Turning point in L.A. - 17 books and stories free download online pdf in Gujarati

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 17

ટર્નિંગ પોઇંટ ઇન એલ. .

પ્રકરણ ૧૭

આજા મેરે બાલમા, તેરા ઇંતજાર હૈ

“પ્રેમદીવાની રાધા”નું પ્રોડક્શન શિડ્યુઅલ કરતાં વહેલું પત્યું. સાથે સાથે ડિપ્લોમાંનું ભણતર પણ પૂરું થયું. અમેરિકન સિરિયલ માટે પરી લેવાઈ પણ અભિનેત્રીના રોલ માટે મુંબઈથી ઓફર આવતી. પણ પ્રિયંકા મેમની તાલીમે એક વાત તેને શીખવી હતી. અને તે સ્ટોરી અનુકૂળ ના હોય તો રોલ લેતાં વિચારવું. અને આમેય ફિલ્મમાં સ્ટીરીઓ ટાઇપ કામ લેવા કરતાં વૈવિધ્ય તે પીરસી શકે છે..વળી ભારતના રૂપિયાને ડૉલરમાં રૂપાંતર કરતાં પૈસા ઓછા મળતા તેથી અક્ષર ભારત જવાની વિરુદ્ધ હતો. તેથી કામ તો હોલિવૂડમાં જ શોધવું જરૂરી હતું.

પરી એક નવી વાત લાવી હતી. અલય પરીને નશાની હાલતમાં રૂપા રૂપા કહેતો હતો. પરીએ તેને ટકોર્યો. રૂપા એના ભાઈની પરણેતર છે. ત્યારે તે ખડખડાટ હસતાં બોલ્યો,

“એ તો ના સમજીનો પ્રેમ છે.. સમજ આવશે અને ના સમજી ભાગી જશે.”

થોડી વાર રહી પરીએ કહ્યું, “અલય, મારો પ્રેમ સમજનો પ્રેમ છે. એ ક્યારેય જતો રહેવાનો નથી. વળી આપણા રસ્તા જુદા છે, આપણામાં સ્પર્ધા નથી.”

થોડી વાર પરીને તે તાકી રહ્યો પછી ડોકું હલાવીને બોલ્યો, “ના.. ના પરી, જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

એના નશામાં ઝૂમતો તે બોલતો હતો.. “રૂપા અને તેની તો સફળ જોડી છે અને ભવિષ્યમાં પણ તે સફળ જોડી બની ને રહેશે.” અને કહેવાય છે જ્યારે મદહોશીનો નશો હોય ત્યારે માણસ અંતરની સાચી વાત બોલતો હોય છે. પરી આ સાંભળીને ખૂબ રડી. અલય ધૂત હતો અને પરીને આ વાત એક મિત્ર તરીકે કહેતો હતો… પરીને તો મિત્ર કરતાં પણ આગળ વધવું હતું.. તે જાણતી હતી કે તે રૂપા નહોતી અને રૂપા સાથે તેની સરખામણી પણ શક્ય નહોતી. તેને અલયના શબ્દો વાગતા હતા. “ના..ના પરી, જે શક્ય નથી તે દિશામાં તું પણ ના જા અને મને પણ ખેંચવાનો પ્રયત્ન ન કર.”

“પ્રેમદીવાની રાધા”નો પ્રિ વ્યૂ ખૂબ સરસ ગયાના સમાચાર આવ્યા ત્યારે સૌના શ્વાસ હેઠા બેઠા. હવે વૅકેશન લેવાનો સૌનો મૂડ આવ્યો. પ્રિયંકા મેમે પ્રોડક્શન ૩૦ માટે રૂપાને લીધી પણ આ વખતે અલય હીરો નહોતો.. હીરો ભારતનો હતો પણ શૂટિંગ લોસ એન્જેલસમાં હતું. અને હીરોની તારીખો એક સાથે મળી હોવાથી રૂપાને પણ આ ટ્રિપ પછી સળંગ ૬ મહિના કામ કરવાનું હતું. સાથે સાથે ઍક્ટિંગની તાલીમનો અને નૃત્યનો બીજો ક્લાસ પણ લેવાનો હતો. આ વખતે પૈસા ભરવાના હતા.. સ્ટુડન્ટ લોન લેવાની હતી. ફિલ્મ ભારતમાં સફળ જશે એવા વર્તારાએ તેને ટેસ્લા કાર પણ મળી અને ધીમે ધીમે વીક ઍન્ડ ઉપર અમેરિકાનાં બીજાં શહેરોમાં આમંત્રણો મળતાં થયાં અને હાથ થોડો છૂટો થતો થયો. હિંદી સારું આવડતું હતું તેથી અમેરિકામાં ભારતીય છાપાંમાં નામ ગુંજતું થયું હતું.

આ બાજુ અક્ષર પણ તેની પરીક્ષાઓમાં સફળ થયો અને આ વખતે બે ટર્મ સાથે કરી હતી. તેથી તેણે મેઘા અને જાનકી સાથે એક વીક ઍન્ડ સાન એન્ટોનીઓનો પ્લાન કર્યો હતો.. અક્ષર કાગના ડોળે સહુની રાહ જોતો હતો. રૂપા, પરી, જાનકી અને મેઘા જવાનાં હતાં.પોલીસના લિબાસમાં રામઅવતાર અને બીઝનેસમેન સદાશિવ પણ જોડાયા હતા. આટલું મોટું લશ્કર શુક્રવારે સાંજે સાન એન્ટોનીઓ પહોંચ્યું ત્યારે અક્ષર, પરી અને રૂપા અક્ષરની ગાડીમાં અને ચારેય વડીલો તેના મિત્રની ગાડીમાં હોટેલ હૉલિડે ઇનમાં ગયાં.

સૌ સફળતા માણવાના મૂડમાં હતાં. જાનકીએ સાંજનું જમવાનું તેના રૂમમાં ઑર્ડર કરેલું તેથી જમવાના સમયે સૌ તેના રૂમમાં ભેગા થવાનાં હતાં. આમ તો આ પ્રાઇવેટ પાર્ટી હતી પણ ભભકા મોટા હતા. જાનકીએ આ પાર્ટી યાદગાર બનાવવા જેડી અને બેન્ડ પણ બોલાવેલાં હતાં. ઉપરનો આખો ફ્લોર તેમનો હતો તેથી કોઈ વિઘ્ન આવવાનું નહોતું. કૅમેરા હાથમાં લઈને પરી ફરતી હતી. ફિલ્મી અંદાજમાં સદાશિવ માઇક હાથમાં લઈને સ્ટેન્ડ અપ કૉમેડી કરતા હતા અને સ્ટેજ ગોઠવાયેલુ હતું ફિલ્મી અંતાક્ષરીનું. બધાંને ગાવાનું હતું અને મસ્તીમજાકનો આલમ હતો.. જ્યારે જેને નાચવું હોય તે નાચી શકે અને ગીતોના બૅકગ્રાઉન્ડમાં લાઇવ બેન્ડ હતું..સદાશિવે અક્ષર અને રૂપાને એ રૂમમાં આવતાં જ બહારો ફૂલ બરસાઓનું મ્યુઝિક શરૂ કર્યું અને અક્ષરે ગુલાબની પંખુડિઓ તેના ઉપર વરસાવતાં ગાવાની ઍક્ટિંગ કરી.

આછા ગુલાબી રંગની સાડીમાં ઘણી ગુલાબની પાંદડી ભરેલી રૂપા ફૂલોથી ભરેલી રૂપસુંદરી લાગતી હતી. એની આંખોમાં અક્ષર માટેનો પ્રેમ ઝળકતો હતો. હવે વારો હતો રૂપાનો અને તેણે ગીત શરૂ કર્યું...“ઓ… હો... પંખ હોતી તો ઉડ આતી રે..રસિયા ઓ જાલીમા...” બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ચકલીના અવાજ સાથે ઠૂમકા લેતી રૂપાને સૌએ તાળીઓથી વધાવી લીધી.

આજે આનંદનો દિવસ હતો. શંકા, આંસુ અને અવિશ્વાસનું કોઈ સ્થાન નહોતું. સાડા આઠ સુધી ધમાચકડી ચાલતી રહી. બ્રેકમાં ડિનર લેવાનું હતું. એક ગોળમેજી ટેબલ ઉપર સૌ સાથે બેસીને જમ્યાં – આગ્રહ કરીને એક્મેકને જમાડ્યાં. હવે બીજો રાઉન્ડ શરૂ થવાનો હતો. અક્ષર બધાની નકલ ઉતારવાનો હતો અને અક્ષરની નકલ રૂપા ઉતારવાની હતી અને છેલ્લે બન્ને છોકરાઓ સાથે સમૂહગાન અને નૃત્યનો કાર્યક્રમ હતો. સૌ પ્રસન્ન હતાં... જાનકી અને મેઘાની વાતોમાં બન્ને છોકરાઓ દિલથી ભણોવાળી વાત હતી જ્યારે સદાશિવ ‘આજમાં જીવો’નો સંદેશ આપતો હતો. રામઅવતાર પણ દીકરીને આનંદ–મંગલની કામના કરતા હતા. આનંદનો પ્રસંગ હોઈને જેવી રીતે ઉજવાવો જોઈએ તે રીતે ઉજવાયો...

ફ્કત એકાંતની ઘડીમાં ઉદાસ પરીને જોઈને મેઘા સમજી ગઈ. દીકરીને અલયની ચાહ છે. પણ તેણે સમજવું રહ્યું કે જ્યારે ધાર્યું ન થતું હોય ત્યારે શક્ય છે ઉપરવાળો કંઈ વધારે સારું કરવા મથી રહ્યો હોય.

પરી કહે, “અલય માટે મારા મનમાં પ્રણયઅંકુરો એવા હતા જેવા રૂપાના મનમાં ભાઈને માટે હતા. તેમનો રસ્તો તમે સરળ કર્યો જ્યારે મારા એ માર્ગ ઉપર તમે નહીં માનો પણ રૂપા જ છે. અલય તેને ચાહે છે જ્યારે રૂપાને તો તેની ખબર પણ નથી.”

“તને કેવી રીતે ખબર પડી?”

“ગઈ કાલે સેટ ઉપર સમાચાર આવી ગયા હતા. મુંબઈમાં પ્રિવ્યૂ સફળ ગયો હતો તેથી તે બહુ ખુશ હતો અને નશામાં ધૂત હતો અને બબડતો હતો. સારી સફળતા એમની જોડીને મળી છે..જ્યારે હકીકતમાં સફળતા રૂપાને લીધે હતી...હવે એમને વધુ ફિલ્મો મળશે. એ મને રૂપા સાથે સરખાવીને તેને ચાહે છે. જ્યારે મેં કહ્યું, રૂપા સાથે તારી જોડી થવાની જ નથી. જ્યારે હું એ સ્પર્ધામાં જ નથી. પણ એ શબ્દો હું ગળી ગઈ... પણ નશામાં જ્યારે કોઈ બોલે તે સાચું હોય છે ને મમ્મા!”

“હા પણ આ વાત અક્ષરને કે રૂપાને ના કરીશ.”

“ના જ કહેવાય ને? મારો ભાઈ કંઈ રૂપા કરતાં સહેજ પણ ઊતરતો નથી.”

“અત્યારે તો અભિનેત્રી તરીકેની કારકિર્દીમાં તો તે અક્ષર કરતાં આગળ છે અને નાણાકીય બાબતે તેનો ગ્રાફ ભાઈ કરતાં ઘણો ઊંચો રહેવાનો છે.”

“અલય એ જ કહેતો હતો. અત્યારે તો રૂપાનો નાસમજનો પ્રેમ છે..પણ સમજ આવી જશે ત્યારે આજનો પ્રેમ જતો રહેશે. સમજ સ્ટેટસ અને પૈસાના તફાવતને બળવાન બનાવશે ત્યારે રૂપા તેને જ સ્વીકારશે.”

મા–દીકરીની વાતો સાંભળતો અક્ષર ઘડીભર તો રૂમમાં જતો અટકી ગયો..

વાત આગળ ના ચાલી તેથી તે રૂમમાં આવીને કહે, “પરી, ચાલ આવે છે ? સાન એન્ટોનીઓની લોંગ રાઇડ ઉપર જઈએ. તું આવીશ તો જ રૂપાને જાનકી આંટી આવવા દેશે. પરીએ મમ્મી સામે જોયું અને તેમની સંમતિ મળતાં તે અને અક્ષર નીકળ્યાં.

જાનકીની રૂમમાં રૂપા પણ આ જ વાત કરતી હતી. “મોમ, અક્ષર સાથે હજી વાત નથી થઈ હું એને ફોન કરું?”

“બેટા, તમે હવે સમજુ છો. તમારા સંયમતપમાં વિઘ્ન ન પડે તેથી એકલાં મળવાનું ટાળો તો સારું.”

તેનો જવાબ સાંભળીને પરીએ રૂમમાં જવાનું વિચાર્યુ.

રૂપા બોલી, “મોમ, આ સંયમતપ નથી, અમારી સમજ છે અને અક્ષર પણ તેમાં સહમત છે તેથી હવે આ ચિંતા તું ના કરતી.”

પરીએ અક્ષર સામે જોયું અને અક્ષરે ના પાડી..તે લોકો થોડા દૂર ગયાં હશે ને પરીનો સેલફોન રણક્યો. રૂપા હતી. “રૂપા, સો વરસ જીવવાની છે તું.”

“કેમ?” “ભાઈને લોંગ રાઇડ ઉપર જવું છે અને મને ઊંઘ આવે છે. મેં કહ્યું, રૂપાને લૈ જાને?”

“તું પણ ચાલ ને અમારી સાથે?”

“ના ભાઈ ના. મારે મિયાંબીબીની વાતોમાં હવનનું હાડકું નથી બનવું.”

“તો?”

ફોન ઉપર અક્ષર બોલ્યો, “સાહ્યબા બેકરાર હૈ, આજા મેરે બાલમા, તેરા ઇંતજાર હૈ.”

***