Laalni raninu aadharcard - 9 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 9

પ્રકરણ- નવમું/૯


પવિત્ર બંધનના પ્રથમ પ્રભાતની પ્રતિક્ષામાં પથારીમાં પડેલી કાચી ઊંઘમાંથી પડખું ફરીને તરુણાએ મોબાઈલમાં નજર કરીને જોયુ તો, માંડ સમય થયો હતો, વહેલી પરોઢનો ૪:૨૫ નો. બાવીસ વર્ષ પર્યંત રાઘવના રૂપમાં તરુણાને એક એવી શખ્સિયતનો સાક્ષાત્કાર થયો હતો કે, જે ખરેખર વિશ્વાસ શબ્દની વિશ્વસનીયતા પર ખરો ઉતર્યો. તરુણાએ પારિવારિક સંબંધોના સંબોધનના માત્ર શબ્દો જ સાંભળ્યા હતા, તેની અનુભૂતિનો અનુભવ ક્યારેય કર્યો નહતો. જિંદગીમાં પહેલી વાર તરુણાને રાઘવના વ્યક્તિત્વમાં તેની મહદ્દઅંશે કુંઠિત અને મૃતપ્રાય થવાં જઈ રહેલી લાગણીમાં સહાનુભુતિની સરવાણીના સંચારની પ્રતીતિનો અહેસાસ થયો. કોઈપણ સ્ત્રીને ભેરું જેવો એક ‘ભાઈ’ હોય, પછી તેને શેનો ભય ? ‘ભાઈ’ શબ્દ જ નિર્ભય કે અભયનો પર્યાય છે.


બે કલાક આડા અવળા વિચારો અને પડખાં બદલવામાં વિતાવ્યા પછી ૬:૩૦ વાગ્યે ઉઠી, ફ્રેશ થઈને તરુણા આજે પહેલી વાર રામદેવપીરના મંદિરે માથું ટેકવવા ઉપડી પડી.
તરુણાના ચહેરાનો નિખાર અને આંખોની ચમક તેની ચાલ અને ખ્યાલની જુગલબંધીને આભારી હતી.


ઠીક આઠ અને પાંચ મીનીટે ધારાનો કોલ આવ્યો,
‘બેન બા, તૈયાર છો ને ? રાઘવ ભાઈ આવે છે બે મીનીટમાં હો.’
‘એ હા, હું રાહ જોઉં છું.’ તરુણાએ જવાબ આપ્યો.
તરુણા માટે સાજ, શણગાર અને શરમના ત્રિવેણી સંગમના સમન્વયનો આ પહેલો અવસર હતો. પ્રથમ વખત એવા વસ્ત્ર પરિધાનમાં હતી કે જાણે તેના નારીત્વને ન્યાય મળ્યો હોય. કંકુથી સ્વસ્તિક ચીતરેલા કાંસાની થાળીમાં અબીલ, ગુલાલ, કંકુ, ચપટીક ચોખા, નાનકડી એવી દીવીના ઘીમાં ઝબોળેલી વાટ, માથે દુપટ્ટો ઓઢીને ઓસરીના ઓટલે બેસેલી તરુણાને જોઇને દેવિકાની આંખેથી દડ દડ કરતાં સરતા આંસુ જોઇને લાગે જાણે કે તેના હૈયે હરખની હેલી ચડી હોય.

‘આવો આવો ભાઈ આવો.’ રાઘવને આવકારતા તરુણા બોલી.
‘એય ને, જય માતાજી માડી.’ રાઘવ બોલ્યો.
‘જય માતાજી, દીકરા.’
પહેલીવાર તરુણાને અલગ ગેટઅપમાં જોતા રાઘવને પણ આશ્ચર્ય સાથે આનંદની લાગણી થઇ.
એક અનોખા અને અદમ્ય ઉમળકાના ઉત્સાહ સાથે રાઘવના કપાળે કંકુના કરેલા તિલક પર અક્ષત ચોંટાડ્યા પછી રાઘવના કાંડે રેશમી સુતરનો તાંતણો બંધાઈ જતા બંને સંસારના સૌ સબંધોના સિરમોર એવા એક અતુટ અને પવિત્ર સગપણમાં હંમેશ માટે બંધાઈ ગયા. આ એક પળ માટે તરુણાને એક એવું થયું જાણે કે ક્ષણમાં સદીઓ જીવી લીધી. મહામુલા માહોલને વધુ મધુર બનાવવા જયારે બરફીના ટુકડાથી બન્નેએ અરસપરસ મીઠાશને વહેંચી ત્યારે વર્ષોથી દુનિયાના દ્રષ્ટિકોણ પ્રત્યેની તરુણાની ભીતર ખદબદતી ખારાશની માત્રા ઓગળવા લાગી.

થોડીવાર પછી ઉભાં થઈને રાઘવ તેના વોલેટમાંથી બે હજારની નોટ કાઢતાં તરુણાના હાથમાં મુકવા જાય એ પહેલાં તરુણા બોલી.
‘ભાઈ, આ અમીરો જેવા મીંઢા અને મીંડા ચડેલાં રૂપિયા મારે નથી જોઈતા, મને તો કાયમ હાજરી પુરાવતો ખડખડતો રૂપિયાનો સિક્કો જોઈએ છે, બસ.’
રાઘવએ ખુબ આગ્રહ કર્યો છતાં આખરે તરુણાની જીદ્દ આગળ ઝુકીને, બે રૂપિયાનો એક સિક્કો તરુણાની હથેળી પર મુક્યો.
‘રાઘવભાઈ, તમને કહું, આ સિક્કો મારા માટે આ સુખદ ક્ષણની સાક્ષીના સ્મૃતિ ચિન્હની સુવર્ણ મુદ્રા સમાન છે. આ દિવસ હું કયારેય નહી ભૂલું.’
આટલું બોલતાં તરુણાએ રાઘવના ચરણ સ્પર્શ કર્યા.
રાઘવ પણ આ અલૌકિક આનંદની અનુભૂતિથી અભિભૂત થઈને ભાવુક થઇ ગયો.
થોડીવાર પછી રાઘવ રવાના થઇ રહ્યો હતો ત્યાં તરુણાએ યાદી આપતાં કહ્યું,
‘રાઘવભાઈ, પેલા વનરાજની વાત ન ભૂલતાં.’
‘જરાય નહીં, હું તમને રાત સુધીમાં મેસેજ આપું છું.’
‘જી.’ કહીને રાઘવ રવાના થયો અને ખુશખુશાલ તરુણા રૂમમાં જઈને થોડીવાર માટે ખાટલામાં આડી પડતાં વેત વિચારે ચડી ગઈ.
આજે પહેલીવાર તે ખુદના, ફક્ત ખુદના ખ્યાલોમાં ખોવાયેલી હતી. તેના વિચારોમાં રાજકારણનો રતીભાર પણ અંશ નહતો. બસ સ્વયં સાથે સંવાદો કરતી રહી. અને આમ પણ તેણે જાતે જ ભીતરમાં ભીડેલી તરુણા, મળે પણ કોને ? ક્યાં જઈ રહી છું હું ? આત્મસન્માન માટે જીદે ચડીને જાણી જોઇને એક અલગ જ, ચીલો ચાતરીને, પસંદગીના પંથના અંતે, પારકા મળશે કે પોતાના ? અને મળશે તો પણ કેટકેટલું ગુમાવીને ? પણ.. હવે આ અણધારે આદરેલી સિંહની સવારી પરથી આમ અધવચ્ચે ઉતરવુંએ નરી મુર્ખામી અને જોખમ ભર્યું પણ હતું. તરુણાને ફક્ત એક જ ડર સતાવતો હતો કે..આ દલદલમાં ધસીને તે તેની પોતીકી પ્રકૃતિ ન ગુમાવી બેસે.



લાલસિંગએ જે રીતે જાતે સંભાળ લઈને ભૂપતની સારવાર અને અને રહેવા,કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી તેના પરથી અંદાજો લગાવતાં ભૂપતને લાગ્યું કે લાલસિંગના સામ્રાજ્યમાં તેના પગ પેસારો કરવાની મેલી મુરાદ આસાનીથી બર આવી જશે.

બીજા દિવસની સવારે જયારે લગભગ ઠીક થઇ ગયાનો અભિનય કરતો, લાલસિંગના કહેવાથી ભૂપત તેને મળવા પહોચ્યો ત્યારે ડ્રોઈંગ રૂમને અડીને આવેલી તેની ઓફીસમાં એન્ટર થતાં જોયું તો લાલસિંગ અને રણદીપ બન્ને ટેબલની સામેની બાજુની ચેર પર બેઠા હતાં. ભૂપત સંપૂર્ણ માનસિક તૈયારી સાથે જ આવ્યો હતો. દાખલ થઈને ચુપચાપ ઊભો રહી ગયો એટલે લાલસિંગ બોલ્યા,

‘અરે.. ભાઈ બેસ બેસ. કેમ છે હવે તને ?
‘ગઈકાલ રાત કરતાં ઘણું ઘણું સારું છે હો સાહેબ.’ ભૂપતએ જવાબ આપ્યો.
‘હેં એલા ભૂપત આ આખો માજરો છે શું ભાઈ ? તારા અને વિઠ્ઠલ વચ્ચે તો સગા ભાઈથી પણ સારા એવાં સંબંધ હતા તો એવું તે શું થઇ ગયું અચાનક ?
તેની ઓલ ટાઇમ ફેવરીટ માર્લબોરો સિગારેટ સળગાવતાં રણદીપે પૂછ્યું,

ખુરશી પર બેસતાં ભૂપત બોલ્યો,
‘કંઈ નહતું સાહેબ, હું તો નિયમિત રોજના સમય મુજબ ૯ વાગ્યાની આસપાસ વિઠ્ઠલના બંગલે પહોચ્યો, એટલે મને કહ્યું કે કલાક પછી એક ખાસ મુલાકાત માટે બહાર જવાનું છે. પછી કહે કે ના તું રહેવા દે, હું એકલો જઈ આવીશ. એટલે મને એમ થયું કે હશે એવું કંઈ કે જેની મને જાણ નહીં કરવાની હોય. પણ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જયારે બંગલે પાછા ફર્યો ત્યારે તેની ચાલ, ચહેરાના હાવભાવ અને વાત કરવાની સ્ટાઈલ પરથી કંઇક અજુગતું જ લાગતું હતું. વિઠ્ઠલમાં એક અલગ જ તરવરાટ હતો. એ પછી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ અમે બન્ને તેના બંગલાના ગાર્ડનમાં ડ્રીંક્સ કરતાં હતાં. વિઠ્ઠલ તેના રોજના કોટા કરતાં બમણું ઢીંચી ગયો હતો. પછી તેણે જે વાત કરી તે સાંભળીને હું ચોંકી ઉઠ્યો. મને કહે.. હવે આ શહેરનો બાપ છે વિઠ્ઠલ રાણીંગા. એ પછી તેણે તેની અને ભાનુપ્રતાપ વચ્ચેના સંધિ કરારની બધી જ વાત કરી સંભળાવી.પણ.. મેં કહ્યું કે વિઠ્ઠલ, આ જરૂર ભાનુપ્રતાપની કોઈ ગહેરી સાઝીશ છે, તું આ જમેલા ન પડીશ. એ પછી અમારી વચ્ચે ઘણી દલીલો થઇ અને મારાથી અચનાક ભાનુપ્રતાપ માટે ગાળ બોલાઈ અને તેની કમાન છટકી, અને અચાનક ઉભાં થઈને મને બેફામ ગાળો દઈને ત્રણ-ચાર તમાચા ચોડી દીધા. મેં કહ્યું વિઠ્ઠલ, રહેવા દેજે, તું તારી મર્યાદા ચુકી રહ્યો છે નહીં તો.. અને એ પછી તો..
મને ઢીકા અને ગડદા પાટું મારવા લાગ્યો. ધારત તો હું પણ સામે હાથ ઉગામી શક્યો હોત, પણ આટલા વરસ તેના અહેસાન તળે રહ્યો એ હું કેમ ભૂલું ? મને એમ કે પી ગયો છે એટલે... પણ પછી તો તેણે મારા પરિવારને પણ ગાળો દેવાની શરુ કરી પછી મારાથી સહન ન થતાં મેં એટલું જ કહ્યું કે.. વિઠ્ઠલ તારી હદમાં રહેજે નહી તો...તારા કરતાં તો લાલસિંગ હજાર ગણા સારા.... બસ આટલું બોલ્યા પછી તો... તે ઘાયલ સિંહની માફક મારી પર જે વિફર્યો છે... કોઈ જનાવર સાથે વર્તાવ ન કરે એવો વર્તાવ કર્યા પછી મને તગેડી મુક્યો. મને કે હમણાં રાત્રે ૧૨ વાગ્યે જ તું ટીવી અને આવતીકાલના પેપરમાં જોઈ લેજે આ શહેરના નવા બાપનું એલાન અને જા તારા લાલિયા...પણ કહી દે જા ઉપડ અહીંથી.’

તરુણાએ સમજાવ્યા પછી ગોખેલી સ્ક્રિપ્ટને ભૂપત પોપટની જેમ એકીશ્વાસે બોલી ગયો.

‘પણ.. એ સમયે તમારાં સિવાય કોઈ બીજું ત્યાં હાજર નહતું ? લાલસિંગએ પૂછ્યું
‘ના, તેના નોકર સિવાય કોઈ નહીં પણ..વિઠ્ઠલએ જયારે મારી સામું ઉંચાં અવાજે બરાડા પડવાનું ચાલુ કર્યું એટલે તે પણ તેના રૂમમાં જઈને ભરાઈ પડ્યો.’
ભૂપતએ જવાબ આપ્યો.

‘તને શું લાગે છે ભૂપત, વિઠ્ઠલ અને ભાનુપ્રતાપ વચ્ચે કેટલા સમયથી બન્ને કોન્ટેક્ટમાં હશે ? કારણ કે તું તો કાયમ પડછાયાની જેમ તેની સાથે જ હોય છે.’
રણદીપએ પૂછ્યું

‘મારા અનુભવથી અનુમાન લગાવતાં કહું તો..આ જે કંઈપણ બન્યું છે તે ૨૪ થી ૪૮ કલાકની જ રમત છે એ વાત ચોક્કસ છે.’
હવે ભૂપતે તેની કોઠાસૂઝ મુજબ પાસાઓ નાખવાનું શરુ કર્યું હતું.
ભૂપત આ રમત પાછળનું શું ગણિત હોઈ શકે ? લાલસિંગએ મુખ્ય મુદ્દાની વાત કરી.

‘સૌથી પહેલાં તો એક વાત લખી લેજો સાહેબ, ભાનુપ્રતાપ અથવા વિઠ્ઠલને કોઈ એક એવું હુકમનું પાનું જડી ગયું છે જેના જોરે એ અત્યારે છાતી ઠોકીને એ શહેરના બાપ બનવાનું કહેતો ફરે છે. અને તમે અંદાજો લાગવો કે રાતોરાત મીડિયામાં ગાઈ વગાડીને જે રુઆબથી તેણે જાહેરાત કરવાની હિંમત કરી છે એ આવી ક્યાંથી ? અને આ એલાન તમને લલકારવા માટે જ કર્યો છે.’
ભૂપતએ અસમંજસની આગમાં પેટ્રોલ ભભરાવીને ભડકો કરવાની પેરવી શરુ કરી દીધી.

ભુપતના મેળાના ચકરડી જેવા જવાબથી લાલસિંગ અને રણદીપ બન્ને ચિંતા અને ચિંતનના ચકરાવે ચડી ગયા.

થોડીવાર વિચાર્યા પછી રણદીપ બોલ્યો,

‘હું વિચારું છું, ત્યાં સુધી ભાનુ અને વિઠ્ઠલ વચ્ચે હજુ કોઈ એક ત્રીજી વ્યક્તિ હોવી જ જોઈએ, જેણે આ બન્ને વચ્ચે મધ્યસ્થીની અને અગત્યની ભૂમિકા ભજવી છે. બાકી આ ચીન અને અમેરિકા એક થાય એ કોઈ કાળે શક્ય જ નથી. અને આ જો ત્રીજી વ્યક્તિનો કાંટો નીકળે એટલે ગેમ ઓવર સમજો.’

‘પણ તેના માટે હવે આપણે શું... ‘ લાલસિંગતેનું વાક્ય પૂરું કરવા જાય ત્યાં તેને અટકાવતાં રણદીપ બોલ્યો.

‘એક મિનીટ લાલ. ભૂપત પ્લીઝ, તું જરા થોડીવાર બહાર બેસ, હું એક બે કોલ કરી લઉં પછી આપણે આગળ વાત કરીએ.’


‘જી.’ એટલું બોલીને ભૂપત ઓફીસની બહાર આવીને સોફા પર બેઠા પછી
મનોમન બબડ્યો, હવે તમને બે’યને ઓલી નાગા કરીને રણમાં ન દોડાવે તો કહેજો.


‘કેમ, તે એને બહાર મોકલી દીધો ?’ લાલસિંગએ પૂછ્યું,
‘એ પછી કહું છું, હવે લાલ પહેલાં તું મને કહે કે તારું દિમાગમાં શું કહે છે ?
રણદીપે પૂછ્યું.

‘રણદીપ, તારી એ ત્રીજી વ્યક્તિ વાળી વાતમાં વજન છે. પણ હવે આપણા માટે આ ત્રીજી વ્યક્તિની ગળચી દબાવવી જ મહત્વની છે. પણ.. મને એક બીજી નવી શેતાની રમતનું શુરાતન ચડ્યું છે.’
ટેબલ પરની બોલપેનને ઘુમાવતાં રણદીપની સામે ખંધુ સ્મિત કરતાં લાલસિંગ બોલ્યા.
‘કઈ રમત?’ ખુરશીમાં બેસતાં અધીરાઈથી લાલસિંગની સામે જોઇને રણદીપએ પૂછ્યું.
‘ભૂપત ક્યાં છે ? કેમ છે ? અને ખાસ તો કોની જોડે અને કોનો છે ? એ હજુ વિઠ્ઠલને ક્યાં ખબર છે ? તો...’ હજુ લાલસિંગ આગળ બોલે એ પહેલાં તો... હસતાં હસતાં ખુરશી પરથી ઉભાં થતાં રણદીપે પૂછ્યું ..
‘એનો મતલબ કે હું જે વિચારું છું એ જ તું બોલ્યો એમ ને ?
‘મારી હારે રહીને તારું દિમાગ પણ સારું એવું શેતાની થઇ ગયું છે, હો.’
હસતાં હસતાં લાલસિંગ બોલ્યા.
‘હવે સમજી ગયો કે, ઓલા ભૂપતને બારે શું કામ મોકલ્યો ? રણદીપે પૂછ્યું
‘હા ભાઈ હા.. સમજી ગયો, ચાલ હવે બોલાવ એને અંદર એટલે, ઘડી નાખીએ સૌના ઘડા લાડવાનો પ્લાન હમણાં.’
બારણું ઉઘાડીને સામે જ સોફા પર ચુપચાપ બેસેલાં ભૂપતને ઈશારો કરીને રણદીપે અંદર આવવાં કહ્યું.
એટલે ગરીબડી ગાય જેવી એક્ટિંગ કરતો ભૂપત ફરી ઓફિસની અંદર આવીને ઊભો રહી ગયો.
‘અલ્યા.. ભાઈ, ભૂપત બેસ બેસ આરામથી બેસ.’
એમ કહ્યા પછી લાલસિંગે કોલ કરીને ત્રણ કોફી મંગાવી.

‘ભૂપત .. તું ક્યાં છે એ વિઠ્ઠલ ને ખબર છે ? લાલસિંગએ પૂછ્યું
‘વિઠ્ઠલ તો શું કોઈને ખબર નથી. અને મારું ફેમીલી તો વરસોથી ગામડે જ રહે છે એ તો તમને પણ ખબર જ છે. અને હું વિઠ્ઠલ જેવો મૂરખ નથી કે તેની સામે ખુલ્લે આમ દુશ્મની કરું.’ ભૂપતએ બિન્દાસ જવાબ આપ્યો

‘હમમમ.. આટલા વરસોમાં તું વિઠ્ઠલ પાસેથી ઘણું શીખ્યો પણ લાગે છે કે, વિઠ્ઠલે તો તેની બુદ્ધિ વેંચી ખાધી છે.’ રણદીપ બોલ્યો.

થોડીવાર પછી ત્રણેય કોફીની ચૂસકી ભરતાં હતાં ત્યારે.. લાલસિંગ ભૂપતની સામે જોઇને બોલ્યો.

‘ભૂપત.. હવે હું જે કહું એ વાત ધ્યાનથી સાંભળ. તું અહીં મારી પાસે આવ્યો એ બહુ ઉત્તમ કામ જ કર્યું છે. હવે તારે એથી પણ વધુ એક ઉત્તમ કામ કરવાનું છે. તું વિઠ્ઠલ પાસે જઈ, તેના પગે પડી, તેની માફી માંગી અને ફરી ત્યાં જ જતો રહે ભાઈ.’

ભૂપત ગંભીર મુખમુદ્રાના ભાવ સાથે મનોમન હસતાં મનોમન બોલ્યો, મને હતું કે આ જ ખેલ આવશે. એટલે કાલાઘેલા ભાવ સાથે પૂછ્યું,
‘કેમ સાહેબ ? તમે મને તમારી જોડે નહીં રાખો ? મારા પર વિશ્વાસ નથી ?
‘એટલે રણદીપ અને લાલસિંગ બને હસવાં લાગતાં ભૂપત બાઘાની બનવાની એક્ટિંગ કરતાં વારાફરતે બંનેના મોઢાં જોયા કર્યો.
એટલે કોફીનો કપ હાથમાં લેતા લાલસિંગ બોલ્યો.
‘ભૂપત... ગઈકાલ રાતથી લઈને તે અત્યાર સુધી જે વિઠ્ઠલપુરાણ કરી અમને કરી તેની રતિભાર પણ વિઠ્ઠલને જાણ છે ?
‘ના.’ ભૂપત બોલ્યો
‘તો તેની જાણ બહાર આ વિઠ્ઠલપુરાણના હવે પછીના પ્રકારણ પણ આ રીતે યથાવત પ્રસારિત થતાં રહે એવું કરીએ તો ?’ કંઈ સમજાયું ?
‘મતલબ કે હું.. વિઠ્ઠલને ત્યાં તમારો માણસ બની ને... એમ જ ને ? “
‘અલ્યાં.. એ ભૂપત તને તો રાજકારણની ભાષાની સારી જાણકારી છે હો. રણદીપ બોલ્યો.
‘હા, સાહેબ, આટલા વરસે તેનું ઇનામ ગઈકાલે રાત્રે ગાળો અને લાતો ખાઈને મળી ગયું. પણ, સાહેબ જો આ રીતે તમારો હાથ અને દયા મારી પર રહેશે તો એક દિવસ એ વિઠ્ઠલને નાગો કરીને ભરી બજારે હું ન ફટકારું તો કહેજો મને.’

તો હવે આગળ શું, કેમ, કયારે, અને કઈ રીતની રણનીતિ ગોઠવવાની છે એ તારી રીતે નક્કી કરીને મને કહેજે. તને જેટલાં રૂપિયાની જરૂર હોય એ મેનેજર પાસેથી લઇ લે. અને હવે તું ઝટ નીકળ. અને સૌથી પહેલાં એ તપાસ કર કે, આ ત્રીજી વ્યક્તિ છે કોણ ? કે જેના દિવસો ભરાઈ ગયા છે.’

‘જી સાહેબ, પણ મને રૂપિયા નથી જોઈતા. તમે જો એમ માનતા હો કે હું રૂપિયા માટે તમારી પાસે આવ્યો છું, તો માફ કરજો. હું કોઈની સેવા કરું પણ, ઈમાનદારી અને ઈજ્જતથી. તમે મને ઈજ્જત સાથે આશરો આપ્યો એ જ મારું સાચું મહેનતાણું છે. હું તમને જે કંઈ જાણકારી મળે તેની જેમ બને તેમ જલ્દીથી જાણ કરું છું. તો હું નીકળું.’
ભૂપત બોલ્યો.

ઓફિસની બહાર નીકળ્યા પછી થોડીવાર વિચારીને ભૂપતએ તેની દિશા પકડી.

‘તને શું લાગે છે રણદીપ, ભૂપત લાંબી રેસનો ઘોડો સાબિત થશે ?



‘થશે લાલ થશે, એનું કારણ છે, તું વિચાર લાલ, કે ભૂપત જેવા નાના અને સામાન્ય માણસે વિઠ્ઠલની સામે, હા એ હા કરવામાં શું વાંધો હોય ? પણ તેનું ઝમીર તેને ગદ્દારી કરવાની કયારેય રજામંદી ન આપે. અને તેની ખુદ્દારી જ આપણા માટે પ્લસ પોઈન્ટ સાબિત થશે. આમ તો જે થયું એ સારું થયું. ભૂપત પર આંખ મીંચીને ભરોસો કરાય. આ માણસ વીંધાઈ જાય પણ વહેંચાઇ નહી એ વાત હું ૧૦૦% ખાતરી પૂર્વક કહી શકું.’ આત્મવિશ્વાસના અતિરેક સાથે રણદીપે જવાબ આપ્યો.


તરુણા આરામ કરીને ઉઠ્યાં પછી થોડીવાર પહેલાં જ ફ્રેશ થઈને ઓસરીના ઓટલે બેઠી બેઠી મોબાઈલમાં ખબર પડે એટલું આડું અવળું જોયા કરતી હતી ત્યાં જ.. સમય થયો હશે આશરે સાંજના પાંચેક વાગ્યાનો વિઠ્ઠલનો કોલ આવ્યો
‘હેલ્લો..’
‘હા, બોલો વિઠ્ઠલભાઈ.’
‘ક્યારે સમય મળશે તમને ? તો મળીયે.’
‘તમે કહો ?
‘અડધો એક કલાકમાં ?’
‘હા, પણ ક્યાં મળીશું ?’
‘મારા બંગલે, હું ગાડી મોકલું છું,તમે એડ્રેસ મોકલો.’
‘હા પણ તમારી કાર ન મોકલતા, કોઈ બીજાની કાર મોકલ જો, અને તેનો નંબર પણ.’
‘જી ઠીક છે.’
કોલ કટ કર્યા પછી વિઠ્ઠલને થયું કે મારી કારની કેમ ના પાડી હશે ?
અને તરુણાને થયું કે વિઠ્ઠલના દિમાગમાં પહેલો વિચાર કારનો જ આવ્યો હશે.

પ્લાનીંગ મુજબ ૩૫ મિનીટ પછી મેસેજમાં મળેલી માહિતી પ્રમાણે સ્થળ અને સમય મુજબ એક બ્લેક કલરની સ્કોર્પીયો આવીને તરુણાને પીક-અપ કરી ગઈ.

તરુણાએ આપેલી સૂચના મુજબ ડ્રાઈવરએ વિઠ્ઠલના બંગલાથી ૧૦૦ મીટર દુર તેને ઉતારી દીધી. ત્યાંથી તે ચાલીને વિઠ્ઠલના બંગલે આવીને સૂચના આપતાં તેને અંદર લઇ જવાઈ.


બેઠક રૂમમાં પ્રવેશતા વિઠ્ઠલએ સ્વાગત કરતાં કહ્યું,
‘આવો આવો.. બેસો.’
વિઠ્ઠલના બંગલાનું ઇન્ટીરીયર પણ તેના સાઉથના હીરોના ગેટઅપ જેવું જ હતું.
હજુ તો તરુણા સોફામાં બેસવાં જાય ત્યાં જ વિઠ્ઠલ બોલ્યો,
‘મારી કારની તમે કેમ ના પાડી ?’
મનોમન તરુણા બોલી ભાનુપ્રતાપ અને આના બાપદાદા એક જ વંશજ ના લાગે છે.
‘એમ એવું છે ને વિઠ્ઠલભાઈ કે આપણે જે રીતે ગઈકાલે રાત્રે તમને રાતોરાત મીડિયા મારફતે સ્ટાર બનાવી દીધા છે, તો હવે તમારા શત્રુનું ફોકસ તો તમારી પર જ રહેશે ને ? અને મારે કોઈના છુપા કેમેરામાં કઈ રીતે નથી ઝડપાવાનું એ તો વિચારવું પડે ને. તમને ખબર નહીં હોય પણ તમે જે ઉંચાઈ પરથી છલાંગ લાગવવા જઈ રહ્યા છો એટલે હવે તમારી દરેક હિલચાલ પર નજર રહેશે. તમે ક્યાં જાઓ છો ? કોને મળો છો ? અને એ તો કહો કે.. શું પ્રતિક્રિયા છે, ગઈકાલના ધડાકાની ?

‘અરે.. વાત જ ન પૂછો. છેક દિલ્હી સુધી રેલો ગયો છે. લાલસિંગના ગઢમાંથી પણ એવી ઉડતી વાત આવી છે કે હવે લાલસિંગના ‘રામ નામ સત્ય હૈ’ નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું સમજો.’

‘અરે.. પણ તમારાં ભૂપતના શું સમાચાર છે ?
‘એટલે જ તો તમને બોલાવ્યા છે. એ આવે છે હમણાં અહીં ?’
‘અહીં ? પણ કેમ ? મનોમન તરુણાએ વિચારતાં પૂછ્યું કે કયાંક પાસા ઊંધા તો નહીં પડ્યા હોય ને ?
‘તમને કયારે કોલ આવ્યો ભૂપતનો, ?
‘બસ તમને કોલ કર્યો ત્યારે જ, એટલે તો મેં તમને કોલ કર્યો.’ વિઠ્ઠલ બોલ્યો.
‘સંજય ગુપ્તા અને રણદીપની માહિતીનું શું કર્યું ?’ તરુણાએ પૂછ્યું
‘એક મિનીટ’ એમ બોલીને વિઠ્ઠલ બાજુના રૂમમાં ગયો.

ગઈકાલે રાઘવએ વનરાજનો ઉલ્લેખ કર્યા પછી તરુણાને થયું કે હવે વનરાજને મળ્યા પછી જ આગળની રણનીતિ વિષે કોઈ ઠોસ નિર્ણય લેવો યોગ્ય રહેશે. દસ શિયાળ ભેગા કરવા કરતાં એક સિંહની સોબત સારી.

પાંચ મિનીટ પછી વિઠ્ઠલએ તેના રૂમમાંથી બહાર આવીને એક ફાઈલ તરુણાના હાથમાં મુકતા કહ્યું.

‘આમાં બન્નેની જન્મપત્રી છે, જોઈ લે જો.’
‘મને તો ફક્ત બંનેની નબળી કડી જ જાણવી છે.’ તરુણાએ પૂછ્યું
પગ પર પર ચડાવતાં વિઠ્ઠલ બોલ્યો,
‘સંજયની દમડી અને રણદીપની ચમડી. બન્ને કુતરાઓ સામે આ નાખો એટલે પૂંછડી પટપટાવીને કોઈપણ કામ આસાનીથી કાઢવી શકાય.’
‘તમને શરમ ન આવે તો સાવ ખુલ્લી ભાષામાં વાત કરું તો.. સંજયને તો માત્ર કાળા નાણાંમાં જ રસ છે, પણ રણદીપને તો કાળા નાણાં અને કાણા બન્નેમાં રસ છે.
બોલો હવે કંઈ ? મારે કાયમ તેની સાથે બસ આ એક જ મુદ્દે વાંધો પડતો. એક દેહ વ્યાપાર અને ડ્રગ્સ આ બે નામથી મને ભારોભાર નફરત છે. મેં જે કંઈ શૂન્ય માંથી સર્જન કરીને મારું સામ્રાજ્ય ઉભું કર્યું છે તે ફક્ત સરકારની તિજોરી લૂંટીને જ.મને ફક્ત સરકરી કોન્ટ્રક્ટમાં જ રસ છે. ગરીબ પ્રજાના કામ તો હું મફતમાં કરું છું. મારી બે નંબરની ૩૦% કમાણી તો હું દાન- ધરમમાં વાપરું છું. ટ્રસ્ટની હોસ્પિટલ્સ, અનાથાશ્રમ, વિધવાઆશ્રમ, અંધશાળા,બે-ચાર ધર્મ સ્થાનો પર ૩૬૫ દિવસ ચાલતાં ભોજનાલય, કોઈપણ જ્ઞાતિના સમૂહ લગ્નોનો તમામ ખર્ચ આવું તો કેટકેટલું’યે અને એ સિવાય મારી જાણ બહાર થતું હશે એ તો અલગથી.
આ આટલી લોકચાહના અમથી નથી મળી. ૧૫ વર્ષમાં આમાંનું એકપણ કામ લાલસિંગએ નથી કર્યું. સરકારની તિજોરી લુંટી છે ને પ્રજાને ચૂસી છે..’

વિઠ્ઠલના આવા તળિયા વિનાના વાસણ જેવા ભાષણમાં તરુણાને સ્હેજે રુચિ છતાં ન છુટકે બન્ને કાન ખુલ્લાં રાખીને સાંભળતી રહી. તેને પ્રતિક્ષા હતી ભૂપતની, પણ શું થાય પ્રસાદ માટે વિઠ્ઠલપુરાણ સાંભળીયે જ છુટકો હતો.
અને જેવું વિઠ્ઠલનું વાક્ય પૂરું થયું અને ભૂપતની એન્ટ્રી થઇ.
ભુપતે, વિઠ્ઠલ સાથે હાથ મિલાવતા તરુણા સામે જોઇને
‘નમસ્તે’ કહ્યું
ભૂપતનો ચહેરો જોઇને તરુણાને ખ્યાલ આવી ગયો કે કંઇક અલગ ધડાકો થવાનો છે. એટલે ભૂપત કંઇક બોલે એ પહેલાં તરુણા બોલી,
‘ભૂપત ભાઈ એક મિનીટ, હમણાં કંઈ ન બોલશો. જરા વિઠ્ઠલ ભાઈને અંદાજો લાગવવા દયો. બોલો વિઠ્ઠલભાઈ શું લાગે છે તમને, ધમાકો કે સુરસુરયું ?
‘લાલસિંગે તેને કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વગર તગેડી મુક્યો છે. કેમ સાચુંને ભૂપત ?
તરુણાની સામે જોઇને ભૂપતે પૂછ્યું ,
‘તમને શું લાગે છે બેન ?’
‘મારી વિચારશક્તિથી વિચારું તો.. કદાચને લાલસિંગે ભુપતભાઈ પર ઓળઘોળ થઇ, અતિવિશ્વાસનો અભિષેક પણ કર્યો હોય તો નવાઈ નહી.’
વિઠ્ઠલની સામે જોઇને હસતાં હસતાં ભૂપત બોલ્યો.
‘આટલા અનુભવ પછી પણ તમે કે હું ઉઘાડી આંખે જે નિશાન ન તાકી શકીએ એ તરુણાબેન એ બંધ આંખે માત્ર તાકીને નહીં ટાળીને ઢાળી બતાવ્યું. વિશ્વાસનો અતિરેક પણ કેવો ? હું અહીં તેની મરજીથી આવ્યો છું. તેના ખબરી તરીકે બોલો. ?’ આટલું સાંભળીને ત્રણેય ખડખડાટ હસવાં લાગ્યાં.
‘એટલે તમે હવે લાલસિંગના માણસ થઇ ગયા એમ ને ? તરુણા બોલી,
‘હા, એ પણ તમને જાણ ન કરવાની શરતે બનાવ્યો છે.’ એટલે ફરી સૌ હસ્યાં.
એ પછી ભૂપતએ ગઈકાલ રાતથી લઈને, અહીં આવવા રવાના થયો ત્યાં સુધીની બધી જ વાત સવિસ્તાર કહી સંભળાવી એ પછી તરુણા બોલી,
‘હવે સમજ્યા વિઠ્ઠલભાઈ ? મેં તમને તમારી કારની શા માટે ના પાડી હતી ? એ બન્ને હવે એ ત્રીજી વ્યક્તિને શોધશે જ. તે, મારી ગણતરી સાચી પડી.’
‘આ રાજકારણનું સીધું ગણિત છે કે, જયારે તેમાં કોઈ બંને એકબીજાથી વિરુદ્ધ ધ્રુવનું મિલન થાય એટલે વચ્ચે કોઈ મધ્યસ્થીની ભૂમિકા હોય.. હોય અને હોય જ. પણ..લાલસિંગ તમને વિઠ્ઠલભાઈ માટે તેનો ખબરી બનાવીને મોકલશે એટલો મૂરખ હશે તે નહતી ખબર.’
‘ભૂપતભાઈ હવે તમારે ખુબ જ સતર્ક અને સાવધાન રહેવું પડશે કારણ કે હું માનું છું ત્યાં સુધી તે તમારી પર પણ નજર રાખશે જ.’

‘પણ.. હવે આ ત્રીજી વ્યક્તિની માહિતી માટે શું કરીશું ? ભૂપતએ પૂછ્યું.
‘એ તો લાલસિંગનો વિચાર છે ને ? તમે શા માટે તેની વાતને ટેકો આપો છો ? અને એ જે કહે એ તમારે કરવું જરૂરી છે ? આંધળાની આંખે પાટો બાંધવાની શું જરૂર છે ?
આપણે એ બન્નેના મગજમાં એવું જ ઠસાડી દેવાનું છે કે કોઈ, ત્રીજી વ્યક્તિ છે જ નહી. અને સમય આવે એ ત્રીજી વ્યક્તિ હું જ ઊભી કરીશ. એ તમે ચિંતા ન કરો.’

અડધો એક કલાક જરૂરી માહિતી વિષે ચર્ચા કર્યા પછી તરુણા ત્યાંથી રવાના થઈને ઘર તરફ આવવાં નીકળી.

ઠીક ત્રણ દિવસ પછી વહેલી સવારે તરુણા પર રાઘવનો કોલ આવ્યો.
‘હેલ્લો.’
‘હા, ભાઈ બોલો.’
‘વનરાજે આજે સાંજે સાત વાગ્યાની મુલાકાતનો સમય આપ્યો છે, પણ ફક્ત ૧૫ મિનીટ જ, અને તે પણ તેની શરતોને આધીન.’
‘જી ઠીક છે.’ તરુણાએ જવાબ આપ્યો.

તરુણા મનોમન બોલી... ત્રીજી વ્યક્તિ મળી ગઈ.


-વધુ આવતાં અંકે

© વિજય રાવલ

'લાલની રાણીનું આધારકાર્ડ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.