rahasymay tapu upar vasavat.. - 11 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 11

કેપ્ટ્ન અને એમના સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં..

સમયસર પહોંચીને જ્યોર્જે પોતાની પ્રેમિકાને સેનાપતિથી બચાવી...

________________________________________

"ઓહહ.. માં..' સૌથી છેલ્લે ચાલી રહેલી એન્જેલાની વેદનાભરી ચીસ સાંભળીને આગળ ચાલી રહેલા જ્યોર્જ , પીટર અને ક્રેટી એકદમ થંભી ગયા.

વહેલી સવારે આદિવાસીઓના નગરથી નીકળેલા જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા અલ્સ પહાડના આગળ આવેલા મેદાનમાં નવા નગરનું નિર્માણ થતું હતું એ તરફ જઈ રહ્યા હતા. વચ્ચે થોડોક રસ્તો ખડકાળ જેવો હતો. જ્યાં નાના મોટા પથરાઓ આમથી તેમ વેરાયેલા પડ્યા હતા. જ્યોર્જ , પીટર અને ક્રેટી આગળ ચાલી રહ્યા હતા એન્જેલા એમનાથી થોડીક પાછળ પોતાની ધૂનમાં મસ્ત બનીને આજુબાજુના પ્રાકૃતિક વાતાવરણે માણતી ચાલી રહી હતી ત્યાં અચાનક એનો પગ અણીદાર પથ્થર સાથે અથડાયો. પથ્થરનો આગળનો ભાગ અણીદાર હોવાથી એન્જેલાના પગના તળિયામાં ઘુસી ગયો. એન્જેલા ત્યાંજ ચીસ પાડીને ઢળી પડી આગળ ચાલી રહેલા જ્યોર્જ , પીટર અને ક્રેટી ઝડપથી દોડીને એની પાસે આવ્યા. પીટરે જલ્દી એન્જેલાને પોતાના હાથમાં ઊંચકી લીધી.

"અરે.. જ્યોર્જ આનો પગ તો લોહીલુહાણ થઈ ગયો છે..' ક્રેટીએ એન્જેલાનો પગ જોતાં કહ્યું.

પથ્થર અણીદાર હોવાથી એન્જેલાના પગના તળિયામાં ઊંડે સુધી ઘૂસી ગયો હતો. પીડા સહન ના થવાથી એન્જેલા ની આંખોમાંથી અશ્રુઓનો પ્રવાહ વહી રહ્યો હતો. પીટર એના હાથ વડે એન્જેલાને ઊંચકીને આશ્વાસન આપી રહ્યો હતો.જ્યોર્જે ઝડપથી એની પાસે રહેલા કાપડના ટુકડાને એન્જેલાને જ્યાં વાગ્યું હતું એની ફરતે વીંટાળી દીધો.

"જ્યોર્જ આને મલમપટ્ટી કરાવવા માટે મરિયમ પાસે લઈ જવી પડશે..' ક્રેટીએ જ્યોર્જ સામે જોઈને કહ્યું.

"તું અને પીટર એન્જેલાને મરિયમ પાસે લઈ જાઓ.. હું કેપ્ટ્ન પાસે જાઉં જેથી ત્યાંનું કાર્ય પણ જલ્દી થઈ શકે..' જ્યોર્જે વારાફરતી ક્રેટી અને એન્જેલા સામે જોઈને કહ્યું.

પછી જ્યોર્જ નગર નિર્માણ થતું હતું ત્યાં ગયો. અને ક્રેટી તેમજ પીટર એન્જેલાને વાગેલા ઘા ઉપર મલમપટ્ટી કરાવવા માટે મરિયમ પાસે લઈ ગયા.

જ્યોર્જ હજુ અલ્સ પહાડ પાસે પહોંચ્યો ત્યાં તો સામેના મેદાનમાંથી હોંકારા અને પડકારા સંભળાયા. જ્યોર્જે એ તરફથી આવી રહેલા અવાજ સામે કાન માંડ્યા. અવાજ ઉપરથી જ્યોર્જે અનુમાન લગાવ્યું કે નક્કી નીચે લડાઈ જ થઈ રહી હશે. શાની લડાઈ હશે એ બાબતે એનું મન શંકાઓથી ઘેરાવા લાગ્યું.

જ્યોર્જ જલ્દી મેદાન તરફ આગળ વધ્યો. તે જેવો મેદાનમાં પહોંચ્યો ત્યાંનું દ્રશ્ય જોઈને જ્યોર્જ હેતબાઈ ગયો. મેદાનમાં નગર નિર્માણનું કામ કરી રહેલા આદિવાસી મજૂરો અને કેપ્ટ્ન તથા તેમના સાથીઓના હાથ મજબૂત વેલાઓ વડે બાંધી દેવામાં આવ્યા હતા. અને એમની સામે અજીબ દેખાવ ધરાવતા માણસો હાથમાં તીર કામઠું લઈને ઉભા હતા.
એમની સંખ્યા વધારે હતી તેથી કેપ્ટ્ન અને કેપ્ટ્નના સાથીદારોને ઝુકવુ પડ્યું હતું. આ અજીબ દેખાવ ધરાવતા માણસોએ મેદાનમાં કામ કરી રહેલા મજૂરો તેમજ કેપ્ટ્ન અને કેપ્ટ્નના સાથીદારોને બંદી બનાવી લીધા હતા.

બંદી બનાવનાર માણસોનો દેખાવ અજીબ હતો.. તેમણે ફક્ત કમર ફરતે કપડાં જેવું કંઈક વીંટાળ્યું હતું. ગળાથી માંડીને કમર સુધી જનોઈ કરતા જાડું દોરડા જેવું કંઈક શરીર પર વીંટાળેલું હતું. બધાના કાનમાં પથ્થરમાંથી બનાવેલી રિંગ પહેરેલી હતી.. તેમાંથી અમૂક માણસોએ પહેરેલી રિંગ વજનદાર હોવાથી એમના કાનનો નીચેનો ભાગ ખેંચાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. પગમાં પણ કંઈક પથ્થરના કડા જેવું પહેરવા હતું. નાક દબાયેલું હતું આંખો મોટી તેમજ લાલાશ પડતી હતી. બધાના મોંઢા ઉપર સખ્તાઈ હતી. વાળ મોટા તેમજ ગૂંચળાયુક્ત હતા. સૌથી આગળ ઉભેલા માણસના માથામાં કંઈક વીંટાળેલું હતું અને એમાં કોઈક પક્ષીનું પીંછું ખોસેલું હતું. એ માણસના દેખાવ ઉપરથી જ્યોર્જે અનુમાન લગાવ્યું કે જરૂર આ બધાનો મુખીયો હોવો જોઈએ.

જ્યોર્જનું મગજ વિચારે ચડ્યું કારણ કે તેણે આ ટાપુ ઉપર આ લોકોને ક્યારેય જોયા નહોતા. આ નવતર અને અજીબ પ્રકારનો દેખાવ ધરાવતી પ્રજાતિને જોઈને જ્યોર્જ નવાઈ પામ્યો. આ લોકો ક્યાંથી આવ્યા હશે..? અને બધાને બંદી બનાવીને ક્યાં લઈ જતાં હશે..? વગેરે વિચારો જ્યોર્જના માઈન્ડમાં ઉદ્દભવવા લાગ્યા.

"જુહુ...જો.. જુહુ..' મુખિયા જેવા લાગતા માણસના મુખમાંથી તીવ્ર અવાજ સાથે શબ્દો નીકળ્યા.

"જુહુ.. જુહુ..' તેની સાથે રહેલા બધા માણસો એક સાથે એક હાથમાં તીર ઊંચું કરીને ઊંચા અવાજે બોલ્યા.

જ્યોર્જનું માઈન્ડ આવા શબ્દો સાંભળીને ચકરાવે ચડી ગયું. કારણ કે તે આ લોકોએ બોલેલા શબ્દો સમજી શક્યો નહોતો. તેના માટે આ ભાષા તદ્દન નવી હતી.

પેલા મુખીયા જેવા લાગતા માણસે આવું બોલ્યા પછી તરત જ એની સાથે રહેલા માણસો બંદી બનાવેલા લોકોની આસપાસ ગોઠવાઈ ગયા અને તેમને ધક્કા મારીને અલ્સ પહાડ તરફ લઈ જવા લાગ્યા. કેપ્ટ્ન તથા તેમના સાથીદારો અને આદિવાસી મજૂરો એમની સાથે ઢસડાવા લાગ્યા.

આદિવાસી મજૂરો બિચારા દુઃખી અને ડરેલા હતા. એમનું મોઢું સાવ ઉતરી ગયેલું દેખાતું હતું. પણ કેપ્ટ્નના સાથીદારો એકદમ નિશ્ચિત હતા કારણ કે એમની સાથે ગમે તેવી પરિસ્થિતિઓમાંથી પણ બહાર નીકાળે એવી કુશાગ્ર બુદ્ધિવાળો કેપ્ટ્ન હતો.

જ્યોર્જ પણ લપાતો-છુપાતો એમની પાછળ જવા લાવ્યો. આ લોકો બહુજ ખતરનાક હતા કારણ કે તેમણે જેમને બંદી બનાવ્યા હતા એમાંથી કોઈ જો જલ્દીથી ઉતાવળું ના ચાલે તો તેઓ હાથમાં રહેલા તીરને પાછળથી પીઠમાં ખુંચાડી દેતા હતા.

જ્યોર્જ પોતાના સાથીદારોની આ દશા જોઈને પોતાને જ મનમાં કોશતો હતો કારણ કે એની મદદ કરવા જતાં કેપ્ટ્ન અને એમના સાથીદારો આ અજીબ માણસોના હાથે બંદી બની ગયા હતા. જ્યોર્જે મનોમન પ્રતિજ્ઞા કરી કે એ પોતાના જીવના જોખમે પણ કેપ્ટ્ન અને અન્ય સાથીઓને બચાવશે.

પેલા અજીબ માણસો બંદી બનાવેલા સૌને લઈને અલ્સ પહાડ પાસે પહોંચ્યા. જ્યોર્જ પણ એમની પાછળ પીછો કરતો કરતો જતો હતો. અલ્સ પહાડ પાસે પહોંચતા જ પેલા અજીબ માણસો હોંકારા અને પડકારા કરવા લાગ્યા. ત્યાર પછી બધા બંદીઓને અલ્સ પહાડની સૌથી નાની ટેકરી તરફ જવા લાગ્યા. જ્યોર્જ પણ પાછળ જ હતો. પેલા અજીબ માણસોએ બધા બંદીઓને હારબંધ રીતે ગોઠવ્યા પછી ટેકરીની તળેટીમાં આવેલી ગુફામાં લઈ જવા લાગ્યા. બધા ગુફામાં ગયા જ્યોર્જ ઝડપથી સરક્યો અને ગુફામાં પ્રવેશ્યો. ગુફામાં સાવ અંધારું હતું એટલે આગળ જઈ રહેલા પેલા અજીબ માણસો જ્યોર્જને જોઈ શકતા નહોતા.

સમગ્ર ગુફા સાવ અંધારી હતી. પેલા અજીબ માણસો બંદી બનાવેલા લોકોને તીરની અણીઓ ખૂંચાડીને ઝડપથી આગળ વધવા માટે દબાણ કરી રહ્યા હતા. કેપ્ટ્ન અને એમના સાથીદારો સિવાયના અન્ય આદિવાસી મજૂરો પીડાથી વેદનાભરી ચીસ પાડી રહ્યા હતા. એમની ચીસોનો અવાજ આખી ગુફામાં પડઘા પાડી રહ્યો હતો. ગુફામાં આમથી તેમ ચોંટેલા કરોળિયાના જાળા જ્યોર્જના મોંઢા ઉપર વારે ઘડીએ ચોંટી જતાં હતા. જ્યોર્જ એને સાફ કરી અવાજ ના થાય એવી રીતે આ લોકોની પાછળ-પાછળ જઈ રહ્યો હતો.

લગભગ બે કલાક જેટલું ચાલ્યા ત્યારે ગુફામાં ઝાંખું અજવાળું આવવા લાગ્યું. આ જોઈને આગળ ચાલી રહેલા પેલા તીર કામઠાવાળા માણસો ખુશીથી ભરેલી ચીસો પાડવા લાગ્યા. જ્યોર્જ એકદમ થંભી ગયો. બધા દેખાતા બંધ થયા ત્યારે જ્યોર્જ આગળ વધ્યો. પેલા બધા લોકો ગુફાની બહાર નીકળી ગયા હતા. જ્યોર્જ પણ લપાતો છુપાતો બહાર આવ્યો અને ગુફાની બહાર પડેલા એક મોટા પથ્થરની પાછળ છુપાઈ ગયો. આ લોકો આ ટાપુ ઉપરના જ સ્થાનિક રહેવાસીઓ હોવા જોઈએ એવું અનુમાન જ્યોર્જે લગાવ્યું.

આ ટાપુવાસીઓ પણ અજીબ પ્રકારના હતા. એમનો પહેરવેશ , એમની ચાલવાની રીત , એમણે પહેરેલા કપડાં , એમની અજીબ ભાષા , એમનો વિચિત્ર દેખાવ અને એમનું નિર્દયીપણું બધું ભય પમાડે જેવું હતું. કારણ કે જયારે તેમણે બંદી બનાવેલું કોઈ ઝડપથી ના ચાલે તો આ લોકો એ બંદી બનાવેલા માણસની પીઠમાં હાથમાં રહેલું તીર ખુંચાડતા હતા.

પેલા બધા દેખાતા બંધ થયા ત્યારે જ્યોર્જ પથ્થર પાછળથી બહાર આવ્યો અને આગળ ચાલ્યો.. તેના કાનમાં ડાબી બાજુથી જોરદાર પાણી પાડવાનો અવાજ આવી રહ્યો હતો. પણ અમૂક ઊંચી પથ્થરની શિલાઓ વચ્ચે આવી જતાં એને એ બાજુનું દ્રશ્ય દેખાઈ રહ્યું નહોતું. જ્યોર્જ ઝડપથી આગળ ચાલ્યો. થોડોક આગળ ગયા પછી તે ખુલ્લા ખડકાળ પ્રદેશમાં આવ્યો. અહીંયા જમીન થોડીક પથરાળ હતી. સામે ખુબ સુંદર હરિયાળા વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. જ્યોર્જે ડાબી તરફ નજર ઘુમાવી. ત્યાંનું દ્રશ્ય જોઈને તેના મોંઢામાંથી આનંદ ભર્યા શબ્દો નીકળી પડ્યા.. વાહ.. અદ્ભૂત..!!!

ડાબી તરફ દૂર એક સૌથી ઊંચી ટેકરી પરથી પાણીનો પ્રવાહ નીચેની તરફ પડી રહ્યો હતો. ટેકરીની વચ્ચે બહારની તરફ નીકળેલી વિશાળ શીલાઓ સાથે પાણીનો આ પ્રવાહ અથડાઈને ચારેય બાજુ ફેલાઈને નીચેની તરફ પડી રહ્યો હતો.
નીચે રહેલા પથ્થરો ઉપર પાણી પડવાથી પથ્થરો સાવ લીસ્સા બની ગયા હતા. એ પથ્થરો ઉપર સૂર્યના કિરણો પરાવર્તન પામીને સીધા જ્યોર્જની આંખોમાં પડી રહ્યા હતા. આ અલ્સ પહાડની ટેકરીઓનો પાછળનો ભાગ હતો. જ્યોર્જે ઉપરની તરફ ધ્યાનથી જોયું તો અલ્સ પહાડની બે ટેકરી વચ્ચે કંઈક પુલ જેવું દેખાયું. જ્યોર્જને કેપ્ટ્ને થોડા દિવસ અગાઉ બનેલી વાત કરી હતી એ યાદ આવી. એક દિવસ કેપ્ટ્ન તથા અન્ય સાથીદારો ડ્યુગોંગ પ્રાણીનો પીછો કરતા-કરતા એક પુલ ઉપર પહોંચ્યા હતા. જ્યોર્જ અનુમાન લગાવ્યું કે કેપ્ટ્ન અને બીજા સાથીઓ જે પુલ ઉપર પેલા વિશાળ પ્રાણીનો પીછો કરતા કરતા ગયા હતા એ આ જ પુલ હોવું જોઈએ.
પુલ ખુબ ઉંચો હોવાથી જ્યોર્જને ફક્ત બે ટેકરીઓ વચ્ચે લાકડી મૂકી હોય એવો દેખાઈ રહ્યો હતો.

ઉપરથી પડી રહેલા ધોધના કારણે આ ટેકરીઓ આગળ વિશાળ સરોવરનું નિર્માણ થયું હતું. આ સરોવર એટલું બધું વિશાળ હતું કે એના સામેના કાંઠે નજર પણ નહોતી પહોંચતી સરોવરની આજુબાજુ ખુબ જ હરિયાળી હતી. વિશાળ વૃક્ષો , છોડવાઓ , નાનું મોટુ ઘાસ.. ચારેય તરફ લીલોતરી છવાયેલી હતી. નાના મોટા પક્ષીઓ અહીં મોટી સંખ્યામાં હતા. આ ખુબ સુંદર જગ્યા હતી. આ હરિયાળી અને એની સુંદર ખૂશ્બૂએ જ્યોર્જના થાકેલા મનમાં નવી તાજગી ભરી લીધી.

કેપ્ટ્ન અને બીજા સાથીદારોને આ ટાપુવાસીઓ બંદી બનાવીને લઈ ગયા હતા એ વાતનું જ્યોર્જને સ્મરણ થયું. આ સરોવરની હરિયાળી તેમજ આજુબાજુનું પ્રાકૃતિક સૌંદર્ય જોવામાં જ્યોર્જ એટલો બધો તલ્લીન થઈ ગયો હતો કે એ અહીંયા શા માટે આવ્યો હતો એ પણ ભૂલી ગયો. બધી વાતનું ભાન થતાં જ્યોર્જ ઉભો થયો અને ચારેય તરફ નજર ફેરવવા લાગ્યો.

પછી કંઈક વિચારીને એ પાછો પેલી ગુફા બાજુ જવા લાગ્યો. કારણ કે પીટર અને ક્રેટી આ વાતથી સાવ અજાણ હતા. જો જ્યોર્જ અહીંયા કોઈક મુશ્કેલીમાં ફસાઈ જાય અને પાછો ના ફરે તો ક્રેટી તો બિચારી ચિંતા કરી-કરીને મરી જાય. જ્યોર્જે વિચાર્યું કે તે ક્રેટી અને પીટરને સઘળી હકીકત બતાવશે પછી કેપ્ટ્ન અને તેમના સાથીદારોને છોડાવવા શું કરવું એની બધા સાથે ચર્ચા કરશે અને પછી જ આગળનું પગલું ભરશે.

જ્યોર્જ ઝડપથી ગુફામાં પ્રવેશી સામેની તરફ જવા લાગ્યો. આ વખતે એને દોઢ કલાક જેટલો જ સમય લાગ્યો આ અંધેરી ગુફા પાર કરતા. તે ગુફા પાર કરીને બહાર આવ્યો.. જેવો એ બહાર આવ્યો કે એને કોઈક.. મદદ માટે બૂમો પાડતું હોય એવું લાગ્યું. એ ઝડપથી દોડ્યો. અવાજ મેદાન તરફથી આવી રહ્યો હતો. જ્યોર્જ દોડતા દોડતા હાંફી ગયો. થોડોક થાક ખાવા ઉભો રહ્યો ત્યાં તો... એને ક્રેટીની જોરદાર વેદનાભરી ચીસ સંભળાઈ.... જ્યોર્જ બચાવો.. મને...

જ્યોર્જે સામેની તરફ જોયું તો મેદાનની વચ્ચે ક્રેટી દોડી રહી હતી અને પાછળ એમના નગરનો સેનાપતિ. જ્યોર્જને સમજાયું નહીં કે આ સેનાપતિ આમ ક્રેટીની પાછળ શા માટે દોડી રહ્યો હશે..

પોતાની પ્રેમિકા પાછળ સેનાપતિને આવી રીતે દોડતા જોઈને જ્યોર્જ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યો.. એનામાં રહેલો નાવિકનો જુસ્સો જાગી ઉઠ્યો. એ દોડ્યો ઝડપથી અને ક્રેટી પાસે જોઈને ઉભો રહ્યો. અચાનક આમ જ્યોર્જને આવેલો જોઈ ક્રેટી જ્યોર્જને ભેંટી પડી અને જોર જોરથી રડવા લાગી. જ્યોર્જને આમ અચાનક વચ્ચે આવેલો જોઈને પેલો સેનાપતિ તો ત્યાંજ મીણનું પૂતળું બની ગયો.

"જ્યોર્જ... તું ક્યાં હતો.. આ હરામખોર..મને આજે..' આટલું બોલી ક્રેટી ફરીથી જ્યોર્જને ભેટીને રડી પડી.

"અરે બોલ તો ખરી તું.. શું કર્યું આ હરામખોરે તને..? જ્યોર્જ ક્રેટીનો ચહેરો ઉપર ઉઠાવી આંખમાં આંખ પરોવીને પૂછ્યું.

"પીટર એન્જેલા પાસે હતો તેથી અહીંયા આવવા હું નીકળી.. સાથે આને લીધો એક સજ્જન સેનાપતિ સમજીને..પણ.. અહીંયા તમે કોઈ હતા નહીં.. અમે બન્ને અહીંયા એકલા હતા બે કલાક તમારી રાહ જોઈ.આજુબાજુ તમારી શોધ પણ કરી છતાં કોઈ ના મળ્યું.. પછી આ હરામખોરે એકલતાનો લાભ ઉઠાવીને મારી સાથે... બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો અને હું એના હાથમાંથી છટકીને ભાગી ગઈ અને મને બચાવવાં માટે બૂમો પાડતી રહી. જો તું સમયસર ના આવ્યો હોત તો હું કોઈને મોઢું બતાવવા લાયક ના રહેત..' ક્રેટી બધું એકી શ્વાસે બોલી ગઈ અને પછી જ્યોર્જને વળગીને રડી પડી.

ક્રેટીની વાત સાંભળીને જ્યોર્જનું એક એક અંગ ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યું. એનો મગજ પરથી કાબુ ગયો અને એણે પાસે પડેલો પથ્થર ઉઠાવ્યો અને ખુબ જ તીવ્ર ગતિથી સેનાપતિ તરફ ફેંક્યો. સેનાપતિને આમ અચાનક હુમલો થશે એવો આભાસ પણ નહોતો. તે કંઈ સમજે એ પહેલા જ જ્યોર્જે ફેંકેલો પથ્થર એના કપાળ સાથે અથડાયો. પથ્થરનું વજન લગભગ એક કિલો જેટલું હશે. પથ્થર કપાળ ઉપર વાગતા જ સેનાપતિ ત્યાંજ ચક્કર ખાઈને પડી ગયો. જ્યોર્જે ઝડપથી એના જ કપડાથી એનું મોઢું અને પાછળની તરફ હાથ બાંધી દીધા. પછી મેદાનમાંથી ઢસડીને નદી કિનારે લઈ ગયો અને સેનાપતિને તીવ્ર પ્રવાહ સાથે વહેતી ઝોમ્બો નદીમાં ફેંકી દીધું.

ક્રેટી હજુ પણ ડુસકાં ભરી રહી હતી. તે આ સમગ્ર ઘટનાથી ડરી ગઈ હતી. પછી જ્યોર્જ ક્રેટીને એક વૃક્ષના છાંયડે લઈ ગયો. થાકેલી ક્રેટી ત્યાંજ જ્યોર્જના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ.. જ્યોર્જ પોતાની પ્રેમભીની નજરે પોતાની પ્રેમિકાને આમ નિશ્ચિત પણે સુતેલી જોઈ રહ્યો. પોતાના પ્રેમીના ખોળામાં સુતેલી ક્રેટીના સુંદર મુખ ઉપર કોઈપણ જાતના ભયના નિશાન નહોતા.

ક્રેટી હજુ પણ ડુસકાં ભરી રહી હતી. તે આ સમગ્ર ઘટનાથી ડરી ગઈ હતી. પછી જ્યોર્જ ક્રેટીને એક વૃક્ષના છાંયડે લઈ ગયો. થાકેલી ક્રેટી ત્યાંજ જ્યોર્જના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ.. જ્યોર્જ પોતાની પ્રેમભીની નજરે પોતાની પ્રેમિકાને આમ નિશ્ચિત પણે સુતેલી જોઈ રહ્યો. પોતાના પ્રેમીના ખોળામાં સુતેલી ક્રેટીના સુંદર મુખ ઉપર કોઈપણ જાતના ભયના નિશાન નહોતા.

ક્રેટી બે કલાક જેટલી સૂઈ રહી. સાંજ ઢળવા આવી ત્યારે જ્યોર્જે ક્રેટીને જગાડી. ક્રેટી ઉઠ્યા પછી બન્ને જણ નગરમાં પાછા ફર્યા. પીટર એન્જેલા પાસે જ હતો. મલમપટ્ટી કરાવ્યા બાદ એન્જેલા એકદમ સ્વસ્થ હતી. જ્યોર્જ અને ક્રેટી પીટર અને એન્જેલાને મળ્યા. પછી જ્યોર્જે સવારથી માંડીને સાંજ સુધી બનેલી ઘટના આ ત્રણેયને કહી સંભળાવી.

કેપ્ટ્ન અને સાથીદારોને કોઈકે બંદી બનાવી દીધા એ સાંભળીને ક્રેટી , એન્જેલા તેમજ પીટર દુઃખી થઈ ગયા.

ક્રેટી સાથે બનેલી ઘટના સાંભળીને સેનાપતિ માટે એન્જેલા તેમજ પીટરે રોષ વ્યક્ત કર્યો.

રાત પડી ગઈ હતી એટલે કેપ્ટ્ન અને સાથીદારોને પેલા ટાપુવાસીઓના સંકજામાંથી કેવીરીતે બચાવવાં એની ચર્ચા જમ્યા પછી કરવાનું કહીને પીટર અને જ્યોર્જ પોતાના નિવાસ્થાને જમવા પાછા ફર્યા...

(ક્રમશ)