Ek Chutki Sindur ki kimmat - 28 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 28

એક ચુટકી સિંદૂર કી કિંમત - 28

પ્રકરણ-અઠ્યાવીસમું/૨૮

‘તારી જાણ ખાતર કહી દઉં..... દેવલને બધી જ ખબર છે.’

સંભાળતા જ જશવંતલાલ બોલ્યાં..
‘હેં...અલ્યાં ભારે કરી... આ તારી દીકરી તો તારાથી સવાઈ નીકળી હો.’

એટલે નમ્રતાથી જગન બોલ્યો..
‘મારી નહીં.. કેસરની. કોઈને ખવડાવીને રાજી થવાનો ગુણધર્મ રક્તકણમાં લઈને અવતરી છે, દેવલ. દેવની દીધેલ છે એટલે પારકાને પોતાના કરી, રાજીપામાં ખુશ રહેવાની કળા સારી રીતે આવડે છે. કોઈ અજાણ્યાંને પણ દુઃખી ન જોઈ શકે. જાત જલાવી દે પણ એક સિસકારો ન સંભળાય.એવી છે દેવલ.’

‘આટલી નાની ઉમરમાં આટલી પીઢતા અને પરિપક્વતા જોઈને એવું લાગે જાણે કે કોઈ દંતકથા સાંભળી રહ્યો છું.’ જશવંતલાલ બોલ્યાં

‘આ બધી કર્મની લીલા છે, દોસ્ત. ‘આભાર’ જેવું હથિયાર હાથવગું રાખી, કાયમ હળવો ફૂલ રહું છું. કોઈનો ‘આભાર’ માનો એટલો ભાર ઓછો. પણ તું મને તારા આભારના ભારમાંથી મુક્ત નહીં કરે.’
બોલી જગન હસવાં લાગ્યો..

‘અચ્છા, ચલ કાલે ફરી કોલ કરીશ. અને તું કયારે મુંબઈ આવવાનું વિચારે છે ?
જશવંતલાલે પૂછ્યું
‘આવીશ તો અચનાક જ આવીશ.. જાણ કર્યા વગર મળવાની મજા કંઇક અગલ હોય.’ જગન બોલ્યો..

‘હા.. એ પણ સાચું. ચલ ફોન મુકું.’

‘જી’

શયનકક્ષમાં આંખો બંધ કરી પડેલાં જશવંતલાલે મનોમન એવું વિચાર્યું કે, દેવલ એક એવા સવાલનો જવાબ છે, જે સવાલથી કંઇકની મૃત:પાય થવા જઈ રહેલી જિંદગી માટે સંજીવની સાબિત થશે. કદાચ દેવલ માનવીય સબંધોના સમીકરણોમાં કોઈ નવું શિખર સ્થાપે તો નવાઈ નહીં. અંતે આંખો મીંચતા પહેલાં જશવંતલાલે દ્રઢ પણે માન્યું કે, નક્કી દેવલ અસાધરણ વ્યક્તિત્વ છે.’


કહે છે કે, સમય સાથ આપે ત્યારે બંધ આંખે પાસા ફેંકો તો પણ સીધાં જ પડે કંઇક એ રીતે માધવાણી પરિવારની સફળતા અને પ્રગતિના ગતિની રફતાર આંખના પલકારામાં રોકેટની સ્પીડમાં વધી વિશાળ ફલકની માફક ફેલાઈ ગઈ.

નવા નિવાસસ્થાના ગૃહપ્રવેશ પહેલાં દેવલે એક અરજ કરી.. અને સૌ એ અરજનું
આદર સાથે સન્માન કરી પાલન કર્યું... અરજ હતી કે, કેશવ ભાઈ પણ આપણી સાથે નવા બંગલે એક પરિવારના સદસ્યના રૂપમાં રહેશે.

નિર્ધારિત દિવસે શુભ મૂહર્તમાં સૌ આવી પહોચ્યાં ‘માધવાણી વિલા’ માં. સરસમાન કરતાં સૂકૂનની માત્રા વધુ હતી. પ્રારબ્ધના પરિવર્તનથી સૌના હૈયે હળવાશ અને મનમાં મોકળાશ હતી. જે જાહોજલાલી માત્ર સપનામાં જોઈ હતી, હવે તેનો સ્પર્શ પણ સાંપડ્યો હતો.

હવે સૌને તાલાવેલી હતી, સવાયું સપનું સાકાર કરવાની. ‘માધવાણી વિલા’ના આંગણે આસોપાલવના લીલા તોરણ બાંધેલા માંડવેથી મંગલ શરણાઈના સૂર, મહેંદી ભર્યા હાથમાં ઉભરી આવેલાં અરમાનના રંગ સાથે મિતાલીને ખુશી ખુશી તેના સાસરીયે વિદાય આપવાની.

મહિના દિવસના અંતે એ મંગલ પરિણયની ઘડી આવી પહોંચી. પુના સ્થિત સોની સમાજના અગ્રણી અને જવેલર્સ વ્યવસાયમાં મોખરાનું નામ ધરાવતા શેઠ જવાહરલાલ ઝવેરીના પુત્ર નરેન સાથે મિતાલી એ દાંપત્યજીવન સફર પર ડગ માંડ્યા.

દેવલ અને મિલિન્દે એ હદની ઝાકળમાળ અને ધૂમધામ કરી હતી કે જાણે પરિવારના એક એક સદસ્યના શમણાંને શણગાર્યા હતાં. રજવાડી તામજામ જોઇને કનકરાયનો પૂરો સમાજ દંગ રહી ગયો. ચકાચોંધ રોશનીની ચમક અને વિદાયની વસમી ઘડીમાં સૌ એ છલકાતી આંખોએ મિતાલીને ભારે હૈયે વાળવી.
કનકરાય અને વૈશાલીબેન માટે આ જીવનના પરમઆનંદની ક્ષ્રણો હતી. એટલા ભાવવિભોર થયા જાણે જીવન સાફલ્યની શ્રેષ્ઠતમ પળોની અનુભૂતિથી તરબોળ થઈ ગયા હોય.

તો અશ્રુનો એક સૈલાબ બીજી તરફ પણ વળ્યો હતો... જયારે..
શશાંકે, વૃંદા સાથે ખુબ જિદ્દ કરી, એ પછી સહનશીલતાની સીમા તૂટતાં પોક મૂકી વૃંદા ચોધાર અશ્રુધોધ સાથે રડવા લાગી.

કારણ જાણતા એક પળ માટે શશાંકનું કાળજું ચિરાઈ ગયું અને મનોમન એક ઝીણી ચીસ પાડી ઉઠ્યો. જે જીવથી વ્હાલી દીકરીના મનગમતાં રમકડા સુદ્ધાં વિદેશથી આવતાં એ દીકરીના ચુરચુર થઇ ગયેલા એકમાત્ર સાલોણા સપનાના આઘાતથી વૃંદાનું આક્રંદ જોઈ શશાંકનું દિલ દ્રવી ઉઠ્યું.
‘પપ્પા જન્મથી જ ‘પ્રેમ’ શબ્દ મારી કરમકુંડળીમાં નથી જ લખાયો. મુકદ્દરે પણ મુદ્રણક્ષતિનું કારણ ધરી હાથ ઊંચાં કરી દીધા પછી, હવે મૃત:પાય જેવા સંબધના શબ પરની રાખ ફંફોસવાનો શું અર્થ ?’
આટલું બોલ્યા પછી વૃંદાએ

એ કારમા પ્રહારની ઘટના માટે ‘કેમ’ અને ‘કયારે’ આ બે પ્રશ્નો સિવાય કંઈપણ વાત કરવાની શરત રાખી સદમાના સિતમ પર ભષ્મ નાખી પૂર્ણવિરામ મૂકી વૃંદાએ એકલતાનો ભેખ લઇ લીધો..

ફાંસીના માંચડે ચડનાર ગુન્હેગારને નામદાર જજ સામે તેની ધારદાર વાકછટ્ટા સાથે દલીલ કરી, કાયદાના આંટીઘૂંટીની સમજણ અને અનુભવથી નિર્દોષ સાબિત કરનાર શશાંક સંઘવી આજે ખુદ લાચારીના કઠેડામાં ઊભો હતો. જિંદગી આખી પારકાને માલામાલ કરનાર સ્વયં આટલો પાયમાલ થઈ જશે એ વાત શશાંક જીરવી નહતો શકતો.

‘દુઃખનું ઓસડ દહાડા.’ એવી જૂની કહેવતની કેડી પર સૌ પોતપાતાના દમ પર મનોરથમાં સુખ દુઃખના પૈડા લગાવી ગંતવ્ય સ્થાન તરફ સમય સાથે ચાલવા લાગ્યાં.

દેવલ અને મિલિન્દ બન્ને સંગીતના રસિક જીવડાં હોવાથી દેવલે નક્કી કર્યું કે, મિલિન્દ એક અદ્યતન સંગીત વિદ્યાલય શરુ કરશે, સાથે સાથે ટોચના દરેક ફિલ્ડના પ્રોફેશનલ સિંગર્સ સાથે મળી, એક નેશનલ લેવલના ઇવેન્ટ ઓર્ગેનાઈજેશનની સ્થાપના કરશે. પણ, દેવલ મિલિન્દને ફક્ત તમામ યોજનાઓની રૂપરેખા ઘડી આપશે અને ફૂલ ટાઈમ ઘર પરિવારને આપશે, એવાં અંતિમ નિર્ણય સાથે મિલિન્દે તેના કારકીર્દીની સેકંડ ઇનિંગનું પુરજોશમાં ઓપનીંગ કર્યું. અને કેશવે તેનો ટ્રાવેલ બિઝનેશનો વ્યાપ વધારતાંની સાથે સાથે મિલિન્દના અંગત સલાહકાર તરીકે ખભાથી ખભો મેળવી પ્રગતિના પંથે પગરણ માંડ્યા.

માત્ર ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં ‘ મિલિન્દા મ્યુઝીક’ નામથી શરુ કરેલો વ્યવસાય લોક જીભે ચડી એક પ્રતિષ્ઠીત અને વિશ્વસનીય બ્રાન્ડ નેઈમ બની ગયું.

એક દિવસ મિલિન્દને એક એન.આર.આઈ. પાર્ટીની કંપનીના ઇનોગ્રેશન ઇવેન્ટ ફંક્શનની પૂર્વ તૈયારીની મીટીંગ માટે જયપુર જવાનું થયું. તે દિવસે પહેલીવાર દેવલને અચનાક શોપિંગનો મૂડ આવ્યો, એટલે કોલ કર્યો કેશવને.
‘ક્યાં છો કેશવભાઈ ?’
‘મિલિન્દા મ્યુઝીક ’ ની માયાજાળમાં અટવાઈને બેઠો છું, મિલિન્દની ચેમ્બરમાં.’
‘કેટલા વાગ્યે ફુરસત મળશે ?’
‘તમે કહો એટલે બંદા હાજીર.. બોલો શું કામ છે ? કંઈ ઈમરજન્સી ?’
‘અરે.. ના એવું કંઈ ખાસ નથી..શોપિંગ કરવા જવું છે તમે સાથે આવી શકો એમ હોય તો જ.’ દેવલ બોલી.

‘હમ્મ્મ્મ... અત્યારે ચાર વાગ્યાં છે, કલાકમાં બધું કામ નિપટાવીને પછી નીકળીએ તો ચાલશે ?
‘જી, ઠીક છે, તમે પાંચ વાગ્યે ઘરે આવી જાઓ.’
‘અચ્છા.’ એમ કહી કેશવે કોલ મુક્યો.

અલક મલકની વાતો કરતાં કરતાં આશરે પાંચ અને પચાસ મિનીટે કેશવ અને દેવલ આવી પહોચ્યાં દાદર વેસ્ટ સ્થિત સ્ટાર મોલમાં. કાર પાર્ક કર્યા બાદ સૌથી પહેલાં એન્ટર થયાં એફ.બી.બી.સ્ટોરમાં.
‘કેશવભાઈ બધા જ માટે કંઇક ને કંઇક ખરીદી કરવાનો મૂડ છે. એટલે તમારે મને પસંદગી માટે હેલ્પ કરવી પડશે.’ દેવલ બોલી
‘હું ? સાચું કહું તો દેવલબેન આ મારો વિષય નથી, અને મને શોખ પણ નથી, મને કોથમીર અને મેથી વચ્ચેનો તફાવત ખબર નથી, આ તો તમે ટાયરના માણસને શાયર બનાવવા જેવી વાત કરી.’
બોલતાં કેશવ હસવાં લાગ્યો.

‘આ તમે છટકબારી શોધો છો હો, કેશવભાઈ.’
‘હું કપડાની પસંદગી કરીશ તો સર્કસવાળા તેની બિરાદરીના સમજીને ઉઠાવી જશે.’
ફરી ટીખળ કરતાં કેશવ બોલ્યો. હવે દેવલ પણ હસવાં લાગી..

એ પછી અચાનક પાંચ મિનીટ સુધી કેશવ સાવ ચુપ થઇ ગયો. તુરંત બદલાયેલાં કેશવના ફેઈસ એક્સપ્રેશન પરથી દેવલને કંઇક અજુગતું લાગતાં પૂછ્યું..

‘શું થયું કેશવભાઈ ?
‘ના કંઈ નહીં.’
‘તો અચાનક કેમ ચહેરો સાવ માયૂસ થઇ ગયો..કંઈ યાદ આવ્યું ?
કેશવ ચુપ રહ્યો... એટલે દેવલની શંકા દ્રઢ થતાં ફરી પૂછ્યું..
‘કેશવભાઈ..એની પ્રોબ્લેમ ?
એક મિનીટ ચુપ રહ્યાં પછી... કેશવે તેના મોબાઈલમાં એક અત્યંત ખુબસુરત, આકર્ષક યુવતીના બે-ચાર ફોટોગ્રાફ્સ બતાવ્યાં.

‘સો બ્યુટીફૂલ... પણ કોણ છે આ ? અધીરાઈથી દેવલે પૂછ્યું..
એ પછી તેમનાથી પંદરથી વીસેક ફૂટ દુર ઈલેક્ટ્રીક વ્હીલચેર પર બેસેલી એક સ્હેજ દુબળી પાતળી, જુવાન છતાં આધેડ જેવી દેખાતી સ્ત્રી તરફ ઈશારો કરી દેવલને બતાવતાં કેશવ બોલ્યો...

‘જે છોકરીના ફોટોગ્રાફ્સ તમે જોયા અને સામે વ્હીલચેરમાં બેસેલી સ્ત્રીમાં શું સામ્ય છે ?’
સ્હેજ ગળગળા અવાજે કેશવ બોલ્યો..
‘કશું જ સામ્ય નથી.. બહુ ધ્યાથી જુઓ તો કદાચ એ સ્ત્રી આ છોકરીની માતા હોઈ શકે. પણ કોણ છે એ ? અને મને કેમ બતાવો છો ? અકળાઈને દેવલે પૂછ્યું

શબ્દો બહાર આવે પહેલાં કેશવની આંખોમાંથી આંસુ નીતરી આવ્યાં પછી કેશવ બોલ્યો...

‘એ વૃંદા સંઘવી છે.’ આટલું બોલી કેશવે વૃંદા તરફ તેની પીઠ ફેરવી લીધી,

એક સેકન્ડ માટે દેવલને પંડમાં જાણે વીજળીનો કરંટ પસાર થઈ ગયો હોય એવો ઝાટકો લાગી આવ્યો. ‘એ વૃંદા સંઘવી છે.’ આ વાક્ય પછી બાકીના ગળી ગયેલા શબ્દો કેશવના અશ્રુએ બયાન કરી દીધા હતાં. એક પળ માટે આંખો મીંચી, ગહન શ્વાસ ભરી દેવલ બોલી..

‘કેશવભાઈ...તમે થોડો સમય પ્રતિક્ષા કરો, હું તમને કોલ કરું પછી આપણે ફરી મળીશું.’ એમ કહી દેવલ વૃંદા તરફ ચાલવા લાગી.
એ જોઈ એકદમ કેશવ ડઘાઈ ગયો..

વૃંદાની વ્હીલચેર સામે ઊભા રહી વૃંદા તરફ હસ્તધૂનન માટે હાથ લંબાવતા દેવલ બોલી..
‘હેલ્લો... શાયદ મેં આપને પહેલાં ક્યાંય જોયાં હોય એવો અણસાર આવે છે ?
પહેલાં દેવળની હથેળી અને પછી તરત જ મોઢું ઊંચું કરી દેવલના ચહેરા સામે જોઈ વૃંદા ચુપચાપ જોયા કરી.

વૃંદાના મૌનથી દેવલને સ્હેજ ધ્રાસકો પડ્યો કે, વૃંદા તેણે ઓળખી ગઈ હશે ?
પાંચ સાત સેકંડ પછી ગર્મજોશી અને હળવાં સ્મિત સાથે દેવલની આંખોમાં જોઈ હાથ મીલાવતાં વૃંદા બોલી..
‘જી.. બની શકે, દુનિયા ખુબ નાની છે.. પણ, હમણાં થોડા સમયથી મારી સ્મરણ શક્તિ નબળી પડી ગઈ છે, એટલે કોઈ રેફરન્સ આપો તો કદાચ યાદ આવે..’

‘હમમમ...આઈ થીંક આપને મેં ગુરુકુળ સંગીત વિદ્યાલયમાં....’
હજુ દેવલ તેનું વાક્ય પૂરું કરે ત્યાં તો ગુરુકુળ સંગીત વિદ્યાલયનું નામ સંભાળતા વૃંદાને અચનાક એવી ઉધરસ ઉપડી કે, થોડીવારમાં આંખો અને ચહેરો લાલ થઈ ગયાં.. એ જોઈ દેવલ થોડી હેબતાઈ ગઈ..એટલે વ્હીલચેરની સાઈડમાં રાખેલી પાણીની બોટલ લઇ વૃંદાને પીવડાવ્યા પછી વૃંદા થોડી સ્વસ્થ થઈ.

‘આર યુ ઓ.કે.’ દેવલે પૂછ્યું..
સ્હેજ હાંફતા હાંફતા વૃંદા બોલી..
‘હા.. આઈ એમ ઓ.કે. આપની વાત સાચી છે, હું ત્યાં સંગીતના ક્લાસ એટેન્ડ કરવા આવતી હતી. આપનો પરિચય ?

બે સેકન્ડ ચુપ રહ્યાં પછી દેવલ બોલી..
‘હું માનસી.. માનસી દોશી. ગુરુકુળ સંગીત વિદ્યાલયના બીલ્ડીંગની સામે મારા મામા રહે છે.. હું અવારનવાર તેમને મળવા આવતી એ દરમિયાન મેં આપને જોયાં હતાં,’
ધ્રુજતા હાથે કપાળ પરનો પરસેવો લૂંછતાં વૃંદા બોલી..
‘માય સેલ્ફ વૃંદા સંઘવી. નાઈસ ટુ મીટ યુ.’

‘ઇફ યુ ડોન્ટ માઈન્ડ પૂછી શકું કે, આપ આ વ્હીલચેર પર શા માટે ? અને...’

માર્મિક હાસ્ય સાથે વૃંદા બોલી..
‘તકદીરના તબીબે પ્રીડીકશન સાથે આપેલા પ્રિસ્ક્રીપ્શનમાં ‘ચાલવું’ .... એ મારા માટે હાનિકારક છે, એવું લખેલું....અને હું તેના આદેશનો અનાદર કરી.. દોડવા અને ઉડવા લાગી.. તેનું આ પરિણામ છે, બસ બીજું કંઈ નથી.’

આટલું સંભળાતા દેવલ કપકપી ગઈ. છતાં મનોબળ મજબુત કરી બોલી..
‘કોઈ અકસ્માતના કારણે..આપ..’ આગળ બોલતાં દેવલ અટકી ગઈ.
‘હા, અકસ્માત થયો છે..પણ હજુ એ નિદાન નથી થયું કે, હું એ અકસ્માતની સહભાગી છું, સાક્ષી છું કે, નિમિત છું. ? તેની કળ નથી વળી એટલે વ્હીલચેર પર છું.’

‘મતલબ..’ હું કંઈ સમજી નહીં..’ દેવલે પૂછ્યું..
‘મને કોઈ શારીરિક ક્ષતિ નથી પણ, મને ગમે ત્યારે ચક્કર આવી જાય છે, એટલે હું વ્હીલચેર પર જ બેસી રહું છું.’

દેવલને લાગ્યું કે, હવે તેને ચક્કર આવી જશે.
‘હાલ હું આપને કોઈ મદદ કરી શકું ? દેવલે પૂછ્યું
ચુપચાપ થોડીવાર દેવલ સામે જોઈ રહ્યાં પછી વૃંદા બોલી..
‘સોરી.. મદદ વર્ડથી મને સખ્ત નફરત છે. હું આપને હેન્ડીકેપ લાગુ છું ?’ સ્હેજ નારાજ થઈ વૃંદા બોલી..

વૃંદાની પ્રકૃતિથી અજાણ દેવલ સિચ્યુએશન સંભાળતા બોલી..


‘ઓહ્હ.. આઈ એમ સોરી... આઈ મીન ટુ સે મે આઈ જોઈન યુ ?’
‘અને સાચું કહું તું તમારી તરફના આકર્ષણનું કારણ છે, સંગીત. મારી એકમાત્ર રુચિની સૂચિમાં ફક્ત સંગીત છે, તો તમને જોઇને એમ થયું કે કદાચ આપના તરફથી કોઈ ટીપ્સ મળી શકે.’
વૃંદા સાથે પરિચય કેળવવા દેવલે તુક્કો લગાવ્યો.
‘સંગીતની સંગત. વાહ,,ખુબ સારી વાત છે... પણ તેના વિશે હું શું ટીપ્સ આપી શકું ? હું ખુદ વિદ્યાર્થી છું.’
‘છતાં પણ મને સંગીતજ્ઞ સાથે લગાવ ખરો. તમને કદાચ અતિશયોક્તિ લાગશે પણ તમને મળીને એમ થયું કે, જાણે હું કોઈ સેલીબ્રીટીને મળી રહી છું.’

એક અરસા બાદ અચાનક કોઈ અપરિચિત સાથે આટલી આત્મીયતા સાથે સંવાદ સંધાતા વૃંદાને ખુબ સારું ફીલ થયું. એટલે હસતાં હસતાં જવાબ આપ્યો..
‘આ કંઇક વધારે પડતું થઇ ગયું એવું નથી લાગતું ?’
‘તમને માઠુ લાગ્યું હોય તો હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું બસ.’
‘અરે.. ના,, ના.. મને ગમ્યું. હું જરા મસ્તીખોર છું.. સોરી હતી..ખાસ્સા સમય પછી આજે પહેલીવાર મરી ગયેલી મસ્તીને તમે જીવિત કરી છે.’
‘માનસી, કહેશો તો ગમશે.’ દેવલ બોલી
‘તમારી પાસે સમય હોય તો સંગીતના સંવાદની શરૂઆત કોફીની ચૂસકીના સ્વાદથી કરીએ તો કેમ રહેશે, માનસી ? ‘
‘મારું અહોભાગ્ય. આવો વેલકમ.’
એમ કહી દેવલ વ્હીલચેરને પાછળથી દોરીને બન્ને આવ્યાં બાજુની કોફી શોપમાં.

‘કોફી મોકા.’
બન્ને સાથે જ બોલ્યાં, અને હસવાં લાગ્યાં. એ પછી દેવલે બે કોફીનો ઓર્ડર કર્યો..

‘મ્યુઝીક એન્ડ મોકા. સુરુચિની સમરસતા કે યોગનુયોગ ? વૃંદાએ પૂછ્યું.
‘યોગાનુયોગ. પણ હું એવું માનું છે કે, કયારેક કોઈ યોગાનુયોગમાં કોઈ પૂર્વાનુમાનનો સાંકેતિક અંદેશો પણ હોઈ શકે.’ દેવલ બોલી
‘અને એ સંકેતનું આંધળું અનુકરણ કરતાં કયારેક પૂર્વાનુમાન પોકળ પણ સાબિત થાય’ દેવલ સામું જોઈ વૃંદા બોલી.
‘પોકળ લાગતું પૂર્વાનુમાન દ્રષ્ટિભ્રમ પણ હોઈ શકે.’ દેવલ બોલી
‘માનસી, હું દિલના દ્રષ્ટિકોણથી કામ લઉં છું. દિમાગના નહીં. અને દિલના દાખલામાં બે અને બે નો સરવાળો ચાર જ થાય એ જરૂરી નથી. શૂન્ય પણ થાય.’ વૃંદા બોલી
‘અને અંતે તો શૂન્ય જ સર્વોપરી છે.. શૂન્ય વગર કોઈ અંકની શું કિંમત ?
દેવલ બોલી.
‘ગરમ ચર્ચામાં કોફી ઠંડી ઠંડી પડી જશે.’ હસતાં હસતાં વૃંદા બોલી..
બન્ને એ કોફીના મગ ઉઠાવતાં દેવલે પૂછ્યું..
‘અગર આપને દુઃખ ન લાગે તો એક વાત પૂછી શકું ?’ સ્મિત સાથે દેવલે પૂછ્યું.
‘શાયદ તમે મારા બદલાયેલા સ્વરૂપ વિશે પૂછવા માંગો છો, રાઈટ ?’
વૃંદાએ સામે પૂછ્યું.

એટલે આશ્ચર્ય સાથે દેવલે પૂછ્યું. ‘તમે કંઈ રીતે જાણ્યું ?’

‘જે મારા ભૂતકાળના રંગરૂપથી પરિચિત છે, તે સૌનો આ કોમન ક્વેશ્ચન છે.’
કોફીની ચુસ્કી ભરતાં વૃંદા બોલી.
‘ટૂંકમાં કહી દઉં આ મારા સ્મરણનો શણગાર છે, અતીતના આભુષણ છે. અને જે મજા ચુપમાં છે, તે ચર્ચામાં નથી.’
ગરમ કોફીના ઘુંટડા સાથે દેવલને વૃંદાની ભીતરની અંતર્દાહ પણ દજાડતી ગઈ.
‘ચુપકીદીનું કારણ પૂછી શકું ? દેવલે પૂછ્યું..
પાંચ થી સાત ક્ષણ ચુપચાપ દેવલની સામું જોઈ રહ્યાં પછી વૃંદા બોલી..

‘મારી ચુપકીદીએ મારી વાચા હણી લીધી છે, જે મૌનનો ચિત્કાર જે સાંભળી શકે, એ જ સમજી શકે.’

‘મતલબ તમને આશા છે કે, કોઈ તો મૌનના મર્મનો અનુવાદ કરશે. જેમ શ્રાપિત અહલ્યાના પાષાણને રામના ઠોકરની પ્રતિક્ષા હતી એમ.’ દેવલે પૂછ્યું
એકીટસે દેવલની આંખોમાં જોઈ રહ્યાં પછી હળવા સ્મિત સાથે કોફીનો અંતિમ ઘૂંટડો ભરતા વૃંદા બોલી..
‘હવે મને એવું લાગે છે કે, હું કોઈ સેલીબ્રીટીને મળી રહી છું.’
‘ઓહ્હ.. કેમ..? ’ અચરજના ઉદ્દગાર સાથે દેવલે પૂછ્યું.
‘મુખપૃષ્ઠ પરથી તે મહાનિબંધ જેવી નવલકથાનો સચોટ સારાંશ કહી આપ્યો એટલે.’
વૃંદાએ જવાબ આપ્યો.
‘તો હું આશા રાખું છું કે, મને નવલકથાના કિસ્સાથી અવગત કરાવવાનો અવસર આપશો.’
‘એક શરત પર.’ વૃંદા બોલી
‘કબૂલ.’ તરત જ દેવલ બોલી.
‘અરે.. પણ શરત સાંભળ્યા વગર જ ? આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું
‘હા, કારણ કે મને કશું ગુમાવવાનો ડર નથી એટલે.’ આત્મવિશ્વાસથી દેવલ બોલી

સણસણતા તીર જેવા સચોટ ઉત્તરથી વૃંદાનું ચિત્ત પ્રભાવિત અને પ્રસન્ન થઈ ગયું. કોઈ ટક્કરનું મળ્યું છે, એવો અહેસાસ થયો. દેવલના શબ્દો સાંભળતા વૃંદાને પહેલીવાર એવું મહેસુસ થયું જાણે કોઈ મરહમ દર્દની શોધમાં હોય.

‘ઓ.કે ચલો, શરતને સ્કીપ કરીએ...શરત હતી તારા પરિચયની, જે મને તારા પ્રત્યુતરમાં મળી ગયો. અને હવે હું રજા લઈશ નહીં તો ગ્રાન્ડ ડીનર લેવાનો સમય વીતી જશે.’
‘ગ્રાન્ડ ડીનર.. મતલબ કોઈ પાર્ટી એટેન્ડ કરવા જઈ રહ્યાં છો ? દેવલે પૂછ્યું
‘અરે..ના મારું તો બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર ત્રણેય ગ્રાન્ડ જ હોય... ત્રણ ટાઈમ મળીને આશરે ૩૦ થી ૩૫ મેડીસીન્સ ગળવાની હોય... અને એ જ મારી ખુબસુરતીનું રહસ્ય.’ આટલું બોલી વૃંદા હસતી રહી અને દેવલ થીજી ગઈ.

નીકળતાં વૃંદાએ તેનો મોબાઈલ નંબર દેવલ સાથે શેર કર્યો.. એટલે દેવલ બોલી..
‘પ્લીઝ વન મિનીટ. એક સેલ્ફી હો જાયે.’
‘ઓહ.. શ્યોર..’

દેવલે તેના મોબાઈલમાં ચારથી પાંચ સેલ્ફી ક્લિક કર્યા અને પછી બન્ને છુટ્ટા પડ્યા.

આંખોથી ઓઝલ ન થઇ ત્યાં સુધી દેવલ બૂત બની વૃંદાને નિહાળ્યા કરી.દેવલને થયું કે. વૃંદાના કિસ્સાને દફન કરી તે ખુબ મોટી ભૂલ કરી બેસી. ઊંડે ઊંડે દેવલ દોષભાવથી પીડવા લાગી. સત્ય સામે આંખ મિચામણા કરી, સમયના વ્હેતા જળમાં વિસર્જિત કરેલા અતીત સ્મરણના અવશેષ આજે વેદનાનું વટવૃક્ષ બની વ્હેતા જળને અવરોધતા હતાં. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી, કેશવને કોલ કરી, બન્ને કારમાં ગોઠવાયાં તો ખરા પણ બન્ને દહેકતી દાસ્તાનના દરવાજે કોણ પહેલાં દસ્તક મારે એ અસમંજસમાં હતાં.

કાર પાર્કિંગમાંથી બહાર કાઢી હાઇવે પર લાવી વાર્તાલાપની શરૂઆત કરતાં કેશવે બોલ્યો.
‘માફ કરજો, દેવલબેન મારાથી ન રહેવાયું એટલે ઉલ્લેખ કરવો પડ્યો.તમે વૃંદા મેડમના નામથી પરિચિત છો, તે વાતની મને જાણ હોવા છતાં કયારેય એ મુદ્દાને છંછેડવાની હિંમત નથી કરી. અને આજે આશરે ચારેક મહિના પછી મેં વૃંદા મેડમને પહેલીવાર અને આ હાલતમાં જોયાં એટલે...’
આગળના શબ્દો કેશવના ડૂમો ભરાયેલા ગળામાં ગરકાવ થઇ ગયાં.
કેશવ કરતાં દેવલની મનોસ્થિત વધુ દયનીય હતી. છતાં કાળજું કઠણ કરી, દિલ અને દિમાગ વચ્ચે દેવલે, લેવલ જાળવી ભવિષ્યની પરિસ્થિતિનો તાગ મેળવતાં હળવેકથી બોલી..

‘કેશવભાઈ, મને એક અજાણ્યુ નામ ધરાવતા વ્યક્તિના સીમકાર્ડની વ્યવસ્થા કરી આપો.’

‘કેમ અજાણ્યું નામ ? આશ્ચર્ય સાથે કેશવે પૂછ્યું.
‘કેમ કે આપણા સર્કલના સૌના નામથી વૃંદા પરિચિત છે, અને જો ટ્રુ કોલરના માધ્યમથી તે કોઈનું નામ તેની સ્ક્રીન પર આવશે તો, મારી ઓળખ છતી થઇ જશે.’

‘મતલબ તમે તમારી નવી ઓળખ...’ કેશવ આગળ બોલે એ પહેલાં દેવલ બોલી...

‘માનસી દોશી. વૃંદા મને માનસીના નામથી ઓળખશે. અને તમારે મને આવતીકાલે કલાકનો સમય ફાળવવાનો પડશે. અને બીજી એક ખાસ વાત...માનસી દોશીના પાત્રનો પરિચય તમારા સુધી જ સીમિત રાખજો. સમજી ગયાં ?

‘જી. તમે બેફીકર રહો.’ કેશવે જવાબ આપ્યો

‘મને સીમકાર્ડ કયારે મેળવી આપશો ?’ દેવલે પૂછ્યું
‘હમણાં કલાકમાં જ.’ આટલું બોલતાં કેશવે બંગલામાં કાર એન્ટર કરી, ઘરના મુખ્ય દરવાજા સામે થંભાવી. દેવલ ઉતરી જતાં કેશવ કારનો યુ ટર્ન મારી ફરી નીકળી ગયો.
ઘરેથી નીકળી ત્યારે શોપિંગના મૂડમાં ખુશખુશાલ દેવલ ઘરે પરત આવતાં સુધીમાં ખટરાગની ખુબ ખરીદી કરીને આવી હતી.

ભારે હૈયે છુટ્ટા પડતાં દેવલે ઘરમાં દાખલ થતાં ચહેરા પર પ્રસન્નતાનું મોહરું પહેરી લીધું.


‘માનસી દોશી... ઇન્ટરેસ્ટીંગ કેરેક્ટર.’
હાસ્ય સાથે એવું મનોમન બોલ્યાં પછી વૃંદા તેના બેડરૂમમાં આરામ ખુરશી પર સૂતા સૂતા વિચારવા લાગી. ત્વરિત અનુમાનનો અનુવાદ કરવાની માનસીની છટ્ટા વૃંદાને સ્પર્શી ગઈ. પળમાં પારકાને પોતાના હોવાની પ્રતીતિ કરવાની કળામાં માનસીની મહારત ઉડીને આંખે વળગે તેવી હતી. ખુબ વિચાર મંથનના અંતે વૃંદાને એવું લાગ્યું કે, તેને માનસી તરફથી પઝલ જેવા જે પોઝીટીવ વાઈબ્સ મળી રહ્યાં હતા તે તરંગો હકરાત્મક દિશા તરફના કોઈ ગર્ભિત સંકેત આપી રહ્યાં હતાં એવી અનુભૂતિ ઊંડે ઊંડે વૃંદાને થઇ રહી હતી.

પંદરથી વીસ મિનીટ ઠંડા પાણીથી શાવર બાથ લીધા બાદ, દેવલના દિમાગને શાંતિ અને શીતળતાનો અહેસાસ થયો. દેવલ ડીનર લઇ, બેડરૂમમાં આવે ત્યાં સુધીમાં કેશવ ચુપચાપ સીમકાર્ડ આપી તેના રૂમમાં જતો રહ્યો હતો.


કેશવના મોબાઈલમાં જોયેલાં વૃંદાના ફોટોગ્રાફ્સ અને સપીમ સાનિધ્યની વૃંદા વચ્ચે પૂર્વ, પશ્ચિમ જેવા શારીરિક તફાવત કરતાં ધરમૂળથી ધમરોળાયેલી વૃંદાની માનસિકતાનો ચિતાર કોઈ ચિંગારીના દહનથી કમ નહતો. મિલિન્દથી વિખૂટા પડ્યાના માનસિક ઘર્ષણના તણખલાંથી ભભૂકેલી આગમાં વૃંદાના મૌનનું ઇજન ભળતાં, એ તણખલાંએ અગનજ્વાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મૌન પણ કેવું અગાથ અને ગહન સાગરના તળ જેવું. પારાવાર પસ્તાવા સાથે ઊંડો નિસાસો નાખતાં દેવલ મનોમન બોલી, કાશ.....લગ્નની પ્રથમ રાત્રીએ અજાણતાંમાં વૃંદાએ કરેલા કોલની ગંભીરતાના મૂળમાં જઈ, કોઈ ઠોસ નિર્ણય લીધો હોત તો વૃંદાએ તેની જાતને એલાક્તાના હવનકુંડમાં હોમીને અરમાનોની આહુતિ ન આપી હોત. કઈ હદે સ્વયંને લાગણીથી અછૂત રાખી હશે કે, તેની પ્રીતની પીડાના પડછાયાનું પગેરું પણ કોઈને ન મળ્યું. ? અને, હું....દેવલ સંઘવી, મિસિસ માધવાણી ધર્મરાજ યુધિષ્ઠિરની ભૂમિકા ભજવવાના કેફમાં મિલિન્દના પરિવારનો પ્રેમ અને પ્રગતિથી પોરસાઈને બે વેંત અધ્ધર ચાલવાની કોશિષ કરવા લાગી. કોના ભોગે ? ગગનચુંબી સફળતાના પાયામાં કોણ દટાયું ? સૌના સ્મિત પાછળ કોનું છાનું રુદન છુપાયેલું છે ? ખડખડાટ હાસ્ય પાછળ કોના ડૂમા અને ડૂસકાં ડૂબી ગયાં ? ધિક્કાર છે, ફિટકાર છે મારી જાત પર એક સ્ત્રી હોવા છતાં એક સ્ત્રીના સદમાના સિસકારાનો મને અંદાજ સુધ્ધાં કેમ ન આવ્યો ? મારા મા-બાપનું રક્ત મને આટલી નિષ્ઠુર તો ન જ બનાવી શકે ?
મિલિન્દે ભરેલા એક ચુટકી સિંદૂરની કિંમત કોઈ તેની જાત જલાવીને ચૂકવી રહ્યું છે ? આ વૃંદાના ભાગનું સૌભાગ્ય સિંદૂર છે ? જે લાગવું છું હું, અને કિંમત ચુકવે છે વૃંદા ? એક ચુટકી સિંદૂરના અધૂરા અરમાનની અવેજીમાં આખું આયખું એકલતાનો ભેખ લઇ લેવાનો ?
લગ્ન પછી પહેલીવાર કઠોર દેવલના કોમળ ગાલ પરથી ઊનાં ઊનાં અશ્રુ નીતરતાં રહ્યાં. એક પણ સિસકારો કે ડૂસકાં વગર બસ ચુપચાપ રડ્યાં કરી.

જાતને વચન આપ્યું કે, કમ સે કમ વૃંદાને તેનું ખોવાયેલું સ્મિત પરત નહીં આપું ત્યાં સુધી જંપી ને નહીં બેસે.

થોડીવાર પછી સ્વસ્થ થઇ, કોલ લગાવ્યો દેવલને... સમય હતો રાત્રીના સાડા દસનો.

અનનોન નંબર જોઈ કોલ ઉઠાવતાં જ વૃંદા બોલી..
‘ફરમાવો...માનસી દોશી..’

-વધુ આવતાં અંકે..

Rate & Review

Krishvi

Krishvi Matrubharti Verified 10 months ago

Viral

Viral 1 year ago

vasudev panchal
Yogesh Raval

Yogesh Raval 1 year ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago