Rise - 5 - The last part books and stories free download online pdf in Gujarati

અભ્યુદય - 5 - છેલ્લો ભાગ

અભ્યુદય

ભાગ - 5


રાધેય અને એના દોસ્તો અંદર ગયા. સાંજનો સમય હોવાથી બાળકો બહાર મેદાનમાં રમી રહ્યા હતા. થોડા વડીલો ત્યાં બાંકડે બેસી તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. બાકીનાં છાપું વાંચતા હતા.

એટલામાં એક ભાઈએ આવીને પૂછ્યું, " આવો,, હું આપની કોઈ મદદ કરી શકું ? "

રાધેય - જી હા,,અમારે આશ્રમના સંચાલકને મળવું છે..શું તેઓ અત્યારે મળી શકશે ?

આશ્રમના ભાઈ - હા..મારી સાથે ચાલો.

રાધેય અને એના દોસ્તો પેલા ભાઈની સાથે આશ્રમની મુખ્ય ઓફીસ જેવી લાગતી એક રૂમ પાસે આવ્યા.

આશ્રમના ભાઈ - કાકા,,આપને કોઈક મળવા આવ્યું છે.

કાકા કદાચ બહાર જવા જ નીકળતા હતા. એમણે ઉતાવળમાં જ રાધેય લોકોને પૂછ્યું, " છોકરાઓ,, શુ કોઈ ખાસ કામ છે ? મારે અગત્યનાં કામે હોસ્પિટલ જવાનું મોડું થાય છે. "

હજુ રાધેય કઈ કહે એ પેહલા જ કાકાનો ફોન રણક્યો...

કાકાએ ફોન ઊંપાડ્યો.."હેલ્લો..

"કાકા..અવધિને હોંશ આવી ગયો..." સામેથી વિનય ખુશ થતા ફટાફટ બોલી ગયો.

"શું...?? અવધિ હોંશમાં આવી ગઈ..."

કાકાના શબ્દો સાંભળી રાધેય સહિત એના બંને દોસ્તો ચમક્યા...

"વિનય..હું બસ હમણાં જ પોહચ્યો. તું ધ્યાન રાખજે અને એ કઈ બોલવાની સ્થિતિમાં હોય તો એના ઘરનાનો નમ્બર માંગી નોટ કરી લેજે.." આટલું કહી કાકાએ ફોન મુક્યો.

"મહેશ, આશ્રમમાં સૌને જણાવી દેજે કે અવધિને હોંશમાં આવી ગઈ છે. ને આ છોકરાઓનું જે કઈ કામ હોય તું જોઈ લે." એમ કહી નીકળવા જ જતા હતા ત્યાં જ રાધેયે બોલ્યો,

"પણ કાકા...અમેં અવધિને જ શોધી રહ્યા છે...અમારા ગામની છોકરી કાલ સવારથી ગાયબ છે. એના ક્યાંય કોઈ પત્તો નથી. છેલ્લે અમને જાણવા મળ્યું કે તે છેલ્લે કદાચ અહીં જ આવી હતી." રાધેય ફટાફ્ટ આટલું બોલી ગયો. પછી પોતાના ફોનમાંથી અવધિનો ફોટો બતાવ્યો.

"હા... આ જ છે એ છોકરી." કાકા ફોટો જોઈ બોલ્યા. પછી આગળ ઉમેરતા કહ્યું. "તમે મારી સાથે ચાલો, હું તમને રસ્તે બધી વાત કરું છું."

કાકા રાધેયનાં બાઇક પાછળ બેસી ગયા. અને બીજું બાઇક એના દોસ્તોએ લીધું.

કાકાએ વાત ચાલુ કરી..

" એ છોકરી અહીં મહીને બે ત્રણ વાર આવી જાય છે. બાળકો સાથે સમય વિતાવી થોડી આમતેમ આશ્રમમાં મદદ કરી જતી રહે છે. મારા પૂછવા પર એને ફક્ત પોતાનું નામ અને એ કોલેજ સ્ટુડન્ટ હોવાનું કહ્યું હતું. છોકરી સારી અને દયાળુ સ્વભાવની હતી. વધુ એના વિશે એ કઈ જણાવતી નહીં. પણ એટલું જરૂર કહેતી કે એને અનાથ બાળકો સાથે સમય વિતાવવો,,એમને ખુશ કરવા,,મદદ કરવી ગમે છે. એ પણ ગુપ્ત રીતે..તેથી તેઓ પણ કોઈને આ વિશે જણાવે નઈ એમ પણ કહ્યું હતું વધારામાં.

આટલું કહી કાકા અટક્યા પછી ફરી બોલ્યા.

ગઈ કાલે જ એ આવી હતી. સાંજે બાળકો બહાર મેદાનમાં રમી રહ્યા હતા. ત્યારે એક સાત વર્ષની બાળકી ઉડતા પતંગિયાને જોઈ દોડતી આશ્રમની બહાર નીકળી ગઈ. અવધિનું ધ્યાન અન્ય બાળકોમાં હતું. જ્યારે વડીલોનું ધ્યાન છાપામાં. પણ જ્યારે ટ્રકનો હોર્નનો જોર જોરથી અવાજ આવ્યો સૌનું ધ્યાન એ તરફ ગયું. બાળકી પોતાની જ ધૂનમાં દોડી રહી હતી અને પાછળથી ફૂલ સ્પીડમાં ટ્રક આવી રહ્યો હતો.

આ જોઈ અવધિ દોડી બાળકીને બચાવવા ધક્કો લગાવી એની સાથે પોતે પણ બીજી સાઈડ ખેંચાઈ ગઈ અને એક મોટા પથ્થર સાથે એનું માથું ટકરાતા એને ઘણું વાગ્યું હતું અને હાથ પગે પણ થોડી ઇજાઓ થઈ છે. અમે તાતકાલિક હોસ્પિટલમાં લઇ ગયા.

એના ઘરનાને જાણ કરવી જરૂરી હતી. પણ અમારા પાસે કોઈનો નમ્બર હતા નહિ વધુમાં એનો ફોન પણ પડતા ત્યાં જ ખરાબ થઈ ગયો હતો. જે રિપેરમાં આપ્યો છે પણ હજુ આવ્યો નથી.

કાલે રાતે હું અને એક બેન હોસ્પિટલ જ હતા. ડોકટરે એમ તો પેહલા જ કહ્યું હતું કે માથાના ભાગે ઘણું વાગવાથી એને હોંશ આવતા સમય લાગશે. સવારે લગભગ એણે આંખ ખોલી હતી પણ માથે ભાર લાગતા ફરી એ બેહોશ થઈ ગઈ હતી. તે અત્યારે હોંશમાં આવી છે.

કાકાએ પોતાની વાત પૂરી કરી અને થોડી વારમાં તેઓ હોસ્પિટલ પોહચી ગયા.

બધા અવધિને મળ્યા પેહલા કરતા તેને સારું હતું. પણ હજુ એ સરખું બોલી ન હતી શકતી. કદાચ દુખાવો વધુ હતો.

ત્યાર પછી રાધેયે તરત પોતાના પિતા એટલે કે મુખીજીને ફોન કર્યો અને ટૂંકમાં અવધિ વિશે જણાવી હોસ્પિટલ આવી જવા જણાવ્યું.

મુખીજી થોડી વારમાં રમેશભાઈ સાથે ત્યાં આવી પોહચ્યા. અવધિની મળી જવાથી સૌને હાશ થઈ હતી તો સાથે એને આ હાલતમાં જોઈ દૂખ પણ થયું. રમેશભાઈ તો અવધિ ને જોઈ રડી જ પડ્યા હતા. રાધેયે એમને જેમતેમ શાંત કર્યા હતા.

કાલે સાંજે અવધિને રજા મળવાની હતી. તેથી રમેશભાઈ અને રાધેય સહિત એના દોસ્તો ત્યાં જ રોકાય ગયા. અને મુખીજી થોડી વાર રહીને પછી નીકળી ગયા.

ડોકટરે કહ્યું હતું કે પૂરતી દેખરેખ રાખવામાં આવશે તો અવધિ બહુ જલ્દી ઠીક થઈ જશે.

સવારે સરીતાબેન અને અવધિની સહેલી હોસ્પિટલે આવી ગયા. રમેશભાઈના કહેવાથી રાધેય એના દોસ્તો સાથે ઘરે જવા નીકળ્યા.

સાંજે અવધિને રજા આપવાના હોવાથી પ્રકાશભાઈ ગાડી લઈને આવ્યા. ડોક્ટરે થોડા સલાહ સૂચનો અને દવાઓ આપી. પછી તેઓ ઘરે આવ્યા.

અવધિના ઘરે જાણે માણસોનો મેળો જામ્યો હતો. થોડી થોડી વારે કોઈ ને કોઈ અવધિની ખબર લેવા આવતું રહેતું. સૌ કોઈ અવધિની પ્રશંશા કરતા. આમ ને આમ બે અઠવાડિયા નીકળી ગયા. હવે અવધિ એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. તેના ઘાવ પણ રૂઝાય ગયા હતા.

અવધિનાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયાની ખુશીમાં રમેશભાઈ અને સરીતાબેને ગામના રાધાક્રિષ્નના મંદિરમાં પૂજા રાખી હતી. ગામના મોટાભાગનાં માણસો ત્યાં હાજર હતા.

પૂજા પુરી થઈ. આરતી અને પ્રસાદ વહેચાયા. પછી પ્રકાશભાઈએ ગામલોકોને સંબોધતા બોલ્યા, " વ્હાલા ગ્રામજનો, હાથની રેખાઓ પણ સીધી નથી હોતી. તો આતો જિંદગી છે. સાવ સીધી અને સરળ તો ક્યાંથી હોવાની. ઉતાર ચડાવ તો દરેકના જીવનમાં આવતા રહે છે. સમય સંજોગ અનુસાર આપણે પણ ચાલતા રહેવું પડે છે.

તમે જોઈ શકો છો આજે અહીં આ જે ખુશીઓની લહેરો ઊડતી દેખાય છે એ આપણા સૌનાં સાથે હોવાથી છે. માણસ એકલો દુઃખી થઈ શકે પણ એકલો સુખી નથી થઈ શકતો. દુઃખને તો કદાચ એકલા હાથે પોહચી વળાય. પણ, સુખ એ અન્યના સાથ વગર અધૂરું છે.

આપણે બીજાની ખુશીઓમાં તો આગળ રહીએ છીએ. તો શું બીજાના દુઃખમાં પણ પૂરતા સહભાગી થવાની આપણી ફરજ છે કે નઈ ??

ગામડું છે એટલે એ મુજબ સૌની વૈચારિક દ્રષ્ટિ હોવાની એ વાત સાચી. પણ મારા ગામમાં અમુક લોકોને બાદ કરતાં ઘણા એવા લોકો છે જે જરૂર પડ્યે બીજાના સુખદુઃખમાં પૂરતા સહભાગી થાય છે. એ વાતની મને ઘણી ખુશી છે. ખરાય કર્યા વગરની વાત અહીં વાયુવેગે પ્રસરી જાય છે ! તો બીજી બાજુ પોતાનાઓ પરનો વિશ્વાસ આવી વાતોથી જરાય ડગતો નથી. એમની એ શ્રદ્ધા કહો કે વિશ્વાસ સફળ પણ થાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે ઉભી અવધિ છે.

એની અન્યને ગુપ્ત મદદ કરવાની દયા ભાવના ખરેખર બિરદાવવા જેવી છે. મને ગર્વ છે કે આપણાં ગામમાં આવી દીકરીઓ છે. મુરલીધર સદા એમને ખુશ રાખે.

મુખીજીની વાત પૂરી થતાં જ વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.

આજે અવધિ વિશે ખોટું વિચારનારાઓના મસ્તક નીચા હતા. તો બાકીનાને અવધિ પ્રત્યેનું માન વધી ગયું હતું. ઘણા એવા હતા જેમની આંખના ખૂણા આજે આ દ્રશ્ય જોઈ ભીના થયા હતા. રમેશભાઈ અને સરીતાબેનની આંખોમાંથી તો હર્ષાશ્રુ વહી રહ્યા હતા. અવધિએ સૌ તરફ એક નજર કરી અંતે રાધા ક્રિષ્નની મૂર્તિ પર નજર સ્થિર કરી. અવધિને લાગ્યું કે જાણે એવો પણ સ્મિત દઈ પોતાને મુક આશીર્વાદ આપી રહ્યા હતા...


સમાપ્ત🌺🍀🌻🌿🍁🌴🌷

©યક્ષિતા પટેલ