Prosperity - 4 books and stories free download online pdf in Gujarati

અભ્યુદય - 4

અભ્યુદય

ભાગ - 4



સવાર થતા જ મુખીજી નાથુ અને ડ્રાઇવરને લઈ નીકળી પડ્યા. કોલેજ પોહચતા જ તેમને કલાકની ઉપર સમય નીકળી ગયો.

કોલેજ પોહચી પ્રિન્સિપલ સરને મળ્યા. પણ એમનું કહેવું હતું કે કાલે અવધિ કોલેજ આવી જ ન હતી. ખરેખરી ચિંતા હવે વધી હતી.

અવધીનાં ક્લાસ પ્રોફેશરનું કહેવું હતું કે, તે હોશિયાર સ્ટુડન્ટ છે. ખાસ કારણ વિના તે ક્યારેય ગેરહાજર ન રહેતી. બધાનું એ જ કહેવું હતું. છોકરી માટે અહીંયા ભણવું એ જ એનું મુખ્ય કામ. બાકીની વાતોમાં ક્યાંય જરા અમથી મગજમારી પણ નહીં કરે.

અહીંથી પણ નિરાશા મળતા મુખીજીની ચિંતા વધી. હવે આટલા મોટા શહેરમાં અવધિને શોધવી તો ક્યાં શોધવી ?? સૌનો આભાર માની તેઓ ત્યાંથી નીકળી ગયા.

પછી કંઈક વિચારી તેમણે માણસો બોલાવી લીધા ગામથી અને અવધિનો ફોટો લઈ હોસ્ટેલ અને કોલેજની આસપાસ બધે જ દુકાનો ને આજુબાજુનાં ઘરોએ ફરી વળ્યાં. પણ ક્યાંય અવધિ કે અવધિ સુધી લઈ જતી કોઈ કળી મળી નઈ.

છતાંય સૌએ ભૂખ તરસ બાજુએ મૂકી શોધ ચાલુ રાખી. સવારથી બપોર અને બપોરથી સાંજ થવા જઈ રહી હતી, પણ કોઈ જાણકારી મળી નહિ. આશાનું એક તણખલુંય ન દેખાય રહ્યું હતું.

તો બીજી બાજુ રાધેયે પોતાની રીતે શોધ ચાલુ કરી હતી. પણ કઈ હાથ લાગ્યું ન હતું. પોતાના બે ખાસ દોસ્તો સાથે તે બાઇક સાઈડ પર પાર્ક કરી હોસ્ટેલથી સાત આઠ કિલોમીટર દૂર એક ચાર રસ્તા પાસે બેઠા હતા અને આગળ શું કરવું એ જ વિચારી રહ્યા હતા. અને નસીબજોગે એ ચાર રસ્તામાંથી એક રસ્તો રિમાબેનનાં ઘર તરફ જતો હતો.

એ જ રિમાબેન જે હોસ્ટેલમાં રસોઈ વિભાગમાં કામ કરતી હતી અને અવધિના હોસ્ટેલથી નીકળ્યા પછી જેની સાથે વાત થઈ હતી એ છેલ્લી વ્યક્તિ.

સંજોગોવશાત આજે રિમાબેન થોડી શાકભાજી લેવા ચાર રસ્તા પાસે આવ્યા હતા. એવો શાકભાજી લેતા હતા ત્યાં જ રાધેય અને એના દોસ્તોનાં અવાજ એમના કાને પડ્યા.

"અલ્યા રાધેય,,હવે શું કરવું કઇ સમજાતું નઈ..એ છોકરી હોસ્ટેલ નથી, કોલેજ નથી, ગામે પણ નથી. તો ગઈ ક્યાં...??" રાધેયનો દોસ્ત અભય અકળાતા સુરમાં બોલ્યો.

"અરે, તમે બંને ખોટી માથાકૂટ કરો છો.એ છોકરી કોક જોડે ભાગીને ક્યારનીયે રફુચક્કર થઈ ગઈ હશે." નિર્મલે કહ્યું.

"તું ચૂપ કર યાર...અવધિ એવી છોકરી નથી." રાધેય બોલ્યો અને રિમાબેન ચમક્યા.

આમ કોઈની વાતમાં પડવું એમને ઠીક ના લાગ્યું પણ અવધિનું નામ સાંભળી તેઓ ત્યાં જઈ વચમાં પડ્યા.

"કોની વાત કરો છો...કોઈ છોકરી ખોવાઈ છે..??" રિમાબેને પૂછ્યું.

રિમાબેનનો પ્રશ્ન સાંભળી ત્રણેય ગુંચવાયા હવે આમને શુ કહેવું...? અને કહેવું કે ન કહેવું..??

એમનો પ્રશ્ન જાણી ગયા હોય એમ રિમાબેને ફરી બોલ્યા, "આ તો અવધિનું નામ આવ્યું એટલે પૂછ્યું. હું રીમાં અહીંથી આઠ કિલોમીટર દૂર આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં રસોઈ વિભાગમાં કામ કરૂં છું."

રિમાબેનના આટલું બોલતા જ રાધેય ચમક્યો. તરત જ એણે કહ્યું, " હા..હા...અમે એ જ હોસ્ટેલમાં રહેતી અવધિ ની વાત કરી રહ્યા છે." "કાલ સવારથી એ હોસ્ટેલ નથી અને હજુ નહીં આવી એ અમારા ગામની છે."

ઓહહ ..!! રિમાબેન નવાઈ પામ્યા.

પછી કંઈક યાદ આવતા એમણે કહ્યું," હું છેલ્લે અવધિને અહીં જ મળી હતી. એ છોકરીનું બધા સાથે સારું બનતું એટલે એ ઘણીવાર અમારી વાતો પણ થતી. છેલ્લે એ મને અહીં જ મળી હતી આ કરિયાણાની દુકાન જોવ છો ને ત્યાં.

એ બિસ્કિટ ને અમુક ચોકલેટ્સ લેતી હતી ને કહેતી હતી કે અનાથ આશ્રમમાં જવ છું. કોઈને કહેતા નઈ.

અવધિ સુધી પોહચવાની કળી મળી ગઈ હતી રાધેયે ખુશ થતા રિમાબેનનો આભાર માન્યો અને સાથે એ પણ કહ્યું કે તેઓ અત્યારે જ ત્યાં જઈને તપાસ કરશે. કોઈ જાણકારી મળે તો મુખીજીને ફોન કરી દેશે એટલે તેઓ હોસ્ટેલે પણ જાણ કરી દેશે.

આટલું કહી ત્રણે એ અનાથ આશ્રમ તરફ નીકળ્યા. ગૂગલ સર્ચ કરી તેમણે જોઈ લીધું કે અહીંથી વીસ કિલોમીટર દૂર શહેરના છેવાડે 'ભગવતી અનાથ આશ્રમ' આવેલ હતું.

અડધા કલાકમાં તેઓ ત્યાં પોહચી ગયા. શહેરની ભીડભાળથી દૂર પ્રકૃતિના સાન્નિધ્યમાં રમતું નાનું પણ સુંદર અને સ્વચ્છ આશ્રમ દેખાતું હતું. મુખ્ય હાઇવેથી ઘણું અંદર હતું એટલે વાહનોના ઘોંઘાટથી મુક્ત હતું. આશ્રમની સામે મુખ્ય રસ્તો હતો. પણ વાહનોની ખાસ અવરજવર જોવા મળતી નહીં.

રાધેય અને એના દોસ્તો અંદર ગયા. સંજનો સમય હોવાથી બાળકો બહાર મેદાનમાં રમી રહ્યા હતા. થોડા વડીલો ત્યાં બાંકડે બેસી તેમનું ધ્યાન રાખી રહ્યા હતા. બાકીનાં છાપું વાંચતા હતા.

એટલામાં એક ભાઈએ આવીને પૂછ્યું, " આવો,, હું આપની કોઈ મદદ કરી શકું ? "

રાધેય - જી હા,,અમારે આશ્રમના સંચાલકને મળવું છે..શું તેઓ અત્યારે મળી શકશે ?

આશ્રમના ભાઈ - હા..મારી સાથે ચાલો.

રાધેય અને એના દોસ્તો પેલા ભાઈની સાથે આશ્રમની મુખ્ય ઓફીસ જેવી લાગતી એક રૂમ પાસે આવ્યા.

આશ્રમના ભાઈ - કાકા,,આપને કોઈક મળવા આવ્યું છે.

કાકા કદાચ બહાર જવા જ નીકળતા હતા. એમણે ઉતાવળમાં જ રાધેય લોકોને પૂછ્યું, " છોકરાઓ,, શુ કોઈ ખાસ કામ છે ? મારે અગત્યનાં કામે હોસ્પિટલ જવાનું મોડું થાય છે. "

હજુ રાધેય કઈ કહે એ પેહલા જ કાકાનો ફોન રણક્યો...

કાકાએ ફોન ઊંપાડ્યો.."હેલ્લો..

"કાકા..અવધિને હોંશ આવી ગયો..." સામેથી વિનય ખુશ થતા ફટાફટ બોલી ગયો.

"શું...?? અવધિ હોંશમાં આવી ગઈ...

કાકાના શબ્દો સાંભળી રાધેય સહિત એના બંને દોસ્તો ચમક્યા...


ક્રમશઃ...


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


આશ્રમનાં સંચાલક ફોન પર વાત કરી રહ્યા હતા શું એ છોકરી રમેશભાઈની દીકરી અવધિ હશે ?? જો એ એ જ અવધિ હશે તો એ હોસ્પિટલ કઈ રીતે ?? શું ખરેખર એને કઈ થયું હશે !!? જાણવા માટે વાંચતા રહો..." અભ્યુદય..."


ધન્યવાદ🙏

©યક્ષિતા પટેલ