Incpector Thakorni Dairy - 15 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૫

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું પંદરમું

ઇન્સ્પેક્ટર ઠાકોરને અખબારો વાંચવાની ટેવ હતી. તેમની નજર સ્થાનિક સમાચારો પર વધુ સ્થિર થઇ જતી. વિવિધ વિસ્તારમાં બનતા ગુનાઓ વિશે તે ઝીણવટથી વાંચતા હતા. અને આત્મહત્યાના બનાવ તરફ એમનું ધ્યાન વધારે જતું હતું. આજે એક આત્મહત્યાનો કિસ્સો વાંચી ઇન્સ્પેક્ટર ઠાકોરની આંખ ચમકી ઊઠી. તેમણે અખબારનું સીટી ન્યુઝનું એ પાનું ધીરાજીને વાંચવા માટે આપ્યું.

ધીરાજીએ "દિલ્હીના એક ઉદ્યોગપતિએ શહેરના ગેસ્ટ હાઉસમાં આત્મહત્યા કરી." નું મથાળું વાંચી અંદરની વિગતો પર નજર નાખી આત્મવિશ્વાસથી કહ્યું:"સાહેબ, આ આત્મહત્યાનો જ બનાવ લાગે છે...."

"ધીરાજી, હત્યાનો પણ કેમ ના હોય શકે? આપણે એમાં તપાસ કરવી જોઇએ." ઇન્સ્પેક્ટર ઠાકોરે આંખો બંધ રાખી વિચાર કરતાં પૂછ્યું.

"સાહેબ, આ આપણા વિસ્તારનો બનાવ નથી. પોલીસે મોટાભાગની કાર્યવાહી પતાવી દીધી હશે..." ધીરાજીને આ કેસમાં રસ પડતો ન હતો.

"ધીરાજી, એનો અહેવાલ ધ્યાનથી વાંચોને..." ઇન્સ્પેક્ટર ઠાકોર હજુ ધ્યાન અવસ્થામાં હોય એમ બોલ્યા.

ધીરાજીએ અખબારમાં વાંચવાનું શરૂ કર્યુ.

"અમારા પ્રતિનિધિ જણાવે છે કે દિલ્હીથી આવેલા એક ૪૮ વર્ષના યુવાને હાથમાં બ્લેડ મારી આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું. દિલ્હીના એક નાના ઉદ્યોગપતિ સાંખીલાલ ગઇકાલે "અપના ગેસ્ટ હાઉસ" માં રોકાયા હતા. સવારે તેમની રૂમનો દરવાજો ખખડાવતા તેમણે ખોલ્યો ન હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં દરવાજો તોડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સાંખીલાલ બેડ ઉપર મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે ડાબા હાથમાં બ્લેડ મારી નસ કાપી નાખી હતી. પોલીસે ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજ જોઇને જણાવ્યું હતું કે તે રોકાયા એ સમય દરમ્યાનમાં તેમને મળવા કોઇ આવ્યું ન હતું. તે રૂમમાં એકલા જ રહેતા હતા. દર મહિને તે દિલ્હીથી ઉઘરાણી માટે અમદાવાદ આવતા હતા. મરનાર આત્મહત્યા કરતાં પહેલાં કાગળ લખી આ માટે કોઇ જવાબદાર ન હોવાનું કહી ગયા છે. પોલીસે દિલ્હી ખાતે તેમની પત્નીને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર લગ્નના દસ વર્ષ પછી નિ:સંતાન હોવાથી આત્મહત્યા કરી હોવાનું મનાય છે."

"ધીરાજી, મને તો દાળમાં કંઇક કાળું લાગે છે..." ઇન્સ્પેક્ટર ઠાકોર હવે ખુરસીમાં એકદમ બેઠા થઇ ગંભીરતાથી બોલ્યા.

"સાહેબ, મને તો એવું કંઇ લાગતું નથી. આત્મહત્યાના બનાવના પુરતા પુરાવા છે. તેનો લખેલો કાગળ છે. સીસીટીવી ફૂટેજમાં કોઇ દેખાયું નથી. અને બાળક ન હોવાની પીડા દરેક જાણે છે...." ધીરાજીને લાગ્યું કે કાચ જેવો ચોખ્ખો આત્મહત્યાનો કેસ છે.

ઇન્સ્પેક્ટર ઠાકોર કંઇક વિચારીને બોલ્યા:"ધીરાજી, એણે આત્મહત્યા કરવા માટે અમદાવાદ સુધી આવવાની શી જરૂર હતી? અને આજના આધુનિક જમાનામાં નિ:સંતાનપણું દૂર કરવાના ઘણા ઉપાય છે...ચાલો, આપણે તપાસ તો કરી જોઇએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે ડીએસપીને વાત કરી બીજા વિસ્તારના બનાવ માટે તપાસ કરવા મંજુરી મેળવી લીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી "અપના ગેસ્ટ હાઉસ" પર પહોંચ્યા અને તેના મેનેજરને મળ્યા.

મેનેજરે કહ્યું કે મરનાર સાંખીલાલ ગઇકાલે સવારે આવ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી તે દર મહિનાની દસમી તારીખે એમના માલની ઉઘરાણી માટે આવતા હતા. તે અગાઉથી જ આ રૂમ બુક કરાવી દેતા હતા. એ આવ્યા એ દિવસે બપોરે અને સાંજે તેમણે રૂમમાં જ જમવાનું મંગાવ્યું હતું. બીજા દિવસે સવારે માણસ ચા-નાસ્તો લઇને ગયો ત્યારે તેમણે દરવાજો ખોલ્યો નહીં. અમે બધાએ ઘણો પ્રયત્ન કર્યો પણ ના ખોલ્યો એટલે પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડાવ્યો અને ડૉક્ટરને બોલાવ્યા. તેમણે નાડી જોઇને જ કહી દીધું કે તેઓ મૃત્યુ પામ્યા છે. સાંખેલાલના હાથની નસ કપાઇ જવાને કારણે ઘણું લોહી વહી ગયું હતું. તે એક પત્ર લખીને ગયા હતા. પોલીસે કહ્યું કે તેમની પત્નીને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે તે બાળક આપી ના શકી એનો બહુ અફસોસ છે. પોલીસે કલાકો બેસીને સીસીટીવીના ફૂટેજ જોયા. સાંખીલાલ આવ્યા અને કાઉન્ટર પરથી ચાવી લઇને તેમના રૂમમાં ગયા ત્યાંથી લઇ પોલીસે દરવાજો તોડ્યો ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી જોયા. તેમના રૂમમાં ચંદ ક્ષણો માટે અમારો માણસ જમવાનું આપવા ગયો એ સિવાય કોઇ આવ્યું ન હતું. અને અમારો માણસ જમવાનું આપીને નીકળે એ પછી તરત જ દરવાજો બંધ થઇ જતો હતો. તેમણે અમારા માણસ સાથે કોઇ વાતચીત કરી ન હતી.

ધીરાજી મનોમન વિચારતા હતા કે આ કેસમાં શંકાને કોઇ કારણ નથી. સાહેબ હવે આગળ તપાસ નહીં કરે. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમના મનના વિચાર વાંચી લીધા હોય એમ બોલ્યા:"ધીરાજી, મને પડકાર ઝીલવાનું વધારે ગમે છે. સામાન્ય ક્લુ મળે એવા હત્યાના કેસ તો સુલઝાવી શકાય છે. જેમાં કોઇ કડી ના હોય અને અનેક કડી મળે એવું બની શકે. ચાલો, એ રૂમ જોઇ લઇએ...."

મેનેજર તેમને રૂમમાં લઇ ગયો. ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે રૂમમાં એક જ બારી છે. એ બારીમાંથી પાછળ ખુલ્લો વિસ્તાર છે. ત્યાં એક ખુલ્લી ગટર પસાર થાય છે. જમીનથી પહેલા માળ સુધીની આ બારીની ઊંચાઇ વીસથી પચીસ ફૂટની હશે. કોઇ હત્યા કરવા આવ્યું હોય તો થોડી તો ઝપાઝપી થઇ હોય. એવા કોઇ નિશાન બેડ પર નથી. બાજુની રૂમમાંથી આવ-જા કરી શકાય એવી કોઇ જગ્યા નથી. બાથરૂમ અને સંડાસમાં બારીને બદલે બાકોરું છે. એમાંથી કોઇ ભાગી શકે એમ નથી. તેમણે આખી રૂમનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું. સાંખીલાલ જે બેડ પર મૃત મળ્યા તેને ઊંચો પણ કરાવ્યો. તેની નીચે કોઇ વસ્તુ ન હતી. ધૂળ ફેલાયેલી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર આ વિસ્તારના પીઆઇ સી.એસ. દુબેને મળ્યા. તેમની પાસેથી સાંખીલાલનો કાગળ લઇ વાંચ્યો. પત્ર લાંબો હતો. એમાં ઘણી ફિલસૂફી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે શરૂઆતની અને અંતિમ કેટલીક વાતો ધ્યાનથી વાંચી. શરૂઆતમાં લખ્યું હતું કે,"જીવનમાં મોત આપણા હાથમાં નથી. જ્યારે મોત લખાયું હોય ત્યારે જ થાય છે...." પછી અંતમાં લખ્યું હતું કે,"મોત માટે કોઇ જવાબદાર નથી. ભગવાનને ગમે તે ખરું..."

મૃત્યુ નોંધના કાગળ પર સાંખીલાલના જ હસ્તાક્ષર હોવાનો પુરાવો તેમની પાસેની બેગમાં રહેલા અન્ય કાગળો પરથી મળતો હતો. પીઆઇ દુબેએ વધારે માહિતી આપતાં જણાવ્યું કે મરનાર સાંખીલાલ દિલ્હીમાં એક નાનું કારખાનું ચલાવે છે. અમદાવાદની બે-ત્રણ મોટી દુકાનોને પણ માલ મોકલાવે છે. જેના રૂપિયાની ઉઘરાણી માટે તે દર મહિને દસમી તારીખે આવતા હતા અને બે દિવસ રોકાઇને જતા રહેતા હતા. એ દુકાનો આ ગેસ્ટ હાઉસથી નજીક હતી એટલે અહીં જ રોકાતા હતા. દિલ્હીમાં તેમના પરિવારમાં માત્ર પત્ની છે. દસ વર્ષના લગ્નજીવનમાં એકપણ બાળક નથી. તેની પત્નીએ ટેલિફોન પર કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી તે આ બાબતે પરેશાન હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાથની નસ કાપવાથી મોત થયું હોવાનું આવ્યું છે. બ્લેડ પર સાંખીલાલના હાથના જ નિશાન હતા. અમે આ કેસ આત્મહત્યાનો ગણી બંધ કરી દઇએ?

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમને માત્ર એક દિવસ માટે રોકાવા કહ્યું. ત્યારે પીઆઇ દુબે કહે:"એક દિવસ નહીં એક સપ્તાહ લો. પણ તમારે છેક દિલ્હી સુધી જવું પડશે. લાશ તો ત્યાં મોકલાવી દીધી છે. પણ તપાસ કરવા એના પરિવારની, મિત્રોની અને કંપનીના માણસોની પણ પૂછપરછ કરવી પડશે. ઘણા દિવસો બગડશે..."

ઇન્સ્પેક્ટર ઠાકોર હસીને કહે:"તમે ચિંતા ના કરશો. હું આવતીકાલ સાંજ સુધીમાં મારી તપાસ પૂરી કરી દઇશ. દિલ્હી જવાની જરૂર લાગતી નથી."

પીઆઇ દુબે પણ સિનિયર ઓફિસર હતા. તેમને થયું કે પાણીને વલોવવા જેવો આ કેસ છે. ક્યાંય કોઇ શંકાની કડી નથી અને ઇન્સ્પેક્ટર ઠાકોર કેમ આટલા વિશ્વાસમાં છે?

ઇન્સ્પેક્ટર ઠાકોરના મનમાં શું ચાલતું હશે એ ધીરાજી સમજી ગયા. અને તેમની સાથે ફરી "અપના ગેસ્ટ હાઉસ" પર ગયા. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે સાંખીલાલના રૂમમાં અગાઉ જે રોકાયા માણસો હતા તેમની પાસેથી કોઇ કડી મળી શકે. ઇન્સ્પેક્ટર ઠાકોરે સાંખીલાલ પહેલાં એ રૂમમાં જે રોકાઇને ગયા એમના સીસીટીવી ફૂટેજ કઢાવ્યા. એમાં સ્પષ્ટ દેખાતું હતું કે આગલા દિવસે બે યુવાન આવ્યા હતા અને બીજા દિવસે સાંખીલાલના આવવાના એક કલાક પહેલાં નીકળી ગયા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે જતી વખતે એક યુવાન ચાવી આપીને પાછી લઇ પાંચેક મિનિટ માટે રૂમ પર ગયો હતો. આ બાબતે કાઉન્ટર પર બેસેલા માણસને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે બંને આવ્યા અને મને ચાવી સોંપી પછી યાદ આવ્યું કે બાથરૂમમાં અંડરગાર્મેન્ટસ રહી ગયા છે. એણે બીજા યુવાનને કહ્યું કે તું બહાર જઇ રીક્ષા ઊભી રાખ હું કપડાં લઇને આવું છું. અને પછી પાંચ જ મિનિટમાં તે પાછો આવી ચાવી આપીને નીકળી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે એ યુવાનનું આધારકાર્ડ માગ્યું. મેરાજ નામનો એ યુવાન અમદાવાદનો જ રહેવાસી હતો. તેની સાથેના યુવાનનું નામ હરધાસિંહ હતું. બંનેની વિગતો સાથે સીસીટીવી ફૂટેજને પેનડ્રાઇવમાં લઇ ઇન્સ્પેક્ટર ઠાકોર ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરના મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું હતું. "ધીરાજી, તમને કંઇ સમજાય છે?"

ધીરાજી કહે:"ના સાહેબ, પણ સાંખીલાલની પહેલાં રોકાયેલા માણસો સાથે આ કેસને શું લાગેવળગે?" ધીરાજીને થયું કે અંધારામાં સોય શોધવાનું કામ થઇ રહ્યું છે.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ચાલો, મેરાજની મુલાકાત તો લઇએ..."

બે-ત્રણ કલાકની મથામણ પછી મેરાજનું ઘર મળ્યું. એક જૂની બિલ્ડિંગમાં એકલો જ રહેતો હતો. પોલીસને જોઇ તે થોડો ચમક્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને પોતાની ઓળખ આપી સીધો જ સવાલ કર્યો:"મેરાજ, તને ખબર છે? તું જે રૂમમાં કાલે રોકાયો હતો એમાં આવેલા દિલ્હીના માણસ સાંખીલાલે આત્મહત્યા કરી છે...."

મેરાજે નવાઇથી કહ્યું:"ના સાહેબ, ખબર નથી....હું રૂમનો કબ્જો સોંપી ત્યાંથી નીકળી ગયો પછી મારે જાણવાની શું જરૂર?"

"તેની હત્યાના આરોપમાં તારી ધરપકડ કરવામાં આવે છે." ઇન્સ્પેક્ટર ઠાકોરે સીધો જ હુમલો કર્યો. એ જોઇ ધીરાજીને પણ આંચકો લાગ્યો.

"સાહેબ, આ...આક્ષેપ ખોટો છે. હું રૂમ છોડી ગયો પછી તેણે આત્મહત્યા કરી હોય તો એમાં મારો શું ગુનો?" મેરાજ અચાનક થયેલા આરોપથી બઘવાઇ ગયો.

"તું નહીં તો તારો સાથીદાર હશે. સાંખીલાલની હત્યા થઇ છે. બોલાવ તારા સાથીદારને...." ઇન્સ્પેક્ટર ઠાકોરે હુકમ કર્યો.

"એ તો...એ દિલ્હી જવા નીકળી ગયો છે...."

"તારે બચવું હોય તો એનો ફોન નંબર અને ટ્રેનની માહિતી આપ."

મેરાજને ખબર પડી ગઇ કે તેનો ગુનો પોલીસને સમજાઇ ગયો છે. તેણે તરત જ માહિતી આપી દીધી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેની ધરપકડ કરી અને તેના સાથીદાર હરધાસિંહને પકડવા રેલ્વે પોલીસને જાણ કરી દીધી.

સાંજે છ વાગે પીઆઇ દુબેની ઓફિસમાં હરધાસિંહ અને મેરાજ માથું ઝુકાવી ઊભા હતા.

પીઆઇ દુબેને સમજાતું ન હતું કે જે બે જણ સાંખીલાલના આગમન પહેલાં ઘટના સ્થળને છોડી ગયા હતા અને પાછા આવ્યા જ ન હતા એ કેવી રીતે ગુનેગાર ગણાય.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"દુબેજી, મેં રૂમની જડતી લીધી ત્યારે બેડ નીચેની ધૂળમાં કોઇ સૂઇ ગયું હોય એવા નિશાન હતા. અને તમે જણાવ્યું જ હતું કે બારી ખુલ્લી હતી. પાછળ ગટર હોય અને શિયાળાની ઠંડીમાં મચ્છરની સમસ્યા હોય ત્યારે બારી ખુલ્લી રાખવાનું કોઇ કારણ ન હતું. બારી પર કડું ભરાવ્યું હોય એવા નિશાન પણ હતા. અને આ બંને જણ રૂમ છોડી ગયા ત્યારે મેરાજ કપડાં લેવા પાછો ગયો અને હરધાસિંહને મોકલી આપ્યો એ પાંચ મિનિટમાં રમત રમાઇ ગઇ હશે. મેરાજ રૂમમાં કપડાં લેવા ગયો ત્યારે તેણે રૂમ બંધ કરી હોવાનું મેં સીસીટીવી ફૂટેજમાં જોયું હતું. જેની કોઇ જરૂર ન હતી. દૂબેજી, બીજી વાત એ કે તમે સાંખીલાલની લાશ સૂઇ ગયાની સ્થિતિમાં હોવાનું જોયું હતું. સૂતા સૂતા એમણે બ્લેડથી નસ કાપી હોય એ માનવામાં આવે એવું ન હતું. અને સાંખીલાલનો પત્ર મને કોઇ નિબંધ જેવો લાગ્યો. એને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે એણે ક્યાંય પોતાના મૃત્યુની વાત કરી નથી. આ બધાને કારણે મને સમજાયું કે કોઇએ તેમના રૂમમાં જ તેમની હત્યા કરી છે. હવે મેરાજ જ આપણાને આખી હકીકત જણાવશે....."

મેરાજને તો શું બોલવું એ જ સમજાતું ન હતું. તેનો આખો પ્લાન જાહેર થઇ ગયો હતો. કોઇ કલ્પના ના કરી શકે એવો પ્લાન હતો. આખરે મેરાજે મોં ખોલ્યું:"સાહેબ, તમારી વાત સાચી છે. મને સાંખીલાલના મેનેજર શિવાને સોપારી આપી હતી અને તેના માણસ હરધાસિંહને મદદમાં મોકલ્યો હતો. હરધાસિંહ તમને બધું કહેશે...."

મેરાજ વધારે કહેવા માગતો ન હતો. તે પોતાને સજા ઓછી થાય એ માટે અજાણ્યો રહેવો માગતો હતો.

હરધાસિંહ કહે:"સાહેબ, શિવાન અને સાંખીલાલની પત્ની લીનારી વચ્ચે ઘણા વર્ષથી પ્રેમનું ચક્કર હતું. બંનેનો પ્રેમ ચોરીછૂપી ચાલતો હશે. પણ ગયા મહિને ખબર પડી કે લીનારી શિવાનના બાળકની મા બનવાની છે. એટલે બંનેએ મળી સાંખીલાલનો કાંટો કાઢવા મને મોટી રકમ આપી કામ સોંપ્યું. સાંખીલાલ દર મહિનાની દસમી તારીખે "અપના ગેસ્ટ હાઉસ"માં રૂમ રાખી રોકાતા હતા. એટલે અમે એ જ રૂમનું એમના આગળના દિવસનું બુકિંગ કરાવી દીધું. લીનારીએ સાંખીલાલને છેતરીને કોઇ સંબંધીને આપવાનું કહી મૃત્યુ સમયનું ચિંતન એવા વિષય પર લખાણ લખાવી લીધું હતું. એ કાગળનો સાંખીલાલની અંતિમ ચિઠ્ઠી તરીકે ઉલ્લેખ થવાથી આત્મહત્યા ગણાઇ જાય. અને દિલ્હીના માણસની હત્યા હોવાથી પોલીસ બહુ રસ નહીં લે અને બધું જલદી પતી જશે એવી ગણતરી હતી. અમે એ દિવસે રૂમમાંથી બહાર નીકળ્યા અને કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે મેરાજે કપડાં રહી ગયા હોવાનું નાટક કર્યું. મને રીક્ષા લેવા મોકલ્યો. એણે ઝટપટ રૂમમાં જઇ બેગમાંથી દોરડાની નિસરણી કાઢી બારીમાંથી નીચે ફેંકી. હું ત્યાં પહોંચી ગયો હતો. પાછળનો ભાગ ખુલ્લો જ હતો. કોઇની અવરજવર થતી ન હતી. હું એ સીડીથી ચઢીને રૂમમાં આવી ગયો અને બેડ નીચે સંતાઇ ગયો. મેરાજ રૂમને તાળું મારી નીકળી ગયો. એક જ કલાકમાં સાંખીલાલ આવ્યા. તે આખો દિવસ રૂમમાં જ પડી રહ્યા. કંઇક હિસાબ કર્યો, ફોન કર્યા અને ટીવી જોયા કર્યું. હું બેડ નીચે અકડાઇ ગયો હતો. સાંજે અડધો કલાક તે આંટો મારવા ગયા ત્યારે મને રાહત થઇ. આવીને મોડેથી એ સૂઇ ગયા. સાંખીલાલના નસકોરા બોલ્યા એટલે મેં બહાર નીકળીને કામ શરૂ કરી દીધું. સાવધાનીથી એને ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું. એ હવે અડધા કલાક સુધી જાગવાનો ન હતો. મેં એક બ્લેડ લઇ તેના હાથમાં પકડાવી તેની નસ કાપી નાખી. તેનું તરત જ મોત થઇ ગયું. મેં હરધાસિંહને ફોન કરીને બોલાવી લીધો. અને દોરડાની નિસરણી લટકાવી નીચે ઉતરી ગયો. અમને એ નિસરણી પાછી કાઢવામાં બહુ તકલીફ પડી. મેં બારીના લાકડામાં એને ફસાવી હતી. અમે નજીકમાં એક વાંસનો લાંબો ટુકડો મૂકી જ રાખ્યો હતો. હું મેરાજના ખભા પર ચડી ગયો અને એનો ઉપયોગ કરી દોરડાની નિસરણી નીચે લઇ આવ્યા. આ રીતે અમે રૂમમાં અંદર જતા કે આવતા સીસીટીવીમાં દેખાવાના ન હતા એટલે કોઇને ખબર પડે એમ ન હતી...."

ધીરાજી કહે:"આ ઇન્સ્પેક્ટર ઠાકોર છે. એમના માટે શું કહેવાય છે એની ખબર છે? 'નામ છે એમનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એમની નજર છે બહુ ચકોર' એક વખત સ્થળ પર નજર નાખે એટલે હત્યારાના મગજના વિચાર સમજી લે...."

પીઆઇ દુબે ખુશ થતા બોલ્યા:"ઠાકોર સાહેબ, તમે તો કમાલ કરી દીધી! મેરાજના બીજા ગુનાની પણ હવે ખબર પડશે એટલે એ પણ ઉકેલાઇ જશે. શિવાન અને લીનારીને પણ પકડવા પડશે. આભાર!"

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"શિવાન અને લીનારીને કહેજો કે હવે જેલમાં જે વિષય પર નિબંધ લખવો હોય એ વિષય પર લખ્યા કરે!"

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' પસંદ કરવામાં આવી છે. એપ્રિલ-૨૦૨૦ સુધીમાં ૮૧૦૦૦ ડાઉનલોડ છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના એપ્રિલ-૨૦૨૦ સુધીમાં ડાઉનલોડ ૨.૧૧ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

Rate & Review

Hims

Hims 3 days ago

Bharti S Trivedi

Bharti S Trivedi 2 years ago

Rojmala Yagnik

Rojmala Yagnik 2 years ago

Rajesh Shah

Rajesh Shah 3 years ago

Bindu Mody

Bindu Mody 3 years ago