Vaidehima vaidehi - 20 books and stories free download online pdf in Gujarati

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-20)

પ્રકરણ – 20

એ પાને લખેલું હતું-
તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે. બહુ મોટું જોખમ છે. આજે સાંજે સાડા પાંચે જયમંગલ BRTS પાસે આવજો. કાર લઈને આવજો. હું વીગતે વાત કરીશ.
વિનયકુમારના ડોળા બહાર નીકળી ગયેલાં.
“ફિગર બરાબર છે ને, સર?”
વિનયકુમાર તેની સામે તાકી રહ્યા. એણે ચોપડો પાછો લીધો. અમુક ક્ષણોમાં તે વિદ્યાર્થીઓની ભીડમાં ખોવાઈ ગઈ. અડધી મિનિટ સુધી વિનયકુમાર એમ જ ઊભા રહ્યા. તેમને આમ મૂર્તિવત્‌ ઊભેલા જોઈને બે-ત્રણ છોકરીઓ જરા હસી ત્યારે તેઓ ભાનમાં આવ્યા. આમતેમ નજર દોડાવી પણ પેલી છોકરી ક્યાં મળી નહિ. તેઓ ફરી વર્ગમાં દાખલ થયા. અમુક છોકરાંછોકરીઓ બેઠાં હતા. પેલી છોકરી કઈ બેન્ચ પરથી ઊભી થઈ હતી એ વિનયકુમારને યાદ હતું. એ બેન્ચ પર હાલ બે છોકરીઓ બેઠી હતી. વિનયકુમાર તેમની પાસે ગયા. એ છોકરીઓએ મોબાઈલ બંધ કરીને સર સામે જોયું.
“વ્હેર ઈઝ ધેટ ગર્લ?” વિનયકુમારે પ્રશ્ન કર્યો.
“વીચ ગર્લ, સર?” બંનેએ મૂંઝાઈને સામે પૂછ્યું.
“તમારી સાથે બેઠી હતી એ.”
“સર, એ તો જતી રહી.” એકે જવાબ આપ્યો.
“એનું નામ? રોલ નંબર?”
“એનું નામ શું છે, અલી?” એકે બીજીને પૂછ્યું.
“કૃપા.” બીજીએ કહ્યું- “બટ ડોન્ટ નો હર રોલ નંબર, સર!”
“હમણાં બીજું કોઈ લૅક્ચર હશે ને?”
“યસ, સર!” એકે કહ્યું- “ બટ શી વીલ નોટ કમ!”
“વ્હાય?”
“શી અટેન્ડ્સ યોર લૅક્ચર્સ ઓનલી.”
વિનયકુમાર વિચારવા લાગ્યા.
“સર, આઈ થિન્ક…” એકે કહ્યું- “શી ઈઝ નોટ ફ્રોમ અવર કોલેજ. બિકોઝ શી અટેન્ડ્સ યોર લૅક્ચર્સ ઓનલી.”
“એ પણ છેલ્લાં અમુક દિવસોથી જ.” બીજીએ કહ્યું- “શી ડઝ નોટ સાઈન ઈન અટેન્ડન્સ-શીટ ઓલ્સો!”
વિનયકુમાર હવે વિમાસણમાં મુકાયા હતા.
“એની પ્રોબ્લેમ, સર?” એક છોકરીએ પૂછ્યું.
“નો, થેંક્સ!”
“વેલકમ, સર!”
વિનયકુમાર ઝડપથી વર્ગની બહાર નીકળી ગયા અને ફરી મૂર્તિવત્‌ ઊભા રહી ગયા. અચાનક કંઈક યાદ આવ્યું અને ‘એડમિનિસ્ટ્રેશન ઓફિસ’ તરફ ઝડપથી ડગ ભર્યા. ઓફિસમાં જઈને હમણાં તેઓ જે ક્લાસમાં લૅક્ચર દઈને આવ્યા એ ક્લાસનાં વિદ્યાર્થીઓનું લિસ્ટ માંગ્યું. બે-ત્રણ ફાઈલ્સ ફંફોળીને ક્લાર્કે એ લિસ્ટ વિનયકુમારને આપ્યું. તેઓ અતિશય વ્યાકુળતાથી એ લિસ્ટમાં કૃપાને શોધવા લાગ્યા. આખાય લિસ્ટમાં બે વખત નજર ફેરવી. કૃપા ન મળી. શક્ય છે કે એ બીજા કોઈ ક્લાસની હોય એમ વિચારીને વિનયકુમારે ક્લાર્કને કહ્યું-
“કૃપા નામની કોઈ છોકરી આપણી કોલેજમાં ભણે છે કે નહિ એ તપાસી આપો.”
“કેમ?”
“અરે, ભાઈ….” ક્લાર્કના સામા પ્રશ્નથી વિનયકુમાર ગુસ્સે થયા પણ વિવેક જાળવીને જવાબ આપ્યો- “એ છોકરી મારા લેક્ચર્સ અટેન્ડ કરે છે પણ અટેન્ડન્સ નથી કરતી.”
“એવું?” ક્લાર્કે સહેજ હસીને કહ્યું- “અવળો કિસ્સો બન્યો! આમ તો વિદ્યાર્થીઓ લેક્ચર ન ભરતા હોય ને એમની અટેન્ડન્સ બોલાતી હોય! આ તો એનાથી તદ્દન ઊધું જ બ-”
“અરે, જલ્દી શોધને, યાર! ઊંધુંસીધું પછી વિચારજે!”
કમ્પ્યુટરમાં સંગ્રહાયેલા ડૅટામાં સર્ચ કરીને ક્લાર્કે કહ્યું- “ત્રણ કૃપા છે, સાહેબ!”
“ફોટો દેખાડ.”
વિનયકુમારે એ ત્રણેય કૃપા જોઈ. તેમાની એકેય કૃપા એમની કૃપા ન હતી.
“હવે શું કરીશું, સાહેબ?” ક્લાર્કે પૂછ્યું.
કંઈ જ જવાબ આપ્યા વિના વિનયકુમાર ઓફિસની બહાર નીકળી ગયા. ક્લાર્ક એક ગાળ બબડ્યો અને પાછો કામે લાગ્યો. વિનયકુમારના આજના દિવસના તમામ લેક્ચર્સ પૂરા થયાં હતા. તેઓ તેમના ડિપાર્ટમેન્ટના સ્ટાફ-રૂમમાં જઈને બેઠા.
છૂટતી વખતે વિનયકુમાર કોલેજના સિક્યોરિટી-ગાર્ડ પાસે અટક્યા.
“ક્યા હુઆ સા’બ?” એ બિહારી માણસે ઊભા થઈને પૂછ્યું.
“સુબહ એન્ટ્રી કે વક્ત સ્ટુડન્ટ્સ કે આઈ-કાર્ડ ચૅક કરતે હો?”
“હા, સાલ કે શુરૂઆત મેં ઔર એક્ઝામ કે વક્ત.”
“મતલબ? રોજ નહિ?”
“નહિ, સા’બ!” તેણે કહ્યું- “ઈન દિનોં મેં જરૂરત નહિ રહતી!”
ભારોભાર વિમાસણ સાથે વિનયકુમાર ઘરે પહોંચ્યા ત્યારે પાંચ વાગી ગયા હતા. તેઓ પોતાના ઘરે જવાને બદલે સીધા જ વશિષ્ઠકુમારના, પાડોશીના ઘરે જવાનો નિર્ણય લીધો. જાણે પોતાના જ ઘરમાં પ્રવેશતાં હોય તેટલી સહજતાથી તેઓ વશિષ્ઠકુમારના ઘરમાં પ્રવેશ્યા. વશિષ્ઠકુમાર બેઠકખંડમાં બેઠા હતા, વૈદેહી સંગીત-ક્લાસમાં ગયેલી હતી અને વનિતાબેન વીણાબેનના ઘરે હતા.
“આજે તો એક છોકરીએ ગજબ કરી નાખ્યો!” વિનયકુમાર નહિ, વશિષ્ઠકુમાર બોલ્યા!
“શું થયું?” વિનયકુમારે તેમની બાજુમાં બેસતાં પૂછ્યું.
“લૅક્ચર પછી એ મારી પાસે આવી અને એક ચોપડો મને દેખાડ્યો.” વશિષ્ઠકુમારે કહ્યું- “એક થીઅરી વિશે તેણે મને પ્રશ્ન કર્યો અને એ ચોપડામાં જોવાનું કહ્યું. જાણે છે એમાં શું લખેલું હતું?”
“હા!” વિનયકુમારે કહ્યું- “તમારા અને તમારા પરિવારના માથે મોત ઝળૂંબી રહ્યું છે.”
“તને કેવી રીતે ખબર?” સોફાને ટેકો દઈને બેઠેલા વશિષ્ઠકુમાર ટટ્ટાર થયા. હવે આશ્ચર્ય પામવાનો વારો તેમનો હતો!
“એણે એમ પણ લખ્યું હતું કે આજે સાંજે સાડા પાંચે-”
“પણ તને….”
“એનું નામ કૃપા છે ને?”
“ના, શ્રેયા નામ છે એનું.”
“ધેટ મીન્સ….”
“શું સમજાયું તને?” વશિષ્ઠકુમારે વિનાયકુમારનો હાથ પકડીને કહ્યું- “સમજાવ મને, વિનય. તારું કન્ક્લુઝન જણાવ!”
“બસમાં આવતાં હું વિચાર કરતો હતો કે એ છોકરી મને હેરાન કરવા આવું કરતી હોય કે પછી મસ્તી કરતી-”
“અરે, આવી મસ્તી કોઈ કરે?”
“આજના કોલેજિયન્સ ગમે તેવી મસ્તી કરી શકે, વશિષ્ઠ!”
“પણ તારું કન્ક્લુઝન શું છે?”
“પણ પછી થયું કે એ અમારી કોલેજમાં નથી ભણતી, તો મને શા માટે હેરાન કરે? મારી સાથે કેમ મસ્તી કરે?”
“એ તારી કોલેજમાં નથી ભણતી?”
“ના, કોલેજનાં ચોપડે એનું નામ જ નથી બોલાતું. શ્રેયા તારી કોલેજની છે?”
“એ….” વશિષ્ઠકુમારે માથુ ખંજવાળ્યું.
“તપાસ નથી કરી?” વિનયકુમાર વાત પારખી ગયા.
“ના!”
“છોડ, એ તારી કોલેજમાં નહિ જ ભણતી હોય.
“પણ તારું ફાઈનલ કન્ક્લુઝન શું છે?” હવે વશિષ્ઠકુમારની ધીરજ ખૂટવા આવી હતી.
“ઘરે આવતાં જ તારી વાત સાંભળીને મને થયું કે કૃપા તારી પાસે પણ આવી હશે. હું ખોટો પડ્યો. તને વોર્ન કરવા આવેલી છોકરીનું નામ તો શ્રેયા છે.”
“ફાઈનલ કન્ક્લુઝન?”
“આઈ એમ કન્ફ્યુસ્ડ!”
કાન બરાબર દબાવીને સૂતળી બૉમ્બ ફૂટવાની રાહ જોતાં તમે દૂર ક્યાંક ઊભા હોવ અને બૉમ્બનું સૂરસૂરિયું થઈ જાય, એવું કંઈક વશિષ્ઠકુમાર સાથે થયું! બોલ્યાં-
“સાડા પાંચમાં દશ બાકી છે. જવું છે?”
“ક્યાં એ છોકરીને મળવા?”
“નહિ તો શું શાકભાજી લેવા?” વશિષ્ઠકુમારની અકળામણ બહાર આવી રહી હતી.
“નથી જવું.” વિનયકુમારે નિર્ણય કરી નાખ્યો.
“પણ એની વાત સાચી હશે તો?”
“ખોટી પણ હોઈ શકે.”
“પણ એને મળી લેવામાં શું વાંધો?”
“કાલે કોલેજમાં વાત!” વિનયકુમારે કહ્યું.
“એટલે? કાલે કોલેજમાં એને બધું પૂછી લેવાનું?”
“હં! હું કૃપાની ઝડતી લઈશ અને તું શ્રેયાની.”
“સ્યોર!” વશિષ્ઠકુમાર સંમત થયા.
બંને વિજ્ઞાનીઓએ એ છોકરીઓને બરાબર લાગમાં લેવાનું નક્કી કર્યું. એમને શું-શું પૂછવાનું અને કેવી અદામાં પ્રશ્નો કરવાનાં એ બધું તેમણે નક્કી કર્યું. કેવી પરિસ્થિતિમાં અને કેટલાં લોકોની હાજરીમાં આ કાર્યવાહી કરવી એ મુદ્દે પણ ખાસી ચર્ચા ચાલી. બધું બરાબર નક્કી કરીને તેઓ છૂટાં પડ્યા.
રાત્રે મોડે સુધી એ બંને વિજ્ઞાનીઓ પડખાં ફેરવતાં રહ્યા. એ છોકરીઓ ગમ્મત કરી રહી હતી કે પછી ખરેખર તેઓ કોઈ મોટા કાવતરામાં ફસાયા હતા? કોણ છે એ કૃપા અને શ્રેયા? આમ, એક બિનવૈજ્ઞાનીક દાખલો ગણતાં ગણતાં જ તેઓ સૂઈ ગયા.
બીજા દિવસે કોલેજ જતાં પહેલાં બંને પુષ્કળ સૂચનાઓ આપી હતી. કાલે નક્કી કરેલી વાતો કેટલીય વાર એકબીજાને યાદ દેવડાવી હતી. ‘અને ધ્યાન રાખજે કે…’ એવી ઘણીય સલાહની આપ-લે થઈ. આખરે એ બંને પોતપોતાની કોલેજે પહોંચ્યા.
સિક્યોરિટી ગાર્ડ તરફ ગુસ્સાભરી નજર ફેંકીને વિનયકુમાર કોલેજમાં પ્રવેશ્યા. ઓફિસના બારણાની પડખે લગાવેલા નાનકડા મશીનની ગ્રીન-સ્ક્રીન પર અંગુઠો મૂકીને પોતાની હાજરી નોંધાવ્યા બાદ તેઓ તેમના ડિપાર્ટમેન્ટના સ્ટાફરૂમમાં જઈને બેઠા. રોજની જેમ જ આજે પણ બીજા પ્રોફેસર્સ જાતજાતની ચર્ચા કરતાં હતા પણ વિનયકુમારને આજે એમાં રસ નહોતો પડતો. કૃપા વારંવાર તેમના માનસપટ પર પ્રગટ થતી હતી અને પૂછતી હતી, ‘સર, આ ફિગર આ રીતે દોરી શકાય?’
વિનયકુમારે બીજા એક ક્લાસમાં લૅક્ચર માટે જવાનું થયું. જેમતેમ કરીને એ લેક્ચર પૂરું કર્યું. પાછા સ્ટાફરૂમમાં આવી ગયા. કૃપાને શું શું પૂછવાનું છે એનું વિનયકુમારે સત્તર વખત રિહર્સલ મનમાં જ કરી લીધું હતું. છતાંય તેઓ ગભરાઈ રહ્યા હતા. ગઈ કાલે તો એ છોકરી કેટલી સરળતાથી પોતાનું કામ પતાવીને છૂમંતર થઈ ગયેલી! તે સહેજ પણ ગભરાયેલી નહોતી. ઠંડા કલેજે તેણે વિનયકુમાર સાથે વાત કરી હતી.
વિનયકુમારને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન પોતાની અને કૃપાની ઓળખાણનો હતો. એ છોકરી તેમને કઈ રીતે ઓળખે? કૃપા શા માટે વિનયકુમાર સાથે ગમ્મત કરે કે તેમને ચેતવે?
બીજી મૂંઝવણ એ હતી કે કૃપાની વાત સાચી નીકળી તો બહુ મોટી સમસ્યા ઊભી થઈ જવાની છે. પણ કોઈ તેમને કેમ મારી નાખે? તેમણે કોઈનું કશું બગાડ્યું નહોતું. હા, વશિષ્ઠકુમારનું વર્તન જરા વિચિત્ર ખરું અને એ કારણે તેમણે અમુક ઝગડા કરેલાં. પણ આખાય પરિવારને માથે આફત આવી પડે એવી મોટી બબાલ તો ક્યારેય નથી થઈ. પરંતુ, આ મુદ્દે તો ત્યારે જ ગંભીરતાથી વિચારવાનું આવે, જો કૃપા સાચે જ ચેતવણી આપતી હોય.
વિનયકુમારનો લેક્ચર શરૂ થવામાં પાંચ મિનિટની વાર હતી. વિનયકુમાર ચોક અને ડસ્ટર તૈયાર રાખીને બેઠા હતા. કૃપા સાથેની મુલાકાતનું રિહર્સલ ફરી વખત તેમનાં મનમાં ચાલી રહ્યું હતું.
જેવો બેલ રણકવાનો શરૂ થયો કે સડાક કરતાં વિનયકુમાર સ્ટાફરૂમની બહાર! જેમનો લેક્ચર ચાલતો હતો એ પ્રોફેસર ક્લાસની બહાર નીકળે એ પહેલાં જ વિનયકુમાર દરવાજે આવીને ઊભા રહી ગયા. વિનયકુમાર પર વિચિત્ર દ્રષ્ટિ નાખીને એ પ્રોફેસર ક્લાસની બહાર નીકળ્યા. વિનયકુમાર એ પ્રોફેસરને અવગણીને ક્લાસમાં પ્રવેશ્યા.
“ગુઉઉડ આ‌અફ્ટરનૂઊઊન, સઅઅઅર!” વિદ્યાર્થીઓ ઊભા થયા.
“ગુડ આફ્ટરનૂન! સીટ ડાઉન!” વિનયકુમાર યંત્રવત્‌ બોલી ગયાં.
“આજે સરને ઘણું ભણાવી દેવું લાગે છે!” પાછળની બૅન્ચમાંના એકે બીજાના કાનમાં કહ્યું.
“હા!” પેલાંએ જવાબ આપ્યો-” ફૂલ મૂડમાં લાગે છે આજે.”
‘સર’ આખાય ક્લાસમાં નજર નાખતા ઊભા રહ્યા. ક્યાં બેઠી છે એ? વિનયકુમારે આખો ક્લાસ એક વખત ‘સ્કૅન’ કરી લીધો. એ ન દેખાઈ. બીજી વખત નજર દોડાવી, ત્રીજી વખત… કૃપા નથી આવી!
“શું ભણાવવાનું હતું એ સર ભૂલી ગયાં લાગે છે!” એકે ફરી બબડાટ કર્યો.
“ના ભૂલે, લ્યા! ખતરનાક ખોપડી છે!” બીજાએ ગણગણાટ કર્યો.
“તો સરને કોઈ કહો કે, ‘સર, તમે સાચા ક્લાસમાં જ આવ્યાં છો. તમે ખોટા ક્લાસમાં નથી ઘૂસી ગયા!’”
“સર આપણને ભૂલી ગયાં કે શું?” એકે કહ્યું- “મેમરી લોસ્ટ! યાદદાસ્ત ગઈ સરની!”
એની આ વાત પર કોઈક જરા હસ્યું અને વિનયકુમાર ભાનમાં આવ્યા. પોતે કૃપાને શોધવા માટે નહિ, ભણાવવા માટે આવ્યા છે! આજે તો કોલેજ આવવાનો હેતુ જ બદલાઈ ગયો હતો. ભણાવવાનિ જરાય મૂડ નહોતો. કદાચ, કૃપા મોડી પડી હોય! તેમણે ભણાવવાનું શરૂ કર્યું. ન તેમને ભણાવવામાં મજા આવી કે ન વિદ્યાર્થીઓને ભણવામાં.
“આજે આટલું રાખીએ.” પચીસેક મિનિટ પછી તેઓએ જાહેરાત કરી- “આજે મારી તબિયત બરાબર નથી.”
તેઓ ઝડપથી ક્લાસની બહાર નીકળી ગયા અને વિદ્યાર્થીઓને અડધો પિરિયડ ‘ફ્રી’ મળ્યો!
તો શું કૃપા હવે ક્યારેય નહિ મળે? એ છોકરી મસ્તી કરતી હતી? એ આજે કેમ ન આવી?
વિનયકુમાર કોલેજની બહાર નીકળીને BRTS સ્ટૅન્ડ તરફ ચાલતાં હતાં અને વિચારતાં હતાં, ‘અમારા પરિવારને ખરેખર કોઈ જોખમ છે? વશિષ્ઠને શ્રેયા મળી હશે? એ છોકરી પણ નહિ મળી હોય તો? ગઈ કાલે એ છોકરીની વાત અવગણીને કોઈ મોટી ભૂલ કરી દીધી? કૃપા અને શ્રેયા ફરીથી અમારો સંપર્ક સાધશે? હવે અમારે એ બંને છોકરીઓને શોધવી પડશે? તેમનાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો છે? હવે શું થશે? કંઈક ન બનવાનું બની જશે તો?..’
આ પ્રકારના તર્કવિતર્ક કરતાં વિનયકુમાર BRTS સ્ટૅન્ડમાં આવી ગયા. ‘લો, તમારી ટિકિટ’ કહેતાં કોઈકે તેમનાં હાથમાં ‘જયમંગલ’ની ટિકિટ પકડાવી દીધી. તેઓ ચાર નંબરની બસમાં બેસી ગયા. બે સ્ટોપ પછી તેમને સહસા ભાન થયું કે તેમને ટિકિટ તો લીધી નથી. પણ તેમનાં હાથમાં એક ટિકિટ છે! જયમંગલની ટિકિટ છે. યાદ આવ્યું કે કોઈકે તેમને આ ટિકિટ આપી હતી. તેમનું ધ્યાન ગયું કે ટિકિટની પાછળ વાદળી પેનથી કંઈક લખેલું છે-
આજે સાંજે છેલ્લો મોકો. એ જ સ્થળ, એ જ સમય.
ગજબ છે આ છોકરી!
વિનયકુમાર ઘરે પહોંચ્યા એના એકાદ કલાક પછી વશિષ્ઠકુમાર ઘરે આવ્યા. તેમને કૃપા નહોતી મળી. વિનયકુમારે તેમને ટિકિટ દેખાડી.
….એટલે તે બંને જયમંગલ BRTS પાસે કાર ઊભી રાખીને રાહ જોતાં બેઠાં હતા.
પાંચને પિસ્તાળીસ થઈ.
૧૩૨’ ફૂટ રિંગ રોડ પર હૅલમેટ સર્કલની દિશામાં મોં રહે તે રીતે ગાડી પાર્ક કરીને તેઓ રાહ જોઈ રહ્યા હતા. ડાબી બાજુએ શિવ હોસ્પિટલ અને જમણી બાજુએ તમામ પ્રકારના વાહનો માટેની ત્રણ લૅન, પછી જનમાર્ગની બે લૅન અને પછી, હૅલમેટ સર્કલની વિરુદ્ધ દિશામાં, અખબાર નગર જવા માટે, તમામ વાહનો માટેની ત્રણ લૅન.
“લો, સાહેબ… શીંગ!”
ડ્રાઈવર-વિન્ડોમાંથી વિનયકુમારે લારીવાળાને જોયો. કાગળના કૉનમાં શીંગ ભરીને તેણે વિનયકુમારને ધરી હતી.
“શીંગ નથી ખાવી, ભાઈ!” તેમણે કહ્યું.
“રૂપિયા નથી લેને કા મેં, સાહેબ!”
“કેમ લ્યા? મફતમાં શીંગ વેચે છે?”
“એ તો સબ શ્રેયા કી કૃપા હૈ, સાહેબ!”
ડ્રાઈવર-સીટની બાજુની સીટમાં બેઠેલા વશિષ્ઠકુમારે દરવાજો ખોલ્યો. તેઓ ઉતરવા જતા હતા પણ વિનયકુમારે તેમનો હાથ પકડ્યો.
“છોડ મને! આજે તો ધીબી જ નાખું એને!”
“શાંતિ રાખ, વશિષ્ઠ!” વિનયકુમારે કડકાઈથી કહ્યું- “આમ રઘવાયો ન થઈશ!”
શીંગવાળો ભાઈ જરા મૂંઝાયો. વિનયકુમારે શીંગ ભરેલો એ કૉન બંને હાથે સ્વીકાર્યો. પૂછ્યું-
“કોણ છે તું?”
“હું?” તે વધુ મૂંઝાયો.
“હા, તું જ!” બાજુમાંથી વશિષ્ઠકુમારે મોટેથી કહ્યું.
“હું અબ્દુલ.” તેણે કહ્યું- “ફ્રોમ ગાઝિયાબાદ!”
“કેમ લ્યા, છેક ગાઝિયાબાદથી શીંગ બેચને આતા હૈ?”
“અલ્યા ભૈ!” વશિષ્ઠકુમારે વિનયકુમારને ધમકાવ્યા- “આપણે લારીઓવાળાના ઈતિહાસ જાણવા માટે બેઠા છીએ અહીં?”
“સોરી!” વિનયકુમારે અબ્દુલને પૂછ્યું- “ક્યા જોખમ હૈ હમારે માથે પર?”
“મને શું ખબર, સાહેબ!”
“તું તો ગુજરાતી બોલે છે!”
“વર્ષોથી ગુજરાતમાં છું. જરા જરા આવડે છે!”
“સારું કહેવાય!”
“પણ જોખમ શું છે એ બોલને!” વશિષ્ઠકુમારે કહ્યું.
“મને નથી પતા, સાહેબ!”
“શ્રેયા અને કૃપાએ તને શું કહ્યું છે?”
“એ દોનો કોણ છે?”
“હવે મારે ઊતરવું જ પડશે!” કહીને વશિષ્ઠકુમારે ફરીથી દરવાજો ખોલ્યો.
વિનયકુમારે ફરી તેમને અટકાવ્યા અને કહ્યું-
“સાચું બોલ, અબ્દુલ!”
“અલ્લાહ કસમ, સા’બ! કોન છે એ દોનો?”
“હમણાં તું ન બોલ્યો?”
“શું?”
“શ્રેયા કી કૃપા.”
“એ તો એ લડકી એ કીધું તું.”
“કોણે?”
“આખી વાત કહું.” અબ્દુલે કહ્યું- “હું આ અસ્પતાલની પેલી બાજુએ ઊભો હતો. ત્યાં એક લડકી મારી પાસે આવી. વીસ રૂપિયા કી શીંગ માંગી. મેં છાપા કે ટુકડે મેં શીંગ ભરને વાલા થા કી ઉસને એ કાગજ સામને સે દિયા ઔર કહા કી આમા શીંગ ભરો. મેંને ઉસમેં શીંગ ભરી. ઉસને બીસ રૂપિયા દિયા ઔ કહા કી વહાં જો સફેદ ગાડી પડી છે એમને શીંગ આપી આવો. પહેલા એ ના પાડે તો કહના કી શ્રેયા કી કૃપા હૈ.”
“ઠીક હૈ, ભાઈ!” વિનયકુમારે કહ્યું- “થેંક યુ!”
“ઓકે સાહેબ!”
“એક જ છોકરી હતી કે બે?”
“એક જ.”
“ક્યાં ગઈ?”
“પતા નહિ.”
“વાંધો નહિ! ભલે!”
અબ્દુલ લારી લઈને આગળ વધ્યો. વશિષ્ઠકુમારે કહ્યું-
“હવે બેઠો બેઠો શીંગ ખા!”
વિનયકુમારે બધી શીંગ ડૅશબૉર્ડ પર ઠાલવી. એ કાગળ સીધો કર્યો. અંદર લખેલું છે-
અખબારનગર BRTSથી થોડેક આગળ, સિલ્વર ઑક સર્કલ પાસે હું ઊભી છું. આવો. હું લિફ્ટ માંગીશ. તમે મને બેસાડી લેજો. પછી વાત કરીશું. આવો….
વિનયકુમારે ગાડી દોડવી. અડધો કિલોમીટર આગળ ગયા પછી યુ-ટર્ન લીધો અને અખબારનગર BRTS તરફ ગાડી મારી મૂકી. પલ્લવ ચાર રસ્તે લાલ સિગ્નલને કારણે દોઢ મિનિટ રોકાવું પડ્યું. એ પછી શાસ્ત્રીનગર BRTS, પ્રગતિનગર BRTS અને એક અંડરબ્રિજ વટાવીને તેઓ અખબારનગર BRTSએ પહોંચ્યા. છેક સુધી બંને મૂંગા બેસી રહ્યા હતા. અચાનક વશિષ્ઠકુમાર બોલી ઉઠ્યા-
“પેલી રહી!”
“હા, જોઈ!”
તેણે કાર ઊભી રખાવવા હાથ જર્યો. તે એકલી જ ઊભી છે. લિફ્ટ માંગનાર વ્યક્તિ પોતાને ક્યાં જવું છે કહેવા માટે બારીમાંથી જ રીતે જુએ એ રીતે તેણે અંદર ડોકિયું કર્યું. કંઈ બોલી નહિ. મલકી. પાછળનો દરવાજો ખોલીને અંદર બેઠી. એ દરમિયાન વિનયકુમારે વશિષ્ઠકુમારને કહ્યું-
“આ કૃપા છે.”
“ના, આ શ્રેયા છે.” વશિષ્ઠકુમારે કહ્યું- ”એટલે જ તો હું એને ઓળખી ગયો.”
“આ કૃપા છે!”
“હું જ શ્રેયા અને હું જ કૃપા.” તે દરવાજો બંધ કરતાં બોલી- “પણ નામ મારું વિશ્વા.”
“કઈ કોલેજમાં ભણે છે?” વશિષ્ઠકુમારે પાછળ ફરીને પૂછ્યું.
“કાર ચલાવો, સાહેબ!”
“ક્યાં જવાનું છે?” વિનયકુમારે પૂછ્યું.
“આશ્રમ રોડ પર લઈ લો.”
પાંચેક સેકન્ડ કોઈ કંઈ ન બોલ્યું. ડૅશબૉર્ડ પર વેરાયેલી શીંગ જોઈને વિશ્વા બોલી-
“તમે શીંગ ન ખાધી?”
“તું મુદ્દાની વાત કર ને!” વશિષ્ઠકુમાર ગરમ અવાજે બોલ્યા.
“તમારે ન ખાવી હોય તો મને આપી દો.”
“નથ્થી આપવી, જા!” વશિષ્ઠકુમાર તાડૂક્યા!
“વીસ રૂપિયા મેં ખર્ચ્યા છે!”
વશિષ્ઠકુમારે શીંગનો ખોબો ભરીને વિશ્વાને આપતાં કહ્યું- “લે, ખા!”
“કોણ છે તું?” વિનયકુમારે પૂછ્યું- “બધે અલગ અલગ નામ કેમ કહે છે?”
“આઈ એમ એજન્ટ ઓફ ઈન્ડીયન સિક્રેટ સર્વિસ એજન્સી.” બે શીંગ મોંમાં મૂકીને તેણે કહ્યું- “ભારતીય જાસૂસ છું.”
બંને વિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા.
“તું જાસૂસ છે?” વિનયકુમારે નિરર્થક પ્રશ્ન કર્યો.
“આશ્રમ રોડ પર જવા દેજો.” વિશ્વાએ કહ્યું- “છેક ઍલિસબ્રિજ સુધી જવાનું છે.”
“અમે લોકો શું તકલીફમાં છીએ?” બીજો પ્રશ્ન.
“હં.” તેણે શીંગ ચાવીને કહ્યું- “આખી વાત કહું. આમેય આપણે છેક હોટૅલ મધુશ્રી દૂર હશે અહીંથી. સંન્યાસ આશ્રમ પાસે, દેવનંદન મેગા મોલમાં.”
“મિનિમમ પાંચ કિલોમીટર તો હશે જ.” વિનયકુમારે કહ્યું- “આપણે આશ્રમ રૉડના એક છેડેથી બીજે છેડે જઈએ છીએ.”
“અલ્યા ભાઈ…” વશિષ્ઠકુમારે કહ્યું- “એ પંચાત કર્યા વગર તું એને બોલવા દે ને! બોલ છોકરી…”
“પાછળના સાડા ચાર મહિનાથી હું એ ટુકડીની પાછળ છું. એ લોકો હમણાં સુધી એકદમ નિષ્ક્રિય હતાં. અમારું કામ અમારે બહું સાચવીને કરવું પડે છે. હું એકલી છું અને એ લોકો વધુ સંખ્યામાં છે. એ લોકો વિશે વધુ માહિતી ભેગી નથી કરી શકી.”
સાંજના સવા છ થઈ ચૂક્યા હતા. આશ્રમ રૉડ પર ટ્રાફિકનો પાર નહોતો. વિનયકુમાર ટ્રાફિક પર નહિ, વિશ્વાની વાત પર વધુ ધ્યાન આપઈ રહ્યા હતા. વશિષ્ઠકુમારનું સંપૂર્ણ ધ્યાન વિશ્વાની વાત પર જ હતું. રાત્રે આઠ વાગ્યે બંને વિજ્ઞાનીઓએ પરિવાર સાથે એક લગ્નમાં જવાનું હતું. અત્યારે તે બંને વિશ્વાની વાતમાં મુગ્ધ હતા. વિશ્વા શીંગ ખાવાનું બંધ કરીને બોલી રહી હતી-
“હૅડ-ક્વાર્ટરમાંથી મને એ લોકો વિશે બહુ ઓછી માહિતી આપવામાં આવેલી. હૅડ-ક્વાર્ટરને શંકા છે કે એ લોકો આતંકવાદીઓ છે. એ લોકોની બૅઝિક માહિતી તો મેં શરૂઆતાના એક મહિનામાં જ મેળવી લીધી હતી. પછી તો કંટાળાજનક સ્થિતિ સર્જાઈ હતી. એ લોકો તદ્દન નિષ્ક્રિય હતા. ત્રણ મહિના સુધી કંઈ જ બન્યું નથી.”
વાત સાંભળવામાં તલ્લીન થઈ ગયેલા વિનયકુમાર અચાનક જાગૃત થઈ ગયા અને પૂરા બળથી બ્રૅક-પૅડલ પર પગ દબાવ્યો. સીટ-બૅલ્ટ બાંધેલો હોવાથી બંને વિજ્ઞાનીઓ જકડાયેલા રહ્યા પણ વિશ્વા આગળની તરફ નમી ગઈ. આગળની બંને સીટની વચ્ચેની જગ્યામાં તે ઝૂકી હતી. તે બેઠી થઈ અને સીટનો ટેકો દઈને બેઠી. એક બાઈકને અથડાતા માંડ બચ્યા હતા.
ફરી ગાડી ચાલી, વાત ચાલી-
“છેલ્લા વીસેક દિવસથી તેઓ સક્રિય બન્યા છે. હું સભાનપણે તેમના પર ધ્યાન આપવા લાગી છું. છેલ્લા દશ દિવસથી તેઓ તમારી પાછળ છે.”
“એક મિનિટ.” વિનયકુમારે કહ્યું- “એક પ્રશ્ન છે.”
“શું?”
“એ લોકો છેલ્લા વીસ દિવસથી સક્રિય થયા છે અને દશ દિવસથી અમારી પાછળ છે. તો, એ પહેલાનાં દશ દિવસ એમણે શું કર્યું?”
“પ્રશ્ન સારો કર્યો તમે!” બે-ત્રણ શીંગ મોંમાં મૂકીને વિશ્વા બોલી- “પણ એ બધી ડિટેઈલ્સ હું તમને ન આપી શકું. સોરી!”
“એ લોકો ખરેખર આતંકવાદીઓ છે?” વશિષ્ઠકુમારે પૂછ્યું.
“એ લોકો શું કરી રહ્યાં છે એ પાકી ખબર પડે પછી એમને કઈ કેટેગરીમાં મૂકવા એ નક્કી થાય. અમારા હૅડ-ક્વાર્ટર પાસે એ લોકોની જેટલી માહિતી છે એ પરથી એ લોકો ખતરનાક છે એટલું તો ચોક્કસ કહી શકાય.”
“પણ એ લોકો અમારી પાછળ કેમ પડ્યા છે?” વિનયકુમારે મહત્વનો પ્રશ્ન કર્યો.
“તમે કોઈ ગજબની શોધ કરવાના છો, એટલે.” કહીને વિશ્વાએ બે શીંગ મોંમાં નાખી.
આશ્ચર્યાઘાતને કારણે વિનયકુમારનો પગ એક્સેલરૅટરને પૅડલ પર વધુ દબાઈ ગયો. ટ્રાફિક ખૂબ હોવાને કારણે ગાડી સેકન્ડ ગીઅરમાં હતી. પરિણામે, એક્સેલરૅટર વધુ દબાઈ જવા છતાં સ્પીડ ખાસ વધી નહોતી પણ જાણે ઘાયલ થયેલા વિકરાળ જાનવરનું મોં બંધાયેલું હોય અને તેના જખમ પર દબાણ આવ્યું હોય તેવી બેઠી બૂમ ગાડીએ પાડી હતી. એ અવાજને કારણે વિનયકુમાર પુનઃજાગૃત થયા હતાં અને બ્રેક દબાવી હતી. આગળની ગાડીને અથડાતાં બે-અઢી ઈંચ જેટલું રહી ગયું.
વિશ્વાનું છેલ્લું વાક્ય સાંભળીને વશિષ્ઠકુમારની આંખો તો જાણે ચશ્માના કાચની બહાર આવી ગઈ.
“સાહેબ, કાર ચલાવતાં આવડે છે કે નહિ?” અચાનક લાગેલા આંચકાને કારણે, ફરી એકવાર આગળ નમી ગયેલી વિશ્વા બોલી.
જવાબ આપવાને બદલે વિનયકુમાર પોતાની અને વશિષ્ઠકુમારની વચ્ચે ઝૂકી પડેલી વિશ્વાને જોઈ રહ્યા. તેની મુટ્ઠીમાં શીંગ સુરક્ષિત હતી. તે ફરી વ્યવસ્થિત બેઠી. આસપાસના અમુક લોકો તેમની ગાડી સામે જોઈ રહ્યા છે એવું ત્રણેયે જોયું. ગાડી ચાલી.
થોડા સમય પછી વિનયકુમારે પૂછ્યું-
“હવે અમારે શું કરવાનું છે?”
“અત્યાર સુધી હું એ લોકોના ધ્યાનમાં નહોતી આવી. આજે હું એમની નજરે ચડી ગઈ.”
“આજે જ?” વશિષ્ઠકુમારે આશ્ચર્ય ઠાલવ્યું- “આજે એવું શું બન્યું?”
“અત્યારે જે બની રહ્યું છે.”
“એટલે?”
“વિનયસર, તમે ગાડીના ઝાટકા ન મારતા!” વિશ્વાએ છેક વિનયકુમારના કાનમાં કહ્યું- “એવી વાત કહેવા જઈ રહી છું.”
“હં…” આશ્ચર્ય અને ભયનો આઘાત સહી લેવાની તૈયારી સાથે વિનયકુમારે હંકારો ભણ્યો.
“એક માણસ અત્યારે આપણો પીછો કરી રહ્યો છે.” સીટનો ટેકો દઈને બેસતાં તે બોલી- “મને આ કારમાં બેસતી જોઈ હતી તેણે.”
બંને વિજ્ઞાનીઓ સંપૂર્ણપણે ડઘાઈ ગયા હતા. દરમિયાન વિશ્વાએ થોડીક શીંગ ખાઈ લીધી. ગળુ ખોંખારીને તે બોલી-
“એ લોકો બુદ્ધિશાળી છે. તેઓ સમજી જશે કે મેં લિફ્ટ માંગવાનો ઢોંગ કર્યો હતો. કેમ કે તમે લોકો જે રીતે ‘રાઉન્ડ’ મારશો એ એમને શંકાસ્પદ લાગશે જ. પહેલાં તમે શિવ હોસ્પિટલ પાસે ઊભા હતા. પછી શીંગ ખરીદીને સિલ્વર ઑક સર્કલ પાસે આવ્યા. મને બેસાડી. હવે આખો આશ્રમ રૉડ પાર કરીને હોટૅલ મધુશ્રી આગળ મને ઉતારશો. ત્યાંથી તમે ઘરે પાછા જશો. તો, મને લિફ્ટ આપવા માટે જ તમે ગાડી લઈને નીકળ્યા હતા?”
“આવું આયોજન કેમ કર્યું?” વશિષ્ઠકુમાર ગુસ્સે થયાં- “એ લોકો સમજી જશે કે તું…. આવું આયોજન કરાય?”
“મારું આયોજન તો ગઈકાલનું હતું, સર!”
કારમાં શાંતિ.
વિનયકુમારને પાછો એમનો પ્રશ્ન યાદ આવ્યો-
“અમારે શું કરવાનું છે?”
“હં…” મોઢામાંની શીંગ ઝડપથી ચાવીને તે બોલી- “હું એમની નજરમાં આવી જ ગઈ છું. પરંતુ, તેઓ મને ઓળખતાં નથી. એ લોકોને એ ખબર નથી કે હું ઈન્ડિયન સિક્રેટ સર્વિસ એજન્સીની એજન્ટ છં અને તેઓની જાસૂસી કરી રહી છું. આજની આપણી મુલાકાતના કારણે એ લોકો મારી જાસૂસી કરશે. એનો અર્થ શું થયો? મારે એમની સીધી જ લડાઈ શરૂ થઈ જશે સમજાય છે ને વાત? હવે એ લોકોની જાસૂસી કરવાનું તો દૂર રહ્યું, મારે પોતે એમનાથી ભાગતું ફરવું પડશે. એ કારણે હું તમને પણ મદદ નહિ કરી શકું.”
બંને વિજ્ઞાનીઓ વિચારતા રહ્યા. વિશ્વા બોલી-
“તમારી મદદ કરવા માટે મારે તમને લોકોને નજીકથી ઓળખવા તો પડે. તમે તમારી શોધ વિશે જે કંઈ જણાવી શકો એ મારે જાણવું પડે. પણ હું આ રીતે તમને મળતી રહીશ તો એ લોકો મને ટાર્ગૅટ બનાવશે જ. મારી મારી ઓળખાણ છૂપી રાખવી એ અતિ અગત્યનું કામ છે. બધું જ કામ થાળે પડી જાય એવો એક રસ્તો છે.”
“શું?” બંનેએ એકસાથે પ્રશ્ન કર્યો.
“હું તમારા ઘરમાં જ રહું. એ લોકો અત્યારે તો મારા વિશે જાતજાતની અટકળો કરશે. પણ હું તમારા ઘરમાં રહેવા લાગીસ ત્યારે તેઓ મને તમારી ભાણી કે ભત્રીજી માનીને ‘ઈગ્નોર’ કરશે. આ રીતે હું ખૂબ જ સરસ રીતે મારું કામ કરી શકીશ.”
“અમારે વિચારવું પડશે.” વશિષ્ઠકુમારે કહ્યું.
“અત્યારે એવો સમય નથી, સર!”
“પણ અમારે ઘરે શું કહેવું?” તેમણે પ્રશ્ન કર્યો- “ઘરે એમ કહેવું કે આતંકવાદીઓ આપણી પાછળ પડ્યા છે? તારું શું કહેવું છે, વિનય?”
“હું વિશ્વાએ મારા ઘરે રાખવા તૈયાર છું.”
“મારે વિચારવું પડશે.” વશિષ્ઠકુમારે કોઈ નિર્ણય જાહેર ન કર્યો.
“ભલે!” બારીના બંધ કાચમાંથી બહાર જોઈ રહેલી વિશ્વા બોલી- “આજની આખીય રાત વિચારી લો! હું મધુશ્રીના બસો સાત નંબરમાં રોકાઈ છું. ત્યાં મારું નામ શિવાની લખાવ્યું છે. કાલે સવારે આઠથી નવના ગાળામાં તમે મને લેવા આવી શકો છો. હું તમારી રાહ જોઈશ. જો તમે નહિ આવો તો હું સમજીશ કે તમે આતંકવાદીઓ સામે લડી લેવા સક્ષમ છો.”
કાર જરા સાઈડમાં ઊભી રાખીને વિનયકુમારે કહ્યું-
“આવી ગઈ હોટૅલ મધુશ્રી.”
“ખૂબ જ મહત્વની બે વાત કહું.” શાંતિથી બેસી રહેલી વિશ્વા બોલી- “પોલીસને જાણ ન કરતાં, નહિંતર બધું ભયંકર ગોટાળે ચડી જશે.”
વિજ્ઞાનીઓ આ બાબતે જરા મૂંઝાયા. વિશ્વા કારમાંથી ઉતરી. દરવાજો બંધ કરીને ડ્રાઈવર વિન્ડો પાસે આવી. ઝુકીને બોલી-
“બીજી વાત. મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો ખાતરી કરાવી આપું. પણ તમારે ચૂપચાપ ઘરભેગા થવાનું, સમજ્યા? અત્યારે એ માણસ ક્યાંક દૂરથી આપણને જોઈ રહ્યો હશે. તમે કાર સ્ટાર્ટ કરશો એટલે એ માણસ તૈયાર થશે. તમે આગળ વધવાનું શરૂ કરશો ત્યારે તે તમારી પાછળ આવશે. બાઈક પર સવાર થયેલો હશે. આછા લાલ રંગનું હૅલમેટ પહેર્યું હશે. પોપટી અને ભૂરા પટ્ટાવાળી ટી-શર્ટ પહેરી હશે. જો એ વધારે નજીક આવશે અને તમે ધ્યાનથી જોશો તો એ માણસનું પોપટની ચાંચ જેવું નાક દેખાશે. એ માણસ છેક શિવ હોસ્પિટલથી તમારી પાછળ છે અને હજી કલ્પતરૂના ગેટ સુધી પાછળ આવશે. એ તમને કંઈ નહિ કરે, હોં! પણ તમે સીધા જ ઘરે જજો, વચ્ચે કોઈ જ દોઢડહાપણ ન કરતાં. કાલે સવારે તમારી રાહ જોઈશ. આવજો!”
વિશ્વા રસ્તો ક્રોસ કરીને મધુશ્રીના દરવાજે પહોંચી. બંને વિજ્ઞાનીઓ તેને જોઈ રહ્યા. તે દરવાજે અટકી. અવળી ફરી. ‘આવજો’નો ઈશારો કર્યો અને અંદર ચાલી ગઈ.
એક મિનિટ સુધી વિનયકુમારે કાર જ સ્ટાર્ટ ન કરી. બંને જણાં એમ જ બેઠાં રહ્યા, ડરતાં રહ્યા. હિંમત કરીને વિનયકુમારે કાર સ્ટાર્ટ કરી. ત્રણેય મિરરમઆં જોયું. વિશ્વાએ વર્નવ્યો હતો તેવો માણસ ક્યાંય દેખાયો નહિ. તેઓ આગળ વધ્યા. એ માણસ દેખાયો. વિનયકુમાર ક્યાંય સુધી રિઅર-વ્યુ-મિરરમાં જોઈ રહ્યા.
“અરે, તું કાર ચલાવવામાં ધાન આપ.” વશિષ્ઠકુમારે કહ્યું- “હું મિરરમાં જોઉં છું.”
તેઓ આશ્રમ રોડ પર પાછા નહોતાં ફર્યા. અહીં આશ્રમ રોડ પૂરો થાય છે. આગળ જતો રસ્તો પાલડી રૉડ તરીકે ઓળખાય છે.
“એ આપણી પાછળ જ છે.” વશિષ્ઠકુમાર વિનયકુમારને જણાવતા રહ્યા.
તેમણે પંચવટી સર્કલ વટાવ્યું અને નહેરુનગર BRTS તરફ આગળ વધતાં રહ્યા. સાંજના પોણા સાતનો સમય હતો. નોકરિયાત વર્ગ ઘરે જઈ રહ્યો હતો. ટ્રાફિક પુષ્કળ હતો. આટઆટલાં વાહનોમાં આ વિજ્ઞાનીઓની કાર પર નજર જમાવી રાખવામાં એ બાઈકસવારને ઘણી તકલીફ પડતી હશે. કારનો રંગ પણ વિશિષ્ટ નહોતો, સફેદ હતો. સ્પષ્ટ હતું એ માણસ આ રીતે પીછો કરવાનું કામ કંઈ બીજી-ત્રીજી વખત નહોતો કરતો! વશિષ્ઠકુમારની નજર મિરર પરથી ખસતી જ નહોતી. તેઓ કેટલે પહોંચ્યા છે એ તમને ધ્યાનમાં જ નહોતું. બાઈક સવાર ક્યારેક અન્ય કોઈ કાર કે AMTS બસની પાછળ ઢંકાઈ જતો. અમુક ક્ષણોમાં જ તે એ વાહનને ઓવરટૅક કરી લેતો. તે ખૂબીથી આ કામ કરી રહ્યો હતો. છેકથી તેણે અમુક નિશ્ચિત અંતર જાળવી રાખ્યું હતું. જો વિશ્વાએ જણાવ્યુણ ન હોત તો આ બંનેને તો અંદાજ પણ ન આવ્યો હોત કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે.
કલ્પતરૂ સોસાયટીના દરવાજા સુધી એણે પીછો ન છોડ્યો. અલબત્ત, ત્યાં સુધીમાં તો સવા સાત થઈ ગયા હતા. અંધારું થવા લાગ્યું હતું.
વિનયકુમારના ઘર પર તાળુ હતું. વશિષ્ઠકુમારના ઘરની ઓસરીમાં વૈદેહી, વનિતાબેન અને વીણાબેન બેઠાં હતા. ગાડી આવતી જોઈ કે તરત જ તેઓ ઊભા થયા અને ગાડી પાસે આવ્યા.
“ચાલો, આપણે લગ્નમાં જવાનું છે ને!” વીણાબહેને વિનયકુમાર સામે જોઈને કહ્યું.
“પંદરેક મિનિટ પછી જઈએ.” વશિષ્ઠકુમારે કારમાંથી ઉતરીને કહ્યું.
“અરે, મોડું થઈ જશે, ભઈ!” વનિતાબેનથી બોલાઈ ગયું.
“તું પંદર મિનિટ મોડી જઈશ તો લગ્ન અટકી નહિ પડે!” વિનયકુમારે જરા ગુસ્સાથી કહ્યું.
બધાં વશિષ્ઠકુમારના ઘરમાં આવ્યા.
“અરે, તમે બંની તો જૂના કપડાં પહેરેલાં છે.” લાઈટ ચાલુ થતાં વૈદેહીએ પપ્પા અને કાકાને સંબોધીને કહ્યું- “એટલે પંદર મિનિટ પછી જવાનું કહે છે!”
“એવું નથી!” વશિષ્ઠકુમારે કહ્યું- “બહુ મહત્વની વાત કરવાની છે. બેસો.”
બધાં ગોઠવાયા. વશિષ્ઠકુમારે આખીય વાત કહી સંભળાવી. હતપ્રભ બનીને સ્ત્રીઓએ આખી વાત સાંભળી.
“હું વિશ્વાને ઘરે લાવવા તૈયાર છું.” વિનયકુમારે એમનો નિર્ણય જાહેર કર્યો.
“મારી પણ હા છે.” વીણાબેને કહ્યું- “એ છોકરી આપણી મદદ કરે છે, કેટલી ડાહી કહેવાય!”
“એ છોકરીને ઘરે લાવવી જોઈએ.” વનિતાબેને કહ્યું- “આતંકવાદીઓએ આપણામાંનાં કોઈકને કંઈક કરી નાખ્યું તો?”
“આપણે પોલીસને જાણ ન કરવી જોઈએ?” વૈદેહીએ પ્રશ્ન કર્યો.
“વિશ્વાએ ના પાડી છે.” વિનયકુમારે કહ્યું.
“કેમ?”
“ખબર નહિ.” વશિષ્ઠકુમારે જવાબ આપ્યો અને પૂછ્યું- “તારો મત શું છે, બેટા?”
“હં?” વૈદેહી જાણે ઊંડા વિચારોમાંથી બહાર આવી- “વિચારીને કહીશ. તમારે મોડું થશે. તમે જાઓ.”
“લે, તારે નથી આવવાનું?” વનિતાબેને પૂછ્યું.
“મારી ફ્રેંડની બર્થ-ડે પાર્ટીમાં જવાનું છે.”
“હમણાં સુધી તો લગ્નમાં આવવાની હતી.” વિનયકુમારે પ્રશ્ન કર્યો.
“હા, કાકા. મને લાગે છે કે હું ત્યાં નહિ જઉં તો એને ખોટું લાગશે.”
“ભલે જતી!” વીણાબેને કહ્યું- “તમે બેઉ ભાઈઓ કપડાં તો બદલો!”
દશેક મિનિટ પછી વૈદેહીએ એ ચારેયને વિદાય કર્યા.
એ લોકો ગયા પછી વૈદેહી ઘરમાં પાછી આવી. આમ તો તેને કંઈ ઉતાવળ નહોતી પણ તે ઘણી ઉત્સુક હતી…
તે અરીસા સામે ઊભી રહી.
પોતાને સુંદર માનતી કોઈપણ કન્યા કે સ્ત્રીને જેની ઈષ્યા થઈ આવે અને જેને નીરખતાં કોઈ કલારસિક યુવાનને શૃંગારસથી છલકાતાં હજારો કાવ્યોની અનુભૂતિ એકસાથે થઈ આવે તેવા પોતાના દેહને તે અરીસામાં જોઈ રહી. ખુલા કેશની વચ્ચે તેનો ચહેરો શાંત સરોવરનાં નિર્મળ જળ પર ઝીલાતાં પૂર્ણિમાના ચંદ્ર સમો લાગતો હતો. જમણી તરફના તેના વાળ ખભા પાછળ થઈને પીઠ પાછળ સંતાઈ જતાં હતા અને ડાબી તરફના વાળ ખભાની આગળ લેવાયેલાં હતા, જે વક્ષઃસ્થળના ડાબા ભાગ પર પથરાયેલા હતા. ખભાથી લઈને છેલ્લી પાંસળી સુધી ગુલાબી અને ત્યાંથી છેક ઘુંટણ સુધી કાળા રંગની અનારકલી કુર્તીમાં તે ઘણી જ મોહક લાગતી હતી. ઘુંટણ પાસે પૂર્ણ થતો અને ત્યાં બે ઈંચની અને સફેદ રંગની ઝીણી-ઝીણી જાળીથી કુર્તીનો ઘેર સુશોભિત હતો. કુર્તીના છાતીના ભાગના રંગનો, પ્રમાણમાં ઓછો પહોળો અને ખાસો લાંબો દુપટ્ટો તેને ગળા ફરતે તો નાખ્યો જ હતો પણ જમણો છેડો ખભાની નીચેથી આગળ લાવીને જમણા હાથના કાંડા પર મહારાજાના ખેસની જેમ વીંટ્યો હતો અને એટલે જ તેણે જમણો હાથ સીધો નહોતો રાખ્યો, કોણીમાંથી કાટખૂણે વાળેલો રાખ્યો હતો. દુપટ્ટાની ચારેય કિનાર પર એકાસ સેન્ટીમીટર પાતળી કાળી બોર્ડર જડેલી હતી, જે દુપટ્ટાનો ઉઠાવ વધારતી હતી. ઘેરા ગુલાબી રંગની લેંગીગ્સ તેના પગ પર સુંદર રીતે ફીટ બેસતી હતી.
સૌંદર્ય વિવેચક યુવાનોનું કહેવું હતું કે વૈદેહીની સુંદરતા એની પોતાની છે, કપડાં અને બીજું-ત્રીજું તો ખોટી ‘ક્રેડિટ’ લઈ જાય છે; કોઈપણ કપડાં, કોઈપણ હૅર-સ્ટાઈલ, કોઈપણ આભૂષણ કે કોઈપણ ‘મૂડ’માં વૈદેહી એવી ને એવી જ મનોહર લાગે છે. મૅકઅપ કરવા પર જો પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો વૈદેહી કેટલીય ફિલ્મ-અભિનેત્રીઓને ઝાંખી પાડી દે. ને એને પરિણામે જ, બળતણ તરીકે જેનો ઉપયોગ કરીને ચા ઉકાળી શકાય તેટલાં પ્રેમપત્રો વૈદેહીને મળી ચૂક્યા હતા. હા, એ જથ્થાબંધ પત્રો વૈદેહીએ સાચવી રાખેલા. એ પત્રો એના અહંકારમાં વધારો કરતાં.
અરીસાની નીચેના ખાનામાંથી હૅર-ક્લૅમ્પ કાઢીને વાળ ભેગાં કર્યાં, અંબોડા જેવું કંઈક કર્યું. આમ તો તેણે કારમાં જવાનું હતું એટલે તેણે વાળ ખુલ્લાં રાખ્યા હતા. હવે તેણે એક્ટિવા પર જવું પડશે.
સૅન્ડલ પહેરીને તેણે એક્ટિવાની ચાવી લીધી. લાઈટ્સ બંધ કરીને ઘરની બહાર આવી. તાળુ માર્યું. એક્ટિવા સ્ટાર્ટ કરીને ઉપડી…. હોટૅલ મધુશ્રી તરફ….
વશિષ્ઠકુમારની વાત વૈદેહીએ ધ્યાનથી સાંભળી હતી. હવે, એ દિવસોમાં વૈદેહી એક ટીવી સીરિયલ જોતી હતી. એમાં એવું દેખાડ્યું હતું કે એક પરિવારમાં એક વ્યક્તિ ‘હું છૂપો પોલીસ છું’ એમ કહીને ઘૂસી જાય છે અને પાંત્રીસ એપિસોડ પછી ખબર પડે છે કે એ ખોટું બોલતો હતો. વિશ્વાની વાત પપ્પાના મોઢે સાંભળતી વખતે વૈદેહીને એ વાત યાદ આવી હતી. વાતના અંતે મધુશ્રી હોટૅલનું નામ સાંભળીને વૈદેહીના મનમાં વંટોળ ઉઠ્યો હતો.
વૈદેહીની ઘણીય ફ્રેંડ્સમાંની એક આયશા. વૈદેહીની એની સાથે મિત્રતા સારી. આયશાના પિતાજી, તારિકભાઈને મધુશ્રી હોટૅલમાં મેનેજર તરીકે નોકરી મળી ત્યારે તેમનાં ઘરે નાનકડી ઉજાણીનું આયોજન હતું. તેમાં વૈદેહીને પણ આમંત્રણ મળેલું. આયશાએ જાહેર કર્યું કે તેની મિત્ર વૈદેહી કંઈક ગાઈ સંભળાવશે. વૈદેહી ગાવામાં ત ક્યાંક શરમ રાખે જ નહિ! તે ખરેખર સારી ગાયિકા છે. એ ઉજાણીમાં સૌને જાણે પ્રોફેશનલ સિંગર સાંભળવા મળી હતી. તારિકભાઈ પણ ખુશ થઈ ગયા હતા. એ દિવસથી વૈદેહી તારિકભાઈને કાકા કહીને સંબોધવા લાગેલી.
હોટૅલ મધુશ્રીને સમાવીને બેઠેલાં દેવનંદન મેગા મોલ પાસે વૈદેહી પહોંચી ત્યારે નવ વાગી ગયા હતા. હોટૅલના બે-અઢી મીટર પહોળા પ્રવેશદ્વાર પર બે-અઢી મીટર વ્યાસનું અર્ધવતુળાકાર છજું હતું, જેનાં પર હોટૅલના નામના અક્ષરો લગાવેલા હતાં અને તેમાંની લાઈટ્સથી તે અક્ષરો પ્રકાશિત હતા.
વૈદેહી અંદર પ્રવેશી. કથ્થાઈ અને સફેદ રંગની સનમાયકાવાળા રિસેપ્શન-ટેબલ પર તેની નજર ગઈ. ત્યાં બેઠેલો માણસ કમ્પ્યુટરમાં કામ કરતો હતો. બે માણસો ત્યાં ઊભા હતા. તેમનો સામાન તેમના પગ પાસે પડ્યો હતો. અંદર પ્રવેશતાંની સાથે જ સામેની ભીંત પર લગાવેલું, લાકડાની ફ્રેમમાં મઢાયેલું ચિત્ર ધ્યાન ખેંચે છે. લગભગ ૨*૫ના એ ચિત્રમાં નીલું આભ, હિમાચ્છાદિત પર્વતો, ઠંડી નદી, નદીના પ્રવાહમાં અવરોધ બનેલાં બે મોટાં પથ્થરો અને પાઈનના ઊંચા વૃક્ષો આબેહૂબ ચીતરાયાં છે. કાઉન્ટર પર બેઠેલાં માણસની પાછળની ભીંત પર લગાવેલી મોટી ઘડિયાળ નવને પાંચ દર્શાવે છે.
“સર…” સામે ઊભેલાં બે માણસોને ચાવી આપતાં એ રિસેપ્શનિસ્ટ બોલ્યો- “રૂમ નં. ૨૦૯ ઈઝ યોર ફોર અ મન્થ. વેલકમ ટુ હોટૅલ મધુશ્રી! વેલકમ ટુ અહમેડાબાદ!”
“થેંક યુ!” એક ભાઈએ ચાવી લીધી.
બેમાંનો એક માણસ એમનો સામાન ઉંચકવા માટે પાછળ ફર્યો અને એની નજર વૈદેહી પર પડી.
એક નોકરે એમનાં થેલાં ઉપાડ્યા અને તેઓ તેમનાં રૂમ તરફ ચાલ્યા. જેણે વૈદેહીને જોઈ હતી એણે મોબાઈલમાં કોઈકને ફોન લગાવ્યો.
“યસ, મૅમ!” કાઉન્ટર પરનાં માણસે વૈદેહીને પૂછ્યું.
“મારે તારિકકાકાને મળવું છે.”
“સ્યોર, મૅમ!” તેણે એક ફોન જોડ્યો. ફોન પર વાત કરી અને પછી વૈદેહીને કહ્યું- “ચાલો, મૅમ!”
“વૈદેહી, આવ!” વૈદેહીને તેમની ઓફિસમાં પ્રવેશી ત્યારે તારિકભાઈ ખુરશીમાંથી ઊભા થયાં અને વૈદેહીને આવકારી.
“કેમ છો, કાકા?” વૈદેહી તેમને પગે લાગી.
વૈદેહી બેઠી. બંનેએ એકબીજાના પરિવારજનોની તબિયત પૂછી. આયશા અંગે અમુક વાતો થઈ અને તારિકભાઈએ વૈદેહીને વર્તમાન વિશે અને ભવિષ્યના પ્લાનિંગ વિશે અમુક પ્રશ્નો પૂછ્યા. વૈદેહીને અત્યારે આ વાતોમાં કોઈ રસ નહોતો.
“અત્યારે કેમ આવવાનું થયું?” તારિકભાઈએ પ્રશ્ન કર્યો.
“શિવાનીને મળવા.”
“શિવાની…”
“બસો સાત નંબરમાં રોકાઈ છે.”
“તું એને ઓળખે છે?”
“હં…. એ મારી ફ્રેન્ડ છે.”
“અચ્છા!”
“એ એકલી છે?” વૈદેહીએ પૂછ્યું.
“હા.”
“કોઈ એને મળવા આવે છે?”
“બસો સાત નંબર માટે….” તારિકભાઈએ યાદ કરીને કહ્યું- “હજી સુધી તો કોઈ નથી આવ્યું.”
“કેટલાં દિવસોથી એ અહીં આવી છે?”
“લગભગ તો એ ગઈ કાલે રાત્રે જ આવી છે. છતાંય આપણે કન્ફર્મ કરી લઈએ.” તારિકભાઈએ કમ્પ્યુટરમાં એ માહિતી શોધતાં પૂછ્યું- “પણ બેટા, તારે આ બધું કેમ જાણવું છે?”
“મારે એને અમદાવાદ ફેરવવી છે અને મારા ઘરે પણ લઈ જવી છે.” વૈદેહીએ આડેધડ જવાબ આપી દીધો- “પછી એ જાતજાતનાં બહાનાં ન કાઢે ને એટલે પહેલેથી બધું જાણી લઉં!”
તારિકભાઈ જરા હસ્યા. બોલ્યા- “જો, ગઈ કાલે રાત્રે આઠ વાગ્યે એ અહીં આવી હતી અને આવતી કાલે સવારે આઠ વાગ્યે જવાની છે. અમારી હોટૅલમાં ચૅકઈન કે ચૅકઆઉટ સવારના કે રાતના આઠ વાગ્યે જ થાય છે. શિવાનીએ એક દિવસ અને બે રાતનું બૂકિંગ કરાવ્યું છે.”
“ઓકે!” કહીને વૈદેહી ઊભી થઈ- “હું એને મળી લઉં.”
વૈદેહીને થયું કે તારિકકાકા આનાથી વધુ માહિતી નહિ આપી શકે. ને હવે વધુ પ્રશ્નો કરીશ તો એમને શંકા પણ થશે. એવું પણ બની શકે કે તારિકકાકાના પ્રશ્નોમાં ક્યાંક પોતે અટવાઈ જાય.
“હું તને ૨૦૭ સુધી મૂકી જઉં.”
“ચાલશે, કાકા!” વૈદેહીએ કહ્યું- “સેકન્ડ ફ્લોર પર હશે ને?”
“હા.”
વૈદેહીએ પ્રયાણ કર્યું.
૨૦૭ની ડોરબૅલની સ્વીચ દબાવી.
થોડીવાર પછી બારણું ખૂલવાનો ‘ટક્‌’ અવાજ સંભળાયો. બારણું સહેજ ખૂલ્યું. વૈદેહી ઊભી રહી. તેને જરા નવાઈ લાગી. વિશ્વા બારણું ‘અનલૉક’ કરીને ચાલી ગઈ હતી. વૈદેહીએ બારણાને અંદર ધકેલ્યું. બારણું ખૂલ્યું. વૈદેહી બહાર જ ઊભી રહી. અહીંથી રૂમ આખોય નથી દેખાતો. વૈદેહી અંદર પ્રવેશવામાં સહેજ ગભરાઈ રહી હતી. અહીંથી જ તેણે અંદર નજર નાખી. બે-ત્રણ ડગલાં સુધી દરવાજાની પહોળાઈ જેટલી જ પહોળી ગલી જેવું હતું. એ ગલીમાં ખાસ પ્રકાશ નહોતો. પછી રૂમ શરૂ થતો હતો. એમાં બળતી સફેદ લાઈટનો પ્રકાશ દરવાજા સુધીની સાંકડી ગલીને સહેજ અજવાળું આપતો હતો. સામે ડાઈનિંગ ટેબલ અને ખુરશી છે.
વૈદેહી અંદર પ્રવેશી. વિશ્વા સાથે કઈ રીતે વાત કરવાની છે એ તેણે વિચાર્યું નહોતું. આ ગલીની ડાબી બાજુએ એક કબાટ છે અને જમણી બાજુએ બાથરૂમ તથા ટોઈલેટ છે. વૈદેહી રૂમમાં આવી. બેડથી ચારેક ડગલાં દૂર ઊભી રહી. રૂમની દીવાલો આસમાની રંગથી રંગાયેલી હતી. બેડ પર પથરાયેલી ચાદરનો અને ઓશિકાના કવરનો રંગ પણ આસમાની હતો. બધું એકદમ પ્લૅન આસમાની નહોતું! ચાદરની આસમાની પૃષ્ઠભૂમિમાં ઘેરા આસમાની અને વાદળી રંગની આડી-ઊભી લીટીઓથી ચોકઠાઓ બનેલાં હતાં અને ઓશિકાના કવર પર વાદળી રંગના ફૂલો દોરેલાં હતાં. બેડની બાજુમાં એક ચોરસ ટેબલ પડ્યું હતું, જે બેડ જેટલું જ ઊંચું હતું, તેના પર પાણીનો જગ હતો.

(ક્રમશઃ)