Aatma - 1 books and stories free download online pdf in Gujarati

આત્મા - અદ્રશ્ય અસ્તિત્વની - 1

[અસ્વીકરણ]
( સત્ય ઘટના પર આધારિત )
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************

પ્રકરણ : ૧/૫

નામ : દિશા વ્યાસ ( મૂળ નામ ફેરવેલ છે.)
વ્યવસાય : MBBS, D.G.O.
ઘટના સ્થળ : રાજકોટ
હાલ : મહુવા, જી. ભાવનગર


દિશા એ પોતાનું મેડિકલ ક્ષેત્રમાં ભણતર પૂરું કરીને તેની નિમણૂંક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થાય છે. દિશાનું મૂળ વતન મહુવા પણ સ્થળ પસંદગીમાં તેનું નામ રાજકોટ માં આવ્યું. જેથી તે રાજકોટ માં પોતાની મેડિકલ પ્રેક્ટિસ કરી રહી હતી. રાજકોટ માં તેનાં મામા રહેતાં હતાં. પણ દિશા એ વિચાર્યું કે પોતે એક રૂમ ભાડે રાખીને તે સ્વતંત્ર રહેશે. કોઈ વખત કામ હશે કે કોઈ અન્ય જરૂર પડે તો જ મામાને તકલીફ આપવી અન્યથા નહીં.

દિશાને રાજકોટમાં હવે પોણા ચાર મહિના જેવું થઈ ગયું હતું. એક વખત ની વાત છે જ્યારે દિશા હોસ્પિટલ થી તેનાં મામાનાં ઘરે કથા હોવાથી ત્યાં હાજરી આપવા જાય છે. રાત્રિ નાં આવતાં આવતાં લગભગ સાડા આઠ - નવ જેવું વાગી ગયું હશે. પોતાની રૂમ પર જઈ પોતે ફ્રેશ થાય છે અને આવતી કાલ કોઈક જરૂરી મિટિંગ હોવાથી ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કામગીરી માં લાગી જાય છે. એવાં માં તેનો દરવાજો ખખડે છે. દિશા જોવે છે કે કોઈ બહેન ઊભા છે તે દરવાજો ખોલી કહે છે, હા બહેન શું કામ છે..?

બેન, મારાં બાળક ની તબિયત ખરાબ છે એને કેટલાં પાણી નાં પોતા મૂક્યા પણ જો ને તાવ ઉતારવાનું નામ નથી લેતો.
આપ અવાર નવાર સફેદ કપડાંમાં મારે ઘર પાસેથી નીકળો છો બેન તમે હોસ્પિટલ માં કામ કરો છે એટલે અહીં આવી છું . આપ ની દયા.. તમે આવો ને મારાં બાળક ને શું થયું છે..

દિશા : બેન, હું ક્યાંક બહાર વિઝિટ નથી કરતી. હું તમને દવા લખી આપું છું કોઈ નજીક નાં મેડિકલ સ્ટોર પર થી લઈ લેજો અને એવું લાગે તો આવતી કાલે સિવિલ હોસ્પિટલ આવી બતાવી દેજો.

પણ બેન, અત્યારે હું ક્યાં દવાની દુકાન ગોતીશ..! બેન મારું ઘર બહુ દૂર નથી તમે આવો ને એને ભારે તાવ છે ઊતરતો જ નથી તમે આવીને જોઈ જશો તો મહેરબાની થશે.

ખૂબ કરગરી રહી હોવાથી દિશા અંતે તેનાં ઘરે જવા માટે તૈયાર થાય છે.

દિશા એ તેની બેગ, એક ટોર્ચ , અને ગળામાં સ્ટેથોસ્કૉપ લઈ તે અજાણી સ્ત્રી પાછળ પાછળ ચાલવા લાગે છે. રસ્તા માં દૂર દૂર સ્ટ્રીટ લાઇટ હોવાથી ટોર્ચ શરૂ કરીને આગળ વધે છે. બે ત્રણ ખાંચા વળતાં તે સ્ત્રી નું નળિયા વાળું મકાન આવે છે.
એ સ્ત્રી તેનાં પતિ ને કહે છે, જો ને બેન માંડ માંડ માન્યા.
તેનો પતિ કહે છે, આવો બેન જોવો ને શું થયું છે. દિશા ચપ્પલ બારણા પાસે ઉતારી એ બંને ની સાથે ઓરડાં માં જાય છે. તેની પત્ની પાણી નું પૂછે છે દિશા કહે છે ના.. ના બેન. પતિ પત્ની એક ખાટલા માં બેસે છે. પોતાનું બેગ અને ટોર્ચ બાજુ પર મૂકી એ ઘોડિયામાં રડતાં બાળક ને તપાસવાં માટે જાય છે.

ગળામાં રહેલ સ્ટેથોસ્કૉપની મદદ થી બાળકને તપાસવાં જાય છે. તે બાળક ની છાતી એ સ્ટેથોસ્કૉપ લઈ જાય છે પણ અહીં તો સ્પર્શ થવા ને બદલે આર પાર જતું હોય એમ લાગે છે ઘોડિયા માં બાળક સૂતું છે, રડે છે પણ તપાસ વેળા આર પાર સ્ટેથોસ્કૉપ...

તે ડરી જાય છે. તે તરત ઉભી થઈ ખાટલા પર બેઠેલાં વ્યક્તિ ને જોયાં વગર કહે છે, ઈન્જેક્શન લઈ આવી હોત તો સારું હોત બેન હું હમણાં જ આવું...

આટલું બોલી ઉતાવળા પગલે એ જેમ બને તેમ જલદી પોતાની રૂમ તરફ જવા લાગે છે. રૂમ પર પહોંચી તે સૌથી પહેલાં તેનાં મામાને ફોન કરે છે.

દિશા : હલ્લો.. હલ્લો. મામા મામા.. મામા
મામા : દિશા શું થયું કેમ રડે છે..?

દિશા તેની સાથે બનેલી ઘટના તે જ રાતે તેનાં મામા નાં ઘરે જઈને બધી વાત કરે છે. તેનાં મામા કહે છે શાંત થઈ જા, છાની રે પેલા.

વાતો કરતી વેળા તે જણાવે છે કે તે પોતાના ચપ્પલ, ટોર્ચ અને બેગ તે ત્યાં ઓરડાં માં જ મૂકી આવી છે.

તેનાં મામા કહે છે, કંઇ વિચાર્યા વગર ભગવાનનું નામ લઈ શાંતિ થી તારાં મામી જોડે તું સૂઈ જા. સવારે આપણે ત્યાં જઈશું. અત્યારે ડર્યા વગર સૂઈ જા.

બીજે દિવસે સવારે લગભગ સાડા નવ આસપાસ દિશા અને તેનાં મામા બંને પેહલાં દિશાની રૂમ પર જાય છે. તેનાં મામા કહે છે જો તો તારો એ સામાન તું ડર માં રૂમ પર જ મૂકી ને આવી ગઈ હોય....
પણ રૂમ પર સામાન મળતો નથી. દિશા અને તેનાં મામા બંને એ નળિયા વાળા ઘર તરફ આગળ વધે છે. ત્રણ ખાંચા પછી એ મકાન આવે છે. પણ આ શું..! એ મકાન ને તો ટોળું છે અને એવી હાલત માં કે જાણે છેલ્લા સાત આઠ વર્ષો થી અહીં કોઈ ના હોય એવું ધૂળ અને જાળાં થી લપેટાયેલું.

તેઓ આજુબાજુ તપાસ કરે છે, કે અહીં કોણ રહે છે. તેઓને માહિતી મળે છે કે આ મકાન તો છેલ્લાં ઘણાં વર્ષો થી આમ બંધ જ છે અહીં કોઈ નથી રહેતું. દિશા ત્યાં પણ બનેલી ઘટના લોકો ને કહે છે. તેનાં મામા કહે છે બેટા, જે થયું એ સપનું માની ભૂલી જા ચાલ હવે ઘરે.

પણ દિશા કહે છે હું આજ ઘરે આવી'તી કાલે રાતે મારો સામાન... મારાં ચપ્પલ, બેગ ટોર્ચ અંદર છે. ઘર ખોલો મારો સામાન અહીં જ છે.

તેઓ અન્ય લોકોની મદદથી તાળું ટોળે છે. બારણું વર્ષો થી બંધ હોવાના લીધે ખુલી રહ્યું નો'તું. ઘણાં પ્રયત્નો અને બળ લાગ્યાં પછી બારણું ખુલે છે.

દિશા કહે છે જોવો મામા આ એ જ ખાટલો... પેલાં ખૂણે એ જ ઘોડિયું અને આ મારાં ચપ્પલ અને ખાટલે રહેલી મારી બેગ અને ટોર્ચ...e પણ ચાલુ હાલત માં હજી છે..મામા.... મામા... ( ડર નાં કારણે દિશા રડવાં લાગે છે.)

તેનાં મામા કહે છે બેટા, બેગ માં કશું કિંમતી છે..?

મામા, તેમાં આવતી કાલે મિટિંગ માટે નાં ડોક્યુમેન્ટ કાગળો અને ૮૦૦-૯૦૦ જેવી રોકડ રકમ છે.

તેનાં મામા કહે છે, દીકરા અહીં રહેલી એક પણ વસ્તુ આપણે નથી લેવી. ચાલ હવે અહીં થી પાછા વળી જઈએ.

દિશાનાં મામા, દિશાનો રૂમ પર રહેલો સામાન લઈ તેનાં ઘરે લઈ જાય છે. દિશા હજી પણ ડર માં હોવાથી એને બીજે દિવસે સખત તાવ આવી જાય છે. એક બે દિવસ માં તબિયત સારી થતાં તે સ્થળ બદલી માટે અરજી કરે છે. જ્યારે તેને કારણ જણાવવા કહે છે ત્યારે તે ખોટું બોલે છે કે મારાં ઘરે પપ્પા ની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી હું ત્યાં નોકરી કરવા માગું છું. અરજી કર્યા નાં એક દોઢ મહિના માં તેની અરજી મંજૂર થઈ જાય છે.

આજે દિશા મહુવા માં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. પણ, જ્યારે તે આ વાત ને કોઈ અંગત સમક્ષ રજૂ કરે છે તો આજે પણ તેનો ચહેરો તેનાં શબ્દોમાં ખૂબ ડર બેઠેલો જોવા મળે છે.

જયશ્રી ક્રિષ્ના,
વાચકમિત્રો

"એવું કશું હોતું જ નથી એ માત્ર વહેમ છે " આપને સૌ આવું જ કહીએ છીએ પણ જેને અનુભવ્યું છે અને તે જ્યારે વાત રજૂ કરે છે તેની વાસ્તવિકતા સાથે ત્યારે બેઘડી રુંવાડાં બેઠાં થઈ જાય છે.

આપ સૌને આ સત્ય ઘટના કેવી લાગી..?
આપનો પ્રતિભાવ આપ મને ( Rate & Comment) દ્વારા આપશો તો મને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

આભાર સહ.

આપનો સ્નેહી,
જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

સમાપ્ત.