Turning point in L.A. - 18 books and stories free download online pdf in Gujarati

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ.-18

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - ૧૮

Vijay Shah

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

ટર્નિંગ પોઇંટ ઇન એલ. એ.

પ્રકરણ ૧૮

સમજણની પરોઢ

રૂપા એકલી જ નીચે આવી. પરી અને અક્ષર રાહ જોતાં હતાં. રૂપાને બાય કહી પરી તેના રૂમ તરફ ચાલી ગઈ. એકલાં પ્રેમીપંખીડાં ગાડી તરફ વધ્યાં.

“સાહ્યબા, આપણે અહીં જ રહીએ તો? લોંગ રાઇડ ઉપર નથી જવું. આપણે એકાંતમાં સાથે બેસીએ અને વહાલ કરીએ તો?”

“મને કંઈ જ વાંધો નથી. મને પણ તારી સાથે કેટલીય વાતો કરવી છે જે ફોન ઉપર કે ચૅટિંગ ઉપર નથી થતી.”

રિસેપ્શન રૂમમાં સહેજ પણ ભીડ નહોતી. ખૂણા ઉપરના સોફા ઉપર અને રિસેપ્શનથી સહેજ દૂર બન્ને બેઠાં..પાસે પાસે નહીં પણ આમને સામને. અક્ષરની આ ચેષ્ટાથી રૂપા સહેજ મલકી અને બોલી, “સાહ્યબા, કેમ દૂર દૂર?”

અક્ષર કહે, “વડીલોએ આપણને એકાંત આપ્યું સમજીને. આપણે પણ તે એકાંતનો સમજણ કેળવવા જ ઉપયોગ કરવાનો ને?”

રૂપાને આજના અક્ષર ઉપર થોડો ગુસ્સો આવ્યો..“ના સાહ્યબા, એકાંત આપણને સમજ કેળવવા મળે છે પણ મને શેતાનિયતો પણ તારી સાથે ગમે છે.”

“હું જ તને છેડું એવું કેમ વિચારે છે? તારા સાહ્યબાએ દૂરી કરી તો તે તું પણ દૂર કરી શકે છે..મારી પાસે આવીને તું પણ બેસી શકે છે.”

“આ ઈજન છે?”

“ના. સ્વજન તરીકે તારો અધિકાર છે એમ હું માનું છું. જેમ મને એકદમ વહાલ આવે અને તને પૂછ્‌યા વિના તારી ચૂમી લઉં તેમ.”

ખૂબ જ સહજતાથી બોલાયેલ વાક્યોએ રૂપાને વિચારવા મજબૂર કરી દીધી. આવો જ તો મને મારો સાહ્યબો જોઈતો હતો ને? ધીમા અવાજે તે ફરી ગણગણ્‌યો -

ચાંદ સી મહેબુબા હો મેરી તુમ, ઐસા મૈંને સોચા થા

હાં તુમ બિલકુલ વૈસી હો, જૈસા મૈંને સોચા થા.

મંત્રમુગ્ધ થવાની આ રૂપાની ક્ષણ હતી. તેના મનમાં સમજણની ચિનગારીઓ પ્રગટી ચૂકી હતી. તેનું મન કહેતું હતું, સાહ્યબો જ મને જોઈએ જીવનસાથી તરીકે...

ના કસમે હૈ ના વાદે હૈ, મેરે દિલમેં રહેના ચાહે,

એક સુરત ભોલી ભાલી હૈ દો નૈના સીધે સાદે હૈ

ઐસા હી રૂપ ખયાલોમેં થા જૈસા મૈંને સોચા થા

હાં તુમ બિલકુલ વૈસી હો જૈસા મૈંને સોચા થા.

સાહ્યબા, મને આવું બધું કહેતાં નથી આવડતું. પણ તું કહે મને તે બદ્ઘું જ ગમે.. ક્યારેક મને થઈ જતું હતું કે મારા ગયા જન્મોનું ઉત્કૃષ્ટ તપ છે જે આ ભવે ઉદયમાં આવ્યું છે. કેટલાય નવા વિખવાદો જીવનમાં આવી શકે છે પણ મને એવો ગળા સુધીનો વિશ્વાસ કે તું મને દૂભવીશ નહીં. સાહ્યબા, આવો વિશ્વાસ તો બચપણથી જ થઈ ગયો હતો પણ પાકતી ઉંમરની તારી આવી સમજણ અને તડપનો મારા મનને પણ ઝંકૃત કરી જતી હોય છે.

આ બાજુ પરીના રૂમમાં બત્તી સળગતી જોઈને જાનકી આંટીએ બેલ માર્યો..જાનકીને ચિંતા થતી હતી કે લોંગ રાઇડ ઉપરથી તમે આવી ગયા છો ત્યારે પરીએ કહ્યું, “મને ઊંઘ આવતી હતી એટલે એ બે જણ એકલા જ રાઇડ પર નીકળ્યાં છે.”

“પણ ગાડી તો અહીં જ પડી છે..ફોન કરીને જાણી તો લે તેઓ ક્યાં છે?”

“આંટી, બન્ને જણાં પુખ્ત છે અને પોતાનું ભલું વિચારી શકે છે..થોડોક સમય એ બે જણાને એકલાં રહેવા દઈએ તો?”

જાનકીએ પરીની સામે જોયું અને ચિંતાળવી નજરે કહ્યું, “મા થવું અને મારી જેમ ચિંતાળવી મા થવું એ એક શ્રાપ છે. જ્યાં સુધી તે ઘરે નહીં આવે ત્યાં સુધી મને જંપ નહીં વળે.”

“આંટી, રૂપા અને અક્ષર બન્ને ધારે તો ઘણું બધું તમારૂં ધ્યાન ચૂકવીને કરી શકે છે. પણ તેઓને વડીલોની આમન્યા છે. તેમનો પોતાનો પોતા વિશે ઊંચો વિચાર છે તેથી તમે કલ્પો છો તેવું કશું જ નથી થવાનું.”

“પણ ગાડી અહીં પડી છે તેથી ચિંતા થાય છે.”

“જોકે તે ના પડી હોત તો પણ ચિંતા થતે ને?”

“હા. તો વળી તે ચિંતા થતે. તેમને કંઈ થઈ ના ગયું હોય.” મેઘાનો અવાજ સાંભળી બન્ને ચોંક્યાં..

ત્યાં રામઅવતારે આવીને કહ્યું, “બધાં શાંતિથી સૂઈ જાવ, તે બન્ને નીચે રિસેપ્શનમાં જ બેઠાં છે અને તેમનાં સપનાંની દુનિયા સજાવે છે.”

મેઘા કહે, “આવતીકાલના પ્રોગ્રામ વિશે વાતો કરતાં હશે. એલામો જવાનાં છે. કાલની અંતાક્ષરી અને બ્રેકફાસ્ટ વિશે વાતો કરતાં હશે..જાનકીબહેન, તમને તમારી દીકરી માટે બીક લાગતી હોય છે પણ તે તમારી એકલાની દીકરી નથી હં કે. મને પણ તે પરી જેટલી જ વહાલી છે.”

આ બધી વાતો ચાલતી હતી ત્યાં લિફ્ટમાં રૂપા એકલી આવી. અને જાનકી સામે જોઈને બોલી, ‘મારી જાસૂસી ચાલે છે?”

“જાસૂસી નહિ, ચિંતા..સમય થઈ ગયો તો પણ તું ન આવી એટલે પરીને પૂછવા નીકળી હતી.”

“મોમ! તારી દીકરી કરતાં પણ તારો જમાઈ બહુ જ સારો છે..ચિંતા છોડી દે. અમે નક્કી કર્યું તેમ જ થવાનું છે.”

“એટલે?” “અમે રાઇડ પર ગયાં જ નહોતાં. રિસેપ્શનરૂમમાં આવતી કાલના પ્રોગ્રામની અને અમારી આવતી કાલની ચિંતા કરતાં હતાં.”

રામઅવતારે ટહુકો પૂરાવતાં કહ્યું, “સોફા ઉપર પણ સાથે સાથે નહોતા બેઠાં. જાનકી, અક્ષર તો અક્ષર જ છે.”

રૂપાએ કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું, “તો તમે મમ્મીની જગ્યા એ જાસૂસી કરતા હતા?”

બધાં ખડખડાટ હસતાં છૂટાં પડે છે ત્યારે બારના ટકોરા પડતા હતા. પરી અને રૂપા તેમના રૂમમાં જતાં હતાં ત્યારે તેના સેલ ઉપર ફોટો આવે છે. પ્રિયંકા મેમે નવા હીરો પ્રથમ જોગલેકરનું ચિત્ર મોકલ્યું હતું. મુંબઈનો નાટ્‌ય કલાકાર હતો. સોમવારે આવી જવાનો હતો.

તે ફોટો બતાવતાં રૂપા બોલી, “પરી, તને ગમ્યો મારો નવો હીરો? આમચી મુંબઈનો છે.”

બીજો દિવસ એલામો જવાનાં હતાં. બધાંને મેક્સિકો અને ટેક્ષાસની હિસ્ટ્રી જણાવવા અક્ષર માંગતો હતો પણ કોઈને તેમાં રસ નહોતો. થોડોક સમય સામ હ્યુસ્ટન અને સાંટા એના વચ્ચે થયેલા ઘમાસાણ યુદ્ધની વાતો સૌને બોરિંગ લાગી. કારણ કે હવેના યુદ્ધની સરખામણીમાં તે તલવાર યુદ્ધો વામણાં હતાં. અને ટેક્ષાસ રાજ્યનો સાચો વિકાસ તો અમેરિકામાં વિલીનીકરણ પછી થયો.

રામઅવતાર કહે, ટેક્ષાસનું ઓઇલ અને બેસુમાર જમીનને કારણે પૂર્વી અમેરિકનોને ટેક્ષાસમાં આકર્ષણ રહેતું પણ મેક્સિકનો પણ ટેક્ષાસને તેમની જમીન માનતા તેથી વારંવાર યુદ્ધો થતાં. એલામોનું યુદ્ધ જીત્યાં પછી સામ હ્યુસ્ટ્‌ન થકી ટેક્ષાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું.

બપોરે એલામોથી પાછા ફરતાં સૌએ હળવો લંચ લઈ ઍરપૉર્ટ જવાની તૈયારી કરી. વીકઍન્ડ પૂરો થયો. બધાંને મૂકવા આવેલ અક્ષર સૌને પગે લાગ્યો.. અને બોલ્યો, “આપના સૌના સાથે આવવાથી ફરી ચાર મહિનાનો પ્રાણવાયુ પુરાઈ ગયો..”

“ચાર મહિના?” મેઘાથી પુછાઈ ગયું.

અક્ષર માથું ઝુકાવતાં બોલ્યો.. હવે ફાઇનલ્સ આવે છે ને? પછી પરી ને રૂપાને પણ પરીક્ષા આવશે ને? એટલે ચાર-પાંચ મહિના તો થશે જ

***