Aavishkar books and stories free download online pdf in Gujarati

આવિષ્કાર

આવિષ્કાર

સારિકા અને સનત પાસપાસે બેઠેલાં છે.સનત ડ્રાઈવીંગ કરી રહ્યો છે,સરિતા કાચની પેલી બાજુ જોવામાં મસ્ત છે.પણ ના, એવું નથી.બંન્ને વિચારોમાં ખોવાયેલા છે.બંનેનો વિષય એક જ છે. સારિકા સ્કૂલ શિક્ષક છે.સનત પ્રોફેસર.બંને જણ બાળક એડોપશનની વિધિ કરીને ઊભા થયાં એક આશા સાથે બાળક વરસ કે બે વરસ પહેલાં તો નહિ જ મળે.અચાનક સારિકાની નજર પાળી પર બેસેલા એક બાળક તરફ ગઈ. સારિકાએ સનત ને ઈશારો કર્યો.

“ ક્યુટ છે, નહીં?”

“ હા” સનતે હસતાંહસતાં કહ્યું. પણ તેની નજર પેલાં બાળક તરફ હતી.

સંચાલક સાહેબ હસીને પૂછયું, “ બહુ ગમી ગ્યો લાગે છે?” બંને જણે હકારમાં માથું હલાવ્યું.

“ પણ બદનશીબ છે”.

“ બદનશીબ?” બંને જણ એક સાથે બોલી ઊઠ્યાં.

“ જરા, બેસો.” સંચાલકે મોઢું રૂમાલથી લૂછતાં કહ્યું. ખૂરશી પર પોતાની કાયા વ્યવસ્થિત ગોઠવતાં કહ્યું. “ વાત એમ છે કે કેટલાંક બાળકો બી કેટેગરીમાં હોય છે.શારીરિક કે માનસિક ખોડખાંપણ તેઓને હોય છે.આવા બાળકોમાં કોઈને ઈચ્છા ના હોય તે સ્વાભાવિક છે, ..”

“ આ પણ તેમાંનો છે?”

“ સરેરાશ આના જેવડા બાળકો કરતાં એનો આઈ ક્યૂ ધણો નીચો છે”.

“ એટલે મંદ બુદ્ધિનો?”

“ હા. લગભગ એવું જ.”

“આવા બાળકોનું ભવિષ્ય”?

“ સંસ્થા તેઓનાં ઉત્થાન માટે કાર્ય કરે છે.ઘણાં સેવાભાવીઓ પણ તેઓને કેળવે,શીખવે.”

“આવા બાળકોનું એડોપશન તો”

“હા,જલદીથી મળે.પણ ચકાસણીમાં કોઈ બાંધછોડ ના હોય.આવા બાળકોને લેનારની પૂછપરછ કડક રીતે થાય છે.”

“ સ્વાભાવિક છે.બાળકની જિંદગીનો સવાલ છે”. કહી બંને જણ ઓફિસમાંથી બહાર નીકળ્યાં પેલાં બાળકને જોતાં જોતાં.

સારિકા અને સનતે પોતપોતાની કારકિર્દીને અવરોધો ન આવે તે માટે ફેમીલી પ્લાનીંગનો આશરો લીધો. પણ ધીરે ધીરે સમજવા માંડ્યાં કે જિંદગી ખાસકરીને ઘરે આવ્યાં પછી નીરસ લાગે છે.સંબંધોનો વિસ્તાર થતાં જુદા જુદા પ્રસંગોમાં એમની સ્થિતિ શોભજનક થવાં લાગી.આમેય આપણા સમાજમાં વંધ્યત્વને ઉપેક્ષા ભરી નજરે જોવાય છે. એમાંય સંતાનોનાં જન્મદિવસો એક ઉત્સાહથી ઉજવાય છે.આવા પ્રસંગોમાં તેઓને જવું પડતું હતું.ત્યારે અહેસાસ થવા લાગ્યો કે જીવનમાં સંતાન હોવા જરૂરી છે.સારિકાની બહેનપણી વાતવાતમાં કહેતી કે સંતાનો એટલે આપણી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાની તક!તો મંજુલા કહેતી કે સંતાનોથી ઘર ભર્યું ભર્યું લાગે છે.જાણે વૃક્ષો પર પારેવાનો કલરવ અને ફૂલોનો શૃંગાર. કામિનીની છોકરી ટી.વી. પર નૃત્ય કરી રહી હતી ત્યારે તાળીઓ પાડી પોતાની ખુશી વ્યક્ત કરી રહી હતી ગૌરવથી.અને જમીનથી બે પગ અધ્ધર ચાલી રહી હતી.તો ક્યારેક મહેશ કહે તો કે પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે એ કશું કરી ના શક્યો પણ આજે પોતાના દીકરાને ક્રિકેટમાં નામ કાઢતાં પોતાની જાતને ધન્ય માની રહ્યો છે.સંતાનોની જવાબદારીથી મુક્ત રહેવું હોય તો પરણવાની જરૂર શું? આવા વાક્યો મિત્રો વચ્ચે જ્યારે સાંભળતો ત્યારે સનત દુઃખી થઈ જતો.ક્યારે ક સારિકા આ લોકોની વાતો સાંભળી ગમગીન થઈ જતી ત્યારે સનત કહેતો કે લોકો ભલે ગમે તે કહે આપણું ધ્યેય લોક કલ્યાણ તરફનું છે. આપણે તેઓની સમજથી એક વ્હેંત ઊંચા છીએ. જિંદગીમાં કશું ક પામવા કશા ક નો ભોગ આપવો પડે છે. સામાજિક ક્ષેત્રમાં કામ કરીએ અને સંતાનોનું ધ્યાન ન રાખી શકીએ તો બહેતર છે કે સંતાન ન હોય.”

પણ આ તો માનવીના મન.વહેતા પવન જેવા હોય.ક્યારે દિશા કે સ્થળ બદલે કહેવાય નહીં. સારિકા એ પોતાની ઈચ્છા જ્યારે સનત પાસે વ્યક્ત કરી ત્યારે તે પણ આશ્ચર્ય પામેલો. પરિસ્થિતિને સમજતાં તેને વાર ન લાગી અને સરિતાની લાગણીને વધાવી લીધી.પણ સમયની ચાલને કોણ સમજી શક્યું છે.સમય આપણને નચાવે ત્યારે ભલભલાની ઊંઘ હરામ થઈ જાય છે.અહીં પણ એમ જ થયું.સારા દિવસો આવશે એ આશા ફળીભૂત થાય એવા કોઈ લક્ષણો નજરે ન ચડ્યાં.આધુનિક ટેકનોલોજી એ પણ હાથ ધોઈ નાખ્યાં.એક આશા બચી હતી સંતાન દત્તક લેવું.

× × ×

સારિકા સનતનું એક ગ્રુપ હતું. મહિનાનાં ચોથા શનિવારે કોઈ પણ એક ને ત્યાં મળવાનું. આ વખતે સૌ તેને ત્યાં ભેગા થયા હતા.રમતગમત રમવી, જોક્સ કે ગીતો ગાવા અને સમય અનુકૂળ જમવું આ એક સામાન્ય કાર્યક્રમ . ખાવાપીવાનો પોગ્રામ પત્યા પછી સૌ રાબેતા મુજબ રાઉન્ડ ટેબલ પર ગોઠવાઈ ગયા. સનતે ધીમેથી કહ્યું, “ મિત્રો હું એક વાત કહેવા માંગુ છું.” આ સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયાં.સદા હસી મજાક માં મસ્ત રહેતો સનત આજે પહેલી વાર ગંભીર ચહેરે કહી રહ્યો હતો. સૌનાં કાન અધીરા થયાં હતાં સનત ને સાંભળવા.

“ દોસ્તો આ કદાચ આપણી આખરી મહેફિલ હશે.હું આ શહેર છોડી રહ્યો છું.”

“ કેમ?”

“વાત એમ છે કે અમને સંતાનની તાલાવેલી લાગી છે.”

“ વાહ.આ તો સરસ ગૂડ ન્યુઝ છે.” તાળી પાડતાં સૌ એકીસાથે બોલી ઊઠ્યાં.

“ક્યારે આવે છે?”

“ અમે નિર્ણય કર્યો છે કે એડોપ્ટ કરવો...” એક સન્નાટાની ચાદર પથરાઈ ગઈ.

“ પણ આમાં શહેર છોડવાની વાત ક્યાં છે?”

“ અમે જે બાળક દત્તક લઈ રહ્યાં છીએ તે મંદ બુધ્ધિનું છે.”

“ ઓ..હ !” સૌ આશ્ચર્યથી એક બીજાનાં ચહેરાં જોતાં રહ્યાં.

જ્યારે સારિકા અને સરિતા અનાથાશ્રમની ઓફિસમાં જઈને પોતાની વાત સંચાલક સમક્ષ રજૂ કરેલી ત્યારે એક ક્ષણ તેઓ પોતાની બેઠક પરથી ઊભા થઈ ગયાં હતાં.

“ખરેખર”?

“ હા.તમને કોઈ શંકા છે કે?”

“ શંકા તો રતી ભાર પણ નથી.પણ ...”

“ હજી તમને વિશ્વાસ નથી?”

એવું નથી સાહેબ.ન ધારેલી ઘટના આપણી નજર સમક્ષ બને ત્યારે આશ્ચર્ય જરૂર થાય મુરંબ્બી!” સંચાલકે રૂમાલની ઘડી ખોલી પોતાનો ચહેરો સાફ કરી કહ્યું , “તમારે આ માટે જરૂરી ફોર્મ્સ ભરવા પડશે.” કહી સંચાલકે ઊભા થઈ કબાટમાંથી એક ફાઈલ કાઢી ટેબલ પર મૂકી.તેમાંથી જરૂરી કાગળો કાઢીને આપ્યાં.બંને જણાએ આપેલાં ફોર્મ વાંચી પૂછયું, “ આ ફોર્મ અત્યારે ભરીને તમને આપું છું”.

“ જરૂર. તમે ફોમ્સ ભરો, ત્યાં સુધી હું આ બાબતે મારા ઉપરી સાહેબ સાથે વાત પણ કરી લઉં છું.” કહી તેઓ કેબિન તરફ ગયાં.થોડીવારમાં સંચાલક મુસ્કુરાતા મુસ્કુરાતા આવી પોતાની ખૂરશી પર બેઠાં.જરૂરી વિગતો ભરી સનતે સંચાલકને આપી ઊભા થતાં કહ્યું, “ હવે હું રજા લઉં..”

“ અરે તમે નશીબદાર છો. સંચાલન કમીટીનાં સભ્યો હમણાં જ આવી રહ્યાં છે.જરા બેસો.”

“ ઠીક છે.” કહી બેઠક લીધી.

“ સાહેબ,ચા કોફી લેશો?”

“ ના.આભાર.”

“ પણ પીવો તો છો ને?”

“ પણ..” સંચાલકે ટેબલ ઉપર બેઠેલાં છોકરાને ત્રણ ચાય લાવવા કહ્યું. આડીઅવળી વાતો કરતાં હતાં ત્યાં ગાડીનું હોર્ન વાગતાં સંચાલક ઊભા થયાં ધીમેથી કહ્યું , “ સાહેબો આવી ગયાં છે.”

“ વેલ કમ, આવો કેબીનમાં બેસી વાત કરીએ.” કહી આવનાર વ્યક્તિઓ કેબીનમાં ગયાં.સારિકા,સનત ઊભાં થઈ કેબીન તરફ ગયાં.

“ આવો આવો સનત ભાઈ અને સારિકા મેમ.પ્લીઝ ટેક યોર સીટ.”

કાગળો પર નજર ફેરવી ઓળખવિધિ થઈ. “ આ છે સંસ્થાના ચેરમેન મી.રમેશ મોદી, આ છે મી.નારાયણ પારેખ, એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, અને હું રાકેશ સંપટ.તમારી એપ્લિકેશન વાંચી.આનંદ થયો અને તમારા પર અભિમાન થયું. રીયલી પ્રાઉડ ઓફ યુ.મૂળ મુદ્દા પર આવીએ. તમને આ બાળક જે તમે જાણો છો કે તે મંદબુધ્ધિનો છે છતાં તમે તેને દત્તક તરીકે લેવા માંગો છો. કોઈ ખાસ કારણ?”

“ સરસ પ્રશ્ન છે.તમે જાણો છો કે હું પ્રોફેસર છું, મારી પત્ની શિક્ષિકા.અમે આ બાળકને જોયો.ગમ્યો. અને જાણ્યું કે તે મંદ છે.આવા અનાથ બાળકો ને ભાગ્યે જ કોઈ અપનાવે છે.અમે ઘરે જઈ મનોમંથન કર્યું કે આવા બાળકને અપનાવી અમે એક સામાન્ય બાળક જરૂર બનાવી શકશું.આ અમારો વ્યવસાય છે. બાળકોને ભણાવી ગણાવી સમાજમાં કોણ મોકલે છે? અમારા જેવા શિક્ષકો તો મોકલે છે.અને આ કામ અમે કરી શકશું એનો અમને વિશ્વાસ છે.”

“ આ કામ ધારીએ એટલું સરળ નથી.”મી મોદીએ કહ્યું, “ અત્યારે તમે કોઈ ભાવાવેશમાં આ પગલું ભરી રહ્યાં છો એ પણ બનવા જોગ છે.”

“ તમારો કહેવાનો ભાવાર્થ એ થયો કે અમે તેના પર દયા ખાઈ રહ્યાં છીએ.”

“ કદાચ. એ પણ શક્ય છે.”મી.સંપટ ધીમેથી કહ્યું.

“ તમને ખાત્રી આપું છું કે અમોએ જે કાંઈ નિર્ણય લીધો છે તે સમજી વિચારીને લીધો છે.એટલું જ નહીં ન્યુરોલોજીસ્ટ ડોક્ટરોને મળી આ બાબતની જાણકારી મેળવી છે.સૌથી અગત્યની વાત અમે આર્થિક રીતે પણ કેપેબલ છીએ તેની પરવરિશ માટે.”

“ મી.સનત, કદાચ તમારી ધારણા પ્રમાણે આ બાળક માં સુધારો ન થયો તો?” મી. પારેખે એક એક અક્ષર પર ભાર દઈને પૂછયું.

“ જ્યારે આ બાળકે અમારાં દિલ દિમાગમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે એ અમારું સંતાન છે.છેલ્લાં ત્રણ મહિનાથી ,એટલે કે જ્યારથી આ બાળક જોયું છે ત્યારથી એ પ્રેગ્નન્ટ છે એ ખ્યાલોમાં જીવી રહી છે સાહેબ.રાત દિન, ઊઠતાંબેસતા, સતત એ બાળકમય બની ગઈ છે.”

“ સાહેબ,જ્યારે સ્રી પ્રેગનન્સી અવસ્થામાંથી પસાર થાય છે તે પછી જેવું હોય તેવું બાળકને અપનાવે છે મરતાં સુધી.બાળક ગમે તેવું હશે પણ તે પોતાના બાળક માટે દુનિયા સામે લડશે પોતાના બાળકનાં ઉત્થાન માટે.”

“ પણ આ બાળક ક્યાં તમારું છે?” મોદીએ ટકોર કરતાં કહ્યું.

“ હા, તે તમે માનો છો. હું અને સનત નહીં.” સારિકાએ આવેશમાં આવી કહી નાખ્યું.

“ સાહેબ, તમે જે શબ્દો ઉચ્ચાર્યા તેવું ભવિષ્યમાં અમારા બાળકને સાંભળવું ના પડે તે માટે અમે મુંબઈ શિફ્ટ થઈશું.ત્યાં અમારું કોઈ ઓળખીતું પારખીતું રહેતું નથી.”

“ શું વાત કરો છો” મી.પારેખે આશ્ચર્યથી કહ્યું.

“ એક છેલ્લો સવાલ, આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા આ બાળક માટે?”

“ આ બાળકને સમાજમાં સામેલ કરીશું.એને એવું નહીં લાગવા દઈએ કે તે મંદ છે.એને માફક આવે તેવી બાળ ક્રિયેટીવ ફિલ્મો બતાવવી, ખાસ કરીને એને સમાજથી અલગ નહીં કરીએ.પણ સમાજમાં ભેળવી એક પ્રભાવશાળી વ્યક્તિ બનાવશું એવો અટલ અમારો આત્મવિશ્વાસ છે.”. થોડી ક્ષણો મૌન છવાઈ ગયું. મી. મોદીની આંખો સમક્ષ આ બાળકની વર્તણુક રમવા લાગી. .મળમૂત્રનો ખ્યાલ ન આવે, ક્યારે રમતા બાળકોની વચ્ચે જઈ તોફાનમસ્તી કરે,ક્યારે શાળામાં ભણતાં બાળકોની વસ્તુ છીનવી લે.મી.મોદીએ ખોંખારો ખાતા કહ્યું, “ ફરીવાર તમને પૂછું છું,તમે તમારા નિર્યણમાં અટલ છો? મારે કહેવું ના જોઈએ છતાં કહી રહ્યો છું દુ:ખ સાથે તમે આગ સાથે રમત રમી રહ્યાં છો.તમારા શાંત જીવનમાં વમળો પેદા કરી રહ્યાં છો.”

“ સાહેબ,પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની છે.આંગળીઓ છોલાય પણ ખરી!”

“ જરૂર. મને આનંદ થશે.તમારા આવિષ્કારને હું જોવા હાજર હોઈશ કે નહીં એ મને ખબર નથી.પણ આ સંસ્થા વતી અમારી દુઆ તમારી સાથે છે. તમે તમારી અનુકૂળાએ બાળકને લઈ જઈ શકો છો.તમે તમારા મીશનમાં સફળ થશો એવી શુભેચ્છાઓ અમારા તરફથી આપું છું.

સનત સારિકા ને સાંભળ્યાં પછી રૂમમાં એક ઠંડીનું મોજું ફરી વળ્યું.

× × ×

સંસારમાં આપણને ન સમજાય તેવી ચાલ રમાય છે.જેટલું ધારીએ તેટલું સહેલું હોતું નથી.સનત અને સારિકાને આવા અનુભવો ડગલે ને પગલે થવા લાગ્યાં.પોતાના સંતાનનું નામ ધરમેન રાખ્યું. શાળામાં દાખલ કરતાં આંખે પાણી આવી ગયાં.સૌ પ્રથમ ઉંમર અને બુધ્ધિ વચ્ચે તાલમેળનો અભાવ. એને ક્યા ક્લાસમાં મૂકવો એ પ્રશ્ન દરેક શાળામાં અડચણ રૂપ બન્યો.આખરે સારિકાએ પોતાના ઘરમાં ક્લાસ રૂમ ખોલ્યાં. આસપાસની ઝૂપડપટ્ટીમાંથી રખડતાં નાના ભૂલકાઓનાં મા બાપ ને સમજાવી ઘરે ભણાવવા લાગી. ભણવા આવતાં બાળકોને નાસ્તો,ગણવેશ પોતાના તરફથી આપવા લાગી.તો પણ આ બાળકો નિયમિત વર્ગમાં આવતા નહીં.કારણ જાણવા પ્રયત્ન કર્યો.જવાબ મળ્યો, “ મેડમ, અમારા બાળકો ભણવા આવશે તો અમારા હાથ ખર્ચ,ઘર ખર્ચ ક્યાંથી નીકળશે?”

“ એટલે..”

“ આ તો અમારા માટે કમાઉ પેદાશ છે.”

“ મેડમ,આ અમારા ધણી બાળકો પાસે ભીખ મંગાવે છે.દારૂ, જુગાર પી પડી રહે છે.અને અમે તો તેમનાં માટે બાળકો કાઢવાનું મશીન છીએ”. એક બાઈએ લાચારી સાથે જણાવ્યું.

“ મેડમ, અમે જરૂર મોકલીશું.”

“ હા. જરૂર”

“ મેડમ, એક વાત પૂછું?”

“ તમારું સંતાન પાગલ જેવું છે.. આ તો આ છોકરાઓ આવી વાતો કરે એટલે પૂછ્યું.”

“ ના.એનામાં ડર પેસી ગયો છે.એ નાનો હતો ત્યારે ઘરમાં આગ લાગેલી અને..”

“ ના, ના આતો અમથું પૂછયું.” સારિકાએ આ વાત સનતને કરી. ધરમેનનું પાગલપણું ઢંકાઈ જશે એ ખયાલ સારિકાને ખોટો પડતો જણાયો.સનતે સ્વસ્થ થઈને સારિકાને સમજાવ્યું કે જે છે તે છે.તેનો સ્વીકાર કરી આપણે આગળ વધવાનું છે.દુનિયાને મોઢે ગળણું ન બાંધી શકીએ.આમ સારિકાનો ઉત્સાહ વધારતો રહ્યો.એનાં ઘરે ભણવા આવતાં બાળકોને વહાલથી,પ્રેમથી સમજાવતી રહી કે તેઓ એ ધરમેન ને પ્રેમથી જીતવાનો છે. નાના બાળકોની ફિલ્મો સૌને બતાવતી.સર્કસ જોવા સૌને લઈ જતી.પરિણામે આ બાળકો ધરમેન ને સંભાળી લેતાં.ધરમેન પાસે નાના મોટાં કામો કરાવવા લાગી.જાહેર મેળાવડામાં લઈ જઈ ધરમેનને જાતજાતની હરિફાઈમાં ભાગ લેવડાવતી. ક્યારેક હાસ્યાપદ સ્થિતિમાં ધરમેન મૂકાઈ જતો તો પણ તેની પીઠ થાબડી તેનો ઉત્સાહ વધારતી. ઘરે આવી કરેલી ભૂલો ને બતાવી શું કરવું જોઈએ તે સમજાવતી.રોજ સૂતાં પહેલાં કાચબા અને સસલાંની ફિલ્મ બતાવી સમજાવતી કે ક્યારે પણ જીવનમાં હાર ન માનવી.સ્લો એન્ડ સ્ટેડી વીન ધ રેસ ની રમત સારિકા,સનત અને ધરમેન સાથે રમી ધરમેનને જીતાડતાં.ધીમે ધીમે ધરમેનને બાળકો સાથે રમતમાં મોકલી એને ભાન કરાવ્યું કે ધરમેન સૌ બાળકો જેવો છે. જ્યારે સનતે સારિકાને મેથરોન રેસમાં ભાગ લેવા ધરમેનનું નામ સૂચવ્યું ત્યારે સારિકાની આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં.સતત તેની સાથે પ્રેક્ટિસ કરી તેનાંમાં તેની અસ્મિતાનું ચીંચન કર્યું.પાંચસો નાનામોટા માણસોનું ટોળું જોઈ એ તો ડધાઈ ગયો. પણ સનત,સારિકા અને તેનાં મિત્રો ધરમેનની પીઠ થાબડતા રહ્યાં. આયોજકો સૌ સ્પર્ધકોને બોલાવતાં ગયાં અને સૌનો ઉત્સાહ વધારતાં ગયાં.સૌ તૈયાર હતાં.સ્ટાર્ટ ફ્લેગ ફરક્યો અને આંખનાં પલકારામાં ધડામ્ કરતો ધરમેન પછડાયો.....

સારિકા એ સમયસૂચકતા વાપરી.ઊભા રહેલા સૌને દોડવાનું કહ્યું.તેઓ પણ ત્યાં ઊભાં રહ્યાં.આયોજકો ત્યાં દોડી આવે એ પહેલાં ધરમેન ધીમેથી ઊભો થયો.કપાળે લોહી બાઝી ગયું હતું તે સાફ કરી પાટો બાંધ્યો.લીંબુનો શરબત પીવરાવીને બેસવા જણાવ્યું.પણ ધરમેન ન માન્યો અને દોડવા લાગ્યો...

આખરે બેસ્ટ પરફોર્મન્સ નાં નામ જાહેર થવાં લાગ્યાં.સારિકા અને સનત ખુશ હતાં કે ધરમેનમા આત્મવિશ્વાસ જાગ્યો છે.અચાનક ધરમેનનું નામ સાંભળી બંને જણ આનંદમાં ઉછળી રહ્યાં હતાં.એ સાથે ધરમેનના મિત્રો પણ ચીચીયારી પાડી ધરમેનની પીઠ થાબડી રહ્યાં હતાં. એક સેવેલું સ્વપ્ન કળીમાંથી ફૂલ તરફ ખીલવા જઈ રહ્યું હતું. એમને હવે વિશ્વાસ બેઠો કે તેઓ જરૂર ખીલતી કળીને પોતાની મરજી મુજબ ઘાટ આપી શકશે.. અને ચમત્કારો રોજ બનતાં નથી. અને બને છે ત્યારે આપણી આંખો પહોળી થઈ જાય છે....

× × ×

પચ્ચીસ વર્ષે સનત સારિકા અને ધરમેન ને મીસ્ટર મોદી જોઈ રહ્યાં હતાં અને સનત સારિકાની વાતો સાંભળી રહ્યાં હતાં. એમની આંખોમાંથી આંસુની ધાર એક પાતળી રેખા થઈને વહી રહી હતી.ધરમેન એક હીમેનની જેમ આકર્ષક લાગતો હતો.

“ ખરેખર,તમે પથ્થરમાંથી મૂર્તિ બનાવી છે.જે કામ હું ન કરી શક્યો તે તમે કરી બતાવ્યું છે.મને તમારા પર ગર્વ છે.” ઊભા થયેલાં સનત,સારિકા અને ધરમેનની પીઠ થાબડતા મોદીએ કહ્યું.સારિકા અને ધરમેન કારમાં બેઠાં.સનતભાઈ ઊભા રહી ગયાં અને મોદીને ધીમેથી પૂછયું, “ સાહેબ તમે એમ કહ્યું કે જે કામ હું ન કરી શક્યો તે તમે કરી બતાવ્યું.. આનો અર્થ શું?”

“ તમે તમારી રીતે અર્થઘટન કરી શકો છો. ટ્રેનનો સમય થવા આવ્યો છે.ફરી મળીશું, નિરાંતે વાતો કરીશું.ચાલો જે શ્રી કૃષ્ણ..” કહી મોદી હળવે હળવે ઘરનાં પગથિયાં ચડવા લાગ્યાં..

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.

16 February 2019.