતાનું કામ કરતો અને બદલામાં પોતાની ફી જ મેળવતો... મારામારી અને બીજી બાબતોથી તે પોતાને તદ્દન દૂર જ રાખતો... અહીં તેણે મંગાની અને ભુપતની હાલત જોઈ હત. તેનો બટકો-ઠીંગણો દેહ એ જોઈને ખળભળી ઉઠ્યો હતો... જો સુસ્મીતા આમાં શામેલ ન હોત તો ચોક્કસ તેણે પોતાના હાથ પાછા ખેંચી લીધા હોત... પણ સુસ્મીતાને તે મના કરી શકતો નહોતો. એટલે જ તે અત્યારે તેની સાથે અડધી રાતે દમણની સડકો પર ઘુમી રહ્યો હતો.

અને એ સાચુ પણ હતુ. સુસ્મીતા અને બોસ્કી જો પ્રેમની પાછળ ગયા ન હોત તો પરિણામ કંઈક અલગ જ આવત... પરંતુ દરેકના નસીબે પોતપોતાની મંઝીલ નક્કી કરી લીધીહતી.

ખન્નાએ પોતાની રીસ્ટવૉચમાં નજર નાખી. અઢીનો સમય થયો હતો. “કમ્બખ્ત હજુ સુધી આવ્યા નથી” તે બબડ્યો. તે ટ્રક વિશે કહી રહ્યો હતો. હિંમતસિંહ દરબાર સાથે નક્કી થયા મુજબ ટ્રક કલાક પહેલા આવી વો જોઈતો હતો. પરંતુ અત્યારે અઢી વાગવા છતાં ટ્રકનો કોઈ પત્તો નહોતો. તેણે ફોન ઉપર હિંમતસિંહ દરબારનો કોન્ટેક કરવાની ઘણીવાર સુધી કોશીષ કરે પણ તેનો નંબર આઉટ ઑફ રીચ બતાવતો હતો... દોલુભા તરફથી મળેલા છેલ્લા મેસેજ મુજબ તેની બોટ પરોઢના લગભગ ચાર વાગ્યાની આસપાસ અહીં લાંગરવાની શક્યતા હતી. તેની પાસે હજુ કલાકેકનો સમય હતો. એ સમય દરમિયાન ટ્રક આવી જવી જોઈએ નહિંતર ઉપાધી થયા વગર રહે નહિ. જોરા અને તેના બે સાથીદારો તેની સાથે જ હતા. તેઓ પોતાની ગાડી લગભગ અડધોએક કિલોમીટર દૂર મૂકીને આવ્યા હતા કારણ કે ત્યાંથી દરિયાકાંઠાનો રેતાળ વિસ્તાર ચાલુ થતો હતો એટલે ગાડીને અહીં સુધી ડ્રાઈવ કરીને લાવવી શક્ય નહોતી... તે લોકોની બરાબર પાછળ મુકેશ પરમાર આવી પહોંચ્યો હતો. પરમારે અંધારામાં જ ખન્નાની સફારી ગાડીને ઓળખી હતી એટલે તે એ ગાડીથે થોડે દૂર નાળીયેરીના એક તોતીંગ થડની આડાશે છુપાયો હતો. તેણે દૂરથી જોયું... ગાડી પાસે કોઈ હલન-ચલન નહોતું એનો મતલબ એ હતો કે ખન્ના અએને તેના સાથીદારો ગાડીમાં નહોતા. પરમાર ખામોશીથી થોડીવાર એમ જ ઊભો રહ્યો. થોડીવાર બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને પ્રેમનો નંબર રી-ડાયર કર્યો. રાતના અંધકારમાં તેના મોબાઈલની સ્ક્રીનનો પ્રકાશ દૂરથી નજરે ચડે એમ હતો એટલે તેણે મોબાઈલને પોતાની હથેળીથી ઢાંક્યો... દરિયા પરથી વાતા સુસવાટાભેર પવનમાં ત્યાં કિનારે ઉગી નીકળેલા નાળીયેર અને તાડના ઝાડ ભારે વેગથી આમથી તેમ ડોલી રહ્યા હતા. પવનમાં અથડાતા તેના પાંદડાઓના અવાજમાં એક વ્યવસ્થિત રીધમ એ શાંત વાતાવરણમાં એકધારી ગુંજી રહી હતી.

“હલ્લો... પ્રેમ...” પરમારે એકદમ ધીમા અવાજે ફોનમાં કહ્યું. “બસસ્ટેન્ડથી લગભગ બે કિલમીટર આગળ ખન્નાની સફારી અટકી છે. હું બરાબર તેનો પીછો કરી અહીં ઉભો છું. તમે લોકો જલદી પહોંચો...”

“........” સામેથી કંઈક કહેવાયું.

“ઓ. કે...” તેણે ફોન કાપ્યો. પરમાર એકદમ પાતળો કહી શકાય એવો સુકલકડી વ્યક્તિ હતો. તે એ નાળીયેરીના ઝાડના થક પાછળ લપાઈને ઊભો હતો. તે તેના શરીરને અનુરૂપ ગજબનાક સ્ફુર્તી ધરાવતો હતો... પ્રેમ ત્યાં આવી પહોંચે એ પહેલા તેણે ખન્નાની સફારી સુધી આંટો મારીને બધુ હેમખેમ છે એની ચોકસાઈ કરી લીધી હતી. પંદરેક મિનિટ વીતી નહીં હોય ત્યાં દૂરથી તેણે જીપની ઘરઘરાટી સાંભળી. ટંડેલ અને પ્રેમ ત્યાં પહોંચ્યા હતા... જીપના ડીમર ચાલુ હતા તેના આછા પ્રકાશમાં ટંડેલે પહેલા પરમારની બાઈકને અને પછી પરમારને નાળીયેરીના જાડા થડની ઓથે ઊભેલો જોયો. તેણે દૂરથી જ જીપના ડીમર બંધ કર્યા અને જીપ પરમાર તરફ લીધી... જીપને આવતી જોઈ પરમાર બહાર નીકળ્યો અને જીપ પાસે આવ્યો.

“ક્યાં છે એ લોકો...?” જીપમાંથી નીચે ઊતરી આવેલા પ્રેમે પરમારને પૂછ્યું.

“સામેની તરફ...” પરમારે હાથ લાંબો કરી આંગળી ચીંધતા કહ્યું. “ત્યાં એમની ગાડી પડી છે. એ લોકો ત્યાંથી આગળ ગયા છે.”

“કેટલા માણસો છે...?”

“ચાર...”

પ્રેમ પરમાર સાથે વાતો કરતો હતો એ દરમિયાન ટંડેલ અને તેના સાથીઓ જીપમાં નીચે ઊતરીને એમની પાસે આવ્યા હતા.

“ઓ. કે. પરમાર... તું એક કામ કર... તારી મોટરસાઈકલને થોડી અંદર બાજુ લઈને કોઈની નજરે ન ચડે એ રીતે મૂકી આવ... પછી તું ત્યાં જ રહે...” પ્રેમે કહ્યું અને પછી તેણે ટંડેલ તરફ જોયું... “આ જીપને પણ ક્યાંક છુપાવી પડશે... એ પહેલા તેમાથી હથિયારો કાઢી લેજે...”

ટંડેલ પ્રેમની વાત સમજ્યો... તેણે જીપની ચાવી મુનાફને આપી... મુનાફે બ્રહ્મચારી અને યશવંતને ઇશારો કર્યો એટલેતે ત્રણેય જીપમાં ગોઠવાયા. થોડીવારમાં તે ત્રણેય જીપને દરિયાકિનારાની રેતીના એક ડીંબા પાછળ વ્યવસ્થિત પાર્ક કરીને પાછા આવ્યા. યશવંતના હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી જ્યારે બ્રહ્મચારી પાસે ઠીક-ઠીક મોટો થેલો હતો... યશવંતે ટંકેલની નજીક આવીને તેના હાથમાં હતી એ પ્લાસ્ટીકની થેલીની ઝીપ ખોલી... ટંડેલે થેલીમાં હાથ નાંખ્યો અને બહાર કાઢ્યો... તેના હાથમાં એક ચળકતી ચીજ હતી જે તેણે પ્રેમ તરફ લંબાવી... પ્રેમે એ ચળકતી ચીજને હાથમાં લીધી અને આભો બનીને જોઈ રહ્યો... તેના હાથમાં જર્મન બનાવટની ઇમ્પોર્ટેડ ગન હતી... ધાણીફુટ ગોળીબાર માટ તે એકદમ પરફેક્ટ ગન હતી. અટક્યા વગર એક સાથે ૩૨ ગોળીઓ છૂટી શકે તેમ હતી. ટંડેલે ગોળીઓનું એક મેગેઝીન અલગતી પ્રેમને આપ્યું... તે પ્લાસ્ટીકની બેગમાં એના જેવી જ બીજી ચાર ગન હતી જે તેઓએ પોતપોતાના પેન્ટના પાછળના ભાગે ખોસી. પ્રેમને ખરેખર આશ્ચર્ય થતું હતું... ટંડેલે તેને સરપ્રાઈઝ આપ્યું હતું... પ્રથમ આશ્ચર્ય તો એ વાતનું હતું કે ટંડેલે આ પોલીસ એક્શનમાં તેને એકપણ સવાલ પૂછ્યા વગર શામેલ કર્યો હતો. ફક્ત શામેલ જ નહોતો કર્યો પણ જાણે તેને આખા ઑપરેશનની કમાન્ડ આપી હોય એમ તેનું કહ્‌ માની પણ રહ્યો હતો. એક પોલીસવાળા પાસે આવી આશા રાખવી અસંભવ સમાન હતું... અને બીજું આશ્ચર્ય તે અત્યારે અનુભવી રહ્યો હતો... તે ત એમજ માનતો હતો કે તેઓએ ખન્ના ઍન્ડ કંપનીનો સામનો સામાન્ય રીતે પોલીસવાળા વાપરે છે એવી છ-બૉરની કોલ્ટ પીસ્તોલથી કરવાનો હશે, પરંતુ જર્મન બનાવટની આધુનિક ગન જોઈને તે છક થઈ ગયો હતો. રાતના અંધારામાં પણ પ્રેમના ચહેરા પર આવેલા એ ભાવોને ટંડેલે વાંચી લીધા...

“ટંડેલ... આ ગન...”

“ઇમ્પોર્ટેડ. છે... મેડ ઇન જર્મની...” ટંડેલે કહ્યું. “આ જ તો અમારી સફળતાનું રહસ્ય છે. તું શું એમ માને છે કે આપણે તેમનો સામનો સાવ ફડતુસ પિસ્ટલથી કરી શકીશું... નહિ... એ લોકો પાસે અત્યાધુનિક ઓજારો હશે... ભારે વિસ્ફોટકો હશે... એવા સમયે આપણી પાસે છ-બૉરની સામાન્ય પિસ્ટલ હોય તો તને શું લાગે છે...? આપણો જીવ એટલો સસ્તો તો નથી જ... અને એટલે જ આ મારી સ્પેશ્યલ વ્યવસ્થા છે. હું હંમેશા પૂરી તૈયાર સાથે ત્રાટકવામાં માનું છું...”

“અને આ થેલામાં...?” પ્રેમે બ્રહ્મચારીના હાથમાં લટકતા થલા તરફ ઇશારો કરતા પૂછ્યું.

“તેમાં નાઈટવિઝન સ્નીપર રાયફલ અને નાઈટવિઝન બાયનોક્યુલર છે... અને એવી ઘણી ચીજો છે જે એક જંગના મેદાને કામે લાગે... તને ખબર છે પ્રેમ...? કોઈપણ બાજી જીતવા માટે જ ખોલવાની હોય... અને તેમાં આવા ઓજારો જરૂરી છે...”

“માન ગયે દોસ્ત...” પ્રેમે દિલથી કહ્યું. ટંડેલમાં તેને પોતાની પ્રતીકૃતિ દેખાઈ... “તું ઇમાનદાર તો છે જ... સાથે ખતરનાક વિચારી પણ શકે છે... હવે ખરી મજા આવશે...” અંધારામાં પણ પ્રેમની આંખોમાં ચમક આવી ગઈ.

“સૌથી પહેલા તો આપણા આપણા પ્લાન છ મુજબ ચાલવાનું છે... જો તેમાં કોઈ ગરબડ થાય તો પ્લાન મ્ અમલમાં મૂકવાનો...” પ્રેમે ટંડેલને પૂછ્યું.

ટંડેલ સૂરતથી દમણ આવ્યો ત્યારે જ પ્રેમે તેને બધી ઘટનાઓ વિશ વિગતે ચર્ચા કરી હતી. ખન્ના ઍન્ડ કંપનીને જેર કરવા માટે જે પ્લાન બનાવ્યો હતો તે પણ તેણે ટંડેલને કહી સંભળાવ્યો હતો. ત્યારે ટંડેલ અવાક બનીને તેનો પ્લાન સાંભળી રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો આ સુકલકડી, હેન્ડસમ દોસ્ત આટલું ખતરનાક દિમાગ પણ ધરાવે છે. પ્રેમનો પ્લાન એકદમ ફુલપ્રુફ હતો એટલે તેમા તેને કોઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગ્યુ નહોતું. તેણે પ્રેમનો પ્લાન મંજૂર રાખ્યો હતો અને યશવંત, મુનાફ અને બ્રહ્મચારીને પણ સમજાવ્યું હતું.

પ્લાન છ મુજબ તેમણે કંઈ જ કરવાનું નહોતુ... મતલબ કે હથિયાર ચલાવવા પડે એવા કોઈ જ પગલા ભરવાના નહોતા. તેઓના અંદાજ મુજબ અત્યારે કિનારા પર કેટલા માણસો હશે તેનો એક અંદાજ તેઓએ માંડ્યો હતો. દોલુભાની બોટમાં વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ હોઈ શકે, ખન્ના અને જોરા સાથે બે માણસો હતા. આ ઉપરાંત ટ્રકમાં લગભગ ચારેક માણસો આવવા જોઈએ... આમ કુલ મળીને બાર-તેર માણસો હોવાના. તેર માણસો સામે તેઓ છ વ્યક્તિ હતા જેમાં મુકેશ પરમારને તો ગણતરીમાં લેવાનો નહોતો. તો બાકી રહેતા હતા માત્ર પાંચ, શું પાંચ માણસો એ ખુંખાર ખન્ના ઍન્ડ ટોળીનો સામનો કરી શકશે...? એ નાનીસૂની વાત નહોતી, અને એટલે જ તેઓએ પ્લાન ‘છ’ બનાવ્યો હતો... પ્લાન ‘છ’ મુજબ જ્યારે દોલુભાની બોટમાં સામાન દરબાર ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ચડાવીને એ ટ્રક તેના ગંતવ્ય સ્થાને રવાના થવાનો હોય ત્યારે તે ટ્રક ઉપર ત્રાટકવું અને ટ્રકને સર-સામાન સહિત પોતાના કબજામાં લઈ લેવો... આમાં બે ફાયદા હતા. એક તો એ કે પેટીઓ લઈ જતા ટ્રકમાં માણસો ઓછા હોવાના, જેના કારણે તેઓને ઝેર કરવા વધુ આસાન પડે અને બીજો ફાયદો એ થાય કે દોલુભા જ્યારે તેની બોટમાંથી સામાન ઉતારીને પાછો વળતો હોય ત્યારે ટંડેલ મરીન પોલીસને જાણ કરીને તેની ગીરફતારી કરવી લે... આમ, ટ્રક અને બોટ, એ બંને મોરચે સહેજ પણ ખૂના-મરકી કે અથડામણ થયા વગર સફળતા મળે. ત્યારબાદ ખન્નાને ઝબ્બે કરવો આસાન થઈ પડે. આમ પ્રેમનો પહેલો પ્લાન એકદમ અફલાતુન સાતિ થાય... પરંતુ...જો એવું ન થઈ શકે તો પછી એ લોકોનો સામનો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પ્રેમ કે ટંડેલ પાસે નહોતો. પ્લાન ‘મ્’ ત્યારે અમલમાં મૂકવાનો થાય... જો ખન્ના એને દોલુભાના માણસોનો સામનો કરવાની નોબત આવે તો તે પાંચ વ્યક્તિઓ એવી પોઝીશનમાં ગોઠવાવું કે જેથી દરેક દિશામાં એક-એક વ્યક્તિ રહે અને તેઓ દરેક બાજુથી ખન્ના ઉપર ફાયરીંગ કરે. તેઓને એવું લાગે કે તેઓ ચારેબાજુથી ઘેરાઈ ગયા છે અએને તેમની આ જ મનઃસ્થિતિનો ભરપૂર લાભ ઉઠાવીને ખન્નાની ટોળકીને જેર કરવી... આમ, પ્રેમે સૂચવેલા બંને પ્લાન એકદમ આયોજનબદ્ધ અને જોરદાર હતા. ટંડેલને પણ તેમાં કંઈ ફેરફાર કરવાનું યોગ્ય લાગ્યું નહોતું એટલે તેણે એમાં હામી ભરી પ્રેમે સૂચવેલા બંને પ્લાન માન્યા રાખ્યા હતા અને એ પ્રમાણે આગળ વધવાની કામગીરી ગોઠવવામાં આવી... ટંલ માટે એક સમસ્યા બીજી હતી. પ્રેમને તે ઑફિશિયલ રીતે ઑપરેશનમાં શામેલ કરી શકે તેમ નહોતો. અએને તે યોગ્ય પણ નહોતું કારણ કે તે જાણતો હતો કે આનું પરિણામ ભયાનક આવી શકે... તેણે પ્રેમને વારવાનો પ્રયાસ કર્યો હતો. તેને સમજાવ્યો હતો કે તે આમાંથી બાકાત રહે અને પોતાને તે લોકોનો સામનો કરવા દે. પરંતુ પ્રેમ સંમત થયો નહોતો... તે કોઈપણ ભોગે ત્યાં આવવા માંગતો હતો... ટંડેલ આ માથાફરેલ નવાબને સારી રીતે ઓળખતો હતો કારણ કે તેઓ વર્ષોથી મિત્ર હતા. ટંડેલ પ્રેમના સ્વભાવથી સુપેરે પરિચીત હતો. તે એ પણ જાણતો હતો કે પ્રેમે એક વખત કંઈ કરવાનું નક્કી કરી લીધું પછી આ દુનિયાની કોઈ તાકાત તેને અટકાવી શકે નહિ. એટલે કમને પણ તેણે પ્રેમનો સાથ સ્વીકાર્યો હતો... છતાં તેના મનમાં તેનો ડર હતોજ...

પ્રેમ પહેલા રવાના થયો. તે ખન્નાની ગાડી જ્યાં પાર્ક થયેલી હતી તેની ડાબી બાજુ, દક્ષિણ દિશામાં આગળ વધ્યો. તે વધુ આગળ જઈ શકે એમ નહોતો કારણ કે ત્યાર પછી દરિયા કિનારો શરૂ થતો હતો અને ત્યાં કિનારા પાસે સંતાઈને ઊભા રહેવાની કોઈ જગ્યા નહોતી. પ્રેમ છેવાડેના નાળીયેરના ઝાડની આડાશ લઈને ઊભો રહ્યો. તેને ઝાડની આડાશેથી થોડે દૂર, દરિયાકાંઠે કાળમીંઢ પથ્થરોનો સમૂહ નજરે ચડતો હતો... પથ્થરોના એ સમૂહની પછવાડે જ દોલુભાની બોટ લાંગરવાની હતી. ખન્ના, જોરા અને તેની સાથે આવેલા તેના બે સાગરીતો એ પથ્થરના બનેલા ઉંટના ઢેકા જેવા બારાની પાછળ બાજુ હોવા જોઈએ એવું તેનું અનુમાન હતું... બીજી બાજુ યશવંત અને મુનાફ પ્રેમની વિરુદ્ધ દિશામાં ચાલ્યા હતા. તેઓ એ ખડકના સમૂહની ઉત્તર દિશામાં ચાલ્યા હતા... જ્યારે ટંડેલ સીધો આગળ વધ્યો. આમ... ત્રણ દિશાઓમાં તેઓ વિખેરાયા હતા જે તેમની વ્યૂહરચનાનો જ એક ભાગરૂપે હતું. બ્રહ્મચારી ખન્નાની કારની નજીકના એક ઝાડ પાછળ સંતાયો... પરમારને તેઓએ ત્યાં જ છુપાઈને નજર રાખવાનું સોંપ્યું હતું... દરક વ્યક્તિ પોત-પોતાની મુકર્રર જગ્યાએ સતર્કતાથી સાવધાની રાખતા ગોઠવાયા હતા... હવે તેઓએ રાહ જોવાની હતી...

પ્રેમે પોતાના કાંડે બાંધેલી રીસ્ટવૉચમાં નજર કરી. રીસ્ટવૉચમાં રેડિયમ કાંટો ત્રણની આસપાસ ભમી રહ્યો હતો. દૂર ઉછળતા સમુદ્રના મોજાનો અવાજ તેનાકાને નિરંતર અથડાઈ રહ્યો હતો. રાત્રીના પાછલા પહોરની આહલાદક ઠંડક વાતાવરણમાં ભળી હતી. તેની આંખો અંધારામાં ટેવાણી હતી એટલે તે આંખો ખેંચીને તેની આજુબાજુના વિસ્તરનો તાગ મેળવવા પ્રયત્ન કરી રહ્યો હતો... પહેલા દૂર ઉછળતા મોજા તરફ, પછી પેલા ખડકોના સમૂહ તરફ અને ત્યારબાદ તે એ વિશાળ ક્ષિતિજને આંબતા સમુદ્રના તટને પોતાની આંખોમાં સમાવી કંઈક વિચારમાં ડુબ્યો... તેના દિમાગમાં ગડભાંજ ઉઠી હતી. આ લેન્ડસ્કેપમાં કંઈખ અધુરપ તેને વર્તાતી તી... તેને એવું લાગ્યું કે હજુ કંઈક ઘટે છે... કશુંક અધૂરું છે.. તેનું દિમાગ ઝડપથી વિચારતું હતું કે એ શું હોઈ શકે... તેના ચહેરા પર મુંઝવણના ભાવો ઊભરી આવ્યા... અહીં કંઈક હોવુ જોઈતુ હતુ પણ નથી... આખા ચિત્રમાં એક મહત્ત્વની ચીજ ખૂટતી હતી... પરંતુ એ ચિજ શું હોવી જોઈએ એ તેને સમજાતું નહોતું... ચો-તરફ ફેલાયેલા નિતાંત અંધકાર અને નિરવ ખામોશીમાં પ્રેમની આંખો તે વસ્તુને ખોજી રહી... તેની નજર ફરતી-પરતી ખન્નાની કાર સુધી આવીને અટકી... અચાનક તેના મગજમાં ઝબકારો થયો...

“ઓહ... ઓહ યસ...” અનાયાસે તેના હોઠો વચ્ચેથી શબ્દો સર્યા... “ટ્રક... હાં... ટ્રક નથી...” તેને આશ્ચર્ય થયું. જે ટ્રકમાં પેટીઓ ગોઠવવાની હતી એ ટ્રક કેમ ક્યાંય દેખાતો નથી. ટ્રક અહીં હોવો અનિવાર્ય છે... પણ તે નથી. સમુદ્રના રેતાળ પટમાં ટ્રક અંદર સુધી લાવવો શક્ય નથી એટલે તેને કાંઠાથી દૂર, આસાનીથી રોડ ઉપર ચડી શકે એવી જગ્યાએ ઊભો રાખવો પડે એ શક્યતા તેણે વિચારી જોઈ... પરંતુ રોડ નજીક કે તેની આસ-પાસ તેણે ટ્રકને જોયો નહોતો. તેને શંકા ઉદ્‌ભવી કે એ લોકોએ તેમનો પ્લાન તો નહીં બદલ્યો હોય ને...? ખન્ના અને તેના પઠ્ઠાઓ અહીં છએ એટલે ટ્રક અહીં હોવી જ જોઈએ, છતાં ટ્રક કેમ નથી...? પ્રેમ મુંઝાયો. આટલી મહત્ત્વની કડી કેમ તેના ધ્યાન બહાર નીકળી ગઈ એ વાતનું તેને ખુદને આશ્ચર્ય થયુ હતુ... જો આ લોકોએ બીજી કોઈ વ્યવસ્થા વિચારી હશે તો પોતાનો પ્લાન ‘છ’ અમલમાં મૂકતા પહેલા જ નિષ્ફળ જશે એ શક્યતાએ તે ચિંતીત થઈ ઊઠ્યો. આ બાબત વિશે ટંડેલ સાથે ચર્ચા કરવી જોઈએ એ વિચારે તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો... તેણે બધાના મોબાઈલ સાયલન્સ વાઈબ્રેશન મોડ પર મૂકાવ્યા હતા એટલેસામા છેડે મોબાઈલની રીંગ વાગતા બીજાના ધ્યાનમાં ચડવાની શક્યતાઓ નહિવત હતી... તે હજુ ટંડેલને ફોન લગાડવાના વિચારમાં હતો કે સહસા તેના ઉપર દૂરથી અંજવાળુ પડ્યું... તે ચોંક્યો અને નીચે ઝુકી ગોઠણભેર બેઠો. એ ઝાંખુ અંજવાળુ તેની પીઠ પાછળથી આવી રહ્યું હતું... એ અજવાશની સાથે-સાથે એક ધીમો ઘરઘરાટી ભર્યો અવાજ પણ વાતાવરણમાં ભળ્યો હતો. પ્રેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી અને તેણે પોતાનો મોબાઈલ પાછો પેન્ટના ખિસ્સામાં મૂક્યો. તેના જીગરમાં રાહતનો દમ ભરાયો... દૂરથી પ્રગટેલા અજવાળાએ અને સંભળાતા અવાજે તે ટ્રક હોવાની સાબિતી આપી હતી... ગમે તે કારણોસર ટ્રક મોડી પડી હતી. પરંતુ ટ્રક આવી પહોંચી હતી પ્રેમ માટે એટલું જ પૂરતુ હતું. ટ્રક ખન્નાની કારથી થોડે દૂર આગળ ઊભી રહી. પ્રેમ ત્યાંથી લગભઘ બસ્સોએક કદમ દૂર લપાયો હતો. તેને આટલે દૂરથી ટ્રકના ઢાંચાનો ખ્યાલ આવતો નહોતો, છતાં તે એટલું અનુમાન લગાવી શક્યો હતો કે તે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટના કામકાજમાં વપરાતી ટ્રક જેવી જ ટ્રક હશે.

પ્રેમની જેમ જ બ્રહ્મચારીએ પણ એ ટ્રકને જોઈ હતી. તે ખન્નાની ગાડીની પાછળની બાજુએ એક નાળીયેરીના ઝાડની સાથે ઊભો હતો. ટ્રકની હેડલાઈટનું અંજવાળુ તેની પાસેથી પસાર થઈને દરિયા તરફ પથરાતું હતું... ટ્રક તેનાથી થોડે આઘે આગળ ઊભી રહી એટલે તેને નિરાંતનો દમ લીધો. તે ટ્રકની પાછળના ભાગે થોડો ક્રોસમાં ઊભો હતો. આંખો ખેંચીને, ઝીણી નજરથી તેણે ટ્રકમાંથી કેટલા વ્યક્તિઓ ઊતરે છે એ જોવાની કોશીષ કરી... તેને એટલું સમજાયું હતું કે આ જ ટ્રકમાં પેલી પેટીઓ લઈ જવાની હશે... થોડીવાર પછી ટ્રકની હેડલાઈટ બંધ થઈ એટલે ફરી પાછો ઘેરો અંધકાર છવાયો... બ્રહ્મચારી દબાતા પગલે આગળ સરક્યો. તે ટ્રકની જેટલો બને તેટલો નજીક પહોંચવા માંગતો હતો... તેનાથી પંદરેક ફૂટ આગળ બીજુ એક પાતળા થડવાળુ નાળીયેરીનું ઝાડ હતું તે એની પાછળ સાવધાનીથી ઊભો રહ્યો. અહીંથી તેટ્રકની ક્લીનર સાઈડ બરાબર જોઈ શકતો હતો... શ્વાસ થંભવીને તે જોઈ રહ્યો... થોડી જ વારમાં ક્લીનર બાજુઓ દરવાજો ખોલીને એક વ્યક્તિએ નીચે રેતીમાં કુદકો માર્યો અને બંને હાથ ખંખેરતો ત્યાં ઊભો રહ્યો. બ્રહ્મચારી તેની પીઠને તાકી રહ્યો. તેનો ચહેરો દરિયા બાજુ હતો એટલે તે કોણ છે એનો કોઈ અંદાજ તેને આવતો નહોતો. આમ પણ તે એની નજીક ગયા વગર ઓળખી શકવાનો નહોતો. એ વ્યક્તિની પીઠ બ્રહ્મચારી બાજુ હતી. તેણે પોતાની પેન્ટને બે હાથ વડે પકડી, ખેંચી અને ઉપર ચઢાવી... થોડીવારમાં જ તેની આગળ ટ્રકના મોઢા પાસે બીજો મણસ પ્રગટ થયો. એ કદાચ ટ્રકનો ડ્રાયવર હતો. પૂા છ-હાથ ઊંચો અને પડછંદ દેહાકૃતિ ધરાવતો એ માણસ દૂરથી જ ભારે કદાવર લાગતો હતો. અંધારામાં તેના જમણા કાનમાં પહેરેલી હિરાની બુટ્ટી ઝબકારો મારતી હતી. દૂરથી પણ બ્રહ્મચારીની ચકોર નજરે એ ઝબકારો જોયો... અને એક સેકન્ડના વિલંબ પછી તે ચમક્યો... સાવ અચાનક તેને સમજાયું કે તે વ્યક્તિ કોણ હોઈ શકે. તેના શરીરના સ્નાયુ અચાનક તંગ થયા અને મનમાં ઉઠતા વિચારોને તેણે ખાળવાની કોશીષ કરી... આ માહિતી તેણે ટંડેલસાહેબને આપવી જોઈએ એવું વિચારી ફટાફટ તેણે ફોન કાઢ્યો અને ટંડેલને લગાવ્યો...

“સાહેબ... એક સરપ્રાઈઝ છે...”

“શું...?”

“બાપુ પધાર્યા છે...’

“બાપુ...?” કંઈક આશ્ચર્યથી ટંડેલે પ્રશ્ન કર્યો.

ં“હિંમતસિંહ બાપુ... હિંમતસિંહ દરબાર જાતે ટ્રકની સાથે આવ્યા છે...”

“હોય નહિ...”

“હા... એ જ છે...” કાનમાં પહેરેલી હિરાજડિત બુટ્ટી અને પડછંદ આકારના દેહને કારણે બ્રહ્મચારી હિંમતસિંહ દરબારને અંધારામાં પણ ઓળખી ગયો હતો.

“ઓહ... ધેટ્‌સ ગુડ... હવે આપણે જાજુ દોડવું નહિ પડે... બધા ગુનેગારો એક જ ઠેકાણેથી ઝપડાશે ત્યારે, બ્રહ્મચારી તું વિચાર કર... ડિપાર્ટમેન્ટમાં આના કેવા પ્રત્યાઘાતો પડશે...” ટંડેલે કહ્યું. તેના ચહેરા પર એક વિશેષ ચમક પથરાઈ હતી. બ્રહ્મચારીના ફોને તેને ઉત્સાહમાં લાવી દીધો હતો. તે મનોમન બબડ્યો પણ ખરો...” હવે આવશે ખરી મજા...”

પરંતુ... ટંડેલનો એ ઉત્સાહ આધુરો હતો. તેની ખુશીમાં ઓર વધારો થયો હોત... કદાચ તે હરખનો માર્યો નાચી ઊઠ્યો હોત જો તેને ખબર હોત કે દોલુભાની બોટમાં તેની સાથે તાલીબાનનો ખૂંખાર આતંકવાદી કમાન્ડ હાજી-કાસમ પણ આવી રહ્યો છે... અને, કદાચ વધુ પડતી ખુશી અને આનંદના કારણે તેું હૃદય ફાટી પડ્યું હોત, જો તેને જાણવા મળ્યુ હોત કે હાજી-કાસમ જે પેટીઓ લાવી રહ્યો છે એ પેટીઓમાં શું માલ ભર્યો છે...? એ જાણીને તેને આશ્ચર્ય અને આઘાત લાગવાનો હતો.

“સાલા બૉસ્કી... તું મને સેર કરવા લઈ જાય છે...? જો આટલી ધીમી રફતારે તું ડ્રાઈવ કરીશ તો આપણે કદાચ કાલે બપોરે જ પહોંચશું.” સુસ્મીતાએ ભારે ગુસ્સાથી બૉસ્કીને કહ્યું. ‘બ્લ્યુ હેવન’થી બસસ્ટેન્ડ સુધીનું અંતર કાપતા માંડ વીસ-પચ્ચીસ મિનિટ થાય. તેની બદલે બૉસ્કી જે રીતે કાર ચલાવી રહ્યો હતો એ જોઈને સુસ્મીતાનો ગુસ્સો ઉછળ્યો હતો. આ સ્પીડે તો જરૂર તેો બધો ખેલ પૂરો થયા પછી પહોંચે એ નક્કી હતું... બૉસ્કી એ સમજતો પણ હતો અને સુસ્મીતા વધુ કંઈ કહે એ પહેલા તેણે બાજી સંભાળી લીધી...

“મારી માં... તું ગુસ્સે ન થા...” કંઈક પ્રાશ બેસાડતો હોય એમ તે બોલ્યો. “મને પણ સમજાય છે કે આપમે ઝડપથી પહોંચવું જરૂરી છે, પણ એમ ઉતાવળ કરવામાં જોખમ થશે... આ સુમસાન રસ્તા પર બંધ હેડલાઈટે ફક્ત સ્પાર્કીંગલાઈટના સથવારે સામે રસ્તો પણ દેખાવો જોઈએ ને...? અને વળી આપણને એ પણ ખબર નથી કે મુકેશ પરમાર ક્યાં સંતાયો હશે... એ આપણી રાહ જોઈને ઊભો હોય અને આપણે જલદીના ચક્કરમાં આગળ નીકળી ગયા તો...? તું સમજે છે ને મારી વાત...?”

“શું સમજે...? ધુળ ને ઢેફા...” સુસ્મીતા ધુંધવાઈ ઊઠી. બૉસ્કીની વાત તે સારી રીતે સમજતી હતી પરંતુ અત્યારે તેને પ્રેમની પારાવાર ચિંતા થઈ રહી હતી. તેનું મન ક્યારનું પ્રેમની પાસે પહોંચી ગયું હતું... તે જાણતી હતી કે પ્રેમ કોઈના વાર્યો પાછો વળવાનો નથી અને ગમે તેવા ભયાનક જોખમમાં તે વગર વિચાર્યે કુડી પડશે... તેને એટલે જ બીક લાગતી હતી. જો પ્રેમને કંઈ થઈ ગયું તો...? એ વિચારે તેના હૃદયમાં ખળભળાટ મચાવી મૂક્યો હતો... અને એટલે જ તે પ્રેમની મદદ કરવાના આશયથી બૉસ્કીને સાથે લઈને નીકળી હતી... સુસ્મીતા નસકોરા ફુંગરાવતી ચૂપ થઈ ગઈ એ જોઈને બૉસ્કીને થોડી હાશ થઈ. તેણે હળવે રહીને કારની રફતાર વધારી.

આ બાુ મુકેશપરમાર સાવધાની વર્તતો પોતાના બૉસ બૉસ્કીના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેણે દૂરથી આછુ અજવાળુ રેલાતુ આવતુ જોયુ કે તે તરત ઝાડની આડાશ છોડીને મેઈનરોડે સરક્યો. તેનું અનુમાન સાચું હતું. એ કારમાં બૉસ્કી અને સુસ્મીતા જ હતા.

દમણના શાંત, ખૂબસુરત, રળીયામણા દરિયાકાંઠે એક મહાભયાનક, ખતરનાક તખ્તો ગોઠવાઈ રહ્યો હતો. એક વિકરાળ વિસ્ફોટની આગોતરી તૈયારીરૂપે દરિયાકિનારાની એ રેતાળ ભૂમિ ઉપર ખૂંખાર અને કાતિલ માણસોનો જમાવડો ખડકાઈ રહ્યો હતો. રાતના ઘેરા અંધકારમાં સફેદ ફીણ જેવા ઉછળતા સમુદ્રના મોજાની તાલે ત્યાં એકઠા થયેલા દરેકે-દરેક વ્યક્તિઓના હૃદયની ધડકનો તેજ ગતિએ ઉછળતી હતી. તેઓના ચહેરાઓ પર ઉત્તેજના અને ઉત્કંઠાના ભાવો સ્પષ્ટ વર્તાતા હતા. દરિયાની રેતીમાં ઉગેલા નાળીયેરી અને તાડના ઝાડવાઓ પણ જાણે આવનારી એક-એક ક્ષણનો ઇંતેજાર રી રહ્યા હોય તેમ દરિયા ઉપરથી વહેતા પવનની તાલે ડોલી રહ્યા હતા. આછા, ખારા પવનના કારણે એક સંતુલીત રીધમમાં ફરફરતા એ ઝાડવાઓના પાંદડાનો અવીરત શોર, દરિયાના ઉછળતા મોજાઓના અવાજમાં વિલીન થઈને એક અવર્ણનિય સંગીત પેદા કરતા હતા... કોઈ નહોતું જાણતું કે હવે પછી આવનારી ક્ષણોમાં શું થવાનું છે...? ભવિષ્યની ગર્તામાં ઢબુરાઈને પડેલા ભયાનક વિસ્ફોટકો ઉપરની રાખ ધીરે-ધીરે ઊડી રહી હતી. ક્ષણે-ક્ષણનો હિસાબ મંડાઈ ચૂક્યો હતો... દમમના ઇતિહાસમાં ાજની રાત યાદગાર બનવાની હતી. દમણ જ નહિ, સમગ્ર દેશમાથે અત્યારે મોતનો ભયાનક ઓથાર છવાયો હતો. જે પેટીઓ અહીં ઉતરવાની હતી તેમાં જે સામાન હતો એ સામાન, એ અસલો એક નવા જ યુદ્ધના મંડાણની શરૂઆત માટે લાવવામાં આવી રહ્યો હતો. જો એ અસલાનો ઉપયોગ થયો તો ચો-તરફ હાહાકાર અને મત્યુનો નગ્ન નાચ શરૂ થવાનો હતો... અહીં ઉપસ્થિત હતા તે દરેક વ્યક્તિ પોતપોતાના આયોજનમાં વ્યસ્ત હતા. દરેકના સીનામાં હૃદય જોરજોરથી ધડકી રહ્યા હતા. દરેકના ચહેરા પર આશંકાઓ અને આત્મવિશ્વાસના મિશ્ર ભાવો ઝળકતા હતા. દરેકના સીનામાં એક ગર્વ ભરાયો હતો. એકએક ડગલું અનેરા આત્મવિશ્વાસથી ભરાતુ હતુ... મનમાં ગોઠવાતી ગણતરીઓનો સરવાળો દરેકને પોતાની પક્ષમાં ફાયદો દર્શાવતો હતો.

ખન્ના પોતાની સાથે થયેલ અન્યાય અને અપમાનનો બદલો લેવા અધિરો બન્યો હતો. તેની સાથે જોડાયેલા જોરા અને તેના સાથીઓની આંખમાં બેશુમાર દોલતના સ્વપ્નાઓ હતા. દોલુભાને પતાની બોટના ભાડા તરીકે મળનારા મબલખ રૂપિયા નજર સામે તરવરી રહ્યા હતા... હાજી-કાસમ કંઈક અલગ જ મનસૂબા સાથે તેના સાથીઓને લઈને ભારત આવી રહ્યો હતો... જ્યારે બીજી બાજુ ટંડેલ, મુનાફ, બ્રહ્મચારી અને યશવંતની રગોમાં ઉછળતા લોહીમાં એક અલગ પ્રકારની ભયાનક બીમારી દોડી રહી હતી. એ બીમારી હતી ગુનેગારો પ્રત્યેની નફરતની... ભયાનકમાં ભયાનક અપરાધી પણ સાવ આસાનીથી કોર્ટ-કચેરીમાંથી છુટીને જે મોજથી, એશો-આરામથી સમાજમાં ખુલ્લી છાતીએ ઘુમે એ જોઈને તેમના લોહી ઉકળી ઉઠતા... એટલે જ ટંડેલે પોતાનું એક અલગ નેટવર્ક, એક માથાફરેલ માણસોની ટોળકી ઊભી કરી હતી જે તેના ઇશારે કોઈપણ કાયદાની શેહશરમમાં આવ્યા વગર ગુનેગારોને નશ્યત કરતી... અત્યારે પણ તેના મનમાં એવું જ ખુન્નસ ઘૂંટાઈ રહ્યું હતું... સુસ્મીતા પ્રેમની પાછળ આવી હતી. તેને પ્રેમની પારાવાર ચિંતા થતી હતી... સુસ્મીતાની સાથે આવેલા બૉસ્કીની પોતાની કોઈ ઇચ્છા નહોતી કે તે આવા કોઈ ઝમેલામાં પડે. તે પોતે એક ડિટેક્ટીવ હતો અને તેનું કામ માત્ર જાસૂસી કરવાનું હતું એ સિવાય તે બીજી કોઈ ઉપાધીઓમાં ક્યારેય પડતો નીં પરંતુ તેમ છતાં તે અહીં આવ્યો હતો કારણ કે સુસ્મીતાને ક્યારેય તે ના પાડી શકતો નહીં. સુસ્મીતાને કારણે તે તેની સાથે હતી... મુકેશ પરમાર પોતાના બૉસ બૉસ્કીના હુકમનું પાલન કરવા અહીં હતો... હિંમતસિંહ દરબારને અહીં હોવું જરૂરી નહોતું છતાં તેના નસીબે છેલ્લી ઘડીએ તે આવ્યો હતો... જ્યારે... આ તમામથી સાવ અલગ, અથવા તો કોઈ જ કારણ વગર પ્રેમ અહીં હતો... એક સાવ સામાન્ય, નાનકડી અમથી ઘટનાના કારણે તે આ ચિત્રમાં શામેલ થયો હતો. ભુપતે જો પોતાની સ્કોર્પીઓ ગાડી ભીમપોરથી દમણ જવાના રસ્તે રોડ ઉપર પાર્ક કરી ન હોત તો પ્રેમ ક્યારેય આ ઘટનામાં સંડોવાયો ન હોત... અને તો કદાચ સમગ્ર પરિસ્થિતિએ કંઈક અલગ જ વળાંક લીધો હોત... પરંતુ એવું થયું નિયતીને મંજૂર નહોતું અને સાવ અનાયાસે જ પ્રેમ આ ઘટનામાં ભળ્યો હતો... તેનું અહીં આ દમણના દરિયાકિનારે હોવું એ તેના પોતાના માટે એક પિડાદાયક અનુભવ બની રહેવાનો હતો... પરંતુ, તેનો એક બહુ મોટો ઉપકાર સમગ્ર ગુજરાત અને દેશ ઉપર થવાનો હતો.

પહેલા બે વખત લાઈટ ઝબુકી... પછી એક વખત અને ફરી પાછી બે વખત દરિયાના પાણી ઉપર લાઈટના ચમકારા થયા... રાતના પાછલા પહોરે દરિયાના ફીણ ઉછળતા પાણીની લહેરો ઉપર ઝબકતી એરોશનીને લગભગ બધાએ જોઈ... દરિયામાં દૂરથી કોઈ સિગ્નલ આપી રહ્યું હતું. ખન્ના એ રોશની જોઈને સાબદો થયો. ખન્ના અને જોરાની સાથે હિંમતસિંહ દરબાર અને તેની સાથે ટ્રકમાં આવેલો ક્લિનર પણ જોડાયો હતો. દરબાર જાતે ટ્રક ચલાવીને આવ્યો છે એ જાણીને ખન્નાને ભારે આશ્ચર્ય થયું હતું. દરબાર પોતે આવ્યો એ જોઈને ટ્રકના મોડા આવવા બદલનો તેનો ક્રોધ ઓસરી ગયો હતો. દરબારે એ વાતનો ખુલાસો પણ કર્યો હતો... વાત જાણે એમ બની હતી કે અહીં દમણની દરબાર ટ્રાન્સપોર્ટની ઑફિસે માત્ર બે જ ટ્રકો હતી અને એ ટ્રકો માલ ભરીને કેરલા જવા નીકળી ગઈ હતી... અને આ કામ એવું હતું કે તેમા બીજા ટ્રાન્સપોર્ટવાળાની ટ્રકનો ઉપયોગ શક્ય બને નહિ એટલે દરબાર તાબડતોબ સુરથી પોતાની બ્રાંચેથી એક ટ્રકને ફાજલ કરીને ખુદ તેને ચલાવીને અહીં આવ્યો હતો. તેની સાથે હાલમાં નવો ભરતી થયેલો આદમી મનવારસિંહ ક્લિનર તરીકે આવ્યો હતો... આ મનવારસિંહ પણ ઉત્સાદ ખેલાડી હતો એટલે જ દરબારે તેને સાથે લીધો હતો.

ખન્નાએ સાથે લીધેલી શક્તિશાળી ટોર્ચથી સામુ સિગ્નલ મોકલાવ્યુ. એટલે વળી પાછુ સામેથી અગાઉની જેમજ સિગ્નલ આવ્યું... બંને તરફથી ત્રણ વાર સામસામે સિગ્નલોની આપ-લે થઈ. ખન્નાના ચહેરા પર હળવી મુસ્કાન આવી. તેમએ હાથ લંબાવીને ટોર્ચ જોરાને આપી અને ખડકની આડાશેથી તે બહાર નીકળ્યો. તેઓ જ્યાં ઊભા હતા બોટ ત્યાં જ આવીને લાંગરવાની હતી. સમુદ્રના કિનારેના ખડકોનો આ સમૂહ જંગલી ઊંટના કુંધની જેમ કિનારે જાણે ઊગી નીકળ્યો હતો... દરિયાના ખારા પાણીની અવિરત ઝીંકાતી લહેરોએ ખડકોના કાળમીંઢ પથ્થરોને બરાબર વચ્ચેથી તોડીને તેમાં અંગ્રેજીના ‘યુ’ આકારનો ગેપ બનાવી દીધો હતો. આ ‘યુ’ આ આકારનો ગેપ દાણચોરો માટે જાણે સ્વર્ગનો દરવાજો હતો... આ ગેપ એક નાનકડા ડોકયાર્ડની ભૂમિકા ભજવતો હતો અને ત્યાંથી આજદિન સુધીમાં ઘણી ગેરકાનૂની ખેપો દાણચોરોએ સફળતાપૂર્વક મારી હતી. સુરતમાં માલ ઉતારવાનું કેન્સલ થયું તે ખન્નાને ન ગમ્યું હતું કારણ કે દમણની સરખામણીએ સુરતમાં માલ ઘુસાડવામાં તકલીફ પડી હોત... ખન્નાને પ્લાન બદલાયો એનો આનંદ થયો હતો... અને અએત્યારે તેણે સાગર પરથી દોલુભાની બોટમાંથી આવતા સિગ્નલો ઝીલ્યા ત્યારે તેના મનમાં આનંદ છવાયો હતો. તેને એમજ લાગ્યું કે બસ, એ પેટીઓ તેના હાથમાં આવી ચૂકી છે અને તેના દમ પર તે ધારે તે કરી શકશે.

આ તરફ ટંડેલ સાવચેતીથી થોડો આગળ વધ્યો. તે એકદમ સીધો જ પથ્થરોના સમૂહ તરફ આઘળ વધી રહ્યો હતો. તેણે પણ એ સિગ્નલો જોયા હતા. એ સિગ્નલોની ભાષા તે સમજતો હતો. બોટ દરિયાકિનારે લાંગરવાની પરમીશન માંગી રહી હતી. ત્યારબાદ તેમાંથી માલ ઉતારીને ટ્રકમાં ચડાવવાનો હતો. ટંડેલ વિચારતો હતો કે એક વખત ટ્રકમાં માલ ‘લોડ’ થઈ જાય ત્યારબાદ ટ્રકને પોતાના કબજામાં લેવાની વધુ તકલીફ નહિ પડે... ટંડેલને એ ટ્રકની પાસે જ ઊભુ રહેવાનું તું તેમ છતાં બોટમાંથી અપાતા સિગ્નોલએ તેને ઉત્તેજીત કરી મૂક્યો હતો. તેને એ જાણવાની ઉત્કંઠા થઈ હતી કે બોટમાં કેટલા માણસો આવ્યા હશે... એટલે તે સાવધાનીથી આગળ વધ્યો હતો. રેતીનો લાંબો પટ પાર કરીને તે ખડકના ઓથારે લપાયો... એ ખડકોની દિવાસની બીજી બાજુ ખન્ના અને તેના માણસો બોટની રાહ જોઈને ઊભા હતા એટલે આ તરફથી આગળ વધતા ટંડેલને તેઓ જોઈ જાય એવી કોઈ શક્યતા નહોતી... પરંતુ... પ્રેમે ટંડેલને જોયો. રાતના આછા ઉજાસમાં ગરોળીને જેમ સાવધાનીથી ખડકો તરફ સરકતા ટંડેલને જોઈને પ્રેમને ભારે આશ્ચર્ય થયું... તેને મનમાં વિચાર આવ્યો કે કમબખ્ત શું કામ ત્યાં જઈ રહ્યો છે...? પ્લાનમાં મુકર્રર થયા મુજબ તે લોકોએ સૌપ્રથમ ટ્રકને કબ્જે લેવાનો હતો અએને તે માટે ટંડેલને ટ્રકની નજીક રહેવું અનિવાર્ય હતું. પ્રેમ મુંઝવણ અનુભવી રહ્યો હતો. ટંડેલની હરકતે તેને અસમંજસમાં મૂક્યો હતો. તે ટંડેલથી ખાસ્સો બસોએક દમ દૂર હતો છતાં તેણે ટંડેલને આબાદ ઓળખ્યો હતો. ટંડેલને ખડકો તરફ જતો જોઈને તે મુંઝાયો હતો. બે-ઘડી કંઈક વિચારીને તે ટંડેલની પાછળ સાવધાનીથી ચાલ્યો...

પ્રેમની એ ગંભીર ભુલ હતી... તે જાણતો નહોતો કે જેવો તે નાળીયેરીના ઝાડની આડાશેથી બહાર નીકળીને સમુદ્રના રેતાળ ખુલ્લા પટમાં આવ્યો હતો... એ જ સમયે જોરાની સાથે આવેલા તેના બે પહેલવાન પઠ્ઠાઓમાંથી એકને અણીના સમયે જ લઘુશંકા કરવાનું પ્રેશર ઉપડ્યુ હતુ. તે જોરા પાસેથી સરકીને પ્રેમ જે તરફ આગળ વધી રહ્યો હતો એ દિશામાં ચાલ્યો... તે પહેલવાન દમણનો કુખ્યાત બુટલેગર વલી મહમ્મદ ખાન હતો. કસરત કરી-કરીને ફુલાવેલા બાવડા, વિશાળ છાતી અને બળદની કુંધ જેવા તેના ખભા હતા. ઉપરથી તેનો રંગ કાળોમેશ જેવો હતો એટલે તે સાક્ષાત કોઈ કાળા ડિબાંગ મહાશય રાક્ષસ જેવો બિહામણો લાગતો હતો... દમણથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં તેની માસ્ટરી હતી. જો કે તે આખી અલગ બાબત હતી... અત્યારે તો તે પોતાની લઘુશંકા નિવારણ માટે ખડકોની આડાશ વટાવીને બહાર નીકળ્યો હતો... અલમસ્ત ગેંડાની જેમ ચાલતા-ચાલતા જ સહસા તે ચોંકીને ઊભો રહી ગયો. આંખો કેંચીને તેણે અંધારામાં કંઈક જોવાની કોશીષ કરી. કોઈ વ્યક્તિ ભારે સાવધાનીથી ખડકો તરફ બીલ્લીપગે લપાતા છુપાતા આવી રહ્યો હતો... તે પ્રેમ હતો, જે ટંડેલની પાછળ જતો હતો... પ્રેમે અંધારામાં વલીખાનને જોયો નહિ કારણ કે તે તેનાથી ઘણે દૂર હતો અને ઉપરથી તેના કાળા રંગના કારણે, અને તેમાં પણ તેણે પહેરેલા કાળા કલરના શર્ટના કારણે તે એકદમ પ્રેમની નજરે ચડ્યો નહિ... વલીખાનનું મગજ ઠનક્યુ... તેને શંકા ઉદ્‌ભવી કે જરૂર તેની પાછળ કોઈ આવ્યું છે. નહિતર આટલી વહેલી સવારના ત્રણ-સાડા-ત્રણની આસપાસના સમયે અહીં કોણ હોય...? એ માણસ પોલીસવાળો તો નહિ હોય ને...? એ વિચારે તે ધ્રુજી ઊઠ્યો... ચોક્કસ તે પોલીસવાળો જ હોવો જોઈએ, નહિતર શું કામ આટલી સાવચેતી અને સાવધાની વર્તે...? વલીખાન બુદ્ધિનો બળદીયો નહોતો. તેણે જમાનો જોયો હતો... પ્રેમને જોઈને તેની છઠ્ઠી ઇન્દ્રીય સતેજ થઈ. જરૂર કોઈ ગરબડ છે... જોરાને ખબર કરવી પડશે. તેણે લઘુશંકાનું કામ પડતુ મૂક્યુ અને જોરા પાસે જવા ઝડપથી પાછો ફર્યો...

પ્રેમ જ્યારે ટંડેલની પાછળ-પાછળ ચાલતો ખડકોની આડાશે પહોંચ્યો ત્યારે ટંડેલ એ ‘યુ’ આકારના ખડકોના સમૂહની પાછલી બાજુથી સાવધાનીથી ઉપર ચડી રહ્યો હતો. તેની ગણતરી એ હતી કે જો ખડકની ઉપર પહોંચી શકાય તો ત્યાં છુપાઈને તે એ બારામાં થતી બધી ગતિવિધિઓને નિહાળી શકશે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી શકશે... તેને એ વખતે ખબર નહોતી કે પ્રેમ તેની પાછળ આવી રહ્યો છે અને એવું કરતા પ્રેમને વલીખાને જોઈ લીધો છે.

વલીખાન માતેલા સાંઢની જેમ જોરા તરફ ધસી ગયો. તેણે જોરાને તદ્દન ધીમા અવાજે હમણા જે જોઈને આવ્યો તે જણાવ્યું. પહેલા તો જોરાવરસિંહ કંઈ સમજ્યો નહીં અને જ્યારે તેના દિમાગમાં વલીખાનની વાત ઉતરી ત્યારે તેની ભ્રકુટીઓ ખેંચાઈને તંગ થઈ. તેને ખ્યાલ આવતો નહોતો કે આ વળી કોણ નવું અહીં આવ્યું હશે. તે ખન્ના તરફ લપક્યો. ખન્ના તેમનાથી ખાસ્સો દૂર પોતાના બન્ને હાથ કમર પર ટેકવીને પાણીની સપાટીને તાકતો અંધકારમાં ઊભો હતો. દૂરથી આવતી બોટના એન્જીનનો અવાજ તેના કાને અફળાઈ રહ્યો હતો અને એ અવાજની સાથે તેના જીગરના થડકારા વધ્યે જતા હતા. તે દોલુભાની બોટની અધીરાઈ ભેર રાહ જોઈ રહ્યો હતો... અચાનક તેણે પોતાની પીઠ પાછળ કોઈ ધસી આવ્યું હોય એવું અનુભવ્યું. જોરા લગભગ દોડતો તેની નજીક આવ્યો અને તેણે વલીખાને જ સમાચાર આપ્યા હતા એ કહ્યા.

“વોટ...?” ખન્ના ખળભળી ઉઠ્યો. તેના ચહેરા પર આશ્ચર્ય આવ્યું. આ તેને પસંદ આવે એવા સમાચાર નહોતા. “જોરા, તું જલદી વલી અને તેજાને તપાસમાં મોકલ. કોણ કમબખ્ત આ સમયે આપણી પાછળ આવ્યું તે જાણવું જરૂરી છે... અને હા, વલીને ચોખ્ખી તાકીદ કરીને મોકલ કે એ જે કોઈપણ હોય તેને બાંધીને આપણી ગાડીમાં નાંખે. આ સમયે મારે બીજી કોઈ ધમાલ જોઈએ નહિ... બોટમાં આવતા શખ્શોમાંથી કોઈને પણ આની જરા સરખી પણ ભનક પડવી જોઈએ નહિ... જા, ઉતાવળ કર...” તેને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ તેની પાછળ આવ્યું હોય. આ પ્લાનની સહેજપણ માહિતી તેણે લીક થવા દીધી નહોતી. તેને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો હતો કે અચાનક આ નવી મુસીબત ક્યાંથી ફૂટી નીકળી. તેને સૌથી વધુ ઉપાધી હાજી-કાસમની હતી. તે દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનનો બૉસ હતો. જો તેને સહેજપણ શંકા જેવું લાગે તો ભયાનક મુસીબત ઊભી થયા વગર રહે નહિ. અને એ પછીના પરિણામની કલ્પના કરતા ખન્નાને ખુદને કમકમા આવી ગયા હતા.

થોડી જ વારમાં જોરાએ તેના બન્ને પઠ્ઠા, વાલી અને તેજાને પ્રેમ અને ટંડેલ જ્યાં હતા એ દિશામાં રવાના કર્યા.

સુસ્મીતા ઉચાટથી બૉસ્કીને કંઈક કહી રહી હતી. તેનો મુલાયમ, ખૂબસુરત ચહેરો તપીને લાલઘુમ થઈ ગયો હતો. તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ વર્તાતો હતો. વારેવારે તે પોતાના હાથ સમજાવટની મુદ્રામાં લંબાવીને બૉસ્કીને સમજાવી રહી હતી... સામા પક્ષે બૉસ્કી સુસ્મીતાની વાત સાંભળીને એકદમ ઠંડકથી તેનું નાનકડુ માથુ નકારમાં ધુણાવી રહ્યો હતો. લગભગ દશ મિનિટ સુધી એ રકજક ચાલી. આખરે સુસ્મીતા હારી-થાકી, કંટાળીને લાચારીભર્યા સ્વરે છેલ્લી વખત સમજાવતી હોય એમ બોલી...

“તું સમજતો કેમ નથી બૉસ્કી... મારું અત્યારે પ્રેમ સાથે હોવું જરૂરી છે...”

“કેમ...? તું કાંઈ તોપ છે...? કે ત્યાં જઈને તું ફુટીશ અને બધા ખતમ થઈ જાશે હોં...?”

“શટઅપ બૉસ્કી... આ મજાકનો સમય નથી. તું પણ ચાલ મારી સાથે... આ પરમાર ભલે અહીં રહેતો. પ્રેમ ક્યાં છે તે આપણે જાણવું જ રહ્યું.”

“હું પણ તને એ જ કહું છું કે આ મજાક નથી. તું આમ સાવ અજડાઈથી વર્તવાનું છોડ... સામે જે દરિયાકાંઠો દેખાય છે ત્યાં એકલો પ્રેમ જ નથી ગયો. તેની સાથે ટંડેલ છે. અને મને ખાતરી છે કે ટંડેલ તેના માણસોને લઈને આવ્યો હશે. ટંડેલ એક બાહોશ અફસર છે, તે કોઈ ચાન્સ લેશે નહિ. તે તેની પૂરી તૈયારી સાથે જ આવ્યો હશે... અને સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે પ્રેમ ખુદ એક શક્તિશાળી અને દિમાગ ઠંડુ રાખીને વિચારી શકે એવો વ્યક્તિ છે. તેને તારી કે પછી મારી કોઈ જરૂર પડશે નહિ. એવું હોત તો તેણે આપણને સાથે લીધા જ હોત... અને ભગવાન ન કરે ને અત્યારે આપણે તેની પાછળ જઈએ અને આપણા કારણે તે કોઈ મુસીબતમાં મૂકાય તો...? માટે મારું માન અને થોડી ધિરજ રાખીને અહીં જ ઊભી રહે...’ બૉસ્કીએ સમજાવટના સ્વરમાં કહ્યું. તેને સુસ્મીતાને સમજાવતા નાકે દમ આઔવ્યો હતો... પણ સ્ત્રી જેનું નામ... એ કોઈ નિર્ણય ઉપર આવી જાય તો તેને મનાવવા કદાચ ભગવાન પણ નીચે ઉતરી આવે તો તે માને નહિ અને પોતાનું ધાર્યું કરીને જ ઝંપે... સુસ્મીતા પણ અત્યારે હઠે ભરાઈ હતી. તેના મનમાં એક જ ચિંતા હતી કે પ્રેમ જો વગર વિચાર્યે કોઈ ખતરના પગલું ભરશે તો તે ઉપાધીમાં મૂકાયા વગર રહેશે નહિ. એટલે જ તે તેની સાથે રહેવા માંગતીહતી.

“મારે તારી કોઈ ફિલોસોફી નથી સાંભળવી. તું મારી સાથે આવે છે કે નહિ... નહિતર હું એકલી જાઉં છું...” સુસ્મીતાએ નાક ફુંગરાવતા મક્કમતાથી કહ્યું. બૉસ્કી લાચારીથી તેના રૂપાળા ચહેરાને તાકી રહ્યો. તે સુસ્મીતા કરતા ઘણો નીચો હતો એટલે તેણે ડોક ઉંચી કરવી પડતી હતી... આખરે તે માન્યો. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે ભારે નાખુશીથી પગ ઉપાડ્યા.

બૉસ્કી અને સુસ્તા ખન્નાએ પાર્ક કરેલી તેની કાર સુધી આવ્યા. અને ત્યાંથી દૂર અંધકારમાં દેખાતા પથ્થરોના વિશાળ સમૂહ તરફ આગળ વધ્યા... બરાબર એ જ સમયે વલીખાન અને તેજા પ્રેમની નજીક પહોંચ્યા હતા... પ્રેમની પીઠ એ લોકો તરફ હતી અને તેનું સમગ્ર ધ્યાન ટંડેલ જે બાજુથી ઉપર ચડ્યો હતો ત્યાં ઊંચે ખેંચાયેલું હતું... વલી અને તેજા બરાબર તેની પીઠ પાછળ આવીને ઊભા હતા તેનાથી તે બેખબર હતો.

***