PREM GULAB books and stories free download online pdf in Gujarati

પ્રેમ - ગુલાબ

*પ્રેમ - ગુલાબ*

સંયમ,પિતા રમણભાઈ , માતા રમીલાબહેન કાકા દીનાનાથને લઈ ભરૂચ છોકરી જોવા ગયા. પૂરા બાર વર્ષના લાંબા સમયગાળા બાદ છોકરી જોવા જવાનાં હતાં. આ પહેલાં સંયમે બહુ છોકરીઓ જોઈ હતી પણ કોઈ જોડે મેળ પડતો નહોતો. એટલે કંટાળીને એણે લગ્ન ન કરવાનો વિચાર કર્યો હતો. પણ બધાના સમજાવટથી સંયમ માની ગયો હતો. છેલ્લી છોકરી એણે બાર વર્ષ પહેલાં જોઈ હતી. લાંબા સમયગાળા બાદ રવિવારે સાંજે પાંચ વાગે છોકરીના પિતાના ઘરે બધા પહોંચી ગયા.
" આવો દીનાનાથ ભાઈ," બધાને હાથ જોડી આવકારી સંપતભાઇએ ઉમળકાભેર સ્વાગત કર્યું.
દીવાનખંડમાં ફોર સિટર સોફા પર રમણભાઈ,તેમની બાજુમાં સંયમ,તેની માતા રમીલાબહેન બેઠાં. બાજુમાં વન સિટર સોફા પર દીનાનાથ કાકા બેઠાં. સામેની ખુરશી પર છોકરીના પિતા સંપતભાઈ,બાજુમાં તેમની પત્ની કુમુદબેન બેઠાં હતાં. જે સોફા પર સંયમ અને તેના માતા પિતા બેઠાં હતા તેની પાછળ રસોડું હતું અને રસોડાની બાજુમાં એક બેડરૂમ હતો. એટલે રસોડામાંથી કે બેડરૂમમાથી કોઈ આવે તો સંયમને દેખાય નહી. સંપતભાઈ અને દીનાનાથ કાકા જોડે અલપ ઝલપ વાતો થઈ. દીનાનાથ કાકાએ બધાની ઓળખાણ કરાવી. પછી છોકરીને દીવાનખંડમાં પધારવાનું ફરમાન સંપત ભાઈએ મોકલ્યું. રસોડામાં જિગીષા તૈયાર થઈને ફરમાનની રાહ જોતી હતી. સાથે ખાસ બહેનપણી હતી જ મદદ માટે. પહેલાં જિગીષાની બહેનપણીને પાણી લઈ આવવા કહ્યું. પછી જિગીષાને નાસ્તાનું લઈ આવવાનું કહેવામાં આવ્યું.
જિગીષાએ વાદળી રંગની પ્લેન સાડી, ભૂરખા વાળ,સહેજ લટ જમણી આંખની આગળ આગળ આવ્યા કરતી હતી. માથા ઉપર છેડો લીધેલો હતો. ધીરે ધીરે નાસ્તાની ટ્રે લઇ આવતી હતી. સાથે બહેન પણી હતીજ. નાસ્તાની ડિશ પહેલાં દીનાનાથ કાકાને આપવામાં આવી પછી રમણભાઈને પછી રમીલાબહેનને અને પછી સંયમને. જેવી સંયમને નાસ્તાની ડિશ આપી અને બન્નેએ એક બીજા સામે જોયું. જોતાજ બંને હેરત પામ્યા. જોઇને અવાક્ થઈ ગયા. સંયમ નાસ્તાની ડિશ લીધી અને જિગીષાને એકીટસે નિહાળતો હતો.તેનું અપ્રતિમ સૌન્દર્યને પોતાની આંખોમાં સમાવવાની કોશિશ કરતો .તેનો વિશ્વાસ બેસતો નહોતો. વડીલો વાતોના વડા કરવામાં મશગુલ હતા. આ બંને ઉપર કોઈનું ધ્યાન નહોતું. સંયમ નાસ્તાની ડિશ હાથમાં લીધી અને જિગીષાને જોઈ તેની સામે ચલચિત્રની માફક એક એક દૃશ્ય આવતાં ગયાં.

" સંયમ, આપણે કાલે દીનાપુર છોકરી જોવા જવું છે. આ સ્થળ આપણા દીનાનાથ કાકાના હસ્તક આવેલું છે. છોકરી દેખાવડી છે, કોમ્પુટરમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે, સારા પગારની નોકરી છે, બે ભાઈઓ વચ્ચે આ એકજ બહેન છે. સહુથી નાની છે. ઊંચાઈ અને કદ કાઠી પણ તારા કદ કાઠીને અનુરૂપ છે. પિતા મામલતદાર ઓફિસમા નોકરી કરતા હતા. છેલ્લા બે વર્ષથી નિવૃત્ત થયા છે. માતા ગૃહિણી છે. મોટો ભાઈ પરિણીત છે અને બીજા શહેરમાં નોકરી કરે છે .નાનો અપરિણીત છે અને મોટા ભાઈ સાથે જ રહે છે. " આટલી વિગત આપતા રમીલાબેન સંયમને કહેતાં હતાં.
રમીલાબહેનની વાત સાંભળી સંયમ છંછેડાયો. છણકા મારતો બોલ્યો," મને હવે કોઈ છોકરી બોકરી જોવી નથી. આ વિષય પર મારે હવે પૂર્ણ વિરામ મૂકી દેવો છે.
" સંયમ,હું જાણું છું પણ હવે દીનાનાથ કાકાના હસ્તક છે અને તેમના હસ્તકના કામો આજ દિન સુધી નાકામયાબ નથી નીવડ્યા." રમીલાબહેન સમજાવતા હતાં.
સંયમના પિતા રમણભાઈએ પણ સમજાવ્યો." દીકરા,હવે આ છેલ્લી છોકરી છે જોઈ આવીએ. ના જઈએ તો દીનાનાથ કાકાને ખોટું લાગશે. રાતના ડાયનિંગ ટેબલ પર ભોજન આરોગતા સંયમ જોડે વાતચીત થતી હતી. તેમની વાતચીત ચાલતી હતી તે દરમ્યાન સુમન મામા પણ આવી પહોંચ્યા. સુમન મામા રમીલાબહેનના કાકાનો દીકરો . અવાર નવાર મળવા આવતા હતાં. તેમણે પણ ભાણિયા સંયમને બહુ સમજાવ્યો અને આખરે મામાની વાત એના ગળે ઉતરી અને જવા માટે સંમતિ આપી.
સંયમના પિતા રમણભાઈએ દીનાનાથ કાકા મારફત આવતાં રવિવારે છોકરી જવા માટેના સંદેશો છોકરીના પિતાને મોકલ્યાં.

સંયમ કેમિકલ એન્જિનિયરમા માસ્ટર ડિગ્રી ધરાવતો હતો અને શહેરમાં દવા બનાવતી જાણીતી કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે પાંચ વર્ષથી નોકરી કરતો હતો. એની કંપનીવાળા દર વર્ષે કોઈક ફરવાલાયક સ્થળે બધા સ્ટાફને ફરવા લઈ જતાં. પાંચ વર્ષથી સંયમ પણ જોડાતો હતો. દરવર્ષની જેમ આ વર્ષે પણ હોંશે હોંશે તૈયાર થયો. શહેરથી દોઢસો કી.મી દૂર હિલ સ્ટેશન છે ત્યાં જવાનાં હતા. નિયત દિવસે પંચાવન સ્ટાફના સભ્યોને લઈ બસ સવારે આઠ વાગે નીકળી તે હિલ સ્ટેશને સવારે દસ વાગે પહોંચ્યા. બસમાંથી ઉતરતાની સાથે બધા ફ્રેશ થવા આમતેમ જવા લાગ્યા. સંયમ અને તેના ચાર સહ કર્મીઓ ફ્રેશ થવા નીકળ્યા. ફ્રેશ થઈ કોઈ બોટિંગ કરવા લેક પર ગયા તો કોઈ મ્યુઝીયમ જોવા ગયા તો કોઈ બગીચામાં લટાર મારવા નીકળ્યા તો કોઈ ફૂડ પ્લાઝામાં ગયા. સંયમ ધાર્મિક વૃત્તિવાળો હતો. માતા રમીલાબહેને સારા એવા ધાર્મિક સંસ્કારો આપ્યા હતાં.
સંયમે પહેલાં ટેકરી પર આવેલ ભગવાન શ્રીરામ અને માતા સીતાનું ભવ્ય મંદિર હતું ત્યાં જવાનું નક્કી કરી લીધું હતું. સવારનો સમય હતો. વાતાવરણમાં સારી એવી ઠંડક હતી. ખુશનુમા વાતાવરણ હતું. ઠંડો પવન લહેરાતો હતો. તેમાં મંદિરમાંથી ભજન અને ભક્તિ ગીતોના સુર વાતાવરણમાં ગુંજતા હતા. વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું હતું. થોડી થોડી વારમાં ઠંડા પવનના સૂસવાટા સુ.. સુું...બોલતાં હતાં. મંદિર જવાનાં રસ્તા ઉપર એક બાજુ માળીઓની રંગીબેરંગી ફૂલોથી ભરેલી લારીઓ હતી. ટોપલામાં રંગીન ફૂલો, આસોપાલવના પાના સજાવી મૂકેલા હતાં. રસ્તાની બીજી બાજુ પૂજાપાની નાની નાની દુકાનો હતી. જેમાં પૂજાપાની સામગ્રી સાથે પ્રસાદીની થાળીઓ ભરીને મૂકેલી હતી. ઠંડા પવનનો જોરદાર સૂસવાટો આવે એટલે વૃક્ષોના સૂકાં પાંદડાં આમતેમ ઉડવા લાગે. માળીઓની લારીઓ પર સજાવેલા મોટા મોટા ફૂલો પણ ઉડુ ઉડુ કરતાં હતા પણ થોડાં વજનદાર હોવાથી ઉડી શકતા નહોતા. નાના ફૂલો વજનમાં હલકા એટલે તો ઉડી ગયા હતાં. ફૂલોની લારીવાળા અને પૂજાપાની દુકાનો ઉપર મોબાઈલમાં સરસ મજાના રોમેન્ટિક ગીતો વાગતાં હતા.

સંયમ એકલોજ મંદિરે જવા નીકળ્યો.મંદિરની નજીક પહોંચ્યો ને જોરદાર પવનનો સૂસવાટો આવ્યો. નાના ફૂલો આમતેમ ઉડવા માંડ્યા. એક મોટું ગુલાબનું ફૂલ ઊડતું ઊડતું મંદિરની પહેલી પગથિયાં પાસે જઈ અટક્યું. તેજ સમયે સંયમ પહેલી પગથિયાં પાસે પહોંચી ગયો. પગથિયાં પાસે પડેલા ગુલાબના ફૂલે સંયમનું ધ્યાન ખેચ્યું. ફૂલ જોઈ સંયમનું મન લલચાયું. જાણે ફૂલ સંયમને કહેતું હતું કે " મને ઉચકી લે." સંયમને જાણે સંભળાઈ ગયું હોય તેમ એ ફૂલને જેવો ઉચકવા વાંકો વળ્યો તેજ સમયે એક નાજુક નમણો હાથ પણ એ મનમોહક ફૂલને ઉચકવા નીચે આવ્યો. બન્નેએ એક બીજા સામે જોયું. એકીટસે એક બીજાને જોતાં હતાં. નીચે પડેલું ફૂલ બંનેમાથી કોઈ એકના હાથમાં થમાઈ જવા વ્યાકુળ બન્યું હતું. તેજ સમયે ફૂલવાળાની લારી પર મોબાઈલમાં એક મસ્ત રોમેન્ટિક ગીત વાગતું હતું." समा है सुहा ना सुहाना नशे में जहां है किसीको किसी की खबर ही कहा है हर दिल में देखूं मोहब्बत जवा है। જ્યારે બન્નેની નજારો મળી કંઇક ગડમથલ થઈ.બંનેની આંખો કંઇ ક ઈશારો કરતી હતી તેજ સમય આ રોમેન્ટિક ગીતની એક લીટી સંભળાઈ" नजर बोलती है ,दिल बे जुबान है।"

"એ જીગી ચાલ હવે આપણે લેક ઉપર જવું છે બોટિંગ કરવા" ખાસ બહેનપણીની બુમ સાંભળતા જ જિગી સફાળી જાગી અને પોતાને સાવધાન પરિસ્થિતિમાં લાવી બીજી જ પળે એ ફૂલને ઊંચકી લઈ અદૃશ્ય થઈ. જતાં જતાં સંયમના દિલ પર કાતિલ નજરોના વાર કરી સંયમનું દિલ ઘાયલ કરતી ગઈ. સાંજ પડી ગઈ સંયમ અને સ્ટાફના બધા શહેર આવા સાત વાગે નીકળ્યા. અજાણ સુંદરી જોડે મુલાકાત થાય બાદ છેક સાંજ સુધી એ દેખાઈ નહોતી. સંયમની આંખો તરસ્યાની જેમ આમતેમ ફરતી હતી પણ એને સુંદરી દેખાઈ નહી. આવતી વેળા સંયમ મજાકિયા મૂડમાં હતો પણ જતી વેળા એ મૂક મોડ પર આવી ગયો હતો. પેલી સુંદરી સંયમના દિલો દિમાગ પર છવાઈ ગઈ હતી. સેકન્ડની મુલાકાતમા સંયમ પક્ષીની જેમ ઘાયલ થઈ ગયો હતો પણ તેને આ વાત બધાથી છુપાવી હતી. ઝૂંટુ કારણ બતાવી વાતને વાળી લેતો. ત્યાર બાદ સંયમે બહુ સારી સારી છોકરીઓ જોઈ હતી પણ પેલી સુંદરી ના તોલે આવે એવી એક પણ નહોતી. છોકરીવાળાઓનોજ નકાર આવી જતો હતો. કોઈ જોડે જન્માક્ષર મળે નહી તો કોઈની અપેક્ષાઓ મોટી તો કોઈને સરકારી નોકરી કે ધંધાવાળો તો કોઈને મંગળની પીડા તો કોઈને શહેર ના પસંદ એવા અનેક કારણોસર સંયમનો મેળ પડતો નહોતો.

" ચાલો હવે બંનેને પર્સનલ ઇન્ટરવ્યુ ગોઠવી દઈએ? કઈ પૂછપરછ કરવી હોય તો કરી શકે". વાતોના દોરને અટકાવતા સંપતભાઈ બોલ્યાં.
"સંયમ, બેટા તને કઈ પૂછપરછ કરવી હોય તો કરી શકે છે." દીનાનાથ કાકાના અચાનક સંબોધનથી સંયમની ચલ ચિત્રની દૃશ્યની શ્રુંખલા તૂટી અને સફાળો જાગ્યો. જિગીષા પહેલેથી જ બેડરૂમમાં સંયમની રાહ જોતી હતી. જિગીષાના દિલની ધડકનો તેજીથી ધક ધક કરતી હતી. થોડીવારમાં તો કેટકેટલા વિચારોએ ઘેરી લીધા હતાં. ધીમાં પગલે સંયમ બેડરૂમમાં આવ્યો. બંનેના ચહેરા પર મલકાટ હતો. બેડરૂમમાં એક સ્ટડી ટેબલ હતું.જેના પર ફૂલદાની ,અમુક પુસ્તકો , એલાર્મ ગોઠવેલા હતાં. એક બાજુ સંયમ બેઠો અને સામે બાજુ જિગીષા. બંને એક બીજાને એકીટસે જોતાં હતાં. જિગીષાએ એક પુસ્તકમાંથી ગુલાબનું ફૂલ કાઢ્યું જે તદ્દન સુકાઈ ગયું હતું. ફૂલની પાકળી ઓ ઝાંકી થઈ ગઈ હતી. અમુક પાકળીઓ ફૂલની દંડી થી છૂટી થઈ ગઈ હતી પણ પાકળીઓએ દંડીનો સાથ નહોતો છોડ્યો. ફૂલ તરફ સંયમ વિસ્મયતથી જોતોજ રહ્યો. ઉપરવાળો ય ખરો છે.આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે નહી તર લટકાવી રાખે છે. મોં ફેરવી લે ત્યાં અઘોળે ય આપતો નથી.મે એવી સ્ત્રીને પસંદ કરી કે મારા ભાગ્યના દરવાજા અચાનક જ ખુલી ગયા.

" ફૂલ જોઇને કઈ યાદ આવ્યું?" જિગીષાએ મંદ સ્મિત રેલાવતા મીઠી ટકોર કરી.
સંયમનો પણ મંદ સ્મિત રેલાવતાં મીઠો જવાબ," તબ નજર બોલતી થી દિલ બે જુબાન થા...અબ તો દિલ કો બોલને તો દો જીગી ! " બંને ખળખળાટ હસી પડ્યા.
.
............ ભરતચંદ્ર શાહ ........

Share

NEW REALESED