Skhalit Laganio books and stories free download online pdf in Gujarati

સ્ખલિત લાગણીઓ

સાંજે ઓફિસેથી ઘરે આવીને હું હાથ-મોં ધોઈને ફ્રેશ થયો. રૂમાલથી મોં લૂછીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો એટલામાં તો મસાલેદાર કડક ચા સાથે ગરમાગરમ નાસ્તો મમ્મીએ પીરસ્યો. બટાકા-પૌવાની ફોરમ નાકમાં જતાં જ આપોઆપ મારા ચહેરા પર મુસ્કાન રેલાઈ ગયું. મોંમાં વળેલું પાણી ગળા નીચે ઉતારી એક ચમચી પૌવા મોંમાં ઓર્યા. વર્ષોથી જળવાઈ રહેલો એજ સ્વાદ માણીને હજુયે હું ધરાયો નહતો. ડાઈનિંગ ટેબલ ખેંચી તે મારી સામે બેઠી.

ચાની ચૂસ્કી લેતા મેં તારીફનું તોરણ બાંધતા કહ્યું, “મમ્મી, તારા હાથની વાનગીઓનો સ્વાદ જ કંઈક ઔર હોય છે. યુ આર ધી બેસ્ટ!”

હળવું સ્મિત કરીને તેણે કહ્યું, “એતો તું હોસ્ટેલમાં કેન્ટીનનું ખાઈને કંટાળી ગયો છે એટ્લે.”

“ના ના મમ્મી, એવું નથી. રસોઈની તો તું પહેલેથી રાણી છે.”

“કેમ ભાઈ આજે આટલું માખણ લગાવે છે તારી મમ્મીને? જે કંઈ પણ કહેવું હોય એ કહી નાંખ...” ખુરશીમાં લુંગી પહેરીને છાપું વાંચતાં પપ્પાએ કહ્યું.

“બેટા, હું તો તારી રાણી ક્યારે આવે એની રાહ જોઈ રહી છું. હવે ક્યાં સુધી ના પાડે જઈશ? આ સપ્ટેમ્બરમાં તો સત્યાવીશમું પૂરું થવા આવશે.” રાણી શબ્દ પકડીને મમ્મીએ લગ્નની વાત ઉખેડી.

“હા મમ્મી. સારી એવી કંપનીમાં જોબ મળી જાય પછી હું તૈયાર જ છું, બસ!”

“તારી નજરમાં કોઈ છોકરી હોય તો કહી દેજે. સારા ઘરની સંસ્કારી છોકરી હોય તો અમને કોઈ વાંધો નથી.” મમ્મીએ કહ્યું.

મન:ચક્ષુ સામે એક મુસ્કુરાતો ચહેરો તરવરી આવ્યો. મેં જરાક મોઢું બગાડીને કહ્યું, “ના મમ્મી, એવું કોઈ નથી...”

“સાંભળ કેવિન, ગઇકાલે તારા મામાએ તારા માટે એક છોકરીની વાત કાને મૂકી હતી. નમ્રતા નામ છે છોકરીનું. કોમ્પ્યુટર એન્જીનિયરીંગના ત્રીજા વર્ષમાં ભણે છે. સંસ્કારી ઘરની છે, અને દેખાવે તો જોતાં જ ગમી જાય એવી રૂપાળી છે. વોટ્સએપ પર એ છોકરીના ફોટા મોકલ્યા હતા એ તને ફોરવર્ડ કરી દઉં છું. અમને બંનેને તો છોકરી ગમી ગઈ છે. હવે તારે નક્કી કરવાનું છે. ફોટો દેખીને બોલ, તો પછી કંઈક આગળ વિચારીએ...” પપ્પાએ મોબાઈલ હાથમાં લેતા કહ્યું.

વોટ્સએપમાં તેમણે મોકલેલો મેસેજ ઓપન કર્યો. એ છોકરીના પાંચેક ફોટોઝ ડાઉનલોડ કર્યા. ફોટોઝમાં તો તે દેખાવે કહ્યું એવી જ સુંદર હતી. તેના ચહેરાની સુંદરતા દેખીને મારી નજર સમક્ષ ફરીથી એ ચહેરો તરવરી આવ્યો, જેને હું વર્ષોથી ભૂલવા મથતો હતો.

તેના ફોટોઝ દેખીને મેં ફોન ડાઈનિંગ પર મૂક્યો.

“છે ને ગમી જાય એવી છોકરી!” મમ્મીએ હસીને આશાભર્યા સ્વરે પૂછ્યું.

દબાયેલા હોઠમાં સ્માઇલ આપીને મેં હકારમાં મૌન જવાબ વાળ્યો.

“આજે જ તારા મામા જોડે વાત કરીને આ અઠવાડિયામાં મુલાકાત ગોઠવી દઈએ. ઠીક છે ને?”

મેં ફરીથી માથું હલાવીને હા પાડી.

ચા-નાસ્તો કરીને હું મારા રૂમમાં ગયો. AC ઓન કરીને પલંગમાં આરામ કરવા આડો પડ્યો, અને મન તેની સાથે વિતાવેલી ભૂતકાળની યાદોમાં લપસી પડ્યું.

કનિકા તેનું નામ હતું. સ્કૂલમાં તેનું નવું એડમિશન થયું હતું. ધોરણ ૯ના ક્લાસ રૂમમાં તે દાખલ થઈ એ વખતે તેના માસૂમ ચહેરા પર પડેલી પ્રથમ નજરે મારા હૈયામાં પ્રેમની પહેલી કૂંપળ ખીલવી મૂકી હતી. આખા ક્લાસ સામે તેનો પરિચય નર્વસ સ્મિત સાથે આપતા તેના બંને ગાલ પર પડતાં ખંજન અને તેની આંખોનું આકર્ષણે અનુભવી મારા અંદર પ્રેમની ઊર્મિઓ જાગૃત થવા લાગી હતી. તેનો ચહેરો મન:ચક્ષુ આગળથી ખસતો જ નહતો. એ અજાણ્યું આકર્ષણ એ મારા પ્રથમ પ્રેમનો પહેલો અનુભવ હતો.

અમારા બંનેનું નામ ‘ક’થી શરૂ થતું – કનિકા અને કેવિન – એટ્લે કોમ્પ્યુટર ક્લાસ અને કેમેસ્ટ્રીની લેબમાં અમારો નંબર બાજુબાજુમાં જ આવતો. ઔપચારિક સ્મિત અને ભણવાને લગતી પૂછપરછમાં ધીરે ધીરે અમારી વચ્ચે મિત્રતાનો સેતુ બંધાવા લાગ્યો. સ્વભાવે તે ઓછાબોલી અને ગુમસુમ રહેતી. ક્લાસમાં તે છોકરીઓ સાથે પણ ખાસ વાતચીત કરતી નહીં, પણ મારી સાથેની મિત્રતાએ તેને સ્મિત અને થોડાક શબ્દોની આપ-લે કરી લેવા માટેની નિકટતા જરૂર બનાવી હતી. મેં ક્યારેય કોઈ છોકરી સાથે વાત કરેલી નહીં, એટ્લે શરૂ-શરૂમાં તેની સાથે વાત કરતાં ધબકારા વધી જતાં, કપાળે પ્રસ્વેદના ટીંપા બાઝી જતાં, બોલવા જતાં જીભના લોચા વળતાં. પણ પછી બધુ નોર્મલ થઈ ગયેલું. ભણવામાં તે ખૂબ હોંશિયાર હતી. દરેક પરીક્ષામાં ૯૦% ઉપરના પરિણામની સીમારેખા તેણે સુરક્ષિત કરી રાખી હતી. ક્લાસમાં દરેકને ખ્યાલ હતો કે તેનું ફ્યુચર બ્રાઇટ જ બનવાનું છે.

તેની સાથેની મિત્રતા ગાઢ બની એમ એમ તેના દેખવાના આકર્ષણ કરતાં, તેના સ્વભાવ અને વ્યક્તિત્વની દરેક નાની-નાની વાત મારામાં સવિશેષ પ્રેમની લાગણી જન્માવતું હતું. તેના પ્રત્યે અનુભવાતી આ પ્રેમની લાગણી તેને કહેવાય કે નહીં એ માટે મારામાં હિંમત ભેગી નહતી થતી. બાર સાયન્સના બોર્ડની એક્ઝામ બાદ સ્કૂલના આખરી દિવસે, હૈયું નિચોવીને પ્રેમનો એકરાર કરતી ગુલાબી લાગણીઓ એક કાગળમાં ઉતારી દીધી. કાગળની ગળી વાળીને ધડકતા હૈયે હિંમત કરીને તેને એ પ્રેમપત્ર સ્કૂલ છૂટતી વેળાએ આપી દીધો. બીજા દિવસે તેણે એજ પ્રેમપત્રની પાછળ જે જવાબ લખેલો એ આજે વાંચું છું તો, ભીતરમાં ધરબી રાખેલી અનકહી લાગણીઓ આંખમાં અશ્રુધારા બની છલકાઈ આવે છે :

“કેવિન, તારા શબ્દોમાં હું મારા દિલની લાગણીઓ તારા પ્રત્યે અનુભવી શકું છું. આપણો પ્રેમ ખીલેલા પુષ્પ જેવો છે. જો તું એને તોડીશ તો એની સુંદરતા મૂરઝાઇ જશે. આપણાં બંનેની જાતિ અલગ છે. મારા પિતા આપણો પ્રેમ ક્યારેય સ્વીકારશે નહીં. તેમના વિચારો રૂઢિચુસ્ત છે. એમની ઈચ્છા વિરુદ્ધ જવું મારી માટે આ ભવમાં તો અશક્ય છે, કેવિન. હું તને હંમેશા પ્રેમ કરીશ. આઈ લવ યુ...”

તેણે મારા પ્રત્યેની પ્રેમની લાગણી કબૂલી એ વાતનો આનંદ અને તેના મરોડદાર અક્ષરોમાં લખાયેલા ત્રણ મેજિકલ શબ્દો વાંચીને મારું હૈયું પ્રેમથી છલકાવા લાગ્યું હતું. તેણે લખેલા બાકીના વાક્યો—એ અમારા પ્રેમની સીમારેખા હતી. તેને ઓળંગી લગ્નના બંધનમાં બંધાવું અશક્ય હતું. રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પિતા ક્યારેય અમારો પ્રેમ-સંબંધ સ્વીકારશે નહીં તેનું દુ:ખ જવલંત એસિડની જેમ મારા હૈયા પર રેડાયું હતું. એ મને પ્રેમ કરતી હતી તેનો આનંદ પણ હતો અને જાતિભેદના બંધનો વિરુદ્ધનો રોષ પણ ભીતરમાં લાવારસની જેમ ઊછળતો હતો.

એના પત્રનો જવાબ મળ્યો એ દિવસ બાદ ત્રણ વર્ષ સુધી અમારી વચ્ચે કોઈ જ વાતચીત થઈ શકી નહતી. ધોરણ ૧૨ પછી તેઓ ઘર બદલી બીજે ક્યાંક રહેવા જતાં રહ્યા હતા.

ત્રણ વર્ષ બાદ, એક સાંજે અચાનક એક અજાણ્યા નંબર પરથી તેનો ફોન આવેલો. મેં ફોન રિસીવ કરતાં કહ્યું,

“હેલ્લો...”

“કેવિન...?”

તેના કર્ણપ્રિય સ્વરને ઓળખતા મને એક ક્ષણ પણ ન લાગી, “કનિકા, તું...! આટલા વર્ષે કોલ કર્યો તે! કેમ છે તું?”

“બસ ફાઇન! તું કેમ છે?”

“ઠીક છું યાર! આઈ મિસ્ડ યુ સો મચ...! સોસિયલ મીડિયા પર પણ તને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તારો કોઈ પત્તો જ નથી. ક્યાં છે તું અત્યારે? મારે તને મળવું છે. અને તને મારો નંબર કેવી રીતે મળ્યો?”

ઉત્સુકતા, ઉત્કંઠા, આનંદ, અને ઝંકૃત થઈ ઉઠેલી દિલની અનેક લાગણીઓનો નાયગ્રા ફોલ એકસાથે મારા સ્વરમાં ઘૂઘવી ઉઠ્યો હતો.

મારા પ્રશ્નોની બોછાર સાંભળીને તેની ખનકદાર હસીનો સૂર મારા કાનમાં રેલાયો. મનમાં તેનો હસતો ચહેરો તરવરી ઉઠતાં જ મારા હોઠ પર મુસ્કાન છવાઈ ગયું.

તેણે કહ્યું, “તારા ઘરે ફોન કરીને આંટી પાસેથી નંબર લીધો...”

“કેમ આજે અચાનક મારી યાદ આવી?” મેં ભીતરમાં આછું દર્દ અનુભવાતા પૂછ્યું.

“અચાનક યાદ નથી આવી. યાદ તો તને કરું જ છું—”

તેના આ શબ્દો સાંભળી મારા દિલમાં ઉઠેલી પ્રેમની ઊર્મિઓ બંને હાથ લંબાવી તેને આલિંગી લેવા બેતાબ બની રહી હતી. તેને આગળ બોલતા અટકાવી મારાથી પૂછાઇ ગયું, “તો પછી ક્યારેય મને કોલ કે મેસેજ કરવાની તને ઈચ્છા જ ન થઈ? મેં તને કોન્ટેક કરવાના બધા પ્રયત્નો કરેલા. આઈ સ્ટીલ મિસ યુ, કનિકા!”

“કેવિન, આઈ ઓલ્સો મિસ યુ સો મચ... એક ખાસ ન્યૂઝ આપવા હતા એટ્લે તને કોલ કર્યો...” તેના અવાજમાં ભીની ઉદાસીનતા ભળેલી હતી.

“શાના ન્યૂઝ...?” મેં ધડતા હ્રદયે પૂછ્યું.

“મારી એંગેજમેન્ટ થઈ ગઈ છે.”

મેં ઊંડો શ્વાસ ખેંચીને નિશ્વાસ નાંખતા કહ્યું, “ગ્રેટ! પણ આને ન્યૂઝ નહીં, ગુડન્યૂઝ કહેવાય...!”

મારા ઉચ્ચારેલા શબ્દોએ અમારી વચ્ચે થોડીક ક્ષણો મૌનની ચાદર પાથરી દીધેલી. આ મૌન અમારા બંનેના હૈયામાં ધરબાઈ રહેલી લાગણીઓ અભિવ્યક્ત કરતું હતું.

સામેના છેડાંમાંથી તેનો ભીનો સાદ સંભળાયો, “નેક્સ્ટ મંથની નવમી તારીખે... તારે મારા મેરેજમાં ચોક્કસ આવવાનું છે.”

ભીના સાદમાં ભળેલી તેની પીડાની ધ્રુજારી હું અનુભવી શકતો હતો. મારી આંખો પર આંસુનું પાતળું પડ બાઝી ગયું હતું. મેં હૈયું કાઠું કરીને કહ્યું, “ધેટ્સ ગ્રેટ! તું એને... પ્રેમ કરે છે?”

“એક જ વખત એને મળી છું... એંગેજમેન્ટ વખતે.” તેણે ભીનો અવાજ સ્વસ્થ કરવાની કોશિશ કરી હતી.

“વાવ...! એક જ વારમાં ગમી ગયો, એમ? નક્કી હેન્ડસમ અને પૈસાદાર હશે...”

“ડોન્ટ મેક ફન ઓફ મી, કેવિન. આઈ ડોન્ટ લવ હિમ...” કહેતા તે રડી પડી, “...હું એને બરાબર ઓળખતી પણ નથી.”

“તો પછી શું કામ હા પાડીને તારા જીવનનો સંબંધ અજાણ્યા વ્યક્તિ સાથે—”

“મારી ‘હા કે ના’ વિશે ઘરમાં કોઈ મને પૂછતું નથી...” તે રડતાં સ્વરે વચ્ચે બોલી પડી, “...મારી કોલેજ સ્ટડી પણ બંધ કરાવી દીધી છે. મારા જીવનના અગત્યના નિર્ણયો લેવાની સ્વતંત્રતા તેમણે મને નથી આપી, કેવિન. અને લગ્ન બાદ મારી ઈચ્છાઓની લગામ તેના હાથમાં આવી જશે. મારે અહીંથી ક્યાંક દૂર ભાગી જવું છે, કેવિન.”

એ દિવસે હું માત્ર તેની વાત સાંભળી તેની હૈયાવરાળ બહાર કાઢવા જેટલી જ મદદ કરી શક્યો. હોસ્ટેલમાં એ રાત્રે ઓશિકામાં મોં દબાવી દઈ દાંત ભીંસીને રડી લીધું. મહિનાઓ સુધી તેની યાદમાં હૈયું પીડામાં ઝીણું ઝીણું કંતાયા જતું હતું.

*

આજે આ વાતને પાંચ વર્ષ વીતી ચૂક્યા છે. ક્યારેક તે હૈયું હળવું કરી લેવા તેના જીવનની વાતો મારી સાથે વાતચીત કરીને શેર કરી કરી લે છે. પલંગમાં સૂતા સૂતા છતને તાકી રહેલી મારી આદ્ર આંખો સામે આજેય તેનો ચહેરો તરવરે છે. કાનમાં તેના ડૂસકાં પડઘાય છે. મનમાં તેનો તરફડાટ હજુ શમતો નથી. તેના પ્રેમને પામવા હૈયામાંથી ઉઠેલો હિલોળ હૈયામાં જ અંદર વાળી લીધો છે. મિત્રતામાંથી પાંગરેલા પ્રેમને હવે રાધા-કૃષ્ણના પ્રેમમાં પલટાવી દીધો છે. આદ્ર આંખોની કિનારેથી લસરી પડેલા આંસુઓ લૂછતા વિચારું છું કે, તેના પિતા તેને અજાણ્યા વ્યક્તિ સાથે તેની ઈચ્છા વિરુદ્ધ પરણાવી શકે છે, લગ્ન બાદ આખા જીવન સુધી તેનો પતિ મેરિટલ રેપ કરે એમાંય તેમને કોઈ વાંધો નથી પડતો, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પર લગ્નની કુહાડીનો ઘા વાગતા જ સુકાઈ જાય એની સામે પણ તેના પિતાનો કોઈ વિરોધ નથી, પણ તેને પ્રેમ કરતાં વ્યક્તિ સાથે લગ્ન-સંબંધમાં જોડાવવા જાતિભેદના બંધનોની વાડ કરી, દીકરી ક્યાં સુખેથી જીવન વિતાવશે એ સમજી શકતા નથી. પ્રેમના પવિત્ર મસ્તક પર જાતિભેદનું કાળું ટીલું કરીને એને અપમાનિત કરવો એ આજના સમાજની કરુણતા નહીં તો બીજું શું?

***

Writer – Parth Toroneel