Madhurajni - 15 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 15

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૫

સ્થાનનો પ્રભાવ પડે જ.

હરદ્વારના રોકાણ દરમ્યાન માનસીને પરમ શાંતિનો અનુભવ થયો. આખો અતીત જાણે કે ભુલાઈ ગયો.. મંદિરો અને આશ્રમોના વાતાવરણને પરમ તત્વમાં લીન કરી, ગંગાની અસ્ખલિત જળધારાએ તેને ઘેલી કરી.

સાવ નાવી જ માનસી બની ગઈ.

મેધને એક રીતે શાંતિ થઈ. થયું કે અહીં આવ્યાં એ સારું જ થયું. આત્મઘાત કરવા તૈયાર થયેલી માનસી સાવ બદલાઈ જ ગઈ. આ રૂપ તેને ગમ્યું, આશ્વાસનરૂપ લાગ્યું.તેની મનોદશા પણ ક્યાં સારી હતી? તે પણ ખૂબ અકળાયેલો હતો, મુંઝાયેલો હતો.

એમ એ.નાં પરિણામની ખુશી પણ ઝાઝો સમય નાં ટકી, તેના ચહેરા અને મન પર. તેને લગ્ન પહેલાનો સમય યાદ આવતો હતો. તે ખરેખર સુખી હતો.

લોકો શા માટે પરણતા હશે? સુખ માટે...? પણ તેને ક્યાં સુખ મળ્યું હતું. તેની શાંતિ જ હણાઈ ગઈ હતી. દિવસ, રાતને મહામુસીબતે આગળ ધકેલી રહ્યો હતો. એવા બનાવો બન્યા હતાં, બની રહ્યાં હતાં,કે મન બહેર મારી ગયું હતું.

આટલો સમય, તે માનસીની સાથે રહ્યો હતો. સાવ નીકટ રહ્યો હતો- શ્વાસના ધબકારા જેટલો પાસે. તે કાંઈ અજાણી નહોતી રહી. કશો જ અંતરાય નહોતો તો પણ એમ લાગતું હતું કે એ જોજન જેટલી દૂર હતી.

શું એક જ પ્રાપ્તિથી સ્ત્રી પ્રાપ્ત કરી શકાતી હશે? તે વિચારતો હતો. હા, તેને અધુરપ લાગતી હતી, એ એજ હતી. કદાચ, બહુજન માન્યતા પણ એ જ હતી.કોઈ કશું બીજું શા માટે વિચારે? આ તો સહજ હતું. લોકસમજ અને રિવાજોથી સ્વીકૃત. કોઈ આથી વિપરીત સ્વીકારે જ નહીં.

અરે, લગ્ન સંસ્થાનો મૂળભૂત હેતુ ...આ ગોપિત છતાં સર્વસ્વીકૃત સંબધ. એક પછી બે આવે એવી જ વાત. અને તે એથી વંચિત હતો, સાવ અકારણ. આમાં તેનો તો કશો દોષ નહોતો જ.

પળે પળે તે ...કશા કળણમાં ખૂંપતો જતો હતો. એક પળે તેને લાગ્યું કે તેની માનસિક અસ્વસ્થતા તેને ક્યાંક લથડાવી દેશે.

માનસી સ્વસ્થ હતી, ખુશ હતી એ રાહત હતી, પણ તેની ખુદની દશાનું શું?

‘મેધ, સારું થયું....તમે મને અહીં લાવ્યા...? તે અહોભાવથી કહેતી હતી. આંખો આમતેમ હિલ્લોળતી હતી. બે હાથ આપોઆપ જોડાઈ જતા હતાં. ચરણોમાં ચેતન હતું.

વાહ! આ પણ માનસી! વરસાદ તો હતો જ તો પણ ફરવાથી થાકતી નહોતી.

રાતે ..મેધ પોતે જ થાક લાગ્યાનો અભિનય કરીને ઘસઘસાટ સૂઈ જતો હતો. તેને નાટકનું પુનરાવર્તન કરવું નહોતું. ડર લાગતો હતો, રાતના આગમનથી. અને માનસી તેને વળગીને જંપી જતી હતી.

ત્રણ દિવસ ...આમાં જ પસાર થયાં હતાં. બે રાત્રીઓ પણ. શીત રાત્રીઓ શારીરિક હૂંફો વચ્ચે ગુજરતી હતી. એમ લાગતું હતું કે માનસી સુખની ગંગામાં સ્નાન કરતી હતી!

મેધને સાવ અચાનક સોનલદે યાદ આવી હતી

‘આ મૂર્ખ છોકરીએ તેને મારી સોંપણી કરી હતી- ચિટ્ઠી દ્વારા’ તે એ સ્થિતિમાં પણ હસી પડ્યો હતો.

માનસીની સખીની ઝાંખીપાંખી આકૃતિ ખાડી થઈ હતી. હા, તેણે એક બે વેળાએ સોનલદે ને જોઈ હતી, એક વેળાએ વાતો કરી હતી. અરે, લગ્ન સમયે તો તે ખાસ્સો સમય સાથે હતી. થોડી વાચાળ અને રમતિયાળ હતી. જાત સાથે પણ મજાક કરી શકે એવી નિખાલસ. શ્યામ પણ જોવી ગમે તેવી...

એ તો એવું હોય કે જે વ્યક્તિ તમને ગમી જાય પછી એની વિશેના અણગમા પણ નાં રહે.

માનસી પણ ગમતી તો હતી જ ને. પણ કેટલીકવાર એ અકળ બની જતી હતી, અસહ્ય બની જતી હતી. અને મેધને ક્રોધ પણ જન્મતો હતો.

આખરે તે કઈ સ્થિતિએ પહોંચ્યો હતો? અને આ તેની મધુરજની હતી? બધું જ હાસ્યાસ્પદ લાગતું હતું.

બધું જ પ્રોફેસર સાહેબે કર્યું હતું. એ તો અત્યારે ...દૂર દૂર હતાં, ક્યાંક નર્મદાકિનારે.

ટ્રેનમાં આરક્ષણ મળી ગયું હતું. તે પોતે જ આ વ્યથા-યાત્રામાંથી મુક્ત થવા ઇચ્છતો હતો. અને માનસીએ જ પ્રસ્તાવ મૂક્યો- ‘મેધ ...હવે ક્યાંય નથી જવું. બસ, મમ્મી-પપ્પા પાસે જ ...અને મારા પપ્પા તો...પ્રવાસમાં ઉપાડી ગયા છે તે ઇચ્છતા જ હતાં, યથેચ્છ ફરવા.તેમનું મન સંસારમાં હતું જ નહીં. આ છેલ્લી માયા...ય તેમણે મૂકી. મને...તમને સોંપી. મને પણ ઇચ્છા છે ...ઘરે પહોચવાની. મમ્મી...ફોન પર કેવાં ભાવવિભોર થઈ ગયા હતાં? હા, મેધ....ગંગાજળ લેવાનું ના ભૂલતા. અને મમ્મી, પપ્પામાટે...’

માનસી દક્ષ ગૃહિણી બની ગઈ હતી તેણે જાતે જ .. લત્તાબેન માટે ...સાડી અને નરેન્દ્રભાઈ માટે ....ચાંદીની મૂઠવાળી લાકડી ખરીદી હતી. તેની દૃષ્ટિ બધે જ ફરતી હતી. તેણે જોયું હતું કે નરેન્દ્રભાઈને .....હાથમાં લાકડી રાખવાની આદત હતી.

અલબત્ત ટેકો લેવાની જરૂર જવલ્લે જ પડતી. મેધની નાની બેન શ્વેતા માટે તો થોકબંધ ખરીદી કરી હતી.

‘મારે શ્વેતાને ખુશખુશ લારી દેવી છે’ તે બોલી હતી.

મેધ મલક્યો. તેને વિચાર પણ આવ્યો-‘તું સહુને ખુઃ કરવા ઈચ્છે છે પણ...એક વ્યક્તિ બાકાત રહી જાય છે એનું શું?’

બરાબર...એ જ વિચાર પકડીને તે બોલી હતી-‘મેધ...તમારો વારો...ત્યાં છે, ઘરે પહોંચ્યા પછી...’

આટલું બોલતા – તેની આંખો તગતગી હતી, પણ મેધે કશો પ્રતિભાવ આપ્યો નહોતો. આપી શક્યો નહોતો. એક સ્મિત પણ નાં લાવી શક્યો ચહેરા પર.

અને વલોવાઈ ગઈ માનસી.

‘સાચી વાત છે. એને અવિશ્વાસ આવે એવું જ સતત બન્યું છે.’ ત્યાં તરત જ તોળાયેલું આભ વરસી પડ્યું.

‘હું જરા..રિક્ષા લઈ આવું...માનસી’ કરતો .....મેધ જરા સર્યો. માનસીના આંસુ અને વરસાદના બિંદુઓ એકાકાર થઈ ગયા. તેણે ઊંડો શ્વાસ લીધો.

‘આમ થવાનો રજમાત્ર ખ્યાલ હોત તો ...મેધને શું, કોઈને પણ નાં પરણી હોત. પછી રહેત....ઘરની છત નીચે, પિતાની છાયામાં.

આ માનસિક પંગુતા આટલી ભયાનક હશે ...એનો તેને ખ્યાલ જ નહોતો. અચાનક જ ....એ બપોરે પ્રથમ અનુભૂતિ થઈ હતી.

આવી વાત તો કોણે કહે? માત્ર મેધને જ કહી શકાય. પણ પાછી એમાં સુમન તો આવે જ. તે નહોતી ઇચ્છતી કે સહુ ...એ મૃત સ્ત્રી પર આંગળી ઉઠાવે, નિંદા કરે....અને તેના પપ્પા ય ...હેબતાઈ જાય.

અને મેધ પણ શું આવી વાત માની લે/ અનેક સંશયો જાગે.

અરે, સોનલદેને ય નાં કહેવાય.

નાં, પણ એક વાત તો ખરી જ. તેણે આમાંથી બહાર આવવું જરૂરી હતું. અન્યથા ...તે કયાંયની નહિ રહે. તે મૃત્યુ પણ ક્યાં પામી હતી? તેણે પ્રયાસ કર્યો હતો, હયાતી ટૂંકાવવાનો. અને એ માટે પરિતાપ પણ થયો હતો.

નાં, એ કાંઈ માર્ગ નહોતો. ઉકેલ નહોતો કશાયનો.

આવી મનોદશામાં...બન્ને ટ્રેનના કંપાર્ટમેન્ટમાં ગોઠવાયા. ગંગા પરથી વહી આવતી હવાની વિદાય લીધી. રેલ્વે સ્ટેશન પર પણ હરદ્વાર તો હતું જ. ત્રિપુંડધારી અનેક સાધુઓના ટોળાંઓ હતાં.હરભોલેની રટણાઓ સંભળાતી હતી.

આખું ભારત અહીં ઠલવાતું હતું- ડર કલાકે. ગંગામૈયાની વાછટો અહીં છેક અડી જતી હતી, ખળખળી જતી હતી.માનસીએ સામાન તપાસી લીધો. ગંગાજળના પાત્રો...બરાબર આવી ગયાં હતા. તેને સંતોષ થયો હતો. કેટલો સંતોષ જોઈ શકાશે –એ બે વૃદ્ધોની આંખોમાં?

‘મારી વહુ લઈ આવી,,,’કહેતા...મન નાચી ઊઠશે લાત્તાબેનનું. જીવનનું અમૃત પણ ગંગાજળ અને મૃત્યુની મુક્તિ પણ ગંગાજળ. આસ્થાનું બળ કેટલું હતું? ભારતવાસીનું બળ પણ આ જ હતું.

માનસીને તો લાલચ પણ હતી. કહેવાય છે ને કે પુણ્યથી પાપ ઠેલાય, શુભ બને.

કદાચ......કદાચ.....તેના જીવનનો મોટો અભિશાપ.....દૂર પણ થઈ જાય.

પરત આવતાં......ખાસ કાંઇ જામ્યું નહીં. વાતોમાં માત્ર અભિનય અને ઔપચારિકતા જ રહ્યાં. ડનલોપની ગાદીઓ ઠંડીગાર રહી. સહપ્રવાસીઓ સાથર વાતો કરવાની તક તો મળી, પરંતુ એમાં પણ ઉષ્મા અને નાવીન્ય ન રહ્યાં. બંને તરફ.....ગામો, કસ્બાઓ, શહેરો અને ખેતરો આળતાં રહ્યાં, ચલચિત્રોની પટ્ટીની માફક જતાં રહ્યાં.

આટલો મોટો બોજ વેંઢારતાં વેંઢારતા....થાકી જવાયું. એ બંનેથી. ક્યાંક ક્યાંક સમજ માટેની બારીઓ પણ ખુલ્લી થઈ. કોઈ કોઈ સ્પર્શો, સ્મિતોમાં આત્મીયતા ભળી.

બંન્નેની અગ્નિ-પરીક્ષા હતી. મધુરજની જેવી રસિક-સફરમાં પણ અગ્નિ-પરીક્ષા ? રડવાનું મન થતું હતું માનસીને. પણ એમ રડાય ખરું ? લોકો શું માને ? આસપાસ હતા, એ લોકો જ હતાને ?

અંતે શહેર આવ્યું. જ્યાંથી તેઓએ આ સફરનો પ્રારંભ કર્યો હતો. વિદાય સમયે, સોનલદે હતી, મેધના મિત્રો પણ હતા.

વાતાવરણમાં આનંદ-ઉલ્લાસ હતો. આકાશમાં પણ મેધ મંડાઈને જ.....

અને એક મિત્રે મજાક કરેલી. ‘હવે મેધ ના વરસે તો ક્યારે વરસશે ? સહુ હસ્યાં હતાં. માનસી લજ્જાઈ હતી. સોનલદે......હળવેથી બોલી હતી- ‘ધરતી મળે પછી મેધ વરસે જ ને !’ માનસી તો સાંભળતી જ હતી પણ મેધેય....

‘મેધ ઘરે જ જાવું છું.’ માનસીએ ત્વરિત નિર્ણય લીધો.

સુમંતભાઈ નહોતા એટલે ત્યાં જવાનું મન જ ના થયું. એ પિતા વિનાના શૂન્ય ઘરમાં જવું જ કેવી રીતે ? આમ તો તેને થતું હતું કે પિતા મળી જાય તો વળગી જ પડવું હતું, તૃપ્તિ ના થાય ત્યાં સુધી તેમના ખભે માથુ મૂકીને રડી લેવું હતું.

માંડ આંસુ રોકી રાખ્યા. લાગણીના આવેગને હૃદયમાં થીજવી દીધો. હવે તેનું મન લત્તાબેનના આશ્લેષમાં જવા આતુર હતું.

‘એ ય મમ્મી છે ને, ભલે મેધની. એના હૃદયમાં પણ વાત્સલ્યનું ઝરણું વહેતું જ હશેને- મારા માટે ?’

મેધને માનસીનું ઉતાવળ સમજાતી હતી અને સમજાતી નહોતી પણ.

બીજી મુસાફરી......શરૂ કરી અને પૂરી પણ કરી. માનસી માટે તો આ અજાણ્યો પ્રદેશ હતો. અને આમ પણ અજાણ્યો પ્રદેશ જ હતો ને ? અલપઝલપ મળી હતી, લત્તાબેનને, શ્વેતાને. નરેન્દ્રભાઈનો હાથ તેના માથા પર સ્પર્શ્યો હતો- આશિષ સાથે.

એક છકડો....રિક્ષા તેમને એક અજાણ્યા ફળિયામાં દોરી લાવી. આખી શેરી....ભર બપોરે.....દોડતી થઈ ગઈ.

‘લત્તાબેનની વહુ આવી......લત્તાબેનની.....’ ઢંઢેરો પિટાઈ ગયો શેરીમાં. બારણા ફટોફટ ખૂલવા લાગ્યા. સાથોસાથ.....ચહેરાઓ પણ.

મુરત તો જોવાઈ જ ગયા હતા. બંને ડેલીએ પોખાયા.. કંકુ-પગલાં કરાવ્યા માનસીના. પતાસાં ય વહેંચ્યા લત્તાબેને. માનસીએ સાડીનો છેડો માથે ઓઢી લીધો. બે પળમાં......એ નાજુક નમણા વહુ બની ગઈ.

માનસીની હોંશ પૂરી થઈ ગઈ. લત્તાબેનને વળગીને......’મમ્મી...મને મા મળી.’ તે બોલી ત્યારે મેધ ચકિત થઈ ગયો. આ સ્ત્રી જ કરી શકે. આટલું ઓગળવું પુરુષ માટે ક્યાં શક્ય હતું ?

આ સ્ત્રી સહુ પર ભરપૂર વરસતી હતી પણ એક માત્ર તેને જ કેમ તરસાવતી હતી ?

મેધ વિચારી રહ્યો.

નરેન્દ્રભાઈ કોઈને કહી રહ્યાં હતાં- ‘અમે તો આ દીકરીથી ઉજળાં છીએ. ઈશ્વરે અમારી સામે જોયું.’

ફળિયામાં રંગત થઈ ગઈ. સાંજ તરબોળ હતી. અને પછી રાત આવી.