rahasymay tapu upar vasavat.. - 10 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 10

મોટા પગલાંઓનું રહસ્ય ખુલ્યું..


____________________________



સવારના પાંચ વાગ્યાં હશે.. સમગ્ર ટાપુ ઉપર ઝાંખું-ઝાંખું અંધારું છવાયેલું હતું. કેપ્ટ્ન હેરી ઝાડ ઉપર બાંધેલા માંચડા ઉપર જાગીને બેઠા-બેઠા ચારેય બાજુ દૂર સુધી નજર ઘુમાવી રહ્યા હતા. ત્યાં તો એમની નજર મેદાનના અલ્સ પહાડના તરફના છેડે ચોંટી ગઈ. એક વિશાળ કાળો ઓળો અલ્સ પહાડની ટેકરી તરફ જઈ રહ્યો હતો. કેપ્ટ્ને તરત જ બધા સાથીદારોને જગાડ્યા અને બધાને અલ્સ પહાડની ટેકરી તરફ ખસી રહેલો વિશાળ ઓળો બતાવ્યો.


"પ્રોફેસર... ચાલો જલ્દી એનો પીછો કરીએ..' કેપ્ટ્ન હેરીએ પ્રોફેસર સામે જોતાં કહ્યું.


"પણ એ આટલું બધું વિશાળ શું હશે..? રોકીએ વચ્ચે પ્રશ્ન કર્યો. રોકી હજુ પણ અલ્સ પહાડની ટેકરી તરફ ખસી રહેલા ઓળાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો.


"અરે.. બધા ચાલો તો ખરા.. એને જોઈશું ત્યારે ખબર પડશે કે એ શું છે ચાલો જલ્દી..' આમ કહીને કેપ્ટ્ન માંચડા પરથી ઉભા થયા. અને વેલાઓમાંથી બનાવેલી નિસરણી વડે માંચડા પરથી નીચે ઉતરવા લાગ્યા.


કેપ્ટ્ન અને એમના સાથીદારો હિંમતબાજ હતા. એમના નસ-નસમાં સાહસ વહેતુ હતું. બધા ઝડપથી નિસરણી દ્વારા માંચડા પરથી નીચે ઉતરી ગયા. અને નીચે પથ્થર તોડવાના ઓજાર તેમજ લાકડીઓ પડી હતી. જેના હાથમાં જે આવ્યું એ લઈને બધા ઝડપથી કેપ્ટ્નની પાછળ અલ્સ પહાડની ટેકરી તરફ ચાલવા લાગ્યા.


રાતરાણી હવે ટાપુની ધરતી ઉપરથી વિદાય થઈ ગઈ હતી. અજવાળાનો પ્રવેશ થતાં જ અંધારું ગાયબ થઈ રહ્યું હતું. સમગ્ર ટાપુ ઉપર હવે વહેલી સવારનું અજવાળું છવાઈ ગયું હતું પરંતુ સૂર્ય હજુ પોતાની તીવ્ર રોશની સાથે આકાશમાં આવ્યો નહોતો. કેપ્ટ્ન અને એમના સાથીદારો બમણી ઝડપે મેદાન પાર કરીને અલ્સ પહાડની તળેટીમાં આવી પહોંચ્યા. ક્યાંક ઘાસ પર જામેલા ઝાકળબિંદુઓના કારણે એમના પગ ભીંજાઈ રહ્યા હતા. પેલો કાળા ઓળાને હવે તેઓ સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. એ કોઈ મહાકાય પ્રાણી હતું કે કોઈ અન્ય


એ આટલી દૂરથી કહેવું મુશ્કેલ હતું. એ અલ્સ પહાડની સૌથી ઊંચી ટેકરી ઉપર ચડી રહ્યું હતું. બધા ઝડપથી એનો પીછો કરવા લાગ્યા. થોડા આગળ ગયા ત્યારે નક્કી થઈ ગયું કે એ કોઈ પ્રાણી જ હતું.


કેપ્ટ્ન અને એમના સાથીદારો ઝડપથી એ પ્રાણીનો પીછો કરી રહ્યા હતા. ધીમે-ધીમે તેઓ સાવચેતી પૂર્વક એ પ્રાણી તરફ આગળ વધી રહ્યા હતા. જેમ-જેમ બધા પ્રાણીની નજીક પહોંચી રહ્યા હતા એમ-એમ પ્રાણીનો આકાર મોટો થઈ રહ્યો હતો. પ્રાણીના શરીર ઉપર લાંબા કાળા વાળ હતા. પાછળના બે પગ લાંબા હતા. એની પીઠ વચ્ચેથી બહાર નીકળેલી અને બન્ને બાજુ ઢાળ હોય એવી લાગી રહી હતી. એ આગળ તરફ જઈ રહ્યું હતું એટલે એના શરીરનો આગળનો ભાગ જોઈ શકાતો નહોતો. એનું કદ લગભગ સાત મીટર જેટલું ઊંચું અને દોઢ મીટર જેટલું પહોળું હતું. કેપ્ટ્ન અને એમના સાથીદારો એ પ્રાણીથી લગભગ ત્રણસો મીટર જેટલું અંતર રાખીને પીછો કરી રહ્યા હતા.


સૂર્ય દેવનું હવે આકાશમાં આગમન થઈ ચૂક્યું હતું. પરંતુ ટેકરીનો ભાગ વચ્ચે હોવાથી કેપ્ટ્ન અને એમના સાથીદારો ઉપર સૂર્યપ્રકાશ પડી રહ્યો નહોતો. એમનાથી આગળ જઈ રહેલા પેલા પ્રાણીના શ્વાસ લેવાના અવાજો એમને આટલા દૂરથી પણ સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યા હતા. બધા ચુપકીદીથી આગળ વધી રહ્યા હતા. કારણ કે પેલું પ્રાણી એમને જોઈ જાય તો હુમલો કરવાની પુરી સંભાવના હતી. કેપ્ટ્ન વારે ઘડીએ એમના સાથીદારોનો ટેકરી ઉપર ચડવાનો ઉત્સાહ ઇસારા વડે વધારી રહ્યા હતા. બધાના મનમાં એક જ કુતુહલ હતું કે આવડું મોટુ પ્રાણી કોણ હશે... કારણ કે આ અગાઉ એમણે ક્યારેય આવું પ્રાણી જોયું નહોતું.


પ્રોફેસરના મુખ ઉપર અલગ જ પ્રકારના ભાવો છવાયેલા હતા. તેઓ વારે ઘડીએ આ પ્રાણી કયુ હશે એનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં તો ઉપર તરફ જઈ રહેલુ પ્રાણી ડાબી તરફ વળ્યું અને એનું મુખ તેમજ આગળનો નાનકડો ડાબો પગ દેખાયો. આ જોઈને પ્રોફેસરણની આંખો ચમકી ઉઠી.


"અરે આતો ડયુગોંગ છે..'કેપ્ટ્નના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા.


"ડયુગોંગ.. પણ તમને કેવીરીતે ખબર પડી..? તમે પહેલા આને ક્યાંય જોયું છે..? સૌથી છેલ્લે ચાલી રહેલા રોકીએ પ્રશ્ન કર્યો.


"ના જોયું નથી..પણ..' હજુ પ્રોફેસર આટલું જ બોલ્યા હતા ત્યાં તો ઉપરની તરફથી એક મોટો પથ્થર નીચેની તરફ એક શીલા સાથે અથડાયો અને મોટા ધડાકા સાથે એ પથ્થરના બે મોટા ભાગ થઈ ગયા અને એક ભાગ અનેક નાનકડા ટુકડાઓ માં વહેંચાઈ ગયો. અચાનક ઉપરથી આટલો મોટો પથ્થર પડવાથી બધા હેતબાઈ ગયા. થોડીક વારમાં તો ઉપરથી પથ્થરોની દડદડાટી બોલવા લાગી.


"બાપરે ધરતીકંપ..' કેપ્ટ્ન ચીસ જેવા અવાજે બોલી ઉઠ્યા.


બધા એકબીજાનો હાથ પકડીને એકબીજાને ચોંટી ગયા.


ધરતીકંપના ફક્ત બે જ આંચકાઓ આવ્યા અને પછી બધું સમી ગયું. બધાએ રાહતનો શ્વાસ લીધો અને પેલું ડ્યુગોંગ પ્રાણી જે તરફ ગયું હતું એ તરફ આગળ વધ્યા. એ પ્રાણી હવે ઉપર ચડવાને બદલે ડાબી તરફ આગળ વધી રહ્યું હતું.


અહીંયા ચાલવામાં જોખમ નહોતું કારણ કે આ પ્રાણીઓએ ચાલી ચાલીને પથ્થરોમાં પણ રસ્તો બનાવી લીધો હતો. છતાં બધા આજુબાજુ અને ઉપર જોઈને ચાલતા હતા. કારણ કે હમણાં થોડીવાર પહેલા જ ટેકરીના ઉપરના ભાગ પરથી પથ્થર નીચેની તરફ પડ્યો હતો અને તેઓ માંડ-માંડ જ બચ્યા હતા.


બધા એક કલાક એ પ્રાણીનો પીછો કરતા-કરતા ચાલતા રહ્યા. અહીં ટેકરીનો આગળનો ભાગ પૂરો થતો હતો અને ધીમે-ધીમે વળાંક શરૂ થતો હતો. સામે ઊંચી-નીચી સુંદર ટેકરીઓ અને ઊંડી ખીણો ખુબ ભયાનક લાગી રહી હતી.


સામાન્ય માણસ હોય તો આવી ઊંડી ખીણો જોઈને ત્યાં જ ચકરાઈ મરે.. પણ આતો બધા હિમ્મતવાન નાવિકો હતા અનેક ઝંઝાવતો સામે એમણે બાથ ભીડી હતી એટલે આવી પરિસ્થિતિમાં તેઓ ડગી જાય એમ નહોતા.


સૂર્યનો હવે સીધો તાપ એમના શરીર ઉપર પડ્તો હતો. પરંતુ અહીંયાનું વાતાવરણ ઠંડુ હોવાથી આ લોકોને ગરમી લાગી રહી નહોતી. બધા ચાલતા રહ્યા એક મોટો વળાંક વટાવી દીધો અને તેઓ ફરીથી જમણી તરફ એ પ્રાણી જતું હતું એ તરફ વળ્યાં. સામેનું દ્રશ્ય જોઈને બધા રોમાંચિત થઈ ઉઠ્યા. આ ટેકરીથી સામેની ટેકરીને જોડતો અદ્ભૂત પથ્થરનો કુદરતી પુલ હતો. પુલને જોઈને કેપ્ટ્ને અનુમાન લગાવ્યું કે પુલ શાયદ વીસ પચીસ મીટર પહોળો અને સામેની ટેકરી સુધી પુલનું અંતર લગભગ સાતસો મીટર જેટલું હશે. મધ્યાન્તરે જતાં પુલ સાંકડો થઈ જતો હતો. અહીંયા તેઓ ટાપુંના જમીન પ્રદેશથી લગભગ દોઢ માઈલ જેટલા ઉપર હતા.


પેલું પ્રાણી આ પુલ ઉપર થઈને સામેની ટેકરી ઉપર જઈ રહ્યું હતું. પુલની નીચે ઊંડી ખીણ હતી. નીચે વહી રહેલા નાનકડા ઝરણાઓ અહીંયાથી ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. બધા પુલ ઉપર ચાલવા લાગ્યા.


"પ્રોફેસર હવે તો કહો તમે આ ડયુગોંગ પ્રાણી જ છે કેવીરીતે ઓળખી કાઢ્યું..? બધા ઘણા સમયથી ચુપચાપ ચાલતા હતા એટલે રોકી ચુપકીદી તોડતા બોલ્યો.


પ્રોફેસરે પોતાના હાથમાં રહેલું પથ્થર તોડવાનું અણીવાળું હથિયાર પુલ પર પછાડ્યું જાણે પુલની મજબૂતાઈ માપતા હોય એવું બધાને લાગ્યું.


"જો રોકી મેં આ પ્રાણીને મારી સગી આંખે તો અહીંયા પહેલીવાર જ જોયું છે પરંતુ મારો એક શિકારી મિત્ર ન્યુઝીલેન્ડના ટાપુઓ ઉપર અવાર-નવાર જાય છે.. એટલે એણે મને આ મહાકાય પ્રાણી વિશે વાત કરી હતી. અને એણે જે વર્ણન આ પ્રાણીનું કર્યું હતું એ આને મળતું આવે છે. આ પ્રાણી જયારે ચાલવા માંડે ત્યારે એનું ધ્યાન હંમેશા આગળની તરફહોય છે એ ક્યારેય પાછળની તરફ પીઠ ફેરવીને જોતું નથી.. આજે પણ એવું જ બન્યું છે આપણે છેક સવારથી આનો પીછો કરીએ છીએ પણ એણે એનો ચહેરો આપણને બતાવ્યો નથી..' પ્રોફેસરે બધાને પોતાની વાત સમજાવી.


બધા આમ વાતોમાં પડ્યા ત્યાં તો પેલું પ્રાણી એમની નજર સામેથી સામેની ટેકરીમાં અદ્રશ્ય બની ગયું. બધા ઝડપથી પુલ ઉપર દોડવા લાગ્યા થોડીક વારમાં બધા દોડીને સામેની ટેકરી ઉપર પહોંચી ગયા.


"અરે... પાછળ તો જુઓ..' ફિડલનો આનંદ ભરેલો અવાજ સાંભળીને બધા એકદમ થંભી ગયા.


બધા પાછળ ફર્યા. સામેનું દ્રશ્ય જોઈને બધાના મુખમાંથી અદ્ભૂત.. અદ્ભૂત.. વાહ.. રમણીય.. આહલાદ્ક વગેરે શબ્દો નીકળી પડ્યા. અહીંયાથી અલ્સ પહાડની સૌથી ઊંચી ટેકરીનો પાછળનો ભાગ સંપૂર્ણ દેખાઈ રહ્યો હતો. ટેકરીની ટોચ ઉપર જામેલા બરફમાંથી પાણીનો સીધો પ્રવાહ નીચે આવેલી નાનકડી ટેકરીઓ ઉપર પડી રહ્યો હતો. ટેકરીના ઉપરના ભાગ ઉપરથી પડ્તો પાણીનો પ્રવાહ એક માઈલ નીચે ટેકરીઓની ટોચ ઉપર અથડાઈને ચારેય બાજુ વહેંચાઈ જતો હતો. ટેકરીનો આ તરફનો ઢોળાવ એકદમ સીધો હતો એટલે બરફનું બધું પાણી આ તરફ નીચે પડી રહ્યું હતું.


"પેલા ચારેયના લગ્ન થઈ જાય ત્યારે આપણે એમને આ રમણીય જગ્યાએ ફરવા લઈ આવીશું..' જોન્સન સામે પડી રહેલા વિશાળ ધોધને જોતાં બોલ્યો.


"કોણ ચારેય..? સામેની અલૌકિક પ્રકૃતિને જોતાં ફિડલ ધીમેથી બોલ્યો.


"અરે બુદ્ધુ .. બીજું કોણ હોય.. જ્યોર્જ , ક્રેટી , એન્જેલા અને પીટર..' ફિડલના નિદોષ સવાલ ઉપર હસી પડતા જોન્સન બોલ્યો.


"મને પણ ખબર હતી પણ મારું ધ્યાન પેલા ઊંચેથી પડી રહેલા ધોધમાં અટવાઈ ગયું હતું એટલે આવું પુછાઈ ગયું..' ફિડલ પોતાની મૂર્ખાઈ પર હસતા બોલ્યો.


"કેપ્ટ્ન અમને પણ શોધી આપોને આવી સુંદરીઓ એટલે અમારા પણ લગ્ન એમના ભેગા થઈ જાય..' રોકી સામેનું દ્રશ્ય જોઈને રોમેન્ટિક મૂડમાં આવી જતાં બોલ્યો.


"અમારા ભરોસે રહ્યો તો આ જન્મમાં તારા લગ્ન થવા મુશ્કેલ છે.. એટલે તમે પણ જ્યોર્જ અને પીટરની જેમ જાતે જ શોધવા મંડી જાઓ..' કેપ્ટ્ને જોરથી હસીને કહ્યું.


કેપ્ટ્નની આ રમૂજ ઉપર બધા પેટ પકડીને હસી પડ્યા. રોકી બિચારો ઝંખવાણો પડી ગયો.


બધાને આગળની રાત્રીએ પ્રોફેસર , જોન્સન અને ફિડલને ઉપાડી જનાર મોટા પગવાળા પ્રાણીનું રહસ્ય સમજાઈ ગયું હતું. એટલે બધા એકાદ કલાક સુધી આ અદ્ભૂત પ્રાકૃતિક નજારાને સુંદર રીતે માણ્યો. આ અદ્ભૂત પુલ દ્વારા બન્ને ટેકરીઓનું જોડાણ અને સામે બરફ પીગળીને પડ્તો વિશાળ ધોધ , નીચે ઊંડી ભયાનક ખીણ અલગ જ પ્રકારનો નજારો ઉભો થતો હતો. કુદરતની કળા માણસની કલ્પનાની પણ બહાર હતી કારણ કે કેપ્ટ્ન અને એમના સાથીદારોએ એક નદીના બન્ને કિનારાઓને પુલ દ્વારા માંડ-માંડ જોડ્યા હતા. જયારે અહીંયા બે ટેકરીઓ વચ્ચે કુદરતે પોતાની કળા વડે પથ્થરના પુલનું નિર્માણ કર્યું હતું.


સૂર્ય હવે માથા ઉપર આવી ગયો હતો. આકાશમાં છુટા છવાયા વાદળાઓ પવનનની ગતિને અનુસરીને પશ્ચિમ તરફ દિશા તરફ ઝડપથી દોડી રહ્યા હતા. વાદળાંઓને જોઈને લાગી રહ્યું હતું કે તેઓ એકબીજાથી આગળ નીકળવાની હરીફાઈમાં લાગ્યા હોય. હવામાનમાં ખાસ ફેરફાર નોંધાયો નહોતો એટલે વરસાદ આવવાની સંભાવના નહિવત હતી. કેપ્ટ્ન અને એમના સાથીદારો હવે પોતાના રહેઠાણ તરફ જવા લાગ્યા. બધાએ જતી વખતે આ ધોધના આ દ્રશ્યને મન ભરીને માણી લીધું હતું. હવે બધાના મન પ્રફુલ્લિત થઈ ગયા હતા. આ દ્ર્શ્યે એમના શરીરમાં એક નવી તાજગી ભરી દીધી હતી.


બધા હવે પુલ વટાવીને આગળ વધ્યા. લગભગ કલાક જેટલું ચાલ્યા ત્યારે જમણી તરફનો રસ્તો પૂરો થયો.અહીંયા થી હવે નીચે તરફ જવાનો ઢોળાવ શરૂ થતો હતો. બધા ઢોળાવવાળો રસ્તો ઉતરીને મેદાનમાં આવી પહોંચ્યા. બપોર થઈ ગઈ હતી એટલે જમવું જરૂરી હતું ફિડલ જમવાની વ્યવસ્થા કરવા ગયો અને કેપ્ટ્ન તેમજ અન્ય સાથીદારો મેદાન તરફ આગળ વધ્યા.


આજે જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા વહેલા આવી ગયા હતા. તેઓ આજે વધારે માનસોને કામ કરવા માટે લઈ આવ્યા હતા. વધારે ઝરખ પ્રાણીઓને પકડીને જ્યોર્જ અને પીટરે નવી ગાડીઓ તૈયાર કરાવી હતી બધી ઝરખની ગાડીઓમાં પથ્થરો ભરીને સાફ કરેલા મેદાનમાં ઠેર-ઠેર પથ્થરનો ઢગલો કરવામાં આવતો હતો.


કેપ્ટ્ન અને એમના સાથીદારો આવ્યા એટલે બધા પેલા વિશાળ વૃક્ષના છાંયે બેઠા. કેપ્ટ્ને પેલા વિશાળ પગવાળા ડયુગોંગ પ્રાણીની વાત જ્યોર્જ , પીટર ,ક્રેટી તેમજ એન્જેલાને કહી. અને બે ટેકરીઓને જોડાત પુલની વાત પણ કરી. અલ્સ પહાડની ઊંચી ટેકરી ઉપરથી પડતા વિશાળ ધોધની વાત સાંભળીને આ ચારેય આનંદિત થઈ ઉઠ્યા.


"કેપ્ટ્ન ખરેખર.. આવું અદ્ભૂત દ્રશ્ય જોવા અમને પણ લઈ જાઓને..' એન્જેલા ધોધનું વર્ણન સાંભળીને પોતાની ખુશી વ્યક્ત કરતા બોલી.


"હા.. જરૂર જઈશું પણ તમારાં ચારેયના લગ્ન તો થવા દો..' કેપ્ટ્ન મીઠું હસતા બોલ્યા.


કેપ્ટ્નની વાત સાંભળીને ક્રેટી તેમજ એન્જેલા શરમથી પાસે બેસેલા પોતાના ભાવિ પતિનો હાથ પકડીને નીચું જોઈ ગઈ.


ફિડલે જમવાનું બનાવી નાખ્યું હતું એટલે બધા જમવા બેઠા.


"મારી વહાલી ભાભીઓ કહો તો ખરા કે હું જમવાનું કેવું બનાવું છું..' ફિડલ ક્રેટી અને એન્જેલા સામે જોઈને જમતા- જમતા ટીખળ કરતા બોલ્યો.

"જોરદાર બનાવો છો.. તમારી પત્ની બનશે એ બહુ જ ભાગ્યશાળી હશે બિચારીને જમવાનું તો નહીં બનાવવું પડે..' ક્રેટી પણ મજાકમાં સૂરમાં બોલી.

ક્રેટીનો જવાબ સાંભળીને બધા હસી પડ્યા. ફિડલ અહીંયા પણ ઝંખવાણો પડી ગયો. થોડીવાર આ મજાક મસ્તી કરતા રહ્યા પછી જમવાનુ પતાવીને બધા ઉભા થયા.

ઝોમ્બો નદી દ્વારા મેદાનના બે ભાગ પડી જતાં હતા પણ કેપ્ટ્ને પોતાની સુઝબુઝથી પુલનું નિર્માણ કરીને એક મેદાનથી બીજા મેદાન ઉપર જવુ એકદમ સરળ બની ગયું હતું. અન્

કેપ્ટ્ને પ્રોફેસરની મદદથી એક મજબૂત ઝાડની છાલ ઉપર વનસ્પતિઓના રંગો વડે આ મેદાનમાં નગર કેવીરીતે બનાવવું એનો સંપૂર્ણ નકશો ગઈ રાત્રીએ તૈયાર કર્યો હતો. એ નકશો એમણે જ્યોર્જ , પીટર , એન્જેલા , ક્રેટી અને એમના અન્ય સાથીદારોને સમજાવ્યો.

નકશામાં નગરરચના આ મુજબની હતી. બન્ને મેદાનમાં અલગ-અલગ રાજ્યાશન બનાવવામાં આવે. રાજ્યાશનનું મકાન પાંચ માળનું તેમજ અન્ય નગરજનોના રહેઠાણ માટે મકાનો બે માળના બનવવાના હતા. સમગ્ર નગરમાં પાંચ મુખ્ય માર્ગો તેમજ અનેક નાના રસ્તાઓ. ઝોમ્બો નદીના બન્ને બાજુના કિનારે મજબૂત પથ્થરોની દીવાલ બનાવવાની હતી.
નગરજનો પાણીની સમસ્યાથી ના પીડાય એટલા માટે ઠેર-ઠેર પાણીની પરબ બાંધવાની હતી. દરેક બહુમાળી મકાનની આજુબાજુ પાંચ વૃક્ષો વાવવાના હતા. દરેક ઘરની બાજુમાં સ્નાનાગાર બનાવવા હતા.. સમગ્ર નગરની ફરતે દસ મીટર ઊંચી દીવાલ બનાવવાની હતી.

કેપ્ટ્ને પોતાની હાજરીમાં રાજ્યાશન બનાવવાની શરૂઆત કરાવી. બધી ઝરખ ગાડીઓ દ્વારા પહેલા અહીંયા પથ્થર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી. અને રાજ્યાશનના બાંધકામની શરૂઆત થઈ.

જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા આજે બહુજ ખુશ હતા કારણ કે બધા કામો હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા. એમને પોતાનો પ્રેમ જીવનસાથીના રૂપમાં હંમેશા માટે મળવાનો હતો એટલે ચારેયનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો.

(ક્રમશ..)

તમારો કિંમતી સમય આપીને પ્રતિભાવ જરૂરથી આપજો..