બુધવારની બપોરે - 40

બુધવારની બપોરે

(40)

દાદા, એક વાર્તા કહો ને...!

વાઇફોને ઉલ્લુ બનાવવી કિફાયત પડે છે, (એ આપણી નૅશનલ હૉબી પણ છે!) પણ આપણા પોતા-પોતીઓ (ગ્રાન્ડ-ચિલ્ડ્રન)ને ઉલ્લુ બનાવવામાં ભરાઇ જવાય છે. આપણો વાંકે ય નથી. આપણને ગોરધન (હસબન્ડ) બને હજી ૩૫-૪૦ વર્ષ માંડ થયા હોય....એટલી ટૂંકી નૉટિસમાં તો માણસ કેટલું ખેંચી શકે? પણ દાદા કે નાના બનવાનો ગાળો તો માંડ આઠ-દસ વર્ષ ચાલે છે. પછી તો એ લોકો મોટા થઇ જાય છે અને વાઇફની જેમ એ લોકોને ઉલ્લુ બનાવી શકાતા નથી. પણ એવી મેહનતો વાઇફોને લલ્લુ બનાવવામાં કરવી પડતી નથી....એ બધું તો એ એના પિયરીયેથી વારસામાં મળ્યું હોય! આપણી સ્માર્ટનૅસ અને એની સ્માર્ટનૅસ.....ભેગી કરો તો મહીંથી કાંદા ય ના નીકળે....આપણી એકલાની કાફી છે. એને એની વાપરવાનો ચાન્સ જ નહિ આપવાનો. છોકરીઓને એમને એમ કાંઇ મમ્મીને બદલે પપ્પા વધુ વહાલા લાગતા નથી. એ લોકો ય જોતી હોય કે, પાપા કેટલી કારીગરીથી મૉમને મામુ બનાવી દે છે, ને મૉમને કોઇ પિચ જ પડતી નથી.

એ વાત જુદી છે કે, પપ્પો મૉમને હજારવાર ઉલ્લુ બનાવે અને મૉમ એક ઝાપટમાં પપ્પાને સીધા કરી નાંખે. બરોબરીનો ન્યાય તો ઈશ્વરે ય તોળતો નથી.

અલબત્ત, નડીયાદ, ઉત્તરસંડા અને કૂકરવાડા જેવા ગામોમાંથી પણ દેશને અનેક સ્માર્ટ ગોરધનો મળ્યા છે, જેમની પાસે ભલભલી અને પૂરી તંદુરસ્ત પત્ની માની પણ જાય, એવી તરકીબો પડી હોય છે. કેટલાક જાંબાઝ હસબન્ડોએ તો એમના પોતાના લગ્નના ૪૦-૫૦ વર્ષો ખેંચી કાઢ્યા હોય છે ને છતાં મ્હોં ઉપર એક નાનકડી ફરિયાદ કે પસ્તાવો નહિ....એટલે કે દેખાવા ન દે, બોલો! આટલા તોતિંગ અનુભવમાં તો પેલીને મામુ બનાવવામાં ગળું નહિ, હાથ પરફૅક્ટ બેસી ગયો હોય છે.... લગ્નના ૪૦-૫૦ વર્ષો થઇ ગયા- સૉરી, પતી ગયા હોવાથી વાઇફની રગેરગ જાણી ગયા હોઇએ. જ્યારે દાદાજી કે નાનાજી બને હજી તો ૮-૧૦ વર્ષનો અનુભવ માંડ થયો હોય ને આટલા ટુંકા ગાળામાં આપણા કમ્પ્યૂટરીયા પોતા-પોતીઓને ના પહોંચી વળાય. ગમે તેવી એટલે કે, આપણા જમાનાની વાર્તાઓ કહીને એમને બનાવી શકાતા નથી. કમનસીબે, આનાથી વધારે અનુભવ મળતો ય નથી. પછી તો એ લોકો ય મોટા થઇ ગયા હોય ને? સામા આપણને ફૂલ્લુ બનાવે. જે કોઇ જ્ઞાન આપવું હોય એ, એ લોકો આઠ-દસ વર્ષના છે, ત્યાં સુધી જ......પછી તો છોકરાઓ આપણા ય ફાધર થાય એવા થઇ ગયા હોય છે. એમની ઉંમરે આપણે હતા, એના કરતા આઠગણા એ લોકો વધુ સ્માર્ટ હોય છે.

ને એમાં ય, એમની સ્કૂલોમાં બોલાતું ઈંગ્લિશ આપણને સમજવામાં કે સામો જવાબ આપવામાં બહુ પાછું ફાવે નહિ. રોજે રોજ ‘દાદાજી, ઓગણીસ’ એટલે શું? હાઉ મચ ઈઝ ‘પિચ્ચોતેર?’ ‘કચ્ચરઘાણ’ એટલે શું? ‘ગ્રૅન-પા....વૉ’ડીયૂ મીન બાય....‘પત્તર ખાંડ નહિ?...નાનાજી, વૉટ ઇઝ પત્તર?’

આપણે છત પર ચોંટી જઇએ તો ય આ બધા ગુજરાતી શબ્દોનું ઈંગ્લિશ કે અર્થ સમજાવી ન શકીએ.

અમારા લાડકા કવિ હરદ્વાર ગોસ્વામીનું એક મુક્તક કાફી છે આ વેદનાને સમજવા માટે...

હવે તો હે ઇશ્વર, દે મરવાનું

ગુજરાતીનું ય ગુજરાતી કરવાનું?

એક તો મુંબઇ-દેહલીમાં (સૉરી, ‘દિલ્હી’ ના બોલાય....બા ખીજાય!) ભણેલી એ લોકોની પારસી કે સાઉથ ઈન્ડિયન ટીચરોએ એમની ‘મનમઝર્ીયાં’ મુજબ કોઇ એકાદ અક્ષર ખાઇ જવાનું શીખવાડ્યું હોય એટલે ‘ગ્રાન્ડ-પા’ આખું બોલવાને બદલે ‘ગ્રેન-પા’ બોલે. ‘વૉટ ડૂ યૂ મીન?’માંથી આખેઆખો ‘ટ’ ઊડી જાય અને ‘વૉ’ડીયૂ મીન?’ બોલાય, એમાં ય આપણે ભરાઇ જઇએ. એ દિવસે નસીબ ફૂટલાં હોય ને મોંઢે હાથ રાખ્યા વિના છીંક ખવાઇ ગઇ તો

મેહમાનોના દેખતા આપણા ભટૂરીયાઓ ખખડાવી મારે, ‘ગ્રૅન-પા...લર્ન સમ મૅનર્સ...! ધીસ ઇઝ નૉટ હાઉ વન સ્નીઝીસ...!’ મતલબ, છીંકો આમ ખવાતી હશે? કેમ જાણે એમની ટીચરો સ્પૂન-સ્પૂનથી (એટલે કે, ‘ચમચી-ચમચી’થી છીંકો ખાતી હશે!)

પણ ટીચાઇ જવાય છે એ લોકોને વાર્તાઓ કહેવામાં. એમના મમ્મી-પાપાને સુતા પહેલા રામ જાણે ક્યા કામો હશે કે, છોકરાઓને સુવા આપણા બેડ-રૂમમાં મોકલી દે, ‘જાઓ બેટા, દાદાજીને કહો...સરસ વાર્તા કહે, રિડલ્સ કહે...જોક્સ કહે..! ડ્રૉઇંગ શીખવાડે...જાઓ જાઓ...!’

મને વાર્તા કહેતા નથી આવડતું. વાર્તા બનાવીને વાઇફને બનાવવાની હોય તો હાથ સારો બેસી ગયો હોય, પણ એટલું ઈઝિલી છોકરાઓને બનાવી શકાતા નથી. ‘કેમ મોડું થયું?’ અને ‘ક્યાં ગયા’તાઆઆઆ...??’ ના હસબન્ડે-હસબન્ડે ૪૫ હજાર જવાબો મળી આવે છે. આ જ કારણે ગોરધનો ભારે ક્રિયેટિવ હોય છે. રોજેરોજ તો માણસ નવા બહાના ક્યાંથી કાઢે? પણ ગોરધનોને મળી રહે છે. પણ છોકરાઓ તો નસ ખેંચી કાઢે છે. એ લોકોએ તો એટલી જ ફર્માઇશ કરવાની, ‘દાદા, વાર્તા કહો.’ અહીં મરી એટલે જઇએ કે, આપણા દાદા-દાદીઓએ આપણને વાર્તાઓ કીધી હોય, એ લૂચ્ચા શિયાળભ’ઇ અને વાઘ મામાની કીધી હોય (અર્થાત, આપણી મમ્મીની સાઇડના સગાઓની વાર્તાઓ હોય!) પણ એ સાંભળે ય ૪૦-૫૦ વર્ષો થઇ ગયા હોય એટલે એની એ યાદ કરીને આ લોકોને કહેવા જવામાં છોલાઇ જવાય.

‘જો બેટા....એક હતા સિંહભ’ઇ-’

‘દાદાજી, આ બધું બેકાર અને જુનું થઇ ગયું.....હવે કંઇક નવું લાવો. અત્યારે જમાનો હૅરી પૉટરનો છે. સ્કાઇ-ફાઈ એટલે કે, સાયન્સ ફિક્શનનો છે....એવું કંઇક લાવો.’ અહીં આપણે ભરાઇ જઇએ કે આ સ્કાઇ-ફાયની સ્ટોરી એટલે શું? હવે તો જૅક-ઍન્ડ-જીલ પણ એ લોકોને બોર કરે છે....આપણે સાંભળી હોય તો એમને કહીએ ને?

આવામાં બાળ વાર્તાઓ હોય નહિ, બનાવવી પડે...રોજ નવી નવી. એક દહાડો ફૅન્ટમ અને ટારઝન વચ્ચે લડાઈ, તો બીજે દિવસે જાદુગર મૅન્ડ્રેક અને મીયાં ફૂસકી ભેગા મળીને કેવો ખૂનીને પકડે છે, એવી બધી ઘાલમેલ છોકરાઓને ‘કન્વિન્સ’ કરવા કરવી પડે. પણ છોકરાઓ છે ને....આપણા ય બાપ થાય એવા હોય છે. એમ શેના કન્વિન્સ થાય?

‘દાદાજી, એક વાતનો જવાબ આપો. કાં તો મગજ સુધી તમારૂં લોહી પહોંચતું નથી ને કાં તો...તમે અમને ‘દાદી’ સમજી બેઠા છો....કોને મામુ બનાવો છો, એનો તો વિચાર કરો...મૅન્ડ્રેક અને મીંયો ફૂસકો ક્યાંથી ભેગા થયા?...કંઇક સૅન્સિબલ સ્ટોરી લઇ આવો...! આવી ધૂપ્પલબાજી અમારી પાસે તો નહિ ચાલે...!’’ છેવટે, એક નવી વાર્તા કહેવાનું નક્કી કર્યું.

‘‘જુઓ બચ્ચોં....દિલ્હીમાં એક રાહુલબાબા નામના સંતમહાત્મા રહે. એમની સ્ટૉરીઓ સાંભળવા જેવી કૉમિક અને હૉરરવાળી હોય છે. એ હસાવે છે ય બહુ...! રાહુલ તમારો આવતી કાલનો ફૅન્ટમ છે, હૅરી પોટ્‌ટર છે, રોબિન્સન ક્રૂઝો છે. એની વાર્તાઓ સાંભળો. એ નૅશનલ હીરો છે...આટલું ટેણકું હોવા છતા મોદી જેવા મહાબલી સામે તીનપત્તી રમવા બેઠું છે...હવે સવાલો મારે તમને પૂછવાના છે.....આપો જવાબ...!

‘બોલો, રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન થાય તો દેશનું શું થાય?’

આજે એ વાતને મહિનો થઇ ગયો. કોઇ છોકરો જવાબ આપવા આવ્યો નથી. એમાંનું કોઇ એટલું જ બોલ્યું, ‘દાદાજી...અમારૂં ય જેવું-તેવું કોઇ સ્ટાન્ડર્ડ નથી કે, જે મળે તે આલીયા-માલીયા સાથે રમવા બેસીએ,,,કોઇ અમારી બરોબરીનો લાવો....!’ આખી પાટર્ી કે ગઠ્‌બંધનના ગૂંચળામાંથી કોઇ ન મળ્યું, ત્યારે એમને દાદાજી વહાલા લાગ્યા. દાદા જેવા છે, એવા છે, પણ ફેંકુ તો નથી.

સિક્સર

લોકરક્ષકની ઍક્ઝામ્સનું પૅપર ફૂટી ગયું...આઠ લાખ ઉમેદવારોએ ઘેર પાછા જવું પડ્યું....લોકસભાની ચૂંટણીઓમાં આ જ થવાનું!

પરીક્ષાઓ ફરીથી લેવાશે.....કેવા દાણેદાર પોલીસો પ્રજાને મળવાના!

------

***

Rate & Review

Jay 2 months ago

Niketa 2 months ago

Jitendra Rajpara 2 months ago

Rohini Solanki 2 months ago

Kishor Rathod 2 months ago