બુધવારની બપોરે - 41

બુધવારની બપોરે

(41)

વેકેશન - વૅકેશન

આ વખતે વૅકેશનમાં ક્યાં જવું, એ વાર્ષિક સવાલ વાઇફે પૂછ્‌યો, તેના જવાબમાં મેં કીધું, ‘પાંડવો પોતાના હાડમાંસ ગાળવા હિમાલય ગયા હતા, એ બાજુ જઇએ....હું છોકરાઓને લઇને ત્યાંથી પાછો આવતો રહીશ...!’

દર વર્ષે વૅકેશન પડે, એમાં અમને નવાનવા વિચારો ફૂટી નીકળે છે કે, ‘આ વખતે ક્યાં જવું?’ અમે લોકો વર્લ્ડ-ટુર માટે વિચારી પણ શકીએ છીએ, એની ખબર ઠેઠ વૅકેશન વખતે પડે છે કારણ કે, વિચારવાનો કોઇ ખર્ચો આવતો નથી અને ખાસ તો....એકે ય વિચાર અમલમાં મૂકવાનો હોતો નથી. આમ તો એકે ય વખતે, ક્યાંય ગયા નથી, પણ ક્યાંક જવાના વિચારો અને એમને અમલમાં મૂકવાના પ્રયાસો દિલફાડીને કરીએ છીએ. આયોજનોમાં તો અમે દરેક વૅકેશને સ્વિત્ઝરલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, બાલી, યુરોપ અને ઠેઠ વડોદરા સુધી જઇ આવ્યા છીએ. રૂબરૂ જવાનું નક્કી થતા સુધીમાં કાં તો વૅકેશન પૂરૂં થઇ જાય ને કાં તો બજેટ ન્યુયૉર્ક-કૅલિફૉર્નિયા સુધી પહોંચતું ન હોય...ને અડધેથી પાછા આવવાનો કોઇ મતલબ નહિ! સુઉં કિયો છો?

છોકરાઓને રજાઓ છે, તો ક્યાં જવું એનો નિર્ણય અમારા ઘરમાં એક જ વ્યક્તિ લઇ શકે છે. મારૂં ઘરમાં ખાસ કાંઇ ચાલતું નથી, એટલે બહુ લાંબા થવું એના કરતા, છોકરાઓને અહીં લૉ-ગાર્ડન કે કાંકરીયા-બાંકરીયા ફેરવી લવાય, એવા મારા સૂચનો ઘરમાં કોઇ સાંભળતું નથી.

હું નાનો હતો અને વૅકેશન પડે ત્યારે ઘરમાં એક જ વાત હોય, ‘વૅકેશનમાં મામાને ઘેર જઇએ!’ અને અમે મામાને ઘેર જામનગર જતા ય ખરા. (જામનગરમાં બહુ મોટી મોટી હસ્તિઓ પેદા થઇ ગઇ, એ તમે ક્યાં નથી જાણતા....?)

પપ્પાને લીધા વગર મમ્મી સાથે જવાનું હોય, એમાં પપ્પા ઉપર ઉપરથી બહુ ખુશ રહેતા, એનું મૂલ્ય આજે મને સમજાય છે કે, મારા મમ્મી તો ભોળા હતા કે, મહિના માટે તો પપ્પાના કકળાટથી શાંતિ! મધર ભલે ઉંમર થઇ, પણ એ કાંઇ આટલા સુહાના વૅકેશનને અંબાજી-બહુચરાજી જવામાં ખર્ચી ન નાંખે. પાછી કહેતી જાય, ‘મારે હવે કેટલા દહાડા જીવવું છે? જીવ્યા કરતા જોયું ભલું..! આ વખતે દુબાઈ કે ઑસ્ટ્રેલિયા જ જાતાં આવીએ....! આંઇ તારા પપ્પા ઘર હંભાળશે એ તો....ઘર કાંઇ રેઢું મૂકાય છે...?’

મારા વાળી એટલી ભોળી નથી. મને અમદાવાદમાં રેઢો મૂકે. મારા ઉપર નજર રહે અને મામાના શહેરમાં કોઇ નવા મૂડીરોકાણો ન હોય (મોટા ભાગે), એટલે અહીં રાખવી પડતી તકેદારીઓ એને બીજા શહેરમાં રાખવી ન પડે. વળી હું સાથે ગુડાણો હોઉં, એટલે ત્યાં બજારમાંથી કાંક લેવું-કરવું હોય તો...મર્દ માણસ સાથે હોય તો જરા ઠીક પડે. પુરૂષો બે હાથમાં ચચ્ચાર થેલાં ય ઉચકી શકે....આ તો એક વાત થાય છે.

મારા છોકરાઓને બધું મળીને કોઇ આઠ-દસ સગા (આઠ-દસ નહિ......પૂરા દસ!) મામાઓ ચારે દિશામાં ફેલાયેલા હતા. એ જમાનામાં સસુરજી ઉદ્યમી બહુ. આમે ય, ઘેર આવીને બીજું કામે ય શું હોય? દર વૅકેશને એક એક મામો પતાવતા જઇએ તો ય બીજાનો વારો આઠ-દસ વર્ષે આવે. વળી આ લોકોને મામાને ત્યાં મોકલ્યા હોય એટલે મામો ભલે તૂટી મરે, પણ આપણે અહીં શાંતિ. આપણે રહ્યા બનેવી, એટલે કોઇ ફરિયાદ તો કરી ન શકે કે, ‘મારો વારો તો ગયા વૅકેશનમાં આવી ગયો’તો....કોલકાતાવાળા મામાને ત્યાં ગયા હોત તો છોકરાઓને એ બાજુ દાજીર્લિંગ-ફાજીર્લિંગ ફેરવી લવાય ને?’ એવી કૈફીયત કોક મામો કરે અને પોતે બચી જાય. મામાઓ ય ભાઇઓ તો મારી જ વાઇફના ને? સાલું, ફૅમિલી આખું તોડ-પાણી કરે એવું.

કમનસીબે, કોલકાતાવાળો મામો એના સાસરે પોતાનું આખું ધાડું લઇને વૅકેશનમાં અમદાવાદ મર્યો હોય, એટલે આપણે તો ઉપરથી એનાથી બચવાનું હોય કે, એ પોતાની ફૅક્ટરીના બધા કામદારોને લઇને આપણા ઘેર ન આવે.

બધા મામાઓ સમજીને વૅકેશનોમાં એમના છોકરાઓને લઇને પોતપોતાના સાસરે જમા થઇ જતા, એમાં જે વર્ષે જે

મામો કોરોધાકોડ રહ્યો હોય એને ત્યાંનું પ્લાનિંગ અમારે ગોઠવવું પડે.

વૅકેશન ‘પતાવવા’ અમારે કોલકાતા, મુંબઇ કે ફૉરેન-કન્ટ્રીમાં જવાનું હોય ત્યારે અમદાવાદનું આખું ઍરપૉર્ટ ખાલી કરાવવાનું હોય એવી ધમાલ મારૂં ફૅમિલી મચાવી શકે. લાઉન્જમાં બેઠેલા અન્ય મુસાફરો તો, અમે જાદુના કોઇ પ્રયોગો બતાવવાના હોઇએ, એવા ડઘાઇને અમને જોયા કરે. અમે પ્લેનમાં મુંબઇ કે જર્મની જઇ રહ્યા છીએ, એની ઍટ લીસ્ટ, અમદાવાદમાં તો બધાને ખબર પડે, એટલા માટે વાઈફ બધાને સંભળાય એટલા ઘાંટે લાઉન્જમાં રમતા છોકરાઓને ધમકાવે, ‘એ ધાંધલ (અમારા બાળકનું નામ)....ધમાલ (બીજા બાળકનું નામ) કિયાં ગુડાણો છે? જા, ગોતી લાવ એને...યાદ છે, ઓલી ફેરા આપણે જાપાનની ફ્લાઇટ ચૂકી ગીયા’તા....?’

આવી બધી ફાંકા-ફોજદારીનો ભાંડો ત્યાં ફૂટે કે પત્ની મને બૂમ પાડીને કહે, ‘જરા લાઇનમાં આગર જઇને ઊભા રિયો.....વિમાનમાં પછી જગીયા નંઇ મળે...!’ મારા સ્વર્ગવાસી સસુરજીને આમ તો નુકસાની કાપડના તાકા વેચવાનો ધંધો હતો, પણ આખું વિમાન એ દીકરીને ભેટ આપતા ગયા હોય એમ વિમાનની સીટો ઉપર અમે ઢોળેલા અથાણાં-છુંદાના લિસોટા પાડ્યા હોય. પછી જર્મની-જાપાન પહોંચ્યા પછી ત્યાં અથાણાં-ફથાણાં ન મળે એના કરતા એ બધું વિમાનમાં પતાવી દેવું સારૂં. ઢેબરાં-પુરી કે સારેવડાં તો ત્યાં પહોંચીને ક્યાં નથી ખવાતા?

વિમાનમાં બેસવું, ગુજરાતીઓ માટે આજે ય બીજાઓને ‘કહી બતાવવાની’ વાત છે. પોતે હવે રેલ્વે-ફેલ્વેમાં જવાનું પસંદ નથી કરતા અને એટલો ટાઈમે ય કોની પાસે છે એટલું બતાવવા, બધા બેઠા હોય ત્યારે ગમે ત્યાંથી આજકાલની ‘ફ્લાઇટો’ના ધાંધીયાથી વાતનો ઉપાડ થાય. ‘વિમાન’ શબ્દ હવે ગામડીયાઓ બોલે છે. હવે તમારે માટે આ રોજનું છે, એ બતાવવા ‘ફ્લાઇટ’ શબ્દ વાપરવો પડે. મને યાદ છે, અમારા ’૭૦-ના દાયકામાં કોઇ પરદેશ જતું તો, છાપામાં ફોટા સાથે ‘પરદેશગમન’ના ટાઈટલ નીચે લાલીયાનો શૂટ પહેરેલો હસતો ફોટો મૂકાતો ને લખાણ હોય, ‘આજે રાત્રે ગુજરાત મેલ દ્વારા મુંબઇ માર્ગે ભાઇ શ્રી.નયનસુખ રૂખાભાઇ પટેલ વધુ અભ્યાસાર્થે અમેરિકા જવા રવાના થશે.’ ફોટો પડાવ્યા પછી પેલો શૂટ કાઢ્યો ન હોય એટલે અમદાવાદના રેલ્વે-સ્ટેશને ગુજરાત મેલના પ્લૅટફૉર્મ પર એ જ શૂટ પહેરીને નયનીયો આવ્યો હોય. એ વખતે પરદેશ જતો કોઇ પણ લલ્લુ ત્રણ બટનવાળો શૂટ પહેરે. કચ્ચી કચ્ચીને દાઢી કરી હોય. મોંઢા ઉપર સ્માઈલો ફૂટું ફૂટું કરતા હોય.

એ વાત જુદી છે કે, આ વખતે દસમાંથી એકે ય મામાએ અમને બોલાવ્યા નહોતા, એટલે ન છુટકે ઉનાળાનું વૅકેશન ‘પતાવવા’ મારે સાસુને દસે ય સાળાઓ વચ્ચે ભાગી નાંખી. જવાબ સહેલો હતો. બધાના ભાગે એક એક મહિનો આવે. આમાં મરવાની થાય મારી સાળાવેલીઓ. (આમ તો એ બધીઓનો હું સમદુઃખીયો કહેવાઉં ને...?) એ વાત જુદી છે કે, સાસુ એ બધીઓને પહોંચી વળે એવી છે....‘બસ, આ રવિવાર અમદાવાદ પાછા જાવું છે...!’ એવી લાલચ આપે એટલે ધુમધડાકા આનંદમાં એ બધીઓ આને રવિવાર સુધી તો, નવું બાળક આવ્યું હોય એટલા વહાલથી રમાડે...!....ક્યો રવિવાર એ ફોડ ક્યાં પાડ્યો હોય?

સિક્સર

- આ પ્રદર્શનમાં તમને સૌથી વધારે શું ગમ્યું?

- બહાર જવાનો રસ્તો.

------

***

Rate & Review

Verified icon

Kishor Rathod 6 months ago

Verified icon

Mewada Hasmukh Verified icon 6 months ago

Verified icon

Nilesh Vyas 6 months ago

Verified icon

Sanjay 6 months ago

Verified icon

Balkrishna patel 6 months ago