Dikaree! books and stories free download online pdf in Gujarati

દીકરી

દીકરી!

પાંચ હજારની વસ્તીના નાના એવા ગામડાના બાળકોને થોડું અક્ષરજ્ઞાન મળી રહે, એવા હેતુથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ક્રિશ્ના બાળકોને સાંજે ટ્યુશન કરાવે. પણ મફત. ક્રિશ્નનાના પ્રેમાળ અને સેવાભાવી સ્વભાવના કારણે બાળકો પણ તેની પાસે હોશે હોશે ભણવા આવે. આ બધા બાળકોમાં જ્યોતિ સૌથી હોશિયાર છોકરી હતી. એટલે જ ક્રિશ્નનાના મોઢેથી જ્યોતિના વખાણ સાંભળવા માટે તેની અભણ માં દરરોજ તેને લેવા જાય. “તમારી દીકરી તો હીરો છે! તેને એકજ વાર શીખવવું પડે છે.તે મોટી થઈને ખૂબ આગળ વધશે. કમળાબેન, તમે એને ભણવાજો.” ક્રિશ્નનાના આવા શબ્દો સાંભળી કામળાના હરખનો પાર ન રહેતો. તેનો ચહેરો મલકી ઊઠતો. “બેન, હું અને જ્યોતિના બાપુ ભલે અભણ છી પણ અમારી દીકરીને તો અમે ભણાવીને તમારા જેવા બેન બાનવશું. જ્યોતિના બાપુ પણ આવું જ કેતા તા.” અને પછી ક્રિશ્ના પણ કમળાની વાતો સાંભળી હસવા લગતી.

દરરોજની જેમ આજે પણ કમળા જ્યોતિને લેવા આવી. ક્રિશ્નાએ જ્યોતિના વખાણ કર્યા. પણ કમળા નો ચહેરો મલકયો નહીં. અને હંમેશની જેમ ‘એના બાપુ કેતાતા’ કરીને કોઈ વાત પણ ન કરી. “શું વાત છે કમળાબેન? આજે કેમ ઉદાસ દેખાવ છો?” ક્રિશ્નાએ પુછ્યું. “કાઇ નઇ બેન, ઇ તો કામેથી આવીને, એટલે જરા થાક લાગી ગયો.” કમળાની વાત પર ક્રિશ્નાએ વિશ્વાસ ન કર્યો. એણે ફરીથી પુછ્યું, “ કમળાબેન, હું માત્ર તમારી દીકરીની શિક્ષિકા નથી, તમારી સખી સમાન છું. મને કહો આજે મુંજાયેલા દેખાવ છો?” “જ્યોતિ, તું ઘરે જા હું હમણાં આવું છું.” કહી કમળા બેઠી, “બે....ન....” તેણે અટકાતા અવાજે વાત શરૂ કરી, “મારે ત્રીજો મહીનો જાય છે.”

“અરે! એ તો બહુ ખુશીની વાત છે કમળાબેન, આમેય હવે જ્યોતિ સાથે રમવા માટે નાનો ભાઈ કે બહેન તો જોઈએને! ક્રિષ્નાએ હસીને કહ્યું.

“પણ બેન, વાત એમ નથી.” કમળા ફરી અટકી અને પછી હિંમત કરીને ધીમે અવાજે કહ્યું, “બે...ન… મારા સાસુ કેતાતા કે શેરમાં જઈને મોટા દાક્તર પાસે ટીવીમાં જોવરાવવી તો ખબર પડી જાય કે દીકરો છે કે દીકરી અને દીકરી હોય તો....”

“હું આખી વાત સમજી ગઈ.” ક્રિષ્ના કમળા ની અડધી વાતે જ સમજી ગઈ. “બેન તમે જ કો દીકરો હોય કે દીકરી, છે તો મારા કાળજાનો કટકોને! એને પડાવી નાખતા મારો જીવ કેમ હાલે! જ્યોતિના બાપુ પણ ના પાડતાતા પણ બા કે તો તેમનું વેણ કેમ વખોડવું!” ક્રિષ્ના કમળાના નિર્દોષ ચહેરાને જોઈ રહી પછી ધીમેથી બોલી, “ શાબાશ કમળાબેન! અભણ અને કામદાર હોવા છતાં જે વિચારસરણી તમે ધરાવો છો એ આપણો શિક્ષિત સમાજ સમજે તો ‘બેટી બચાવો’ જેવી કોઈ ઝુંબેશ જ ન ઉપાડવી પડે. કમળાબેન , મોટાનું વેણ વખોડાય નહીં પણ એને સમજાવાય તો ખરાને! તમે ચિંતા ન કરો. હું સાંજે તમારા ઘરે આવીશ. જાઓ આરામ કરો અને તમારી તબિયતનું ધ્યાન રાખજો.”

સાંજના સમયે ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેઠેલા દાદીમા પાસે આવીને ક્રિષ્ના બેઠી, “અરે કમળા, ગોવિંદ, આમ જો જ્યોતિના બેન આયવા છે.પાણી લાવ, ચા મુક. આમ દાદીએ ક્રિષ્નાને આવકાર આપ્યો. ક્રિષ્ના બેઠી એટલામાં જ્યોતિ બહારથી રમીને દોડતી આવી. અને આંગણામાં પડી ગઈ. તેનો ઢીચણ લોહી લોહાણ થઈ ગયો. દાદી તો સફાળા ઊભા થઈ ગયા. દોડા દોડ રૂ અને પાટો લઈ આવ્યા. દવા લગાડી પાટો બાંધ્યો અને ખોળામાં બેસાડી. ક્રિષ્ના આ બધુ જ જોઈ રહી હતી. થોડી વાર પછી તેણે કહ્યું, “બા,જ્યોતિ પડી ગઈ પણ ઘા જાણે તમારા કાળજાને લાગ્યો હોય એવું લાગ્યું.

“હા બેન મુદલ કરતાં વયાજ વધારે વાલું હોયને!” “તો કમળાબેનનું આવનારું બીજું બાળક પણ તમારું વ્યાજ નહીં હોય! જો એ દીકરી હશે તો તેને મારી નાખતા તમારો જીવ કેમ ચાલશે?” ક્રિષ્નાએ પુછ્યું. દાદીમાનો હાથ જ્યોતિને પંપાળતો અટકી ગયો અને ચહેરાઓ રંગ બદલાઈ ગયો. હવે તે આખી વાત સમજી ગયા કે ક્રિષ્ના એમના ઘરે શા માટે આવી છે.

“તો શું દીકરીયુનો હાયડો કરવાનો! અને ઇ તો અમારા ઘરની વાત છે ઈમાં તમારે માથું મારવાની જરૂર નથી.” દાદીએ કરડતા અવાજે કહ્યું. “બા, હું શિક્ષક છું સમાજનું ઘડતર જોઈ શકું, પડતર નહીં. શહેરમાં દાક્તર પાસે જઇ ટીવીમાં જોવરાવવાની તમે વાત કરો છોને! પણ, ત્યાં મોટા મોટા સાહેબો પણ હોય છે. જો તેમને ખબર પડીને તો તમારે, કમળાબેનને, ગોવિંદભાઈને અને ડોક્ટરને બધાને જેલમાં જવું પડશે અને બહુ મોટો દંડ ભરવો પડશે.” દાદીમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એ કઈ બોલે એ પહેલા જ ક્રિષ્ના જવા માટે ઊભી થઈ ગઈ. દાદીમાએ બધો ગુસ્સો કમળા પર ઉતાર્યો. જેમ તેમ કરી ગોવિંદે બાને સમજાવ્યા. નવ મહિના પૂરા થતાં કમળાએ બીજી દીકરીને જન્મ આપ્યો.

“ભાયગ ફુયટા મારા જો ઓલી માસ્તરાણીની વાત માની.” દાદીમાએ આઠ દિવસ સુધી એ નિર્દોષ બાળકીનું મોં પણ ન જોયું. જેમ તેમ કરીને કમળા સૂવાવડમાંથી ઊભી થઈ. હવે ધીમે ધીમે જ્યોતિ પ્રત્યે પણ દાદીમાનું વલણ બદલાતું ગયું. થોડા દિવસ પછી બાજુમાં રહેતા ગોવિંદના નાના ભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા.

કમળા અને ગોવિંદે તેમની નાની દીકરીનું નામ લક્ષ્મી રાખ્યું. હવે તેઓ વધારે મહેનત કરવા લાગ્યા અને પોતાની બંને દીકરીઓને ભણાવવા લાગ્યા. ગામલોકો સૌ તેને સલાહ આપે, “પારકી થાપણ પાછળ રૂપીયા વેડફે છે વળી દીકરો તો છે નહીં, કઈક તમારા ધડપણનો પણ વિચાર કરો. ગોવિંદ ગરીબ કુટુંબમાં અને ગામડામાં જન્મ્યો હતો. એટલે જ્યારથી સમજવા શીખ્યો ત્યારથી બસ મજૂરીકામ જ કરતો હતો. પરંતુ દૂરથી હંમેશા શાળાને તાકતો રહેતો હતો. અને પોતે તેનાથી વંચિત રહી ગયાનો અફસોસ કરતો રહેતો હતો. તે પોતે ન ભણી શક્યો પણ પોતાના સંતાનોને ભણાવાશે. પછી ભલે એ દીકરો હોય કે દીકરી! બસ આ જ તેના જીવનનું ધ્યેય હતું. એટલે ગામલોકો શું કહે છે તેની તેને પરવા નહોતી.

જ્યોતિ નાનપણથી જ ખૂબ જ સમજુ હતી. ભણતાની સાથે સાથે નાની બેનની સંભાળ પણ રાખે. અને એસ.એસ.સી પાસ કર્યું એટલે બાળકોના ટ્યુશન કરી પોતાનો અને લક્ષ્મીનો ભણવાનો ખર્ચ ઉપાડી લીધો. લક્ષ્મીને ને ભણવામાં થોડો ઓછો રસ પણ રમત ગમતમાં ખૂબ જ હોશિયાર હતી. ફૂટબોલ, કબડ્ડી, ઊંચી કૂદ, લાંબી કૂદ દરેકમાં તે ઈનામ લઈને જ આવે. ચંચળ અને નટખટ લક્ષ્મી તો સમજુ અને ડાહી જ્યોતિને જોઈને કમળા અને ગોવિંદ જાણે સ્વર્ગ મળ્યાનું સુખ અનુભવતા. આગળ ભણવા માટે ગોવિંદે બંને દીકરીઓને શહેરમાં હોસ્ટેલમાં મૂકી.

“ગોવિદ, જુવાન દીકરીયુને મોટા શેરમાં એકલી મોકલી દીધી છે જોજે ક્યાંક તારી આબરૂ ઉપર પાણી નો ફેરવે.” આમ ગામના ચોરે બેઠેલા ડોસાઓ હંમેશા ગોવિંદને સમજાવતા હતા.

ગ્રેજ્યુએશન પૂરું થતાં રમત ગમતમાં હોશિયાર, મજબૂત શારીરિક બાંધાને કારણે લક્ષ્મીએ પી.એસ.આઈ ની ભરતીમાં અરજી કરી. હોશિયાર અને ચંચળ લક્ષ્મી લેખિત, મૌખિક અને શારીરિક દરેક કસોટીમાં ઉતિર્ણ થઈ અને અંતે પસંદગી પામી. આ ખુશખબર જ્યોતિએ તરત જ તેના માં બાપુને જણાવ્યા. કમળા અને ગોવિદ તો ખુશીના માર્યા નાચવા લાગ્યા.

“ગોવિંદની નાની દીકરી પોલીસના મોટા સાહેબ બનવાની છે.” આ ચર્ચા ગામમાં ઠેર ઠેર થવા લાગી. દાદીમાએ પણ આ સમાચાર સાંભળ્યા. વર્ષોથી મજૂરીકામ કરી ગોવિંદ અને કમળાના શરીર દુર્બળ બની ગયા હતા પણ તેઓની આંખોમાં દીકરીઓના ગર્વની ચમક હતી. ‘ક્યારે મારી દીકરી ખાખી કપડાં પહેરી, માથે ટોપી અને જિપમાં બેસીને આવશે!’ તેઓ કાગની ડોળે એ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અંતે એ દિવસ આવી ગયો. લક્ષ્મીની ટ્રેનીંગ પૂરી થઈ.

ગામના સરપંચે એક મિટીંગ બોલાવી. “ભાઈઓ કાલે ગોવિંદની દીકરી પોલીસના મોટા સાહેબ બનીને આવવાની છે. આ ફક્ત ગોવિંદ માટે નહીં આખા ગામ માટે ગર્વ વાત કહેવાય.” ગોવિંદે મલકતા ચહેરે ચોરે બેસનાર ડોસાઓ સામે જોયું. ડોસાઓ શરમના માર્યા નીચું જોઈ ગયા. “ એટલે આપણે સૌએ ધામધુમથી તેનું સ્વાગત કરવું જોઈએ.” સરપંચની વાતનો સૌ ગામવાસીઓએ તાળીઓથી વધાવી લીધી.

મજબૂત બાંધો, ખાખી ડ્રેસ, કમર પર બેલ્ટ માથા પર ટોપી પહેરેલ પી.એસ.આઈ, લક્ષ્મીનું સ્વાગત કરવા ગમવાસીઓ ઉમટી પડ્યા. જીપમાથી નીચે ઉતરી લક્ષ્મી અને જ્યોતિ તેના માં બાપુને પગે લાગી ભેટી પડી. બંને બહેનોની આંખો ભીંજાઇ ગઈ. કમળા અને ગોવિંદ તો પોતાની દીકરીઓને જોઈને જાણે ઘેલા બની ગયા. હર્ષના આંસુ લૂછતા લાછતા કમળા લક્ષ્મીને ઘરમાં લઈ ગઈ. દીવાલ પર સુખડનો હાર પહેરવેલ છબી ને નમન કરવા કહ્યું.

“માં, વર્ષોથી આ છબીને પગે લાગુ છું પણ તું કહેતી જ નથી કે એ કોણ છે અને શા માટે તું મને એમને પગે લગાડે છે.”

“બેટા, આ જ્યોતિના બેન હતા. અને ગુરુ તો ભગવાન કેવાયને! એટલે તને એમને પગે લગાડું છું.” આમ કહી કમળા પાછળ ફરી ત્યાં તેના સાસુ સામે ઊભા હતા. કમળાએ ફરી એ જ નમ્ર અવાજે લક્ષ્મીને દાદી ને પગે લાગવા કહ્યું. પોતાના પ્રત્યે રહેલા ઓરમાયા વર્તનને કારણે લક્ષ્મીને એ ગમ્યું નહીં. પણ ભણતરની સાથે કમળએ બંને બહેનોને સંસ્કાર પણ આપ્યા હતા. એટલે એની વાત તરત માની. “દાદીમા, ચાલો તમને, મા બાપુને, કાકા કાકીને, મોહનને બધાને જિપમાં બેસાડું. મજા આવશે. દસ દસ મર્દને એકલા હાથે પછાડી દેનાર લક્ષ્મીના સ્વભાવમાં મૃદુતા અને કોમળતા પણ છલોછલ ભરેલા હતા. આજે પહેલી વાર દાદીમાંએ લક્ષ્મીને નિરખીને જોઈ. બહાર ઉભેલા લોકોને મળવા લક્ષ્મી ફરી બહાર ગઈ. દાદીમા હજુ પણ દીવાલ પર લગાવેલી ક્રિષ્નાની છબીને તાકીને જોઈ રહ્યા હતા. કમળા બાજુમાં જ ઊભી હતી. બે હાથ જોડીને કઈક કહેવા જતાં હતા ત્યાં કમળએ તેનો હાથ પકડી પોતાના માથે મૂક્યા અને કહ્યું, “ બા, આ હાથે આશીર્વાદ આપવા હોય!” બંને સાસુ વહુ પ્રેમથી ભેટી પડ્યા.

હર્ષોલ્લાસ અને આનંદ સાથે ક્યાં દિવસો પસાર થઈ ગયા ખબર જ ન પડી. અને લક્ષ્મીને પોતાની ફરજ પર હજાર થવાનો દિવસ આવી ગયો. સૌ પરિવારજનો ખુશ પણ હતા અને વિદાયની વેદના પણ હતી.

“માં બાપુ, તમે ચિંતા ન કરો. હું હવે એકલી શહેર નથી જવાની. તમે મારા માટે બહુ જ મહેનત કરી છે. હવે મારો વારો છે. તમારે પણ મારી સાથે શહેર આવવાનું છે અને બસ આરામ જ કરવાનો છે. દાદી, કાકા કાકી, મોહન તમે લોકો પણ અમને મળવા આવતા રહેશોને!” દાદીમા લક્ષ્મીને વળગી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સૌ પરિવારજનોએ દાદીમાનો પસ્તાવો સમજી ગયા. લક્ષ્મીએ હસતાં ચહેરે, નમ આંખે સૌના આશીર્વાદ લીધા અને ઘરની બહાર નીકળી. દાદીએ ફરી લક્ષ્મીને પોતાની પાસે બોલાવી, તેને માથે હાથ ફેરવ્યો માથા પર ચૂમી ભરી પછી ગોવિંદને બોલાવ્યો અને કહ્યું, બેટા ગોવિંદ મારી એક અબળખા પૂરી કરીશ? મારા મર્યા પાછી મારી ચિતાને આગ લક્ષ્મી ચાંપશે.” રૂઢિચુસ્ત દાદીમાના મોઢેથી આ શબ્દો સાંભળી સૌ પરિવારજનો સ્તબ્ધ થી ગયા. “પણ બા,” લક્ષ્મીને વચ્ચેથી રોકી ફરી બંને બહેનોના માથા પર હાથ ફેરવી બોલ્યા, “ બેટા, તમે તો મારૂ વ્યાજ છો અને વ્યાજ તો મુદલ કરતાં વધુ જ વાલુ હોયને! તારા હાથે મારા દેહને આગ ચંપાશે તો મારા આત્માને શાંતિ મળશે. નાની બાળકીની માફક લક્ષ્મી દાદીમાને વળગી અને રડી પડી. “એવું ના કહો દાદી, તમારે તો હજુ સો વરસ જીવવાનું છે.

અનમોલ ભેટ

એક સોનેરી સવારે મારા હાથમા હતી

પ્રભુની આપેલી અનમોલ સોગાત.

ખુશીથી ફુલી ન સમાણી, જોતી રહી બસ એનેજ

જોતી રહી હુ દિવસ અને રાત

હ્યદયના પારણે વહાલના હાલરડા સંભળાવી સુવડાવી,

સ્મિતનુ ચુંબન કરી પ્રેમથી જગાડી

લાડકોડથી ઉછેરી,

પ્રેમથી છાવરી

હુ ચહેરો એ મારી મુસ્કાન

હુ કાયા એ મરો પ્રાણ

એની સફળતા મારુ સન્માન

પરંતુ એક સવારે હુ થઈ ગઈ હેરાન

જોઈને એની પાંખ બેઈમાન

ઊડી જશે દૂર દૂર બહુ યાદ આવશે

બહુ યાદ આવશે ખુબ રડાવશે

મારી લડલી ઊડી જશે બહુ યાદ આવશે.

જુલી

Share

NEW REALESED