Pratiksha - 12 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - 12

જેમ દરેક વ્યક્તિને પોતાની બારીમાંથી અલગ આકાશ દેખાય તેમ વ્યક્તિ પણ પોતાની જાતને અલગ-અલગ ચોકઠામાં ગોઠવી ને જીવે છે અને પોતાના ભાગના આકાશને મેઘધનુષી રંગોથી ચિત્રિત કરવા માટે વિવિધ રંગોની શોધખોળ કર્યે જ રાખે છે આજીવન અવિરત......

પ્રેમ અને પીડા બંનેનો રંગ એક જ છે વેદનાની સાથે સંવેદના અનેરિનાં હૃદયનો ભાગ બનતી ગઈ હૃદયનો એક ખૂણો અનિકેત માટે ધબકતો હતો તો બીજો ખૂણો મમ્મી ની વેદના થી છલોછલ.......

કોલેજ જવા તૈયાર થતી અનેરી દર્પણમાં પોતાની પાછળ દેખાતા મમ્મીના પ્રતિબિંબને જોઈને એક ક્ષણ માટે અટકી ગઈ

અનેરી:-"શું થયું મમ્મી બધું બરાબર ને?

શિલ્પાબેન:-"બધું બરાબર પણ વેકેશન ક્યારે પડશે?"

અનેરી:-"બસ મમ્મી આ ફાઇનલ એક્ઝામ પુરી થઈ જાય પછી હું તું અને આપણી વાતો બસ?"

શિલ્પાબેન:-"નિરાત ક્યારેય નહીં આવે અનુ....

અનેરી:-"અરે આમ કેમ બોલે છે બસ હવે જરાક જ રાહ જોવાની છે મમ્મા...."

શિલ્પાબેન:-"કંઇ નહિ બસ આજે ગમતું નથી ક્યાંય."

અનેરી:-"પપ્પાને કહી દઉં ક્યાંય બહાર નહીં જાય, બસ હમણાં જ આવી જાવ .

શિલ્પાબેન:-"બસ હવે તો જા પછી વહેલી આવી જજે અનુ..."

મમ્મીને તો આશ્વાસન આપી દીધું પણ મન માનતું નહોતું અને કવિતા મેમ સાથે મળી અઠવાડિયાની રજા મૂકી અનેરી નીકળી ગઈ , હજુ તો કોલેજના દરવાજે પહોંચી ત્યાં તો ચિંતન ભાઈનો ફોન આવ્યો.

અનેરી:-"હા પપ્યા બોલો"

ચિંતનભાઈ:-"અનુ......અનું....

અનેરી:-"પ્લીઝ પપ્પા બોલો મમ્મી બરાબર?"

ચિંતનભાઈ:-"અનુ શિલ્પા કંઈ બોલતી નથી...."

અનેરી:-"પપ્પા મમ્મીનું ધ્યાન રાખો હું હમણાં જ આવું છું."

અનેરી ઝડપથી પહોંચે છે શિલ્પાબેન પથારીમાં હતા શ્વાસોશ્વાસની ગતિ ખૂબ જ ઝડપી હતી...
અનેરી ખૂબ જ ગભરાઈ ગઈ આવી મમ્મી તેને ક્યારેય જોઇ ન હતી.

અનેરી:-"મમ્મી મમ્મી શું થાય છે?"

ચિંતનભાઈ:-"બેટા વાત કરવાનો સમય નથી જલ્દી ગાડી કાઢ ,નીકળવું પડશે રવિન્દ્ર સાથે વાત થઈ ગઈ શિલ્પાને એટેક આવ્યો હોય એવું લાગે છે એટલે જ કંઈ બોલતી નથી.
શિલ્પાને લઈ હોસ્પિટલ પહોંચે છે.

અને બસ ત્યારથી અનેરી ના જીવનમાં એક નવો રંગ ઉમેરાયો વેદનાનો રંગ , સ્વજનની પીડાની અનુભૂતિ....
શિલ્પાબેન ના બધા રિપોર્ટ અને x-ray પત્યા પછી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા ઓક્સિજનની નળીઓ સાથે શિલ્પા બહેન ભાનમાં આવ્યા અને અનેરી ને તો લાગ્યું કે આ તેની મમ્મી છે જ નહીં...

શિલ્પાબેન:-"અનુ.... અનુ

અનેરી:-"મમ્મી".

શિલ્પાબેન:-"શું થયું ?ક્યાં છીએ આપણે?"

અનેરી:-"બસ મમ્મી તને થોડું ચક્કર જેવું આવી ગયું હતું આપણે રવિન્દ્ર અંકલની હોસ્પિટલમાં છીએ."

શિલ્પાબેન:-"આ નળીઓ કાઢી નાખ દીકરા, મને ગૂંગળામણ જેવું થાય છે."

અનેરી:-"બસ થોડીવાર મમ્માં, સુઈ જા થોડીવાર...

અનેરી વધારે વખત પોતાની જાતને રોકી શકી નહિ બહાર આવી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી ચિંતનભાઈ દવા લઈને આવતા જ હતા ,અનેરીને આવી રીતે રોતી જોઈ ગભરાઈ ગયા.

ચિંતનભાઈ:-"શું થયું શિલ્પા ઠીક છે ને?"

અનેરી:-"આવી મમ્મી ને હું જોઈ નથી શકતી પપ્પા પ્લીઝ કંઇક કરો મારી મમ્મી ને શું થયું છે?

ચિંતનભાઈ:-"બસ બેટા મારા પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખ બધું સરખું થઈ જશે."

ડો.રવિન્દ્ર આ સંવાદ સાંભળતા હતા

ડો રવિન્દ્ર:-"ચિંતન બધું આપોઆપ ઠીક નહીં થાય સરખું કરવું પડશે શિલ્પા ભાભી ઘરે જશે પણ હવે તમે તેની પાસે પહેલા જેવી અપેક્ષા નહીં રાખી શકો એ કૃત્રિમ ઓક્સિજન પર જીવસે સૌથી પહેલાં તો ઘરે ઓક્સિજનના બાટલા ની વ્યવસ્થા કરવી પડશે અને તેને બધી જ રોજીંદી ક્રિયાઓ તમારી મદદથી કરવી પડશે.

અનેરી:-"એ બધું અમે કરી લેશું અંકલ પણ મમ્મી સાજી ક્યારે થશે?

ડો રવિન્દ્ર:-"એ હવે આવી સ્થિતિમાં જ રહેશે અનેરી હું તને ખોટું આશ્વાસન દેવા નથી માગતો જેટલો સમય ઈશ્વરે આપ્યો છે તેની સાથે મન ભરી ને જીવી લ્યો......

આ સાંભળીને અનેરી દોડીને મમ્મી પાસે પહોંચી ગઈ... ચિંતનભાઈ પણ પાછળ પાછળ..... જાણે સમય ને પકડી અટકાવી દેવાની ઉતાવળ......

અને બસ નવ દિવસ નવ રાત્રી એક જ સરખી વેદના...
Icu ની ભયંકરતા.....
ઓક્સિજન નો બાટલો ખાલી થતા દોડાદોડી....
ઈશ્વરને વારંવાર વિનવણી.....

આટલું કર્યા પછી પણ પરિણામ શૂન્ય....
દસમા દિવસે રિપોર્ટ પાછા એમના એમ અને ડોક્ટરની સલાહથી ડિસ્ચાર્જ મેળવી ઘરે આવ્યા....

પન્નાબેન આટલા દિવસથી અનેરીના ઘરનું ધ્યાન રાખતા હતા આજે પણ પન્નાબેન હાજર હતા....

પન્નાબેન:-"અરે આવી ગયા તમે સારું."

અનેરી:-"હા. સોરી અમારા કારણે તમારું કામ વધી ગયું."

પન્નાબેન :-"જો બેટા આવા કામમાં કામ ન લાગુ? તો શું કામનું? શિલ્પા બેન મારી બેન કરતાં પણ વધારે છે એ ઘરે આવી ગયા એ જ ઘણું છે .કવન પણ આજે સાંજે જ નીકળે છે."

અનેરી:-"અરે આંટી તેને શું કરવા ડિસ્ટર્બ કર્યો?"

પન્ના બેન:-"થોડા દિવસની રજા લઈને આવે છે અરે અત્યારે ડિસ્ટર્બ કર્યો થોડું કહેવાય."

અનેરી:-"સાચી વાત છે આમ તો સારું આવી જાય તો."

અને આખું ઘર જાણે હોસ્પિટલમાં ફેરવાઈ ગયું શિલ્પાબેન ની આસપાસ ઓક્સિજન, મશીન અને દવાઓ બસ.......
અનેરી અને ચિંતન ભાઇનો દિવસ શિલ્પા થી શરૂ થઈ શિલ્પા માં પૂરો થતો..... પણ શિલ્પાબેન હજી આઘાતમાંથી બહાર નીકળ્યા જ ન હતા. એક જ પ્રશ્ન પર આવીને અટકી જતા હતા કે હું શા માટે બીમાર પડી? એક ઘુટ પાણી પીવા માટે પણ આ બંને ને બોલાવવા પડે? બસ બારીમાંથી દેખાતા આકાશને તાક્યા કરે........

"મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે."
– મરીઝ


(ક્રમશ)

.