Chitkar - 3 books and stories free download online pdf in Gujarati

ચિત્કાર - 3

ચિત્કાર

( પ્રકરણ – ૩ )

બંગાળમાં દેવની મા સુમીયામા પરેશાન હતાં. લગભગ મહિનો વીતી ગયો હતો. દેવ એમનો એકનો એક દિકરો હતો. મા ના મનમાં દિકરાને પરણાવવાના ઓરતાં હવે ઘર કરી રહ્યાં હતા. યાત્રાથી દેવ પરત આવે એટલે સુંદર કન્યા શોધીને ઘરમાં વહુ લાવવાની ઈચ્છા એમણે પતિ સોમદા આગળ વ્યક્ત પણ કરી દીધી. વાત સાંભળી સોમદા મનમાં હસ્યાં. સોમદાને ખાતરી હતી કે દેવ કદાચ પરણશે નહિ. એના વિચાર, આચાર અને ચરિત્ર ખુબ જ જુદા પવિત્ર અને લોકોપયોગી હતા.

સરોવરના સ્નાન પછી બાબાએ દેવને બે સિદ્ધિઓ આપી. એનું નામ હતું કાડી વિદ્યા. એની પ્રાપ્તિથી શરીરને કોઈપણ ઋતુની અસર ના થાય એટલે કે ના ઠંડી લાગે ના ગરમી. એ ચાહે તો બરફમાં પણ આસાનીથી બેસી શકે કે અગ્નિમાં પણ બેસી શકે. ગુરુ ગોરખનાથ અને મત્સેન્દ્રનાથે એ વિદ્યાઓ હાંસિલ કરેલ હતી. આજે પણ ઘણા મુનિઓએ એને હાંસિલ કરેલ છે. બીજી વિદ્યા હતી મડાલાસા વિદ્યા. આ વિદ્યાથી શરીરને સુક્ષ્મકાય કે વિશાળકાય કરી શકાય. હનુમાનજીએ આ વિદ્યા હસ્તગત કરેલ હતી.

રાત્રે સપનામાં દેવને સુમીયામા ચિન્તા કરતાં દેખાયાં. સવારે બાબાને વાત કરી. બાબા હસ્યાં.

આજ આપકી ચિન્તા દુર કર દેંગે એમ કહી પેલાં વનસ્પતિના આસન ઉપર બેસી ધ્યાનમા બેસવાં કહ્યું. થોડીકવારમાં જોર જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો. કાનમાં જાણે હવા આરપાર નીકળી જતી હોય એવું લાગતું તો ક્યારેક મસ્તિસ્ક હવામાં તરતું હોય એવું લાગતું હતું. બાબાનો મંત્રોચાર ચાલુ હતું. ઘણાં કલાકો બાદ દેવને એહસાસ થયો કે એ હવામાં અદ્ધર થઇ રહ્યો છે. શરીરમાં ફક્ત હવા ફરતી હોય એવું લાગ્યું. બાબાએ એનાં કાનમાં ફરી મંત્રોનો ઉચ્ચાર કરી એનું રટણ કરી સ્મૃતિમાં રાખવાં કહ્યું. આ મંત્રો યાદશક્તિમાં કાયમ રહે એ જરૂરી હતું. વિસ્મૃતિ ના ગંભીર પરિણામ આવે એવું હતું. આ ખૂબ જ મોટી સિધ્ધી બાબાએ દેવને આપી રહ્યાં હતાં. દેવ ફરી ધ્યાનસ્ત થયો. મંત્રના જાપ અવિરત ચાલુ થયા.

વાતવરણ એકદમ શાંત થતું હોય એવું લાગ્યું. બાબાએ દેવને ધ્યાનમાંથી બહાર નીકળવા કહ્યું. આંખ ખોલવા કહ્યું. સરોવર સ્નાન પછી કદાચ ત્રણ મહિના થઇ ગયાં હશે. ચોક્કસ સમય કે દિવસોની ગણતરીઓ ગુફામાં નહોતી. સાધના, સિદ્ધિ અને સાધ્ય એજ ગણિત.

બાબાના આંખોમાં કરુણા હતી. તેઓ દેવના આચરણથી ખૂબ ખુશ હતાં.

તેમણે દેવને કહ્યું – “ બેટા, તુ અબ કુછ સમય કે લીએ અપને મા સે મિલને જા સકતા હૈ. આજ તુઝે વાયુગમન સિદ્ધિ હાંસિલ હુયી હૈ. તુ હવે આકાશમાં ઉડીને ગમે ત્યાં જઈ શકે છે અને પાછો આવી શકે છે. જે રીતે હું તને અહીં લઇ આવ્યો હતો. અત્યારે તુ ફક્ત મારાં આદેશ અનુસાર સમય અને વાયુમાર્ગ અનુસાર ભ્રમણ કરી શકીશ. તુ તારી મન માની કરી શકીશ નહિ. તુ સંપૂર્ણ મારાં નિયંત્રણમા રહીશ અને સંપૂર્ણ દિશાનું નિયંત્રણ પણ હું જ કરીશ. હવે રહસ્યો ઉજાગર થશે.

***

દેવ ઘરે પહોંચ્યો. દેવને જોઈ સુમીયામા ગદગદ થઇ ગયાં. એમનાં આંખોમાં હર્ષાશ્રુ આવ્યાં. મા ની ચકોર આંખોએ કંઇક વિશેષ ફેરફાર દેવમાં અનુભવ્યો. દેવના આંખોની ચમક અને કપાળનું તેજ તેના તિલકથી ઉભરી આવતું હતું. સોમદાને પણ દેવમાં કઈંક અલૌકિક ફેરફાર થયો હોય એવું લાગ્યું. દેવે અમરનાથ બાબાના દર્શનની વાત કરી. પછી પેલાં સિદ્ધ યોગીજીની વાતો કરી. સોમદાને વાત જાણી ખૂબ આનંદ થયો, પરંતુ સુમીયા મા નારાજ થયા. તેઓની ઈચ્છા જુદી હતી. દેવે થોડાંક સમય પછી વિદાય માંગી. મા-બાપના ચરણ સ્પર્શ કર્યા. મા ને વચન આપ્યું કે એ જયારે પણ યાદ કરશે ત્યારે એ હાજર થશે. સુમીયામા ના આંખોમાં ફરી અશ્રુ વહેતાં હતાં. સોમદા આશ્વાશન આપી રહ્યાં હતાં.

આદેશાનુસાર દેવ હવે ઉત્તરાખંડના એક પૌરાણિક શિવ મંદિરના દર્શને ગયો. મંદિર અત્યંત જુનું જર્જરિત અવસ્થામાં હતું. એક પુજારી હતાં. કદાચ એમણે પણ વર્ષોની સાધના કરી હશે એવું એમનાં વાળની જટાઓથી ફલિત થતું હતું. મંદિરના પાછળના ભાગમાં એક ખંડેર જેવાં ઓરડીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. કદાચ કોઈ અંદર રસોઈ બનાવતું હશે એ ચોક્કસ હતું. દેવ અંદર ના જતાં પ્રદક્ષિણા કરી મંદિરના આગળનાં તૂટેલા મંડપના સભાઘરમાં આવી બેસી ગયો. થોડીકવારમાં મંદિરના પુજારી પણ આવીને ત્યાં બેસી ગયાં. બંનેમાં વાતચીત ચાલું હતી ને એક મીઠો અવાજ કાને પડ્યો.

ગુરુજી... જમવાનું તૈયાર છે! પરંતુ બંને વાતોમાં મશગુલ હતાં. તેથી ગુરુજીએ .... હા.. કહ્યું અને વાત ચાલુ રાખી. થોડીવાર પછી એક સુંદર ચાર-પાંચ વરસની છોકરી એમની પાસે આવીને ઉભી રહી. કોઈને પણ ગમી જાય તેવી હતી. ગુરુજી સાથે કોઈ બેઠું છે એ જાણી એ પાછળ ખસી.

ગુરુજી બોલ્યા – “આવ... બેટા... શ્રેણી... આવ... આ દેવ છે મારાં ગુરુભાઈ...”

“દેવ આ શ્રેણી છે. વર્ષોથી અહીં રહે છે. એનાં મા-બાપ વર્ષોથી આ મંદિરના પુજારી હતાં. બંનેનું અવસાન થઇ ગયું છે. હવે આ દીકરી મંદિરનું તથા મારું ધ્યાન રાખે છે. શિવબાબાની કૃપાથી ગુજારો થઇ જય છે, પરંતુ એક મોટી ચિન્તા પણ થાય છે.”

શ્રેણીને ઈશારાથી જવા કહ્યું. ડાહી દીકરી ત્યાંથી તરત નીકળી ગયી.

પુજારી બોલ્યા – “હવે છોકરીની જાતને સાચવવાનું અઘરું લાગે છે. સમય ખૂબ ખરાબ છે. સમજ પડતી નથી. કોઈને સોપવામાં પણ ડર લાગે છે. કોઈ સારું કુટુંબ એને દત્તક લઇ લે તો મને નિરાંત થાય”.

દેવ વાત સાંભળી રહ્યો હતો, પૂજારીની ચિન્તા ઊચિત હતી. પરંતુ એક શબ્દ ઉપર ધ્યાન વારંવાર જતું હતું કે એમણે ગુરુભાઈ કેમ કહ્યું ? દેવને વાતનો તાગ લેવો જરૂરી લાગ્યો અને દેવે પુજારીને પ્રશ્ન પૂછી જ નાંખ્યો કે હું કેવી રીતે તમારો ગુરુભાઈ થાવું છું ? પૂજારીએ એક હલકા સ્મિત સાથે દેવ તરફ જોયું અને કહ્યું કે તારા આગમનથી જ મને આશ્ચર્ય થયું. વર્ષો પહેલાં હું બાબા પાસે હતો પરંતુ સાધનાઓ કરી શક્યો નહોતો. પશુપતિનાથના દર્શન પછી હું અહીજ અટકી ગયો હતો. યોગીજી એ મને પણ થોડીક સિદ્ધિઓ આપેલ છે. વાયુ ગમન સિદ્ધિના એ જ એક માલિક કે ગુરુ છે અને તારા આગમનથી એ સિદ્ધ થાય છે.

વાતચીત ચાલુ જ હતી અને મંદિરની સામે બે મોંઘીદાટ ગાડીઓ આવીને ઉભી રહી. બંને ગાડીઓમાંથી જાજરમાન સુંદર અને પ્રતિભાશાળી વ્યક્તિઓ ઉતરી. કોઈ બિઝનેસમેનની ફેમીલી હતી. સૌથી આગળ શેઠ ગોકુલદાસ હતાં, એમની પાછળ એમની ધર્મપત્ની રેણુકાબેન હતાં. દિકરો નીરજ અને એની પત્ની અલકા કંઇક વાતો કરતાં કરતાં ધીમે ધીમે મંદિર તરફ આવી રહ્યાં હતાં. મંદિરમાં આવી ગોકુલદાસ ગર્ભગૃહમાં ગયાં એટલીવારમાં એમનો ડ્રાઈવર પૂજાની સામગ્રી લઇ આવ્યો. બધાએ મંદિરમાં પૂજા કરી, પૂજારીએ બધી પૂજા કરાવી.

પુજા બાદ ગોકુલદાસે વર્ષો જૂની વાતો કરી. મંદિરના પુજારી એમનાં મિત્ર હતાં. એમના દેહાંતની વાતની સાથે એમને પૂજારીની દીકરી સાંભરી આવી. એટલામાં શ્રેણી પુજારીને જમવા માટે ફરી બોલાવવા આવી. બધાની નજર એનાં પર પડી. ગોકુલદાસે જોતાની સાથે પૂછ્યું તુ શ્રેણી છે ને ? સંસ્કારી શ્રેણી તરત જ એમનાં પગે લાગી અને આશીર્વાદ લીધા. ગયાં વરસે શેઠજીને જોયા હતાં એટલે પિતાજીના મિત્રને ઓળખી લેતાં વાર ના લાગી. શેઠજીની આંખોમાં પ્રેમ હતો, કરુણા હતી. શ્રેણી તરફ જોયા બાદ એમણે એમની નજર પોતાની પત્ની રેણુકા તરફ કરી, જાણે આંખોથી તેઓ કંઇક વાત કહેવાં માંગતા હોય કે કોઈક નિર્ણય એમણે લીધો હોય એવું લાગતું હતું.

દેવ હજુ ત્યાંજ બહાર બેઠો હતો અને બધાની વાતો સાંભળી રહ્યો હતો. પુજારી સાથેની વાતો પતાવી તેઓ દેવ તરફ આવ્યાં. દેવને જોઈ એ ધાર્મિક આંખો કંઇક નિરીક્ષણ કરી રહી હતી. ગોકુલદાસ બાદ ઘરનાં બધાંએ એમનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં. પૂજારીએ દેવની ખરી ઓળખાણ કરાવી. ગોકુલદાસ ફરી એમનાં પગે લાગ્યા અને કહ્યું કે અમારૂં રક્ષણ કરજો. આજે મને બે દેવ મળ્યા. એક મહાદેવ અને બીજા તમે.

પુજારી બધાંને ગાડી પાસે મુકવા ગયાં. શેઠજીએ કંઇક મહત્વની વાત કરી અને કદાચ કોઈ નિર્ણય લેવાયો હોય તેમ લાગ્યું. અત્યારે બનેલ ઘટના આવતી કાલનો કોઈ સંકેત હશે એ સમજતાં દેવને વાર ના લાગી.

શેઠજીની નજર દેવ જ્યાં બેઠાં હતાં ત્યાં પડી. પરંતુ દેવ ત્યાં નહોતા.

( ક્રમશઃ )