Ek Chaal Tari Ek chaal mari - 19 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 19

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 19 )

ટેરેસમાં વ્યગ્ર, બેચેન આંટા મારી રહેલા વિક્રમને પ્લાનિંગ માટે સમય ન આપવો તેમ લોકલ સીમ વાળો મોબાઇલ રણક્યો.

ફોન કરનારી હતી લતા કાન્તા.

મૂળ ઈન્ડિયન ઓરિજિનની લતા ચાર પેઢીથી મલેશિયામાં જ સ્થાયી થઇ હતી. દક્ષિણ ભારતીય પરિવારની લતાએ કોઇ ખાસ મૈત્રી વિના જ વિક્રમને આ જેસલટન હાઇટ્સવાળું એપાર્ટમેન્ટ મેળવી આપવામાં ભારે મદદ કરી હતી :

‘વિક્રમ, આ કોલ સાથે રેન્ટની બાકી રકમ માટે તને યાદ કરાવવું સારું તો નથી લાગતું, પણ આઇ એમ ડુઇંગ માય ડ્યૂટી...’

જેસલટન હાઈટ્સનું એપાર્ટમેન્ટ ભાડે લેતી વખતે થોડી પરિચિતતા કેળવાયેલી એટલે એજન્સીના કડક નિયમો પાળવાનું ટાળીને લતા થોડી સહ્ર્દયતા બતાડતાં બોલી :

‘આમ પણ ત્રણ મહિના મેં મામલો સાચવી લીધો. પણ હવે જરા મુશ્કેલી થઇ જશે.’

‘યસ, આઇ નો.... યુ ડીડ યોર બેસ્ટ, પણ મને હજુ થોડો ટાઇમ જોઇએ છે, લતા... જો તું એ વાત પાર્ટીને સમજાવી શકે તો.... બાકી, આટલા સમયથી તું મારો રેકોર્ડ જુએ છે... ‘વિક્રમે વધુ એક વાર પાસો ફેંકી જોયો.

‘વિક્રમ, એ વાત તારે મને ફરીને ફરીને કરવાની જ ન હોય. મેં આ બધું જ તારા કહ્યા વિના પાર્ટીને જણાવ્યું. પણ આખરે લેન્ડલૅડીનો ગુજારો આ ભાડાની રકમ પર ચાલે છે એટલે એ હવે વધુ કેટલા મહિના માટે માને એ કહેવું મુશ્કેલ છે... અને વિક્રમ, આ લેટ પેમેન્ટ માટે લેન્ડલૅડીને તારે સત્તર ટકા ઇન્ટરેસ્ટ ચૂકવવાનું રહેશે. જો કે એ બધી વાતો તો પહેલાં થઇ ગઇ છે એટલે મારે ફરી એ ચોખવટ કરવી જરૂરી નથી, રાઇટ?’

પોતાની શક્ય એટલી મદદ કરી અને હવે એ વધુ ન કરી શકે તે અંગે અસહાયતા પ્રગટ કરી હાથ ઊંચા કરી દઈ લતાએ ફોન મૂક્યો. એ સાથે જ વિક્રમની ઈનસિક્યોરિટીની માત્રા વધી ગઈ. આમેય સલોની પણ જાણે ધમકીઓ કોઠે પડી હોય એમ ધીટ ગુનેગારની જેમ ઠંડા જવાબ પરખાવતી થઈ જ ગઈ હતી ને ? વિક્રમનો ઘૂંઘવાટ એના ચહેરા પર છવાઈ રહ્યો હોય તેમ રતાશ પકડી રહ્યો :

વાત એક કૉલની હતી... માત્ર એક કૉલ ગુરુનામ વિરવાનીને. ને ખેલ ખતમ..

વિક્રમે ફોન હાથમાં લીધો ત્યાં જ મગજે પરિસ્થિતિ સંભાળી લીધી :

અરે ! આ શું કરે છે વિક્રમ? પાગલ થયો છે કે શું ? એક ફોનથી શું થશે ? વિરવાની કોઇ અનામી કૉલને ગંભીરતાથી લેશે એમ ? અને માનો કે લે તો ? સલોનીનું પત્તું કટ પણ થયું તો તને શું ફાયદો ? !

વિક્રમે ફોન બાજુ પર રાખી દઇ શાંતિથી વિચારવા માંડ્યું. ટેરેસમાં હળવે હળવે આંટા મારતાં મારતાં શક્ય છે કે કોઇ પેચ લાગી જાય ! પહેલીવાર વિક્રમને પોતાની સ્ટ્રેટેજી, પ્લાનિંગ પર શંકા ઊપજી.

જો બધું પોતે ધારે છે તેમ સાંગોપાંગ પાર ન પડ્યું તો ? ક્યા કુંડાળામાં નાખતો ગયો આ ગૌતમ ?

વિક્રમ ટેરેસમાં એકથી બીજા છેડે આંટા મારતો જ રહ્યો. સૂર્યાસ્ત થઇ ગયો અને ચંદ્ર પણ હવે માથે આવવા લાગ્યો હતો,છતાં કોઇ નક્કર પ્લાન સૂઝતો નહોતો... અચાનક જ વિક્રમના મગજમાં ઝબકરો થયો :

સુલેમાન સરકાર... !

અત્યાર સુધી સામે પડેલા પત્તા પર વિક્રમને વિચાર કરવો જરૂરી લાગ્યો નહોતો એ જ સુલેમાન સરકાર નામનું કાર્ડ વાપર્યાં વિના હવે કોઇ વિકલ્પ પણ બચ્યો નહોતો.

સલોની પાસે મળનારી રકમ જ્યાં સુધી પોતાની બેન્કમાં ન આવે કે રોકડી ન થાય ત્યાં સુધી જ સુલેમાન સરકાર સાથે કોઇ ખાતું ખુલી શકે તો એક કાંકરે બે પંખી મારી શકાય. સલોનીની જોડે વધુ સખ્તી તો કરી શકાય ને વળી બિઝનેસમાં સુલેમાન સરકારવાળી એક નવી ચેનલ ખૂલી જાય તે છોગામાં.

વિક્રમે સાઇડ ડ્રોઅરમાં રહેલ એક મોબાઇલ ફોન કાઢી ચાર્જિંગ પર મુક્યો. એ હતી સુલેમાન સરકાર સાથેની હોટલાઇન.

‘સલામ, સુલેમાનભાઇ...’ કલાક ચાર્જ કર્યા પછી વિક્રમે સુલેમાન સરકારને ફોન લગાવ્યો હતો. હવે આ એક જ લાઇફ લાઇન બાકી હતી અને જ્યાં સુધી સલોનીવાળી બેન્ક ન ખુલે ત્યાં સુધી આનાથી જ કામ ચલાવવાનું હતું.

‘વિ... ક્ર... મ... બોલ, ક્યા બાત હૈ, આજ હમારી યાદ કૈસે આઈ?’ સુલેમાન સરકાર દાઢમાં બોલ્યો હોય તેમ વિક્રમને લાગ્યું.

‘સરકાર, મળવું હતું આપને... શક્ય છે?’ વિક્રમે સાવધાનીપૂર્વક શબ્દો ગોઠવ્યા. સુલેમાન સરકાર ક્યાંક પોતાની ગરજ પારખી ન લે.

થોડી ક્ષણ માટે મૌન છવાયેલું રહ્યું. પછી સુલેમાન સરકારે જ શરૂઆત કરી:

‘હં..., આમ તો હમણાં જ અહીં જ છું, તું આવી શકે છે. બાકી, આમ પણ આજકાલ ઝાઝો કસ રહ્યો નથી ધંધામાં ને વળી હું તમારા લોકો જેવો બિઝી નથીને.... એટલે ફૂરસદમાં છું... ‘

સુલેમાન સરકાર હસ્યો. આ ટોણો મારે છે કે સાચે જ કહે છે? વિક્રમને ચચરાટ થઇ આવ્યો. ગૌતમને મળવા છેલ્લે જ્યારે વોન્સન ગયો હતો ત્યારે સુલેમાને પરોણાગત કરવામાં કંઇ મણાં બાકી ન્હોતી રાખી. એની ઈચ્છા હતી વિક્રમ પોતાના એક-બે કામ કરી આપે, પણ ત્યારે પોતે ગૌતમ-સલોનીવાળું મિશન માથે લઇ બેઠેલો એટલે પોતે બહાનાં બનાવી નીકળી ગયેલો. એ વાત સુલેમાન ભૂલી જાય એ વાતમાં માલ નહોતો.

‘ક્યાં આપ ભી, સરકાર ?’ વિક્રમને પોતાના જ અવાજમાં પોતાને જ ન ગમતો ખુશામતખોરીનો અંશ ભળ્યો હોય એવું લાગ્યું.

‘સુલેમાનભાઇ, તો આ જ વીકમાં આવું ને ?’ વિક્રમે સુલેમાન સરકારનો વ્યંગ ન ગણકારતા પૂછી લીધું.

‘વિક્રમ, હું આજકાલ થાઇલેન્ડમાં છું. તું આવી શકશે ?’

સુલેમાનના અવાજમાં હિમ જેવી ઠંડક હતી, જેની ધાર સામેની વ્યક્તિના સ્વામાનને કોતરી સાંગોપાંગ પોકળ કરવા પૂરતી હતી. થાઇલેન્ડ એટલે ક્યાં તો એ હોઇ શકે બેંગકોકમાં કે પછી ફુકેતના રિસોર્ટમાં....

વિક્રમના મગજે ગણતરી મૂકવા માંડી : પૂર્વ મલેશિયાના કિનાબાલુથી ઠેઠ બેંગકોક પહોંચવું એ જ વાત જોખમી હતી, ઍરપોર્ટ પર પગલું પડ્યું કે પોલીસના રડારમાં એની એન્ટ્રી નોંધાઇ જવાની...

વિક્રમ વિચારતો રહ્યો ને સામેથી સુલેમાન સરકારે ફોન કટ કરી નાખ્યો... આ વાત વિક્રમને હડોહાડ લાગી ગઇ, પણ આ સમય જીરવી જવાનો હતો.

બેંગકોક હોય કે ફુકેત... જવું તો રહ્યું જ, બલકે નોર્થ કોરિયા કરતાં આ તો વધુ ફળદાયી સાબિત થવાનું... વિક્રમના મગજમાં થાઇલેન્ડમાં એક કાંકરે બે પંખી કેમ મારવા એની બ્લુપ્રિન્ટ બનવા માંડી હતી.

સુલેમાન સરકારે કહ્યું કે થાઇલેન્ડમાં છે, પણ ક્યાં ? બેંગકોકમાં કે ફુકેતમાં ? જાણે એટલું કહેવામાં પણ એને ભાર પડતો હતો કે પછી એ પોતાની મજબૂરીની માત્રા માપતો હતો ? શિકાર સાથે ઉંદર-બિલાડીની રમત રમવી સુલેમાન સરકારની જૂની આદત હતી. સુલેમાન જો ગુનાખોરીની રાજ્ધાની એવા બેંગકોકમાં હોય તોપણ પહોંચવું સહેલું તો નહોતું જ અને જો ફુકેતમાં બેઠો હોય તો મુશ્કેલીમાં વધારો. બેંગકોક ઊતરીને પૂરાં ચાર કલાકની ડ્રાઇવ, જેમાં પોલીસની નજરમાં ચઢી જવાની સંભાવના પૂરેપૂરી...

વિક્રમ જેમ જેમ વિચારતો ગયો તેમ એના કપાળ પર ખેંચાતી રહેલી કરચલી વધુ ગાઢ બનતી રહી. હવે આ વાત પૂછવી પણ કેમ ? વિક્રમ ચકરાવે ચઢ્યો.

હા, એક વાત થઇ શકે... વિક્રમના મગજમાં ઝબકારો થયો : અબ્દુલ ! હા, વર્ષોથી સુલેમાનનો જમણૉ હાથ હતો આ અબ્દુલ... એની પાસેથી કોઇ સગડ મળે તો કંઇ પ્લાનિંગ થઇ શકે.

જો કે અબ્દુલના પેટમાંથી વાત કઢાવવી એટલે મગરના મોંઢામાંથી શિકાર ઝુંટવવો, છતાં એક પ્રયત્ન કરવામાં કંઇ વાંધો નહીં એવો કોઇક વિચારમાં મગ્ન વિક્રમે યંત્રવત જ અબ્દુલને કૉલ ડાયલ કરી દીધો.

‘બૉસ, વો હી... ‘સરકારની સાથે જ વ્હીસ્કીની ચૂસ્કી લઇ રહેલા અબ્દુલે પોતાના સ્કીન પર ફ્લેશ થઇ રહેલા નંબરને જોઇને સામે બેઠેલા સુલેમાન સરકારની સામે મોબાઇલ ફોન ધરી દીધો.

તું જ વાત કર.... સુલેમાન સરકાર પોતાના સાથી અબ્દુલને એમની સાંકેતિક ભાષામાં કહેતો હોય તેમ ડાબી આંખની ભ્રમર ઊંચી કરી, ડોકને જમણી તરફ ઘૂમાવી સિગ્નલ આપ તો હોય એવો ઇશારો કર્યો.

‘સલામ વાલેકુમ...’ અબ્દુલે પોતાના માલિકની આજ્ઞાનું નખશિખ પાલન કરતો હોય તેમ ફોન રિસિવ કર્યો.

‘વાલેકુમ સલામ અબ્દુલભાઇ, મેં વિક્રમ... પહેચાના ? વોન્સનમાં મળવા આવ્યો હતો, યાદ આવ્યું ?’ વિક્રમને સહેજે અણસાર સુદ્ધાં ન આવ્યો કે એના અવાજમાં ડોકાઇ રહેલી અધીરાઇભરી યાચના સામે બેઠેલો સુલેમાન સરકાર સ્પીકર ઓન હોવાથી સાંભળી રહ્યો હતો,

‘જી, કૈસે યાદ કિયા ?’ અબ્દુલનો ઘોઘરો, મંદ, ભાવવિહીન અવાજ સાંભળીને વિક્રમ જરા ઓછપાયો પણ ખરો. અબ્દુલના કાન ભલે ફોન પર થતી વાતચીત પર હતા, પણ આંખ અને મગજ સુલેમાન સરકારના ચહેરા પર કેન્દ્રિત થયાં હતાં. સુલેમાન સરકારની આંખોમાં ન તો કોઇ ભાવ હતો, ન વાત જાણવાની અધીરાઈ, પણ એનો ચહેરો ગવાહી આપતો હતો કે ફોન પત્યા પછી એ વિક્રમ અને અબ્દુલ વચ્ચે થઇ રહેલી વાતચીતના શબ્દેશબ્દની છ્ણાવટ કરવાનો એ વાત નક્કી.

‘મારે તો એટલું જ જણવું હતું કે સરકાર શેઠ હમણાં છે ક્યાં ? ‘વિક્રમનું વાક્ય હજુ પૂરું નહોતું થયું ને અબ્દુલે સૂચક નજરે સરકાર સામે જોયું :

આને શું જવાબ આપું ?

સુલેમાન સરકારે બે વાર માથું ધુણાવ્યું, જાણે બંને વચ્ચે સ્થપાયેલી એક સાંકેતિક ભાષા :

તું તારી રીતે વાત કર, હરકત નથી.

‘વિક્રમ, વાત તો એમ છે કે આજકાલ શેઠ છે બેંગકોકમાં, પણ એ તો કહે કે મામલો શું છે ? ‘

‘અરે, વાત શું હોય અબ્દુલભાઇ, સરકાર સાથે મારી હમણાં થોડી મિનિટ પહેલાં જ વાત થઇ. એમણે જ કોલ કરો હતો. મને મળવા બોલાવ્યો છે. હશે કંઇક મારે લાયક કામ.... પણ થયું શું કે હું પૂછવાનું જ ભૂલી ગયો કે મારે એમને મળવાનું ક્યાં ? બેંગકોકમાં કે ફુકેતમાં એમના રિસોર્ટ પર ? બસ, વાત આટલી જ હતી... અને એ માટે શેઠને શું તકલીફ આપવી તો થયું ચાલો, આ બહાને અબ્દુલભાઇ સાથે વાત કરી લઉં... આમ પણ ઘણાં સમયથી વાત થઇ નહોતી.’ વિક્રમ એકશ્વાસે બધું બોલી ગયો જાણે પોતાનું જુઠાણું પકડાઇ જવાની બીક ન લાગતિ હોય !

‘ઓહ, એમ વાત છે...’ સુલેમાનના ચહેરા પર માર્મિક સ્મિત ફરકતું જોઇ અબ્દુલ પણ હે... હે... કરીને હસ્યો :

‘તો તો આવો તમતમારે.’

અબ્દુલ તો વાક્યને અંતે પોતાની આદત પ્રમાણે જ હસ્યો હતો પરંતુ વિક્રમને એ પણ સોંસરવું ઊંતરી ગયું. પહેલાં પપ્પુ પછી સુલેમાન સરકાર ને હવે આ અબ્દુલ... બધાને ખબર પડી ગઇ હશે કે પોતે પોતાના જ દોરેલા કુંડાળામાં અટવાયો છે ?

અબ્દુલે ફોન કટ કરીને સુલેમાન સરકાર સામે જોયું, હમેશાં ગંભીર રહેતા સુલેમાનના ચહેરા પર નાનકડું સ્મિત રમી રહ્યું હતું.

‘અબ્દુલ, તું કંઇ સમજ્યો ? ‘

અબ્દુલ હજુ આખી વાત સ્મજે શક્યો ન હતો એટલે કંઇક અવઢવમાં માથું હલાવ્યું.

‘અરે, અબ્દુલ... તું હજુ પણ ન સમજ્યો ? આનો પેલો આકા પોતે તો મરી પરવાર્યો, પણ આને તો જીવતાં જ મારતો ગયો..’ અબ્દુલ થોડી સમજ-અસમંજસમાં પોતાના માલિકનો ચહેરો તાકતો રહ્યો.

વિક્રમ ગમે એટલી કોશિશ કરે, પણ જમાનાનો ખાધેલો સુલેમાન ક્ષણમાં સમજી ગયો હતો વિક્રમની મન:સ્થિતિને.

‘કોલ ભલે આજે કર્યો, પણ મને તો ખબર જ હતી કે એ નક્કી પાછો ફરશે જ...’ સુલેમાન સ્વગત સંવાદ કરી રહ્યો હોય એટલા ધીમા સ્વરે બોલ્યો.

‘હું કંઇ સમજ્યો નહીં...’ અબ્દુલને સાચે જ કોઇ ગડ નહોતી બેસી રહી.

‘અરે ! અબ્દુલ, તું પણ...’ સુલેમાને અબ્દુલ હંમેશાં વધુ પડતો ભોટ લાગતો. આ ધંધા માટે એકદમ અનફિટ અને કદાચ એટલે જ એને પોતાનો ખાસ બનાવી રાખ્યો હતો. વધુ પડતા મહત્વકાંક્ષી અને બુદ્ધિશાળી લોકો જ છળ કરી શકે એવો દાવો સુલેમાનનો હતો અને એમાં ક્યારેય એ ખોટો પણ પૂરવાર નહોતો થયો.

‘જો, જે ઘડીએ પેલા વિરવાનીનો બંદો આ દુનિયા છોડી ગયો ત્યારથી જ મને આ દિવસ આવશે એનો ખયાલ આવી ગયેલો... વોન્સનમાં મળ્યો હતો આ જ વિક્રમ મને, પણ એની વાત કરવાની રીત ભારે જૂદી હતી. મેં એને પ્રસ્તાવ આપેલો કે ઇન્ડિયામાં મારો પગ લગભગ નીકળી જ રહ્યો છે, મારે તાત્કાલિક કોઇક સમર્થ માણસ જોઇએ.... મારો ઇશારો એના તરફ હતો. આપણી સાથે ભૂતકાળમાં એણે ઘણું કામ કર્યું હતું, પણ જાણે હવે એને કોઇ રસ જ નહોતો અને ત્યારે જ મને થયેલું કે જે દિવસે આ વિરવાનીનો હાથ માથે નહીં હોય ત્યારે આ વિક્રમના હાલ જોવા જેવા હશે.’ સુલેમાન હોઠ પર એક કપટી સ્મિત ફરકી ગયું.

‘એટલે... એટલે શું તમે જ ગૌતમનું... ?’ અબ્દુલનું વિસ્મય એના ગળે આવી ચોંટ્યું હોય તેમ એનો અવાજ મંદ હતો.

‘અરે, પાગલ, ગૌતમ વિરવાની તો પોતે જ પોતાનો ભોગ લઇને ગયો,પણ એની આ બધી આદતો બગાડવામાં મોટો હાથ વિક્રમનો અને માલ આપણો. સુલેમાનના ચહેરા પર એક લુચ્ચું સ્મિત રમી રહ્યું :

‘અબ્દુલ, યાદ છે એ સમય, જ્યારે આપણાં નામના સિક્કા પડતા હતા ?’ સુલેમાન અતીતમાં ઝાંકી રહ્યો હોય તેમ થોડાં ગંભીર સ્વરે બોલ્યો. એની નજર અબ્દુલના ચહેરા પર નહીં, પણ જાણે ફિલ્મ જોઇ રહી હતી.

‘જો, આ વિક્રમ ન હોત તો આ ફિલ્મી લાઇનમાં આપણી એન્ટ્રી આવી ઇઝી પણ ન હોત એટલું તો નક્કી.... કમિશન પણ તગડું વસૂલતો હતો એ વિક્રમ ! જોકે શું કામ ન વસૂલે ? રોજ કોઇ ને કોઇ મોટો શિકાર લાવતો ને...’ સુલેમાને અચાનક જ અબ્દુલ સામે જોયું. એ ધ્યાનથી પોતાના માલિકને સાંભળી રહ્યો હતો.

‘ક્યારેક મને એમ પણ થઇ આવતું ક્યાંક દૂધ પાઇને હું મારો હરીફ ઊભો તો નથી કરી રહ્યો ને ? પણ એણે ધંધો એવો જમાવેલો કે મારી શંકા મને જ નકામી લાગેલી... પેલો વિરવાની એનો જ શિકાર હતો એક મોટું માછલું હાથમાં આવે કે એની સાથે નાની નાની માછલી આપમેળે જ આવી જાય રણનીતિ હતી આ વિક્રમની. સાચું કહું, મને તો એ ભારે કાબેલ ને હોશિયાર લાગેલો ત્યારે.’

સુલેમાન સરકાર પોતાની ગોટી બિયર્ડ પર હળવે હળવે હાથે ફેરવતો રહ્યો.

‘પેલી મોડેલ જ ઓવેરડોઝમાં ગઇ એ હકીકતમાં ગૌતમ વિરવાનીનું લફરું હતું. એ લફરાને દૂર કરવાનું કામ વિક્રમે કરેલું. પછી વિક્રમને પોલીસના લફરામાંથી બચાવવા ગૌતમે ચક્કર ચલાવ્યું ને વિક્રમને મલેશિયામાં છૂપાવાની સગવડ શું કરી આપી કે વિક્રમને મન જાણે ગૌતમ ખુદા થઇ ગયો. પછી તો એ એવા ભ્રમમાં જેવવા માંડ્યો કે હૂકમના પત્તા જેવો ગૌતમ વિરવાની એના હાથમાં છે તો ખાખ થાય દુનિયા !’

અબ્દુલ કોઇ હેરતથી સુલેમાનનો ચહેરો તાકતો રહ્યો હતો. જાણે એ આ બધા ડેવલપમેન્ટથી સાવ બેખબર હોય...

‘વર્ષો સુધી ઇન્ડિયામાં મારો સિક્કો ચાલતો ને હજી ચાલતો રહે તે જો વિક્રમનો સાથ મળ્યો હોત તો... પણ વિક્રમ તો ગયો ને બાકી હોય તેમ ઇન્ડિયન નેતાઓએ જ આ નશીલા દ્રવ્યોની પોતાની ફૅકટરીઓ નાખી દીધી !’

સુલેમાનના અવાજમાં હળવો રંજ ભળ્યો હોય તેમ અબ્દુલને લાગ્યું. પોતાનો માલિક એમ હાર માનીને બેસી રહે તો એનું નામ સુલેમાન સરકાર નહીં. હજી અબ્દુલ આગળ નીજું કંઇ વિચારે એ પહેલાં જ સુલેમાનનો ચહેરો કોઇક નવા આઇડિયા સાથે ચમકી રહ્યો :

‘વાંધો નહીં... છેલ્લાં બે-ચાર વર્ષમાં જે ગુમાવ્યું એ વ્યાજ સાથે વસૂલ કરી લઇશું...’ સુલેમાનના અવાજમાં હળવી આશા ભળી રહી હતી. શતરંજની બાજી બિછાવી પોતે પહેલી ચાલ ચાલ્યા પછી સામેની ચાલ જોવા આતુર હોય એમ સુલેમાન્ બોલ્યો :

‘અરે, દાને દાને કા મહોતાજ લગ રહા હૈ, પણ તોય શેખી તો જો, મેં એને બોલાવ્યો, વાહ... !’ સુલેમાનના ચહેરા પર ઉંદરનો શિકાર કરે એ પહેલાં બિલાડી જે રમત આદરે એવા ભાવ હતો :

આવવા દે અબ્દુલ, આવવા દે એ વિક્રમને !

* * *

અબ્દુલ સાથે વાત કર્યા પછી વિક્રમને એટલો તો હાશકારો થયો કે સુલેમાન સરકાર છે તો બેંગકોક્માં, જ્યાં જવું જેટલું જરૂરી હતું એટલું જ મુશ્કેલ, વિક્રમે સવારે જ ગુગલ કરીને સેવ કરી રાખેલા મૅપ જોવા માંડ્યા. સાથે સાથે બે દિવસ પહેલાં જ માર્કેટમાંથી ખરીદેલા દરિયાઇ મુસાફરી માટે જરૂરી નકશા પણ ફ્લોર પર પાથરી દીધા. સુલેમાન સરકારે થાઇલેન્ડનો બદલે વોન્સન પણ બોલાવ્યો હોત તો આ બધી મગજમારી તો કરવી પડી હોત. હવે સ્પીડબોટ-ચાર્ટર્ડ કારવાનું કે એના ફ્યુઅલનું બિલ ભરનારો જ આ દુનિયામાં રહ્યો નહોતો !

ઢોળાયેલા દૂધ પર અફસોસ ન કરવો એવું મન વારંવાર બનાવ્યું હોવા છતાં પણ નકશા પાથરીને બેઠેલા વિક્રમના હ્રદયમાંથી એક ઊનો નિશ્વાસ નીકળી ગયો. એટલું સહેલું હોત તો સલોનીને જ બક્ષી ન દીધી હોત ?

વેર લેવું એ એક પ્રકારનો ન્યાય છે. એવું ક્યાંક વાંચેલું વાક્ય વિક્રમના મનમાં કબજો કરી ગયું હતું :

ફરી એક વાર સલોનીને ફોન કરી લેવો જરૂરી હતો... વિક્રમે વિચાર્યું :

જો એ અત્યારે પૂરેપૂરાં વન મિલિઅન ડોલર્સ નહીં ને ફુલપાંખડી જેવો નાનકડો હપ્તો આપવા તૈયાર થતી હોય તો સુલેમાન સરકારવાળું પ્રકરણ જરા આઘું નક્કી ઠેલી શકાય...

કિનાબાલુથી ફ્લાઇટ તો ઘણી હતી, પણ ઍરપોર્ટ પર જવાનો પ્રશ્ર્ન જ નહોતો. એના નામ પર રેડ કૉર્નર નોટિસ હતી. ઍરપોર્ટ પર પગલું મૂકતાંવેંત જ તમામ સડાર સાબદાં થઇ જાય. હા, દરિયાઇ માર્ગનો વિકલ્પ હજી બચતો હતો.

જેમ જેમ વિક્રમ વિકલ્પ તપાસતો ગયો તેમ તેમ એની હતાશા પણ વધતી ગઇ. કિનાબાલુનું લોકેશન એવા કેન્દ્રમાં હતું કે દુનિયાભરની કાર્ગો શિપ ત્યાંથી પસાર થતી, પણ કિનાબાલુથી સીધી બેંગકોક પહોંચાડે એવી પેસેન્જર શિપ તો ઠીક, કાર્ગો શિપ પણ નહોતી, ટુંકમાં, બેંગકોક જવું હોય તો હવે બચતા હતા માત્ર બે વિકલ્પ. એક કિનાબાલુથી ડાયરેક્ટ જતી સાડા ચાર કલાકની ફ્લાઇટ અથવા પૂરા સાડા સાત હજારનો ચકરાવો લઇને કુઆલાલમ્પુર, સિંગાપોર થઇને પંદર દિવસે બેંગકોક પહોંચવાની ક્રુઝ લાઇનર... બંને વિકલ્પ સાવ નક્કામા હતા વિક્ર્મ માટે. ઍરપોર્ટ પર તો ફરકવાનો પણ પ્રશ્ર્ન નહોતો અને બાકી હોય તેમ આ ક્રુઝ લાઇનરના મુસાફરે ઇમિગ્રેશનમાં ઝડપાયા વિના ન જ રહે એવા એ પોર્ટ સિંગાપોર ને કુઆલાલમ્પુર પસાર કરવાના !

વિક્રમે શક્ય એટલા તમામ રસ્તા વિચારી જોયા, પણ વાત ફરી ફરીને ત્યાં જ અટકતી હતી. જે કિનાબાલુએ એનેન કોશેટાની જેમ સંરક્ષણ આપ્યું તે કિનાબાલુમાંથી બહાર નીકળી થાઇલેન્ડ પહોંચવું ચક્રવ્યુહ સાબિત થઇ રહ્યું હતું.

સલોની પાસે જો થોડી સગવડ થઇ હોય તો કદાચ આ પ્લાન શાંત ચિત્તે વર્કઆઉટ થઇ શકે... વિક્રમના મગજમાં સ્ફૂરેલાં એ વિચારે થોડી રાહત તો આપી, પણ ક્ષણભર. ધરો કે સલોની કોઇ રકમ ઊભી ન જ કરી શકે તો શું ?

વિક્રમને પહેલી વાર લાગ્યું કે પોતે છેલ્લાં થોડાં સમયથી પોઝિટિવ કરતાં નેગેટિવ થિન્કિંગ કરતો થઇ ગયો છે. પોતાની એ માનસિકતાનો છેદ ઉડાદવો હોય તેમ એ જડબેસલાક પ્લાનિંગ કરાવે મેપ્સ અને લૉજિસ્ટિક્સનો અભ્યાસ કરતો ગયો. જેમ જેમ જોતો ગયો તેમ્ તેમ એ વધુ નિરાશ થતો ગયો.

આ બધી જ અવઢવમાંથી છૂટવાનો એક જ ઉપાય હતો. સલોનીને ફોન કરીને સીધું જ પૂછી લેવું:

પૈસાનું શું કર્યું ?

વિક્રમે તરત જ સલોનીને ફોન જોડ્યો.

‘હલો...’ સલોનીનો ઘેનભર્યો અવાજ કાને પડ્યો. નક્કી ઉંઘી ગઇ હશે. લેટ લાઇટ એને ક્યારેય ફાવતી નહોતી ! વિક્રમને ભૂતકાળની સ્મૃતિ તાજી થઇ આવી ને અત્યારે ઇન્ડિયામાં વાગ્યા હશે રાતના ત્રણ...

વિક્રમને પળવાર માટે સલોની માટે લાગણી લીલી થતી લાગી : વિક્રમ, એક વાર બેવકૂફ બન્યો તે પૂરતું નહોતું કે ફરી આ પાગલપણ કરવા લલચાઇ રહ્યો છે ? ઊમટી આવેલી સહાનુભૂતિ પર કાબૂ મેળવવો જરૂરી લાગ્યો વિક્રમને...

‘સલોની, ઇનફ ઇઝ ઇનફ. બોલ, હવે મારે શું કરવાનું છે ? મારી કોઇ ઈચ્છા નથી કે વિરવાની તને મિડીયામાં બદનામ કરે, તને ચારસોવીસી કરવાના કેસમાં અદાલતમાં ઘસડે.... પણ.... મારી પાસે હવે કોઇ વિકલ્પ જ બાકી નથી.’ વિક્રમ બોલવા ગયો દર વખતની જેમ જ સખતાઇ પૂર્વક, પણ કોણ જાણે કેમ પોતાનો અવાજ પોતાને જ પોકળ લાગ્યો.

‘વિક્રમ, આ તે કોઇ સમય છે ધમકીઓ આપવાનો ?!’

સલોનીના અવાજમાં રહેલી ઘેનભરી નિંદર અદૅશ્ય થઇ ગઇ હોય એવો સ્વસ્થ અવાજ સાંભળી વિક્રમને જરા આશ્ર્વર્ય પણ થયું :

‘વિક્રમ, મેં આગળ પણ તને કહ્યું અને આજે પણ ફરી એ જ કહું છું. મારી પાસે કોઇ જાદુની છડી નથી, જે હલાવીને હું કરન્સીનો ઢગલો કરી દઉં. મને થોડો સમય આપ અને હા, એક ઇન્સ્ટોલમેન્ટ માટે મેં થોડું વર્કઆઉટ કર્યું છે. કાલે તને વિગતે જણાવીશ, ઓકે ?’

સલોનીના સ્વરમાં વિક્રમને ન તો ગભરામણ વર્તાઈ કે ન વ્યગ્રતા. એ જ વાત વિક્રમને બેચેન બનાવી રહી. હંમેશા સલોનીને પગથી માથા સુધી થથરાવી છે એવો સંતોષ ન થતો ત્યાં સુધી ફોન કટ ન કરનાર વિક્રમે સામેથી કૉલ કટ થતાં રાહત અનુભવી.

કૉલ જેવો પત્યો કે સલોનીએ પોતાના મોબાઇલમાં રહેલો કૉલ રેકૉર્ડથી ટેપ થઇ ગયેલી આખી વાત ફરી ફરીને સાંભળી. વિક્રમના અવાજમાં કંપ દેખીતો તો નહોતો, પરંતુ, છૂપો પણ નહોતો રહ્યો.

કાલે સુદેશ સિંહને આ રેકૉર્ડિંગ પહોંચાડવાના બદલે અત્યારે જ ‘વ્હૉટસઍપ’ પર મેસેજ કરી દઉં તો ? ના.... આ વાત ફોન પર ન કરવાની તાકીદ સુદેશ સિંહે વારંવાર એમ જ નહીં દોહરાવી હોય...

લાંબો વિચાર કરવાને બદલે સલોનીએ મોબાઇલ ઓફ્ફ કરી સાઇડલૅમ્પ પાસે મૂક્યો ત્યારે વૉલક્લોકમાં રાતના ત્રણ વાગી રહ્યાં હતાં.

* * *

વહેલી સવારે હજુ તો સુદેશ સિંહે એના અખબાર અને ચા પૂરાં નહોતાં પતાવ્યાં ને એનો મોબાઇલ રણક્યો.

‘ગુડ મોર્નિંગ, મિસ દેશમુખ... એની ન્યૂઝ ?’

સવારના પહોરમાં સલોનીએ ફોન કર્યો એનો અર્થ કે નક્કી વિક્રમ સાથે કંઇક ડેવલપમેન્ટ થયું હોવું જોઈએ... ‘જી, ગઇ કાલે રાત્રે વિક્રમે ફોન કર્યો હતો.’

સલોની એક વાક્ય્માં કોઇ રાઝની વાત કહેતી હોય તેમ દબાતે સ્વરે બિલીને સુદેશ સિંહના પ્રત્યાઘાત જાણવા અટકી. સુદેશના મોઢામાં રહેલા ટોસ્ટના ટુકડાએ સુદેશની વાચા હરી લીધી હોય તેમ એ તરત જવાબ ન આપી શક્યો,એનો અર્થ સલોનીએ જૂદી રીતે ઘટાવ્યો :

‘સૉરી... સૉરી, હું ભૂલી ગઇ, તમે અગાઉ તાકીદ કરી છે, પણ યાદ ન રહ્યું, પણ ઍની વે... તમને ક્યારે મળી શકું ?’

સુદેશના નિરુત્તર રહેવાનો અર્થ સલોનીએ જૂદી રીતે તારવ્યો એટલે સામેથી હળવું હાસ્ય સંભાળાયું :

‘અરે ! ના.. ના, વાંક બીજા કોઇનો નહીં બ્રેકફાસ્ટનો છે. ટોસ્ટનો ટુકડો મોઢામાં હતો ! કોઈ વાંધો નહીં મિસ દેશમુખ, કદાચ હું આજે એ બાજુ જ છું. પછી આપણે નક્કી લઈએ તો યોગ્ય રહેશે... પણ યાદ રાખ જો કે આ બધી ચર્ચા કોઈ સાથે ન થાય. કોઈ એટલે તમારાં નિકટતમ મિત્રો કે સગાં સાથે પણ નહી..’

સુદેશ સિહે તો એક સ્વાભાવિક સલાહ આપી હતી, પણ સલોનીને વ્યવહારુ લાગી રહી. વિક્રમને પોતાનાં આઈ-બાબા પાસેથી જ માહિતી મળી હતી. એ જો પહેલેથી ગોપિત રહી હોતતો વિક્રમ નામનું શૂળ આમ પરેશાન ન કરતું હોત... તો પછી સુદેશ સિહ સાથે પરિચય પણ ન થયો હોત ને ? ! મનમાં એક ખૂણેથી કોઈક ધીરેથી બોલ્યું. સલોનીની નજર સામે રહેલા ડ્રેસિંગ ટેબલના મિરર પર હતી. પોતે એકાદ શ્વેત લટ સાથે કેવી લાગે ?

પોતાના નિયત સમયે ઓફિસમાં હાજર થઇ જનારો સુદેશ સિંહ ભલે ડ્યૂટી પર હતો, પણ એનું મન વારંવાર સવારે સલોની સાથે થયેલી વાતચીત પર પહોંચી જતું રહ્યું. આ કેસ એક સીધો બ્લેકમેઈલિંગનો હતો. એ માટે કોઈ ડીએસપી લેવલનાં ઓફિસરને ડેપ્યુટ કરી લીધો હોત તો ચાલત,પણ પોતે આ મામાલામાં જે રીતે ઊંડો ઊતરી રહ્યો હતો એ ક્યાંક... પોતાના મનમાંથી જ ઊઠતો પ્રશ્ન અરુચિકર લાગતો હોય તેમ સુદેશ સિંહે મહત્વની ફાઇલ ઊથલાવવી શરૂ કરી.

પણ આ કેસ સલોનીને કારણે નહીં, વિક્રમને કારણે તો મહત્વનો ખરો ને ? ગણતરીની પળમાં મગજ ક્યાંકથી લોજિક લઇને હાજર થઇ ગયું.

આ વિક્રમ, એ જ ડીલર ફિકસર હતો, જે માત્ર પોતાની તગડી ઓળખાણથી પોલીસના હાથમાં આવ્યા પછી પણ આબાદ હાથતાળી આપીને નીકળી જતો. આવા વિક્રમ સુધી પહોંચી શકે એવી સૌથી મજબૂત કડી આમ અચાનક જ હાથે લાગી ગઇ હતી. પછી એ તક કેમ જતી કરી દેવી ?

થોડી વાર સુધી સુદેશ સિંહનાં મન-મગજ વચ્ચે આવી લોજિકની ગૅમ ચાલતી રહી.

‘પંડિતજી, નાના બાળક માટે રમકડાં ભેટમાં અપાય ?’

દિલો-દિમાગ વચ્ચે ચાલી રહેલી દલીલબાજી પર પૂર્ણવિરામ મૂકવું હોય તેમ સુદેશ સિંહે પોતાના મેન ફ્રાઈડે જેવા પર્સનલ આસિસ્ટન્ટ પ્રવીણકુમારને પૂછ્યું. પોતે કંઇક ખોટું સાંભળ્યું એવા ભ્રમમાં પીએ પ્રવીણકુમાર સંકોચ અનુભવી રહ્યો.

‘અરે. તમે ન સાંભળ્યું ? બચ્ચાઓ માટે ટૉયઝ ક્યાં મળે ?’

‘સર...’ પીએ પ્રવિણકુમાર્ની જીભ લોચા મારવા લાગી. પોલીસતંત્રમાં નોકરી કરતો હોવા છતાં ધાર્મિક ચેનલનો રસિયો સત્સંગી પ્રવીણકુમાર થોડી અવઢવમાં હતો : બૉસ આ ક્યાં સંદર્ભમાં પૂછે છે ? પોતે હરિદ્વાર જવાને બહાને ચાર દિવસની રજામાં બાળકોની જીદ સામે નમીને ઇમેજિકા લઇ ગયો એવી ખબર પડી ગઇ હશે કે શું ?

‘સર, મને તો ઝાઝી ખબર નહીં. એ બધો વ્યવહાર મિસિસ જ સંભાળે !’

‘તો જરા શ્રીમતિ શર્માને ફોન કરીને પૂછી લો...’ સુદેશ જરા સસ્મિત ચહેરે બોલ્યો.

‘સર... સર....’ પ્રવીણકુમાર આગળ કંઇ બોલી ન શક્યો. બૉસનું આવું નવું રૂપ એણે કલ્પ્યું પણ ક્યાંથી હોય ?

‘પરવીન, કોલ અપ યોર વાઈફ, જરા પૂછી લો. છ મહિનાથી પણ નાના બાળક માટે શું રમકડું ભેટ આપી શકાય? ને હા, એ ક્યાંથી મંગાવવું તે પૂછીને મંગાવી પણ લો.’ બોનો મજાકિયો મૂડ અચાનક જ અદૅશ્ય થઇ ગયો અને એને સ્થાને આવી ગયો એલ પોલીસ ઑફિસર :

નક્કી આ પણ કોઇ મિશનનો ભાગ જ હશે, નહીં તો બૉસ આવી બાલિશ વાત કરે એમાં માલ નહીં.

‘સર, હું હમણાં જ ઘરે પૂછી લઉં છું, પણ આપણા હેડ ક્વાટર્સ સામે જ તો આખી માર્કેટ છે-ક્રોફર્ડ માર્કેટ્માં દસ રૂપિયાથી લઇ દસ હજાર સુધીનાં રમકડાં મળશે ને...’ પોતે બૉસની કોઇ અડફેટમાં અટવાયો નથી એ પામીને રાહતનો ઊંડો શ્વાસ ભર્યો પ્રવીણકુમારે...

સાંજે સુદેશ સિંહની કાર અલ સીડ બિલ્ડિંગના ગેસ્ટ પાર્કિંગમાં પાર્ક થઈ. મોટા ભાગે કડક સિક્યોરિટી વચ્ચે ઘેરાયેલા રહેતા સુદેશ સિંહ માટે એક નવો જ અનુભવ હતો સાંજે કાર ડ્રાઇવ કરવાનો. બિલ્ડિંગના સિક્યોરિટી સ્ટાફને પણ ખયાલ ન આવે એવી તકેદારી જાળવવી હોય તેમ સુદેશ જાણીજોઇને પોલીસની ઓફિશિયલ કારને બદલે પોતાની પ્રાઇવેટ કાર પર પસંદગી ઉતારી હતી.

ટૉપ ફ્લોર પર જતી પ્રાઇવેટ લિફ્ટમાં પ્રવેશ્યા પછી પહેલી વાર સુદેશ કશુંક વર્ણવી ન શકાય એવું અનુભવ્યું. જોકે હજી મૂંઝવણભરી પરિસ્થિતિ તો ટૉપ સ્લોર પર રાહ જોઇ રહી હતી : સલોની હાથમાં પરીને લઇને લિફ્ટ પાસે જ લાઉન્જમાં ઊભી હતી સુદેશ સિંહને આવકારવા. આવી સ્થિતિની કલ્પના તો સુદેશે સપને પણ કરી નહોતી એટલે એનો ચહેરો જરા ઝંખવાતો... જાણે કોઇ પોતાના મનના ભાવ ન વાંચી લે !

‘આ છે લિટલ એન્જલ માટે....’ સુદેશે વાતાવરણને હળવાશ આપવાનો એક પ્રયત્ન કર્યો અને હાથમાં રહેલું ગિફ્ટ્પૅક સલોનીના હાથમાં આપ્યું. સલોની પરિસ્થિતિને જાળવી લેતી હોય તેમ સુદેશને લિવિંગરૂમ સુધી દોરી લાવી.

‘હમ્મ, હવે કામની વાત.... હવે એકએક નાનામાં નાની વિગત સાથે કહેજો કે વિક્રમ સાથે શું વાત થઇ ?'

સુદેશે બેઠક જમાવતાં પહેલો પ્રશ્ર્ન કર્યોં. એક્દમ ફ્રેન્ડલી લાગતિ વ્યક્તિનું આમ અચાનક પોલીસ અધિકારીમાં રૂપાંતર થઇ જવું સલોનીને ભારે અજબ લાગી રહ્યું હતું. હજી એ કંઇ બોલે એ પહેલાં તો અનીતા કૉફીની ટ્રૉલી સાથે પ્રવેશી.

‘હું ગિફ્ટ ખોલીને જોઇ શકું ?’ સલોનીએ મસ્તીભર્યા સ્મિતે પૂછ્યું.

ઓહ, વાત ખાનગી રાખવાની તકેદારીવાળા સૂચના અમલમાં મૂકી દીધી.... સલોનીના સેન્સ ઑફ ટાઇમિંગને સુદેશ સિંહ પ્રભાવિત થઇને જોતો રહ્યો ને સલોનીએ ગિફ્ટપૅક ખોલી નાખ્યું :

‘ઓહ, સો સ્વીટ !’ કલરફુલ ક્રિબ સુધરને હાથમાં લઇને જોતા બોલી. બાકી હતું તેમ મ્યુઝિક માટેનું બટન પણ ઑન કરી દીધું. સુધરની પ્રિ-રેકોર્ડિંગ ધુન ગુંજી ઊઠી અને સાથે ઝીણી ઝબૂકતી એલઇડી...

સુદેશ જોઇ શક્યો કે સલોનીની આંખમાં રહેલી ચમક કોઇ નાની કિશોરી જેવી હતી.

‘બેબી કરતાં વધુ મજા તો બેબીની મમ્મીને પડી લાગે છે...’ સુદેશે કૉફીની સીપ ભરતાં જરા હસીને કહ્યું. કદાચ એનું ધ્યાન અનીતા આ કૉફીની સરભરા પૂરી કરીને વિદાય લે તેમાં હતું અને એમ જ થયું. અનીતાની વિદાય સાથે જ સુદેશે કામની વાત શરૂ કરી :

‘મિસ દેશમુખ, પહેલા તો મને કહો કે આજે વિક્રમ સાથે શું વાત થઇ અને સાથે એક પેન ને પેપર લો, જરૂરી પોઇન્ટસ માર્ક કરવા માટે.’

સુદેશના અવાજમાં કોઇક આદેશ હતો, જેને તાબે થવું ગમે. સલોની તરત જ ઊઠીને પેન-પેપર લઇ ફરી સામે ગોઠવાઇ ગઇ. કૉફીની ચૂસકી સાથે સુદેશ સિંહ વાત ધ્યાનથી સાંભળતો રહ્યો. વિક્રમ સાથેની વાતચીત સલોનીએ કહી સંભળાવી પછી સુદેશ થોડી વાર કંઇક વિચારતો રહ્યો.

‘હવે હું જે બોલું તે ટપકાવતાં જાવ.’

અચાનક જ કોઇ પ્લાન મગજમાં ફાઇનલ થયો હોય તેમ સુદેશે એક પછી એક પોઇન્ટ્સ સલોનીને લખાવવા શરૂ કર્યા ને સલોની લખતી ગઇ.

‘યાદ રહે, આ ફ્રેમની બહાર વધુ કોઇ વાત પણ વિક્રમ સાથે કરવાની નથી. વિક્રમના તમામ પ્રશ્ર્નના જવાબ આ પૉઇન્ટ્સમાં આવરી લીધા છે જો કોઇ ગૂંચ હોય તો યેનકેન કરીને વાત ત્યાર પૂરતી ટાળી દેવી... આગળ જતાં ફરી આપણે જોઇ લઇશું... ઇઝ ધિસ ક્લિયર.. ?’

સુદેશે કોઇ શિક્ષકની જેમ સલોનીને પૂછ્યું. સલોનીએ માત્ર ડોકું હલાવી હા ભણી :

હવે એણે માત્ર રાહ જોવાની હતી વિક્રમના ફોનની.

***