Incpector Thakorni Dairy - 14 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૪

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું ચૌદમું

એક કોલેજીયન યુવતીએ ટાવરના પંદરમા માળેથી કૂદી પડી આત્મહત્યા કરી હોવાની ખબર આવી એટલે ઇન્સ્પેક્ટર ઠાકોર તરત જ ધીરાજીને લઇ નીકળી પડ્યા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો યુવતી જમીન પર ઊંધી પડી હતી. પેટ અને છાતીના ભાગ દબાયેલા હતા. બંને હાથની હથેળીઓ જમીન પર હતી. તેની લાંબી લાંબી આંગળીઓ પરની તાજી નેઇલ પોલીશ અને હોઠ પરની લિપ્સ્ટિક પરથી એ સમજતાં વાર ના લાગી કે આ યુવતીને સૌંદર્ય પ્રસાધનોથી સુંદર રહેવાનો શોખ હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરનું અનુમાન સાચું જ હતું. મરનાર યુવતી સુરીના સુંદરતાની મૂર્તિ હતી. તે કોઇ સંગેમરમરની જીવતી મૂર્તિ જેવી હતી. સુરીના કોલેજમાં દર વર્ષે બ્યુટી ક્વીનની સ્પર્ધા જીતતી હતી. એટલું જ નહીં શહેરમાં યોજાતી ફેશન સ્પર્ધાઓમાં પણ ઉત્સાહથી ભાગ લઇને નામ કમાઇ હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે લાશની આજુબાજુ જોઇને ઉપર તરફ નજર નાખી. પંદરમા માળ સુધી નજર તો પહોંચી પણ આટલે દૂરથી ખ્યાલ પણ ના આવે કે તે કઇ બાલ્કનીમાંથી કૂદી હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરની સૂચના મુજબ ફોટોગ્રાફી અને ફિંગરપ્રિન્ટની કાર્યવાહી કરવામાં આવી.

ઇન્સ્પેક્ટર ઠાકોર સુરીનાના ફ્લેટ પર જવા લિફ્ટ પાસે જઇ ઊભા ત્યાં સુરીનાના માતા-પિતા આવી પહોંચ્યા. બંને અલગ-અલગ જગ્યાએ નોકરી કરતા હતા. બંનેનું હૈયાફાટ રુદન હચમચાવી દે એવું હતું. એકની એક દીકરીના મોતથી આઘાતમાં હતા. ઇન્સ્પેક્ટર ઠાકોર થોડીવાર રોકાયા. મહામુશ્કેલીએ માતા-પિતાને સુરીનાથી દૂર કરી ધીરાજીએ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. ઇન્સ્પેક્ટર ઠાકોરને ખબર હતી કે પીએમ રીપોર્ટમાં ઊંચાઇ પરથી પડી જવાથી માથામાં ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાનો જ અહેવાલ આવવાનો હતો. માત્ર જોવાનું એ હતું કે તેના શરીર પર કોઇના હાથ-પગના નિશાન છે કે નહીં.

એકની એક પુત્રીના વિયોગમાં રડતા-કકળતા માતા-પિતા સાથે ઇન્સ્પેક્ટર ઠાકોર પંદરમા માળે પહોંચ્યા ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. અડોશ-પડોશના લોકો પણ ભેગા થયા હતા. સુરીનાના પિતાએ પોતાની કારની ચાવી સાથેની એક ચાવીથી ઇન્ટરલોક ખોલ્યું. કોઇ બોલ્યું કે દરવાજો અંદરથી બંધ રાખ્યો હતો. મતલબ કે કોઇ અંદર ગયું નથી. ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"બહાર નીકળીને દરવાજો ખેંચી લેવાથી બંધ થઇ જતો હોય છે. એટલે એવું માની ના શકાય કે કોઇ આવ્યું ન હતું." બોલનાર ચૂપ થઇ ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે માતા-પિતા સિવાય કોઇને અંદર આવવાની પરવાનગી ના આપી. અને માતા-પિતાને પણ પોલીસ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી હોલમાં જ બેસવા કહ્યું. ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલાં એ બાલ્કનીમાં પહોંચ્યા જ્યાંથી સુરીનાએ ઝંપલાવ્યું હતું. બાલ્કનીની દિવાલની ઊંચાઇ કમર સુધીની હતી. તેના પર ગ્રીલ કરવામાં આવી ન હતી. કદાચ ઘરમાં નાનું બાળક ન હોવાથી ગ્રીલની જરૂરિયાત જણાઇ નહીં હોય. દિવાલ પર ચઢીને નીચે કૂદવાનું સરળ તો હતું. પણ પહેલી વખત નીચે નજર નાખતાં કાચાપોચાને ચક્કર આવે એટલી ઊંચાઇ હતી. સુરીના વર્ષોથી રહેતી હોવાથી કદાચ આ જગ્યાએથી નીચે જોવાનું તેના માટે સ્વાભાવિક અને સામાન્ય બની ગયું હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરે ઉપર નજર નાખી તો સૂર્ય પશ્ચિમમાં ઢળી રહ્યો હતો. નીચે સુરીનાની લાશની જગ્યા પર પોલીસે કરેલા રાઉન્ડના ઝાંખા નિશાન દેખાતા હતા. તે આજુબાજુની બાલ્કનીઓ અને સામેના પચીસ માળના ટાવર પર નજર નાખી સુરીનાના રૂમમાં પહોંચ્યા.

સુરીનાના રૂમમાં બેડ પર તેના કોલેજના પુસ્તકો અને નોટબુક્સ વિખરાયેલા પડ્યા હતા. એક ટેબલ પર લેડીઝ રૂમાલ, નેઇલ પોલીશની શીશી, એક નોટબુક, નેઇલ કટર, બ્રેસલેટ, મોબાઇલ જેવી ઘણી વસ્તુઓ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે એ બધી વસ્તુઓ કબ્જે લેવા કહ્યું. અને તે અંગે તેના માતા-પિતાને જણાવ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર સુરીનાના આખા ઘરમાં ફરી આવ્યા. તેના માતા-પિતા હજુ રડતા હતા. તેમને જેમતેમ છાના રાખી કેટલાક સવાલ કર્યા અને બાકીની પૂછપરછ પછીથી કરવાનું નક્કી કરી લીધું. તેમણે હોલમાં એક ટેલિફોન જોયો અને કંઇક વિચારી રીડાયલનું બટન દબાવ્યું. સીક્યુરીટી ગાર્ડનો અવાજ આવ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેનું નામ પૂછ્યું અને તેને નીચે બેસવા કહ્યું. ઇન્સ્પેક્ટર ઠાકોર નીચે ગયા ત્યારે સીક્યુરીટી ગાર્ડ બેઠો હતો. તેને કેટલાક સવાલ કર્યા. તેની પાસેથી કોલેજમાં ભણતા હોય એવા આ ટાવરના યુવાનો વિશે માહિતી મેળવી અને ધીરાજીને લઇ એ બધા જ યુવાનોના ઘરની મુલાકાત લીધી. તેમની સાથે વાતચીત કરી તેમના મોબાઇલ અને ઇન્ટરકોમ ટેલિફોનની તપાસ કરી.

પોલીસ મથક પર પહોંચ્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોર બે કલાક સુધી આખી ઘટના વિચારતા રહ્યા. પછી ધીરાજીને કેટલીક સૂચનાઓ આપી.

બીજા દિવસે ઇન્સ્પેક્ટર ઠાકોર સુરીનાના ફ્લેટની બાલ્કનીમાં હતા. તેમણે સાથે લાવેલું એક પચાસ કિલોનું પૂતળું બાલ્કનીમાંથી નીચે ફેંકાવ્યું. ઉપરથી જોયું તો એ સુરીનાની લાશની જગ્યાથી થોડે દૂર પડ્યું. તે નીચે ગયા અને ઇશારો કરી ફરી પૂતળું નાખવા કહ્યું. તેમણે જોયું કે પહેલી વખત પૂતળું લાશની જગ્યાથી દસ ફૂટ અને બીજી વખત આઠ ફૂટ દૂર પડ્યું હતું. ધીરાજીને સમજાતું ન હતું કે ઇન્સ્પેક્ટર ઠાકોર શું કરી રહ્યા છે.

ઇન્સ્પેક્ટર ઠાકોર ફરી પોલીસ મથક પર પહોંચ્યા અને ડાયરીમાં કેટલાક મુદ્દા લખી તેના પર વિચાર કરવા લાગ્યા. પછી ધીરાજીને બોલાવી પૂછ્યું:"તમને શું લાગે છે? સુરીનાએ ખરેખર આત્મહત્યા કરી હશે?"

"સાહેબ, તમે એને હત્યા તરીકે જ વિચારતા હશો એની મને ખબર છે. પણ અત્યાર સુધીના પુરાવા અને બધા સાથેની વાતચીત પરથી તો કોઇના પર શંકાની સોય અટકતી નથી. તેના માતા-પિતાનું કહેવું છે કે તે જાતજાતની સૌંદર્ય અને ફેશન સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. તે આવી ઓનલાઇન સ્પર્ધાઓ માટે પણ પોતાના ફોટો અને વીડિયો મોકલતી હતી. તેને પોતાના રૂપ માટે ગર્વ હતો. તે મોટાભાગની આવી સ્પર્ધાઓમાં પહેલાથી ત્રીજા નંબરે રહેતી હતી. એ વાતનું એને થોડું અભિમાન પણ હોય એ સ્વાભાવિક હતું. પરંતુ બે સપ્તાહ પહેલાં શહેરની એક ફેશન સ્પર્ધામાં બેસ્ટ ફિગરની સ્પર્ધામાં તેનો પાંચમો નંબર આવ્યા પછી એ થોડી ઉદાસ અને હતાશ જણાતી હતી. તેને એમ થતું હતું કે તે રૂપવતી છે પણ પરફેક્ટ ફિગર ધરાવતી નથી. તે ડાયટ પર ઊતરી ગઇ હતી. આ બાબતે તેની બહેનપણીઓ તેની હસવામાં મજાક ઉડાવતી હતી. એટલે વધારે દુ:ખી હતી. દરમ્યાનમાં છેલ્લા વર્ષની પરીક્ષા શરૂ થવાની હતી એટલે એ વાંચવામાં વ્યસ્ત હતી. વાંચવામાં એનું દિલ લાગતું હતું કે નહીં એનો બહુ ખ્યાલ એમને નથી. માતા-પિતા બંને નોકરી કરતા હતા એટલે સાથે ઓછો સમય વ્યતીત થતો હતો. મતલબ કે તેના માતા-પિતા તો સ્વીકારી રહ્યા છે કે હતાશામાં તેણે આત્મહત્યા કરી હોય શકે. બાકી કોઇની સાથે પ્રેમ-બ્રેમનું ચક્કર તેમના ધ્યાનમાં નથી. આપણે એનો મોબાઇલ ચેક કર્યો એમાં તો એ દિવસે તેણે કોઇ સાથે વાત કરી નથી. અગાઉના કોલ લોગમાં કોઇ શંકાસ્પદ નામ પણ નથી." કહી ધીરાજીએ સુરીનાના મોબાઇલનું વોટસએપ ખોલ્યું. અને આગળ બોલ્યા:

"જુઓ, તેના વોટસએપમાં તો ઘણા દીવાનાના મેસેજ છે. એના કોલેજના વોટસએપ ગૃપમાં તો તેના મોતથી કેટલાયના દિલ તૂટેલા દેખાય છે. બધા યુવાનોએ રીપ લખીને તૂટેલું દિલ મૂક્યું છે. એ ભરવા એક ટેમ્પો જોઇએ! બધાં તેને મિસ કરતા હોવાની વાત લખી છે. મેં તેને ઓળખતા કેટલાક યુવાનોને મળીને વાત કરી જોઇ. ત્યારે ખ્યાલ આવ્યો કે 'એક અનાર સો બીમાર' જેવી સ્થિતિ હતી. હવે આપણે કયા યુવાન પર શંકા કરીએ? એના જ ટાવરમાં છ છોકરા છે. જેમાંના ત્રણ પર તમને શંકા ઊભી થઇ છે. આપણે એમને મળીને ઘણું પૂછી ચૂક્યા છે. એક છે તેમની ઉપર રહેતો પંતુજી તરીકે ઓળખાતો નવીન, બીજો યુવાન પાંચમા માળે રહેતો અનીસ અને ત્રીજો બારમા માળે રહેતો લવેશ. નવીન તો દેખાવે જ તદ્દન સામાન્ય છે. મોટું શરીર અને મોટા ચશ્મા છે. એ સુરીના જેવી છોકરીને પ્રેમિકા તરીકે કલ્પી જ ના શકે. તેને ખબર છે કે તેના જીવનમાં કોઇ સામાન્ય છોકરી જ હોય. તેણે કહ્યું કે બે દિવસ પહેલાં એ સુરીનાના ઘરે નોટબુક લેવા ગયો હતો. સુરીના વાંચીને રોજ કેટલાક મહત્વના મુદ્દા લખતી હતી. એની તેને જાણ હતી. એ નોટબુક આપણે તેની પાસેથી જોવા માટે લીધી જ છે. બીજો અનીસ થોડો લફરાબાજ લાગ્યો. તેના મોબાઇલમાં ઘણી છોકરીઓના સંપર્ક નંબર હતા. પણ એ એક અઠવાડિયા પહેલાં પાર્કિંગમાં સુરીનાને મળ્યા પછી તેને જોઇ ન હોવાનું કહી રહ્યો છે. ત્રીજો લવેશ થોડો સીધો સાદો લાગ્યો છે. એ ત્રણ દિવસ પહેલાં સુરીનાને મળ્યો હતો. અને અડધો કલાક કોલેજની પરીક્ષાની અને તેની સૌંદર્ય સ્પર્ધાઓ બાબતે ચર્ચા કરી હોવાનું કહી રહ્યો છે. તેણે પણ કહ્યું કે બેસ્ટ ફિગરની સ્પર્ધામાં તે હારી ગઇ એનો અફસોસ વ્યક્ત કર્યો હતો. લવેશે તેને મૂડમાં લાવવા હસતાં-હસતાં કહ્યું હતું કે અમારા જેવા યુવાનોને તો તારું ફિગર બીજી બધી જ છોકરીઓથી બેસ્ટ લાગે છે. ત્યારે તે શરમાઇને જતી રહી હતી. કોઇની સાથેના પ્રેમમાં સુરીનાનું દિલ તૂટી ગયું હોય એવી પણ કોઇ માહિતી નથી. હવે તમે જ કહો કોના પર શંકા કરીએ અને ક્યાંથી પુરાવા લાવીએ?"

ધીરાજી લાંબી વાત કરીને શ્વાસ લેવા રોકાયા.

ઇન્સ્પેક્ટર ઠાકોર મૂછમાં હસ્યા પછી બોલ્યા:"હું તેની હત્યા થઇ હોવાનું વિચારું છું તો મને એમ લાગે છે કે એ બાલ્કનીમાં ઊભી હોય ત્યારે કોઇએ એને ઊંચકીને ફેંકી દીધી પણ હોય. અલબત્ત પોસ્ટ મોર્ટમમાં ઊંચેથી પડી જવાથી માથું ફાટી જતાં મોત થયું હોવાનું લખાયેલું છે. અને સુરીનાના શરીર પરથી કોઇની આંગળીઓના કે બીજા કોઇ નિશાન મળ્યા નથી. તેની સાથે જોર જબરદસ્તી થઇ હોય એવું પણ જણાયું નથી. આપણે પૂતળું ફેંક્યું ત્યારે એ તેની લાશની જગ્યાએથી થોડે દૂર પડ્યું હતું. એ કારણે તેને ફેંકવામાં આવી હોવાની શંકાને બળ મળે છે. બીજા પણ કેટલાક આધાર છે મારી પાસે જે તેની હત્યા થઇ હોવાનું માનવા પ્રેરે છે. હવે પ્રશ્ન પુરતા પુરાવાનો જ છે. એક કામ કરો. સુરીનાના રૂમમાંથી મળેલી બધી વસ્તુઓ લઇ આવો. એના પરથી તપાસને આગળ વધારી કોઇ નિર્ણય પર આવી જઇએ...."

ધીરાજીએ સુરીનાના કેસને લગતી બધી જ વસ્તુઓ ઇન્સ્પેક્ટર ઠાકોરના ટેબલ પર મૂકી દીધી. ઇન્સ્પેક્ટર ઠાકોર કલાકો સુધી એને જોતા રહ્યા અને વિચારતા રહ્યા. પછી એક પ્લાન બનાવ્યો અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું.

*

આજે એક મોટા હોલમાં સુરીનાનું બેસણું હતું. તેને ત્યાં ટાવરમાં રહેતા લોકો, કોલેજનો સ્ટાફ અને કોલેજના મિત્રો, તેની ફેશન સ્પર્ધામાં સંકળાયેલા લોકો, સગા-સંબંધીઓ વગેરેની મોટી સંખ્યામાં અવર-જવર શરૂ થઇ ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર અને તેમનો સ્ટાફ પણ સુરીનાને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો હતો. આજે પોલીસ સ્ટાફના બધા સાદા ડ્રેસમાં આવ્યા હતા.

સુરીનાની તસવીર પર ફૂલો મૂકવા અને હાર પહેરાવવા એક પછી એક વ્યક્તિ આવી રહી હતી. એક યુવાન પણ કતારમાં હતો. તે તસવીર પાસે પહોંચીને સુરીનાને ફૂલનો હાર પહેરાવી રહ્યો હતો ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોર મોટેથી બોલ્યા:"ઊભો રહે યુવાન, આગળ ના વધીશ..."

ઇન્સ્પેક્ટર ઠાકોરનો અવાજ સાંભળી એ યુવાન સાથે બધા જ ચોંકી ગયા. યુવાનના ચહેરા પર ડર લીંપાઇ ગયો. ફૂલનો હાર પકડેલા તેના હાથ ધ્રૂજવા લાગ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોર તેની નજીક જઇને મોટા અવાજે બોલ્યા:"તું આ હાર સુરીનાની તસવીરને પહેરાવવાને લાયક નથી. ખરેખર તો તું એના ગળામાં વરમાળા પહેરાવવા માગતો હતો. પણ હવે તેની હત્યાના આરોપમાં તારા ગળામાં ફાંસીનો ફંદો હશે....તારો બધો ઢોંગ હવે રહેવા દે."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી યુવાનના મોતિયા મરી ગયા. એ ઇન્સ્પેક્ટર ઠાકોરના પગમાં ફસડાઇ પડ્યો. અને રડતાં-રડતાં બોલ્યો:"સાહેબ, મને બચાવી લો...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેનો કાંઠલો પકડી ઊભો કર્યો અને તેનો ચહેરો બધાને બતાવતાં કહ્યું:"જોઇ લો આ હત્યારાનો ચહેરો. એ સુરીનાનો જ નહીં આખા સમાજનો ગુનેગાર છે. એક આશાસ્પદ યુવતીને તેણે મોતને ઘાટ ઉતારી છે...."

બધાએ યુવાનનો ચહેરો જોયો. તેને ઓળખતા લોકોને તો ખ્યાલ આવી ગયો કે આ તો ચશ્મીશ નવીન છે. સુરીનાના ફ્લેટની ઉપરના ફ્લેટમાં રહેતો યુવાન. બધા વિચારી રહ્યા. દેખાવે સાવ સામાન્ય આ યુવાને હીરોઇન જેવી સુરીનાની હત્યા શા માટે કરી હશે? અને કેવી રીતે?

આખા હોલમાં શાંતિ પથરાઇ ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને હવે મોટા અવાજે બોલવાની જરૂર ન હતી.

"આ નવીન... સુરીનાના એકતરફી પ્રેમમાં હતો. તે સુરીનાને પામવા ઇચ્છતો હતો. પણ સુરીનાએ ઇન્કાર કર્યો હશે એટલે તેણે તેને ઘરની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે જાહેરમાં વધારે વાત કરવાનું યોગ્ય ના માન્યું અને નવીનની ધરપકડ કરી પોલીસ મથકે લઇ આવ્યા.

નવીન પોતાની કરણી પર પસ્તાતો બેસી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને કહ્યું:"જો મારી થિયરી એવી છે કે છેલ્લા ઘણા દિવસથી તું સુરીનાને ત્યાં કોલેજના એસાઇમેન્ટ લેવા કે અન્ય બહાને જતો હતો. અને તેની સાથે લગ્ન કરવા વાત આગળ વધારી રહ્યો હતો. તું ગયા વર્ષે કોલેજ બદલી સુરીનાની કોલેજમાં આવ્યો એ હકીકત પણ આ વાત સૂચવતી હતી. સુરીનાના માતા-પિતા તો મોટાભાગે ઘર બહાર જ રહેતા હતા. તેની માતાની વાત પરથી મને લાગ્યું કે ઘરમાં એકમાત્ર તું ક્યારેક આવતો હતો. એટલે સૌથી વધુ શંકા તારા પર હતી. બીજું કે તેં એમ કહ્યું કે બે દિવસ પહેલાં તું સુરીના પાસે નોટબુક્સ લેવા ગયો હતો. પણ તું હત્યા કરી એ દિવસે જ ગયો હતો. તેની સાબિતી એ હતી કે સુરીનાની જે નોટબુક તારી પાસે હતી એમાં એ જ દિવસના સુરીનાએ લખેલા કેટલાક મુદ્દા પણ હતા. એ ઉપરાંત તેં ફ્લેટના ઇન્ટરકોમ પરથી એ દિવસે સુરીના સાથે વાત કરી હતી. મેં તારા ઘરમાંથી ટેલિફોન રીડાયલ કર્યો ત્યારે સુરીનાના પિતાએ ઉપાડ્યો હતો. તેના પુરાવા મારી પાસે છે. મેં જ્યારે સુરીનાના ઘરનો નંબર રીડાયલ કર્યો ત્યારે સીક્યુરીટીને લાગ્યો હતો. એ પુરાવો પણ મારી પાસે છે. મતલબ કે સુરીનાએ તને બોલાવ્યો ન હતો. તે એકલી છે એ જાણ્યા પછી તું એના ઘરમાં ગયો હતો. અને સુરીનાની લાશ મેં જોઇ ત્યારે તેના હાથના નખમાં તાજી લગાવેલી નેઇલ પોલીશ હતી. અને એ નેઇલ પોલીશના એક-બે ટપકા બાલ્કનીની દિવાલ પર હતા. એનો અર્થ એ હતો કે તે નેઇલ પોલીશ કરી રહી હશે ત્યારે તેં એને ધક્કો માર્યો હશે. તેના હોઠ ઉપર પણ થોડા સમય પહેલાં લિપ્સ્ટિક લગાવી હોવાનું જણાતું હતું. તે આત્મહત્યા કરવાની હોય તો આ રીતે તૈયાર થઇ રહી ના હોય....હવે તું સાચી હકીકત બતાવ તો મને ખબર પડે કે હું કેટલો સાચો છું?"

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાતો સાંભળી નવીન ચોંકી ગયો. આ બધી વાતનું તેણે ધ્યાન રાખ્યું ન હતું. તેને એમ હતું કે પોલીસ સુરીનાના મોતને એક સામાન્ય આત્મહત્યાનો કેસ માનીને બંધ કરી દેશે અને પોતે બચી જશે.

ઇન્સ્પેક્ટર ઠાકોર હવે હાથમાં દંડો રમાડતા કરડાકીભર્યા સ્વરમાં બોલ્યા:"બોલ, સાચું કહે છે કે મારી વિદ્યા અજમાવું?"

નવીન હાથ જોડી "સાહેબ...સાહેબ...બોલું છું..." કહી ટેબલ પર પડેલો પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયો અને બોલવા લાગ્યો.

"સાહેબ, સુરીના અમારા ટાવરમાં રહેવા આવી ત્યારથી હું તેને મનોમન ચાહતો હતો. હું તેના રૂપ પાછળ પાગલ હતો. મેં એ કારણે તેની કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને તેની નજીક જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે મને પડોશી હોવાના નાતે દોસ્ત જેવો તો માનતી હતી. પણ તે મારા પ્રેમના ઇશારા સમજતી ન હતી અથવા સમજવા માગતી ન હતી. ઘણી વખત મેં આડકતરી રીતે તેની સાથે રોમાન્સ કરવા પ્રયત્ન કર્યો. ત્યારે તેણે હસવામાં વાત ઉડાવી દીધી હતી. એ દિવસે હું તેને મારા પ્રેમનો એકરાર કરવા જ ગયો હતો. પણ મેં નક્કી કર્યું હતું કે જો આજે સુરીના મને નહીં સ્વીકારશે તો હું તેને મારી નાખતા અચકાઇશ નહીં. હું ઇન્ટરકોમ પર ખાતરી કરીને તેની નોટબુક્સ લેવાના બહાને ખિસ્સામાં ચપ્પુ લઇને ગયો હતો. તે બાલ્કનીમાં નેઇલ પોલીશ કરેલા નખને સૂકવી રહી હતી. મેં પહેલાં તેની નોટબુક્સ મેળવી તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેના રૂપના અઢળક વખાણ કર્યા. તેને મારી દાનતનો ખ્યાલ આવી ગયો એટલે બોલી:"નવીન, વધારે મસ્કા મારવાની જરૂર નથી. આ મલાઇ જેવી ત્વચા તારા જેવા ખરબચડા માણસને અડવા માટે નથી. હું ઘણા દિવસથી તારા નાટક જોઇ રહી છું."

મેં કહ્યું કે,"આ નાટક નથી. હું તને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવા માગું છું.." ત્યારે તે ગુસ્સામાં બોલી:"મને ખબર છે તારા જેવા ઘણા બબૂચક અને ચશ્મીશ મારી પાછળ પાગલ છે. હું હીરો જેવા યુવાનોને દાદ આપતી નથી ત્યાં તારી શું વિસાત છે? હું ઘણા દિવસથી તારી લોલુપ આંખો જોઇ રહી છું. મારે તારા જેવા સાથે દોસ્તી રાખવાની જ ન હતી. તું મારી નજરમાંથી ઊતરી ગયો છે. આ આપણી છેલ્લી મુલાકાત છે. આજ પછી તારું આ ગંદું ડાચું મને બતાવતો નહીં. અને મારી નોટબુક પાછી લાવ...ગેટઆઉટ...." કહી મારા હાથમાંથી નોટબુક ખેંચી લઇ ટેબલ પર મૂકી તે બાલ્કનીમાં નખ સુકવવા જતી રહી. તેના બાણ જેવા કાતિલ શબ્દો મારા દિલ પર લાગી ગયા. મારું મગજ તપી ગયું. તેના પર ભારે ગુસ્સો આવ્યો. મેં જોયું કે તે બાલ્કનીમાં જ ઊભી છે. હું જતો રહ્યો હોવાનું તે માની રહી છે. મેં ખિસ્સ્સામાં રહેલા ચપ્પુ પર હાથ દબાવ્યો. પછી હું કંઇક વિચારીને વેર વાળવાની ભાવના સાથે દબાતા પગલે તેની પાછળ ગયો અને ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેના પગ પકડી ઊંચકીને નીચે ફેંકી દીધી. અચાનક થયેલા આ હુમલાથી તેને બચવાની કોઇ તક મળી નહીં. તે હતપ્રભ હતી એટલે ચિલ્લાઇ ના શકી અને નીચે પડી ગઇ. મેં તેના ટેબલ પરથી નોટબુક લીધી અને તરત જ દોડીને રૂમાલથી દરવાજો ખેંચીને બંધ કરી શૂઝ પહેરવા પણ ઊભો ના રહ્યો. હાથમાં શૂઝ પકડી દાદર ચડી મારા ઘરમાં જતો રહ્યો. મને એમ કે મેં બદલો લઇ લીધો છે. એને સુંદરતાનું અભિમાન હતું એ એની સાથે જ નષ્ટ થઇ જશે. મને કલ્પના ન હતી કે એ પછી મારી જિંદગી કદરૂપી થઇ જવાની છે. પોલીસ આટલી ઝીણવટથી તપાસ હાથ ધરે છે એની મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી...."

"બચ્ચુ, તને ખબર નથી કે,'નામ છે એમનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એમની નજર છે બહુ ચકોર'. કહી ધીરાજી નવીનને લોકઅપમાં લઇ જવા લાગ્યા.

ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"ભાઇ, આ ઉંમરે તમારા જેવા યુવાનોએ મગજ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કલ્પના અને હકીકતમાં અંતર હોય છે. તમે મોબાઇલમાં આ ઓનલાઇન પ્લેટફોર્મ પર જે બધું જુઓ છોને એની પણ મગજ પર ખરાબ અસર થતાં એ વિકૃત બની રહ્યું છે. અતિસુંદર અને સેક્સી છોકરી સાથે લગ્નની મહેચ્છા દરેક યુવાનના મનમાં રમતી હોય છે. પણ આપણે કેવા છે એ પણ ધ્યાનમાં રાખવું એટલું જ જરૂરી છે. તારામાં બીજા કેટલાક સારા પાસાં હશે. પણ એને ખબર પડી કે તું એની કલાનો નહીં સુંદરતાનો પૂજારી છે એટલે તને ના પાડી દીધી. એણે ઘણા સમય સુધી તારી સાથે દોસ્તી રાખી. મતલબ કે એ કોઇ કારણથી તારો આદર કરતી હતી. તેં એને ઝનૂનથી પામવાની વાત કરી એટલે એણે તને તારી હેસિયત બતાવી દીધી. જે વાત તું પચાવી શક્યો નહીં..."

નવીન કહે:"સાહેબ, આપની વાત બિલકુલ સાચી છે...."

ધીરાજી તેને લઇ જતાં કહે:"હવે અંધારી કોટડીમાં સડવાનું થશે ત્યારે આ વાતનું વધારે ભાન થશે...."

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ ૧૬૬ ઇ બુક્સના ૩.૩૦ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના માર્ચ-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૮ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ માં ૭૯૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***