Sanjivani... ek prem katha books and stories free download online pdf in Gujarati

સંજીવની... એક પ્રેમ કથા...

@@@  સંજીવની...  (વાર્તા) એક અનોખી પ્રેમ કહાની...
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'

પોતાના ઓરડામાં વાંચન કરી રહેલ અને કોઈ પરિવાર વિનાના અનિમેષ ના ફોનની ઘંટડી રણકી. કોઈનો ફોન આવે ત્યારે ઉપાડવામાં ખૂબ આળસ કરતા અનિમેષે આજે એકદમ ત્વરીતતાથી ફોન હાથમાં લઈ લીધો અને બીજીજ સેકન્ડે ફોન રિસીવ પણ કરી લીધો. અને ન ઓળખવાનો ડોળ કરતા એ બોલ્યો..."હેલો, કોણ...???"
 અનિમેષ ના આમ અજાણ્યા થવાનું કારણ હતું. હજી આજે પણ એને યાદ છે લગભગ બે વર્ષ પહેલાની એ સાંજ. જ્યારે અનિમેષ ને ફોન કરી પૃથા એ બગીચામાં મળવા બોલાવ્યો હતો અને થયો હતો બે પ્રેમીઓનો અંતિમ અને કરુણ વાર્તાલાપ...

"હા, બોલ પૃથા, કેમ આમ અચાનક ફોન કરી મને અહીં બોલાવ્યો...?"
આંસુ ભરેલી અને નીચી ઢળેલી આંખોથી પૃથા એ કહેલું... "અનિમેષ આજથી આપણું વાતો કરવાનું અને મળવાનું બંધ..."
પૃથા ના આટલા શબ્દો અને એની શારીરિક ભાષા જોઈ અનિમેષે આગળ એક પણ સવાલ કર્યો ન હતો. એ પ્રેમની પરિભાષા સારી પેઠે જાણતો હતો. એને પૃથા પર એટલો તો વિશ્વાસ હતો જ કે આમાં પૃથા ની ચોક્કસ કોઈ મજબૂરી છે નહિતર એ પોતાને પોતાના કરતા પણ વધુ ચાહે છે. 
"અને હા એક બીજી વાત તારા ફોન માંથી મારો નંબર પણ ડીલીટ કરી નાખજે... ભગવાને એવી પરિસ્થિતિ સર્જી છે કે હવે આ જન્મ માં આપણો મેળાપ અશક્ય છે... આજથી હું તારો સંપર્ક નહિ કરું અને તું પણ..." આટલી વાત પૂરી કરતા કરતા પૃથા ના ગળે ડૂમો ભરાઈ આવ્યો. એ આગળ કશું પણ ન બોલી શકી... અને મો ફેરવી અનિમેષ થી દુર જતા જતા માત્ર એટલું જ બોલી શકી કે ... "અનિમેષ તારું ધ્યાન રાખજે..." એમના આ મિલનમાં અનિમેષ કશું જ બોલી ન શકયો. એ માત્ર જોઇ રહયો પૃથાના અંતરમાં છુપાયેલી ઉદાસી. એના શબ્દો માં ડોકાઈ રહેલી પોતાનાથી અલગ થવાની પૃથાની વેદના... પોતાનાથી દૂર જઇ રહેલી પોતાની જિંદગી ને જોઈ રહેલો અનિમેષ જાણે મનોમન પૃથાને કહેતો હતો... "પૃથા તારા થોડા શબ્દોમાં હું તારી આખી પરિસ્થિતિ ને સમજી ગયો... પણ તું ચિંતા ન કર જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારા તરફથી તને કોઈ તકલીફ નહીં જ પડે... તે ભલે મને મુક્ત કર્યો પણ મારા આત્મા ને સ્પર્શી ગયેલી તું મારા આત્માના અંત સાથેજ દૂર થશે..." 

અને ફોનમાં "કોણ બોલો છો...???" એમ પૂછવાનું કારણ એ હતું કે ક્યાંક અનિમેષ સીધુ જ પૃથા ને એના નામથી બોલાવે અને પૃથા ને દુઃખ થાય કે હજી અનિમેષ ના ફોન માં એનો નંબર છે...!!! તો આટલું દુઃખ પણ એ પૃથા ને લગાડવા માંગતો ન હતો... 
હાથમાં રીસીવર પકડી પાંચ દસ સેકન્ડ મા તો એમનો છેલ્લો મેળાપ અનિમેશની આખો સામેથી પસાર થઈ ગયો... સામેથી હેલો ... હેલો... નો અવાજ વારંવાર સાંભળી અનિમેષ જાણે તંદ્રા માંથી બહાર આવ્યો... સામેથી પૃથા બોલી ... "પૃથા..."  "અરે હા... બોલ પૃથા, કેમ છે તું..." માત્ર કોરા શબ્દો થી પૃથા એ જવાબ આપ્યો... "બસ... મજામાં છું..." પૃથા ના આ શબ્દો માં રહેલી વેદના અનિમેષ થી છાની ન રહી અને એણે સામે કહ્યું... "પૃથા તને હજી ખોટું બોલતા સારી રીતે આવડ્યું નથી... પહેલા પણ તું પકડાઈ જતી આજે પણ પકડાઈ ગઈ... બોલ શુ વાત છે...???" 

જે વાત કરવા માટે જ પૃથા એ અનિમેષ ને ફોન કર્યો હતો એ વાત છુપાવવાનો હવે કોઈ મતલબ ન હતો... એને અનિમેષ ને શુ વાત હતી એ કહેવાની શરૂઆત કરી...
" એમને કાલે પેટમાં દુખાવો ઉપડેલો અને ચેક અપ માટે અમે બંને હોસ્પિટલ ગયા હતા... ડોકટરે તપાસ કરી લેબોરેટરી કરાવતા રિપોર્ટમાં આવ્યું કે એમની કિડનીઓ ખરાબ છે... તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરી ઓપરેશન કરવું પડશે. અને નવી કિડની નાખવી પડશે... નહિતર જોખમ છે. પૈસાનો કોઈ પ્રશ્ન નથી. પણ કિડની લાવવી ક્યાંથી...??? "આટલું બોલતા બોલતા પૃથા ચોધાર આંસુએ રડી પડી... ખૂબ આશ્વાસન આપી અનિમેશે એને શાંત કરી . પૃથા એ આગળ કહ્યું " હોસ્પિટલ ના વેઇટિંગ એરિયામાં પડેલા એક અંક વાંચતા મારી નજર તું જે સોસીયલ ગ્રૂપ ચલાવે છે એ આર્ટિકલ પર પડી અને નીચે લખેલો તારો કોન્ટેક્ટ નંબર જોઈ તને હેલ્પ માટે ફોન કર્યો. આખો લેખ વાંચતા જાણવા મળ્યું કે તમારા ગ્રુપ માં એવા ઘણા દેવદૂતો છે જે જીવતા પણ કિડની દાન કરવાની હિંમત રાખે છે..." પૃથાની આટલી વાત જાણી અનિમેશે એને ધરપત આપતા કહ્યું..."પૃથા હવે તું કઈ ચિંતા ન કર... હવે તારી ચિંતા દૂર કરવી એજ મારું લક્ષ્ય... અચ્છા વિવેક ને કઈ હોસ્પિટલમાં બતાવ્યું હતું." અને સામેથી પૃથા એ જવાબ આપ્યો..."આશીર્વાદ હોસ્પિટલ..."  "ઓકે ચાલ ખૂબ જલ્દી તને શુભ સમાચાર આપું છું... અને કોઈ ચિંતા કરીશ નહીં... હું છું ને..." આટલું કહેતા અનિમેશે ફોન મુક્યો... પણ સામે છેડે હાથ માંથી રીસીવર નીચે મુક્તા મુકતા પૃથા ને અનિમેષ ના એ છેલ્લા શબ્દો..."હું છું ને..." એ ભૂતકાળનો પ્રસંગ યાદ અપાવી દીધો કે જ્યારે એ બન્ને એકબીજાની ખૂબ નજીક હતા. જો કે આજે પણ અનિમેષ માટે પૃથા એના આત્મા માજ વસેલી હતી. એ પ્રસંગ જાણે એમ હતો કે કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા હતી અને પૃથા એ અનિમેષ ને ફોન કરી ચિંતા વ્યક્ત કરેલી..."અનિમેષ શુ વાંચવું કઈ રીતે યાદ રાખવું મને કંઈ સમજણ પડતી નથી... મને તો લાગે છે હું ચોક્કસ પરીક્ષામાં ફેલ થવાની... " સામે અનિમેશે કહેલું..."એમાં ચિંતા શુ કરે છે, ગાંડી હું તને કહું એટલુંજ વાંચી જજે... અને તું પાસ. ચિંતા ન કર ... હું છું ને..." અને અનિમેષ ના કહ્યા મુજબના વાંચન થી એ સારા ગુણ સાથે પાસ થઈ ગયેલી. એ પ્રસંગને યાદ કરતા કરતા હૃદય જાણે આંખોમાં હર્ષ અને શોકના મિશ્રિત આંસુ સાથે અનિમેષ ને કહેતું હતું કે... "એ પરીક્ષા માં મને પાસ કરાવનાર હવે આ જીવનની પરીક્ષામાં પણ પાસ કરાવજે..." 

"ડો.શાહ ,ગુડ મોર્નિંગ , કેમ છો...!!!" ડો.શાહ ના કેબિનમાં જઇ અનિમેશે વિવેકની બીમારીની સંપૂર્ણ વિગત જાણી..." પોતાના સોસીયલ ગ્રુપ માં પણ કિડનીના દાતા માટે એને તપાસ કરી સતત ચાર દિવસ ની મહેનત પૂછ પરસ છતાં પણ કિડનીના દાતાનો મેળ ન પડ્યો. હવે વધારે દિવસો કાઢવા એ પૃથા ના પતિ વિવેક માટે ખતરારૂપ હતું. થાકીને સાંજે ઘેર આવી પોતાની પથારીમાં પડ્યા પડ્યા અનિમેષ ની ચિંતા વધતી જતી હતી. એને થયું કે એને પૃથા ને કરેલ સાચા અને પવિત્ર પ્રેમ નો બદલો ચૂકવવાનો અને પોતાની પ્રેયસી ને ચિંતા મુક્ત કરવાનો સમય આવી ગયો છે... અને એને ઈશ્વરનું સ્મરણ કરતા કરતા એક મહાન નિર્ણય લીધો કે "વિવેક ને હું મારી કિડની આપીને પૃથા ના હાથની મહેંદી અને સેંથાનું સિંદૂર અમર કરી દઈશ..." તરત એને પૃથા ને ફોન જોડ્યો અને કહ્યું... "પૃથા, કિડની ના દાતા મળી ગયા છે... તમે કોલેજ હોસ્પિટલ જઇ વિવેકના ઓપરેશનની તારીખ લઈ લેજો. અને મને જણાવજો હું એ દાતાને લઈ હોસ્પિટલ આવી જઈશ..." 

વિવેકના ઓપરેશનની ચાર દિવસ પછીની તારીખ આવી અને ઓપરેશનનો દિવસ પણ આવી ગયો. પૃથા એ અનિમેષ ને કોલ કરી હોસ્પિટલ બોલાવી લીધો. એ સિધોજ ડો.શાહ ના કેબિનમાં ગયો અને પોતે લીધેલા નિર્ણય ની વાત ડોક્ટરને કરી . સાથે સાથે આ વાત પૃથા કે એના કોઈ પરિવાર જનને ન કરવાનું વચન પણ લીધું. કેબીન માંથી બહાર આવી અનિમેશે પૃથાને કહ્યું... "કિડનીના દાતા ઓપરેશન થિયેટરમાં પહોંચી ગયા છે ... મારે એક તાત્કાલિક કામ આવી ગયું છે એથી હું બહાર જાઉં છું... ડો.શાહ ને મેં બધી ભલામણ કરી દીધી છે... હવે કોઈ ચિંતાનો વિષય નથી... ઓકે ચલ બાય..."  આટલું કહી અનિમેષ હોસ્પિટલની બહાર નીકળી ગયો અને હોસ્પિટલના પાછળના દરવાજેથી અંદર પ્રવેશી ઓપરેશન થિએટરમાં પ્રવેશી ચુક્યો હતો... ઓપટેશન થિયેટરની બહાર પૃથા અને એના પરિવાર જનો વિવેકનું ઓપરેશન સફળ રીતે પૂર્ણ થવાના સમાચારની રાહમાં બેઠેલા હતા તો ઓપરેશન થિયેટરની અંદર એક મહાન પ્રેમ કહાની નું પ્રેક્ટિકલ થઈ રહ્યું હતું. વિવેક ને પણ જાણ ન હતી કે એને કિડની આપનાર દાતા સ્વયં અનિમેષ હતો. અનિમેષ ની એક કિડની એના શરીર માંથી કઢાઈ ચુકી હતી અને વિવેકના શરીરમાં સફળ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. વિવેક હવે સદા માટે ખતરાથી બહાર હતો. પરંતુ બીજી તરફ એક કિડની કાઢતા અનિમેષ ના પેટમાં બ્લડિંગ શરૂ થઈ ગયું જે અનિમેષ માટે ખૂબ ઘાતક સાબિત થયું. અને વિવેકનો જીવન દાતા ,પૃથા ની ચૂડી અને ચાંદલો અખંડ કરી જનાર અનિમેષ સદા માટે પૃથા થી અલગ થઈ અનંત યાત્રાએ ચાલ્યો ગયો. ઓપરેશન થિયેટર ની અંદર બનેલ આ કરુણ ઘટનાથી સૌ કોઈ અજાણ હતા. 

ઓપરેશન બાદ વિવેકને મળવા માટે પૃથા અને એનો આખો પરિવાર અંદર ગયો. આ શુભ સમાચાર આપવા પૃથા એ તરત અનિમેષ ને ફોન જોડ્યો... ફોનની ઘંટડી ક્યાંક નજીક જ વાગી રહી હોય એવું પૃથાને લાગ્યું. તપાસ કરતા એ પહોંચી ગઈ બાજુના રૂમમાં જ્યાં સફેદ ચાદર ઓઢાડેલો એક મૃતદેહ પડ્યો હતો . ફોનની રિંગ પલંગ ની બાજુમાં પડેલા ટેબલ પર વાગતી હતી. પૃથા એ અનિમેષ ના રણકતા ફોનની ડિસ્પ્લે જોઈ જેમાં ઇનકમિંગ કોલ માં નામ હતું... """ સંજીવની """

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'