Mangal - 33 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 33

મંગલ - 33

મંગલ
Chapter 33 – મિલનની ઘડી

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં તેત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. કાળમુખા ચાંચિયાઓ સામે લડીને મંગલે વહાણ બચાવ્યું અને તેઓ સુરક્ષિત રીતે ટાંગા બંદરે પહોંચ્યું. અચાનક તેનાં પાછા આવવાનાં સમાચાર સાંભળીને તે લોકો પર શું અસર થાય છે, તે પણ આપણે જોયું. શું મંગલ પોતાનાં પરિવારને મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 33 – મિલનની ઘડી
Chapter 33 – મિલનની ઘડી
ગતાંકથી ચાલુ
કપ્તાનનું વહાણ થોડા દિવસો અગાઉ જ પહોંચી ગયું હતું. ચાંચિયાઓ સાથેનાં સંઘર્ષમાં વહાણને પણ થોડું ઘણું નુકસાન થયું હતું. તેની મરામત કરાવી વહાણ પર જે બન્યું તેની પણ નવી મુંબઈનાં બંદરે જાણ કરી. નવી મુંબઈ ખાતે તેઓએ મંગલ વિશે વિસ્તૃત જાણકારી આપી. બંદર પરનાં સત્તાવાળાઓએ તરત જ સરકારને આ અંગે ધ્યાન દોર્યું. સરકારે પણ આ મંગલ કોણ છે, તેની વિગતવાર તપાસ શરૂ કરાવી. થોડા દિવસોમાં તેની બધી જાણકારી સરકાર સૂધી પહોંચી ગઈ. ત્રણ વર્ષ પહેલા દરિયામાં ઉઠેલા એક વંટોળમાં એક માણસ દરિયામાં પડી ગયેલો અને લાપતા હતો, જે મળી શક્યો ન હતો. નિયમ પ્રમાણે હજું તે લાપતા જ હતો પણ તેમની શોધખોળનાં અંતે કોઈ ભાળ ન મળતાં તેમને સૌ એ મૃત ઘોષિત કરી દીધો હતો. આ દિવસોમાં ટાંઝાનિયાનાં બંદરગાહ પ્રાધિકરણ અને સરકાર વતી એક સંદેશો પણ મળ્યો જેમાં ત્યાંનાં ટાંગા બંદરે નીકળેલા વહાણમાં મુસાફરી કરી રહેલા માણસોનાં નામ હતા, જેમાં મંગલનું નામ પણ હતું. સાથે સાથે અન્ય એક સંદેશામાં તેમણે ચાંચિયાઓનો સફાયો કરીને જે રીતે દેશની સેવા કરી છે, તેની પણ વાત કરી. બંદરગાહ સંબંધિત અધિકારીઓને આવો સંદેશ મળતાં તેઓએ સરકારનાં બંદર વિભાગમાં એક પત્ર લખ્યો.

ઈતિહાસમાં કદાચ આવો પહેલો બનાવ બન્યો હતો. પ્રચાર માધ્યમોમાં અને દૂરદર્શન પર આ ઘટનાની સારી એવી ચર્ચાઓ થઈ. મંગલ કઈ તારીખે આવે છે તેની પણ સૌને જાણકારી મળી ગઈ. છાપાઓ, દૂરદર્શન, રેડિયો વગેરે આજે એક પોરબંદર જેવા નાનકડાં શહેરનાં સામાન્ય ખારવાનાં અસામાન્ય પરાક્રમોની ગાથા વર્ણવતાં થાકતા ન હતા. અધિકારીઓ તરફથી મંગલનાં પરિવારજનોને એક કાગળ તેનાં ઘરે મોકલી આપ્યો અને નવી મુંબઈ આવવા આમંત્રણ આપ્યું.

દેશમાં ખાસ કરીને મુંબઈ અને ગુજરાત માટે ચર્ચાનો વિષય બની ચૂકેલા મંગલનાં પરાક્રમોથી ઘણા બધા લોકો માહિતગાર થઈ ચૂક્યા હતા, પણ તેનાં જીવતા હોવાનાં સમાચાર પણ હજું સૂધી તેનાં ઘરે પહોંચ્યા ન હતા. ખારવાઓની એ સાંકડી શેરીઓ વાળા વિસ્તારમાં એ જૂના પુરાણા ઘરમાં જેમ તેમ જીવન જીવી રહેલી એ ત્રણ સ્ત્રીઓ જ હજું બહાર શું ચાલી રહ્યું છે, તેનાંથી અજાણ હતા.

અંતે એ દિવસ આવી ગયો. ધાની ફળિયાની સફાઈ કરી રહી હતી. ત્યાં ડેલો ખખડ્યો. ધાનીએ ડેલો ખોલ્યો તો એક ટપાલી બે પરબીડિયાં હાથમાં મૂકીને ચાલ્યો ગયો. લાંબા સમયથી તેનાં ઘરે કોઈ કાગળ આવ્યો હતો. આજે એક સાથે બે બે કાગળ ! પરબીડિયાં પર અંગ્રેજી અને વાંચી ન શકાય એવી ભાષામાં કંઈક લખાણ હતું. ધાનીને થયું કે ભૂલથી આ પરબીડિયું અહીં આવી ગયું છે. તે ટપાલીને બોલાવવા જાય ત્યાં જ તેની નજર પોતાનાં નામ પર પડી. બંને પરબીડિયામાં ગુજરાતી અને હિન્દીમાં જમણી બાજુ તેનું નામ લખેલું હતું. અચરજ સાથે ધાનીએ પહેલું પરબીડિયું ખોલ્યું. તેમાંથી એક કાગળ નીકળ્યો. કાગળની ઘડીઓ ખોલતાં ખોલતાં તે ઘરમાં ગઈ.

ખાટલે બેઠેલા લાખીબહેન કાગળ જોઈને બોલી ઉઠ્યા, “અરે જલ્દી વાંચ. મારા મંગલનો કાગળ છે.” ધાની તેને જોઈ રહી પણ કશું બોલી ન શકી. કાગળ ખોલીને તે વાંચવા લાગી. વાંચતાં વાંચતાં જ તે સડક થઈ ગઈ. માડીનાં બોલ સાચા પડ્યા. તેની આંખો ભરાઈ આવી. ગળગળા અવાજે તેણે માડી સામે જોઈને માંડ બોલી શકી, “માડી...માડી, મંગલ...મંગલ”

“અરે ! આગળ કંઈ બોલ તો ખરી ! મારો મંગલ આવે છે ને ?” ઘેલા બની ગયેલા લાખીબહેનમાં વિશ્વાસ હજું ખૂટ્યો ન હતો.
રડતાં રડતાં પણ ધાનીનાં મુખ પર ખુશી દોડી આવી. તેણે કહ્યું, “મંગલ... મંગલ આવે છે. તમારો મંગલ... મારો મંગલ...” આજે ધાની પાસે શબ્દો ન હતા. તેનું મુખ જ જીવતી જાગતી અભિવ્યક્તિ હતી. વર્ષો બાદ એક જીવતી લાશમાં જાણે પ્રાણ સંચાર થયો હોય તેમ ઘરમાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો. તે પોતાની ખુશી કોની પાસે વ્યક્ત કરવી એ જ સમજી શકતી ન હતી. ધાની પોતાની ઓરડીમાં ગઈ અને દરવાજો બંધ કરીને ફરી ફરીને એ જ પત્ર વાંચવા લાગી. તેને હજું પણ વિશ્વાસ બેસતો ન હતો. આવા ચમત્કારની તેને આશા ન હતી. ‘મંગલ જીવે છે’ - એ શબ્દો જ તેને મન આખા જીવનનો થાક ઉતારી દેવા અને જીવનમાં નવો પ્રાણ પૂરવા માટે પૂરતાં હતા. તે પત્ર પોતાનાં જીવનસાથીનાં આવવાનો સંદેશ હતો. તેને હૈયાસરસો ચાંપી દીધો. તે ભાન ભૂલીને પોતાની મસ્તીમાં જ નાચવા લાગી.

નાચતા નાચતા તેની નજર અરીસા પર પડી. જૂની પુરાણી પતિનાં વિયોગમાં ભર યુવાનીએ તેનાં માથા પર સફેદ વાળ આવી ગયા હતા. કપડાં પણ થીંગડાવાળા હતા. ચહેરો પણ કરમાઈ ગયેલો હતો. ત્યારે તેને થયું કે માડીએ કેટલું સહન કર્યું હશે ! તે કઈ રીતે દીકરાનાં મોતને સ્વીકારી શકે ? જીવવું એની લાચારી બની ગઈ હતી. માથા પર લગાડેલ સિંદૂર પણ માડીને એ વિશ્વાસ આપવા બદલ જ હતું કે તે હજું સૌભાગ્યવતી છે. પણ તેની ચમક રહી ન હતી. પણ હવે ઘણું બદલાઈ ચૂક્યું હતું.

પણ ત્યાં જ થયું કે આ બીજા પરબીડિયામાં શું હશે ? પલંગ પર પડેલું એ પરબીડિયું ઉઠાવીને, તેને ખોલીને અંદર રહેલા કાગળોને બહાર કાઢ્યા. પાંચ પાનાનો કાગળ હિન્દીમાં લખેલો હતો. ધાની થોડું ઘણું હિન્દી વાંચતાં શીખી ગઈ હતી અને ક્યારેક કામમાં ભાંગેલ તૂટેલ હિન્દી બોલી પણ નાખતી. તે પત્ર નવી મુંબઈ બંદરગાહ તરફથી લખાયો હતો. તેમાં મંગલનાં આવવાનાં માત્ર સમાચાર જ ન હતા, પણ તે કેવી પરિસ્થિતિમાં લાપતા થયો હતો અને ત્યાર બાદ તેનાં પર શું શું વીતી હતી અને તેની મુક્તિ કેવી રીતે થઈ હતી, તેનો સમગ્ર વૃતાંત પાંચ પાનાનાં આ કાગળમાં હતો. મંગલે કરેલા શૌર્યથી ભરપૂર સાહસ બદલ સરકાર તેમનું સન્માન કરવા માંગે છે અને તેનાં પરિવારજનોને ટ્રેન મારફતે નવી મુંબઈ આવવાનું આમંત્રણ પણ હતું. સાથે ટ્રેનની ત્રણ ટિકિટો પણ મોકલેલી હતી.

અચાનક જ ધાનીનાં જીવનમાં ચમત્કાર સર્જ્યો. તેણે ઝટપટ નાહી ધોઈને નવા કપડાં પહેર્યા. સોળે શણગાર સજેલી નવ વધૂની જેમ તેણે બંગડીઓ પહેરી. માથે સેંથો પૂરીને તે ઓરડીમાંથી બહાર નીકળી. માડી તેને જોઈ રહ્યા. તે તો બસ આનંદમાં હતાં. ધાનીએ કહ્યું, “માડી, જવાની તૈયારી કરો.”

“લે, ક્યાં જવું છે હવે ?”
“તમારો મંગલ આવે છે. આ જુઓ ટ્રેનની ત્રણ ટિકિટ. આપણે મુંબઈ જવાનું છે. મંગલ ત્યાં જ આવશે. તમારે પણ સાથે આવવાનું છે. આપણે બધા સાથે જશું.” ધાનીને પોતાની ખુશી કેમ વ્યક્ત કરવી એ જ સમજાતું ન હતું.
“માડી, તમે અહીં જ રહેજો. હું હમણાં આવું છું, માડીને જાણ કરી આવું.” કહેતી તે દોડી ગઈ.
“અરે ! ધ્યાનથી જજે.” કહેતાં માડી હસી પડ્યા. “છોડી, મંગલનાં આવવાનાં હરખમાં તો જો ગાંડી થઈ ગઈ. ભગવાન, આ હરખ તું હવે છીનવી ના લેતો. મારા મંગલને જલ્દી મારા પાસે મોકલી દે. હું એક વાર તેને જોઈ લઉં પછી ભલે મારા ખોળિયાંમાંથી જીવ પણ હાલ્યો જાય તો પણ કોઈ ચિંતા નહીં.” બે હાથ જોડીને માડી બોલ્યા. તે દીકરાનાં આવવાનાં સમાચાર સાંભળીને તેનાં માટે લાડવા બનાવવાની તૈયારી કરવા લાગ્યા.

પાડોશીઓ ધાનીનાં નવા જ બદલેલા સ્વરૂપને જોઈ રહ્યા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. પણ ધાની તો ભાન ભૂલી હતી. તે તો દોડતી ગઈ પોતાનાં ઘરે. જઈને પોતાની માડીને ખાટલા ઉપરથી ઊભી કરીને તેને જોરથી ભેટી પડી. રંભાબહેન ધાનીનાં આવા નવા અવતારથી જ અચંબિત થઈ ગયા. વર્ષો પછી તેનાં મોઢા પર આ રીતે આનંદ જોયો હતો. પણ કારણ સમજી ન શક્યા.

“ધાની... ધાની... શું થયું એ તો કહે ? અને આ શું છે ? નવા કપડાં ને આ બધુ ? તે તો આ બધું ક્યારનું મૂકી દીધું હતું ને ?”
“હા, પણ વાત જ એવી છે કે તમે સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો. રાજુ, વૈશાલી, બાપું ? બહાર આવો.” ધાની બધાને બોલાવવા લાગી.
ધાનીનાં અવાજથી ભાઈ રાજુ અને તેની પત્ની વૈશાલી બહાર આવ્યા. તેનાં બાપું મેડી ઉપર હતા, તે પણ તેનો અવાજ સાંભળીને નીચે આવ્યા. ધાનીને સૌ ઉપરથી નીચે સૂધી જોવા જ લાગ્યા. તેઓની આંખો પહોળી થઈ ગઈ.

રાજુથી ના રહેવાયું. તેણે પૂછ્યું, “શું વાત છે ધાની ? તું આમ ? આ રીતે ?”
“હા, કંઈક તો કહે. શું થયું ?” કેશવજીભાઈ બોલ્યા.
ધાનીએ પત્ર રાજુનાં હાથમાં મૂક્યો અને વાંચવાનું કહ્યું. રાજુએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું.
“ધાની !” તે આટલું જ બોલી શક્યો. તેનાં માટે આ માનવું જ અવિશ્વસનીય હતું.
“અરે પણ શું થયું, એ તો કહે. શું લખ્યું છે આમાં ?” રંભાબહેને કહ્યું.
“માડી, તમે નહીં માનો. મંગલ... મંગલ જીવે છે. અને એ પાછો આવે છે.”
“શું ? મંગલ ? જીવે છે ? ને એ પાછો... ? એ કઈ રીતે બને ? ધાની, તારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને ?” તેનાં બાપુંએ કહ્યું.
“અરે ! કોઈ ભૂલ નથી થઈ. આ બે બે પત્રો આવ્યા છે. એમાં ચોખ્ખું લખ્યું છે કે મંગલ બે દિવસમાં જ આવવાનો છે. એ મુંબઈ ઉતરશે. ત્યાં જવાની ત્રણ ટિકિટ પણ મળી છે. આ જુઓ.” ધાનીએ કહ્યું.
“ભગવાન ! તારો લાખ લાખ પાડ માનીએ. મારી ધાનીનો સંસાર વસાવી દીધો. તને ચોખ્ખા ઘીનાં દીવા કરું.” રંભાબહેને કહ્યું.
“પણ... ધાની, કોઈ એનાં માટે ટિકિટ કેમ મોકલે ?” રાજુએ પૂછ્યું.
“એ જ વાત છે. પણ એ બધું અત્યારે નહીં કહી શકું. હજું ઘણું બીજું બધું પણ કહેવાનું છે તમને. પણ તમે બધા ઘરે આવો. માડી એકલા છે, હું જઉં છું.” કહેતાં ધાની નીકળી ગઈ.

એકાદ કલાકમાં જ ધાનીનાં ઘરે તેનાં મા, બાપું, ભાઈ અને ભાભી ભેગા થયા. એટલામાં કિંજલ પણ નિશાળેથી આવી ગઈ. ધાનીએ તેનો હાથ પકડીને પોતાની સાથે લઈ આવી.
“કિંજલ, તું પૂછતી હો ને કે તારા બાપું ક્યારે આવશે ?” ધાનીએ પૂછ્યું.
બાપુંની વાત આવતા કિંજલનું મોઢું ખીલી ઉઠ્યું. “હા. હું તો ઘણી વાર પૂછતી પણ તે તો ક્યારેય આવ્યા જ નહીં.”
“કિંજલ, હવે તારે વધારે રાહ જોવી નહીં પડે. એ સમય હવે નજીક જ છે, જ્યારે તું તારા બાપુંને મળીશ.” ધાનીએ કહ્યું.
“સાચે ? મારા બાપું આવશે ? મારા બાપું આવશે ને તો જો જો હું એને ક્યાંય નહીં જવા દઉં. તેને મારી સાથે નિશાળે લઈ જઈશ ને પેલી ચંપા છે ને એને હું બતાવી દઈશ કે મારા પણ બાપું છે. એ મને ફેરવવા તો લઈ જશે ને ?” નિર્દોષતાથી કિંજલે પોતાની મનની વાત કરી દીધી.
“હા છોડી, તારા બાપું આવે ને તો એને બાંધી દેજે. ક્યાંય જવા ના દેતી.” લાખીબહેન બોલ્યા.
“આપણે એને લેવા માટે ટ્રેનમાં બેસીને મુંબઈ જવાનું છે.” ધાની બોલી.
“હેં... ટ્રેનમાં ? હું તો ટ્રેનમાં કોઈ દિવસ બેઠી જ નથી. બાપુંને લેવા જવાનું છે ?” કહેતાં તે હરખાઈને નાચવા લાગી.
બધા હસી પડ્યા.
“ધાની, એ તો સમજ્યા, પણ તું કહેતી હતી કે માંડીને વાત કરવી છે. શું કહેવાનું હતું એ તો કહે.” રંભાબહેને પૂછ્યું.
ધાનીએ જે જે વાંચ્યું હતું, તે સઘળું કહ્યું. તેની વાત સાંભળીને મંગલનાં એ ત્રણ વર્ષો સૂધી તેણે વિતાવેલા સમય વિશે સાંભળીને બધાની આંખોમાં પાણી આવી ગયા. તેનાં પરાક્રમોની ગાથા સાંભળીને તેની છાતી ગદગદ થઈ ઉઠી. મુંબઈ જવા માટે તેઓ તૈયાર થઈ ગયા. બે દિવસ પછીની તેઓ રાહ જોવા લાગ્યા.

***
સ્થળ : નવી મુંબઈનું બંદર.

માણસોનો જમાવડો થઈ રહ્યો હતો. તેઓ પોતાનાં સગા વ્હાલાંઓની આવવાની રાહ જોઈ રહ્યા હતા. લગ્ન સમયે લીધેલી નવી સાડી પહેરીને ધાની, નવા કપડામાં પોતાનાં બાપુંને પહેલી વાર જોવાનાં ઉમંગ સાથે હસતી રહેતી કિંજલ અને કપાળે હાથ દઈને વૃદ્ધ આંખોને દરિયામાં તાકતાં લાખીબહેન – ત્રણેયની આંખો દરિયા તરફ હતી.

એક વહાણ તેની તરફ આવી રહ્યું હતું. ધીમે ધીમે તે કિનારા તરફ આવી રહ્યું હતું. વર્ષોની પ્રતીક્ષા પૂરી થવાને હવે થોડી જ ક્ષણોની વાર હતી. વહાણ કિનારે લાંગર્યું. થોડી વારની વિધિ પછી એક મોટી સીડી લગાવવામાં આવી. વહાણમાંથી એક પછી એક યાત્રીઓ નીચે ઉતરી રહ્યા હતા. ધાનીની આંખો મંગલને શોધી રહી. હૃદયનાં ધબકારા વધવા લાગ્યા. થોડા યાત્રીઓ પછી તેની પ્રતીક્ષા પૂરી થઈ. મંગલ પગથિયાં પાસે આવ્યો. હજું તેમને તો ખબર જ ન હતી કે તેને લેવા માટે કોઈ આવશે. તે અચાનક ઘરે પહોંચીને બધાને ચોંકાવી દેવાનાં વિચારમાં હતો. પણ તેને ક્યાં ખબર હતી કે તેની ખ્યાતિ તેની પહેલાં જ પહોંચી ગઈ હશે. તે નીચે ઉતરવા લાગ્યો. નીચે ઉતર્યા પછી બધાની જેમ એક માણસે તેનું ઓળખપત્ર માંગ્યું. પત્ર તપાસીને તેણે કહ્યું, “તમારું નામ મંગલ છે ? તમે જ ટાંગાથી આવ્યા છો ને ?”
આશ્ચર્યથી તેણે કહ્યું, “હા.”
“સાહેબ, તમે જેને શોધતા હતા એ અહીં છે.” તે માણસે કોઈ અધિકારીને બૂમ પાડીને કહ્યું.
અધિકારી તરત દોડતાં આવ્યા. તેઓ તેને જોઈને તેની સાથે હાથ મિલાવ્યા.
“તમે મંગલ છો ને ?”
“હા, પણ...” મંગલ હજું કંઈ સમજે તે પહેલાં જ આઠ દસ માણસો ત્યાં આવીને તેને ફૂલોનો હાર પહેરાવા લાગ્યા. મંગલ હજું પણ કશું સમજી શક્યો ન હતો. તે જેને ઓળખતો પણ ન હતો, તે લોકો તેનું આ રીતે સ્વાગત કરી રહ્યા હતા. આ બાજુ ધાની પણ અચાનક મંગલ દેખાતો બંધ થઈ ગયો એટલે બેબાકળી બની ગઈ. અધિકારીએ મંગલને આ બધું કરવાનું કારણ કહ્યું અને તેને કહ્યું, “ચાલો, હજું પણ અમુક ખાસ લોકો સાથે તમારી મુલાકાત કરાવવાની છે.”
“જુઓ, સાંભળો. મારે અત્યારે જ ગાડી પકડીને ઘરે જવું છે. તમે સમજો.” મંગલે વિનંતી કરતાં કહ્યું.
અધિકારીએ હસતાં કહ્યું, “અરે મંગલભાઈ ! તમે ચાલો તો ખરા. તમે પણ જવાનું ભૂલી જશો.”
પેલો ભલો અધિકારી તેને એક જગ્યાએ લઈ આવ્યો અને કહ્યું, “જુઓ, આ જ એ ખાસ લોકો છે.”
મંગલ તેને જોઈ રહ્યો. તેની સામે પોતાની માડી, ધાની અને કિંજલ ઊભા હતા. કોઈનાં મોઢે એક પણ શબ્દ ન નીકળ્યો. હોઠ નિ:શબ્દ હતા અને હૃદય પોતાની મુક્ત અભિવ્યક્તિ કરતું હતું અને આંખો તેની અભિવ્યક્તિને ઝીલી અશ્રુ રૂપે વહેવા લાગી. પોતાનાં બાપુંને કિંજલ પહેલી વાર જોઈ રહી હતી. કાળા કપડામાં ઊંચા, પાતળા સરખા લગતા અને ફૂલોનાં હારથી લથબથ, વેરવિખેર વાળ સાથે તેનાં પિતા ઊભા હતા. થોડી વાર તેને નીરખી રહી.

ત્યાર પછી તે બોલી, “મા… મા, આ મારા બાપું છે ? બોલ ને મા...”
ધાની તો મંગલમાં જ ખોવાઈ ગઈ હતી. લાખીબહેને કહ્યું, “હા છોડી, આ જ તારા બાપું છે.”
મંગલે પોતાની દીકરીને પહેલી વાર જોઈ. તે તેની પાસે આવ્યો, હાથ ફેલાવ્યો અને તે બોલ્યો, “કિંજલ...?”
પોતાનું નામ બાપુંનાં મોઢે સાંભળતાં જ કિંજલ હરખાઈને તેને વળગી પડી. મંગલે પોતાની દીકરી પર વ્હાલ વરસાવતો રહ્યો.
દીકરી પછી તે પોતાની માડીને મળ્યો. માડીની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રુ રૂપે સ્નેહ છલકાઈ રહ્યો હતો. તે તેને પગે લાગ્યો. માડીએ પોતાનાં આશીર્વાદ આપી તેને હૈયાસરસો ચાંપી દીધો. મંગલ ખૂબ રડ્યો.

ધાની સામે જોતાં તે બનાવટી રીસ સાથે તેની સામે જોઈ રહી. તે તેની પાસે ગયો. તેણે માથું નીચું કરીને કહ્યું, “ધાની, આપણે નાના હતા ત્યારે તને બહું હેરાન કરેલી. તું રડતી માડીને બહું ફરીયાદ કરેલી. આ વખતે તો તને બહું હેરાન કરી. આ વખતે ફરીયાદ નહીં કરે ?”
ધાની કશું બોલી ના શકી. તે તેને ભેટીને ચોધાર આંસુ સાથે રડવા લાગી. કોઈ પાસે શબ્દો ન હતા.
“મંગલ, ધાનીએ ફરીયાદ કરવાની જરૂર જ નથી. ધાનીએ પોતાની જાતને ભૂલીને આ ઘરડી ડોશીને જીવાડી છે. પોતે ઘણું સહન કર્યું છે. હવે મારી દીકરીને વધુ હેરાન ના કરતો. બધા સુખ આપજે. નહીં તો તારી ખેર નથી.” બાળપણની જેમ લાખીબહેને મંગલ પર પોતાની ખીજ ઉતારતાં કહ્યું. બધા હસી પડ્યા. રોજબરોજનાં યંત્રમય જીવન જીવતાં અધિકારીઓની આંખો આ દ્રશ્યને જોઈને ભીની થઈ ગઈ.

To be Continued…
Wait For Next Time


Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Nahush

Nahush 1 year ago

Balkrishna patel
Viral

Viral 1 year ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago