Madhurajni - 14 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 14

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ—૧૪

મેધ પાસે સમય હતો. ગિરિનગર વહેલું છોડી દેવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ્વાળું વાતાવરણ તો માનસીને ગુંગળાવી નાખશે. તે તનથી અને સવિશેષ મનથી થાકી ગઈ હતી. બસમાં પણ તેને વળગીને બેસી ગઈ હતી. બારી બહારનાં દૃશ્યો જોવાની, માણવાની ઈચ્છાય મારી પરવારી હતી.

આ સ્થિતિમાં ઘરનાં લોકો શું કહે? ખુદ લત્તાબેન જ કહે- ‘આ કરતાં તો આબુ –અંબાજી જઈ આવ્યા હોત તો? જુઓ....આ માનસી કેવી કરમાઈ ગઈ. આટલાં દિવસોમાં? પરણી ત્યારે તો ...ગલગોટા જેવી હતી. મેધ, પહાડના હવાપાણી આપણને માફક ન આવર.’

અથવા એમ પણ કહે—‘થકવી મારી તેં તો મારી માનસીને? ક્યાં ક્યાં ફેરવી? એ કરતાં...?

અને નરેન્દ્રભાઈપણ હોંકારો ભણત. કદાચ પાડોશીઓ પણ સાદ પુરાવત.

એકંદરે દોષ તો મેધને જ લાગત.

એક ઝબકારો થયો. એ કરતાં હરદ્વારની જાત્રા જ કરી હોય તો? હા, જાત્રા જ. આ સફરને મધુરજની કહેવાય પણ શી રીતે? કશું મધુર ન હતું અને મધુ પણ ન હતું. રજની પણ ક્યાં હતી? માત્ર ....અજંપો રઘવાટ...તલસાટ અને ખિન્નતા. દળી દળીને કશું નીપજ્યું નહોતું.

પ્રસન્નતા પણ અજાણી રહી હતી. માનસી નીકટ હતી છતાં અકળ લગતી હતી. શું આવું જ બનતું હશે આ સંબંધથી? તે પણ ક્યાં સુખી હતી? અરે, છેક અંતિમ છેડે પહોંચી ગઈ હતી, જે અત્યારે લપાઈને તેની સાથે બેઠી હતી.

તેણે બસ- કંડકટરને હરદ્વાર જવાના સરળ માર્ગ વિશે પૂછી લીધું. હરદ્વારની ગંગા વિશે. તેણે અનેક મનોહર કલ્પનો કર્યા હતાં, પણ ક્યારે ય દર્શન કર્યા નહોતા.

‘ચાલો ...થોડાં પવિત્ર થઈ જઈએ, એ પાવન જળનાં સ્નાનથી, દર્શનથી, અનુંભુતીઓથી. ગમશે, માનસીને પણ ગમશે જ. તેની ઉદાસી ઓગળશે. પછી નવી તાજગી સાથે મમ્મી –પપ્પાને મળીએ એ જ યોગ્ય’

તેનો ચહેરો....આજ સવારથી ઉદાસ હતો. મન ગડમથલમાં હજારો જોજનનું અંતર કાપી શક્યું હતું પણ ક્યાંય પહોંચી શાળ્યું નહોતું. હવે તેને સ્પષ્ટ દેખાતું હતું. એ પુરાણ પ્રસિધ્ધ નગર, હરકી પેડીનો સાયંકાળ, એ ગંગા-આરતી અને હૈયે હૈયુ દબાય એવી જનમેદની આંખો સામે ખડાં થતા હતા.

‘માનસી...’ તેણે પત્નીને ઢંઢોળી.

‘તાને ખબર છે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?’ માનસી તંદ્રામાંથી જાગી હતી જાણે. ચકિત થઈને મેધને જોઈ રહી.ખરેખર...તેને ખ્યાલ નહોતો કે તે ક્યાં જઈ રહી હતી. બસ, એટલું પર્યાપ્ત હતું કે તે એ સ્થળથી દૂર જઈ રહી હતી જ્યાં પેલો અધમ પુરુષ હતો.

તેણે મેધનો પ્રસન્ન ચહેરો જોયો. એ ચહેરો સ્વચ્છ હતો. પૂર્વગ્રહોથી વંચિત હતો. કશું જ નહોતું, અતીતની છાયા સરખું. તે પણ હસી પડી- મુક્ત બનીને. લાગ્યું કે તેને બે પાંખો ફૂટી રહી હતી.

‘મેં હરદ્વાર જવાનું નક્કી કર્યું છે. ગમશે ને?’ મેધે તેને આશ્ચર્ય ચક્તિ કરી મૂકી. તે ચમકી અને તરત જ હસી પડી.

‘ગમશે મને.’ જવાબ વાળ્યો.

‘પ્રવાસ લાંબો છે પણ આપણી પાસે સમય તો....છે જ!’ મેધે સ્પષ્ટતા કરી.

‘અમે ગયેલા ત્યારે હું તો સાવ નાની હતી. પપ્પાની શાળા તરફથી પ્રવાસ નક્કી થયો હતો. મમ્મી, હું અને પપ્પા...’ માનસીને જાણે નવેસરથી વાચા ફૂટી. ‘મને યાદ છે થોડું થોડું. ગંગાનદીનો અસ્ખલિત જળ-પ્રવાહ યાદ છે. એમાં દીપ તરતાં હતાં. કેટલી ઠંડી હતી? હું...પપ્પા અને મમ્મીની વચ્ચે લપેટાઈને સૂઈ ગઈ હતી. માંડ સાત આઠ વર્ષની...હોઈશ...અને એ રાતે...અચાનક...ઝબકી ગયેલી. પછી...’

અને માનસી કશુંક જોઈ રડી હોય એમ અટકી ગઈ. હા, એ રાતે જ...સુમન શાલ લપેટીને ક્યાંક ચાલી ગઈ હતી, ચુપચાપ.

માનસીએ, બાળમાનસીએ તેને આમ જતાં જોઈ હતી. તે કશું કહેવા જતી હતી પણ બોલી શકી નહોતી. પાસે જ સુમંતભાઈ ઘસઘસાટ નીંદરમાં હતા.

માનસીએ પણ આંખો મીંચી દીધી હતી. તેને ખરાબ વિચારો આવવા લાગ્યાં હતાં. મમ્મી શા માટે બહાર ગઈ હશે? તેને ડર નહીં લાગતો હોય, બહારનાં અંધારાનો?

ના, તેને ઊંઘ નહોતી આવી. તેણે રામ, રામનો જપ શરૂ કર્યો હતો, મમ્મીને કશું ન થાય એના માટે. બાકી એ શા માટે આમ ગઈ એ સમજની બહાર હતું. થોડીવાર પછી તે પાછી આવી હતી, ચુપચાપ...સૂઈ ગઈ હતી. એક નજર પતિ અને પુત્રી પર ફેંકી હતી.

માનસી, ચૂપચાપ પડી રહી હતી. જાણે કશી જાણ જ ના હોય એ રીતે.

અને સવારે તો એ વાત સ્મૃતિમાંથી નીકળી પણ ગઈ હતી. હરદ્વારની વાત આવીને એ સ્મૃતિ પુનઃજાગી હતી. એ પછી તો તેને બધું જ સમજાવા લાગ્યું હતું.તે અનેકવાર વલોવાતી હતી, અતીતમાં, પણ ક્યાંય ખાલી થવાની જગ્યા નહોતી.

‘શા વિચારમાં પડી, માનસી?’ પતિએ એને ઢંઢોળી. ‘જવું છે ને હરદ્વાર?’

‘હું એની અસ્પષ્ટ યાદોમાં ગૂંચવાતી હતી. ચાલો, હવે એ બધું જ...ફરી મળશે.’ માનસીએ હસી લીધું. અતીત તેનો કેડો ક્યાં મુકતો હતો? મેધના મનને શા માટો તોડવું? તે તેની ખુશી માટે આ કરતો હતો, તેણે પણ એમ જ કરવું જોઈએ.

ગંગાના પાવન જળમાં, શક્ય બને તો અતીત ધોઈ નાખવો. સાવ સ્વચ્છ બનીને મેધને સુખ આપવું.

માનસી વિચારતી હતી. આ પવિત્ર ધામમાં તેનો નવો જન્મ થશે જ. તેણે પ્રસન્નતાથી મેધને પૂછ્યું- ‘મેધ...ગંગા તો પતિત પાવની છે. મને ગમશે હરદ્વાર. હરદ્વારની ગંગા અદ્દભુત છે. મેધ...પપ્પા-મમ્મ્મીને ફોન પન કરી નાખજો. તેમને કેટલું ગમશે?’

માનસી...અત્યારથી તરબોળ થઈ ગઈ જેની છાલકે મેધને પણ ભીંજવ્યો.

વળી એક ખ્યાલ સળવળ્યો- પેલો પુરુષ તો ત્યાં પણ આવી શકે. અરે, એ તો મેધને પણ મળી શકે, વતનના ઘરમાં પપ્પાને પણ મળી શકે.

સુમંતભાઈ ક્યાં કશું જાણતા હતા? પણ આટલાં વર્ષોમાં તે ક્યારેય આવ્યો નહોતો સુમંતભાઈ પાસે. માનસીને બરાબર યાદ હતું. સુમંતભાઈ બધી જ વાતો પુત્રીને કહે જ. તેમને એવી ટેવ હતી.

ના, ક્યારેય એ નામ તેમના હોઠો પર આવ્યું નહોતું. ‘પણ તે હરદ્વાર પણ આવી શકે.’ માનસીના શરીરમાં ભયનું લખલખું ફરી ગયું. ‘જેમ એ ગિરિનગરના બસ-સ્ટેશન પર આવ્યો હતો તેમ..’ એ કંપ તેને અડીને બેઠેલા મેધે પણ અનુભવ્યો.

‘માનસી, તને ઠંડી લાગે છે કે શું? સાચી વાત છે. આ પાતળી શાલ કેટલી ઝીંક ઝીલવાની હતી.’

મેધે એક બીજી શાલ માનસીને ઓઢાડી. બીયેલી હરણી જેવી માનસી જરા હસી પણ ખરી, મેધને ખરાબ ના લાગે એટલા માટે. તેણે માત્ર દૂરથી જ એ પુરુષને જોયો હતો. ઓળખાઈ જ ગયો હતો. આટલાં વર્ષો પછી પણ માનસી એને ભૂલી શકી નહોતી. એ આક્રમક ચહેરો...એ કામુકતા ભરી આંખો...તેની મર્યાદિત સમજ વચ્ચે પણ તેને ભાન થયું હતું કે એ શું હોઈ શકે લગભગ.

સખીઓ વચ્ચે થતી વાતચીતો...ક્યારેક ક્યારેક કાનમાં પડી હતી પણ ખરી.

તે હવે વળી શું કરી શકે? એક અવાજ આવ્યો ભીતરમાંથી. તે પરણી ચૂકી હતી. મેધની પત્ની હતી. જે પ્રશ્ન હતો, એ બંને વચ્ચે એ તો સાવ અંગત હતો. તે શું કરી શકે?

અને તરત જ ભીતરમાં પડઘો પડ્યો : ‘ના, એ ઘણું કરી શકે હજી પણ. મેધને ભરમાવી શકે, સુમંતભાઈની શેષ જિંદગીને ધૂળધાણી કરી શકે. એક વાર સામસામી દૃષ્ટિ મળે તો ઘણું જ થઈ શકે.

માનસીએ તરત જ મેધને પૂછી નાખ્યું. ‘આપણે હરદ્વારમાં કેટલું રોકાણ કરીશું?’

મેધે પ્રથમ તેનો ચહેરો વાંચ્યો. છેલ્લાં એક કલાક દરમિયાન માનસી મૌન ધારીને બેઠી હતી. બસ...વળાંકો લેતી સરતી હતી. બંને તરફ સૃષ્ટિ સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું હતું. તે બારી તરફ હતી તો પણ...એ દિશામાં નજરેય ફેરવી નહોતી.

‘હજી તે આઘાતમાંથી બહાર આવી નહોતી જ. અને એ ઘટના પણ કેવી હતી?’ મેધે વિચાર્યું માનસી વિશે. પછી હસીને ઉત્તર વાળ્યો, કોઈ નાની બાળકીને સમજાવતો હોય એ રીતે. ‘તારી જેટલી ઈચ્છા હોય એ મુજબ...મારે તો મારી રાણી ખુશ કરવી છે, ખુશ જોવી છે.’

માનસી, હસી, મુક્ત મને હસી.આભારવશબનીને...મેધના ખોળામાં તેનું મુખ ઢાંકી દીધું. અને મેધનો હસ્ત ફર્યો એની કેશલતામાં.

વીસ કલાકની લાંબી સફર પૂરી કરીને હરદ્વાર આવી ગયું. ગંગાની અનુભૂતિઓ તો એ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. આમ તો ભારતના અન્ય નગર જેવું જ હતું હરદ્વાર. માણસ હોય ત્યાં માણસની ગંધ પણ હોય ને? માનવ સહજ નબળાઈઓ પણ હતી. ભૂખ હતી, દરિદ્રતા હતી, લોભ હતો અને મોહ પણ હતો જ. પણ ત્યાં ગંગા હતી.

એનાં પાવન દર્શનમાં બધું જ ક્ષીણ થઈ જતું હતું.

મંદિરો, આશ્રમો, ઉન્નત ધજાઓ, વળાંકવાળા રસ્તાઓ, યાત્રિકોનાં ટોળાંઓ....હતાં. શ્રદ્ધાસ્થાનો હતાં, યાત્રિકો પર નભતાં, તેઓને લુંટતા...ટોળાંઓ પણ હતાં.

એ લોકોએ તો ગંગાને પણ ક્યાં છોડી હતી? ગંગાના તટ પર, એની છાતી પર ....હાટ રચ્યા હતાં.

અને છતાં પણ ....ગંગા ત્યાં અજેય રહી હતી. મેધ ....હરકીપેડી પર સાયંકાળે ફરતો હતો . મેદનીથી દૂર . માનસી એકીટશે ...નદીના વિશાળ પટને નિહાળતી ઊભી હતી. તે ખુશ હતી.

સવારે તેણે લત્તાબેન સાથે વાતો કરી હતી. તેના મનમાં આંગળીઆ ખૂલી ગયા હતા.

‘મમ્મી...અમે હરદ્વારમાં છીએ. હા....અચાનક જ આવી ગયા છીએ. સરસ છે ...હરદ્વાર. ગંગાના દર્શન દૂરથી થયાં છે. સાંજે સમીપ જવાનો લ્હાવો લેશું. મમ્મી... આજ સવારથી જ તમે ખૂબ યાદ આવો છો.....મમ્મી...મારે તો તમને મનભરીને ...મળવું છે, વળગીને ...’

માનસી ભાવવિભોર બની ગઈ હતી. તેણે મેધને કહી પણ દીધું હતું-‘મેધ, હવે કશેય નથી જવું...બસ, મમ્મી-પપ્પા પાસે.’

પટેલ સાહેબે ....મેધનું એમ એનું પરિણામ આપ્યું હતું. ‘ભાઈ...એક માર્ક માટે...ફર્સ્ટક્લાસ ન આવ્યો. બાકી તો તું જ પ્રથમ છે. બસ ...આવી જાવ બંને. મારે પણ વિધિઓ કરવી પડશે ને, ઇન્ટરવ્યૂની. હા, સુમંતભાઈનો પણ પત્ર તો હતો જ. એ પણ કેવો કહેવાય? તેનું સરનામું તો લખતો નથી.’

માનસીને ગમ્યું. ‘ચાલો , આ તો સારું થયું. પેલો અધમ પુરુષ પપ્પા સુધી તો નહિ પહોંચી શકે, અને મારા સુધી પણ...’

તેણે ગંગા પાસે સુખનું વરદાન માંગ્યું હતું- મેધને સુખી કરવાનું.

રાતે...તેણે ગંગાના જળ પર એક દીપ વહેતો મૂક્યો હતો. મેધ પાસે જ હતો.

દીપ ...સરતો સરતો ...આગળને આગળ જતો હતો. બીજાં તો ...ડૂબતા જતાં હતાં, ઓલવાતા જતા હતાં, પણ આ તો....

ખુશ થઈ માનસી.

અચાનક ક્યાંકથી આવેલાં દીપે ...અથડાઈને એ ડુબાડી દીધો. અને માનસીના હોઠ પર અચાનક, એક નામ આવ્યું-સોનલદે!