Mangal - 32 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 32

મંગલ - 32

મંગલ
Chapter 32 – છેલ્લી વિદાય
Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં બત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ત્રણ વર્ષનાં એકાંતવાસ પછી કઈ રીતે મંગલનો છૂટકારો થાય છે અને તે કઈ રીતે તે ત્યાંથી નીકળી શકે છે તે પણ જોયું. રસ્તામાં ક્યા ક્યા સંકટો આવે છે તેની પણ જાણકારી મેળવી. હવે શું થશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું બત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 32 – છેલ્લી વિદાયChapter 32 – છેલ્લી વિદાય
ગતાંકથી ચાલુ
બીજા કોઈ અડચણ વગર વહાણ હવે આગળ વધી રહ્યું હતું. મંગલ દિવસનાં અમુક ભાગનો સમય વહાણનાં ડેક પર બેસીને પસાર કરતો હતો અને બાકીનો સમય માણસોને બીજા કામોમાં મદદ કરાવતો. વહાણ પરનાં માણસો સાથે તેણે ટૂંકા સમયમાં આત્મીયતા બંધાઈ ગઈ હતી. આશરે બે અઠવાડિયા પછી ટાંગા નજીક વહાણ પહોંચવા આવ્યું. મંગલ આતુરતાથી પ્રતીક્ષા કરવા લાગ્યો. તે આખી રાત્રિ જાગ્યો. વહેલી પરોઢિયે હજુ આછું અજવાળું હતું, એ સમયે વહાણ પેંબા દ્વીપની ઉત્તરે વળ્યું અને પછી ત્યાંથી દ્વીપની ફરતે ચક્કર લગાવી નૈઋત્ય દિશા તરફ વળ્યું. હવે ટાંગા ત્યાંથી આશરે ત્રીસ નોટિકલ માઈલનાં અંતરે હતું. વહાણ એકધારી ગતિથી આગળ વધી રહ્યું હતું.

સાડા સાત કલાક પછી બપોરે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ વહાણ ટાંગા બંદરે પહોંચ્યું. કિનારે અમુક જેટી પર વહાણ લાંગરેલા હતા. માણસોની ચહલપહલ હતી. કિનારે પહોંચીને પહેલા બધા કાગળકામની વિધિ થઈ. વહાણ પરથી સામાન ઉતારવાનું કામ ચાલું થયું. મંગલ પણ તેમાં મદદ કરવા લાગ્યો. અંતે કપ્તાન અને મંગલ સહિત બીજા માણસો પણ નીચે ઉતર્યા. આ બધી વિધિમાં સાંજનાં છ વાગી ચૂક્યા હતા. જો કે ગરમી હજું પણ યથાવત હતી. ભારત કરતાં ત્યાં ગરમી અને વરસાદ પ્રમાણમા વિશેષ રહેતા હતા.

હરખચંદ શેઠની પેઢી ત્યાંથી અડધા કિલોમીટર જેટલી જ દૂર હતી. કપ્તાને એક માણસને મોકલ્યો અને હરખચંદ શેઠને તેડી લાવવા કહ્યું. માણસ સીધો ગયો અને માણસોને પૂછતાં પૂછતાં તે હરખચંદ શેઠની પેઢીએ પહોંચી ગયો.

“હરખચંદ શેઠની ઑફિસ આ જ છે ? મારે હરખચંદ શેઠને મળવું છે.” પેલા માણસે ઉંબરે પહોંચીને ખુલ્લા દરવાજે ટકોરા મારીને કહ્યું.
લાકડાનાં નાના મેજ પર ચોપડા તપાસતા હરખચંદ શેઠે ચોપડા તપાસતાં તપાસતાં જ કહ્યું, “અંદર આવો. હું જ હરખચંદ શેઠ છું. બોલો, શું કામ છે ?”

“શેઠ જી, રામ રામ. હું મનસુખ, ભારતથી આવું છું. અમારું વહાણ હજું હમણાં જ લાંગર્યું છે. અમારા કપ્તાન તમને મળવા માંગે છે. એ તમારી મુલાકાત કોઈની સાથે કરાવવા માંગે છે. તમે અત્યારે જ ચાલો.” મનસુખે કહ્યું.

“મને મળવું છે ? હું તો તમારા કપ્તાનને ઓળખતો પણ નથી. મને કેમ મળવું હશે ? કોને મળાવવા માંગતા હશે ?” શેઠે આશ્ચર્યસહ પૂછ્યું. તેણે વિક્રમને બોલાવીને કહ્યું, “એ વિક્રમ, એક કામ કર. તું આ માણસની સાથે જા અને જો કે મને કોણ મળવા માંગે છે ? ત્યાં સૂધીમાં હું ચોપડા તપાસી લઉં.”

“પણ શેઠ જી, કપ્તાને તમને આવવા કહ્યું છે.” મનસુખે કહ્યું.

“ભાઈ મનસુખ, શેઠ અત્યારે કામમાં છે. નહીંતર આવી પણ જાત. એક કામ કર. મને મળાવી લે. એવું લાગશે તો હું જ એને શેઠ પાસે લઈ જઈશ.” વિક્રમે કહ્યું.

“ઠીક છે, ચાલો ત્યારે.” મનસુખે તેની વાત માનવી પડી. તે તેમને તેની સાથે કપ્તાન સૂધી લઈ ગયો.

“કપ્તાન, શેઠ જી તો ના આવ્યા, પણ આ ભાઈ આવ્યા છે. શેઠે મોકલ્યા છે. તમે તેને મળી લો.” મનસુખે કહ્યું.

કપ્તાન વિક્રમને મળ્યો અને કહ્યું, “રામ રામ, વિક્રમભાઈ, તમારા શેઠને મળવાની મારા એક મિત્રની ઈચ્છા હતી. ખેર, એ તો ના આવ્યા. તમે જ મળી લો. કદાચ તમે પણ તેને ઓળખતા હશો.” કહી તે બાજુએ હટી ગયો. વિક્રમની સામે લાંબી દાઢી અને વધેલા વાળ સાથે આંખમાં આંસુ સાથે હસતાં ચહેરા સામે એક યુવાન ઊભો હતો.” વિક્રમ તેને એકધારો જોઈ રહ્યો. તેણે પહેલા પણ આ માણસને જોયો હોય તેવું લાગી રહ્યું હતું. પણ ક્યાં જોયો હતો ? શું પહેલા પણ તેઓ મળી ચૂક્યા હતા ? આ માણસ તેની સામે એ રીતે કેમ જુએ છે, જાણે એ તેમને ઓળખતો હોય ? વિક્રમ થોડી વાર ગડમથલમાં રહ્યો. તેનાં આ બદલેલા સ્વરૂપને કારણે તે તેને ઓળખી શકતો હતો.

અંતે તે યુવાને કહ્યું, “વિક્રમ...”
ચહેરો ન ઓળખાયો પણ તેનાં અવાજથી વિક્રમનાં મગજમાં એક ચમકારો થયો. તે અવાચક બનીને તેને જોતો રહ્યો. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. થોડી વાર તો તે નિ:શબ્દ બની ગયો. અંતે તેનાં મુખમાંથી બોલ નીકળ્યા.
“મ...મ..મંગલ...!”
મંગલનાં ચહેરા પરથી હરખનાં આંસુ વહેવા લાગ્યા. તે પોતાનો આનંદ વ્યક્ત કરી શકતો ન હતો.

“મંગલ ? તું... તું જીવતો છે ? ક્યાં હતો અત્યાર સૂધી ભાઈ ? કેટલું શોધ્યો તને ખ્યાલ પણ છે તને ? અને આ... આ કેવા હાલ બનાવ્યા છે તારા ? હું કંઈ સમજી શકતો નથી. તું મને સમજાવ કે...” વિક્રમે અધીરાઈમાં અઢળક પ્રશ્નો પૂછી નાખ્યા.

“બસ બસ વિક્રમ, હું આવી ગયો છું, જીવતો છું. પણ ભાઈ, એ તો મને જ ખબર છે કે હું કેમ જીવ્યો છું. જીવતે જીવ કેટલી મોત મર્યો છું, એ મને ખબર છે.” મંગલનાં ચહેરા પર દુ:ખ આવી ગયું પણ બીજી જ પળે આંસુ લૂછતાં કહ્યું, “વિક્રમ, એ કહે કે શેઠ ક્યાં છે ? તેને કેમ છે ? મારે એને મળવું છે. ચાલ, મને અત્યારે જ લઈ જા.”

“તારા ગયા પછી એ ઘણી વાર તારું નામ લેતાં હોય છે. હજું પણ તને ભૂલ્યા નથી. અમે તારી બહું શોધખોળ કરેલી પણ તું ક્યાંય મળ્યો નહીં. અંતે અમને થયું કે તું... અને પછી અમે તારા ઘરે એક ચિઠ્ઠી રવાના કરેલી. જેમાં તારા સંભવત મૃત્યુંનાં સમાચાર મોકલેલા. પણ તું જીવતો છે, એ જોઈને શેઠ ખૂબ જ ખુશ થઈ જશે. તું ચાલ, જલ્દી ચાલ. કપ્તાન, તમે પણ આવો.” વિક્રમ બધાને પોતાની સાથે પેઢીએ લઈ ગયો.

દરવાજે પહોંચીને વિક્રમે કહ્યું, “શેઠ જી !”
“આવી ગયો, વિક્રમ ? એ કોણ હતા જે મને મળવા માંગતા હતા ? સાથે લાવ્યો એને ?”
“શેઠ જી, મળી પણ આવ્યો અને એને સાથે પણ લાવ્યો. વિચારો, કોણ આવ્યું છે તમને મળવા ?”
“કોણ છે ?” કહેતાં શેઠે માથું ઊંચું કર્યું. તે ઊભા થયા અને નજીક ગયા. ઝીણી આંખ કરીને ચહેરો ઓળખવાની મથામણ કરી. અંતે મંગલે કહ્યું, “શેઠ જી ?”
શેઠને પરિચિત અવાજ લાગ્યો. તેનો ચહેરો ચમકી ગયો.
“શેઠ જી, હું મંગલ.”
“મંગલ...!” જેનાં મરણનો શોક પાળ્યો હતો, તે તેની સામે ઊભો હતો. શેઠને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો.
“વિક્રમ, આ આપણો મંગલ...”
“હા, શેઠ જી, આ આપણો મંગલ જ છે.”
મંગલ શેઠને પગે લાગવા ગયો પણ શેઠ તો તેને ભેટી જ પડ્યા. મંગલ પણ શેઠને વળગી રહ્યો.
“મંગલ, આ શું છે બધું ? તું અચાનક ? ક્યારે ? કેવી રીતે ?” શેઠ પણ વિક્રમની જેમ પ્રશ્નો પૂછવા લાગ્યા.
મંગલે માંડીને બધી વાત કરી. કપ્તાને મંગલની બહાદૂરીની વાત કરી. શેઠનાં આનંદનો પાર ન હતો. એક રીતે તો બંનેમાં શેઠ અને તેને ત્યાં કામ કરતાં સામાન્ય માણસ જેટલું અંતર હતું. પણ મંગલને તે પોતાનાં દીકરા સમાન ગણતાં. શેઠે બીજી સાંજે ફરી પાછો એ જ જલસો ગોઠવવાનું નક્કી કર્યું જેવો તેણે જંગલમાંથી આદિવાસીઓની કેદમાંથી માણસોને છોડાવ્યા પછી મંગલ માટે ગોઠવ્યો હતો. પરંતુ આ વખતે તો વાત જ અલગ હતી. જેને મરેલો માની લેવામાં આવ્યો હતો, તે જીવતો જાગતો ત્રણ વર્ષ અજાણ્યા દ્વીપ પર એકલો દુનિયાથી વિખૂટો રહ્યો હતો. પેઢીમાં કામ કરતાં વધુ પડતાં માણસો તો ત્યાંનાં જ હતા. મંગલની સાહસવૃત્તિનો પરિચય પણ ઘણાને થયેલો હતો. સૌ માણસોએ સાથે મળીને એક રસોડે જમ્યા. આમ પણ ત્યાં કામ કરવા આવનાર માણસો એકલા જ આવતા. તેઓનો પરિવાર હજું પોતાનાં દેશમાં જ હતો. ટાંગાની ઉત્તર દિશામાં જ કેન્યાની હદ થોડા અંતરે ચાલુ થતી અને સોમાલિયા ત્યાંથી દરિયાઈ રસ્તે ત્રણ સો માઈલ માંડ થતું હતું. ત્યાંની હંમેશા સળગતી રહેતી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ આસપાસનાં દેશો માટે પણ ખતરાથી ખાલી ન હતી. માટે તેઓ એકલા જ પરિવારથી દૂર ત્યાં કામ કરતાં.

ભારત આવેલું વહાણ તો પોતાનાં જવાનાં સમયે નીકળી ગયું. જતાં પહેલાં કપ્તાને અને જેતશી, રાણા સહિત બીજા માણસોએ પોતાનાં વહાણને બચાવવા બદલ મંગલનો ખૂબ ખૂબ આભાર માન્યો. મંગલે પણ પોતાની મુક્તિ માટે સૌનો આભાર માન્યો. દર સાહસે તેને જીવનમાં નવા નવા મિત્રો મળી રહ્યા હતા. આજે પણ મળી ગયા. સૌ મિત્રોનો તેમણે ખૂબ ખૂબ આભાર માન્યો. વહાણ રવાના થયું.

વહાણનાં ગયા પછી તેઓ પોતાની પેઢી તરફ રવાના થયા.
મંગલે પૂછ્યું, “શેઠ જી, એક વાત કહું ?”
“એમાં તારે પૂછવાનું શું હોય ? બોલ ને.” શેઠે કહ્યું.
“શેઠ જી, મારું ઘર આજે મને બહું યાદ આવે છે. એનાં પર શું વીતી રહી હશે ? મને વિક્રમે બધી વાત કરેલી. મારા ઘરમાં મારી માડી, ઘરવાળી, નાની દીકરી છે. મારી દીકરીનું તો મને મોઢું પણ યાદ નથી. શેઠ જી, તમારો બહું મોટો ઉપકાર છે. તમારા રહેતા મારા ઘરવાળાઓને કોઈ તકલીફ પડી ન હતી. ખોટું ના લગાડતા પણ હવે હું અહીં વધારે રહી શકું તેમ નથી. એવું પણ નથી કે મને અહીં ફાવતું નથી કે ગમતું નથી. આ મારા ઘર જેવું જ છે. મારે જે જોઈતું હતું તે બધું જ કરવાની મને તક મળેલી. પણ હવે મને મારું ઘર સાંભરે છે. વતન જઈશ અને ત્યાં જ હવે પરિવાર સાથે રહીશ.” મંગલે પોતાનાં મનની વાત કરી.

“મંગલ, તું અમને છોડીને જતો રહીશ ?” વિક્રમે પ્રશ્ન કર્યો.
“તમને કે તમારી યાદોને હું એ ટાપુ પર છોડી શક્યો ન હતો તો ત્યાં જઈને કેમ છોડી દઉં ?” મંગલે કહ્યું.
“મંગલ ઠીક કહે છે, વિક્રમ. તેણે હવે પોતાનાં ઘર સાથે રહેવું જોઈએ. ઘરનાં સભ્યો પ્રત્યે પણ તેની જે જવાબદારીઓ છે, તે પણ તેમણે નિભાવવી જોઈએ. તે પોતાનાં પરિવારથી આઠ દસ વર્ષ દૂર રહ્યો છે. આપણી ઈચ્છા ન હોય તો પણ હવે મંગલને આપણે વિદાય આપવી જોઈએ.” શેઠે વિક્રમને કહ્યું.
“સમય મળ્યે કાગળ તો લખીશ ને, મંગલ ?” વિક્રમે ભાવાવેશમાં પૂછ્યું.
મંગલ તેને ભેટી પડ્યો અને કહ્યું, “એવું બને કે હું મારા આ ઘરને ભૂલી જઉં ? હું કાગળ લખીશ અને હા, તમે જ્યારે પણ દેશમાં આવો ત્યારે તમારે મારા ઘરે ભૂલ્યા વગર આવવાનું છે, નહીંતર આ દોસ્તી નહીં રહે.”
હસીને વિક્રમે કહ્યું, “ચોક્કસ. આમ પણ આપણાં વહાણ પોરબંદર, કંડલા, મુંબઈ, વેરાવળ જતાં જ હોય છે.”
“મંગલ, થોડા દિવસો રોકાઈ જા. તારા સમાચાર જે અહીં સરકારને આપ્યા હતા, તે અંગે પણ મારે પાછી વાત કરવી પડશે. તારે પણ મારી સાથે આવવું પડશે. વિક્રમ, તું અને બીજા પાંચ માણસો પણ સાક્ષી તરીકે તૈયાર રહેજો.” શેઠે કહ્યું.
“જી શેઠ જી. કાલે હું તૈયાર રહીશ.” મંગલે કહ્યું.

બીજા દિવસે સવારે શેઠ મંગલને લઈને તેનાં નજીકનાં પોલીસ સ્ટેશને ગયા અને ત્રણ વર્ષ જૂની તેનાં ગુમ થઈ જવાની ફરિયાદ લખાવેલી તે ફાઈલ ફરીથી ખોલાવી. મંગલનાં ઓળખ માટેનાં પુરાવાઓ આપી તેમની ખરાઈ કરવામાં આવી અને સાક્ષીઓની સહી લેવામાં આવી. ટાંઝાનિયા પોર્ટ ઑથોરિટીઝને અને ટાંઝાનિયા સરકારને પણ મંગલનાં પરત ફર્યાનાં સમાચાર અપાયા. તેમની ભારત પાછા ફરવાની અરજી પણ આપવામાં આવી.
એક મહિનો થઈ ગયો. આ એક માહિનામાં ટાંઝાનિયાનાં સમાચારપત્રોમાં પણ આ સમાચાર છવાઈ ગયા. મંગલનાં એક નિર્જન ટાપુ પર એકલા ત્રણ ત્રણ વર્ષ કેવી રીતે કાઢ્યા તેની ઘણી વાતો ત્યાંની સ્થાનિક ભાષા સ્વાહિલી અને અંગ્રેજી ભાષામાં છપાયાં. તેની આદિવાસીઓનાં કબજામાંથી છોડાવેલા સાથીઓની વાત હોય કે ચાંચિયાઓ સાથેની અથડામણ અને તેનાં પરાક્રમોની ગાથાઓ તેની તસવીરો સાથે છાપાઓમાં છપાવવા લાગ્યા. મંગલનો ચહેરો ખૂબ જાણીતો બનવા લાગ્યો હતો. તેનું સારું એવું બહુમાન પણ થયું અને સારી એવી ધનરાશિ પણ મળી. સરકારી કામકાજમાં થોડો સમય લાગી જતો હતો. બંને દેશોમાં આવા કામમાં થોડી ઢીલાશ તો આવે જ છે. પણ મંગલ ખુશ હતો. આટલા વર્ષો રાહ જોઈ, થોડા દિવસો વધારે રાહ જોવામાં શું ખોટું ? અંતે થોડા દિવસોમાં તેની અરજી મંજૂર થઈ અને ભારત જવાનો માર્ગ મોકળો થઈ ગયો. ભારત ખાતે પણ તેનાં સમાચાર પહોંચાડી દેવામાં આવ્યા અને એક કાગળ પેઢી તરફથી તેનાં પરિવારજનોને પણ મોકલી આપવામાં આવી.

કિનારે એક પ્રવાસી વહાણ લાંગરેલું હતું. તેમાં મંગલે જવાનું હતું. વહાણ મુંબઈ ખાતે જવાનું હતું. મંગલને વિદાય આપવા માટે પેઢીમાં માણસોની ભીડ લાગી હતી. શેઠે કહ્યું, “મંગલ, હું અહીં વર્ષોથી રહું છું, ઠીક ઠીક નામના કમાઈ પણ ખરી. પણ હવે તારી મને ઈર્ષા આવે છે. તું તો આખા દેશમાં જાણીતો થઈ ગયો. તારા જેટલું નામ અને માન તો અમને ક્યારેય મળ્યું નથી. બસ, આ જ રીતે નામ કમાઓ અને ખૂબ સુખી થાઓ.” કહેતાં શેઠે રૂપિયાની એક થેલી તેને આપી.
“અરે ! આ શું શેઠ જી ? મારે કશું નથી જોઈતું. તમારા આશીર્વાદ મળી જાય એ જ ઘણું છે.” કહી મંગલ તેને પગે લાગ્યો.
“આ પૈસા પર પણ તારો જ અધિકાર છે. તમને અપાતાં પગારમાં અમુક ભાગ અમે જે કાપતાં એ જ તારા છૂટા થયા ત્યારે તને પાછું આપું છું. હા, તારા પરાક્રમો માટે તને પણ ઈનામ આપવું ઘટે જ એટલે તે રકમ પણ સાથે જોડેલી છે. હવે ના ના પાડતો નહીંતર અહીં જ રોકી દઈશ.” શેઠે કહ્યું.
મંગલ તેને ભેટી પડ્યો. તેણે કહ્યું, “દેશ આવો ત્યારે ઘરે આવજો શેઠ જી. મારા ઘરે બધા તમને મળીને ખૂબ ખુશ થશે. તમે બધા પણ આવજો.” વિક્રમ અને બધા માણસોની તેણે છેલ્લી વાર વિદાય લીધી. ટાંગાની ધરતીને તેણે નમીને છેલ્લા રામ રામ કર્યા અને વહાણ પર ચડી ગયો. વહાણ ઈશાન દિશામાં ભારત તરફ ઉપડ્યું. બે ઘડી માટે આવેલી રોનક ફરી પછી જતી રહી એવું સૌ ને લાગ્યું. પણ બધા તેનાં માટે ખુશ હતા કે તે પોતાનાં ઘર પરિવારને મળશે.

‘વર્ષો પછી હું ઘરે જઈશ. હું મારા ઘરવાળાઓને મળીશ. માડી, ધાની, કિંજલ...’, આનંદમાં ને આનંદમાં વિચારતાં તે અટકી ગયો અને અચાનક તેનાં ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ. તેની આંખો ભરાઈ આવી આવી અને અંતરનાં ઊંડાણથી મોઢે આવીને એક શબ્દ નીકળી ગયો, “બાપું...

To be Continued…
Wait For Next Time