વન્સ અપોન અ ટાઈમ - 66

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 66

દાઉદના સોનાના કન્સાઈન્મેન્ટ પકડાવવાની સાથે છોટા રાજન દાઉદનો ડ્રગ્સનો જથ્થો પકડાવવા માટે પણ ખૂબ સક્રિય બન્યો હતો. એણે દાઉદ સાથે સંકળાયેલા ડ્રગ સ્મગલર્સના કેટલાક માણસોને ફોડી નાખ્યા અને એમના દ્વારા તે પોલીસને ખબર પહોંચાડતો રહેતો હતો. બીજી બાજુ એણે દાઉદ ઈબ્રાહિમના મજબુત આર્થિક આધાર સ્તંભ સમા ડ્રગ સ્મગલર અસલમ ભટ્ટી, યાકુબ ભટ્ટી, હાજી મકબૂલ, હાજી અશરફ અને હાજી ઉમરને પોતાની સાથે લઇ લીધા હતા. જોકે એઝાઝ પઠાણ, ઇકબાલ મિર્ચી, ખાલિદ પહેલવાન અને ઈરફાન ગોગા જેવા ડ્રગ સ્મગલર્સ દાઉદને વફાદાર રહ્યા હતા.

એઝાઝ પઠાણ, ઇકબાલ મિર્ચી અને અન્ય ડ્રગ સ્મગલર્સ દાઉદની સાથે રહ્યા એમને ભિડાવવા માટે છોટા રાજને એમના માણસોને ફોડવાનું શરુ કર્યું હતું, પણ દાઉદ અને એના વફાદાર ડ્રગ સ્મગલર્સને એ વિશે ખબર પડી જતાં આવા ‘ગદ્દાર’ માણસોને ઠંડે કલેજે ખતમ કરી દેવાનું દાઉદ અને એના સાથીદાર ડ્રગ સ્મગલરોએ શરુ કર્યું. મુંબઈ પોલીસે ડ્રગ સ્મગલર ઇકબાલ મિર્ચીના ત્રણ સાથીદારોની બેંગ્લોરમાંથી ધરપકડ કરી ત્યારે આ વાત બહાર આવી હતી. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૪ના દિવસે મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં અમર સુવર્ણા નામના એક ગુંડાને ગોળીએ દેવાયો ત્યારે મુંબઈ પોલીસે અંડરવર્લ્ડની ગેંગવોરનો આ એક સામાન્ય કિસ્સો ગણી લીધો હતો, પણ પછી ૧૯૯૫ના મે મહિનામાં ઈકબાલ મિર્ચીના ત્રણ સાથીદાર બેંગલોરથી પકડાયા ત્યારે અમર સુવર્ણાની હત્યાનો ભેદ ખુલ્યો હતો.

બેંગલોરથી ઝડપાઈ ગયેલા શેરુ નામના ગુંડાએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે અમર સુવર્ણાએ ત્રણ વાર ઈકબાલ મિર્ચીના ડ્રગ કન્સાઇન્મેન્ટસનો જથ્થો પકડાવી દીધો હતો. ઈકબાલ મિર્ચીએ ભારત મોકલેલું ટનબંધ મેન્ડ્રેક્સ મુંબઈ પોલીસના નાર્કોટિક સેલના હાથમાં ઝડપાઈ ગયા પછી મિર્ચીને શંકા ગઈ હતી કે પોતાનો કોઈ નજીકનો સાથીદાર જ મુંબઈ પોલીસને માહિતી પૂરી પાડી રહ્યો છે.

મિર્ચીને ખબર પડી ગઈ હતી કે સુવર્ણા છોટા રાજન સાથે ભળી ગયો છે. અને પોતાના (મિર્ચીના) ડ્રગ કન્સાઇન્મેન્ટસ પકડાવી રહ્યો છે. એટલે એણે અમર સુવર્ણાને ખતમ કરી દેવાની જવાબદારી શેરુને સોંપી હતી. આવી જ રીતે મુંબઈના બોમ્બ બ્લાસ્ટ્સ કેસનો એક આરોપી અને ઈકબાલ મિર્ચીનો સાથીદાર ઉસ્માન ગની મુંબઈમાં પકડાયો ત્યારે એની પાછળ શફી તુફાની નામનો ગુંડો જવાબદાર હોવાની ખબર પડતાં મિર્ચીએ શફી તુફાનીનું ખૂન કરાવી નાખ્યું હતું. ઈકબાલ મિર્ચીએ મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવવા માટે આર્થિક સહાય પૂરી પાડ્યાની માહિતી પણ મુંબઈ પોલીસને મળી હતી. અને એણે એ માટે કેટલાક માણસો પણ દાઉદને પૂરા પાડ્યા હતા. એમાંનો એક ઉસ્માન ગની હતો. ઉસ્માન ગનીને જામનગર પોલીસે મુંબઈથી પકડી પાડ્યો હતો. પણ એના વિશે પોલીસ સુધી માહિતી પહોંચાડવાનું કામ શફી તુફાનીએ પાર પાડ્યું હોવાની માહિતી મિર્ચીને મળી હતી અને એ માહિતી પહોંચાડવાની જવાબદારી છોટા રાજને તુફાનીને સોંપી હોવાની મિર્ચીને શંકા હતી.

શફી તુફાનીનું ખૂન કરાવ્યા પછી મિર્ચીનું નામ સીધું પોલીસના ચોપડે નહોતું ચડ્યું. પણ અમર સુવર્ણાની હત્યા માટે ઈકબાલ મિર્ચીએ આદેશ આપ્યો હતો એવી કબૂલાત શેરુ નામના ગુંડાએ કરતાં ઈકબાલ મિર્ચી સામે વધુ એક કેસ નોંધાયો હતો. ઈકબાલ મિર્ચીએ શેરુને છોડાવવામાં બહુ રસ ન દાખવ્યો એવું શેરુને લાગ્યું હતું. એટલે એણે પોલીસને મિર્ચીનું નામ આપી દીધું હતું. ઉશ્કેરાયેલા શેરુને પોતાની ગેંગમાં ખેંચવા માટે છોટા રાજને એના માણસોને કામ સોંપ્યું હતું.

શેરુએ છોટા રાજનની ગેંગ સાથે સમજૂતી કરી એ વાતની મિર્ચીને ખબર પડી ત્યારે મિર્ચીએ શેરુને ખતમ કરવાનું કામ પોતાના બીજા માણસોને સોંપ્યું, પણ ઈકબાલ મિર્ચી શેરુની હત્યા કરાવે એ પહેલાં શેરુએ મિર્ચી વિશે કેટલીક ઉપયોગી માહિતી છોટા રાજનને આપી દીધી હતી. મિર્ચી ત્યારે લંડનમાં બેઠો બેઠો પોતાનો ડ્રગ સ્મગલિંગનો ‘કારોબાર’ ચલાવતો હતો. લંડનમાં મિર્ચીનો પત્તો મળ્યો એટલે છોટા રાજને દાઉદને વધુ એક ફટકો મારવાની તક ઝડપી લીધી. મિર્ચી મુંબઈના બોમ્બ બ્લાસ્ટનો આરોપી હતો એટલે મુંબઈ પોલીસે એને પકડવા માટે ઇન્ટરપોલની મદદ લઈને રેડ કોર્નર નોટીસ જારી કરાવી હતી.

ઇન્ટરપોલ સુધી મિર્ચી વિશે માહિતી પહોંચાડવાનું કામ છોટા રાજને પાર પાડ્યું અને ઈકબાલ મિર્ચીને પકડી પાડવા માટે તૈયારી શરુ કરી ત્યારે મિર્ચી લંડનથી ચાલીસ માઈલ દૂર બેડફર્ડમાં પોતાની ફાઈન ફિલ્ડ્સ રાઈસ મિલની આલીશાન ઓફિસમાં કેટલીક વધુ હત્યાઓ કરાવવા માટે કારસો ઘડી રહ્યો હતો.

(ક્રમશ:)

***

Rate & Review

Mahavirbhai

Mahavirbhai 2 weeks ago

mukesh

mukesh 3 weeks ago

Mukesh Bisnoi

Mukesh Bisnoi 2 months ago

bhavik

bhavik 2 months ago

Dhrmesh Kanpariya

Dhrmesh Kanpariya 4 months ago