Vaidehima vaidehi - 19 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-19)

પ્રકરણ – 19

“તમે કોણ?”
“વિનય.”
“ડૉક્ટર વિનયકુમાર?”
“હા.”
પહેલો પ્રશ્ન કયો પૂછવો એ નક્કી ન કરી શકવાને કારણે હુંએક શબ્દ પણ ન બોલી શક્યો.
“તને પીઠમાં કંઈ વાગ્યું છે?” તેમણે પૂછ્યું.
“હા, અંધારાના કારણે તમને મારા મોં પરનું લોહી નહિ દેખાતું હોય! અને આંગળી મચકોડાઈ ગઈ છે એ તો-”
“કેવી રીતે થયું આ બધું?”
“માર પડ્યો છે!”
“કોણે માર્યો?”
“એ બધું છોડો, કાકા!” મને કેટલાય પ્રશ્નો એકસામટા યાદ આવ્યા- “તમને ઘણું પૂછવાનું છે.”
“ઘરમાં ચાલ! મારે તારી સારવાર પણ કરવી પડશે.”
“ચાલો!” હું ઊભો થયો.
મેં જમણા હાથથી તેમને ટેકો આપીને ઊભા કર્યા. મારી ગરદન ફરતે હાથ વીંટાળીને બધું વજન મારા પર નાખ્યું અને બોલ્યા-
“છેલ્લા બે દિવસથી કંઈ જ ખાધું નથી. જંગલમાં ભટકતો ફરું છું. બહુ અશક્તિ આવી ગઈ છે.”
અમે બેઠકખંડમાં આવ્યા. મેં તેમને નીચે બેસાડ્યા. સોલર ફાનસ ઓન કરી.
“વેદ, રસોડામાં કંઈક ખાવાનું પડ્યું હશે. લાવને, દીકરા!”
હું ફાનસ લઈને રસોડામાં આવ્યો. પાસવર્ડ ક્યાંક લખેલો હશે એવી આશાએ પેલી પેટી ફંફોળતી વખતે વિનયકુમારનો ફોટો મેં ખીસામાં મૂક્યો હતો. એ ફોટો કાઢ્યો. ફાનસના અજવાળે એ ફોટો ધ્યાનથી જોવા લાગ્યો.
“એ વિનયકાકા જ છે, વેદ!”
મેં એ જાણીતા અવાજ તરફ ફાનસનો પ્રકાશ ધર્યો. વૈદેહી ઊભી છે. મેં કહ્યું-
“કાકાને સખત ભૂખ લાગી છે. કંઈ છે?”
તેણે એક ડબ્બો મારી સામે ધર્યો.
“મારો ડબો હાથ અત્યારે નિષ્ક્રિય છે. એક હાથમાં ફાનસ છે.”
“હું સાથે ડબ્બો લઈને આવું છું.”
હું અવળો ફર્યો.
“વેદ, સોરી!”
“વિનયકાકા ઘરમાં કઈ રીતે આવ્યા?” મેં પૂછ્યું- “દરવાજો તેં ખોલ્યો હતો?”
“હા.”
“ચાલ.”
અમે બેઠકખંડમાં આવ્યા. અંધારામાં બેઠેલા વિનયકાકા પર ફાનસનો પ્રકાશ છવાયો. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા છે. વૈદેહીએ એ ડબ્બો નીચે મૂક્યો.
“સારું છે કે એ લોકો હજી તને પકડી નથી શક્યા!” વિનયકાકાએ વૈદેહી સામે જોઈને કહ્યું.
“મને એ લોકો ક્યારેય નહિ પકડી શકે, કાકા!”
વિનયકાકાએ ડબ્બો ખોલ્યો. તેઓ એ ડબ્બામાંનો નાસ્તો આરોગવામાં એવા તૂટી પડ્યા કે તેમને અત્યારે કોઈ પ્રશ્ન પૂછવાનું મને યોગ ન લાગ્યું! હું તેમની સામે બેઠો. વૈદેહીને શોધવા મેં આજુબાજુ નજર દોડાવી પણ તે ક્યાંક દેખાઈ નહિ. અમુક મિનિટો સુધી હું એમ જ બેસી રહ્યો.
“કાકા, પાણી.” વિનયકાકા નાસ્તો કરીને ધરાઈ રહ્યાં ત્યારે વૈદેહીએ પાણીનો ગ્લાસ ધર્યો.
વિનયકાકાએ પાણી પીધું. તેમને હવે હાશ થઈ! વૈદેહી મારી બાજુમાં બેઠી.
“પેલી રાત્રે તમે જ આવ્યા હતા?” પ્રશ્ન પૂછવામાં હવે હું વધારે રાહ ન જોઈ શક્યો.
જાણે તેમને અચાનક જ કંઈ યાદ આવી ગયું હોય એમ મોટી આંખે મારી સામે જોઈ રહ્યા. એ જૂનું રટણ ચાલું કર્યું-
“એ વૃંદા નથી. એ છેતરી રહી છે તને. એ-”
“આતંકવાદી છે અને એનું નામ મૅર્વિના છે.” મેં તેમને અટકાવ્યા.
“તને પહેલેથી ખબર હતી?”
“ના! પણ મને ખબર પડી ત્યારે હું એની કેદમાં હતો.”
“પછી?”
“મારી વાત છોડો, કાકા! તમારી વાત વધુ અગત્યની છે.” મેં એ પ્રશ્ન ફરી પૂછ્યો- “પેલા પઠ્ઠા સાથે તમે જ હતા?”
તેમને ફરી પાછું કંઈક યાદ આવ્યું- “મારે તારી સારવાર કરવાની છે.”
“લો.” વૈદેહીએ તેમની દવાની પેટી તેમને આપી.
સૌથી પહેલાં તેમણે મારા હોઠ પર એક ઈંજેક્શન આપ્યું. કહ્યું-
“હું હાડવૈદ નથી, દીકરા! તારી મચકોડાયેલી આંગળીના ઇલાજ બાબતે મને પોતાના પર વિશ્વાસ નથી.”
“પણ આંગળીની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે, કાકા. દુઃખાવો વધતો જાય છે.”
“આંગળી કઈ રીતે મચકોડાઈ હતી?”
આંગળી જે રીતે દબાણમાં આવી હઈ તે મેં વર્ણવી આપ્યું.
“ધ્યાન નથી રાખી શકતો? આટલો મોટો થયો હવે-”
“અરે કાકા, અંધારું કેટલું હ…આ….” તેમણે અચાનક જ મારી આંગળીમાં કટાકો પાડ્યો અને ઘરના છાપરાં ઊડી જાય એવી રાડ મારાથી નખાઈ ગઈ.
“આશા રાખીએ કે તારી આંગળી હું ઠીક કરી શક્યો છું.” કહીને તેમણે આગળી પર પાટાનું જાડું થર બનાવવા માંડ્યું.
હવે પીઠ પરના જખમની સારવાર શરૂ કરવા માટે તેમને મારો શર્ટ કઢાવ્યો અને ઊંધો સૂવડાવ્યો.
“આ પાટો કોણે બાંધ્યો?” તેમણે મારી પીઠ પર બંધાયેલો પાટો જોઈને કહ્યું.
“મેં.” બાજુમાં બેઠેલી વૈદેહીએ કહ્યું.
“ક્યારેક ટાઈમ લઈને તને પાટો બાંધતા શીખવવું પડશે!”
તેમને સારવાર શરૂ કરી અને મેં એ જ પ્રશ્ન ત્રીજી વખત પ્રશ્ન પૂછ્યો- “પેલી રાત્રે પઠ્ઠા આતંકવાદી સાથે તમે જ આવ્યા હતા?
“હા.”
“પણ એની સાથે કેમ?”
“એ લોકો મારી નાખવાના હતા. બધું જ ખલાસ થઈ ગયું હતું. મારી સામે પિસ્તોલ તકાઈ ગઈ હતી. ને મને શું સૂઝ્યું કે મેં એમ બોલી નાખ્યુ, ‘આ શોધનું બીજું એક મોડૅલ પણ છે. હું તમને એ આપીશ પણ મને એકવાર વેદને મળવા દો.’ પઠ્ઠો બાઈક લઈને મને લઈ આવ્યો કુખોઝૂ પાસે. તું એ છોકરીની સાથે હતો. મને તો ખબર હતી કે છોકરી આતંકવાદી છે. પણ મને એ ખબર નહોતી કે એ છોકરી આ રીતે રમાડી રહી છે. તમે બંને એ ગુફામાં દાખલ થયાં અને થોડીક સેકન્ડોમાં જ તમે દોડતા બહાર આવ્યા. અમે થોડે દૂર ઊભા રહીને આ જોતા હતા. તમે બંને દોડીને એક વૃક્ષ પર ચડી ગયા. એ વખતે એ છોકરીનું ધ્યાન અમારા પર ગયું. પઠ્ઠાએ મારી તરફ ઈશારો કર્યો અને કંઈ આમતેમ ઈશારા કર્યા. પછી તમે ફરી ગુફામાં ગયા. ઘણો સમય અમે રાહ જોઈ. એ દરમિયાન હું વિચારતો રહ્યો કે તને શું કહેવું અને કેવી રીતે કહેવું. તમે પાછા જઈ રહ્યા હતા ત્યારે અમે આવ્યા. પેલી છોકરી મને પપ્પા કેમ કહેવા લાગી હતી એ મને નથી સમજાતું. ખતરનાક ખોપડી છે એ છોકરી! પઠ્ઠાના બે-ત્રણ ઈશારામાં એ કેટલું સમજી ગઈ! ને એણે શું ભૂંસું ભરાવી દીધું હતું તારા મગજમાં એ હજીય મને સમજાતું નથી કે તું મને આતંકવાદી માનવા લાગ્યો હતો! પણ મને ત્યાં અવસર મળ્યો હતો ભાગી જવાનો. હું નાઠો હતો. તેં એ પઠ્ઠાને અમુક સમય માટે રોકી રાખ્યો એ બહુ સારું કર્યું. બસ, ત્યારથી એ લોકો વૈદેહીની સાથોસાથ મને પણ શોધી રહ્યા છે.”
“પણ તમે મને ક્યાંથી ઓળખો?”
“એ આતંકવાદીઓના મોઢે જ તારું નામ સાંભળેલું.”
“શું વાત કરો છો?”
“તું આવ્યો ત્યારે એ લોકો ચિંતામાં મૂકાયા હતા. એ લોકોને લાગતું હતું કે તેઓ તેમનું કામકાજ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં સફળ છે. તું આવ્યો એટલે એ લોકો હચમચી ગયા. એમેને પહેલેથી એવી ભાળ તો હતી જ કે રૉના જાસૂસ તેમની પાછળ છે. તું આવ્યો એટલે એ લોકો તને જાસૂસ માની બેઠા.”
“શેનો જાસૂસ?”
“RAW.’
“રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ?”
“હા, એવું જ કંઈક નામ છે એનું. ભારતની જાસૂસી સંસ્થા છે. તેઓ માની બેઠા હતા કે તું એ સંસ્થાનો જાસૂસ છે.
“તેઓ તો એમ પણ માને છે કે..” મારાથી બોલાઈ ગયું.
“શું?”
“તમારી વાત અધૂરી રહી જશે, કાકા!”
“બોલને, ભાઈ!”
“તેઓ એમ માને છે કે મૅર્વિનાને મેં મારી.”
“એ છોકર મરી ગઈ?”
“ચોક્કસ ખબર નથી.” મેં કહ્યુ- “એ ન મરવી જોઈએ.”
“એ લોકો પાગલ છે કે એ છોકરીના ખૂની તરીકે તને જુએ?”
“અરે પણ-”
“એ છોકરી મરી ગઈ હોય તો જ તેઓ તારા પર-”
“પણ એ લોકો નાટક કરતાં હશે.”
“આવું નાટક કરવાનો શું અર્થ? તને પતાવી જ દેવો હોય તો એ લોકો તો એમ જ તને ભડાકે દઈ દે! એ લોકોને તારા રામ રમાડવા માટે કોઈ કારણ શોધવાની કે ક્યાંય કોઈ ખુલાસા આપવાની જરૂર છે ખરી? ને આવું નાટક કરવા માટે એ લોકોએ એ છોકરીને ક્યાંક સંતાડી રાખવી પડે. એવી વધારાની મગજમારી શું કામ કરે એ લોકો? સીધો તને પતાવીને જંગલમાં ક્યાંક દાટી દે! થઈ ગઈ વાત પૂરી!”
“વાત તો તમારી સાચી છે, કાકા!” મારે સ્વીકારવું પડ્યું.
પીઠ પરના ઘાની સારવાર પછી તેમણે મને સીધા ફરી જવાની સૂચના આપી. પીઠ પરનો ઘા દબાણમાં ન આવે એ રીતે હું સહેજ ત્રાંસો રહીને ચત્તો સૂતો.
“હવે હોઠની સારવાર પૂરી ન થાય ત્યાં સુધી કંઈ બોલતો નહિ!” તેમણે કહ્યું.
હોઠની સારવાર શરૂ કરી. પચીસેક મિનિટ પહેલાં અપાયેલા ઈન્જેક્શનની અસરને કારણે હોઠ પર થઈ રહેલી સારવારની સંવેદના મને અનુભવાતી નથી.
મારા ઓચિંતા આગમનથી આતંકવાદીઓ વિમાસણમાં મૂકાય એ સમજાય એવી વાત છે. એ લોકોનું તો આખું જીવન જ ગુપ્ત છે. વશિષ્ઠકુમાર અને વિનયકુમાર જે શોધ કરી રહ્યા હતા એ પણ ગુપ્ત છે. હવે એમાં અણધારી રીતે હું આવી પડું તો બંને પક્ષે ખડભડાટ મચી જાય એમાં નવાઈ નહિ. વાસ્તવિકતા તો એ છે કે આ બધી પેંતરાબાજીઓ જોઈને હું પોતે જ ચોંકી ગયો હતો! કેટલાય રહસ્યો વચ્ચે ઘેરાયેલો હું પોતે આતંકવાદીઓ માટે એક મોટું રહસ્ય બન્યો હતો! ટૂંકમાં, દરેક વ્યક્તિ રહસ્યોથી ઘેરાયેલ હતી, અવની અને વૃંદા સિવાય!
નવાઈની વાત તો એ છે કે વૃંદાએ મને અહીં બોલાવ્યો અને એથી ગુઆન-યીન મૂંઝવણમાં મૂકાઈ! વૃંદા મને બોલાવે અને ગુઆન-યીનને એ વાતની જાણ ન થાય એવી ગોઠવણ અવનીએ જ કરી હશે. અહીં એક પ્રશ્ન એ પણ ઉદ્‍ભવે, ગુઆન-યીન અને અન્ય આતંકવાદીઓ મને રૉનો જાસૂસ માનતા હતા તો ગુઆન-યીને મારી ઉલટ-તપાસ કેમ ન કરી? હું તેનો કેદી હતો. તે મને પ્રશ્નો પૂછી શકતી હતી. એના બદલે તે મને જોતાવેંત બોલી હતી, ‘વેદ… ધ ગ્રૅટ ફેલો… ધ ઍન્જલ….’ તે આવા શબ્દો ત્યારે જ વાપરે જ્યારે તેને ખબર હોય કે હું સામાન્ય છોકરો છું અને દોઢ હજાર કિલોમીટર દૂરથી વૈદેહીની મદદ કરવા આવ્યો છું. વૃંદાએ મારા વિશે કંઈક વાર્તા બનાવીને તેની મૅડમને છેતરી?
સારવાર પૂરી થઈ.
“મિનિમમ પાંચ મિનિટ સુધી કંઈ બોલીશ નહિ.” વિનયકાકાએ કહ્યું અને પેટીમાં બધું પાછું ગોઠવવા લાગ્યા.
વિનયકાકાની દલીલો પરથી તો લાગે છે કે વૃંદા જીવતી નહિ હોય. અવની એને મારે? શું થયું હશે?
લગભગ પાંચ મિનિટ વીતી.
વધુ ત્રણ-ચાર મિનિટ પછી મેં પૂછ્યું-
“તમારી દીકરી અત્યારે તો ભીમ્સમાં હશે ને?”
પઠ્ઠા સાથે આવ્યા હતા ત્યારે વિનયકાકા બોલ્યા હતા કે તેઓ નિઃસંતાન છે. પણ એ વાત કન્ફર્મ કરવા અને વૈદેહી ખોટું કેમ બોલી હતી એ જાણવા માટે મેં આ પ્રશ્ન કર્યો.
“હેં? કોણ?”
“વૃંદા, તમારી દીકરી.”
“મારે કોઈ સંતાન નથી, દીકરા!”
“પણ વૈદેહી તો-”
“એ તો વશિષ્ઠની દીકરી છે, યાર!”
“અરે કાકા, પૂરી વાત તો સાંભળો!”
“બોલ!”
“વૈદેહી કહેતી હતી કે વિનયકાકાની દીકરી વૃંદા અને હું બહેનો જેવા છીએ. વૃંદા અત્યારે ભીમ્સ કોલેજમાં ભણે છે અને એ-”
“એ બધું ખોટું!” તેઓ બોલ્યા- “વૃંદા જેવું કશું છે જ નહિ મારા જીવનમાં!”
“તો વૈદેહી ખોટું કેમ બોલી?”
“એ તું વૈદેહીને પૂછ!”
શાંતિ.
સમયની કોઈ જ ચિંતા ન હોવા છતાં, ઘણા સમયથી સમય જાણ્યો ન હોવાથી નજર કાંડા-ઘડિયાળ પર ગઈ. સમય થયો છે- ૨.૩૩… આજે કઈ તારીખ થઈ?
હા, એ સત્તાવીસમી નવેમ્બરની સાંજ હતી, જ્યારે મેં એ પત્ર વાંચેલો. વિરમગામ પહોંચ્યો ત્યારે અવનીદેવીના પ્રથમ દર્શનનો લ્હાવો મળેલો! પછી ટ્રેનમાં રાતનો ખાસો સમય ટ્રેનમાં જ વીતેલો. એ પછી ‘બુરખાવાળા અવનીદેવી’નો પ્રસાદ પણ મળેલો! બીજા દિવસે, અઠ્ઠાવીસમી નવેમ્બરે હું બ્યોહારી રેલવે-સ્ટેશને પહોંચી ગયેલો. ત્યાં પાઠક સાહેબ મળ્યા હતા. પાછળથી ખબર પડેલી કે તેઓ આયોજકના કહેવાથી આવેલા. અમુક કલાકો પહેલાં જ આયોજક વિશે પણ માહિતી મળી.
હા, માહગાઢ બસ-સ્ટેશન પર ડૉ.વશિષ્ઠકુમાર સાથે મુલાકાત થઈ હતી. ભમરાહમાં આવતાવેંત જ મેં નદીમાં ઝંપલાવ્યું હતું. વૈદેહીની સાથે હું પણ ડૂબવાનો હતો. કોઈકે દોરડું ફેંક્યું હતું. કોણે ફેંક્યું હતું એ તો હજી રહસ્ય જ છે.
એ સાંજે અમે શેઠને એની વસ્તુઓ પરત કરી હતી. પત્રમાં મને સૂચના અપાઈ હતી તે વિધાન આ ભૂગર્ભ પ્રયોગશાળાના અર્થમાં હતું. બટાટા-પૌંઆ આરોગ્યા પહેલાં અને પછી મેં વૈદેહીની કથા સાંભળી હતી. એ પછી ફોટોગ્રાફ્સ શોધતી વખતે અવની આવી હતી અને તેણે કહ્યું હતું કે રાત્રે ટ્રેનમાં મને બેભાન કરવા તે જ આવી હતી. એ પછી એણે ફરી મને બેભાન કર્યો. બેભાન થતા પહેલાં મેં વૈદેહીને એક ચિટ્ઠી વાંચતી જોયેલી.
બીજા દિવસે, ૨૯મી નવેમ્બરે સવારે હું વૈદેહીના ઘરમાં જ જાગેલો. એ સવારે સ્નાન પછી મેં સોલર પ્લૅટ્સ જોયેલી. એ વખતે મેં જોયેલું કે શયનખંડમાં કોઈક સૂતું છે. મેં ધારેલું કે વૈદેહી સૂઈ રહી છે. પાછળથી ખબર પડેલી કે એ વીણામાસીનો મૃતદેહ હતો. એ પ્રશ્ન ઉચિત છે કે એમનો મૃતદેહ એ ઘરમાં ક્યારે આવ્યો? હું જાગ્યો એ પહેલાં? એ પણ શક્ય છે કે હું જ્યારે જાગ્યો હતો ત્યારે ત્યાં વૈદેહી જ સૂતી હતી, હું વૃંદાના ઘરે ગયો એ વખતે વૈદેહી ક્યાંક જતી રહી હોય અને એ મૃતદેહ ત્યાં મૂકાઈ ગયો હોય. તો, એ પછી મને વૃંદા મળી હતી. એને જોતાંની સાથે જ જે કંઈ ભાવ જાગ્યા હતા એ તે સમયે અજીબ લાગ્યા હતા પણ હવે એ ભાવ અદ્‌ભૂત લાગે છે. વૃંદાએ મને પાટણમાં જોયેલો પણ મેં તો એ સવારે એને પ્રથમ વખત જ જોઈ હતી, છતાં મારામાં એના પ્રત્યેના પવિત્ર સંબંધનો ભાવ કેમ ઉભરાયો હતો? એનો જવાબ તર્કથી નહિ જ મળે!
વૃંદાએ કુખોઝૂ જવાની જિદ્દ કેમ પકડી હતી? એ સવારે તો તેણે મમ્મી-પપ્પાનો જીવ બચાવવાનું કારણ દર્શાવ્યું હતું. એ સમયે તો એ કારણ યોગ્ય જ લાગ્યું હતું. પણ સ્પષ્ટ મુદ્દો એ છે કે કુખોઝૂમાં હું તપાસ કરું તો આતંકવાદીઓના કામમાં દખલ વધુ કરું. તેઓ એમ જ ઈચ્છે કે હું તેમના કામકાજથી દૂર રહું. તેઓ કેમ મને ત્યાં લઈ જાય? હા, હું કુખોઝૂ ગયો એ વખતે તેઓએ ભમરાહમાં કંઈક મહત્વપૂર્ણ કામ કર્યું હશે. ને હા, એ સવાર પહેલાં તેઓને એ ખબર પડી જ ગઈ હશે કે હું રૉનો જાસૂસ નથી. બાકી કોઈ આતંકવાદી રૉના એજન્ટને એ જગ્યાએ સામે ચાલીને લઈ જાય જ્યાં ગઈ રાત્રે તેઓએ કારસ્તાન કર્યું હોય?
કુખોઝૂમાં તપાસ કરવાથી હું અમુક તારણો પર પહોંચ્યો હતો. પાછા વળતી વખતે અમને વિનયકાકા પઠ્ઠા સાથે બાઈક પર મળ્યા હતા. ત્યાં જરા ઝપાઝપી થઈ હતી. પછી રાત્રે પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદી સાથે મુલાકાત… એટલે…. ‘મુક્કા-લાત’ ! એ ઘટસ્ફોટ થયો હતો કે વૃંદા ખરેખર મૅર્વિના નામની આતંકવાદી છે.
બીજા દિવસની, ૩૦મી નવેમ્બરની સવારે હું મૅર્વિનાની કેદમાં હતી. ગુઆન-યીન સાથેની એ ‘કાનતોડ’ મુલાકાત… ‘મુક્કા-લાત’.. હંમેશા યાદ રહેશે. પછી વૃંદાએ એનું જીવન સંક્ષેપમાં રજૂ કર્યું અને પછી ગુઆન-યીને એના નામના અર્થની તદ્દન વિરુદ્ધ આચરણ દર્શાવ્યું હતું અને એ પછી તો જે થયું એ આખું જીવન યાદ રહેશે.
અત્યારે અઢી વાગ્યા છે. અર્થાત્‌, દિવસ બદલાઈ ગયો છે. તો, આજે ૧લી ડીસેમ્બર છે. ઘરેથી નીકળ્યે ફક્ત ત્રણ દિવસ અને નવ કલાક જેટલો સમય થયો છે અને લાગે છે કે ક્યારનોય ઘરેથી નીકળ્યો છું!
ને હા, ઠંડી ઉડાડી દે તેવી વાત તો એ છે કે પ્રયોગશાળામાં મારા પર વૈદેહીએ હુમલો કર્યો હતો! પઠ્ઠો જ્યારે વૃંદાના ઘરમાં પ્રવેશવાનો હતો એની અમુક ક્ષણો પહેલાં વૈદેહીએ મને જગાડ્યો હતો. જો વૈદેહીએ મને ન જગાડ્યો હોત તો? હું અત્યારે જીવતો હોત?
“તાર કંઈ પૂછવું ન હોય તો હું સૂઈ જાઉં!” ક્યારનાય મારા પ્રશ્નની રાહ જોઈને બેઠેલા વિનયકાકા બોલ્યા.
“કાકા, પ્રશ્નો તો એટલા બધાં છે કે….” મેં કહ્યું- “વધારે સારું એ જ રહેશે કે તમે આખીય વાત મને જણાવો.”
“તો, કુખોઝૂમાં થયું હતું એવું કે મને અને વશિષ્ઠને અમારી શોધ તેમને આપી દેવા માટે-”
“કાકા!” મેં તેમને અટકાવ્યા- “પહેલેથી કહો.”
“છેક પહેલેથી?”
“મારે સંપૂર્ણ વાત જાણવી છે. આમ અડધેથી વાત સાંભળીશ તો પ્રશ્નો વધી જશે!”
“બેટા, તું જ્યારથી અહીં આવ્યો એ તો આખીય લમણાઝીંકનો અંત ભાગ છે!”
“શું વાત કરો છો?”
“તો શું? આ બધું તો બહુ પહેલાંથી શરૂ થયું છે.” તેમને કહ્યું- “પણ હું તને આખીય વાત ઝડપથી કહી દઉં?”
“કહી જ દો!”
અસીમ અવકાશમાં નિરંતર ચકરાવા લઈ રહેલા ‘પૃથ્વી’ નામના ગોળા પરની ભારતભૂમિના એક રાજ્ય મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના, છત્તીસગઢને સ્પર્શતા પ્રદેશમાં મનોરમ્ય પર્વતમાળાઓ વચ્ચે થઈને મસ્તીથી વહેતી નદીના કિનારે જાણે સમગ્ર દુનિયાથી સંતાઈને બેઠેલાં ભમરાહ ગામમાં અર્ધચંદ્રથી શોભિત રજનીએ ઠંડી સહિત રાતવાસો કરેલો છે અને ભમરાહ ઘસઘસાટ પોઢેલું છે. મને જરાય ઊંઘ નથી આવતી. ઘરનાં તમામ બારીબારણાં બંધ છે એટલે ઠંડી ખાસ નથી અનુભવાતી. ફાનસના અજવાળે અમે બેઠા છીએ. ફાનસમાં સંગ્રહાયેલી ઊર્જા વધારે લાંબો સમય પ્રકાશ નહિ આપી શકે.
મારા હોઠ પર હમણાં જ ટાંકા લેવાયા છે. ડાબો હાથ હું જરાય હલાવતો નથી. વિનયકાકાએ એ આંગળીમાં યોગ્ય સારવાર કરી છે. દુઃખાવો ઓછો થતો જાય છે. આ આંગળી સંપૂર્ણ સાજી થતાં એક અઠવાડિયું તો લાગશે જ. પીથ પરના ઘામાં રાહત લાગી રહી છે. એ ઘા રુઝાતા અમુક દિવસો તો લાગશે જ. ભાંગેલા જડબાની સારવાર તો પહેલેથી જ થઈ ચૂકી છે. એને સંપૂર્ણ સ્વસ્થ થવામાં પણ અમુક દિવસો લાગશે. કોઈ વિશિષ્ટ જાતની સારવાર મારા જડબા માટે થઈ હોય એવું લાગે છે. નહિંતર, આટલા સમયમાં આટલી ઝડપથી રાહત ન અનુભાય.
રાતના ત્રણ વાગવામાં અમુક મિનિટો બાકી છે. હું કામળો ઓઢીને બેઠો છું. વિનયકાકાએ વાત શરૂ કરી… લગભગ ચાળીસ મિનિટ સુધી તેઓ સતત બોલતા રહ્યા…
વિનયકાકાએ છેક શરૂઆતથી શરૂઆત કરી છે. આ આખીય કથાના મૂળિયા ક્યાંથી નખાયા હતા તે પણ મને સમજવા મળશે. એક પ્રોફેસર હોવાને નાતે વિનયકાકા ખૂબ જ વિગતે આખીય વાત કહી રહ્યા છે, જે અતિશય રસપ્રદ અને મહત્વપૂર્ણ છે. તેમને જ્યારે વાત શરૂ કરી ત્યારે તો એજ જ લાગ્યું જાણે કે કોઈ બીજી જ વાત શરૂ કરી હોય! પછી લાગ્યું કે વાત તો રોમાંચક છે. ને એમ કરતાં કરતાં એ વાતમા આપણી ‘આ’ વાત સાથે પ્રગટ થઈ ગઈ એ ખબર ન જ પડી! વિનયકાકાની વાત સાચી છે. હું તો આ વાતના અંત ભાગે એન્ટર થયો હતો! હવે, ફિલ્મનું ક્લાઈમેક્સ શરૂ થવાનું હોય ત્યારે છેક તમે સિનેમાહોલમાં પ્રવેશો તો ફિલ્મમાં ખબર ન જ પડે ને!
તો, એ આખીય વાત આ રીતે મારી સમક્ષ રજૂ થઈ રહી છે…. તેમનાં મુખે કહેવાઈ રહેલી વાત હું કોઈ ફિલ્મની જેમ કલ્પી રહ્યો છું.....
*****
ઓક્ટોબર, ૨૦૧૪ની વાત છે… આજથી લગભગ ચૌદ મહિના પહેલાની વાત.
અમદાવાદ શહેરના ૧૩૨’ રિંગ રૉડ પર ક્રમબદ્ધ ગોઠવાયેલા BRTSમાંના એક જયમંગલ BRTS પર રોજની જેમ જ બસ અને મુસાફરોની અવરજરવ ચાલતી હતી. આ હાઈ-વેની બંને તરફની ત્રણ લૅન વચ્ચે જનમાર્ગ માટે બે લેન બનાવેલી છે. આર.ટી.ઓ. સર્કલ તરફ જતી બસની ગતિની દિશામાં મોં રાખીને ઊભાં રહીએ તો જમણી બાજુ શિવ હોસ્પિટલ દેખાય. આ દવાખાનાની પડખેથી એક રોડ, ૧૩૨’ રિંગ રોડને કાટખૂણે, અંદર જાય છે, જે મિરામ્બિકા રોડ તરીકે ઓળખાય છે. આ રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીના ગેટમાંથી એક સફેદ કાર બહાર નીકળી. શિવ હોસ્પિટલ પાસે આવી. અહીં ઊભેલી ત્રણેક રિક્ષાઓથી સહેજ આગળ જઈને એ કાર સાઈડમાં ગોઠવાઈ.
ડ્રાઈવર સીટ પર બેઠેલા વિનયકુમારે કારના ડૅશબૉર્ડમાં લગાવાયેલી ડિજિટલ ઘડિયાળમાં સમય જોયો અને બોલ્યા-
“સાડા પાંચ થઈ ગયા.”
“હં!” બાજુમાં બેઠેલા વશિષ્ઠકુમારે કહ્યું- “હવે એ આવશે.”
“એ બંનેમાંથી કોણ આવશે?”
“ખબર નહિ!”
એ બંને વિજ્ઞાનીઓ આ પ્રશ્નના સાક્ષાત જવાબની રાહ જોતાં બેસી રહ્યા.
જયમંગલ બી.આર.ટી.એસ. પર ‘કોમર્સ છ રસ્તા’ જતી બસ આવી. પાંચ-સાત સેકન્ડ રોકાઈ અને ઉપડી. બંને વિજ્ઞાનીઓ એ બસ તરફ જોઈ રહ્યા. આ બંને પ્રોફેસર એ જ બસમાં બેસીને કોલેજ જતા. બંને અલગ અલગ કોલેજમાં પ્રોફેસર હતા પણ તેમની કોલેજો પાસપાસે જ હતી. કોલેજ જવા માટે તે બંને પોતાની અંગત કારનો ઉપયોગ ટાળતા. તેઓ માનતા કે બે માણસો માટે કાર વાપરવી યોગ્ય નથી. એક કે બે માણસો માટે કાર વાપરીને તમે પ્રદૂષણની માત્રામાં અને ટ્રાફિકમાં નાહકનો વધારો કરો છો. કલ્પતરૂ સોસાયટીથી જયમંગલ BRTS સુધી તેઓ ચાલતાં આવતાં અને પછી ચાર નંબરની બસમાં બેસીને કોલેજ માટે રવાના થતા.
બસમાં તેઓ ચર્ચાઓ કરતાં…
“હું હંમેશની માફક આજે પણ તને એમ જ કહું છું, વશિષ્ઠ, એ શક્ય નથી.”
“હું પણ હંમેશની માફક એ જ વાત કહું છું, એ શક્ય છે.”
“દ’બ્રોગ્લીએ આ પરિકલ્પના લગભગ સો વર્ષ પહેલાં રજૂ કરી હતી. તું જે કહે છે એ કામ કરવાનો પ્રયત્ન પણ હજી સુધી કોઈએ નથી કર્યો.” વિનયકુમાર દલીલ કરતાં.
“અરે, હજી સુધી કોઈએ એ બાબતે પ્રયત્ન નથી કર્યો તો શું એ શક્ય નથી? હું એ શક્ય કરી દેખાડીશ!”
“તેં મને તારી થીઅરી સમજાવી એ લોજિકલી તો ફિટ બેસે છે પણ પ્રેક્ટિકલી એ ધાર્યા પરિણામો આપશે?”
“તું મારી સાથે છે કે નહિ?” વશિષ્ઠકુમાર પશ્ન કરતાં.
“ચોક્કસ! હું તારી સાથે જ છું. આ શોધમાં મારાથી બનતી મદદ હું તને કરીશ.”
“તો આપણે એ કરી દેખાડીશું!”
અમુક સમય પછી તો આ ચર્ચાઓ દિવસભર ચાલતી.
પણ અત્યારે તે બંને મૂક હતા. વિચિત્ર પ્રકારની ગૂંગળામણ તેઓ અનુભવી રહ્યા હતા. કોઈકના આવવાની રાહ જોતા તેઓ બેઠા હતા. અધીરા થઈ રહ્યા હતા.
“ગઈ કાલથી મારો જીવ અધ્ધર થઈ ગયો છે.” વશિષ્ઠકુમારે કહ્યું.
“હા, અત્યારે પણ એ રાહ જોવડાવે છે!” વિનયકુમારે ફરીથી ઘડિયાળ જોઈ- “પાંચને ચાળીસ થઈ.”
ગઈકાલથી શરૂ થયેલો ઘટનાક્રમ તેમને યાદ આવ્યો….
વર્ગમાં વિનયકુમાર ભણાવી રહ્યા હતા. સાયન્સના સ્ટુડન્ટ્સથી વર્ગ આખો ભરેલો હતો. વિનયકુમાર જીવવિજ્ઞાનના એક મુદ્દાના ખૂબ જ ઊંડાણમાં સૌને લઈ ગયેલા. વિનયકુમાર પોતે જીવવિજ્ઞાના પૂજારી! તેઓ તેમનાં વિષયમાં વિદ્યાર્થીઓને રસતરબોળ કરી શકતા. હા, વશિષ્ઠકુમાર પણ ભૌતિકવિજ્ઞાનના આરાધક! પણ તેમનામાં શિક્ષકત્વ સાવ ઓછું. વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ ભાવ નહિ. ફિઝક્સ, દીકરી વૈદેહી, પત્ની વનિતા, ભાઈ જેવો મિત્ર વિનય અને તેના પત્ની વીણાબહેન એટલે વશિષ્ઠકુમારનું વિશ્વ. આ ચાર માણસો જ વશિષ્ઠકુમારને ખરા અર્થમાં ‘ઓળખતાં’, બાકી સૌને વશિષ્ઠકુમાર ‘નમૂનો’ જ લાગતા. આમ પાછા તેઓ ભલા માણસ. દેશભક્તિ તેમની ઘણી પ્રબળ.
હા, વિનયકુમાર વર્ગ લઈ રહ્યા હતા. એક કલાક સુધી તેમણે જ્ઞાન પ્રવાહ રેલાવયો. લૅકચર પૂર્ણ થયું ત્યારે વિદ્યાર્થીઓ અગાધ સમુદ્રમાં ડૂબકી મારીને પાછા આવ્યા હતા. વિનયકુમારે બોલવાનું બંધ કર્યું, અટેન્ડન્સ-શીટ, ડસ્ટર અને વધેલાં ચૉક લઈને તેઓ વર્ગની બહાર નીકળ્યા. જ્યારે ‘સર’ વર્ગની બહાર નીકળી ગયા ત્યારે વિદ્યાર્થીઓને ભાન થયું કે લૅક્ચર પૂરું થયું છે!
વર્ગની બહાર નીકળતી વખતે વિનયકુમારની નજર એક છોકરી પર પડેલી. એ છોકરી ઊભી થઈને આગળ આવી રહી હતી. વિનયકુમાર વર્ગની બહાર નીકળીને માંડ પાંચ-સાત ડગલાં ચાલ્યાં હશે ત્યાં પેલી છોકરીએ તેમને તેમને આંતરી લીધા. તે દોડીને વિનયકુમારની સામે આવીને ઊભી રહી ગઈ હતી. ઘણાં શોરબકોર સાથે વિદ્યાર્થીઓ વર્ગની બહાર નીકળવા લાગ્યા હતા. પ્રોફેસર વિનયકુમાર અને સામે ઊભેલી ‘એક છોકરી’ તરફ નજર કરીને વિદ્યાર્થીઓ તેમની પડખેથી પસાર થવા લાગ્યા હતા. એ છોકરીના હાથમાં એક ચોપડો હતો. તેણે છેલ્લું પાનું ખોલીને એ ચોપડો વિનયકુમારની સામે ધર્યો અને મોટેથી પૂછ્યું-
“સર, આ ફિગર આ રીતે દોરી શકાય?”
આજુબાજુમાંથી પસાર થઈ રહેલાં વિદ્યાર્થીઓએ સાંભળ્યું. એ જ તો એ છોકરીની ચાલાકી હતી. તેને પહેલેથી જ આ પરિસ્થિતિનો અંદાજ હતો. તેને અનુમાન લગાવ્યું હતું કે હું જ્યારે મારી વાત કહેવા માટે જઈશ ત્યારે ઘણાં લોકો અમને સાંભળી શકે તેમ હશે. એટલે જ તો મુખ્ય વાત ચોપડાના છેલ્લાં પાને લખી લાવી હતી અને ‘આકૃત્તિ’નું બહાનું બનાવ્યું હતું. વિનયકુમારે એ ચોપડો હાથમાં લીધો. તેમને અંદાજ નહોતો કે એ આકૃત્તિ કેટલી ભયાનક હશે! એ પાને લખેલું હતું-
તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે. બહુ મોટું જોખમ છે. આજે સાંજે સાડા પાંચે જયમંગલ BRTS પાસે આવજો. કાર લઈને આવજો. હું વીગતે વાત કરીશ.
વિનયકુમારના ડોળા બહાર નીકળી ગયેલાં.
(ક્રમશઃ)