Streeno Sangharsh - 1 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો સંઘર્ષ - 1

ભાગ-૧

એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન બનીને ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક પત્ની બનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે.

એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી.

નિત્યા શાહ....અમદાવાદની ખૂબ જ નટખટ છોકરી...નિત્યાના જીવનમાં પપ્પાનો રોલ તો ક્યાંય હતો જ નહીં. મમ્મીનો રોલ પણ નાં હોવાં સમાન જ હતો.

 

આશુતોષ શાહ... નિત્યાના પપ્પા... આશુતોષ શાહ નિત્યાના જીવનમાં એક દારૂડિયાનો રોલ નિભાવી રહ્યાં હતાં. રોજ મોડી રાત્રે દારૂ પીને લથડિયાં ખાતાં આવવું, ને ઘરનાં દરવાજા પાસે જ પડી જવું....પછી નિત્યા રોજ તેમને ત્યાંથી જેમતેમ કરીને તેમનાં રૂમ સુધી પહોંચાડતી.

 

વંદિતા શાહ... નિત્યાના મમ્મી...તેમને તો ઘર પરિવારની કોઈ ચિંતા જ ન હતી. આખો દિવસ બહાર મોજ મસ્તી કરવી, પાર્ટીઓ કરવી, એ જ તેમનું જીવન હતું. પોતાનાં પતિ કે પોતાની દિકરી સાથે તેમને કોઈ લેવાદેવા ન હતાં.

 

આશુતોષ શાહ દારૂ પીને અડધી રાતે ઘરે આવતાં. તો વંદિતા શાહ તો ક્યારેક સાવ ઘરે જ નાં આવતાં. આખી સોસાયટી પણ તે બંનેથી પરેશાન થઈ ગઈ હતી. બધાં નિત્યાને બિચારી બિચારી કહીને તેની કિસ્મત વિશે અવનવી વાતો કર્યા કરતાં.

 

અઢાર વર્ષની નિત્યાને ઘણું બધું સહન કરવું પડતું. આશુતોષ શાહ અને વંદિતા શાહ વચ્ચે રોજ નાની-નાની વાતોમાં થતી લડાઈ, ને મમ્મી-પપ્પા હોવાં છતાં નિત્યા એમનાં પ્રેમ અને લાડથી વંચિત રહી ગઈ હતી. એ વાતનો નિત્યાને રોજ અફસોસ થતો.

 

નિત્યા પોતાનાં રૂમમાં બેઠી બેઠી આશુતોષ શાહનાં આવવાની રાહ જોતી હતી. ઘડિયાળમાં બારના ટકોરા પડતા જ ઘરનો દરવાજો ખુલ્યો. નિત્યા દોડીને દરવાજા તરફ ગઈ. આજે પણ હાથમાં દારૂની ખાલી બોટલ અને નશાની હાલતમાં આશુતોષ શાહ દરવાજા પાસે પડ્યાં હતાં.

 

નિત્યાએ ફટાફટ દરવાજો બંધ કર્યો, ને આશુતોષ શાહને તેમનાં રૂમ સુધી લઈ ગઈ. આશુતોષ શાહ બેડ પર પડતાં જ ઊંઘી ગયાં. નિત્યા રૂમનો દરવાજો બંધ કરીને, બહાર હોલના સોફા પર બેસીને પોતાની મમ્મીનાં આવવાની રાહ જોવા લાગી.

 

રાતનો એક થવા આવ્યો. પણ વંદિતા શાહ હજું સુધી આવ્યાં ન હતાં. નિત્યાને સોફા પર જ ઉંઘ આવી ગઈ. નિત્યા જ્યારે પડખું ફરવા ગઈ, ત્યારે તે સોફા પરથી નીચે પડી ગઈ. સોફા પરથી પડતાં જ નિત્યાને ખ્યાલ આવ્યો, કે પોતે હોલમાં સોફા પર સૂતી હતી. નિત્યાએ એક નજર ઘડિયાળ તરફ કરી. ઘડિયાળ એક વાગ્યાનો સમય બતાવતી હતી. નિત્યા ઉભી થઈને પોતાનાં રૂમમાં જતી રહી.

 

સવારે નિત્યાને કોલેજના એડમિશન માટે જવાનું હતું. નિત્યાએ તેનાં મમ્મીને વહેલાં આવવાં પણ કહ્યું હતું. છતાંય તે આવ્યાં ન હતાં. નિત્યા એકદમ ઉદાસ થઈ ગઈ. પણ તેની ઉદાસીની અસર કોઈ ઉપર થવાની ન હતી.

 

નિત્યાએ ફરી ઊંઘવાની ખૂબ કોશિશ કરી. પણ તેને ઉંઘ નાં આવી. મોડાં સુધી નિત્યા પથારીમાં આમતેમ પડખાં ફેરવતી રહી. આખરે નિત્યાને ઉંઘ આવી ખરા...પણ થોડીવાર થતાં જ નિત્યાના રૂમનું એલાર્મ વાગ્યું. નિત્યા આંખો ચોળતી ઉભી થઈ.

 

સવારનાં છ વાગી ગયાં હતાં. નિત્યા કપડાં લઈને બાથરૂમમાં ન્હાવા માટે ગઈ. તેને આઠ વાગ્યે કોલેજમાં એડમિશન માટે જવાનું હતું. નિત્યા ફટાફટ નાહીને બધી ફાઈલ અને જરૂરી વસ્તુઓ પોતાનાં કચ્છી ભરતકામવાળા પર્સમાં ભરવાં લાગી. બધી તૈયારી કરીને, નિત્યા રૂમની બહાર નીકળી. એ સમયે જ વંદિતા શાહની ઘરની અંદર એન્ટ્રી થઈ.

 

"આઈ એમ સો સોરી બેટા...તે મને વહેલાં આવવાં કહ્યું હતું. પણ મને યાદ જ નાં રહ્યું." વંદિતા શાહ નિત્યા પ્રત્યે સાવ ખોટો પ્રેમ વરસાવવા લાગ્યાં.

 

નિત્યા જાણતી હતી, કે તેનાં મમ્મીને પોતે મોડાં આવ્યાં તેનો કોઈ રંજ ન હતો. નિત્યાએ એક નજર ઘડિયાળ તરફ કરી. સાત વાગી ગયાં હતાં. નિત્યા તેનાં મમ્મીને કોઈ જવાબ આપ્યાં વગર જ કોલેજે જવાં માટે દરવાજા તરફ આગળ વધી.

 

"સંભાળીને જજે. કોઈ તકલીફ પડે તો કોલ કરજે." વંદિતા શાહે ફરી ખોટી ચિંતાનું નાટક શરૂ કરી દીધું.

 

નિત્યા તેમની વાત સાંભળ્યાં વગર જ સીડીઓ ઉતરી ગઈ. નિત્યા કોલેજે જવાં રિક્ષા શોધવાં આગળની શેરી તરફ વળી. રિક્ષાઓ તો ઘણી આવતી જતી હતી. પણ કોઈ અમદાવાદ યુનિવર્સિટી તરફ જવા હાં પાડતું ન હતું.

 

"રોજે તો હજાર રીક્ષા મળી જાય. પણ જ્યારે જરૂર હોય, ત્યારે એક પણ નાં મળે." રિક્ષા નાં મળતાં નિત્યા હેરાન થઈને બોલવાં લાગી. પણ તેનું સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું. થોડાં આગળ જતાં રિક્ષા મળી જાશે. એવી આશાએ નિત્યા ત્યાંથી આગળ ચાલવા લાગી.

 

નિત્યા ચાલતાં ચાલતાં ઘણી આગળ નીકળી ગઈ હતી. તેણે તેની રિસ્ટ વોચ તરફ નજર કરી. સવા સાત થઈ ગયાં હતાં. નિત્યાના ચહેરાની રેખાઓ ધીમે-ધીમે બદલવા લાગી. તે પરેશાન થવા લાગી. નિત્યા બસ રડવાનું શરૂ જ કરવાની હતી. એ સમયે જ તેની સામે એક રિક્ષા આવીને ઉભી રહી ગઈ.

 

"અમદાવાદી યુનિવર્સિટી??" નિત્યાએ થોડી હિંમત એકઠી કરીને પૂછ્યું.

 

રિક્ષાવાળાએ ડોકું ધુણાવીને હાં પાડી, કે તરત જ નિત્યા રિક્ષાની અંદર બેસી ગઈ. રિક્ષાવાળાએ રિક્ષા શરૂ કરી, ને નિત્યા અમદાવાદ યુનિવર્સિટી તરફ આગળ વધી.

 

અમદાવાદનો રીક્ષાવાળો ફિલ્મ તો બધાંએ જોઈ જ હશે. અમદાવાદનાં રિક્ષાવાળા દિલનાં બહું સારાં હોય છે. પણ ક્યારેક સંજોગોવસાત કોઈ માથાકૂટ થઈ જાય. તો એમાં વાંક કોઈનો નથી હોતો. ધાર્યું ધણીનું થાય. મતલબ ભારતની પતિવ્રતા પત્નીનો જે ઘરવાળો હોય, તેને ધણી કહીએ. એ ધણી નહીં. ધણી મતલબ ઉપરવાળો ભગવાન... જેવું એ ઈચ્છે એવું જ થાય. એટલે ક્યારેક રિક્ષા સમયસર નાં મળે. કોઈ કામ બનતાં બનતાં રહી જાય‌‌. તો એમાં દોષ રીક્ષાવાળાને નાં આપી શકાય.

 

‌રીક્ષા આગળ વધી રહી હતી. જોતજોતામાં યુનિવર્સિટી આવી ગઈ. નિત્યા પૈસા આપીને રિક્ષામાંથી નીચે ઉતરી. યુનિવર્સિટી ઘણી મોટી હતી. નિત્યા એક હાથે પર્સ ને બીજાં હાથે પોતાની ડોકમાં રહેલું દુર્ગામાંઁનુ લોકેટ પકડીને યુનિવર્સિટીની અંદર ગઈ. યુનિવર્સિટીમાં બધાં દરવાજે લગાડેલા બોર્ડ વાંચતી વાંચતી નિત્યા પ્રિન્સિપાલ સાહેબની ઓફિસ પાસે આવી પહોંચી.

 

પ્રિન્સિપાલ સાહેબની ઓફિસનો દરવાજો નોક કરીને નિત્યા અંદર ગઈ. એડમિશન વખતે પોતાનાં બાળકો સાથે તેનાં મમ્મી-પપ્પા હંમેશા જતાં હોય છે. પણ નિત્યા સાથે કોઈ ન હતું. નિત્યાએ એકલાં જ એડમિશનની બધી પ્રોસેસ પૂરી કરી.

 

વંદિતા શાહ આરામથી ઘરનાં સોફા પર બેસીને ટીવી જોતાં હતાં. આશુતોષ શાહ દારૂના નશાના લીધે હજી સુધી સૂતાં જ હતાં. બંનેમાંથી કોઈને નિત્યાની કાંઈ પડી ન હતી. નિત્યા જ્યારથી સમજતાં શીખી. ત્યારથી એકલાં જ પોતાનાં જીવનની લડાઈ લડી રહી હતી.

 

એક સ્ત્રી ચાહે ગમે એટલું કરી લે. પણ પોતાનાં સપનાં પૂરી કરવાં તેને હંમેશા સંઘર્ષ જ કરવો પડે છે. નિત્યાનુ પણ એક સપનું હતું. તેને ડોક્ટર બનવું હતું. પણ એ માટે તેની મદદ ક્યારેય કોઈએ કરી ન‌ હતી.

 

દુનિયામાં ક્યારેય કોઈ મુસીબત આવે. ત્યારે તેનાં સંતાનોની ઢાલ બનીને તેનાં મમ્મી-પપ્પા હંમેશા તેમની સાથે રહેતાં હોય છે. પણ નિત્યા એટલી ભાગ્યશાળી ન હતી. તેની પાસે મમ્મી-પપ્પા તો હતાં. પણ એમનો સાથ ન હતો. બંને પોતાની મરજીના માલિક હતાં. તેમને પોતાની સામે કોઈ દેખાતું જ નહીં. પોતાની દિકરી પણ નહીં.

 

નિત્યા પોતાનું એડમિશન કરાવીને ફરી ઘરે આવવા નીકળી ગઈ. નિત્યા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. પણ એ વાતની કદર તેનાં મમ્મી-પપ્પાએ ક્યારેય કરી ન હતી. આશુતોષ શાહ તો હંમેશા નિત્યાની ભણવાની ધગશ જોઈને લડવાના મુડમાં જ રહેતાં.

 

નિત્યાએ રસ્તામાં એક બુક સ્ટોર જોઈ, ને રિક્ષા ત્યાં ઉભી રખાવી. પછી ત્યાંથી જરૂરી પુસ્તકો લઈને, નિત્યા ફરી રિક્ષામાં બેસી ગઈ. નિત્યાએ રિક્ષામાં બેસીને પોતાનાં મિની પર્સમાં રહેલાં રૂપિયા ચેક કર્યા. હવે તેની પાસે માત્ર એક હજાર રૂપિયા જ વધ્યાં હતાં. એમાંથી તેને બધાં પુસ્તકો અને જરૂરી વસ્તુઓ લેવાની હતી.

 

કોલેજ શરૂ થતાં જ ખર્ચ પણ વધવાનો હતો. પણ આશુતોષ શાહ નિત્યાને રૂપિયા આપે એમ ન હતાં. એ વાત નિત્યા સારી રીતે જાણતી હતી. નિત્યાએ કોઈ સારી જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ કરવાનો વિચાર કર્યો.

 

નિત્યા પોતાનાં વિચારોમાં ખોવાયેલી હતી. એ સમયે જ તેનું ઘર આવી ગયું. રિક્ષાવાળાએ રિક્ષા ઉભી રાખી. નિત્યા રૂપિયા આપીને ઘરે જવા સીડી ચડવા લાગી. સીડીઓ પર જ તેને રમિલાબેન મળી ગયાં.

 

"ક્યાં ગઈ હતી?? મોઢું આવું ઉતરેલું કેમ છે??" રમિલાબેને પૂછ્યું.

 

સોસાયટીની બધી ખબરો રમિલાબેન પાસે રહેતી. કોનાં ઘરમાં, ક્યાં સમયે, કોણ આવ્યું, ને કોણે કોની સાથે લડાઈ કરી. એ બધી માહિતી રમિલાબેન પાસે રહેતી. તેમને પારકી પંચાત કરવી બહું ગમતી. આખી સોસાયટી તેમનાં સ્વભાવથી વાકેફ હતી.

 

"કોલેજના એડમિશન માટે ગઈ હતી." નિત્યાએ વધું કાંઈ નાં કહેતાં. ટૂંકમાં જ જવાબ આપી દીધો.

 

"હવે કોલેજ કરીને ક્યાં જવું છે!? બાર ચોપડી તો ઘણી કેવાય. મેં તો એટલી ચોપડી પણ ફાડી નથી. આમેય છોકરીઓ વધું નાં ભણે. એ જ સારું કેવાય." રમિલાબેને પોતાનું બોલવાનું શરૂ કરી દીધું.

 

નિત્યાને તેમની વાત જરાં પણ નાં ગમી. સમય ઘણો આગળ નીકળી ગયો હતો. છતાંય લોકોનાં વિચારો બદલાયા ન હતાં. એ જાણીને નિત્યાને બહું દુઃખ થયું. નિત્યા વડીલોને વળતાં જવાબ આપવામાં માનતી ન હતી. આથી તે ફીકું હસીને ઘરે જવા માટે સીડીઓ ચડવા લાગી.

 

રમિલાબેન પણ મોઢું બગાડીને ચાલતાં થયાં. આજે પણ રમિલાબેન જેવી સ્ત્રીઓ દુનિયામાં ઘણી છે. જે ખુદ એક સ્ત્રી બનીને બીજી સ્ત્રીને આગળ વધતાં રોકે છે.

 

નિત્યા સીડી ચડતી હતી. એ સમયે આશુતોષ શાહે નિત્યા અને રમિલાબેનની વાતો સાંભળી લીધી હતી. આશુતોષ શાહ પણ સીડી પર જ ઉભાં હતાં. નિત્યાએ એક નજર તેમનાં પર કરી. તેઓ ખૂબ ગુસ્સે જણાતાં હતાં. નિત્યા ચૂપચાપ નજર ઝુકાવીને ઘરની અંદર જતી રહી.

 

નિત્યા ઘરની અંદર જઈને પોતાની મમ્મીને શોધવાં લાગી. પણ વંદિતા શાહ ઘરમાં ન હતાં. તેમને ઘરની અંદર રહેવું પસંદ ન હતું. તે એક આઝાદ પક્ષીની માફક રહેવાનું પસંદ કરતાં. તેમનાં લીધે નિત્યા ઘરમાં કેદ પક્ષી બનીને રહી ગઈ હતી.

 

નિત્યાએ કિચનમાં જઈને પોતાનાં માટે રસોઈ બનાવી. તે જાણતી હતી, કે હવે તેનાં મમ્મી-પપ્પા તો બહારથી જમીને જ આવશે. આથી તે દાળ-ભાત બનાવીને જમવા બેઠી. નિત્યાને એકલાં જમવું પસંદ ન હતું. પણ તેનાં મમ્મી-પપ્પા તો ક્યારેય તેની સાથે જમતાં નહીં. એટલે નિત્યા પોતાનું મન લાગે, એ માટે ટી.વી ચાલું કરીને જમવા બેઠી.

 

નિત્યાએ દાળ-ભાતની એક ચમચી હજું મોંમાં મૂકી જ હતી. ત્યાં જ કોઈએ દરવાજે બેલ વગાડી. નિત્યા મોંમાં મૂકેલાં દાળ-ભાત ચાવતી ચાવતી દરવાજો ખોલવા ઉભી થઈ. દરવાજો ખૂલતાં જ નિત્યાની નજર સામે તેનાં મમ્મી-પપ્પા ઉભાં હતાં. નિત્યા દરવાજો ખોલીને એક તરફ ઉભી રહી ગઈ. આશુતોષ શાહ અને વંદિતા શાહ ઘરની અંદર આવ્યાં.

 

"આખો સમાજ કહે છે. છોકરીઓને બહું નાં ભણાય. પણ આ છોકરીને તો ભણવાનું કેવું ભૂત વળગ્યું છે, કે આખો દિવસ બસ ભણવું ભણવું જ કર્યા કરે." આશુતોષ શાહ આવતાવેંત જ નિત્યાને ભણવાની બાબતે સંભળાવવા લાગ્યાં.

 

નિત્યા દાળ-ભાત લઈને કિચનમાં જતી રહી. પણ આશુતોષ શાહનું બોલવાનું બંધ નાં થયું. નિત્યા જેવી દાળ-ભાતની ચમચી મોંમાં મૂકવાં જતી. એવાં જ આશુતોષ શાહ કંઈક ને કંઈક બોલવાં લાગતાં. નિત્યા આખરે કંટાળીને દાળ-ભાત ઢાંકીને પોતાનાં રૂમમાં જતી રહી.

 

આશુતોષ શાહને આમ પણ નિત્યાને ભણાવવાનું મન ન હતું. એવામાં આજે જ નિત્યાએ કોલેજમાં એડમિશન લીધું, ને રમિલાબેને પણ તેને નાં ભણવાની સલાહ આપી. એમાં આશુતોષ શાહ વધારે ગુસ્સે થયાં હતાં.

 

નિત્યા પોતાનાં રૂમમાં જતી રહી, ને વંદિતા શાહ કારની ચાવી લઈને ઘરની બહાર જતાં રહ્યાં. એવામાં આશુતોષ શાહની વાત સાંભળવાવાળુ કોઈ વધ્યું નહીં. એટલે તેઓ રૂમમાં જઈને બધી વસ્તુઓ તોડવા લાગ્યાં.

 

નિત્યા પોતાનાં રૂમમાં લેપટોપ પર પાર્ટ ટાઈમ જોબ શોધી રહી હતી. જ્યાં સુધી આશુતોષ શાહનાં રૂમમાંથી વસ્તુઓ તૂટવાનો અવાજ આવતો રહ્યો. ત્યાં સુધી નિત્યાએ પોતાનાં રૂમનો દરવાજો નાં ખોલ્યો. થોડીવાર પછી જેવો વસ્તુઓ તૂટવાનો અવાજ બંધ થયો. નિત્યાએ પોતાનાં રૂમનો દરવાજો ખોલ્યો. નિત્યાએ ઘરમાં ચારેતરફ નજર કરી. તેને થયું કે તેનાં પપ્પા જતાં રહ્યાં છે. એટલે નિત્યા તેમનાં રૂમમાં જઈને તૂટેલી વસ્તુઓ એકઠી કરવા લાગી. એ સમયે જ આશુતોષ શાહ ફરી રૂમમાં આવ્યાં.

 

નિત્યાએ બૂટનો અવાજ સાંભળાતા એક નજર દરવાજા તરફ કરી. દરવાજે આશુતોષ શાહ ઉભાં હતાં. નિત્યા થોડી ડરી ગઈ.

 

"આ બધું તારાં લીધે જ થાય છે. મારાં રૂમમાંથી બહાર નીકળી જા. તારે કાંઈ કરવાની જરૂર નથી. તું ખાલી ભણ્યાં કર." આશુતોષ શાહે નિત્યાનો હાથ પકડી, તેને રૂમની બહાર ધક્કો મારી દીધો. કાચનો ગ્લાસ તૂટવાથી બહાર જે કાચનાં ટુકડાઓ પડ્યાં હતાં. એ નિત્યાના હાથમાં ખૂંચી ગયાં.

 

નિત્યાને કાચ વાગ્યો હતો. એ વાતથી આશુતોષ શાહને કોઈ ફરક નાં પડ્યો. તેઓ તો પોતાનો મોબાઈલ લઈને, ઘરનો દરવાજો ભટકાવીને જતાં રહ્યાં. નિત્યા તેને જે હાથમાં વાગ્યું હતું. એ હાથ પકડીને ઉભી ઉભી રડતી રહી. હાથ પર પટ્ટી બાંધીને તેણે ફરી પોતાનાં પપ્પાના રૂમની બધી વસ્તુઓ વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દીધું.

 

નિત્યા રૂમ વ્યવસ્થિત કરીને પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં જઈને નિત્યા ફરી લેપટોપ લઈને બેસી ગઈ. તેનું રડવાનું હજું પણ ચાલું જ હતું. લેપટોપ પર નજર કરતાં જ તેની નજર એક મેઈલ પર પડી. એ તેની નોકરી પાક્કી થયાનો મેઈલ હતો. થોડીવાર પહેલાં તેણે એક મોલમાં નોકરી માટે એપ્લિકેશન આપી હતી. એ નોકરી નિત્યાને કોઈ ઈન્ટરવ્યુ વગર જ મળી ગઈ હતી.

 

નિત્યા એ મેઈલ જોઈને ખુશ થઈ ગઈ. તેની આંખમાંથી વહેતાં આંસુ પણ રોકાઈ ગયાં. નોકરીનો સમય બપોર પછીનો હતો. જેનાં લીધે નિત્યાને ભણવામાં પણ કોઈ તકલીફ પડે એમ ન હતી.

 

નિત્યા નોકરી અને કોલેજ બંને માટેની તૈયારી કરવા લાગી. બે દિવસ પછી નોકરી અને કોલેજ બંને શરૂ થવાનાં હતાં. એટલે નિત્યાએ આજથી જ તૈયારી શરૂ કરી દીધી.

 

વંદિતા શાહ પોતાની સહેલીઓ સાથે કિટ્ટી પાર્ટીમાં વ્યસ્ત હતાં. તેમને નિત્યા શું કરે છે, નિત્યા ઠીક છે કે નહીં. એવી કોઈપણ વાતથી કોઈ ફરક પડતો ન હતો. તેઓ તો આરામથી ઓરેન્જ જ્યૂસ પીતાં પીતાં પોતાની સહેલીઓ સાથે વાતો કરી રહ્યાં હતાં.

 

વંદિતા શાહે પોતાનાં સપનાંઓ પૂરાં કરવા પોતાની સગી દીકરીનું જીવન આગમાં હોમી દીધું હતું. પાંચ વર્ષ પહેલાં આશુતોષ શાહ અને વંદિતા શાહનાં ડિવોર્સ થવાનાં હતાં. ત્યારે નિત્યાની સમજાવટથી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પણ એ દિવસ પછી બંને સાવ બદલી ગયાં હતાં. નિત્યાને એવી ક્યાં ખબર હતી, કે પોતાનાં મમ્મી-પપ્પાને અલગ નાં થવા દેવાનાં ચક્કરમાં નિત્યા પોતે જ બંનેથી અલગ થઈ જાશે.

 

પાંચ વર્ષ દરમિયાન નિત્યાનુ જીવન ઝેરથી પણ કડવું બની ગયું હતું. મમ્મી-પપ્પા તો ઠીક પણ બહારનાં લોકો પણ નિત્યાને સંભળાવવામાં કાંઈ બાકી નાં રાખતાં.

 

નિત્યા હોલમાં બેઠી બેઠી પોતાનાં મમ્મી-પપ્પાના આવવાની રાહ જોતી હતી. સાંજ પડવા આવી હતી. છતાંય બંનેમાંથી કોઈ ઘરે આવ્યું ન હતું. નિત્યા માટે આ રોજનું હતું.

 

નિત્યા પોતાનાં રૂમમાં જઈને કોલેજ માટે અમુક બુક્સ લાવી હતી એ વાંચવા લાગી. બુક વાંચતા વાંચતા રાતનાં દશ થઈ ગયાં. છતાંય આશુતોષ શાહ કે વંદિતા શાહ આવ્યાં ન હતાં.

 

આશુતોષ શાહ તો ઘરેથી ગુસ્સે થઈને નીકળ્યાં હતાં. એટલે તેઓ તો આખી રાત નહીં આવે. એ નક્કી હતું. થોડીવાર થતાં વંદિતા શાહનો પણ મેસેજ આવી ગયો, કે તેઓ તેની એક સહેલીની ઘરે રોકાવાના છે.

 

નિત્યા એ મેસેજ વાંચીને જમ્યા વગર જ સૂઈ ગઈ. પણ તેને ઉંઘ નાં આવી. તેની આંખો સામે વારંવાર તેનાં પપ્પાનો ગુસ્સો, ને કાનમાં તેમનાં કડવા વેણ જ ગુંજતા હતાં.

 

નિત્યા મોબાઈલ અને હેડફોન લઈને બાલ્કનીમા જતી રહી. મોબાઈલમાં ગીતો ચાલું કરીને, આંખો બંધ કરીને, નિત્યા બાલ્કનીમા રહેલી ખુરશી પર બેસી ગઈ. નિત્યાના જીવનમાં ગીતો સિવાય કાંઈ રહ્યું ન હતું. નિત્યાના મિત્રો પણ નિત્યા ભણવામાં હોંશિયાર હતી. એ વાતનાં લીધે તેનાંથી દૂર દૂર રહેતાં.

 

નિત્યા ગીતો સાંભળતાં સાંભળતાં બાલ્કનીમા જ સૂઈ ગઈ. રાતે ત્રણ વાગ્યાની આસપાસ કંઈક અવાજ થતાં નિત્યાની આંખ ખુલી. નિત્યા રૂમમાં ગઈ. જોરદાર પવનનાં લીધે નિત્યાની તેનાં મમ્મી-પપ્પા સાથેની ફોટો ફ્રેમ નીચે પડીને તૂટી ગઈ હતી.

 

નિત્યા જમીન પર બેસીને એ ફોટો ફ્રેમ હાથમાં લઈને જોવાં લાગી. તેની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. મિનિટોની ગણતરીમાં નિત્યાએ એ આંસુ લૂંછી નાખ્યું. કેમકે, એ ફોટો ફ્રેમની જેમ નિત્યાનો પરિવાર તો ઘણાં સમય પહેલાં જ અલગ થઈને તૂટી ગયો હતો. હવે એક ફોટો ફ્રેમ તૂટવાથી કાંઈ ખાસ્સો ફરક પડવાનો ન હતો. તૂટેલી ફોટો ફ્રેમ ટેબલ પર મૂકીને, નિત્યા બેડ પર જઈને સૂઈ ગઈ.

 

આશુતોષ શાહ તો એક બારની બહાર દારૂનાં નશામાં ધૂત થઈને પડ્યાં હતાં. નશાની હાલતમાં પણ એ નિત્યા વિશે નાં બોલવાનું બોલી રહ્યાં હતાં.

 

આશુતોષ શાહને ખરેખર તો એક દિકરાની ઈચ્છા હતી. પણ તેમની ઘરે એક છોકરી જન્મી. એ વાતનાં લીધે તેમને નિત્યા પ્રત્યે વધારે જ નફરત થઈ ગઈ હતી. એમાંય નિત્યાને ભણીને ડોક્ટર બનવું હતું. તો નિત્યાની એ જીદના લીધે આશુતોષ શાહ અને નિત્યા વચ્ચેની નફરત વધી ગઈ.

 

**********