Laalni raninu aadharcard - 10 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 10

પ્રકરણ- દસમું/૧૦

રાઘવનો કોલ મુક્યા પછી તરુણાને થયું કે વનરાજની ૧૫ મિનીટ અને શરતોના મનોમંથનના હોમવર્ક માટે સારો એવો માનસિક વ્યાયામ કરવો જરૂરી છે. એટલે ફાટફાટ ફ્રેશ થઇને તેના રૂમમાં બારી પાસે ચા નો કપ લઈને બેસી ગઈ,ચક્રવ્યૂહ જેવી રાજનીતિના શસ્ત્ર જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવા.
ગહન મનોમંથન પછી તરુણાએ વિચાર્યું કે, કોઈપણ જાતની પૃષ્ઠભૂમિકા અને
પૂર્વભૂમિકા વગર વનરાજ નામના વ્યક્તિત્વ પાસે ખાતરીપૂર્વક અને મરજી મુજબનું કામ કઢાવવું એટલે અંધારામાં માત્ર તીર જ નહતું ચલાવવાનું, પણ ચલાવેલા તીરથી બચવાનું પણ હતું.


અડધો એક કલાક સુધી તેની શાર્પ સ્માર્ટનેસથી ષડ્યંત્રની શતરંજના પ્યાદાઓને તેની જરૂરિયાત મુજબ ગોઠવી લીધા પછી કોલ લગાવ્યો ભાનુપ્રતાપને.

‘હેલ્લો અંકલ.’
‘હા, બોલ દીકરા.’
‘રણજીત કાકાને મોકલો, કાર લઈને. હું તમને મળવા આવવું છે. તમારાં બંગલે, કયાંય જાતા નહીં.’
‘એ ઠીક છે. આવ આવ. કેમ આજે કોઈને બાટલીમાં ઉતારવાનો છે?
હસતાં હસતાં ભાનુપ્રતાપે પૂછ્યું,
‘બાટલીમાં તો ઉતારી જ દીધા છે, હવે માથે બુચ મારવાનું જ કામ બાકી છે.’ તરુણાએ પણ સામે હસતાં હસતાં જવાબ આપ્યો એ સાંભળીને ભાનુપ્રતાપ ખડખડાટ હસવાં લાગ્યા.
‘એ તો તો એમાં મારો રણજીત જ હાલે હો.’ ભાનુપ્રતાપ બોલ્યા
‘હા, એ સાચું, એ બહુ મોટા બુચ માર છે.’ તરુણાએ બોલી.
‘હાલ, ઝટ આવ પછી મારે ચૂંટણી કાર્યાલયની ઓફિસે નીકળવું છે.’
ભાનુપ્રતાપ બોલ્યા
‘તમે કાર મોકલો એટલી વાર લાગશે.’ તરુણા બોલી
‘એ મોકલી લ્યો.’

દસ મિનીટ પછી રણજીત સાથે કારમાં બેસીને તરુણા નીકળી.
‘કાકા, શું ખબર છે તમારાં લાલસિંગના ?
તરુણાએ પ્રાદેશિક સમાચારની ચેનલ સેટ કરતાં પૂછ્યું
‘લાલસિંગની તો ખબર નથ પણ ઓલા ભુપતીયાને વિઠ્ઠલ હાયરે કઈક ડખો થયો છે એવી વાત સેરમાં ફેલાણી છે. અને બીજી વાત ઈ હાંભરી કે, ઈ ભુપતીયો લાલસિંગની પારટી ઘરી ગયો છે.’
રણજીતએ પેટનો અપચો હળવો કરવાં વાતની વાછૂટ ચાલુ કરી.
‘આલે લે કાકા, હું વાત કરો છો ? આ તો ભાયરે કરી હો ? હવે હું થાહે ?
તરુણાએ રણજીત હળવો કરવા વાર્તા હાંક્યે રાખી.

‘એ હંધાય એકબીજાના માથા ફોડે ઈવા છે, આપણે છેટા રેવું હારું. ઈવડા ઈ આંખલા બાધે, ને ખો આપણો નીકરી જાય’
મોઢાંમાં તમાકુ નાખતાં રણજીત બોલ્યો.

‘પણ મેં તો એવી વાત હાંભરી છે કે, લાલસિંગને કોકે તમારું નામ આપ્યું કે, આ
ભાનુપ્રતાપ અને વિઠ્ઠલને ભેરા કરવામાં તમારો હાથ છે એમ.’
મનોમન હસતાં તરુણાએ રણજીતને જુલાબની ગોળી પીવડાવતા કહ્યું.

આટલું સાંભળતા રણજીત ફેઇસ પર જાણે લૂઝ મોશનના પ્રેશરને અંકુશ કરવાના પ્રયાસ જેવા એક્સપ્રેશ્ન્સ સાથે કાર ચાલવતા ચુનીલાલને કહ્યું
‘ઓયે માડી રે... તો તો.. એલા ચુનિયા ગાડી રોક, હમણાં જે પેલી ટ્રેન મળે ઈ પકડીને સીધો મારા ગામડા ભેળો થઇ જાઉ.’
હસતાં હસતાં તરુણા બોલી,
‘અરે.. હું તો ફક્ત મજાક કરું છું, તમે તો ભાઈ ભારે ડરપોક, હો.’
‘એલી છોડી તને હજુ ઈ મગજના ફાટેલ લાલિયાનો પરચો નથ મય્લો ને એટલે તને આવી વાતું હુજે છે, હમજી. ઈ વાત પછી હાંભરે, ઈ પેલા તો ભડાકે દઈ દે.’
‘હેં, કાકા, હાચું કે જો, અટાણ લગીમાં કેટલાને ભડાકે દીધા છે, ઈ લાલસિંગએ ?’
તરુણાએ પૂછ્યું
એટલે માથું ખંજવાળતા રણજીત બોલ્યો,
‘ના હજુ લગી તો કોઈને નઈ હો.’
‘ઓલી કેવત ખબર છે ને કાકા, ભસે ઈ ક્યડે નઈ અને ક્યડે ઈ...’
કારમાંથી ઉતરતા તરુણાએ જવાબ આપ્યો.

અંદર જઈને તરુણાએ ભાનુપ્રતાપ સાથે પાંચ થી દસ મિનીટ વાત કરી પછી મુખ્ય
મુદ્દા પર આવતાં બોલી,
‘અંકલ તમે કહેતા’તા ને કે હું રૂપિયાનો ધોધ વહાવી દઈશ, તો લ્યો હવે સમય આવી ગયો છે.’
‘અરે હા, બોલ, કયારે અને કેટલાની જરૂર છે ?’ભાનુપ્રતાપએ પૂછ્યું
‘પણ અંકલ, એ તો પૂછો કે શા કામ માટે જોઈએ છે ?’
‘મને જરૂર નથી લાગતી, છતાં તું જ કહી દે.’
‘ચૂંટણી ખતમ થાય ત્યાં સુધીમાં રાઘવ ભાઈની મર્યાદા બહારના કામ માટે મારે વનરાજને મળવાનું છે, પણ...’ તરુણા એટલી ગઈ
‘પણ શું ?’
ધીમા અવાજે તરુણા બોલી,


‘હું તમને જે કંઈ પણ વાત કરું એ આપણા બન્ને વચ્ચે જ રાખજો પ્લીઝ. કારણ કે
ટાર્ગેટ પર તાકેલું નિશાન જો નાની એવી ગફલતના કારણે સ્હેજે આડું અવળું ગયું તો નાહકનું કોઈ શહીદ થઇ જશે. એટલે ચુંટણી પૂરી થાય ત્યાં સુધી વાત કરવામાં ખાસ ચીવટ રાખજો, વિઠ્ઠલ સાથે પણ.’
‘પણ, આ વનરાજ થોડો માથા ફરેલો માણસ છે.’ ભાનુપ્રતાપ બોલ્યો
‘કઈ રીતે ? અને તમને કેટલો પરિચય છે ? તરુણાએ પૂછ્યું
‘મને તો કોઈ અંગત પરિચય નથી પણ, સાંભળ્યું છે કે સિદ્ધાંતની પૂછડી છે, તુંડમિજાજી છે અને આકરો અને આખો બોલો પણ છે.’
આટલું સાંભળીને તરુણા હસતાં હસતાં બોલી,
‘અરે.. અંકલ એમ જ બોલોને કે મારા જેવો છે.’
‘ના, તું તો બહુ ડાહી છે.’
‘એક વાત કહું અંકલ, મારી દ્રષ્ટિ એ આ દુનિયામાં જો તમારે તમારો સિક્કો ચલાવવો કે જમાવવો હોય ને તો કોઈપણ વ્યક્તિ એ ત્રણ ચહેરા રાખવા રાખવા જોઈએ, એક ખુદ માટે અંગત, બીજો નજીકના લોકો માટે અને ત્રીજો દુનિયા માટે તો જ તમે આ અવળચંડી દુનિયા સાથે આસાનીથી વિનિમય કરી શકો.’

‘ઠીક છે અંકલ હું નીકળું, જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને હેરાન કરીશ.’
‘એ તને ઠીક લાગે ત્યારે, આવજે.’ ભાનુપ્રતાપ બોલ્યા

તરુણાના રવાના થયા પછી ક્યાંક સુધી ભાનુપ્રતાપ તેના વિષે વિચારતા રહ્યા કે,
ખબર નથી પડતી, આટલી નાની ઉંમરમાં આ છોકરી એવા તે કેવા સંજોગો માંથી પસાર થઇ હશે કે આટલી બુદ્ધિમતા, પીઢતા, કડવાશ, ગુસ્સો અને વિનોદવૃત્તિ જેવા મિશ્રણને એવી રીતે ઘૂંટીને પી ગઈ છે, જાણે કે બધા જ પાસા પર સમય સંજોગ અનુસાર તેના પર અંકુશ રાખવાની જબરી કળા કેળવી છે. સાલું આ છોકરીને ગમે તેટલું સમજવાના પ્રયત્ન કરો પણ અંતે તો બુદ્ધિના ગજાનો ગજ ટૂંકો જ પડે છે.

ઠીક સાંજે ૬ વાગ્યે રાઘવનો કોલ આવ્યો,
‘હેલ્લો, બેન હું તમને જે એડ્રેસ મોકલું છું ત્યાં, સાત વાગ્યા પહેલાં પહોંચી જજો. ત્યાં પહોંચીને મને કોલ કરો.’
‘જી ઠીક છે.’

ઠીક ૬:૫૦ એ તરુણા રાઘવએ સેન્ડ કરેલા સરનામાં પર પોહંચીને જોયું તો એક સાંકડી શેરીના છેડે એક બંધ ડેલાનું ત્રણ માળનું જુનવાણી મકાન હતું હતું. તરુણાએ રાઘવને કોલ જોડ્યો,
‘રાઘવભાઈ, હું પોહંચી ગઈ છું.’
‘ઠીક છે ત્યાં જ ઊભા રહેજો, હું તેમને મેસેજ આપી દઉં છું.’
‘જી, ઠીક છે’
તરુણાએ આસપાસ નજર ફેરવતાં લોકલીટીનું અનુમાન લગાવ્યું. મધ્યમવર્ગની વસ્તીનો કોમર્સિયલ વિસ્તાર અને ઘણો ગીચ પણ હતો. સાંજનો સમય હતો એટલે કાફી ભીડ હતી. વનરાજ વિષે જે વાતો સાંભળી હતી તે મુજબની ઈમેજીનમાં આ લોકેશન તરુણાના દિમાગમાં ફીટ નહતું થતું. થોડીવાર માટે તો એમ થયું કે કોઈ ભળતાં સરમાના પર તો નથી આવી ગઈ ને.


બંધ ડેલો ઉઘડતાં એક ૨૨ વર્ષના જુવાનએ તરુણાની પાસે આવીને પૂછ્યું.
‘આપનું નામ તરુનાબેન છે ?
‘જી.’
‘ચાલો મારી જોડે’
તરુણા એ જુવાનની સાથે મકાનમાં દાખલ થઇ. મકાનની હાલત અંદરથી પણ કાફી જરીપુરાણી હતી. અંધારા જેવું હતું. દસથી પંદરેક ડગલા ચાલ્યાં પછી ડાબી બાજુએ આવેલી લાકડાનો દાદરો ચડતા ચડતા તરુણાને થયું કે આ વનરાજ માત્ર આ વગડા જેવા લાગતા વનમાં જ રાજ નથી કરતો ને ? મકાનના બાહ્ય દેખાવ કરતાં અંદરથી ત્રણ ગણું મોટું અને બિહામણું હતું. તરુણાને ભાનુપ્રતાપના શબ્દો યાદ આવ્યા, સાચે જ માથા ફરેલ તો લાગે જ છે. રામસે બ્રધર્સ અને રામ ગોપાલ વર્માની ફિલ્મોના સેટ યાદ આવી ગયા.

ત્રણ માળ ચડ્યા પછી ડાબી બાજુના એક વિશાળ રૂમમાં દાખલ થયા. મોંઘાદાટ ગાલીચા, છત પર લટકતા ઝુમર, દીવાલો પર વાઇલ્ડ લાઈફની તસ્વીરો, નવાબી સમયગાળાનું ફર્નીચર આખા રૂમની જાહોજલાલી અને ભવ્યતા પર નજર નાખતા તરુણા મનોમન બોલી કે આ ભાઈ એ પણ જંગલમાં મંગલ ઉભું કર્યું છે.

‘જે માતાજી.’
અચાનક જ તરુણાની પાછળથી એક ઘૂંટાયેલો અને દમદાર અવાજ આવ્યો.
તરત જ તરુણાએ પાછળ ફરીને જોયું તો,

સાધારણ ઉંચાઈ, ક્લીન શેવ, મધ્યમ કદ કાઠી, બ્લ્યુ જીન્સ પર ફૂલ સ્લીવનો વ્હાઈટ ઝભો પહેરલા એક સામાન્ય દેખાવ વાળી ઉભેલી વ્યક્તિ સામે બે હાથ જોડીને તરુણાએ પ્રત્યુતર આપતાં કહ્યું
‘જય માતાજી’

એ વનરાજ હતો.

‘બેસો’ વનરાજ રૂમની મધ્યમાં આવેલાં ચારે દિશામાં ગોઠવેલા સોફા તરફ હાથ લંબાવતા બોલ્યો.

‘ભાઈ, તમારો ઠાઠ પણ તમારાં નામ જેવો જ છે હો.’ તરુણા બોલી
‘તમારું નામ ?” તરુણાની સામેના સોફા પર બેસતાં વનરાજે પૂછ્યું
‘જી, તરુણા, તરુણા જાદવ.’
હમમ્મ્મ્મ... વનરાજ મનોમન બોલીને, પાછળ ઊભેલા તેના માણસની સામે નજર કરી એટલે તે બહાર જતો રહ્યો.
કમરે લટકાવેલી રિવોલ્વરને સોફા પર મુકતા વનરાજે પૂછ્યું,
‘પરિચય ?”
‘બનાવવા આવી છું.’ એકપણ સેકન્ડના વિલંબ અને આત્મવિશ્વાસથી જે રીતે તરુણાએ જવાબ આપ્યો ત્યારે વનરાજને થયું કે છોકરીમાં દમ છે.
એક માણસ પાણી અને ઓરેન્જ જ્યુસના બે ગ્લાસ ટીપોઈ પર મુકીને ગયો
‘કોના જોરે ?” પાણીનો ગ્લાસ તરુણા તરફ ધરતાં વનરાજે પૂછ્યું
‘મારા ખુદના.’ તરુણા બોલી
‘મને મળવાનું કોઈ ખાસ કારણ ? વનરાજે પૂછ્યું
‘ખુબ નામ સાંભળ્યું છે તમારું..’તરુણાની વાત કાપતાં..
‘મેં કારણ પૂછ્યું, હું શું છું એ નહી.’
તરુણાને તેના મિજાજનો પરિચય આપતાં વનરાજ બોલ્યો
‘આ શહેરમાં એક, તમે જ એવાં છો જે, બેઈમાની પણ ઈમાનદારી અને ઈજ્જતથી કરી જાણે છે એટલે.’ તરુણાએ સ્હેજ પણ ગભરાયાં વિના અક્કડથી જવાબ આપ્યો.’

‘એક સ્ત્રી થઈને આ દલદલ જેવા રાજકારણમાં આવવાનું કારણ?’
‘એવો ક્યાંય કોઈએ ઠપ્પો માર્યો છે કે અહીં મર્દનો જ ઈજારો છે ?
ઠાવકાઈથી તરુણા વનરાજની આંખો સામે જોઈને બોલી
‘તમને ડર નથી લાગતો ? વનરાજે ઓરેન્જ જ્યુસનો ગ્લાસ આપતાં કહ્યું
‘તમને દેખાય છે ?’ તરુણાએ સમો સવાલ કર્યો, પછી આગળ બોલી,
‘આભાર.. તમે મને પહેલાં પૂછ્યું કે, મારો પરિચય ? વનરાજભાઈ જો હું મારો પરિચય આપીશ તો આ શહેરના રાજકારણમાં ભૂકંપ આવી જશે, બસ એટલું સમજી લ્યો કે મારા પરિચયથી ડર પણ ડરી જાય એમ છે.’
‘તમે અહીં આવ્યા પહેલાં મેં તમારા માટે ફક્ત ૧૫ મિનીટ જ ફાળવી હતી હવે એ સમય મર્યાદા.... અમર્યાદિત થઇ ગઈ છે.’
તરુણા મનોમન બોલી એ તો મને ખબર જ હતી.
સ્હેજ હસતાં વનરાજ બોલ્યો,
‘જો તમને તમારી જાત પર આટલો જ ભડાકા જેવો ભારોભાર ભરોસો હોય તો મારી શું જરૂર છે ?
ડાબા હાથમાં ઓરેન્જ જ્યુસનો ગ્લાસ લઈને ઘૂંટડો ભરતાં મલકાતા તરુણા બોલી,
‘નખ કાપવા માટે તલવાર ન કઢાય, નોનવેજનો ટેસ્ટ કરવા કસાઈ ન બનાય અને
કપ એક દૂધ પીવા ભેંસ ન મરાય.’ એટલે
‘એટલે ?”
હમમમમ, મનોમન બોલી હવે આ મારી ગુગલી સામે બેટિંગ નહી કરી શકે.
એ પછી તરુણા બોલી.
‘હું તો માત્ર આ શહેરના જે ભયડાઓ ડોળા બતાવીને જે રાજકારણ, રાજકારણ રમે છે ને એને ફક્ત ચીંટીયો ભરીને કાનમાં બસ એટલુ કહેવા આવી છું કે, આ ડોળા બતાવવાનો ઈજારો ફક્ત તમારી પાસે જ નથી એમ.’
વનરાજને મનોમન થયું કે ફટાકડી નાની છે પણ ધમાકો તોપ જેવો કરે એમ છે.
આની પાસે કંઇક તો એવું રાઝ છે, જે સારા સારાના ધોતિયાં ઢીલાં અને ભીનાં કરી નાખે એમ છે.
વનરાજને વિચારતાં જોઇને તરુણાને લાગ્યું કે પહેલી મુલાકાતમાં માટે એટલો ડોઝ કાફી છે.
એ પછી વનરાજ બોલ્યો
‘પહેલી વાર કોઈ મને કોઈ મારી ટક્કરનું મળ્યું છે. હવે તમારું કામ બોલો.’
‘રણજીતનો ભેટો થયો ત્યારથી રાઘવ, ભાનુપ્રતાપ અને વિઠ્ઠલ અને ભૂપત સુધીની વાત એડિટ અને સેન્સર કરીને જરૂરી વાત જ વનરાજને કહી સંભળાવી.’
‘આમાં રાઘવ સિવાય કોઈ પિસ્તોલ ફૂટે એવી નથી. બાકીના બધા હવાઈ ગયેલા સુરસુરીયા છે.’
હસતાં હસતાં વનરાજ બોલ્યો.

‘જુઓ બેન, આ શહેરના ફૂટપાથના ભિખારીથી લઈને મીનીસ્ટર કે પોલીસ કમિશ્નર સૌ મારા મિજાજથી સારી રીતે વાકેફ છે. મને કોઈનો જીવ લેતા કે આપતાં એક સેકન્ડ જ થાય. એટલે મારી સાથે કારણ વગરનો પંગો લેતા કોઈ, એક નઈ પણ હજાર વાર વિચાર કરે. હું કોઈનો દુશ્મન નથી, અને મારો કોઈ દુશ્મન જીવતો રહ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી. હું કોઈને સામેથી મળતો નથી અને નડતો પણ નથી. તમારો કોણ દુશ્મન છે તેનાથી મને કંઈ ફરક પડતો નથી. કોઈપણ મારી પાસે આવે, મારા મગજમાં તેની સ્ક્રિપ્ટ ફીટ થાય તો જ મેળ પડે.’

‘ મારી સ્ક્રિપ્ટ ?; તરુણાએ દાણો દબાવ્યો.
‘હ્મમ્મ્મ્મ.. તમારી સ્ક્રિપ્ટ તો એવી છે કે તેમાં મારું મગજ ફીટ થાય એમ છે કે નહીં એ મારે વિચારવું પડે એમ છે.’ બંને હસવાં લાગ્યા.
‘પણ, વનરાજ ભાઈ તમારાં વિશે સાંભળેલી વાતો કરતાં તો તમારી પ્રકૃતિ બિલકુલ વિપરીત જ છે.’
‘કારણ કે મને હિજડાઓની સંગત જ પસંદ નથી. ચલો એ બધી વાતો તો થતી રહેશે, મારા લાયક શું કામ છે એ કહો પહેલાં.’
તરુણાને જ્યાં જ્યાં વનરાજની મદદની જરૂર હતી તે બધી વાત ઝીણવટ પૂર્વક જણાવી.એ પછી વનરાજ બોલ્યો.

‘હું મારી સલ્તનત મારી મરજી, મૂડ અને શરતો મુજબ જ ચાલવું છું, પણ તમારાં માટે એક જ શર્ત છે કે, આપણા વચ્ચે જે કઈ પણ સિક્રેટ પ્લાનિંગની ચર્ચા થાય તેની જાણ જો કોઈ ત્રીજા વ્યક્તિને થશે તો.., એક પળનો પણ વિલંબ કર્યા વગર હું કોઈને પણ ટાળી દઈશ એ વાત યાદ રાખજો. અને હું વચનનો એટલો પાક્કો છું કે બેઈમાની દુનિયામાં લોકો મારી કસમ ખાય છે. હું ગાળ માફ કરું છું આળ નહીં. જે મારી મરજી મુજબ નથી ઉડતા, તેને હું ઉડાડી દઉં છું.’ સ્હેજ અટકીને વનરાજ બોલ્યો,
‘એક વાત પૂછું ? તમારી બધી જ વાત સાંભળી પણ હજુ મને તમારું ટાર્ગેટ નથી દેખાતું કે સમજાતું.’

સોફા પરથી ઊભા થતાં તરુણા બોલી.
‘બસ આ એક માસુમના ભયથી ધૃણા સુધીના સફરનામાની કહાની છે પણ, વિધિની વિચિત્રતા એ છે કે, મારી મંજીલે પહોંચવા માટે મારે રાજનીતિની જંગલી અને ગંદી પગદંડીનો રસ્તો પસાર કરવો પડે તેમ છે. પહેલાં તો મને આ ખૂંખાર જાનવરના પંજાના નિશાન માત્રથી ડર લાગતો હતો પણ હવે.., આજે એ ખૂંખાર જંગલી જાનવરને ફાડી ખાવા માટે મારા મોઢાં માંથી લાળ ટપકે છે.’

‘તમારી વાત પરથી લાગે છે તમારાં દુશ્મનને ઈશ્વર પણ ન બચાવી શકે.’
વનરાજ બોલ્યો.

‘અને મારી સિવાય વિના તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એ પણ સમજી લે જો.’
વનરાજની સામે જોઈને તરુણા બોલી
આ વાક્ય સાંભળીને વનરાજની આંખો પોહળી થઇ ગઈ.


તરુણા આગળ બોલી,

‘ હવે, તમે તમારાં કામની કિંમત બોલો,વનરાજ ભાઈ.’
‘તમારી હિંમત એ મારી હાથવગી કિંમત છે, જરૂર પડશે ત્યારે રોકડી કરી લઈશ બસ.’
તરુણાની કડકડતી નોટ જેવી નીડરતાના કિંમતની દાદ આપતાં વનરાજે કહ્યું

‘હવે તમારો અંગત અને ૨૪ કલાકમાં ગમે ત્યારે કોલ કરી શકું એવી પરવાનગી સાથેનો નંબર આપો.’


વનરાજે તેનો નંબર આપ્યો અને બંને છુટ્ટા પડ્યા.

વનરાજને આવનારા દિવસોમાં થનારા ધડાકાના અણસાર સંભળાવવા લાગ્યા.
એક તરફ ભયજનક સપાટીએ આવેલી શહેરના રાજકારણમાં ખદબદતી ગંદકી અને બીજી તરફ તોફાની તરુણા જેવી બિન્દાસ હસ્તીની એન્ટ્રી જોઇને વનરાજને ગીતાનો શ્લોક યાદ આવી ગયો..
‘યદા યદા હી ધર્મસ્ય...’


ત્યાર પછીના એક અઠવાડિયા દરમિયાન તરુણાએ શિયાળ જેવા લુચ્ચા અને શાતિર દિમાગથી શત્રુની બાજી ઉંધી વાળવા ષડ્યંત્રની આખી એક સળંગ સુરંગની સીરીયલ બિછાવી દીધી.
સમગ્ર ઘટનાચક્રની કમાન્ડ તરુણા અને વનરાજ પાસે જ હતી.

રાત્રીના સાડા દસ વાગ્યાનો સમય થયો હશે. લાલસિંગના તેના બંગલે રણદીપ સાથે ચુંટણીની ગંભીર ચર્ચામાં મશગુલ હતા ત્યાં જ લાલસિંગના મોબાઈલમાં દિલ્હીના લેન્ડલાઈન નંબર પરથી કોલ આવ્યો. અજાણ્યા નંબર જોતા નવાઈ સાથે લાલસિંગે કોલ ઉપડતા કહ્યું,

‘હેલ્લો, કોણ ?’
‘જી, દિલ્હી વસંત વિહાર પોલીસ સ્ટેશન સે એ.સી.પી. નીરજ વર્મા બોલ રહા હું,
કયા મેં લાલસિંગ ચતુર્વેદી સે બાત કર રહા હું ?
‘હા, જી સર મેં લાલસિંગ ચતુર્વેદી હી બોલ રહા હું બોલીયે.’
‘આપકે ઉપર આઈપીસી સેક્સન ૨૭૬, સેક્શન ૩૨૫, કે મુતાબિક ડ્રગ્સ ઔર હથિયાર સપ્લાય કે સંગીન જુર્મ કે તહત ફૌરન ગિરફ્તારી કા વોરંટ ઇસ્યુ કિયા જા રહા હૈ.’

આટલું સાંભળતા વેત તો જાણે કે ૧૧૦૦૦ વોલ્ટના ઝટકાએ લાલસિંગના સમૂળગા અસ્તિત્વને જડમૂળમાંથી ઝણઝણાવી નાખ્યું હોય એવો આંચકો આવી ગયો.

-વધુ આવતાં અંકે




© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484