બુધવારની બપોરે - 39

બુધવારની બપોરે

(39)

મેં વાંસળી વગાડી હૅલમેટ પહેરીને હનીમૂન પર ન જવાય

કહે છે કે, ચુંબનની શોધ વાંસળીમાંથી પ્રેરણા લઇને થઇ હતી. ઘણી ગોપીઓ લોહી પી ગઇ હતી, ‘મને તારી બંસરી બનાવી દે...’ એમાં એ લોકોનો સંગીતપ્રેમ નહોતો, ચુંબન-પ્રેમ હતો. અલબત્ત, ચુંબનો વાંસળી જેટલા લાંબા ન ચાલે. બન્ને વચ્ચે ફર્ક એટલો છે કે, વહાલુડીના હોઠ ખોલાવીને મહીં ફૂંકો મારવાની ન હોય, એમ વાંસળીને ચૂસવાની ન હોય. બન્નેનું સાયન્સ અલગ અલગ છે. રસની કેરી પણ ચૂસવાની હોય, પણ ઉપર કાણું પાડીને અંદર ફૂંકો મારવાની ન હોય. આ જ કારણે, ચુંબનની સરખામણી ફૂગ્ગા ફૂલાવવાની સાથે થઇ શકતી નથી.

સૃષ્ટી પરના તમામ જીવોમાં ચુંબન ફક્ત માણસો કરી શકે છે. હાથી ગમે તેટલો ભૂરાયો થયો હોય ને હાથણી તરફથી ય ‘યસ’ આવી ગયું હોય, તો પણ એ બન્ને ચુંબન ન કરી શકે. ઊંટોના તો હોઠ પણ કેટલાક માણસો જેવા પહોળા અને લાંબા હોય છે, પણ તેથી કાંઇ ઊંટડીને ફાયદો નહિ. ઊંટ-ઊંટડી જીવે ત્યાં સુધી એકબીજાને ચુંબન કરી શકતા નથી કે બીજા પાસે ય કરાવાતું નથી. યોગના ક્ષેત્રમાં ભલે તમે ગુરૂ કહેવાતા હો, પણ નાકમાંથી વંટોળીયા જેવા પવનો ફૂંકાવતી અને ‘સીસ...સીસ....સીસ...’ જેવા ધ્વનિઓ પેદા કરતી કપાલભાતી વખતે શિષ્યના નાક પાસે વાંસળી મૂકી ન દેવાય. નાકમાંથી છુટતી હવાઓમાંથી કાંઇ સૂર ન બને....આ તો એક વાત થાય છે.

વાંસળી મારૂં પ્રિય વાદ્ય. પણ વર્ષોથી વાંસળી વગાડનારનો નીચલો હોઠે ય તળાવની પાળ જેવો પહોળો થઇ જતો હોય છે, એટલે મારૂં મન ખટકતું હતું. એવા હોઠે હું સારો ન લાગું. કદાચ આ એક જ વાદ્ય એવું છે, એમાં વચ્ચે બોલબોલ ન કરાય અને હસી ય ન પડાય. મોંઢા ખડખડાટ હસતા રાખીને વાંહળા વગાડી શકાતા નથી. એમાં પૂરી ગંભીરતા જોઇએ. હસતે મોંઢે તબલા-સારંગી અરે....ઈવન ગરબાના ઢોલ પણ વગાડી શકાય, વાંસળી નહિ. વાંસળી મનુષ્યને મૃદુતા અને નમ્રતાના પાઠ શીખવે છે. ગૂમાનથી પર રાખે છે. ઊંચા મસ્તકે છત તરફ જોઇને એ વગાડી શકાતી નથી. હું તો કેવળ ક્ષુલ્લક કલાકાર છું, એવી નમ્રતા સાથે બાંસુરી-વાદક જમીનદોસ્ત થઇને (એટલે કે, સતત જમીન ઉપર દ્રષ્ટિ રાખીને) વગાડે છે. ‘મારૂં કાંઇ નક્કી નહિ....હું તો ગમે ત્યારે ઢબી જાઉં,’ એવા મનોભાવ સાથે એ ક્યારેક તો આંખો બંધ કરીને વગાડે છે. આપણને એમ કે, ‘ગયો’..! પણ એમાં તો હજી વિલંબિત જ પત્યું હોય...! મૂળ રાગ ઉપર આવવાનું બાકી હોય.

સંગીતના અન્ય વાદ્યો કરતા બંસી મને વધુ અપીલ કરતી હતી. મારે એ શીખવી હતી. બીજાં વાજીંત્રો કરતા સસ્તી પડે, એટલે વધુ ગમે. વર્ષો સુધી સિગારેટો પીધે રાખી હતી, એટલે ફૂંકો મારવા ઉપર હાથ નહિ, હોઠ બેસી ગયા હતા. એને ય ખબર હતી કે, મને આવડતી નથી, છતાં ય મારી મા કહેતી કે, ‘વાંસળી વગાડતી વખતે હું કન્હૈયા જેવો લાગું છું’. જો કે, તો ય એ જમાનામાં હું વાંસળી વગાડું એના કરતા રેડિયો-સીલોન વગાડું એમાં એ વધુ રાજી રહેતી.

સિતાર મારૂં કામ નહિ. ઘણા તો સિતાર વગાડે છે કે રીપૅર કરવા બેઠા છે, તેની ખબર ન પડે! પિયાનો વગાડવામાં મોટી તકલીફ એ કે, ઝભ્ભા-લેંઘા પહેરીને વગાડવા ન બેસાય. બા ખીજાય. એના માટે તો પાટર્ી-શૂટ જોઇએ. વળી બન્ને હાથે વગાડવાનો હોવાથી ચાલુ પિયાને ખંજવાળ આવે તો ક્યાં ખણવી? ખણવા દેવા માટે બાજુમાં એક જુદો માણસ ઊભો ન રખાય. ઘણી ફિલ્મોમાં તો લૉજમાં મહારાજ રોટલી વણવા બેઠા હોય કે નાનકડું કૂતરૂં પોમરેનિયન પંપાળતા હોય એવો પિયાનો વગાડે છે. (વિશ્વાસ ન આવતો હોય તો યૂ-ટ્યૂબ પર જુઓ ફિલ્મ ‘ટાવર-હાઉસ’માં મૂકેશના કંઠે ‘હીરો’ અજીતને પિયાનો વગાડતા, ‘મૈં ખુશનસીબ હૂં, મુઝકો કિસી કા પ્યાર મિલા...’) સારંગી વગાડવામાં અને જંતુનાશક ફ્લિટ પમ્પ છાંટવાની અદાઓ વચ્ચે ફેર હોવો જોઇએ. કિચન પાસેની ખાળમાં સળીયો નાંખીને સાફ કરતા હો, એવી સારંગી ફિલ્મ ‘પેહચાન’માં મનોજ કુમારે વગાડી છે. ‘આદમી હૂં આદમી સે પ્યાર કરતા હૂં...’, જે હિંદી ફિલ્મોનું પહેલું સમલૈંગિક (ડ્ઢટ્ટધ્) ગીત હતું. ઉસ્તાદ ઝાકિર હુસેનની વાત અલગ છે, નહિ તો તબલાં સ્વતંત્ર વાદ્ય તરીકે ચાલતા નથી. એ હંમેશા બીજા નંબરે જ હોય, કાં તો ગાયકના અને કાં તો સંતૂર-શેહનાઈ કે બાંસુરીના સહવાદ્ય તરીકે તાલ આપવાનો હોય. ભલે એના વિના સંગીતનો કોઇ કાર્યક્રમ ચાલે નહિ, પણ એના વિના ફક્ત ‘ચાલે નહિ’, એ ગ્રાઉન્ડ પર લગ્ન પછી હનીમૂનમાં ગોર મહારાજને સાથે લઇ જવાય નહિ. સાસુ સાથે આવવાની ગમે તેટલી જીદ કરતી હોય, હૅલમેટ પહેરીને હનીમૂન પર ન જવાય. સુઉં કિયો છો?

એવી જ રીતે, માંડમાંડ પત્યું હોય ને ખુશી છલકાતી ન હોય, એવા વરરાજાએ હનીમૂનોમાં બૅન્ડવાજાંવાળાને સાથે લઇ ન જવાય. આવડો આ ઉપર હનીમૂન મનાવતો હોય ને નીચે હોટલની બહાર રોડ ઉપર બૅન્ડવાજાંવાળા મંડ્યા હોય, એ સફળ હનીમૂનના લક્ષણ નથી. (પૈસા બાકી રહી ગયા હોય, તો માંગવા પણ આવ્યા હોય!)

અલબત્ત, લાઇફમાં સંગીતનું એકાદ વાજીંત્ર તો આવડવું જોઇએ, એવું ફાધર કહેતા હતા. અન્ય વાજીંત્રો શીખવામાં આપણું કામ નહિ, એટલે ફાધરનું જસ્ટ....માન રાખવા માટે મેં વાંસળી શીખવાનું નક્કી કર્યું.

મારા જેવા આળસુ માટે વાંસળી શીખવાનો મોટો ફાયદો એ કે, આ એક જ વાજીંત્ર એવું છે, જે બેઠા, ઊભા, સુતા કે આડા પડીને ય વગાડાય. હમણાં કહું એ.....સુતા સુતા તબલાં વગાડી તો જુઓ! વાંસળી વગાડતો પુરૂષ દૈવી લાગે-યાદ કરો શ્રીકૃષ્ણ. કદમ્બના વૃક્ષ નીચે કૃષ્ણ બેઠા બેઠા વાંસળી વગાડતા હોય, પણ કૃષ્ણનો કદી તબલાં વગાડતો ફોટો જોયો? ઊંચા થઇને ટ્રમ્પેટ કન્હૈયાએ કદી વગાડી નથી. નહાતા નહાતા તબલાં કે સુતા સુતા સિતાર ન વગાડાય, કુંવરજી!

આખરે, મેં વાંસળી શીખવાનો પ્રારંભ કર્યો. ગુરૂ વિના જ્ઞાન નહિ, એટલે દેશભરમાં જેમનું નામ છે, એવા એક આદરણીય બંસીગુરૂ પાસે તાલીમનો પ્રારંભ કર્યો. ફૂંકો મારી મારીને એમના પેટમાં એક આખું નારીયેળ સમાઇ જાય એવો ખાડો પડ્યો હતો. જીંદગીભર વાંસળી વગાડી વગાડીને ગુરૂજીના હોઠ કાયમ માટે ચુંબનની મુદ્રામાં આવી ગયા હતા. એ અંદર જતા જ નહોતા. આપણે પુરૂષ હોઇએ તો ડર લાગે કે, હમણાં બચકું ભરી લેશે. નવરા બેઠા હોય ત્યારે પણ એમની આંગળીઓ સૂર મુજબ ફરતી રહેતી. સાવ ઊભું માથું, ભારે નંબરના ચશ્મા, ગડી વાળીને ખિસ્સામાં મૂકી દેવાય એવું પતલું શરીર, ઝભ્ભો-લેંઘો તો હોય જ (આમાં પિયાનોથી તદ્દન ઊલ્ટું. શૂટ પહેરીને વાંસળી ન વગાડાય! ખેતરનું ટ્રૅક્ટર લઇને બર્થ-ડે પાટર્ીમાં આવ્યા હો, એવું લાગે!) અને અંગત રીતે સ્વભાવ ક્રોધી. સિસોટીના ભારે વિરોધી. કોઇ સિસોટી વગાડતું હોય ત્યારે એ ખીજાઇ જતા, ‘આવી ફૂંકો વાંસળીમાં મારો ને...!’ મારો સવાલ એ હતો, ‘શું સિસોટી સંગીત નથી?’

મારો ઉત્સાહ જોઇને ગુરૂજીએ મને વિના મૂલ્યે વાંસળી શીખવવાનું શરૂ કર્યું. વિના મૂલ્યે તો મને કોઇ મારામારી શીખવતું હોય તો ય હું તો આગળ જઇને ઊભો રહું એવો છું. પ્રારંભમાં તો ચારેક દિવસ ગુરૂજીએ મને શિસ્ત, નિયમિતતા અને રિયાઝ માટે ભાષણો આપ્યા, જે મને ગમ્યા નહિ, પણ પહેલી વખત એમણે મને વાંસળી આપી કે તરત જ એ ફાટ્યા, ‘‘આમ ઠેઠ તાળવા સુધી વાંસળી મ્હોંમાં નહિ મૂકી દેવાની...નાના બાળકના ગાળ ઉપર વ્હાલુડું ચુંબન કરતા હો, એમ હોઠને અડાડીને હળવી હળવી ફૂંક મારવાની.’’ આ સલાહ મને ન ગમી, કારણ કે આમ કરવાથી સાતમી કે આઠમી ફૂંકે મારી વાંસળીમાં નીચેથી ટપક-ટપક રેલો નીકળવા માંડ્યો.

‘‘જુઓ. બંસરીમાં હળવે હળવે સૂર પ્રમાણે ફૂંક મારવાની છે, કોગળા નથી કરવાના...! આટલું બધું થૂંક નીકળે એ ન ચાલે.’’ એમણે નારાજભાવે કહ્યું.

‘‘તો પછી...મારી સામે બેઠો બેઠો આ તમારો છોકરો કાચી કેરીના કટકા મીઠામાં બોળી બોળીને ચાટે રાખે છે, એને પહેલા બહાર કાઢો.....મારા મ્હોંમાંથી પાણી છુટે છે..’’ ગુરૂજી મારી વિપદા સમજી તો ગયા અને મારામાં વિશ્વાસ મૂકીને તાલીમ ચાલુ રાખી મને પોતાના તરફથી એક વાંસળી ભેટમાં આપી. જેથી ઘેરબેઠા હું રિયાઝ કરી શકું. પણ ગુરૂજીને મારા ઉપર જેટલી શ્રધ્ધા હતી, એટલો મારા ઘરવાળાઓને નહોતી. પ્રોત્સાહન તો બાજુએ રહ્યું, એ લોકોએ મને ખેંચવા માંડ્યો.

‘‘આના કરતા તો તું સિગારેટ પીતો હતો, એ વધારે સારૂં હતું.’’ ફાધર બોલ્યા, ‘‘બે-ચાર મિનિટમાં પૂરી તો થઇ જાય!’’ મધરે એમને સપૉર્ટ તો કરવો પડે, એટલે એ ય બોલી, ‘‘બેટા, લેવાદેવા વગરની ફૂંકો મારી મારીને તારૂં ગળું બેસી ગયું છે....વાંસળીમાંથી નીકળે છે, એટલો અવાજ તો તારા ગળામાંથી ય નથી નીકળતો....બંધ કર આ લવારા...’’

જેને મારી બાંસુરી તાનો પર નચાવવા હું વાંસળી શીખ્યો હતો, તે વાઇફ હકીએ આધ્યાત્મિક ટોણો માર્યો, ‘તમને ખબર છે, કન્હૈયો તો કદમ્બના ઝાડ પાછળ જઇને બાંસુરીના સૂર છેડતો, ત્યારે રાધા આવતી. અહીં તો ક્યાંય કદમ્બનું વૃક્ષ નથી તો સામે પાનવાળાના ગલ્લે જઇને વગાડો...કોક રાધુડી તો આવશે...’

પ્રોત્સાહનને અભાવે સંગીતનો વિનાશ થઇ રહ્યો હતો. મારા ગુરૂ ય કંટાળ્યા હતા. હવે એમની વાંદળીમાંથી ય થૂકો નીકળવા માંડ્યા હતા. શુધ્ધ શાસ્ત્રીયને બદલે એ હવે ફિલ્મી ગીતો વગાડવા ઉપર ચઢી ગયા હતા. રાગ ‘દરબારી કાનડો’ વગાડનારો આજે ‘ઓએ વોય વા...ટીરછી ટોપી વાલે, બાબુ ગોર કાલે...’ વગાડતા થઇ ગયા હતા. દુનિયાભરની સંગીત સભાઓમાં પુરસ્કાર લઇ આવેલા ગુરૂજી હવે ચમનપુરા-સરસપુરની મ્યુઝિકલ પાટર્ીઓમાં વીસ રૂપિયે કલાકના ભાવે વાંસળી વગાડવા જતા થઇ ગયા હતા.

મને બપ્પી લાહિરીએ બોલાવી લીધો. ‘તમે ત્યારે ગમે ત્યાં ફૂંકો મારજો ને...અમારે ત્યાં આવું જ સંગીત ચાલે છે.

સિક્સર

- રખડતા કૂતરાં મને કરડ્યા હોય, એ સંબંધે મેં આ કૉલમમાં ૪૩ લેખો લખ્યા છે...અમદાવાદ મ્યુનિ.ના પેટનું પાણી ય હાલતું નથી....

- આવા લેખો લખો તો કૂતરાં જ કરડી જાય ને....કમિશ્નરો કરડવા થોડા આવે?

-------

***

Rate & Review

Verified icon

Dr. Jay Dadhania 6 months ago

Verified icon

BHARAT PATEL 6 months ago

Verified icon

Niketa 6 months ago

Verified icon

Kishor Rathod 6 months ago

Verified icon

SUNIL ANJARIA Verified icon 6 months ago