JIBH E SVADNO AADHAR KAARD CHHE books and stories free download online pdf in Gujarati

જીભ એ સ્વાદનો આધારકાર્ડ છે..!

જીભ એ સ્વાદનો આધારકાર્ડ છે..!

કુત્તેકા ભી એક દિન આતા હૈ મામૂ..! એમ પાપડીના પણ દહાડા આવે. ઉબાડિયું એ પાપડીનું ફેસિયલ છે. ઉબાડિયું એટલે, પાપડીનો માનવ ‘મેઈડ’ અવતાર..! પેટ છૂટી વાત કરું તો, આદુ અને હળદર ઓળખવામાં હું આજે પણ અબુધ છું. મારા કરતાં મારી જીભ વધારે ભણેલી હોય એમ, કોનો સ્વાદ કેવો હોય એની એને ખબર. કારણ કે જીભ એ સ્વાદનો આધારકાર્ડ છે. આપણને તો જે પચ્યું એ પાચક, ને બાકીનું જાણે મારો વાંચક.! એટલી જ ખબર કે, પાપડીઓમાં પણ જાતિ પ્રથાનું દુષણ હોય છે ખરું..! માથે માથે જુદી બુદ્ધિ. એમ ગામેગામની અલગ પાપડી. છતાં, ચાખણહારાઓએ કાળાવાલની પાપડીને ઉબાડિયાની કુળદીવડી ને કતારગામની પાપડીને ઊંધિયાની મહારાણી માની. આ બંને પાપડી ઘરમાં આવે તો, ઉંચા ઘરાનાની કન્યા પુત્રવધૂ બનીને આવી હોય એવી લહેરખી આવી જાય. વાતને આગળ હાંકુ તે પહેલાં એક વાતની ચોખવટ કરી દઉં કે, આ જ્ઞાન મને ભગવદ ગીતા કે, કોઈ બાપુના પ્રવચનમાંથી લાધેલું નથી. ઉબાડિયું ઉલાળતા-ઉલાળતા લાધેલું છે..! જેમ પારડી નામના અનેક ગામો જોવા મળે એમ, ‘પાપડી’ પણ અનેક નામે જોવા મળે. પા રડી કે અડધી રડી, પણ રડી એટલે રડી એનું નામ પારડી..! લાંબી હોય, ટૂંકી હોય, જાડી હોય, પતલી હોય કે ચપટી હોય, એ બધી પાપડી જ કહેવાય. મારી આ વાત ખેતરમાં જન્મેલી પાપડીની થાય છે, માણસે ઘડેલી પાપડીની નહિ. ‘મેન મેઈડ’ પાપડ કે પાપડી સાથે, આ પાપડીને કોઈ સગાવાદ કે સ્નાનસૂતકનો સંબંધ નથી. ખેતરની પાપડી જરા ઝનૂની, ને કંઈક કરી બતાવવાના ઉમંગ અને સાહસવાળી એટલે, એનું ઉબાડિયું થઇ જાય. બાકી પાપડ-પાપડીનું ઉબાડિયું કે ઊંધિયું કોણ કરે રે જોગિયા..? લગનની મૌસમ આવે કે ચૂંટણીની મૌસમ આવે, એમ, કતારગામની પાપડીના પણ ક્યારેક પ્રમોશન આવે. સાધુ થવા માટે શરીરે ભગવા ચઢાવવા પડે, દાઢી વધારવી પડે, ને હિંદી બોલના પડે, એમ પાપડીએ ઉબાડિયું થવું હોય તો મસાલાની પીઠી ચોળી, માટલામાં કેદ થઈને ચૂલ્હે ચઢવું પડે..! કંઈક કાઠું કાઢવું હોય તો, કંઈક મુશ્કેલી તો વેઠવી જ પડે દાદૂ..! કાગબાપુએ એક સરસ વાત લખેલી કે….

જેની ફોરમ ફટકેલી એને જ ચૂલે ચઢવું પડે

ઓલી આવળ અલબેલી એને કોણ પૂછે કાગડા...!

પાપડીમાં પણ કોઈએ ફોરમ જોઈ હશે તો જ ને..? બાકી ભીંડાનું ઉબાડિયું કોણ કરે છે ? પાપડીનો આનંદ જ મૂળે પરમાનંદમાં..! ચમનીયો કહે એમ, ‘ ઉબાડીયા કી મઝા જો પાપડી મે આતી હૈ, વો કારેલા કે ભીંડામાં આવતી નહિ હૈ..!” ( માફ કરજો, આ ભાઈનું હિંદી પણ કોઈ રાજ્યના મુખ્યમંત્રી જેવું છે..! ) એના કપાળમાં કાંદા ફોડું, પાપડીની પણ મોનોપોલી છે. ખાસ સિવાય એ ખાસ કોઈને ઉબાડીયામાં કે ઉંધિયામાં ઘૂસ મારવા જ દેતી નથી..! ‘ જો એને એવાં મળ્યા જે હરિવર જોગ હોય, ઉદાર બને જે અંતરે તેનો સહયોગ કદી ના ખોય..!’ વનવાસ પૂરો કરીને ભગવાન શ્રી રામ અયોધ્યા પધારવાના હોય એમ, ઉબાડિયું ખાવા માટે લોકો પાપડીની કાગડોળે રાહ જ જોતા હોય. વીજળી ઝબકવા માંડે તો માનવું કે, વરસાદ તૂટવાનો. કોયલ કેકારવા માંડે તો માનવું કે, મંજરી મ્હોરવાની. ને મોરલા ટહુકવા માંડે તો માનવું કે, ફાગણ ફોરમવાનો. એમ પાપડીના ફણગા ફૂટવા માંડે એટલે માનવાનું કે, ઉબાંડીયું પ્રગટવાનું..! શિયાળો ઝામે એટલે, સાલમપાક-મેથી કે અદદ્દીયું ઝાપટવાના ઓરતાં જાગે, એમ પાપડીનું પ્રાગટ્ય થાય, એટલે ઉબાડિયું માટે પાણી છૂટવા માંડે. કાળા વાલની પાપડી ફણગા કાઢે એટલે, ઉબાડીયા પ્રેમીની જીભ લપકારા લેવા માંડે. પાપડી જન્મે એટલે મસાલાની પીઠી ચઢવા માંડે. બાકી ભીંડો ને કારેલું તો બારેય માસનું ભીંડાયેલું, પણ ભલા એમને પૂછે કોણ..? જેમ જેમ ઠંડી ઝામવા માંડે, એમ ઉબાડીયાના માંડવા ખુલવા માંડે. બગીચામાં ઉગેલા બધાં જ ફૂલોના નસીબ, દેવચરણે જવાના હોતા નથી. એમ બધી જ પાપડીના નસીબમાં ઘરના રસોડા હોતા નથી. અમુક તો બિચારા ધગધગતા માટલામાં બફાવા જ જાણે જનમ લેતાં હોય એમ, ઠેર ઠેર ઉબાડિયાના માંડવામાં ઠલવાવા માંડે. એવી પાપડીનો જન્મારો ઉબાડીયામાં જ પૂરો થઇ જાય. હાઈ-વેની ધાર પકડીને ઉબાડિયાના રજવાડાં એવા શરુ થવા માંડે, કે કોઈ નેતા કે અભિનેતાની દીકરીના સ્વયંવર રચાવાના હોય, એમ શણગારેલા માંડવા ઠેર ઠેર ઉભા થવા માંડે. એક-એક રજવાડું દેવી-દેવતાને નામે ખુલે, ને દેવી-દેવતાનો સ્ટોક ખૂટે તો, ભક્તોના નામે ખુલે..! ઉબાડીયાના નામ પાડવા માટે, જન્મોત્રીની જરૂર પડતી નથી. કોઈનું નામ સાંઈ ઉબાડિયા સેન્ટર, કોઈનું શિવ ઉબાડિયા સેન્ટર, કોઈનું જલારામ ઉબાડિયા સેન્ટર કે શંકર કે શિવ ઉબાડિયા સેન્ટર, કે પછી ભવાની ઉબાડિયા સેન્ટર પણ હોય..! જેને જે ભગવાનમાં બરકત મળે, તેવાં તેના નામ રાખે..! એકપણ માંડવાવાળાએ ‘રમેશ ચાંપાનેરી ઉબાડીયા સેન્ટર’ નામ હજી સુધી રાખ્યું નથી. આ તો એક વાત..! ચટાકા બહુત બૂરી ચીજ હૈ બાબા..! માંડવા જોઇને ભલભલાનું મોઢું ભીનું થવા માંડે. ને માંડવાના નામ વાંચીને નાસ્તીકમાં પણ આસ્તિકનો અહોભાવ જાગવા માંડે. માંડવાને દુરથી જોઈએ તો એમ જ લાગે કે, આ બધાં ઝંડી વગરના દેવી-દેવતાના મંદિરો જ છે..! ઉબાડીયાનું પ્રિય સ્થાનક એટલે, વાપીથી ચીખલી સુધીનો, હાઈ-વેનો ધોરીમાર્ગ..! સરકારે તો આ વિસ્તારને ઉબાડીયાના ઝોન વિસ્તાર તરીકે જાહેર કરવો જોઈએ..! હાઈ-વેની કોર પકડીને એવું ટોળું ઝામે કે, જોઇને ટેન્શન આવી જાય કે, અહીં ખેડૂત આંદોલન ચાલે કે શું..? ઉબાડીયાની સાલી સુગંધ જ એવી કે, હાઈ-વે ઉપર દોડતી ગાડીઓ પણ સુગંધના નશામાં આપમેળે ‘સ્ટોપ’ થઇ જાય. પ્રો.ચમનીયાનું કહેવું છે કે રામાયણ ના યુદ્ધ વખતે, ‘ કુંભકર્ણને ઉઠાડવા જો, ઉબાડીયાની વાસ કે સુવાસ આપી હોત તો, કુંભકર્ણ પણ જાગી જાત ને શ્રી રાવણનું ભવિષ્ય અલગ હોત..! આ તો ગુગલ નવરું નથી પડતું એટલે, બાકી એક દિવસ એ જ શોધી લાવશે કે, પારસી બિરાદરો જેમ સંજાણ બંદરે આવેલા, એમ આપણા સુરતીઓ પણ ઉબાડિયાની સુગંધ પામીને જ સુરતની આજુબાજુ ઠરીઠામ થયેલા..! ઉબાડિયું ખાવા સિવાય કોઈને આગળ આવવાની તમન્ના નથી એટલે, બાકી ઉબાડીયા ઉપર પણ પીએચડી થવાય દાદૂ..! ટ્રાય કરવા જેવી..!

___________________________________________________________________________